Market Summary 10 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે માર્કેટે ફ્લેટ બંધ આપ્યું
નિફ્ટીએ બીજા દિવસે 17500નું સ્તર જાળવી રાખ્યું
પીએસયૂ બેંક્સમાં સાર્વત્રિક લેવાલી વચ્ચે નિફ્ટી પીએસયૂ બેંક 2.6 ટકા ઉછળ્યો
બ્રોડ માર્કેટમાં ખરીદી વચ્ચે મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ પોઝીટીવ બંધ આપ્યું
નિફ્ટી કાઉન્ટર્સમાં એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, એસબીઆઈ સુધારો દર્શાવવામાં અગ્રણી
મીડ-કેપ્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને પોલીકેબમાં ખરીદી જોવા મળી
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે ભારતીય બજારે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક્સમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી અને સેન્સેક્સ 20.46 પોઈન્ટ્સ ઘટાડે 58786.67ના સ્તરે જ્યારે નિફ્ટી 5.55 પોઈન્ટ્સ ઘટી 17511.30 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો અને તે 3.25 ટકા ગગડી 16.06ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 25 પોઝીટીવ જ્યારે બાકીના 25 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં.
ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ફ્લેટ બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેકમાં 1.71 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેની પાછળ એશિયન બજારો પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ખાસ કરી જાપાન અને હોંગ કોંગના બજારો એક ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યાં હતાં. જોકે આમ છતાં ભારતીય બજારમાં કામકાજની શરૂઆત ફ્લેટ રહી હતી. જોકે ઈન્ટ્રા-ડે નિફ્ટીએ 100 પોઈન્ટસથી વધુનો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યાંથી બપોરબાદ તે પરત ફર્યો હતો અને સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. માર્કેટને મેટલ, પીએસયૂ બેંક્સ અને ઓટો ક્ષેત્ર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ 0.52 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં સ્ટીલ શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જોકે એલ્યુમિનિયમ શેર્સ નરમાઈ દર્શાવતાં હતાં. જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 2.62 ટકા ઉછળી બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક્સમાં આઈઓબી 5.06 ટકા, જેકે બેંક 4.58 ટકા, ઈન્ડિયન બેંક 4.43 ટકા, યુનિયન બેંક 3.40 ટકા, કેનેરા બેંક 3.33 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 3.26 ટકા અને પીએનબી 3.16 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. આઈટી, ફાર્મા અને એફએમસીજી ક્ષેત્રે સાધારણ નરમાઈ જોવા મળી હતી. જોકે નિફ્ટી ઓટો પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં એમએન્ડએમ, અમર રાજા બેટરી, બોશ અને ભારત ફોર્જ સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં.
લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી જળવાય હતી. જેની પાછળ નિફ્ટી મીડ-કેપ 0.80 ટકા અને નિફ્ટી સ્મોલ-કેપ 0.81 ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ ખાતે 3394 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2085 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1197 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 450 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 100 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવી રહ્યાં હતાં. 250 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 16 કાઉન્ટર્સે વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ્સમાં આઈઈએક્સનો શેર 9.41 ટકાના ઉછાળે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આવા અન્ય કાઉન્ટર્સમાં સિમેન્સ(7.65 ટકા), આઈડીએફસી ફર્સ્ટ બેંક(5.25 ટકા), ડીએલએફ(5.14 ટકા), પોલીકેબ(4.13 ટકા), ગ્લેનમાર્ક(3.55 ટકા), ડેલ્ટા કોર્પ(3.41 ટકા), ઓબેરોય રિઅલ્ટી(3.34 ટકા)નો સમાવેશ થતો હતો. બીજી બાજુ એસબીઆઈ કાર્ડ્સ 3.54 ટકા સાથે સૌથી વધુ ઘટાડો નોંધાવી રહ્યો હતો. આ ઉપરાંત અતુલ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, ઈન્ફો એજ, પીવીઆર અને ડિવિઝ લેબમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો.


