Market Summary 10 Feb 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ 15000નું સ્તર જાળવ્યું

સતત બીજા દિવસે ભારતીય બજાર નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. જોકે નિફ્ટીએ 15000નું સ્તર જાળવ્યું હતું. જ્યારે સેન્સેક્સ 51 હજાર પર બંધ રહ્યો હતો. નિફ્ટી 3 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સે 20 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો.

ફાઈનાન્સિયલ્સે અને આઈટીએ બજારને સપોર્ટ કર્યો

લાર્જ-કેપ્સમાં બજાજ બેલડી એટલેકે બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સ તથા સિપ્લા, એસબીઆઈ લાઈફ, એમએન્ડએમ, એચડીએફસી લાઈફ, ગેઈલ જેવા કાઉન્ટર્સે બજારને નોંધપાત્ર સપોર્ટ પૂરો પાડ્યો હતો. ખાસ કરીને જ્યારે એચડીએફસી બેંક જેવા સોલીડ કાઉન્ટર નબળાઈ દર્શાવતા હતા ત્યારે નાના કાઉન્ટર્સે જવાબદારી નીભાવી હતી. આશ્ચર્યન વાત એ છે કે નિફ્ટી કાઉન્ટર્સમાં એચડીએફસી બેંક 2 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો.

અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર નવી ટોચ બનાવી ગગડ્યો

 

દેશમાં સૌથી મોટી સિમેન્ટ કંપની અલ્ટ્રા-ટેક સિમેન્ટનો શેર બુધવારે એક તબક્કે 3 ટકાના સુધારે રૂ. 6586ની સર્વોચ્ચ સપાટી દર્શાવીને પ્રોફિટ બુકિંગ પાછળ ગગડ્યો હતો અને રૂ. 6325ના સ્તરે સાધારણ નેગેટિવ બંધ રહ્યો હતો. સિમેન્ટ ક્ષેત્રે અલ્ટ્રા-ટેક સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવે છે. તેનું માર્કેટ-કેપ રૂ. 1.9 લાખ કરોડને પાર કરી ગયું હતું. જે બીજા ક્રમની સિમેન્ટ કંપનીની સરખામણીમાં બમણાથી વધુ છે.

 

ખાનગી બેંકિંગ શેર્સમાં ઊંચા મથાળે વેચવાલી

 

બુધવારે માર્કેટમાં નરમાઈ પાછળ ખાનગી બેંકિંગ શેર્સ જવાબદાર હતાં. અગ્રણી પ્રાઈવેટ લેન્ડર્સના શેર્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળતો હતો. જેમાં એચડીએફસી બેંક ટોચ પર હતી. બેંકનો શેર એક તબક્કે લગભગ 3 ટકા નરમાઈ દર્શવાવતો હતો. હેવીવેઈટ હોવાના કારણે બજારને નરમ રાખવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સ પણ નરમ બંધ આવ્યાં હતાં. કોટક બેંકનો શેર મોટાભાગનો સમય નરમ ટ્રેડ થયા બાદ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો.

 

રિઅલ્ટી શેર્સમાં જળવાયેલી ખરીદી

 

બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે નરમાઈ વચ્ચે રિઅલ્ટી કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.63 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ડેક્સના પ્રતિનિધિઓમાં ઓબેરોય રિઅલ્ટી 4 ટકાથી વધુના સુધારે રૂ. 590ના સ્તરે બંધ રહ્યો હતો. એ સિવાય પ્રેસ્ટીજ એસ્ટેટ 3.2 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 2.82 ટકા, ડીએલએફ 1.42 ટકા, મહિન્દ્રા લાઈફ 0.95 ટકા અને સનટેક રિઅલ્ટી 0.92 ટકા સુધારા સાથે બંધ દર્શાવતાં હતાં.

 

એશિયન ગ્રેનિટોનો નફો 126 ટકા ઉછળ્યો

 

એશિયન ગ્રેનિટોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 24.9 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11 કરોડ સામે રૂ. 125.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 384.6 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 297.9 કરોડની સામે 29 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા રૂ. 33.5 કરોડથી વધી રૂ. 49.5 કરોડ જોવા મળ્યો હતો.

 

ઈન્ડિયા વીઆઈએક્સ ઘટીને બંધ આવ્યો

 

વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીઆઈએક્સ બપોર સુધી પોઝીટીવ રહ્યાં બાદ આખરે ઘટીને બંધ આવ્યો હતો. સવારના ભાગમાં બજાર નરમ હતું ત્યારે વીઆઈએક્સ 2 ટકાથી વધુ મજબૂતી સાથએ 24.95ની ટોચ પર જોવા મળ્યો હતો. જોકે પાછળથી બજાર પર તેજીવાળાઓએ પકડ મેળવતાં તે 1.32 ટકાના ઘટાડે 23.95 પર બંધ આવ્યો હતો.

