બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીમાં પોઝીટીવ બંધ પરંતુ મીડ-કેપ્સમાં રકાસ
ભારતીય બજારમાં મંગળવારે ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી તેમની દિવસની ટોચથી સતત ગગડતાં રહ્યાં હતાં. જેની વચ્ચે બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સ્મોલ અને મીડ-કેપ્સમાં 5-7 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ એક ટકાથી વધુ જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ આવ્યો હતો. બેંકિંગ અને આઈટી સિવાય બજારમાં નરમાઈ જોવા મળી રહી હતી. માર્કેટ બ્રેડ્થ પણ ખૂબ નેગેટિવ હતી. બીએસઈ ખાતે 3374થી વધુ કાઉન્ટર્સમાંથી 2496 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 762 જ સુધારા સાથે બંધ આવ્યાં હતાં.
ભારતી એરટેલનો શેર સર્વોચ્ચ સપાટીએ
ટેલિકોમ કંપની ભારતી એરટેલનો શેર મંગળવારે એક તબક્કે 5 ટકાના ઉછાળા સાથે રૂ. 627.95ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. તેણે 4 ફેબ્રુઆરી 2021ના રોજ દર્શાવેલી રૂ. 623ની ટોચને પાર કરી હતી. કામકાજને અંતે તે 3.83 ટકા સુધારે રૂ. 622.20ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે માર્કેટ-કેપ રૂ. 3.42 લાખ કરોડ પર જોવા મળતું હતું. છેલ્લા ત્રણ સપ્તાહમાં શેરના ભાવમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. જે સમયગાળામાં સેન્સેક્સ 4.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. કંપનીએ એજીઆરની પુનઃ ગણતરી કરવાની કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાં છતાં કંપનીના શેરમાં ખરીદી જોવા મળી હતી. એનાલિસ્ટ્સના મતે ભારતી એરટેલ પ્રિ-પેઈટ અને પોસ્ટ-પેઈડ કેગેટરીમાં હાઈ ક્વોલિટી કસ્ટમર્સ ધરાવે છે.
કોલ ઈન્ડિયાએ રૂ. 3174 કરોડનો નફો નોંધાવ્યો
જાહેર ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયાએ વાર્ષિક 52.8 ટકા વૃદ્ધિ સાથે જૂન ક્વાર્ટરમાં રૂ. 3174 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે કંપનીની આવક 36.8 ટકા વધી રૂ. 25282.1 કરોડ પર રહી છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનું ઓફટેક 32.8 ટકાની તીવ્ર વૃદ્ધિ સાથે 16.04 કરોડ ટન પર રહ્યું હતું. કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં 12.39 કરોડ ટન રો કોલનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 12.10 કરોડ ટન પર જોવા મળ્યું હતું. કંપનીએ પ્રતિ ટન રૂ. 1450.87નું સરેરાશ રિઅલાઈઝેશન રહ્યું હતું.
NSE લિસ્ટેડ કંપનીઓમાં LICના હિસ્સામાં જોવા મળતો ઘટાડો
જૂન ક્વાર્ટરના અંતે જીવન વીમા નિગમનો હિસ્સો ઘટી 3.74 ટકા રહ્યો, જે માર્ચ ક્વાર્ટરના અંતે 3.83 ટકા પર હતો
એકબાજુ જૂન ક્વાર્ટરમાં ઈક્વિટી માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી ત્યારે બીજી બાજુ દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)નો એનએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સામાં જૂન ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો હતો.