સ્ટાર હેલ્થ ઈન્શ્યોરન્સનું 6 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટીંગ
રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શોયરન્સ કંપનીનું શુક્રવારે નબળુ લિસ્ટીંગ જોવા મળ્યું હતું. કંપનીનો શેર રૂ. 900ના ઓફરભાવ સામે 6 ટકા લિસ્ટીંગ સાથે રૂ. 845ના ભાવે લિસ્ટ થયો હતો. જ્યાંથી વધુ ગગડી રૂ. 827.50ના સ્તરે જોવા મળ્યો હતો જ્યારે ઉપરમાં તેણે રૂ. 940ની ટોચ બનાવી હતી અને આખરે ઓફરભાવથી 0.76 ટકા સુધારા સાથે રૂ. 906.85ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 79 ટકા જ ભરાયો હતો. જેને કારણે કંપનીએ પાછળથી તેના ઓફર-ફોર-સેલના હિસ્સાને ઘટાડવાની ફરજ પડી હતી અને તેને કારણે આઈપીઓનું કદ રૂ. 7200 કરોડથી ઘટાડી રૂ. 6400 કરોડ કરવામાં આવ્યું હતું. જોકે ઝૂનઝૂનવાલાએ આઈપીઓમાં તેમનો હિસ્સામાંથી એક પણ શેરનું વેચાણ કર્યું નહોતું. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 49703 કરોડ પર જોવા મળ્યું હતું.
મેટ્રો બ્રાન્ડ્સ IPO પ્રથમ દિવસે 27 ટકા ભરાયો
રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત મેટ્રો બ્રાન્ડ્સ આઈપીઓનું ભરણું પ્રથમ દિવસે 27 ટકા ભરાયુ હતું. જેમાં રિટેલ હિસ્સો 52 ટકા જ્યારે નોન-ઈન્સ્ટીટ્યુશ્નલ સંસ્થાનો હિસ્સો 0.02 ટકા ભરાયો હતો. જ્યારે ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર કેટેગરીમાં હજુ શરુઆત થઈ નહોતી. કંપની રૂ. 1367 કરોડ ઊભા કરવા માટે બજારમાં પ્રવેશી રહી છે.
તહેવારોમાં શોપીંગ મોલ્સમાં ફૂટફોલ્સમાં 70 ટકા વૃદ્ધિ નોંધાઈ
દેશમાં મોટાભાગના શોપીંગ મોલ્સે ઓક્ટોબર-નવેમ્બરમાં ફૂટફોલ્સમાં 70 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેણે ઓફલાઈન રિટેલર્સને કોવિડ બાદ લગભગ બે વર્ષે રાહત આપી હતી. શોપીંગ સેન્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ 2019ની સરખામણીમાં ઓક્ટોબર અને નવેમ્બર-2021માં મોલ્સમાં ફૂટફોલ્સમાં 70-75 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે કેટલાંક પ્રિમિયમ મોલ્સમાં કોવિડ અગાઉના સ્તરની સરખામણીમાં 100 ટકા રિકવરી જોવા મળી હતી. મેટ્રો સિટીઝ સિવાય ટિયર-ટુ શહેરોમાં પણ મોલ્સમાં ફૂટફોલ્સમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી.


નવેમ્બરમાં પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં 19 ટકા ઘટાડો નોંધાયો
સિઆમના આંકડા મુજબ નવેમ્બર 2020માં 2,64,989 યુનિટ્સના વેચાણ સામે ચાલુ વર્ષે 2,15,626 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું
નવેમ્બર મહિના દરમિયાન પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો એમ ઓટો ઉદ્યોગ સંસ્થા સિઆમે જણાવ્યું છે. સેમિકંડક્ટરની અછતને કારણે ડિલર પાર્ટનર્સને અછત પાછળ સમગ્ર પીવી સેગમેન્ટમાં નરમાઈ જોવા મળી હતી. સિઆમના આંકડા મુજબ નવેમ્બર 2020માં 2,64,989 યુનિટ્સના વેચાણ સામે ચાલુ વર્ષે 2,15,626 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. આમ લગભગ 50 હજાર વાહનોનું વેચાણ ઘટ્યું હતું.
આ જ રીતે ટુ-વ્હીલરનું વેચાણ પણ 34 ટકા ગગડી 10,50,616 યુનિટ્સ પર રહ્યું હતું. જે વર્ષ અગાઉ 16,00,379 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે થ્રી-વ્હીલર્સનું વેચાણ 7 ટકા ઘટી 22,471 યુનિટ્સ પર રહ્યું હતું. જે નવેમ્બર 2020માં 24,071 યુનિટ્સ પર હતું. તમામ કેટેગરીઝ મળીને ઓટોમોબાઈલનું વેચાણ 12,88,759 યુનિટ્સ રહ્યું હતું. જે એક વર્ષ પહેલા સમાનગાળામાં 18,89,349 યુનિટ્સ પર હતું. સિઆમના જણાવ્યા મુજબ તહેવારોની સિઝનમાં ઉદ્યોગને એવું હતું કે વેચાણમાં રિવાઈવલ જોવા મળશે. જોકે આમ બન્યું નહોતું અને ટુ-વ્હીલર્સનું વેચાણ 11 વર્ષના તળિયા પર પહોંચ્યું હતું.