 

 

 ચીનનું શેરબજાર ત્રણ વર્ષની ટોચ પર બંધ રહેવામાં સફળ

 

વૈશ્વિક બજારોથી આગવી ચાલ દર્શાવતાં ચીનના બજારે બુધવારે 3637ની અગાઉની ટોચ પાર કરી 3663 પર બંધ આપ્યું

 

 

ચીનના શેરબજારનો બેન્ચમાર્ક બુધવારે તેની ત્રણ વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 52 પોઈન્ટ્સ અથવા 1.43 ટકા ઉછળ્યો હતો. છેલ્લા કેટલાંક સમયથી તે 3550-3650ની રેંજમાં કોન્સોલિડેશન દર્શાવતો હતો. જ્યારે બુધવારે તેણે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. સામાન્યરીતે ચીનનું બજાર વૈશ્વિક બજારોથી અલગ જ ચાલ દર્શાવે છે અને ઘણીવાર તે અગ્રણી બજારો સાથે વ્યસ્ત સંબંધ પણ દર્શાવે છે.

 

વિકસિત અને ઈમર્જિંગ બજારોએ અંતિમ કેટલાક વર્ષોમાં જ્યારે સુધારો જાળવ્યો હતો ત્યારે ચીનનું બજાર દિશાહિન જોવા મળ્યું હતું અને રોકાણકારો માટે ખાસ રિટર્ન જનરેટ કરી શક્યું નહોતું. કેલેન્ડર 2018થી યુએસ સાથે શરૂ થયેલા ટ્રેડ વોરને કારણે પણ ચીનનું બજાર પર્ફોર્મ કરી શક્યું નહોતું. કોવિડની શરૂઆત ચીનમાંથી થઈ હોવાથી તેણે ફેબ્રુઆરી 2020માં જ 2627નું બોટમ બનાવ્યું હતું. જ્યારબાદ વૈશ્વિક બજારોમાં કાતિલ મંદી શરૂ થઈ હતી. જોકે માર્ચ મહિનામાં ચીનના બજારમાં કોઈ ઘટાડો નહોતો જોવા મળ્યો અને તેણે ધીમો સુધારો ચાલુ રાખ્યો હતો. જોકે એપ્રિલ બાદ તે ફરી સ્થિર બન્યું હતું અને બાકીના બજારોમાં લિક્વિડીટી પાછળ ઝડપી બાઉન્સ જોવા મળ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે 2020માં લગભગ 100 બિલિયન ડોલરના એફઆઈઆઈ ફ્લો છતાં ચીનનું બજાર કોઈ મોટું રિટર્ન દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હતું. બુધવારે ત્રણ વર્ષની ટોચ પર પણ વાર્ષિક ધોરણે તે 26 ટકાનું રિટર્ન સૂચવે છે. જ્યારે 2021માં અત્યાર સુધીમાં તે 4.34 ટકાનું રિટર્ન દર્શાવે છે અને અંતિમ એક સપ્તાહમાં તેણે 3.44 ટકાનું વળતર આપ્યું છે. જો અંતિમ ત્રણ વર્ષની વાત કરીએ તો તે માત્ર 17 ટકા રિટર્ન દર્શાવે છે. વિશ્વમાં 4430 અબજ ડોલરના માર્કેટ-કેપ સાથે યુએસ બજાર ટોચ પર છે. જ્યારે ચીનનું બજાર 1118 અબજ ડોલરના માર્કેટ-કેપ સાથે બીજા ક્રમે આવે છે. ચીનનું બજાર 77.93નો માર્કેટકેપ-ટુ-જીડીપી રેશિયો ધરાવે છે. જે અન્ય બજારોની સરખામણીમાં નીચો છે. ચીન બાદ ભારત 94નો માર્કેટકેપ-ટુ-જીડીપી રેશિયો ધરાવે છે.

 

 

 

ભારતીય અર્થતંત્ર 2020-21માં 7 ટકા ઘટાડો દર્શાવશેઃએસબીઆઈ રિસર્ચ

 

સંસ્થાએ અગાઉ 7.4 ટકા ઘટાડાની કરેલી આગાહીમાં સુધારો કર્યો

 

 

એસબીઆઈ રિસર્ચે નાણાકિય વર્ષ 2020-21માં દેશનો આર્થિક વૃદ્ધિ દર 7 ટકા ઘટાડો દર્શાવશે એમ જણાવ્યું છે. તેણે અગાઉ જીડીપીમાં 7.4 ટકા ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જેમાં હવે સુધારો કર્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બરના પ્રથમ છ મહિના દરમિયાન દેશના જીડીપીમાં 15.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓક્ટોબરથી માર્ચના બીજા છ મહિના દરમિયાન વૃદ્ધિ દર 2.8 ટકા પોઝીટીવ રહેવાની શક્યતા એસબીઆઈ રિસર્ચ જોઈ રહી છે.

