Market Summary 10/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સ્તરે તેજી પાછળ શેરબજારમાં મજબૂતી પાછી ફરી
નિફ્ટીએ 19600ની સપાટી કૂદાવી
જાપાન, હોંગ કોંગના બજારોમાં ઊંચી લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સસ 1.2 ટકા ગગડી 11.27ના સ્તરે
મેટલ, પીએસઈ, ઓટો, બેંકિંગ, એનર્જીમાં ખરીદી
મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે લેવાલી
ગોડફ્રે ફિલિપ, સોભા, કોલ ઈન્ડિયા નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સમાં નવું તળિયું

સપ્તાહની શરૂઆતમાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેની તંગદિલી પાછળ તૂટેલાં શેરબજારોમાં મંગળવારે મજબૂતી પરત ફરી હતી. નીચા મથાળે રોકાણકારોની ખરીદી નીકળતાં ભારત સહિત જાપાન અને હોંગ કોંગના બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 567 પોઈન્ટ્સ ઉછળી 66079ની સપાટીએ જ્યારે નિફ્ટી 178 પોઈન્ટ્સના સુધારે 19690ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3789 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2553 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1103 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. નોંધપાત્ર સમયગાળા પછી બ્રેડ્થ આટલી મજબૂત જોવા મળી હતી. 234 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.2 ટકા ગગડી 11.27ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સતત નવી ટોચ દર્શાવતું રહ્યું હતું. બેંચમાર્ક નિફ્ટી અગાઉના 19512ના બંધ સામે 19666ની સપાટીએ ખૂલી ઉપરમાં 19718 પર ટ્રેડ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19746ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 10 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આમ માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જે બજારમાં મજબૂતી જળવાય રહેવા માટેનો સારો સંકેત છે. જોકે, જ્યાં સુધી નિફ્ટી 19800ની સપાટી પર બંધ આપે નહિ ત્યાં સુધી નવી ખરીદી ટાળવી જોઈએ. લોંગ ટ્રેડર્સ 19500ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકામાં કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોટક મહિન્દ્રા, તાતા મોટર્સ, એસબીઆઈ લાઈફ, યૂપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ અને એક્સિસ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, પીએસઈ, ઓટો, બેંકિંગ, એનર્જી સહિત સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યો હતો. જેમાં કોલ ઈન્ડિયા, એનએમડીસી, મોઈલ, નાલ્કો, સેઈલ, જિંદાલ સ્ટીલનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી પીએસયૂ બેંક્સ પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સેન્ટ્રલ બેંક, યુનિયન બેંક, આઈઓબી, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, જેકે બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પીએનનબી અને કેનેરા બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.8 ટકા ઉછળ્યો હતો. જેમાં કોલ ઈન્ડિયા, એનએમડીસી, પાવર ફાઈનાન્સ, ભેલ, આરઈસી, નાલ્કો, સેઈલ, ઓઈલ ઈન્ડિયામાં મજબૂત ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.25 ટકા ઉછળ્યો હતો. જેમાં મધરસન સુમી, બોશ, ભારત ફોર્જ, તાતા મોટર્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટોમાં સુધારો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સિટી યુનિયન બેંક 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એસ્કોર્ટ્સ કુબોટા, ગોદરેજ પ્રોપર્ટીઝ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, ઈન્ડુસ ટાવર્સ, બિરલાસોફ્ટ, ચંબલ ફર્ટિલાઈઝર, પાવર ફાઈનાન્સ, હિંદ કોપર, શ્રીરામ ફાઈનાન્સ, ડીએલએફ, ભેલ, આરઈસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ મેટ્રોપોલીસ, ટ્રેન્ટ, જ્યુબિલિન્ટ ફૂડ, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, અબોટ ઈન્ડિયા, કોન્કોર, ઈન્ડસઈન્ડ બેંક, નવીન ફ્લોરિન અને આઈજીએલમાં ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ગોડફ્રે ફિલિપ, સોભા, કોલ ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટા, પ્રેસ્ટીજ એસ્ટેટનો સમાવેશ થતો હતો. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સમાં નવું તળિયું જોવા મળ્યું હતું.