ભારતે ચીન ખાતે ચોખ્ખું સ્ટીલ નિકાસકાર બન્યું
ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં ચીન ખાતે રૂ. 19267 કરોડની સ્ટીલ નિકાસ નોંધાઈ
ભારત પ્રથમવાર સ્ટીલ ખાતે ચોખ્ખું સ્ટીલ નિકાસકાર બન્યું છે. સ્થાનિક સ્તરે ઘટેલી માગ વચ્ચે ઉત્પાદકોએ વૈશ્વિક બજારોની શોધ ચલાવી છે. જેના ભાગરૂપે તેઓ આમ કરી શક્યાં છે. ચાલુ નાણાકિય વર્ષ 2021-22માં એપ્રિલથી લઈ અત્યાર સુધીમાં ભારતે ચીન ખાતે રૂ. 19267 કરોડની સ્ટીલ નિકાસ નોંધાવી છે. જ્યારે સામે તેણે રૂ. 16369 કરોડની આયાત દર્શાવી છે. યુએસ અને ચીન સ્ટીલ નિકાસ માટે ટોચના સ્થળો બની રહ્યાં છે. જ્યારે ચીન અને જર્મની, ભારત માટે આયાતના ટોચના સ્રોત બની રહ્યાં છે.
ચાલુ નાણાકિય વર્ષ માટે સમગ્રતયા નિકાસ ગયા વર્ષની નિકાસને પાર કરી જાય તેવી અપેક્ષા છે. હાલમાં તે 2020-21ની કુલ નિકાસના 70 ટકાથી વધુ જોવા મળી રહી છે. સ્ટીલ ઉત્પાદકો માને છે કે ભારતમાંથી ચીન ખાતે નિકાસ મજબૂત જળવાશે. કેમકે ચીન સરકારે ત્યાંના રિઅલ એસ્ટેટ ઉદ્યોગ માટે બેઈલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. ઉપરાંત ભારત સ્ટીલ ઉત્પાદનમાં કોસ્ટ એડવાન્ટેજ પણ ધરાવે છે. ચીન ખાતે પોલ્યુશનને અટકાવવા માટે અંકુશોને કારણે ભારતીય ઉત્પાદકોને ફાયદો થઈ રહ્યો છે. વધુમાં ભારતે એક વિશ્વસનીય સ્ટીલ નિકાસકાર તરીકે પોતાને વિશ્વ બજારમાં મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. ભારત વિશ્વમાં સ્ટીલ પાઈપ્સનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે અને તે વૈશ્વિક સ્ટીલ વપરાશનો 8-10 ટકા હિસ્સો ધરાવે છે. ટાટી સ્ટીલ અને જેએસડબલ્યુ મળીને ચાલુ નાણાકિય વર્ષે 2.14 કરોડ ટનનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. જે ગયા વર્ષે 1.67 કરોડ ટનની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ સૂચવે છે. દેશમાં સ્ટીલ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 2024-25 સુધીમાં 14 કરોડ ટનને સ્પર્શે તેવો અંદાજ છે. સરકારે સ્પેશ્યાલિટી સ્ટીલ માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કિમની જાહેરાત કરી છે. જેનો 2023-24થી 2029-30 દરમિયાન અમલ કરવામાં આવશે. જે માટે રૂ. 6322 કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું છે.

ભારતમાં ગોલ્ડની માગ દાયકાની ટોચ પર રહેવાની શક્યતાઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
ઊંચી આયાત જકાત વચ્ચે પણ દેશમાં 2016-2020 વચ્ચે કુલ સપ્લાયનો 86 ટકા હિસ્સો આયાતથી આવ્યો
2012માં પ્રથમવાર આયાત જકાતમાં વૃદ્ધિ બાદ ભારતે લગભગ 6,581 ટન સોનાની આયાત કરી
ભારતમાં સોનાની માગ ચાલુ કેલેન્ડરમાં છેલ્લાં દસ વર્ષોમાં સૌથી ટોચ પર રહેવાની શક્યતાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે. તહેવારો અને ભરપૂર લગ્નગાળાને કારણે બાયર્સે સોનાનો નોંધપાત્ર સ્ટોક કર્યો હોવાનું કાઉન્સિલ જણાવે છે. 2021માં ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં જ્વેલર્સ તરફથી 96.23 ટન ગોલ્ડની આયાત થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 60.80 ટન પર જ હતી. આમ વાર્ષિક ધોરણે 60 ટકા જેટલી ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. ગોલ્ડના ભાવ ગયા એક વર્ષમાં લગભગ સ્થિર જોવા મળ્યાં છે અને તેને કારણે પણ ખરીદી માટે સોનુ આકર્ષક જણાય રહ્યું છે.
જો કન્ઝ્યૂમર માગ પર નજર નાખીએ તો ત્રીજા ક્વાર્ટરમાં તે 139.14 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 94.56 ટન પર હતી. આ જ રીતે ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 42.91 ટન પર રહી હતી. જે ગયા વર્ષે 33.77 ટન પર જોવા મળી હતી. આમ દેશમાં ત્રણેય પ્રકારની મુખ્ય માગ ઊંચી જોવા મળી હતી. કાઉન્સિલના મતે કેલેન્ડર 2022માં પણ ગોલ્ડની માગ ઊંચી જળવાય રહેવાની શક્યતાં છે. દેશમાં મોટાભાગની સોનાની માગ આયાત મારફતે પૂરી થાય છે. કેમકે દેશમાં ગોલ્ડ માઈનીંગનું પ્રમાણ ઓછું છે. તેમજ રિસાઈકલીંગ પણ ઓછું જોવા મળે છે. આયાતમાં 33 ટકા હિસ્સો ગોલ્ડ ઓરના સ્વરૂપમાં હોય છે. એટલેકે ગોલ્ડ માટેની કાચી ધાતુ હોય છે. જેને દેશમાં 32 જેટલી રિફાઈનરીઝમાં પ્રોસેસિંગ મારફતે શુધ્ધ સોનામાં ફેરવવામાં આવે છે. જોકે રિફાઈનરીઝને કાચી ધાતુના સપ્લાયની ખાતરી નહિ હોવાથી તેઓ મોટા પ્રમાણમાં પ્રોસેસિંગ હાથ ધરી શકતાં નથી. જેને કારણે દેશમાં કુલ સપ્લાયનો નોંધપાત્ર હિસ્સો ગોલ્ડ આયાત મારફતે જ મેળવવામાં આવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર કેલેન્ડર 2012માં દેશમાં ગોલ્ડની આયાત પર પ્રથમવાર ડ્યુટી લાદવામાં આવ્યાં બાદ પણ કિંમતી ધાતુની આયાતમાં વૃદ્ધિ નોંધાઈ હતી અને છેલ્લાં પાંચ વર્ષોમાં દેશમાં કુલ આયાતમાં મોટો હિસ્સો આયાત મારફતે મેળવવામાં આવ્યો હતો. જેમકે કેલેન્ડર 2016-2020 વચ્ચે કુલ સપ્લાયનો 86 ટકા હિસ્સો આયાત મારફતે આવ્યો હતો. કાઉન્સિલે ‘બુલિયન ટ્રેડ ઇન ઇન્ડિયા’ અહેવાલ રજૂ કર્યો છે, જે ભારતીય ગોલ્ડ માર્કેટનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ દર્શાવે છે. જે મુજબ દેશમાં નીચા માઇનિંગ અને મર્યાદિત રિસાયકલિંગને લીધે ભારતે સ્થાનિક માગને પહોંચી વળવા માટે મોટેભાગે બુલિયન આયાત પર આધાર રાખવો પડે છે. છેલ્લાં વર્ષોમાં ઊંચી આયાત જકાત છતા પણ ભારતની સત્તાવાર આયાત સતત વધી રહી છે, 2012માં પ્રથમ ડ્યુટી વધારા બાદ અત્યાર સુધીમાં સત્તાવાર આયાત સરેરાશ વાર્ષિક 760 ટન રહી છે. ઉંચી આયાત જકાતને લીધે દક્ષિણ તથા પૂર્વના રાજ્યોમાં બિનસત્તાવાર આયાતમાં વધારો થયો છે. મુખ્યત્વે સોનાની દાણચોરીએ હવે હવાઈ માર્ગે અને જમીન માર્ગે થતી જોવા મળે છે. કાઉન્સિલના સ્થાનિક સીઈઓ સોમાસુંદરમ પીઆરના જણાવ્યા મુજબ દેશમાં ગોલ્ડ ક્ષેત્રે ત્રણ દાયકામાં નોંધપાત્ર વિકાસ સાથે ઓર્ગેનાઇઝ્ડ રિફાઈનિંગ ક્ષમતા અને એક એલબીએમએ માન્યતા પ્રાપ્ત રિફાઈનરીમાં પણ નોંધપાત્ર ઉમેરો થયો છે. જોકે, ઓર સોર્સિંગ સામે પડકારોને કારણે રિફાઈનર્સ પૂરી ક્ષમતા સાથે કામ કરી શકતાં નથી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage