બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડની કોમેન્ટને અવગણી શેરબજારમાં ધનવૃદ્ધિ જોવા મળી
એશિયા, યુરોપના બજારોમાં 2 ટકા સુધીનું તીવ્ર વેચાણ
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો વધી 11.10ના સ્તરે
પીએસઈ, મેટલ, ફાર્મા, રિઅલ્ટીમાં મજબૂતી
આઈટી, મિડિયામાં નરમાઈ
ફોર્ટિસ હેલ્થ, સીડીએસએલ, કેપીઆઈટી ટેક, એનએમડીસી નવી ટોચે
પેટ્રોનેટ એલએનજી, કેમ્પસ એક્ટિવ નવા તળિયે
વિશ્વભરના શેરબજારોમાં નરમાઈ વચ્ચે ધનતેરસે ભારતીય શેરબજારે મજબૂતી દર્શાવી હતી. શુક્રવારે મોટાભાગના દિવસ દરમિયાન રેડિશ ટ્રેડ દર્શાવ્યાં પછી આખરી કલાકોમાં લેવાલી પાછળ તે ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 72 પોઈન્ટ્સ સુધરી 64,905ની સપાટીએ અને નિફ્ટી 30 પોઈન્ટ્સ સુધરી 19425ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. બીએસઈ ખાતે 3820 કાઉન્ટર્સમાંથી 1918 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1767 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 227 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા વધી 11.10ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે રાતે યુએસ ફેડ ચેરમેને ફરી એકવાર હોકિશ કોમેન્ટ કરી હતી. તેમણે વ્યાજ દરમાં ટોચ બની ગઈ હોવાની અટકળોને દૂર કરી હતી અને લાંબો સમય સુધી ઊંચા રેટ્સ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જેન પાછળ એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જેની અસરે શુક્રવારે સંવત 2079ના આખરી સત્રમાં માર્કેટે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 19395ના અગાઉના બંધ સામે 19352ની સપાટીએ ખૂલી મોટાભાગનો દિવસ રેંજમાં ટ્રેડ થયો હતો. જોકે, આખરી કલાકમાં કેટલાંક બ્લ્યૂચિપ્સમાં ખરીદી પાછળ તે ઉછળી 19451ની ટોચ પર પહોંચ્યો હતો અને 19400 પર જ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 19100ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. માર્કેટને 19400-19500ની રેંજમાં અવરોધ નડી રહ્યો છે. જે પાર થશે તો નવા સંવતમાં તે વધુ સુધારો દર્શાવી શકે છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એનટીપીસી, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, તાતા કન્ઝ્યૂમર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, બ્રિટાનિયાનો સમાવેશ થાય છે. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, એચસીએલ ટેક્નોલોજી, ટાઈટન કંપની, હિંદાલ્કો, ડો. રેડ્ડીઝ લેબ્સ, યૂપીએલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો અને ઈન્ફોસિસમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસઈ, મેટલ, ફાર્મા, રિઅલ્ટીમાં મજબૂતી નોંધાઈ હતી. જ્યારે આઈટી, મિડિયામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.2 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએફસી, એનએમડીસી, ભેલ, આરઈસી, એનટીપીસી, ઓએનજીસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, સેઈલ, નાલ્કો, એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પો.માં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ પણ 0.7 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં વેદાંત, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, વેલસ્પન કોર્પ, સેઈલ, નાલ્કો, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીલમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.71 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં એનટીપીસી, ઓએનજીસી, તાતા પાવર, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડ.માં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં સતત ચોથા દિવસે સુધારો નોંધાયો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, સિપ્લા અને બાયોકોન મજબૂતી સૂચવતાં હતાં. જોકે, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટોમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.42 ટકા ગગડ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એમસીએક્સ ઈન્ડિયા પાંચ ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, વેદાંત, પાવર ફાઈનાન્સ, એનએમડીસી, ઓરોબિંદો ફાર્મા, ભેલ, જીએમઆર એરપોર્ટ્સ, આરઈસી, એસ્કોર્ટ્સ કુબોટા, જેકે સિમેન્ટ, એનટીપીસી, અશોક લેલેન્ડ, જિંદાલ સ્ટીલ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, દિપક નાઈટ્રેટ, ઓએનજીસીમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઝી એન્ટરટેઈનમેન્ટ, યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈઓસી, પિરામલ એન્ટરપ્રાઈઝ, રામ્કો સિમેન્ટ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, મૂથૂત ફાઈનાન્સ, પેટ્રોનેટ એલએનજીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફોર્ટિસ હેલ્થ, સીડીએસએલ, કેપીઆઈટી ટેક, એનએમડીસી, ઓરોબિંદો ફાર્મા, કરુર વૈશ્ય, સ્વાન એનર્જી, સોનાટાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ પેટ્રોનેટ એલએનજી, અદાણી વિલ્મેર, રેઈન ઈન્ડસ્ટ્રીઝ નવા તળિયે ટ્રેડ થયો હતો.