 

એસબીઆઈના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષ જણાવે છે કે 41 જેટલા હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સમાંથી 51 ટકામાં વેગ જોવા મળી રહ્યો છે. જે અર્થતંત્રને ત્રીજા ક્વાર્ટરમાં 0.3 ટકા વૃદ્ધિ દર સાથે ફરી ગ્રીન ઝોનમાં લાવી શકે છે. અગાઉ ઘણી સંસ્થાઓ ભારતના જીડીપી વૃદ્ધિ દરને લઈને તેમના અગાઉના અંદાજમાં સુધારો કરી ચૂકી છે. એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાવ્યો હતો. જોકે બીજા ક્વાર્ટરમાં આર્થિક ગતિવિધિઓમાં સુધારા પાછળ જીડીપીમાં 7.5 ટકાનો અપેક્ષાથી ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા નાણા વર્ષ 2019-20માં દેશે 4 ટકાનો ઘણા વર્ષોનો નીચો આર્થિક વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે તે 7 ટકાનો નેગેટિવ વૃદ્ધિ દર દર્શાવવા જઈ રહ્યું છે. મોટાભાગની સંસ્થાઓ 7.5-8 ટકાના જીડીપી ઘટાડાનો અંદાજ ધરાવે છે. એનએસઓ 7 ટકાનો જ્યારે આરબીઆઈ 7.5 ટકાનો ઘટાડો નોંધાશે એવું માને છે. ઘોષના જણાવ્યા મતે હવે અમે સમગ્ર વર્ષ માટે અગાઉના 7.4 ટકા સામે 7 ટકા ઘટાડાની આગાહી કરીએ છીએ. જ્યારે ચોથા ક્વાર્ટરમાં તે 2.5 ટકા સાથે પોઝીટીવ રહેશે એવું માનીએ છીએ. જોકે આ સુધારેલો અંદાજ સંક્રમણની ગેરહાજરીને ગણનામાં લઈને કરવામાં આવ્યાં છે એમ તેઓ ઉમેરે છે. સંસ્થા આગામી નાણા વર્ષ માટે 11 ટકા આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ જાળવી રાખે છે.

 

 

ભારત નવા નાણા વર્ષમાં 10.4 ટકા વૃદ્ધિ દર નોંધાવશેઃ ઈન્ડિયા રેટિંગ્સ

 

જોકે અર્થપૂર્ણ રિકવરી તો માત્ર 2022-23માં જ જોવા મળશે

 

 

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ જણાવે છે કે નવા નાણા વર્ષ 2021-22માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઉછળી 10.4 ટકા પર જોવા મળશે. જોકે ખરી આર્થિક રિકવરી તો 2022-23ના વર્ષમાં જ જોવા મળશે એમ તે ઉમેરે છે. સંસ્થાના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ સુનીલકુમાર સિંહા જણાવે છે કે 2021-22માં મુખ્યત્વે 2020-21માં ગુમાવેલું ગ્રાઉન્ડ પરત મેળવાશે. આમ વાસ્તવિક વૃદ્ધિ નગણ્ય રહેશે. અર્થપૂર્ણ રિકવરી માટે નાણા વર્ષ 2022-23 સુધી રાહ જોવાની રહેશે એમ તેઓ માને છે.

 

મહામારી અગાઉની ભારતના આર્થિક વૃદ્ધિ  દરના વલણને જોતાં 2021-22માં જોવા મળનારી વૃદ્ધિ અગાઉના ટ્રેન્ડ કરતાં 10.6 ટકા નીચી રહેશે એમ ઈન્ડિયા રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ ડીકે પંતે જણાવ્યું હતું. સિંહાના મતે મધ્યમગાળા માટેનો વૃદ્ધિ દર પણ દેશના સતત વધતાં લેબર ફોર્સને સમાવવા જરૂરી વૃદ્ધિ દર કરતાં નીચો રહેશે. દર વર્ષે લેબર માર્કેટમાં પ્રવેશતાં 1-1.2 કરોડ મજૂરોને રોજગારી ઉપલબ્ધ બની રહે તે માટે 8 ટકાના વૃદ્ધિ દર જરૂરી છે. જો 5 ટકા જીડીપી ડિફ્લેટરને ગણનામાં લઈએ તો 15મા ફાઈનાન્સ કમિશનના અંદાજો મુજબ 2025-26 પહેલા 6-7 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરવો શક્ય નથી. આમ 7-8 ટકા વૃદ્ધિ દર એક પડકાર છે એમ સિંહા જણાવે છે. 2020-21માં ગરીબ વર્ગને પુષ્કળ નાણાકિય સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. જે 2021-22માં મહદઅંશે પરત ખેંચી લેવામાં આવ્યો છે. જેમાં મનરેગાની ફાળવણીથી લઈને અન્ય આ પ્રકારની સ્કીમ્સનો સમાવેશ થાય છે.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage