Market Summary 10 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

સાઉથ એશિયામાં નરમાઈ વચ્ચે ભારતીય બજારનો અન્ડરટોન મક્કમ
તાઈવાનને લઈ તણાવ વધતાં એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા સુધરી 19.58ની સપાટીએ
મેટલે એકલે હાથે મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો
બેંકિંગ, ફાર્મા, ઓટોમાં સ્થિરતા
આઈટી, એફએમસીજી, પીએસઈ, રિઅલ્ટીમાં નરમાઈ
ICICI બેંકનો શેર સર્વોચ્ચ સપાટી બનાવવા તરફ
સારા પરિણામ પાછળ તાતા કેમિકલ્સ 12 ટકા ઉછળ્યો
બ્રોડ માર્કેટમાં ઊંચી ભાવ સપાટીએ સાવચેતીનો સૂર

વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારે મજબૂતી જાળવી રાખી હતી. તાઈવાનને લઈને ચીનના આક્રમક તેવર જોતાં દક્ષિણ એશિયાઈ બજારોમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળતી હોવા છતાં ભારતીય બજારે મક્કમ અન્ડરટોન જાળવી રાખ્યો હતો અને ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 36 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 58817ની સપાટીએ જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ્સ સુધરી 17535ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં લેવાલી ચાલુ રહી હતી. જેની પાછળ નિફ્ટી કાઉન્ટર્સની માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. નિફ્ટીના 50માંથી 30 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 20 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી અટકી હતી. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી પાછળ 19.58ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે રજા બાદ સ્થાનિક બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. ચીને તાઈવાનને ટાર્ગેટ કરતાં સૈન્ય કવાયત મજબૂત બનાવતાં તાઈવાને પણ સજ્જતાના ભાગરૂપે સૈન્યને એલર્ટ કરતાં એશિયન બજારોમાં ભારે નરમાઈ જોવા મળી રહી હતી. જેની પાછળ હોંગ કોંગ બજાર 2 ટકા ઘટાડો દર્શાવતું હતું. આ સિવાય તાઈવાન, કોરિયા, ચીન, સિંગાપુર અને જાપાન બજાર પણ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જોકે ભારતીય બજાર પોઝીટીવ ખૂલ્યાં બાદ શરૂઆતી ટ્રેડિંગ અવર્સમાં નેગેટિવ બન્યાં બાદ ઝડપથી પરત ફર્યું હતું અને સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવ્યાં બાદ ફ્લેટ બંધ આપવામાં સફળ રહ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં કેટલાંક ઈન્ડિકેટર્સ સ્પષ્ટપણે ઓવરબોટ સ્થિતિ સૂચવી રહ્યાં છે. તેમ છતાં હજુ સુધી ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેતો પ્રાપ્ત થયાં નથી. ટ્રેડર્સે આંશિકરીતે તેમની પોઝીશન હળવી કરતાં રહેલી જોઈએ કેમકે માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17150ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. જેનો ટાર્ગેટ 17700નો રહેશે.
બુધવારે માર્કેટને મુખ્ય સપોર્ટ મેટલ તરફથી સાંપડ્યો હતો. એકમાત્ર નિફ્ટી મેટલ 1.61 ટકાના નોંધપાત્ર સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. દેશમાં ટોચની એલ્યુમિનિયમ ઉત્પાદક હિંદાલ્કોએ જૂન ક્વાર્ટર માટે વિક્રમી નફો દર્શાવતાં કંપનીનો શેર 5 ટકા જેટલો ઉછળ્યો હતો. આ સિવાય એનએમડીસી, સેઈલ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, નાલ્કો અને જિંદાલ સ્ટીલમાં પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો, નિફ્ટી બેંક અને નિફ્ટ ફાર્મા સાધારણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. ઓટો ક્ષેત્રે ટાટા મોટર્સ, હીરો મોટો કોર્પ, અશોક લેલેન્ડ અને આઈશર મોટર્સ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બેંકિંગમાં આઈસીઆઈસીઆઈ બેંક 1.41 ટકા સાથે રૂ. 849ની સપાટીએ બંધ રહેવા સાથે તેની સર્વોચ્ચ ટોચથી માત્ર રૂ. 19નું છેટું દર્શાવતી હતી. જે ટૂંક સમયમાં પાર કરે તેવી પૂરી શક્યતાં છે. ઈન્ડસઈન્ડ બેંક પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો હતો. જોકે એસબીઆઈમાં બીજા દિવસે ઘટાડો જળવાયો હતો. પીએનબી, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક અને એયૂ સ્મોલ ફાઈ. બેંક પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. આઈટી ક્ષેત્રે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી આઈટી 0.9 ટકા ઘટાડો સૂચવતો હતો. આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ 1.7 ટકા, એચસીએલ ટેક 1.5 ટકા, વિપ્રો 1.3 ટકા અને ઈન્ફોસિસ 1.1 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 0.8 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં સનટેક રિઅલ્ટી 3.7 ટકા, ફિનિક્સ મિલ્સ 3.4 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 3 ટકા, હેમિસ્ફીઅર 1.5 ટકા અને ગોદરેજ પ્રોપર્ટીઝ 1.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કેટલાંક કાઉન્ટર્સે અસાધારણ સુધારો નોંધાવ્યો હતો. જેમાં ટાટા કેમિકલ્સ 12 ટકા સાથે ટોચ પર જોવા મળતો હતો. કંપનીએ અપેક્ષાથી ઊંચા પરિણામો જાહેર કરતાં શેર ફરી એકવાર રૂ. 1000ની સપાટી પર કરી ચાર આંકડામાં જોવા મળ્યો હતો. તીવ્ર લેવાલી દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં સિટિ યુનિયન બેંક, ઈન્દ્રપ્રસ્થ ગેસ, પોલીકેબ, કોરોમંડળ ઈન્ટરનેશનલ, એસ્કોર્ટ્સ કુબોટા, આઈઆરસીટીસી અને યૂપીએલનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ ઊંચી વેચવાલી દર્શાવનાર કાઉન્ટર્સમાં બલરામપુર ચીની 6.1 ટકા સાથે ટોચ પર હતો. મધરસન સુમી અને એમઆરએફ 5-5 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. આ ઉપરાંત ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એબોટ ઈન્ડિયા, પર્સિસ્ટન્ટ, ઈન્ડસ ટાવર્સ, દાલમિયા ભારત અને બજાજ ફાઈનાન્સમાં પણ 3-4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં લેવાલી અટકી હતી. જેને કારણે બીએસઈ ખાતે વધનારા શેર્સ સામે ઘટનારા શેર્સની સંખ્યા ઊંચી જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ ટ્રેડેડ 3524 કાઉન્ટર્સમાંથી 1536 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1903 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 129 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 112 કાઉન્ટર્સ તેમની અગાઉની બંધ સપાટીએ ફ્લેટ જોવા મળ્યાં હતાં.



મેટલ, ઓટો અને બેંકિંગ એ વર્તમાન શેરબજાર તેજીના સુકાનીઓ બન્યાં
સેક્ટરલ સૂચકાંકોમાં જૂનના તળિયાથી મેટલ ઈન્ડેક્સનો 30 ટકા સાથે શ્રેષ્ઠ દેખાવ
ઓટો ઈન્ડેક્સમાં 21 ટકા, બેંક નિફ્ટી અને નિફ્ટી FMCGમાં 19 ટકા સુધારો નોંધાયો

જૂનના મધ્યમાં દર્શાવેલા એકથી વધુ વર્ષના તળિયા પરથી પરત ફરેલા શેરબજારની લીડરશીપ મેટલ, ઓટોમોબાઈલ અને બેંકિંગ સેક્ટર્સે સંભાળી છે. જેમાં મેટલ સેક્ટર ગયા વર્ષની ટોચ પરથી ગગડ્યા બાદ તીવ્ર વૃદ્ધિ દર્શાવવામાં સફળ રહ્યું છે જ્યારે ઓટો અને બેંકિંગ લાંબા સમયના અન્ડરપર્ફોર્મન્સ બાદ ફરીથી આઉટપર્ફોર્મન્સ સૂચવી રહ્યાં છે.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી તેના જૂન મહિનાના 15183ના તળિયાના સ્તર સામે 15 ટકા રિટર્ન સાથે 17523ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીને ટૂંકાગાળામાં આટલું તીવ્ર રિટર્ન પૂરું પાડવામાં સપોર્ટ પૂરો પાડનારા સેક્ટર્સનો અભ્યાસ કરીએ તો મેટલ ટોચ પર આવે છે. નિફ્ટી મેટલે બે મહિનાથી પણ ઓછા સમયગાળામાં 30 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે. ઈન્ડેક્સ 4437ના સ્તરેથી 1300 પોઈન્ટ્સથી વધુના ઉછાળે બુધવારે 5759ની સપાટી પર બંધ જોવા મળતો હતો. મેટલ બાદ બીજા ક્રમે ઉત્કૃષ્ટ દેખાવ દર્શાવવામાં ઓટો સેક્ટર આવે છે. ચારેક વર્ષોથી બ્રોડ માર્કેટની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર ઓટો ઈન્ડેક્સે જૂનના તળિયેથી 21 ટકાનું મજબૂત રિટર્ન નોઁધાવ્યું છે. બુધવારે તે 12952ની સપાટીએ બંધ હતો. જે તાજેતરમા તેણે દર્શાવેલી સર્વોચ્ચ ટોચથી 100 પોઈન્ટસનું છેટું દર્શાવે છે. બેંક અને ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ પણ નોંધપાત્ર સમયથી સાઈડલાઈન રહ્યાં બાદ સપોર્ટ માટે આગળ આવી છે. જેની પાછળ બેંક નિફ્ટી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ, બંને 19-19 ટકાનું રિટર્ન સૂચવી રહ્યાં છે. બેંકિંગ શેર્સમાં પણ પીએસયૂ શેર્સનો દેખાવ તેમના પ્રાઈવેટ હરિફોની સરખામણીમાં ચઢિયાતો જોવા મળે છે. નિફ્ટી પીએસયૂ બેંક 23 ટકા રિટર્ન સાથે મેટલ બાદ બીજા ક્રમે આવે છે. બીજી હરોળના પીએસયૂ બેંકિંગ શેર્સમાં નોંધપાત્ર સુધારાને કારણે આમ બન્યું છે. નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સે પણ 20 ટકા વળતર દર્શાવ્યું છે. જેમાં સ્મોલ પ્રાઈવેટ બેંક્સ તરફથી નોંધપાત્ર રિટર્ન જોવા મળ્યું છે. નિફ્ટી એફએમસીજી પણ 19 ટકા રિટર્ન સાથે બજારને સપોર્ટ કરવામાં આગળ જોવા મળે છે. પાંચેક વર્ષોથી રિટર્ન આપવામાં નિષ્ફળ સિગારેટ મેજર આઈટીસીએ છેલ્લાં બે મહિનામાં ચઢિયાતો દેખાવ કરતાં એફએમસીજી ઈન્ડેક્સે સારુ પર્ફોર્મન્સ નોંધાવ્યું છે. 20 ટકાથી ઊંચું રિટર્ન દર્શાવતાં એનએસઈના અન્ય ઈન્ડેક્સમાં નિફ્ટી મીડ-કેપ 21 ટકાનું નોંધપાત્ર વળતર આપી રહ્યો છે. જ્યારે નિફ્ટી કન્ઝ્યૂમર પણ 21 ટકા રિટર્ન દર્શાવે છે.

જૂન મહિનાના તળિયાથી રિટર્ન
સૂચકાંક જૂન મહિનાનો લો બજારભાવ વૃદ્ધિ(ટકામાં)

નિફ્ટી 50 15183 17523 15
નિફ્ટી મેટલ 4437 5759 30
નિફ્ટી PSU બેંક 2284 2802 23
નિફ્ટી ઓટો 10685 12953 21
નિફ્ટી પ્રાઈવેટ બેંક 16280 19587 20
નિફ્ટી ફાઈ.સર્વિસિઝ 14857 17691 19
નિફ્ટી FMCG 36024 42817 19
બેંક નિફ્ટી 32291 38278 19




એલોન મસ્કે ટેલ્સાના વધુ શેર્સ વેચી 6.9 અબજ ડોલર મેળવ્યાં
છેલ્લાં 10 મહિનામાં મસ્કે ટેલ્સાના શેર્સ વેચાણમાંથી 32 અબજ ડોલર ઊભા કર્યાં

ઈલેક્ટ્રીક કાર્સ ઉત્પાદક ટેસ્લાના સીઈઓ એલેન મસ્કે 5 ઓગસ્ટે તેમની કંપનીના કેટલાંક વધુ શેર્સ વેચી 6.9 અબજ ડોલર ઊભાં કર્યાં હોવાનું રેગ્યુલેટરી ફાઈલીંગ્સ પરથી જાણવા મળે છે. અગાઉ ચાર મહિના અગાઉ કંપનીના શેર્સનું વેચાણ કરતી વખતે વિશ્વમાં સૌથી ધનવાન મસ્કે જણાવ્યું હતું કે તેઓ કંપનીના વધુ શેર્સનું વેચાણ કરશે નહિ. ગયા સપ્તાહે તેમણે કંપનીના 79.2 લાખ શેર્સ ઓફલોડ કર્યાં હતાં.
અગાઉ માર્ચમાં તેમણે ટ્વિટર ઈન્કની ખરીદીના ડિલ માટે 8.5 અબજ ડોલરના શેર્સનું વેચાણ કર્યું હતું. ગયા નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં 10 મહિનાઓમાં મસ્કે ટેસ્લામાં તેમના શેર્સનું વેચાણ કરી 32 અબજ ડોલર ઊભા કર્યાં છે. જોકે તાજેતરમાં કંપનીના શેર્સના વેચાણનો હેતુ જાણવા મળ્યો નથી. ટેસ્લાનો શેર મે મહિનામાં તેની તળિયાની સપાટીએથી 35 ટકા જેટલો સુધર્યો છે. જોકે ચાલુ કેલેન્ડરમાં તે હજુ પણ 20 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. ગયા મહિને મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાના એગ્રીમેન્ટને પડતો મૂક્યો હતો. જોકે ટ્વિટરે ત્યારબાદ મસ્કને ડીલનું પાલન કરવા માટે ફરિયાદ કરી છે. જેને લઈને ડેલાવેર ચાન્સેરી કોર્ટમાં ઓક્ટોબરમાં કાર્યવાહી હાથ ધરાશે.

HDFC બેંકના કૈઝાદ ભરૂચા સૌથી ઊંચુ વેતન મેળવનાર બેંકર
નાણા વર્ષ 2021-22માં તેમણે રૂ. 4.46 કરોડના બોનસ સાથે કુલ રૂ. 10.64 કરોડ મેળવ્યાં
એક્સિસ બેંકના એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરી સૌથી ઊંચું વેતન મેળનવાર બેંક સીઈઓ