ચીનના EV સ્ટાર્ટઅપ WM મોટરે નાદારી માટે ફાઈલ કર્યું
ચાઈનીઝ ઈલેક્ટ્રીક વેહીકલ સ્ટાર્ટઅપ ડબલ્યુએમ મોટરે નાદારી માટે ફાઈલીંગ કર્યું છે. વિશ્વમાં સૌથી મોટા ઓટો માર્કેટમાં ભાવને લઈને તીવ્ર સ્પર્ધાને કારણે ઈવી ઉત્પાદકોમાં અગ્રણી સ્ટાર્ટઅપનો ભોગ લેવાયો છે. કંપની તરફથી શાંઘાઈના સ્ટાર માર્કેટ અને હોંગ કોંગ ખાતે લિસ્ટીંગના અગાઉના બે નિષ્ફળ પ્રયાસો પછી આ પગલાને બચવા માટે મહત્વનું ગણાવાઈ રહ્યું છે. 2015માં જાણીતા ઓટો વેટરન ફ્રિમેન શેને સ્થાપેલી ડબલ્યુએમ મોટર ચીનના ઈવી સ્ટાર્ટઅપ્સમાં અગ્રણી હતી. તેના સમર્થકોમાં ચીનનો ટેક જાયન્ટ બાઈડુ અને શાંઘાઈ સરકારના એસેટ રેગ્યુલેટરનો સમાવેશ થાય છે. જોકે, તેમ છતાં સ્ટાર્ટઅપ જંગી મૂડી ધરાવતાં ઓઠો સેક્ટરમાં પ્રોફિટ નોંધાવવા માટે સંઘર્ણ કરી રહી હતી. ડબલ્યુએમ મોટર્સની 2021 સુધીના ત્રણ વર્ષઓમાં નાણાકિય ખોટ વધી 1.13 અબજ ડોલર પર જોવા મળી હતી.

સ્થાનિક લોન માર્કેટ્સમાં વિદેશી બેંક્સના હિસ્સામાં સતત ઘટાડો
સપ્ટેમ્બર 2022માં ઈન્ક્રિમેન્ટલ ક્રેડિટમાં ફોરેન બેંક્સનો હિસ્સો 0.1 ટકાના તળિયા પર પહોંચ્યો
એપ્રિલથી સપ્ટેમ્બર 2023 વચ્ચે વિદેશી બેંક્સનો કુલ ક્રેડિટ ગ્રોથ માત્ર 0.4 ટકા પર જોવા મળ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજા મોનેટરી પોલિસી રિપોર્ટ મુજબ વિદેશી બેંકિંગ સંસ્થાઓ ભારતીય ક્રેડિટ માર્કેટથી અળગી જોવા મળે છે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ સ્થાનિક બજારમાં ઈન્ક્રિમેન્ટલ ક્રેડિટમાં ફોરેન બેંક્સનો હિસ્સો સપ્ટેમ્બર 2022માં 0.1 ટકાના સૌથી નીચા લેવલ પર જોવા મળ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 2.6 ટકા પર જોવા મળ્યો હતો.
એક પ્રાઈવેટ બેંકના સીઈઓના મતે આ ઘટનાથી તેમને કોઈ આશ્ચર્ય નથી થયું. વિદેશી બેંક્સમાંથી માંડ એકાદ-બે બેંક્સ કોન્સોર્ટિયમમાં ભાગ લેતી જોવા મળે છે. તેમજ જો તેઓ કોન્સોર્ટિયમમાં ભાગ પણ લે છે તો તેઓ છેલ્લા કેટલાંક વર્ષોની માફક મોટું ધિરાણ કરવાથી ખચકાટ ધરાવે છે. કોર્પોરેટ લેન્ડિંગ બિઝનેસમાં વિદેશી બેંકો ભારતમાં સક્રિય બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કામ કરવાનું પસંદ કરે છે. તેમજ તે સ્થાનિક લાર્જ કોર્પોરેટ્સ અથવા કોંગ્લોમેરટ્સ સાથે કામ કરવાનું જ પસંદ કરે છે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ મહામારી પછી ભારતમાં તેમના બિઝનેસનું વિસ્તરણ નથી કર્યું કે તેમને ભારતમાં કોઈ નવી ટર્મ લોન્સની જરૂરિયાત ઊભી નથી થઈ. જેને કારણે સ્થાનિક લેન્ડિંગ માર્કેટમાં વિદેશી બેંક્સનો બિઝનેસ મંદ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત 2021ની મધ્યથી ક્રેડિટ માર્કેટમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. જે અટકવાનું નામ નથી લઈ રહી. જે પણ વિદેશી બેંક્સને પસંદગી મુજબની કામગીરી પૂરતી જ મર્યાદિત રાખી રહી છે. આરબીઆઈના આંકડા મુજબ વિદેશી બેંક્સની ભારતીય બોરોઅર્સને લોન 2021-22માં ઘટીને 3.8 ટકા પર નોંધાઈ હતી. જે પ્રમાણ 2020-21માં 4.2 ટકા પર હતું. એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023 દરમિયાન વિદેશી બેંક્સનો કુલ ક્રેડિટ ગ્રોથ માત્ર 0.4 ટકા પર જોવા મળ્યો હતો. જે ભારતીય ક્રેડિટ માર્કેટના 15.3 ટકાના ક્રેડિટ ગ્રોથની સરખામણીમાં નગણ્ય હતો. 2022-23માં જોઈએ તો વિદેશી બેંક્સનો ક્રેડિટ ગ્રોથ 4.4 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે ક્રેડિટ માર્કેટ ગ્રોથ 15.4 ટકા પર હતો.
મોટાભાગની વિદેશી બેંક્સ ભારતમાં એક શાખા તરીકે કામ કરે છએ. જેમકે ડિબીએસ બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ મોરેશ્યસ તેમની પેરન્ટ બેંકની સબસિડિયરીઝ તરીકે કામ કરે છે. મોટાભાગની વિદેશી બેંકને લોનની મંજૂરી તેમના મુખ્યાલય ખાતેથી આપવામાં આવે છે. જેન કારણે રિસ્ક ફ્રેમવર્ક અને ક્રેડિટ પોલિસી એ મુજબ જોડાયેલી હોય છે. કેટલીક ફોરેન બેંક્સ માટે ચાલુ વર્ષે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ વધીને 0.5-1 ટકા પર જોવા મળી હતી. જેને કારણે તેમના મુખ્યાલયો તરફથી તેમના પર તવાઈ પણ આવી હતી.

ભારતીય ક્રેડિટ માર્કેટમાં ફોરેન બેંક્સનો હિસ્સો
નાણા વર્ષ હિસ્સો(ટકામાં)
2017-18 4.0
2018-19 4.1
2019-20 4.2
2020-21 3.9
2021-22 3.8

EDએ વિવોના ચાર અધિકારીઓની ધરપકડ કરી
એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટની દિલ્હી ઓફિસે પૂછપરછ માટે બોલાવી અટકાયત કરાઈ