દેશમાં સૌથી મોટી ઈક્વિટી રોકાણકાર એલઆઈસી એનએસઈ પર લિસ્ટેડ 295 કંપનીઓમાં એક ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે. આ કંપનીઓમાં તેનું માર્ચ ક્વાર્ટરને અંતે કુલ હોલ્ડિંગ વેલ્ચૂ પર્સન્ટેજને આધાર 3.83 ટકા પર હતું. જે જૂન ક્વાર્ટરના અંતે 3.74 ટકા પર જોવા મળ્યું હતું. ઐતિહાસિક રીતે એલઆઈસી 30 જૂન 2012 ક્વાર્ટરના અંતે 5 ટકા જેટલું વિક્રમી હોલ્ડિંગ ધરાવતી હતી. જોકે ત્યારબાદ તેમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો છે. છેલ્લા 10 ક્વાર્ટર્સની વાત કરીએ તો તેમાં બે ક્વાર્ટર્સને બાદ કરતાં એલઆઈસી હોલ્ડિંગ ઘટતું રહ્યું છે. એફઆઈઆઈ કે પછી સ્થાનિક ફંડ્સની જેમ એલઆઈસી સ્થાનિક શેર્સના ભાવોમાં વધ-ઘટનું મોટું ચાલકબળ નથી જ. જોકે તેણે બજારમાં તીવ્ર ઘટાડા વખતે ખરીદી કરીને સપોર્ટ પૂરો પાડ્યો છે. માર્ચ અને એપ્રિલ 2020માં બજારમાં તીવ્ર કડાકા વખતે એલઆઈસીની આગેવાનીમાં સ્થાનિક ઈન્શ્યોરન્સ કંપનીએ આકર્ષક વેલ્યૂએશન્સ વખતે ખૂબ ખરીદી કરી હતી. એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ એલઆઈસી છેલ્લા બે ક્વાર્ટર્સથી બજારમાં વેચવાલી કરી રહી છે. 30 જૂને પૂરા થતાં ક્વાર્ટર દરમિયાન એલઆઈસીના હોલ્ડિંગનું કુલ વેલ્યૂ રૂ. 8.43 લાખ કરોડ પર હતું. જે અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 9.88 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જેનું મુખ્ય કારણ શેર્સના ભાવમાં સુધારો હતો. જોકે તેના હિસ્સામાં 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શેર્સની સંખ્યાની રીતે એલઆઈસીની માલિકી માર્ચ ક્વાર્ટરના અંતે 0.85 ટકા પરથી સાધારણ ઘટી 0.84 ટકા પર રહી હતી. એલઆઈસીનું સૌથી ઊંચું વેચાણ બેંકિંગ શેર્સ જેવાકે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસીમાં જોવા મળ્યું હતું. જ્યારે તેણે આરઆઈએલ, ટેક મહિન્દ્રા અને મારુતિ સુઝુકીમાં ખરીદી કરી હતી.
મીડ અને સ્મોલ-કેપ્સમાં તાજેતરની ટોચથી 40 ટકા સુધીનું ધોવાણ
લગભગ દોઢ વર્ષ બાદ લાર્જ-કેપ્સની સરખામણીમાં બીજી અને ત્રીજી હરોળના શેર્સનું અન્ડરપર્ફોર્મન્સ
જૂજ લાર્જ-કેપ્સ પાછળ બેન્ચમાર્ક્સને ટોચ પર પકડી રાખી બીજી બાજુ પ્રોફિટ બુકિંગને પેટર્ન
ભારતીય બેન્ચમાર્કેસ તેમની ટોચ પર જોવા મળી રહ્યાં છે જોકે બાકીના બજારની સ્થિતિ અલગ છે. છેલ્લા એકથી દોઢ મહિનામાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને શેરના ભાવમાં 40 ટકા સુધીનું ધોવાણ નોંધાયું છે. સમાનગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી 5 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
એનએસઈ-500 શેર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે મોટાભાગના કાઉન્ટર્સ તેમની જૂન-જુલાઈની ટોચ સામે નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં 100થી વધુ કાઉન્ટર્સ 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાવી ચૂક્યાં છે. આમ બેન્ચમાર્ક્સને કોન્સોલિડેશનમાં રાખી ગયા સપ્તાહે 16000ને પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યાં બાદ પણ બજારમાં મીડ-કેપ કાઉન્ટર્સમાં સતત ઘસારો જોવા મળી રહ્યો છે. મંગળવારે બજારમાં બેન્ચમાર્ક્સમાં ઈન્ટ્રા-ડે વધ-ઘટ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. કામકાજના અંતે નિફ્ટી 22 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યો હતો પરંતુ નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.3 ટકાના ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. તે જુલાઈ દરમિયાન તેણે દર્શાવેલી 10674ની સર્વોચ્ચ ટોચ સામે 5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી 10097ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. તે 28403ની સર્વોચ્ચ ટોચ સામે 1000 પોઈન્ટ્સ જેટલો ઘટી 27439ના સ્તરે જોવા મળતો હતો. મંગળવારે બીએસઈ ખાતે 3374 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 762 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 2496 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. લાંબા સમય બાદ આટલી નેગેટિવ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. એનાલિસ્ટ્સના મતે બજારમાં 2018 અને 2019માં જોવા મળતું હતું તેમ પસંદગીના કેટલાંક લાર્જ-કેપ્સને મજબૂત જાળવીને બાકીના બજારમાં વેચવાલીનો ક્રમ જોવા મળી રહ્યો છે. ફરીથી કેટલાંક અગ્રણી બેંકિંગ કાઉન્ટર્સ અને આઈટી કંપનીઓના શેર્સને પકડી રાખી બ્રોડ માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે. જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં સતત એક વર્ષના સુધારા બાદ વેલ્યૂએશન્સ ઓવરબોટ બન્યાં છે અને તેથી પ્રોફિટ બુકિંગ વાજબી છે. તેમના મતે હજુ એકાદ-બે સપ્તાહ સુધી મીડ-સ્મોલ કેપ્સનું અન્ડરપર્ફોર્મન્સ જોવા મળી શકે છે. ત્યારબાદ ફરી તેમાં એક્યૂમ્યુલેશન સંભવ છે.
એનએસઈ-500 જૂથમાં આઈડિયા અને ફ્યુચર ગ્રૂપ કાઉન્ટર્સમાં 39 ટકાથી વધુનો ઘટાડો ચોક્કસ કારણસરનો છે. જોકે તે સિવાયના કાઉન્ટર્સમાં ઘટાડો માત્ર પ્રોફિટ બુકિંગ પાછળનો છે. જેમાં મહારાષ્ટ્ર બેંક(-39 ટકા), આઈઓબી(-32 ટકા), ભેલ(-31 ટકા), સુઝલોન(-31 ટકા), મોતીલાલ ઓસ્વાલ ફાઈ(31 ટકા), એમએમટીસી(-31 ટકા), સેન્ટ્રલ બેંક(-31 ટકા) અને એચએફસીએલ(-30 ટકા)નો સમાવેશ થાય છે. આ તમામ કાઉન્ટર્સે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું. આમાં સેન્ટ્રલ બેંક જેવા કાઉન્ટરે પ્રાઈવેટાઈઝેશન જેવા કારણસર ભાવમાં તીવ્ર ઉછાળો જોયો હતો. જોકે સરકાર દ્વારા ખાનગીકરણની કામગીરી વિલંબમાં પડવાથી શેરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. આઈઓબીના કિસ્સામાં પણ આવું જ બન્યું છે.
મીડ અને સ્મોલ-કંપનીઓનો દેખાવ
કંપની તાજેતરની ટોચ(રૂ.) CMP(રૂ.) ઘટાડો(%)
આઈડિયા 10.95 6.65 -39.27
મહારાષ્ટ્ર બેંક 32.00 19.50 -39.06
ફ્યુચર કન્ઝ્યૂમર 11.95 7.55 -36.82
ફ્યુચર રિટેલ 76.25 50.70 -33.51
IOB 29.00 19.85 -31.55
ભેલ 79.55 54.55 -31.43
સુઝલોન 9.45 6.50 -31.22
મોતીલાલ ઓસ્વાલ 1178.49 813.00 -31.01
MMTC 63.95 44.20 -30.88
સેન્ટ્રલ બેંક 29.65 20.50 -30.86
HFCL 95.70 66.70 -30.30
Market Summary 10 August 2021
August 10, 2021