NSE ખાતે લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ શેરહોલ્ડિંગ સર્વોચ ટોચે
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રાઈવેટ પ્રમોટર્સનો હિસ્સો 41.55 ટકાના ચાર-વર્ષના તળિયે જ્યારે સરકારી માલિકી પાંચ-વર્ષની ટોચે
જૂન, 2023 ક્વાર્ટરમાં 16.57 ટકાની સરખામણીમાં નિફ્ટી-500માં ડીઆઈઆઈનો હિસ્સો ઘટી 15.99 ટકા જોવાયો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ એનએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 7.62 ટકાની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. કોઈપણ કંપનીમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ ધરાવનારાઓને રિટેલ ઈન્વેસ્ટર્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેમણે જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળામાં રૂ. 7,596 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. પ્રમોટર તરીકે સરકારનો હિસ્સો પણ વધીને પાંચ વર્ષોની 8.79 ટકાની ટોચે પહોંચ્યો હતો એમ પ્રાઈમ ડેટાબેઝનો ડેટા સૂચવે છે.
અભ્યાસ મુજબ સરકારનો હિસ્સો છેલ્લાં 14-વર્ષોમાં સરકારનો હિસ્સો પણ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. 30 જૂન, 2009ના રોજ 22.48 ટકા પરથી સરકારનો હિસ્સો સતત ઘટતો રહ્યો છે. જે માટે નવા લિસ્ટીંગ્સના અભાવ ઉપરાંત સીપીએસઈનો નબળો દેખાવ જવાબદાર છે એમ પ્રાઈમ ડેટાબેઝનું કહેવું છે. બીજી બાજુ, પ્રાઈવેટ પ્રમોટર્સનો હિસ્સો 41.55 ટકાના ચાર-વર્ષના તળિયે જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં જ તેમાં 3.06 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ તે 44.61 ટકા પર જોવા મળતો હતો. પ્રમોટર્સ તરફથી માર્કેટની તેજીનો લાભ લેવામાં આવી રહ્યો હોવાનું એનાલિસ્ટ્સ માને છે. તેઓ ઊંચા ભાવે તેમનો હિસ્સો વેચી રહ્યાં છે. આ ઉપરાંત નવી લિસ્ટ થતી કંપનીઓમાં પણ પ્રમોટરનો હિસ્સો શરૂઆતથી જ નીચો જોવા મળી રહ્યો છે. તેમજ માર્કેટમાં સંસ્થાઓનો હિસ્સો પણ ઘટી રહ્યો છે.
રિસર્ચના મતે સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો(ડીઆઈઆઈ)નો હિસ્સો રૂ. 50 લાખ કરોડને પાર કરી ગયો છે અને આગામી કેટલાંક ક્વાર્ટર્સમાં તે વિદેશી સંસ્થાકિય રોકાણકારોને પાર કરી જશે. એફઆઈઆઈ અને ડીઆઈઆઈના શેરહિસ્સા વચ્ચેનો ગાળો પણ સતત ઘટી રહ્યો છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે સૌથી નીચા સ્તરે જોવા મળ્યો હતો. ક્વાર્ટરની આખરમાં બંને સૌથી મોટા રોકાણકાર વર્ગ વચ્ચેનો ગાળો 13.11 ટકા પર જળવાયો હતો. 31 માર્ચ, 2015ના રોજ તે 49.82 ટકાનો સૌથી મોટો ગેપ દર્શાવતું હતું. એફઆઈઆઈ-ડીઆઈઆઈ ઓઉનરશીપ રેશિયો પણ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ 1.15 ટકાના ઓલ-ટાઈમ લો પર જોવા મળતો હતો. જે 31 માર્ચ, 2015ના રોજ 1.99 ટકાની ટોચ પર રહ્યું હતું. ડીઆઈઆઈનો કુલ હિસ્સો સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં સાધારણ ઘટી 15.99 ટકા પર જોવા મળ્યો હતો. જે જૂન ક્વાર્ટરની આખરમાં 16.05 ટકા પર હતો. જોકે, નિફ્ટી-500 અને નિફ્ટી-200માં ડીઆઈઆઈનો હિસ્સો 16.57 ટકાથી વધી 16.70 ટકા અને 17.12 ટકાથી વધી 17.51 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે ક્વાર્ટર દરમિયાન સ્થાનિક સંસ્થાઓનો ફંડ ફ્લો રૂ. 53,715 કરોડ પર રહ્યો હતો. જેમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી રૂ. 23,996 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી. જ્યારે બેંક્સે રૂ. 10,424 કરોડનું વેચાણ કર્યું હતું. ડીઆઈઆઈ તરફથી નેટ ઈનફ્લો રૂ. 42,632 કરોડ પર રહ્યો હતો. વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ કેપિટલ ગુડ્ઝ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને આઈટી સેક્ટરમાં અનુક્રમે રૂ. 19,375 કરોડ, રૂ. 7882 કરોડ અને રૂ. 7549 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમણે મેટલ્સ એન્ડ માઈનીંગ, સર્વિસિઝ અને ઓઈલ એન્ડ ગેસમાંથી રૂ. 11,493 કરોડ, રૂ. 4932 કરોડ અને રૂ. 3,120 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
જે 12-કંપનીઓમાં પ્રમોટર્સ, એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ તેમના હિસ્સાનું વેચાણ કર્યું હતું તેમાં વિપ્રો, એજીસ લોજીસ્ટીક્સ, બોમ્બે બર્માહ, મહારાષ્ટ્ર સીમલેસ, મિ. બેક્ટર્સ ફૂડ, માન ઈન્ફ્રા, ગ્રીનપેનલ ઈન્ડસ્ટ્રીઝ, રેલીસ ઈન્ડિયા, ચોઈસ ઈન્ટરનેશનલ, થિરુમલાઈ કેમિકલ્સ, ફૂડ્સ એન્ડ ઈન્સ અને સ્નોમેન લોજીસ્ટીક્સનો સમાવેશ થાય છે.
ઓક્ટોબરમાં પેસેન્જર વેહીકલ્સ, થ્રી-વ્હીવર્સનું વિક્રમી વેચાણ નોંધાયુઃ સિઆમ
ગયા વર્ષે ઓક્ટોબરમાં 19,23,791 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 23,14,197 યુનિટ વાહનોનું વેચાણ
પીવીનું વેચાણ ગયા વર્ષે 3,36,330 યુનિટ્સની સરખામણીમાં 15 ટકા વૃદ્ધિ સાથે કુલ 3,89,714 યુનિટ્સ જોવા મળ્યું
દેશમાં ગયા ઓક્ટોબરમાં પેસેન્જર વેહીકલ્સનું વિક્રમી વેચાણ નોંધાયું હતું એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)નો ડેટા સૂચવે છે. પીવી ઉપરાંત થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ વિક્રમી સ્તરે જોવા મળ્યું હોવાનું તે જણાવે છે. ઓક્ટોબર 2022માં 3,36,330 યુનિટ્સની સરખામણીમાં ચાલુ કેલેન્ડરમાં ઓક્ટોબરમાં 15 ટકા વૃદ્ધિ સાથે કુલ 3,89,714 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. થ્રી-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 42 ટકા ઉછળી 76,940 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 54,154 યુનિટ્સ પર જોવા મળતું હતું. જ્યારે ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક 20.1 ટકા વધી 18,95,799 યુનિટ્સ પર નોંધાયું હતું. જે 2022માં સમાનગાળામાં 15,78,383 યુનિટ્સ પર જોવા મળતું હતું.
સિઆમના પ્રમુખ વિનોદ અગ્રવાલના જણાવ્યા મુજબ ત્રણેય સેગમેન્ટ્સે દ્વિ-અંકી વૃદ્ધિ નોંધાવી હતી. સરકારની સાનૂકૂળ નીતિઓને કારણે તથા ફેસ્ટીવ સિઝન પાછળ ઉદ્યોગ માટે ગ્રોથ મોમેન્ટમ પ્રોત્સાહક રહ્યો હતો. ઓક્ટોબરમાં દેશમાં વાહનોનું કુલ વેચાણ 20 ટકા વધી 23,14,197 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 19,23,721 યુનિટ્સ પર હતું. નિકાસ કામગીરીમાં 0.46 ટકાની સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી અને તે 3,71,030 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,69,318 યુનિટ્સ પર હતું. સિઆમ ડેટા મુજબ વાહનોનું કુલ ઉત્પાદન 19.6 ટકા વૃદ્ધિ સાથે 26,21,248 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ઓક્ટોબર 2022માં 21,91,153 યુનિટ્સ પર હતું. પીવી સેગમેન્ટની વાત કરીએ તો સ્થાનિક વેચાણ 17.2 ટકા વધી 3,42,377 યુનિટ્સ પર રહ્યું હતું. જે વર્ષ અગાઉ 2,91,113 યુનિટ્સ પર હતું. પીવી સેગમેન્ટની નિકાસ 13.13 ટકા વધી 53,920 યુનિટ્સ પર રહી હતી. જે ઓક્ટોબર 2022માં 47,660 યુનિટ્સ પર જોવા મળતી હતી. થ્રી-વ્હીલર્સનું સ્થાનિક વેચાણ 42 ટકા વૃદ્ધિ સાથે 76,940 યુનિટ્સ પર નોંધાયું હતું. જોકે, થ્રી-વ્હીલર્સની નિકાસ 25.4 ટકા ગગડી 25,534 યુનિટ્સ પર રહી હતી. ટુ-વ્હીલર સેગમેન્ટનું વેચાણ 20.1 ટકા વધી 18,95,799 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 15,78,363 યુનિટ્સ પર હતું. ટુ-વ્હીલર્સની નિકાસ 1.37 ટકા વધી 2,91,276 યુનિટ્સ પર રહી હતી. એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન સ્થાનિક બજારમાં વાહનોનું વેચાણ 8.1 ટકા ઉછળી 1,34,64,712 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,24,55,891 યુનિટ્સ પર જોવા મળતું હતું. આ સમયગાળામાં કુલ નિકાસ 15.19 ટકા ઘટાડે 25,50,623 યુનિટ્સ પર જોવા મળી હતી એમ સિઆમ ડેટા સૂચવે છે.
યુએસ કોર્ટે બાઈજુસની આલ્ફા પર લેન્ડર્સના અધિકારને માન્ય રાખ્યો
1.2 અબજ ડોલરના લોન વિવાદ કેસમાં ડેલાવેર કોર્ટનો ચૂકાદો
ડેલાવર કોર્ટે બાઈજુસના યુએસ સ્થિત લેન્ડર્સ કોન્સોર્ટિયમની કંપનીની યુએસમાં આવેલી સબસિડિયરી આલ્ફા ઈન્ક પરના નિયંત્રણને માન્યતા આપી છે. આ લેન્ડર્સે બાઈજુસને 1.2 અબજ ડોલરની ટર્મ લોન બી(ટીએલબી) પૂરી પાડી હતી. જેને લઈને કંપની અને લેન્ડર્સ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
કંપની તરફથી લોનના રિપેમેન્ટમાં વિલંબને કારણે બાઈજુસ અને ટીએલબી વચ્ચે કાનૂની જંગ જોવા મળતો હતો. 2021માં બાઈજુસના ગ્રોથની ટોચ વખતે ટર્મ લોન લેવામાં આવી હતી. કંપનીએ તેની આક્રમક ખરીદીને સપોર્ટ કરવા માટે આ લોન લીધી હતી. જે પાછળથી કંપની માટે શિરદર્દ બની હતી. બાઈજુસે 2020-21 વચ્ચે 13 ડિલ્સમાં કુલ 3 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. કંપનીએ એક્વિઝીશન્સ માટે જ ટીએલબી લીધી હતી. જોકે, પાછળથી વૃદ્ધિ દર ધીમો પડતાં ઈક્વિટી ઊભી કરવાનું કઠિન બન્યું હતું અને તેથી કંપની તેણે લીધેલાં હાઈ રિસ્ક ગેમ્બલમાં ભરાઈ પડી હતી. બેંગલૂરું મુખ્યાલય ધરાવતી બાઈજુસે ટીએલબીના એક્સિલિરેશન સામે ન્યૂ યોર્ક કાઉન્ટીની સુપ્રીમ કોર્ટમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીએ લેન્ડર્સમાંના એક રેડવૂડની આગેવાનીમાં લેન્ડર્સ તરફથી આચરવામાં આવેલી ગેરરિતીઓનો દાવો કર્યો હતો. બાઈજુસે નોંધ્યું હતું કે લેન્ડર્સે બાઈજુની આલ્ફામાં ગેરકાયદેરીતે તેમનું મેનેજમેન્ટ નીમ્યું છે. જોકે, હવે કેસ એક મહત્વના તબક્કામાં પ્રવેશ્યો છે. કેમકે ડેલાવેર ચાન્સેરી કોર્ટના જજ મોર્ગન ઝૂર્ને તેના આદેશમાં નોંધ્યું છે કે લેન્ડર્સે 1.2 અબજ ડોલરની લોનમાં નાદારીનું સાચું અર્થઘટન કર્યું છે. જે તેમને યુનિટ પર અંકુશનો અધિકાર આપે છે. તેઓ કાયદેસર રીતે બાઈજુસના રવિન્દ્રનના ભાઈ રીજુ રવિન્દ્રનને આલ્ફાના બોર્ડ પરથી દૂર કરી તેમના વ્યક્તિને બેસાડી શકે છે એમ બ્લૂમબર્ગે નોંધ્યું છે. જજ ઝૂર્ને લેન્ડર્સ તરફથી નીમવામાં આવેલા થીમોથી પોલની અયોગ્યતાને લઈને કરેલી બાઈજુસની ફરિયાજને ફગાવી દીધી હતી. તેમણે 41-પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે કંપની નાદાર થવાથી પોલ જ બાઈજુસની આલ્ફાનો એકમાત્ર ડિરેક્ટર છે.
કોલ ઈન્ડિયાએ રૂ. 6800 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો
સરકારી સાહસ એવા કોલ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6800 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 6043.5 કરોડના નફા સામે 13 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 15.25નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીનું કોન્સોલિડેટેડ સેલ્સ વધીને રૂ. 29,978 કરોડ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27,538.59 કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો એબિટા 12 ટકા વધી રૂ. 10,121 કરોડ પર રહ્યો હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક 4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3277 કરોડ પર જોવા મળી હતી. કંપનીના સંયુક્ત સાહસમાંથી રૂ. 89.75 કરોડનો નફો નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 140.75 કરોડ પર જોવા મળતો હતો.
સોનાએ સંવતમાં 19 ટકાનું આકર્ષક વળતર આપ્યું
એમસીએક્સ ગોલ્ડે વર્ષ દરમિયાન 10 ગ્રામે રૂ. 9702નું રિટર્ન દર્શાવ્યું
વિદેશમાં કોમેક્સ ગોલ્ડમાં 306 ડોલરની વૃદ્ધિ નોંધાઈ
ગોલ્ડની સરખામણીમાં ચાંદીએ 23 ટકા સાથે ચાર ટકા ઊંચું રિટર્ન આપ્યું
સંવત 2079માં રોકાણકારોને રિટર્ન આપવાની બાબતમાં શુકનિયાળ સોનું ટોચ પર જોવા મળ્યું હતું. દિવાળીના મૂહૂર્ત ટ્રેડિંગથી લઈ શુક્રવારે ધનતેરસે સંવતના આખરી સત્ર સુધીમાં ગોલ્ડમાં 19 ટકાનું મજબૂત વળતર નોઁધાયું હતું. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવમાં રૂ. 9702ની જંગી વૃદ્ધિ નોંધાઈ હતી. જો વિશ્વ બજારની વાત કરીએ તો કોમેક્સ ગોલ્ડમાં 306 ડોલરનો ઊંચો સુધારો જોવા મળ્યો હતો. જે ટકાવારી સંદર્ભમાં 19 ટકાનું વળતર દર્શાવે છે.
સંવત 2079ની શરૂઆતમાં એમસીએક્સ સોનું રૂ. 50580ની સપાટીએ ટ્રેડ દર્શાવતું હતું. જે શુક્રવારે રૂ. 60282 પર ટ્રેડ દર્શાવતું હતું. એક તબક્કે પ્લેટફોર્મ પર ગોલ્ડના ભાવ રૂ. 62000ની સપાટી સુધી પહોંચ્યાં હતાં. જોકે, છેલ્લાં કેટલાંક સત્રોમાં તેમાં ઝડપી વધ-ઘટ જોવા મળી છે. ગોલ્ડના ભાવમાં મજબૂતી પાછળ જીઓ-પોલિટીકલ ઘટનાઓ મુખ્ય જવાબદાર હતી. ઓક્ટોબરની શરૂમાં ઈઝરાયેલ-હમાસ જંગ પાછળ ગોલ્ડના ભાવ તેના તળિયાથી 200 ડોલર જેટલા ઊછળ્યાં હતાં. જેણે સંવતમાં સોનાને મજબૂત ક્લોઝીંગ આપ્યું હતું. જોકે, એમસીએક્સ ચાંદીએ તો રિટર્નની બાબતમાં સોનાને પાછળ રાખી દીધું હતું. તેણે સંવતમાં 23 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. એમસીએક્સ ચાંદીના ભાવ રૂ. 57748ની સપાટી પરથી રૂ. 13,465ના ઉછાળા સઆથે રૂ. 71213 પર બંધ રહ્યાં હતાં. વર્ષ દરમિયાન એક તબક્કે તે રૂ. 76 હજારની ટોચ પર ટ્રેડ થયાં હતાં. જોકે, પાછળથી તેમાં કેટલોક ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારની સરખામણીમાં સ્થાનિક બજારમાં ચાંદીએ ઊંચું રિટર્ન નોંધાવ્યું હતું. કોમેક્સ સિલ્વરમાં 17 ટકાનું રિટર્ન જોવા મળ્યું હતું. કોમેક્સ સિલ્વર 19.21 ડોલર પરથી 3.29 ડોલર સુધરી 22.5 ડોલર પર જોવા મળ્યું હતું. તેણે એક તબક્કે 26 ડોલરની સપાટી પણ પાર કરી હતી. જોકે, પાછળથી ચીન સહિતના દેશોમાં આર્થિક વૃદ્ધિ દરમાં મંદીની શક્યતાં પાછળ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કોમોડિટી એનાલિસ્ટ્સ નવા સંવત માટે સોના-ચાંદીમાં મજબૂતી જળવાય રહેવાની શક્યતાં દર્શાવી રહ્યાં છે. તેમના મતે વૈશ્વિક સ્તરે યુધ્ધ જેવી ઘટનાઓને કારણે ગોલ્ડમાં ખરીદી રહેશે. ઓક્ટોબરમાં ગોલ્ડની સેફહેવન માગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. તેમજ તેનું રિસ્ક-પ્રિમીયમ પણ વધ્યું હતું. જોકે, પાછળથી તેમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશન પણ ઊંચા સ્તરે જળવાય રહ્યું હોવાથી ગોલ્ડમાં ઘટાડાની શક્યતાં નહિવત છે.
સંવત 2079માં ગોલ્ડમાં રિટર્ન
કોમોડિટી 24/10/2022નો બંધ(રૂ.) વર્તમાન ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં) ફેરફાર(ટકામાં)
MCX ગોલ્ડ 50580 60282 9702 19
MCX સિલ્વર 57748 71213 13465 23
Comex ગોલ્ડ 1650 1956 306 19
Comex સિલ્વર 19.21 22.5 3.29 17
LICનો નફો 50 ટકા ઘટી રૂ. 7925 કરોડ પર રહ્યો
જીવન વીમા કંપનીએ રૂ. 1.07 લાખ કરોડનું નેટ પ્રિમીયમ ઈન્કમ મેળવ્યું
દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 7925 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં તેણે નોંધાવેલા રૂ. 15,952 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 50 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીના નેટ પ્રોફિટમાં ઘટાડાનું મુખ્ય કારણ નેટ પ્રિમીયમ ઈન્કમમાં ઘટાડો હતો.
નાણા વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં કંપનીનું નેટ પ્રિમીયમ 19 ટકા ઘટી રૂ. 1.07 લાખ કરોડ પર રહ્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 1.32 લાખ કરોડ પર હતું. ઈન્શ્યોરરની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2.43 ટકા પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.6 ટકા પર હતી. જ્યારે તેની નેટ એનપીએ સ્થિર જળવાય હતી. કંપનીની ઈન્વેસ્ટમેન્ટ્સમાંથી આવક રૂ. 93,942 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 84,103 કરોડ પર હતી. જ્યારે સોલવન્સી રેશિયો સાધારણ સુધરીને 1.9 ટકા પર રહ્યો હતો. જે ગયા વર્ષે 1.88 ટકા પર જોવા મળ્યો હતો. ઈન્શ્યોરન્સનું પ્રથમ વર્ષ માટેનું પ્રિમીયમ રૂ. 9988 કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9142 કરોડ પર હતું. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નેટ કમિશન રૂ. 5807 કરોડ પરથી વધી રૂ. 6077 કરોડ પર જોવા મળ્યું હતું. એલઆઈસીનો શેર શુક્રવારે કામકાજની આખરમાં રૂ. 610.55ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં 0.68 ટકા ઘટાડો દર્શાવતો હતો.
ટોરેન્ટ અને ઝાયડસે સારોગ્લીત્ઝાર એમજીના કો-માર્કેટીંગ માટે કરાર કર્યો
અમદાવાદ મુખ્યાલય ધરાવતી બે ટોચની ફાર્મા કંપનીઓ, ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સ અને ઝાયડસ લાઈફસાઈન્સિઝે સારોગ્લીત્ઝાર એમજીના કો-માર્કેટિંગ માટે લાયસન્સિંગ અને સપ્લાય એગ્રીમેન્ટ કર્યો છે. સારોગ્લીત્ઝાર એમજીનો ઉપયોગ નોન-આલ્કોહોલીક સ્ટેટો હેપિટાઈટીસ(NASH) અને નોન-આલ્કોહોલીક ફેટી લીવર ડિસીઝ(NAFLD) માટે કરવામાં આવે છે. સારોગ્લીત્ઝાર મેગ્નેશ્યમ એ NASH અને NAFLD માટે દેશમાં માત્ર એક જ મંજૂરી ધરાવી દવા છે.
દિવસમાં એકવાર 4 એમજી સારોગ્લીત્ઝાર એમજીનો ડોઝ દર્દી માટે રાહતદાયી બની રહે છે. આ કરાર હેઠળ ટોરેન્ટ VORXAR બ્રાન્ડ નામ હેઠળ ભારતમાં પ્રોડક્ટનું કો-માર્કેટિંગ માટે સેમી-એક્સક્લૂઝીવ રાઈટ્સ ધરાવતું હશે. ઝાયડસે આ દવાને Lipaglyn અને Bilypsa બ્રાન્ડ નામો હેઠળ લોંચ કરેલી છે. આ માટે ટોરેન્ટ તરફથી ઝાયડસને અપફ્રન્ટ લાયન્સિંગ ફી અને અગાઉથી નક્કી કરેલા માઈલસ્ટોન્સના હાંસલ થવા મુજબ માઈલસ્ટોન પેમેન્ટ્સ પણ કરવામાં આવશે. સારોગ્લીત્ઝાર એમજી ઝાયડસે તૈયાર કરી છે અને તે ક્રોનિક લીવર ડિસીઝની દવા માટે ડીસીજીઆઈની મંજૂરી ધરાવે છે. ભારત આ પ્રકારની દવા માટે મંજૂરી ધરાવતો પ્રથમ દેશ છે વિશ્વમાં અન્યત્ર NASH અને NAFLDની સારવાર માટે મંજૂરી ધરાવતી હોય તેવી કોઈ દવા પ્રાપ્ય નથી. આ ઘટના અંગે બોલતાં ઝાયડસ લાઈફના ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે ટોરેન્ટ સાથેનું જોડાણ અમારી દવાની પહોંચને વિસ્તારવાના અમારા વિઝન સાથે બંધબેસે છે. અમારું ધ્યેય ઈનોવેશન મારફતે દર્દીના જીવનમાં સુધારો લાવવાનું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ યુટિલીટી વેહીકલ ઉત્પાદકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3451.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2068 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 66.9 ટકાનો ઉછાળો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 21,010 કરોડ પરથી વધી રૂ. 25,770 કરોડ પર રહી હતી. કંપનીના નફામાં તીવ્ર વૃદ્ધિ પાછળ એસયૂવીના ઊંચા વોલ્યુમ જવાબદાર હતાં. કંપની પાસે ઊંચી ઓર્ડર બુક જોવા મળી રહી છે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં 2.12 લાખ યુનિટ્સનું વિક્રમી વેચાણ દર્શાવ્યું હતું.
હિંદાલ્કોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2196 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2205 કરોડ પર નોંધાયો હતો. કંપનીના કોપર બિઝનેસે ત્રિમાસિક ધોરણે રૂ. 653 કરોડનો સૌથી ઊંચો એબિટા દર્શાવ્યો હતો. તેણે ત્રિમાસિક ધોરણે 23 ટકા વૃદ્ધિ નોઁધાવી હતી. કંપનીની કુલ આવક રૂ. 54632 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 56,504 કરોડની આવક સામે ઘટાડો સૂચવતી હતી.
સૂર્યોદય એસએફબીઃ સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 50.30 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 284 ટકાનો ઉછાળો સૂચવે છે. બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 9.9 ટકા પરથી ઘટી 2.9 ટકા પર જોવા મળી હતી. જ્યારે તેની નેટ એનપીએ 4.76 ટકા પરથી ઘટી 1.46 ટકા પર જળવાય હતી. બેંકની વ્યાજની આવક રૂ. 445.8 કરોડ પર રહી હતી. જે 26.2 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. બેંકના ગ્રાહકોની સંખ્યા 25.1 લાખ પર જોવા મળી હતી.
લેન્ડમાર્ક કાર્સઃ ઓટોમોટિલ રિટેલરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1120 કરોડની આવક દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 19.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો એબિટા બીજા ક્વાર્ટરમાં 22 ટકા વધી રૂ. 57.1 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે કંપનીનો નેટ પ્રોફિટ 22 ટકા વધી રૂ. 20.5 કરોડ પર નોંધાયો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 16.8 કરોડનો નફો દર્શાવ્યો હતો.
લક્સ ઈન્ડસ્ટ્રીઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ લક્સ ઇન્ડસ્ટ્રીઝના ઉદિત તોડીને ઇન્સાઇડર કેસમાં ક્લિન ચિટ આપી છે. સેબીએ તેના અગાઉના આદેશને ખારીજ કર્યાં હતાં. આ બાબતમાં વિગતવાર તપાસને પગલે જણાયું હતુ કે તોડીએ કોઇ પણ અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સીટીવ ઇન્ફર્મેશન આપી ન હતી અને તેથી અગાઉના આદેશોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવ્યાં છે.
સેઈલઃ સરકારી સ્ટીલ ઉત્પાદકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1306 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 329.36 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની કામકાજી આવક રૂ. 29,712 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 26246 કરોડની આવક સામે 13.20 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના ભિલાઈ પ્લાન્ટે રૂ. 10064 કરોડ સાથે સૌથી ઊંચી આવક દર્શાવી હતી.