HDFC બેંકના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર કૈઝાદ ભરૂચા નાણા વર્ષ 2021-22માં સૌથી ઊંચી કમાણી કરનાર બેંકર તરીકે ઊભર્યાં છે. દેશમાં ટોચની બેંક્સે રજૂ કરેલા વાર્ષિક અહેવાલો પરથી બેંકર્સના રેમ્યુનરેશન એસેસમેન્ટમાં આ વાત બહાર આવી હતી. ભરૂચાએ 2021-22માં રૂ. 10.64 કરોડનું વેતન મેળવ્યું હતું. તેઓ એચડીએફસી બેંક ખાતે હોલસેલ બેંકિંગનો હવાલો સંભાળે છે. તેમણે મેળવેલી કુલ રકમમાં રૂ. 4.46 કરોડની રકમ પર્ફોર્મન્સ બોનસ હતી. આ રકમ તેમણે વર્ષ 2017-18 અને 2020-21 વચ્ચે રળી હતી. જોકે બોનસની આંશિક ચૂકવણી 2021-22 દરમિયાન કરવામાં આવી હતી. ભરૂચાએ 1 એપ્રિલ 2020થી અમલી બને તે રીતે ફિક્સ્ડ વેતનમાં 8 ટકા વૃદ્ધિ મેળવી હતી.
દેશમાં ટોચની પ્રાઈવેટ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં નોંધ્યું છે કે ફિક્સ્ડ વેતનમાં વૃદ્ધિ માટે ગણનામાં લેવામાં આવેલા કોમ્પોનેન્ટ્સમાં બેઝિક, કોન્સોલિડેટેડ અલાઉન્સિસ, લીવ ટ્રાવેલ અલાઉન્સ, પ્રોવિડન્ટ ફંડ, સુપરએન્યૂએશન અને ગ્રેજ્યૂઈટીને ગણનામાં લેવામાં આવ્યાં હતાં. બેંકિંગનો 35 વર્ષનો અનુભવ ધરાવતાં 57-વર્ષીય ભરૂચા 1995થી એચડીએફસી બેંક સાથે જોડાયેલા છે. તે અગાઉ તેઓ એસબીઆઈ કમર્સિયલ એન્ડ ઈન્ટરનેશનલ બેંક સાથે જોડાયેલા હતાં. છેલ્લાં બે વર્ષોમાં ભરૂચાની આગેવાની હેઠળ એચડીએફસી બેંકનું હોલસેલ-ટુ-રિટેલ મિક્સ 45 ટકા પરતી 10 ટકા ઉછળી 55 ટકા પર પહોંચ્યું છે. એચડીએફસી બેંકના એમડી અને સીઈઓ શશીધર જગદિશને 2021-22માં રૂ. 6.51 કરોડનું વેતન મેળવ્યું હતું. તેમણે ઓક્ટોબર 2020માં બેંકના સીઈઓ તરીકેની કામગીરી સંભાળી હતી. આમ ગયુ વર્ષ તેમના માટે પ્રથમ સંપૂર્ણ વેતન વર્ષ હતું.
જોકે દેશમાં સૌથી ઊંચું વેતન ધરાવતાં બેંક એમડી અને સીઈઓ એક્સિસ બેંકના અમિતાભ ચૌધરી હતી. 2021-22માં તેમણે કુલ રૂ. 7.63 કરોડનું વળતર મેળવ્યું હતું. જેમાં રૂ. 89 લાખ વેરિએબલ પેનો હિસ્સો હતો. ચૌધરી પછીના ક્રમે ઈન્ડસઈન્ડ બેંકના એમડી અને સીઈઓ સુમંત કથપલિયા રૂ. 7.3 કરોડના વેતન સાથે જોવા મળતા હતા. બીજા ક્રમની પ્રાઈવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ સંદિપ બક્ષીએ 2021-22માં રૂ. 7.08 કરોડનું વેતન મેળવ્યું હતું. બક્ષીએ 2020-21માં કોવિડને કારણે તેમના વેતનનો સ્વૈચ્છિક ત્યાગ કર્યો હતો.