દેશના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક વિવોના ચાર અધિકારીઓની મંગળવારે ધરપકડ કરી હતી. જેમાં એક ચાઈનીઝ નાગરિકનો સમાવેશ પણ થાય છે એમ બે જાણકાર વર્તુળોનું કહેવું છે. આ ધરપકડ ચાઈનીઝ ફોન ઉત્પાદક કંપની માટે કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ભારત-ચીન વચ્ચે સરહદ પર વિવાદ વચ્ચે તણાવ વચ્ચે સરકાર તરફથી ચાઈનીઝ બિઝનેસિસ અને ઈન્વેસ્ટમેન્ટ પર ચાંપતી નજર નાખવામાં આવી રહી છે. વર્તુળના જણાવ્યા મુજબ વિવોના અધિકારીઓને ઈડીની દિલ્હી ઓફિસ ખાતે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જ્યારપછી તેમની અટકાયત કરાઈ હતી. તેમને મંગળવારે મોડેથી કોર્ટમાં રજૂ કરાશે એમ વર્તુળે ઉમેર્યું હતું. 2022માં ઈડીએ વિવો ઈન્ડિયાના બિઝનેસ સાથે જોડાયેલા 119 બેક એકાઉન્ટ્સ બ્લોક કર્યાં હતાં. જોકે, પાછળથી કોર્ટે આ બ્લોકને દૂર કર્યું હતું.
ભારતીય પોલીસે વિવો મોબાઈલ તથા અન્ય ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક ઝાઓમી કોર્પ પર ચાઈનીઝ પ્રોપેગન્ડાના પ્રચાર માટે ન્યૂઝ પોર્ટલને ગેરકાયદે ફંડ ટ્રાન્સફરનો ઔપચારિક આરોપ મૂક્યો હોવાનું શુક્રવારે દસ્તાવેજોમાં જોવા મળ્યું હતું. જેની હાલમાં તપાસ ચાલી રહી છે.

અંબુજા સિમેન્ટ્સ માટે 3.5 અબજ ડોલરની લોન માટે બેંક્સની મંજૂરી
મંજૂરી આપનાર બેંક્સમાં બાર્ક્લેઝ, ડોઈશે બેંક એજી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો સમાવેશ

અંબુજા સિમેન્ટ્સની ખરીદી માટે અદાણી ગ્રૂપે લીધેલી લોનને રિફાઈનાન્સ કરવા માટે અદાણી જૂથ 3.5 અબજ ડોલરની સિન્ડિકેટેડ લોન માટે આગળ વધી રહ્યું છે. આ સિન્ડેકેટેડ લોનમાં દરેક બેંક 25 કરોડ ડોલરની લોન પૂરી પાડવાની મંત્રણા યોજી રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ સિન્ડિકેટમાંની કેટલીક બેંકે લોન માટે આંતરિક મંજૂરી આપી દીધી છે. આવી ત્રણ બેંક્સમાં બાર્ક્લેઝ, ડોઈશે બેંક એજી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો સમાવેશ થાય છે. તેઓ મોટા કોન્સોર્ટિયમનો ભાગ છે. કેટલીક સંસ્થાઓ 40 કરોડ ડોલર સુધીના ધિરાણ માટે તૈયાર હોવાનું વર્તુળોનું કહેવું છે. આ લોન ડિલ ચાલુ વર્ષ માટે એશિયાના સૌથી મોટા લોન ડિલ્સમાંનું એક બની રહેશે એમ બ્લૂમબર્ગે નોંધ્યું હતું. જોકે, બેંક્સના ગ્રૂપની સ્થિતિ અંગે કોઈ નવી માગિતી પૂરી પાડવામાં આવી નહોતી.
પૂરા થવાની નજીક પહોંચી રહેલું આ ડિલ પોર્ટ્સથી ગ્રીન એનર્જી સેક્ટરમાં બિઝનેસ હિતો ધરાવતાં અદાણી ગ્રૂપને લોન આપવા માટે વૈશ્વિક બેંક્સ તૈયાર હોય તેમ દર્શાવે છે. બાર્ક્લેઝ, ડોઈશે અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક્સના પ્રવક્તાઓએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. અદાણી જૂથના પ્રતિનિધિએ પણ કોઈ ટિપ્પણી નહોતી કરી. અદાણી જૂથે 2022માં સ્વિસ જૂથ હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ અને એસીસીમાં હિસ્સાની ખરીદી કરી હતી. વર્તુળોના મતે બેંક્સ અને અદાણી વચ્ચે હજુ ટ્રાન્ઝેક્શનને આખરી ઓપ નથી અપાયો અને શરતોમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે.

મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ માટે સેબીના નવા ડિસ્ક્લોઝર્સ નિયમો
માર્કેટ રેગ્યુલેટરે બજારની અફવાના સ્વીકાર કે ઈન્કાર માટેની ડેડલાઈન લંબાવી
કોર્પોરેટ કંપનીઓ માટે ડિસ્ક્લોઝરની જરૂરિયાતને વધુ મજબૂત કરવા માટે સેબીએ નવા નિયમો જાહેર કર્યાં છે. સાથે તેણે બજારમાં ચાલી રહેલી અફવાઓના અનુમોદન કે ઈન્કાર માટે લિસ્ટેડ કંપનીઓને માટે સમયમર્યાદાને લંબાવી છે.
ગયા સપ્ટેમ્બરમાં એક સર્ક્યૂલર જાહેર કરી માર્કેટ રેગ્યુલેટરે ડેડલાઈન્સનું પાલન કરવા માટે લિસ્ટેડ કંપનીઓને વધુ સમય આપ્યો હતો. સેબીએ અફવાઓની સ્વીકારવી કે તેનો ઈન્કાર કરવો કે તેને લઈ સ્પષ્ટતા કરવા માટે નવી ડેડલાઈન તરીકે 1 ફેબ્રુઆરી, 2024 નિર્ધારિત કર્યું છે. શરૂઆતમાં આ નિયમો માર્કેટ-કેપની રીતે ટોચની 100 કંપનીઓને લાગુ પડશે એમ સર્ક્યુલર જણાવતો હતો. અગાઉ આ ડેડલાઈન 1 ઓક્ટોબરે અમલી બનનાર હતી. શરૂઆતી 100 કંપનીઓ પછી આ નિયમ ટોચની 250 કંપનીઓને લાગુ પડશે. જે 1 ઓગસ્ટ, 2024થી અમલી બનશે. અગાઉ તે 1 એપ્રિલ, 2024થી અમલી બનવાનો હતો. આને અમલી બનાવવા માટે રેગ્યુલેટરે લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્મેન્ટ્સ નિયમોમાં સુધારો કર્યો હતો. નવા નિયમોનો હેતુ કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓને મજબૂત બનાવવાનો છે. નવી ડિસ્ક્લોઝર જરૂરિયાનો હેઠળ કંપનીઓએ મુખ્યપ્રવાહના માધ્યમોમાં ચાલી રહેલી કોઈપણ અફવાને લઈને તેની સ્પષ્ટતા કરવાની રહેશે. અલગથી, સેબીએ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ માટે એન્હાન્સ્ડ ક્વોલિફિકેશન અને અનુભવ માટેના નિયમોને હળવા બનાવ્યાં હતાં. સેબીના બોર્ડે ગયા મહિને એન્હાન્સ્ડ ક્વોલિફિકેશનના પાલન માટેની સમયમર્યાદાને સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યાં પછી આ ફેરફાર કરવામાં આવ્યો હતો.

વૈશ્વિક જીડીપીમાં ચીન સમકક્ષ યોગદાન માટે ભારતે 8 ટકા ગ્રોથ દર્શાવવો પડેઃ બાર્ક્લેઝ
ગ્લોબલ બેંકરના મતે જો ભારત કેટલાંક સેવિંગ્ઝ, રોજગાર ઉમેરો અને નિકાસ બજારનો વ્યાપ વધારે તો 2028 સુધીમાં ચીન જેટલું જ યોગદાન આપી શકે

વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના ચાલક બનવા માટે તેમજ ચીનને પાછળ રાખી દેવા માટે ભારતે 8 ટકા આર્થિક વૃદ્ધિ દરનો લક્ષ્યાંક રાખવાની જરૂર હોવાનું બાર્ક્લેઝે તેના રિપોર્ટમાં નોંધ્યું છે. બાર્ક્લેઝના એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ ભારતનો વૃદ્ધિ દર બાકીના વિશ્વ કરતાં ચઢિયાતો જોવા મળી રહ્યો છે. તે પ્રમાણમાં નીચા ઈન્ફ્લેશન સાથે મજબૂત આર્થિક વિસ્તરણ કરી રહ્યો છે અને તે વ્યાપક મેક્રો સ્ટેબિલિટીને અકબંધ રાખવા સાથે ઓછામાં ઓછો 6 ટકા જીડીપી વૃદ્ધિ દર હાંસલ કરવાના માર્ગે છે.
જોકે, રિપોર્ટમાં એક મહત્વનો સવાલ એ કરવામાં આવ્યો છે કે શું ભારત સરકાર રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆતથી તેણે મેળવેલી મેક્રો સ્ટેબિલિટી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના ઝડપી વૃદ્ધિ દરને પ્રોત્સાહન આપી શકશે ખરી. બાકીનું વિશ્વ નોંધપાત્ર આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે છેલ્લાં બે વર્ષથી ભારત પ્રમાણમાં વધુ સારા મેક્રો પરિબળો સાથે એક આઈલેન્ડ માફક જોવા મળી રહ્યો છે. દેખીતી રીતે ભારત મધ્યમ ગાળામાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બન્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે વૈશ્વિક વૃદ્ધિ દર 2023-24માં નબળો પડવાની અપેક્ષા છે એમ રિપોર્ટ નોંધે છે.
ભારતના ઈન્વેસ્ટમેન્ટ ટર્નઅરાઉન્ડને અસાધારણ ગણાવતાં રિપોર્ટ જણાવે છે કે એક દાયકા અગાઉ મેક્રો ઈનસ્ટેબિલિટી અનુભવતાં ‘ફ્રેઝાઈલ ફાઈવ’ અર્થતંત્રોમાંનું ભારત આજે વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ અપીલ ધરાવે છે. 10 વર્ષ અગાઉ તે ઊંચું ડેટ બર્ડન, અસ્થિર ફાઈનાન્સિયલ સેક્ટર અને નબળું ફિસ્કર પ્રોફાઈલ તથા પોલિસી સ્થિતિ ધરાવતું હતું. 2023માં જોકે ભારતનો વૃદ્ધિ દર ધીમો પડ્યો છે પરંતુ તે તેના વૈશ્વિક હરિફો કરતાં ઊંચો જળવાયો છે. સાથે ઊંચી મેક્રો સ્ટેબિલિટી પણ જોવા મળી રહી છે. સરકાર પણ ઈન્ફ્લેશનને નિયંત્રણમાં જાળવવા માટે સતત સક્રિય છે. જોકે, ચીન સિવાયના વિશ્વમાં છેલ્લાં દસકામાં સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્ર છતાં ભારત વૈશ્વિક અર્થતંત્રમાં 10 ટકાથી નીચેનો હિસ્સો ધરાવે છે. હાલમાં તે ચીનની સરખામણીમાં વૈશ્વિક અર્થતંત્રમાં નીચો હિસ્સો ધરાવે છે. તે યુએસ કરતાં પણ નીચો હિસ્સો ધરાવે છે.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ ભારત 8 ટકાનો ગ્રોથ હાંસલ કરે તો 2028 સુધીમાં ચીનની સમકક્ષ યોગદાન દર્શાવી શકે છે. જોકે આ માટે સરકારે નોમીનલ સેવિંગ્ઝ રેટને વર્તમાન 30.2 ટકા સામે 32.3 ટકા પર લાવવો પડે. સાથે વાર્ષિક ધોરણે વર્કફોર્સમાં વર્તમાન 1 ટકા વૃદ્ધિ સામે 3.5 ટકા વૃદ્ધિ હાંસલ કરવી પડે. આ માટે તેણે અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવી પડે તેમજ વૈશ્વિક નિકાસમાં મોટો હિસ્સો પણ મેળવવો પડે.

કોટનની નિકાસ 15 લાખ ગાંસડી સાથે 18-વર્ષોના તળિયે નોંધાઈ
ઓક્ટોબર 2022માં સિઝનની શરૂમાં 30 લાખ ગાંસડી નિકાસનો અંદાજ હતો
અગાઉ 2004-05માં દેશમાંથી 23.05 લાખ ગાંસડીની નિકાસ જોવા મળી હતી
નવા વર્ષમાં 28.90 લાખ ગાંસડીના કેરીઓવર સ્ટોકનો અંદાજ

દેશમાંથી ગયા વર્ષે કોટનની નિકાસ 18-વર્ષોના તળિયા પર જોવા મળી હતી. ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીમાં કોટનની નિકાસ 15.50 લાખ ગાંસડી પર નોંધાઈ હતી. જે 2004-05માં જોવા મળેલી 23.05 લાખ ગાંસડી નિકાસ પછીની સૌથી નીચી હોવાનું કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ)એ જણાવ્યું છે. ગઈ સિઝનની શરૂઆતમાં દેશમાંથી કોટનની નિકાસ 30 લાખ ગાંસડી પર રહેવાનો અંદાજ હતો. જોકે, વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે નિકાસ ટાર્ગેટ હાંસલ થઈ શક્યો નહોતો. ખાસ કરીને ચીનની માગ ખૂબ નીચી જોવા મળી હતી.
સીએઆઈએ તેની ક્રોપ કમિટીની બેઠકના અંદાજ પરથી નિકાસનો આંકડો નિર્ધારિત કર્યો હતો. અગાઉ 2021-22માં દેશમાંથી 162 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી. ગઈ સિઝનમાં દેશમાં કોટનની આયાતમાં પણ ઘટાડો નોંધાયો હતો અને તે 12.50 લાખ ગાંસડી પર રહી હતી. જે અગાઉના વર્ષે 14 લાખ ગાંસડી પર જોવા મળી હતી. દેશમાંથી નિકાસ ઘટતાં ચાલુ વર્ષ માટે કેરીઓવર સ્ટોક 28.90 લાખ ગાંસડીના સ્તરે જોવા મળી રહ્યો છે. જે અગાઉના 23.18 લાખ ગાંસડીના અંદાજ કરતાં ઊંચો છે. ગઈ સિઝનમાં કેરીઓવર સ્ટોક 24 લાખ ગાંસડી પર જોવાયો હતો. સીએઆઈની ક્રોપ કમિટિ મુજબ ગઇ સિઝનમાં 318.90 લાખ ગાંસડીનું પ્રેસીંગ જોવા મળ્યું હતું. જે અગાઉના 311.18 લાખ ગાંસડીના અંદાજ કરતાં ઊંચું હતું. 2021-22ની સિઝનમાં જોવા મળેલા 299.16 લાખ ગાંસડીના પ્રેસીંગ કરતાં પણ તે ઊંચું નોંધાયું હતું. જોકે, સીસીપીસી(કમિટિ ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝ્મ્પ્શન) મુજબ 2021-22માં 311.17 લાખ ગાંસડીનું પ્રેસીંગ જોવા મળ્યું હતું. જ્યારે 2022-23 માટે તે 343.47 લાખ ગાંસડી રહ્યું નથી. કેન્દ્રિય કૃષિ મંત્રાલયે પણ તેના ત્રીજા એડવાન્સ અંદાજમાં દેશમાં કોટનનો પાક 343.47 લાખ ગાંસડી હોવાનું જણાવ્યું હતું.
ટ્રેડ વર્તુળોના મતે સીએઆઈ અને સરકારી અંદાજો વચ્ચે હંમેશા તફાવત જોવા મળે છે. સીએઆઈ તેનો અંદાજ માર્કેટમાં કપાસની આવકોને આધારે નિર્ધારિત કરે છે જ્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી કરવામાં આવતાં ફિલ્ડ એસેસમેન્ટ્સને આધારે તેનો અંદાજ નક્કી કરે છે. ઉપરાંત ગઈ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં માલ પકડી રાખતાં બંનેના અંદાજમાં ઊંચો ગાળો જોવા મળે છે. ખેડૂતોએ કોટનને નોંધપાત્ર પ્રમાણમાં સંગ્રહી રાખતાં એક તબક્કે ટ્રેડ વર્તુળો દેશમાં કોટનનો પાક અપેક્ષાથી નીચો હોવાનો ડર રાખતાં હતાં. જોકે, માર્ચ પછી ભાવમાં ઘટાડો જોવા મળતાં ખેડૂતોએ માલને બજારમાં ઠાલવવાનું શરૂ કર્યું હતું. 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતો વિક્રમી 85.70 લાખ ગાંસડીનો માલ લાવ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 36.14 લાખ ગાંસડી પર જોવા મળતો હતો. જ્યારે 2021માં 18.32 લાખ ગાંસડી હતો. કોવિડ મહામારી વખતે આવક 60 લાખ ગાંસડી પર હતી.

કોટન બેલેન્સ શીટ(આંકડા લાખ ગાંસડીમાં)
પાક 2022-23 2021-22
ઓપનીંગ સ્ટોક 24.00 71.84
પાક 318.90 299.16
આયાત 12.5 14
કુલ સપ્લાય 355.4 385
સ્થાનિક માગ 311 318
નિકાસ 15.5 43
ક્લોઝીંગ સ્ટોક 28.9 24

કોર્પોરેટ હેડલાઈન્સ

બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સને ઈસ્યુ કરી રૂ. 10000 કરોડ ઊભા કરવા વિચારી રહી છે. ક્રેડિટની ઊંચી માગને જોતાં બેંક લાંબા ગાળા માટે મૂડી ઊભી કરવા ઈચ્છે છે. આ માટે બેંકે 11 ઓક્ટોબરે બોર્ડની બેઠકનું આયોજન કર્યું છે. બેંક ઈન્ફ્રાબોન્ડ્સ ઉપરાંત રૂ. 2000 કરોડ સુધીની રકમ ટિયર-1 બોન્ડ તરીકે ઊભી કરે તેવી શક્યતાં છે.
ટેલિકોમ કંપનીઝઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ સુપ્રીમ કોર્ટને તેના અગાઉના ઓર્ડર સામેની તેમની ક્યૂરેટીવ પિટિશન્સની સુનાવણી ‘ઓપન કોર્ટ’માં કરવા માટે જણાવ્યું છે. કોર્ટે તેના અગાઉના આદેશમાં કંપનીઓ તરફથી ડોટે ગણેલા એજીઆર ડ્યૂઝની નવેસરથી ગણતરી કરવાની માગણીને ફગાવી દીધી હતી.
IDFC ફર્સ્ટ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 3000 કરોડની ડેટ કેપિટલ ઊભી કરવા માટે વિચારી રહી છે. કંપનીએ ગયા સપ્તાહે ઈક્વિટી કેપિટલ મારફતે રૂ. 3000 કરોડ ઊભા કર્યાં હતાં. જૂન મહિનામાં બેંકે 10 વર્ષની મુદત માટેના ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 1500 કરોડ ઊભાં કર્યાં હતાં. જેમાં તેણે પાંચ વર્ષની આખરમાં કોલ ઓપ્શન આપ્યો હતો.
આઈનોક્સ વિન્ડઃ આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિઝે ગુજરાતમાં નાની વિરાણી વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિ.માં 100 ટકા હિસ્સાનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો હોવાનું રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. કંપનીનું આ વિન્ડ ફાર્મા 50 મેગાવોટની ક્ષમતા ધરાવે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ યુટિલિટી વેહીકલ ઉત્પાદકની સબસિડિયરી મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટીએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન પાસેથી રૂ. 300 કરોડનું પ્રથમ તબક્કાનું ફંડ મેળવ્યું છે. કંપની ઈલેક્ટ્રીક અને અન્ય કમર્સિયલ વેહીકલ્સનું ઉત્પાદન કરે છે.
બજાજ ઓટોઃ ટુ-વ્હીલર ઉત્પાદકે પૂણેમાં ચકાણ નજીક મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી 7.63 લાખ ચોરસ મીટર જમીન 95 વર્ષના પિરિયડ માટે લીઝ પર લીધી છે. કંપનીએ રૂ. 53.43 કરોડમાં આ જમીન ભાડે લીધી છે. તેમજ ડીલ પેટે રૂ. 3.92 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage