બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મંદીને બ્રેકઃ નિફ્ટીએ 22000ની સપાટી પરત મેળવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા વૃદ્ધિ સાથે 18.47ના સ્તરે બંધ
વૈશ્વિક બજારોમાં પણ અન્ડરટોન મજબૂત
પીએસઈ, મેટલ, એફએમસીજી, ફાર્મા, ઓટોમાં મજબૂતી
આઈટી, બેંકિંગ, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પરત ફરેલી ખરીદી
હિંદુસ્તાન ઝીંક, હનીવેલ, પોલીકેબ, એસ્ટ્રાલ નવી ટોચે
એલટીઆઈમાઈન્ડટ્રી, દાલમિયા ભારત, ઝી એન્ટર., બર્ગર પેઈન્ટ્સ નવા તળિયે
ભારતીય શેરબજારમાં સતત પાંચ સપ્તાહની મંદીને બ્રેક લાગી હતી. શુક્રવારે બેન્ચમાર્ક્સ ઊંચી વધ-ઘટ પછી લગભગ અડધા ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 260 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 72664 જ્યારે નિફ્ટી 98 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22055ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3931 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2142 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1678 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 117 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવ્યું હતું. જ્યારે 45 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ વધુ 1.5 ટકા મજબૂતી સાથે 18.47ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. શરૂઆતી દોરમાં બેન્ચમાર્ક નિફ્ટી ઉછળી 22131ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, એક તબક્કે તે ફરી 22000ની નીચે ઉતરી ગયો હતો. જ્યાંથી પરત ફરી 22 હજાર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 72 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22127ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 115 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આનો અર્થ લોંગ પોઝીશનમાં લિક્વિડેશન થયું છે. જે સાવચેતીનો સંકેત છે. નિફ્ટીને 21730નો સપોર્ટ છે. જ્યારે ઉપર 22200નો અવરોધ છે. એકવાર માર્કેટ 22400ની સપાટી પાર કરે પછી નવી લોંગ પોઝીશન લઈ શકાય. 21700ની સપાટી તૂટશે તો 21400 સુધીનો ઘટાડો સંભવ છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, આઈટીસી, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એચયૂએલ, એચડીએફસી લાઈફ, તાતા મોટર્સ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ટાઈટન કંપનીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ટીસીએસ, સિપ્લા, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા, વિપ્રો, એમએન્ડએમ, શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, એચસીએલ ટેક્નોલોજી, લાર્સનમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, મેટલ, એફએમસીજી, ફાર્મા, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, બેંકિંગ, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મેટલમાં પણ 1.5 ટકા મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજીએ 1.2 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. નિફ્ટી ફાર્મા 1 ટકો સુધર્યો હતો. નિફ્ટી ઓટો પણ એક ટકા મજબૂત જોવા મળ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી આઈટી 0.8 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી બેંક પણ નેગેટિવ બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો યૂપીએલ, પોલીકેબ, મણ્ણાપુરમ ફાઈ., ડો. લાલ પેથલેબ્સ, બીપીસીએલ, હિંદ કોપર, એસ્ટ્રાલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, વેદાંત, મૂથૂત ફાઈનાન્સમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, બિરલાસોફ્ટ, બેંક ઓફ બરોડા, ગોદરેજ પ્રોપર્ટી, એસીસી, મહાનગર ગેસ, સીજી કન્ઝ્યૂમર, ટીસીએસમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં જ્યુપિટર વેગન્સ, હિંદુસ્તાન ઝીંક, વિજયા ડાયગ્નોસ્ટીક્સ, હનીવેલ, પોલીકેબ, એસ્ટ્રાલ, વી-ગાર્ડ, એસ્કોર્ટ્સ કુબોટા, ઝોમેટો, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, હીરો મોટોકોર્પમાં ખરીદી જોવા મળી હતીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, દાલમિયા ભારત, ઝી એન્ટર., બર્ગર પેઈન્ટ્સ નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
બેંક ઓફ બરોડાએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 4886 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
બેંકના બોર્ડે પ્રતિ શેર રૂ. 7.6ના ડિવિડન્ડની કરેલી જાહેરાત
બેંકની ગ્રોસ એનપીએ 3.79 ટકા પરથી ઘટી 2.92 ટકા પર રહી
જાહેર ક્ષેત્રની ટોચની બેંક એવી બેંક ઓફ બરોડાએ માર્ચ ક્વાર્ટ માટે રૂ. 4886 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 2.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4775 કરોડનો નેટ પ્રોફિટ જોવા મળ્યો હતો.
બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષના 3.79 ટકા પરથી ગગડી 2.92 ટકા પર રહી હતી. નેટ એનપીએ પણ 0.89 ટકા પરથી ઘટી 0.68 ટકા પર રહી હતી. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 11,793 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11,525 કરોડ પર હતી. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ગયા વર્ષના 3.31 ટકા પરથી ગગડી 3.18 ટકા પર જોવા મળ્યાં હતાં.
કુલ ડોમેસ્ટીક ડિપોઝીટ્સ રૂ. 11.28 લાખ કરોડ પર રહી હતી. જે વાર્ષિક 7.7 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. જ્યારે સ્થાનિક એડવાન્સિસ 12.9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8.98 લાખ કરોડ પર રહ્યાં હતાં. ગયા વર્ષે તે રૂ. 7.95 લાખ કરોડ પર જોવા મળતાં હતાં.
શુક્રવારે બેંક ઓફ બરોડાનો શેર 2.67 ટકા ગગડી રૂ. 255.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાતા મોટર્સનો માર્ચ નફો ત્રણ ગણો ઉછળી રૂ. 17407 કરોડ રહ્યો
કંપનીની આવકમાં વાર્ષિક 13 ટકા વૃદ્ધિ નોંધાઈ
તાતા જૂથની તાતા મોટર્સે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 17407 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 222 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 13 ટકા વધી રૂ. 1.20 લાખ કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.06 લાખ કરોડ પર હતી. કંપનીએ એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં વધુ સારા પરિણામ દર્શાવ્યાં હતાં. એનાલિસ્ટ્સ રૂ. 7084 કરોડના નફાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. કંપનીની આવક 15 ટકા વધી રૂ. 1.22 લાખ કરોડ રહેવાની અપેક્ષા હતી.
જોકે, તાતા મોટર્સે જણાવ્યું હતું કે 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટેની માગ ધીમી રહેવાની અપેક્ષા છે. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 6.2ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ એપ્રિલ 2024માં કુલ 77521 યુનિટ્સ વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 69,599 યુનિટ્સ પર હતું.
માર્ચ માટેનો IIP 4.9 ટકા પર જોવા મળ્યો
ગયા વર્ષે સમાનગાળામાં તે 5.8 ટકા પર જળવાયો હતો
માર્ચ મહિનામાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન(આઈઆઈપી) 4.9 ટકા પર જોવા મળ્યો હતો. જે ફેબ્રુઆરીમાં 5.7 ટકા પર જળવાયો હતો. જ્યારે ગયા વર્ષે સમાનગાળામાં 1.9 ટકા પર હતો એમ કેન્દ્રિય સ્ટેસ્ટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે જણાવ્યું હતું.
નાણા વર્ષ 2023-24 માટે આઈઆઈપી 5.8 ટકા પર રહ્યો હતો. જે અગાઉના વર્ષે 5.2 ટકા પર જોવા મળતો હતો. માર્ચ, 2023માં દેશનો આઈઆઈપી 1.9 ટકા પર નોંધાયો હતો. આમ, ચાલુ વર્ષે તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.
Market Summary 10/05/2024
May 10, 2024