હિંદાલ્કોએ જૂન ક્વાર્ટરમાં વિક્રમી ત્રિમાસિક નફો નોંધાવ્યો
આદિત્ય બિરલા જૂથની એલ્યુમિનિયમ ઉત્પાદકે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4119 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે કંપનીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ત્રિમાસિક ધોરણે વિક્રમી નફો સૂચવે છે. યુએસ ખાતે મજબૂત વેચાણ અને ઊંચી આવકને કારણે કંપનીને કાચી સામગ્રીના ઊંચા ભાવોની અસર ખાળવામાં સહાયતા મળી હતી. કંપનીએ ઊંચી કામકાજી કાર્યદક્ષતા દર્શાવતાં નફામાં 47.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. શેરબજાર એનાલિસ્ટ્સ કંપની તરફથી રૂ. 2850 કરોડના નફાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. જેની સામે કંપનીએ ખૂબ ઊંચી વૃદ્ધિ નોંધાવી પોઝીટીવ સરપ્રાઈઝ આપી હતી. કંપનીનું વેચાણ 40 ટકા ઉછળી રૂ. 58020 કરોડ પર રહ્યું હતું. કોપર બિઝનેસી રેવન્યૂ 48 ટકા ઉછળી રૂ. 10529 કરોડ રહી હતી. કંપનીના યુએસ યુનિટ નોવેલીસે વાર્ષિક ધોરણે વેચાણમાં 32 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીનું ડેટ વાર્ષિક ધોરણે 19 ટકા ગગડી રૂ. 42193 કરોડ પર રહ્યું હતું.
ડોલર સામે રૂપિયામાં 13 પૈસા સુધારો નોંધાયો
ભારતીય ચલણમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ડોલર સામે જોવા મળતો ઘટાડો અટક્યો હતો. રૂપિયાએ નબળી શરૂઆત દર્શાવ્યાં બાદ ડોલર સામે સુધારો નોંધાવ્યો હતો. સોમવારે 79.65ની સપાટી પર બંધ રહેલો રૂપિયો 79.556ની સપાટી પર ખૂલી સાંકડી રેંજમાં અથડાયાં બાદ કામકાજની આખરમાં 79.52ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ તે 13 પૈસા સુધર્યો હતો. સોમવારે તેણે 41 પૈસાનો ઘટાડો નોંધાવ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈએ રૂપિયાને સપોર્ટ કર્યો હતો. શરૂમાં 106ની સપાટી પર ટ્રેડ થઈ રહેલો ડોલર ઈન્ડેક્સ બપોર બાદ 106ની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ ખાતે જુલાઈ મહિના માટેના સીપીઆઈ ડેટા અગાઉ ડોલરમાં નરમાઈ જોવા મળી રહી છે.



કોર્પોરેટ હેડલાઈન્સ

એબીબી ઈન્ડિયાઃ એન્જિનીયરીંગ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 140.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 70.3 કરોડ સામે લગભગ 100 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1425 કરોડ સામે રૂ. 1425 કરોડ પર રહી હતી.
સિયારામ સિલ્કઃ ટેક્સટાઈલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.9 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 232 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 379 કરોડ પર રહી હતી.
આઈજીએલઃ ઈન્દ્રપ્રસ્થ ગેસે જૂન ક્વાર્ટરમાં રૂ. 421 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 361 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2405 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 3194 કરોડ પર રહી હતી.
વ્હર્લપુલઃ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 77.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.3 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 13413 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1983 કરોડ પર રહી હતી.
ટાટા કેમિકલઃ કેમિકલ્સ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 637 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 342 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2978 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 3995 કરોડ પર રહી હતી.
હેસ્ટર બાયોસાયન્સિસઃ એનિમલ વેક્સિન ઉત્પાદકે જૂન ક્વાર્ટરમાં રૂ. 3.56 કરોડનો નફો અને રૂ. 50.70 કરોડની આવક દર્શાવી હતી. ઈપીએસ રૂ. 4.19 પર રહી હતી. નેપાળ સ્થિત પેટાકંપનીએ આવકમાં 16 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે ટાન્ઝાનિયા સ્થિત સબસિડિયરીએ કમર્સિયલ કામગીરી શરૂ કરી હતી.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીનું યુનિટ મિત્રાહ એનર્જીની એસેટ્સની રૂ. 10530 કરોડમાં ખરીદી કરશે. આમ કરવાથી 2024-25 સુધીમાં 10 ગીગાવોટની રિન્યૂએબલ ક્ષમતા હાંસલ કરવામાં સહાયતા મળશે.
નેટકો ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 320 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષના રૂ. 75 કરોડ સામે 327 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 410 કરોડ પરથી 116 ટકા ઉછળી રૂ. 884 કરોડ રહી હતી.
આરએસડબલ્યુએમઃ ટેક્સટાઈલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 71 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 36.9 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 742 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1024 કરોડ પર રહી હતી.
ઈન્દ્રપ્રસ્થ મેડીઃ હોસ્પિટલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 20.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.4 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 203 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 263 કરોડ પર રહી હતી.
જેએસડબલ્યુ સ્ટીલઃ ટોચની સ્ટીલ કંપનીએ જુલાઈમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં વાર્ષિક 14 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage