બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
RBIએ રેટ સ્થિર જાળવતાં તેજીવાળાઓ જોશમાં આવ્યાં
નિફ્ટીએ 17600નું સ્તર પાર કર્યું
બોન્ડ યિલ્ડ્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડ્યો
બ્રોડ માર્કેટમાં જોકે લેવાલીનો અભાવ
યુએસ સિવાય વૈશ્વિક બજારોમાં કોન્સોલિડેશન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેટને સ્થિર જાળવી રાખી બજારને આશ્ચર્ય આપતાં બેન્ચમાર્ક્સમાં સતત ત્રીજા દિવસે સુધારો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 460.06 પોઈન્ટ્સના સુધારે 58926.03ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 142 પોઈન્ટ્સ સુધરી 17606ના સ્તરે બંધ રહેવા સાથે તેજીના ઝોનમાં પ્રવેશ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 4.6 ટકા ગગડી 17.77ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 40 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે માત્ર 10 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં.
ગુરુવારે માર્કેટમાં કામકાજની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. આરબીઆઈની પોલિસી જાહેર થાય ત્યાં સુધી બજારે અગાઉના બંધ આસપાસ ટ્રેડ દર્શાવ્યો હતો. જોકે સેન્ટ્રલ બેંક ગવર્નરે પોલિસી રેટને સ્થિર જાળવી રાખવાની જાહેરાત કરવા સાથે રેટ વૃદ્ધિને લઈને કોઈ ટાઈમલાઈન આપવાનું પણ ટાળ્યું હતું. જેણે બજારને આશ્ચર્ય આપ્યું હતું અને તેજીવાળાઓની લેવાલી નીકળી હતી. જેની પાછળ શોર્ટ સેલર્સે પોઝીશન કવર કરવા માટે દોટ લગાવવાની થઈ હતી. જોતજોતામાં નિફ્ટી 17600નું સ્તર પાર કરી ગયો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે બેન્ચમાર્કે તેના અવરોધો પાર કર્યાં છે અને તે તેજી તરફી બન્યો છે. વૈશ્વિક બજારોનો સપોર્ટ મળશે તો ભારતીય બજાર 18000 તરફ ગતિ દર્શાવી શકે છે. અલબત્ત, માર્કેટમાં સતત ત્રીજા દિવસે લાર્જ-કેપ અને મીડ-કેપ ડિવાઈડ જોવા મળ્યું હતું. માર્કેટમાં સેન્ટિમેન્ટમાં સુધારા છતાં બ્રોડ માર્કેટમાં કોઈ ખાસ ખરીદીનો અભાવ હતો અને સમગ્રતયા માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3448 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1529 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1819 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. જોકે સતત ત્રીજા દિવસે અપર સર્કિટ્સ દર્શાવનાર કાઉન્ટર્સની સંખ્યા લોઅર સર્કિટ દર્શાવનાર કાઉન્ટર્સ કરતાં નીચી જોવા મળી હતી. 237 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 308 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં જોવા મળ્યાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.29 ટકા અને 0.34 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાઈસીસમાં મેટલ, બેંકિંગ અને આઈટીમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક મેટલ માર્કેટમાં તેજી પાછળ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. ઉપરાંત તેમના ત્રિમાસિક પરિણામો પણ સારા જળવાતાં ખરીદીનો ઉન્માદ જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.24 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 6 ટકા સાથે છેલ્લાં ઘણા મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે એનએમડીસી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો અને હિંદાલ્કો પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. હિંદાલ્કોનો શેર રૂ. 553.50ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. બેંક નિફ્ટી 39 હજારનું સ્તર પાર કરી બંધ આપવામાં સફળ રહ્યો હતો. ઈન્ડેક્સમાં મહત્વનો દેખાવ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફેડરલ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈનો સમાવેશ થતો હતો. જોકે પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં જીએનએફસીમાં સતત ત્રીજા સત્રમાં સુધારો જળવાયો હતો. કાઉન્ટર રૂ. 573ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 4.44 ટકા સાથે રૂ. 570.75ના સ્તરે બંધ દર્શાવતું હતું. ઓરોબિંદો ફાર્મા, ફર્સ્ટસોર્સ, ઓએનજીસીમાં પણ 3 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ પેજ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, સીજી કન્ઝ્યૂમર અને ગુજરાત ગેસ 2-3.5 ટકા સુધીની નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
ગ્રોથ કેન્દ્રિત RBIએ નરમ વલણ અપનાવી આશ્રર્ય સર્જ્યું
મધ્યસ્થ બેંક રેટ વૃદ્ધિ કરશે તેવી વ્યાપક અપેક્ષાથી વિરુધ્ધ એમપીસીએ એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું
બેંક રેગ્યુલેટરે માર્ચ ક્વાર્ટરમાં ફુગાવો ટોચ બનાવે તેવી શક્યતાં વ્યક્ત કરી
કેલેન્ડર 2022ની પ્રથમ નાણાકિય સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની અલ્ટ્રા-લૂઝ મોનેટરી પોલિસીને બંધ કરવાની જાહેરાત કરી રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ કરશે તેવી અર્થશાસ્ત્રીઓ સહિત મોટાભાગના વર્ગની અપેક્ષાથી વિપરીત સેન્ટ્રલ બેંકરે ગુરુવારે જૈસે થે સ્થિતિ જાળવી રાખવાનું વલણ અપનાવ્યું હતું. બેંક ચેરમેને અર્થતંત્રને હજુ પણ પોલિસી સપોર્ટની જરૂર હોવાનું જણાવી રેપો રેટને 4 ટકા પર જ્યારે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર જાળવ્યાં હતાં. બંને દરો મે 2020થી આ સ્તર પર જ જોવા મળી રહ્યાં છે.
છેલ્લાં એક સપ્તાહથી વિવિધ નિષ્ણાતો તરફથી પણ રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ નિશ્ચિત હોવા સંબંધી નિવેદનો કરવામાં આવી રહ્યાં હતાં. જોકે આરબીઆઈને હજુ આમ કરવાની સ્થિતિ ઊભી થઈ હોય તેમ નથી જણાયું. આ શક્યતાં પાછળ જ બજેટની જાહેરાત બાદ છેલ્લાં એક સપ્તાહ દરમિયાન બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. જોકે આરબીઆઈએ રેટ સ્થિર જાળવતાં યિલ્ડ્સમાં એક ટકાનો કડાકો બોલી ગયો હતો. રૂપિયો પણ 10 પૈસા ગગડીને 74.04ની તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો.
બેંકે બે વર્ષ અગાઉ કોવિડના આરંભ દરમિયાન લિક્વિડીટી ફ્રેમવર્ક સંબંધી જાહેર કરેલાં કેટલાક ઓપરેશ્નલ મેઝર્સને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. જોકે પોલિસીનો ટોન નરમાઈ તરફી રહ્યો હતો. જેને કારણે બોન્ડમાં નરમાઈ અને શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન ચાલુ ક્વાર્ટરમાં ટોચ બનાવી દે તેવી અપેક્ષા છે. જ્યારે ઉત્પાદન હજુ પણ માંડ મહામારી અગાઉના સ્તરે જોવા મળી રહ્યું છે. જેને જોતાં અર્થતંત્રને માટે પોલિસી સપોર્ટ ચાલુ રાખવો જરૂરી જણાય છે. ઈન્ફ્લેશન અને ગ્રોથ જેવા પરિબળો પર નજર કરીએ તો ઈન્ફ્લેશન આઉટલૂકમાં સુધારો જોવા મળે છે. જ્યારે ઓમિક્રોનને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાઓ પણ ઘણી ખરી દૂર થઈ છે. જેને જોતાં એમપીસી એવું માને છે કે ટકાઉ અને બ્રોડ-બેઝ રિકવરી માટે પોલિસી સપોર્ટ જાળવી રાખવો જોઈએ એમ શશીકાંત દાસે જણાવ્યું હતું.
આરબીઆઈએ નવા નાણા વર્ષ 2022-23 માટે 7.8 ટકા જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. જેમાં પ્રથમ ક્વાર્ટરમાં 17.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 7 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.5 ટકા ગ્રોથની અપેક્ષા દર્શાવી હતી. જોકે આરબીઆઈનો અંદાજ નાણાપ્રધાને બજેટ સત્રમાં દર્શાવેલા 8-8.5 ટકાના ગ્રોથ અંદાજ કરતાં નીચો હતો. સેન્ટ્રલ બેંકરે ચોમાસુ સામાન્ય રહેવાની ગણતરી સાથે 2022-23 માટે સીપીઆઈ ઈન્ફ્લેશન 4.5 ટકા રહેવાનો અંદાજ રજૂ કર્યો હતો. જેમાં પ્રથમ ક્વાર્ટરમાં 4.5 ટકા, બીજા ક્વાર્ટરમાં 4.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4 ટકા સીપીઆઈનો અંદાજ બાંધ્યો હતો.
આરબીઆઈ બેઠકની હાઈલાઈટ્સ
• રેપો રેટ 4 ટકા પર સ્થિર
• રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર
• 2022-23 માટે GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ
• 2022-23માં CPI 4.5 ટકા રહેવાનો અંદાજ
• એમપીસીએ સર્વસંમતિથી એકોમોડેટિવ વલણનું સમર્થન કર્યું
ટોરેન્ટ પાવરે 25 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ ખરીદ્યો
ટોરેન્ટ જૂથની ટોરેન્ટ પાવર લિમિટેડે બ્લ્યૂ ડાયમન્ડ પ્રોપર્ટીઝ અને બલરામપુર ચીની મિલ્સ સાથે વિઝ્યૂઅલ પર્સેપ્ટ સોલાર પ્રોજેક્ટ્સ(એસપીવી)નું 100 ટકા ઈક્વિટી શેર કેપિટલ ખરીદવા માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ(એસપીએ) કર્યાં છે. એસપીવી ગુજરાતમાં 25 મેગાવોટના સોલાર પાવરનું ઓપરેશન ધરાવે છે. સાથે તે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(જીયુવીએનએલ) સાથે 25 વર્ષો માટેનો લોંગ-ટર્મ પાવર પરચેઝ એગ્રીમેન્ટ(પીપીએ) પણ ધરાવે છે. આ એક્વિઝીશન માટે રૂ. 163 કરોડની એન્ટરપ્રાઈસ વેલ્યૂનો અંદાજ છે. ટોરેન્ટ પાવર એક ઈન્ટિગ્રેટેડ પાવર યુનિલિટી કંપની છે. જૂથની કુલ આવક રૂ. 20500 કરોડ જેટલી છે. જ્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 82 હજાર કરોડ જેટલું છે. દેશના પાવર ક્ષેત્રે તે સૌથી મોટી કંપની છે. પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે તે સમગ્ર પાવર વેલ્યૂ ચેઈનમાં હાજરી ધરાવે છે. હાલમાં ટોરેન્ટ પાવર કુલ 3.9 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. જેમાંથી ગેસ આધારિત 2.7 ગીગાવોટ અને 0.8 ગીગાવોટની રિન્યૂએબલ્સ સાથે મોટાભાગે ક્લિન એનર્જી જનરેશન જોવા મળે છે. સાથે તે વધુ 0.7 ગીગાવોટના રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટ્સની ક્ષમતા ધરાવે છે. જે ખરીદીના અથવા ડેવલપમેન્ટના આખરી તબક્કામાં છે. જે સાથે કંપનીનો કુલ રિન્યૂએબલ પોર્ટફોલિયો 1.5 ગીગાવોટથી વધુનો બની જશે.
એલેમ્બિક ફાર્માએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 176 કરોડનો નફો નોંધાવ્યો
એલેમ્બિક ફાર્માએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 176 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જ્યારે કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 1272 કરોડ પર રહ્યું છે. કંપનીએ એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિના માટે રૂ. 3890 કરોડની આવક પર રૂ. 510 કરોડનો નફો રળ્યો છે. કંપનીના યુએસ જેનેરિક્સ બિઝનેસમાંથી ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 393 કરોડની આવક રહી હતી. જ્યારે નવ મહિનામાં તે રૂ. 1109 કરોડ પર હતી. યુએસ સિવાયના બજારોમાં ફોર્મ્યુલેશન્સ બિઝનેસનું યોગદાન રૂ. 193 કરોડનું જોવા મળ્યું હતું. કંપનીએ ક્વાર્ટર દરમિયાન કુલ 6 એએનડીએનું ફાઈલીંગ કર્યું હતું. જ્યારે ક્વાર્ટર દરમિયાન ચાર એએનડીએને મંજૂરી મળી હતી. ભારતીય બજારમાં બ્રાન્ડેડ બિઝનેસની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 488 કરોડ પર રહી હતી. જ્યારે એપીઆઈ બિઝનેસમાંથી આવક રૂ. 198 કરોડ પર રહી હતી.
સોનું-ચાંદી-ક્રૂડ સહિત બેઝ મેટલ્સમાં મજબૂતી
વૈશ્વિક કોમોડિટી બજારો ફેડના ટાઈટનીંગના ગભરાટમાંથી બહાર આવી રહેલા જણાય છે. જેમાં કિંમતી ધાતુઓ અને બેઝ મેટલ્સ મુખ્ય છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1837 ડોલરની આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે કેટલાંક દિવસો અગાઉ ફેડ મિટિંગ પહેલાની તેની 1745 ડોલરની ટોચ નજીકનું સ્તર છે. નીચે 1780 ડોલરને સ્પર્શ કરીને તેઓ પરત ફર્યાં છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 100ની મજબૂતી સાથે રૂ. 48755ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે તેનું અવરોધનું સ્તર છે. જો આ સ્તર પાર કરશે તો સોનુ રૂ. 50 હજાર સુધીનો સુધારો દર્શાવે તેવી શક્યતાં છે. ચાંદી પણ રૂ. 210ની મજબૂતી સાથે રૂ. 62900ની આસપાસ ટ્રેડ દર્શાવી રહી છે. બેઝ મેટલ્સમાં કોપર અને ઝીંક એમસીએક્સ ખાતે 2 ટકાથી વધુ સુધારો સૂચવે છે. કોપર તેના છેલ્લાં ઘણા મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. નીકલ પણ 1.6 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે ક્રૂડ વાયદો 1.6 ટકા સુધારો સૂચવે છે. બ્રેન્ટ ક્રૂડ 92 ડોલર આસપાસ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
હિંદાલ્કોનો નફો 96 ટકા ઉછળી રૂ. 3675 કરોડના વિક્રમી સ્તરે
આદિત્ય બિરલા જૂથની એલ્યુમિનિયમ ઉત્પાદક કંપની હિંદાલ્કોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં 96 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1877 કરોડની સામે ચાલુ સિઝનમાં તેણે રૂ. 3675 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 34958 કરોડ પરથી વધી રૂ. 50272 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઊંચી માગ તથા સ્ટ્રેટેજિક પ્રોડક્ટ મિક્સને કારણે દેખાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીના નફામાં 7.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર વાર્ટરમાં તેણે રૂ. 3417 કરોડનો નફો દર્શાવ્યો હતો.
જેમ્સ મર્ડોક અને ઉદય શંકરે 1.5 અબજ ડોલર સાથે નવું ઈન્વેસ્ટમેન્ટ સાહસ સ્થાપ્યું
સોવરિન વેલ્થ ફંડ મેનેજર કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી નાણાકિય સહાયતા પૂરી પાડશે
લૂપા સિસ્ટમ્સના ફાઉન્ડર અને સીઈઓ જેમ્સ મર્ડોક તથા સ્ટાર ઈન્ડિયાના ભૂતપૂર્વ ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર ઉદય શંકરે બોધી ટ્રી નામે નવા વેન્ચરની જાહેરાત કરી છે. જેને શરૂઆતમાં સોવરિન વેલ્થ ફંડ મેનેજર કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તરફથી 1.5 અબજ ડોલરનું ફંડ મળશે.
બોધી ટ્રી દક્ષિણપૂર્વ એશિયામાં મિડિયા અને કન્ઝ્યૂમર ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણ કરવા ઈચ્છે છે. જેમાં ભારત તેના કેન્દ્રમાં છે. કતાર ઈન્વેસ્ટમેન્ટ ફંડે નવા સાહસ માટે નાણાકિય પ્રતિબધ્ધતા પૂરી પાડી છે. મિડિયા મોગલ રુપર્ટ મર્ડોકના પુત્ર જેમ્સે વોલ્ટ ડિઝની કંપનીના મોટાભાગના એન્ટરટેઈનમેન્ટ બિઝનેસના 2019માં વેચાણ બાદ ફેમિલી-રન મિડિયા બિઝનેસ 21સ્ટ સેન્ચૂરી ફોક્સને છોડ્યો હતો. ત્યારબાદ તેણે ઈમર્જિંગ માર્કેટ્સમાં ઈન્વેસ્ટમેન્ટની શોધ સાથે માટે શંકર સાથે ભાગીદારીમાં લૂપા સિસ્ટમ્સની શરૂઆત કરી હતી. ગયા વર્ષે તેમણે ભારતીય સ્ટાર્ટઅપ ડૌડનટને સમર્થન પૂરું પાડ્યું હતું. જે ટેક સ્ટુડન્ટ્સના મેથ અને સાયન્સ કન્સેપ્ટ્સ માટે શોર્ટ વિડિયોઝનો ઉપયોગ કરે છે. નવુ સાહસ બોધી ટ્રી મિડિયા, એજ્યૂકેશન અને હેલ્થકેર કંપનીઓમાં રોકાણનો હેતુ ધરાવે છે. જેમ્સ મર્ડોક અને શંકર ભારતમાં સ્ટાર ઈન્ડિયાને ઊભી કરવાનો ઊંડો અનુભવ ધરાવે છે. ઉદય શંકરના નેતૃત્વમાં સ્ટારે સ્ટ્રીમીંગ સર્વિસ હોટસ્ટારને લોંચ કરી હતી. જે હાલમાં ડિઝનીનો ભાગ છે.
અદાણી વિલ્મેરનો રૂ. 50 હજાર કરોડ M-Cap ક્લબમાં પ્રવેશ
મંગળવારે રૂ. 221ના લિસ્ટીંગ ભાવ પર કંપનીના શેરે 75 ટકા રિટર્ન દર્શાવ્યું
અદાણી વિલ્મેરનો શેર સતત બીજા દિવસે 20 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. કંપનીનો શેર એનએસઈ ખાતે રૂ. 386.25ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 50201 કરોડ પર જોવા મળતું હતું. બીએસઈ ખાતે જોકે કંપનીનો શેર રૂ. 381.80ના સ્તરે બંધ રહ્યો હતો અને માર્કેટ-કેપ રૂ. 49622 કરોડ પર જોવા મળ્યું હતું. તેણે જૂથની અદાણી પાવરને માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધો હતો. અદાણી વિલ્મેર એ ભારતના અદાણી જૂથ અને સિંગાપુર સ્થિત વિલ્મર જૂથ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. કંપની ઓર્ગેનાઈઝ્ડ એડિબલ માર્કેટમાં અગ્રણી છે.
કંપનીના શેરનું મંગળવારે શેરબજાર પર લિસ્ટીંગ થયું હતું. રૂ. 227ના ઓફરભાવ સામે કંપનીનો શેર રૂ. 221ના તળિયા પર ખૂલ્યાં બાદ સુધરતો રહ્યો હતો. તેણે બુધવારે પણ 20 ટકાની અપર સર્કિટમાં બંધ દર્શાવ્યું હતું. રૂ. 221ના બોટમ પરથી બે દિવસમાં તે 75 ટકા સુધારો સૂચવી રહ્યો છે. અદાણી વિલ્મેર એ રૂ. 50 હજાર કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી અદાણી જૂથની છઠ્ઠી લિસ્ટેડ કંપની છે. એકમાત્ર અદાણી પાવર રૂ. 50 હાજર કરોડથી નીચું માર્કેટ-કેપ ધરાવે છે. ગુરુવારે તે રૂ. 42 હજાર કરોડ આસપાસ માર્કેટ-કેપ દર્શાવી રહી હતી. જૂથની અન્ય પાંચ કંપનીઓ રૂ. 1.5 લાખ રોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. જેમાં અદાણી ગ્રીન એનર્જી રૂ. 3 લાખ કરોડ સાથે ટોચ પર છે. જ્યારબાદના ક્રમે અદાણી ટ્રાન્સમિશન(રૂ. 2.18 લાખ કરોડ), અદાણી એન્ટરપ્રાઈઝિસ(રૂ. 1.96 લાખ કરોડ), અદાણી ટોટલ ગેસ(રૂ. 1.96 લાખ કરોડ) અને અદાણી પોર્ટ્સ(રૂ. 1.5 લાખ કરોડ)નો સમાવેશ થાય છે. અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલો ઉપરાંત આટા, રાઈસ, કઠોળ, ખાંડ અને પેકેજ્ડ ફૂડનો બિઝનેસ કરે છે.