Market Summary 10 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બેંકિંગ-ઓટોના સપોર્ટે નિફ્ટીએ 18000નું સ્તર કૂદાવ્યું
માર્કેટમાં બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં ધૂમ લેવાલી
બીએસઈ ખાતે 2640 પોઝીટીવ કાઉન્ટર્સમાથી 977 ઉપલી સર્કિટમાં બંધ
પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 4 ટકાનો ઉછાળો નોંધાયો
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારની આગેકૂચ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં મોટી વધ-ઘટનો અભાવ

ભારતીય શેરબજારમાં સતત બીજા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. માર્કેટમાં વ્યાપક લેવાલી વચ્ચે બેન્ચમાર્ક્સ તેમની દોઢ મહિનાની ટોચ પર પહોંચ્યાં હતાં. નિફ્ટીએ 191 પોઈન્ટ્સ અથવા એક ટકા સુધારે 18 હજારની સપાટી પર 18003 પર બંધ દર્શાવ્યું હતું. જ્યારે બીએસઈ સેન્સેક્સ 651 પોઈન્ટ્સ ઉછળી 60396ની સપાટી પર બંધ રહી 60 હજારને પાર કરવામાં સફળ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.4 ટકાના સાધારણ સુધારે 17.67 પર બંધ જોવા મળ્યો હતો. માર્કેટમાં ભારે ખરીદી વચ્ચે નિફ્ટીના 50માઁથી 15 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં.
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારે સોમવારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટીએ અગાઉના 17812.70ના બંધ સામે 101 પોઈન્ટ્સ સુધારે 17913.30ના સ્તરે ખૂલ્યાં બાદ 17879.15નું લો બનાવીને શરૂઆતી હાફમાં રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવ્યો હતો. જોકે બપોરબાદ તેજીવાળાઓની લેવાલી વચ્ચે શોર્ટ કવરિંગ નીકળ્યું હતું. જેની પાછળ નિફ્ટી 18 હજારના સાઈકોલોજિકલ સ્તર પાર કર્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 18017ની ટોચ બનાવી હતી. લાર્જ-કેપ્સમાં બેંકિંગ,ઓટોમોબાઈલ અને પીએસઈ ક્ષેત્ર તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. બેંક નિફ્ટી 1.61 પોઈન્ટ્સ ઉચકાઈને 38348ના સ્તરે બંધ રહ્યો હતો. જેમાં પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.8 ટકા ઉછળ્યો હતો. બેંક ઓફ બરોડાનો શેર 5.2 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જે સિવાય ફેડરલ બેંક, આરબીએલ, કેનેરા બેંક, પીએનબી, કોટક બેંકના શેર્સ 2-5 ટકા સુધારો સૂચવી રહ્યાં હતાં. ઓટોમોબાઈલ ક્ષેત્રે સતત બીજા સપ્તાહે ખરીદી જળવાય હતી. જેમાં ટુ-વ્હીલર્સ તથા કાર કંપનીઓના શેર્સમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. હીરો મોટોકોર્પનો શેર 3.2 ટકા ઉછળ્યો હતો. જ્યારે મારુતિ સુઝુકી 2.8 ટકા સુધારા સાથે તેની વાર્ષિક ટોચ નજીક પહોંચ્યો હતો. તેણે રૂ. 8000ની સપાટી કૂદાવી હતી. એનએસઈ મિડિયા ઈન્ડેક્સ 2.25 ટકા જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સ 1.92 ટકા ઉછળ્યો હતો. જોકે ફાર્મા ઈન્ડેક્સ ફ્લેટ જોવા મળ્યાં હતાં.
લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ઊંચી લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3748 કાઉન્ટર્સમાં ટ્રેડિંગ નોંધાયું હતું. જેમાંથી 2640 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1001 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. આમ 2.6 કાઉન્ટર્સમાં સુધારા સામે માત્ર 1 કાઉન્ટરમાં ઘટાડો નોંધાયો હતો. 2640 પોઝીટીવ કાઉન્ટર્સમાઁથી 977 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 170 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ જળવાયાં હતાં. 626 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે માત્ર 12 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.84 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.91 ટકા સુધારા સાથે મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં.
એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 18 હજારનું મહત્વનું સાયકોલોજિકલ લેવલ પાર કર્યું છે. જોકે તેને 18000-18200ની રેંજમાં મહત્વનો અવરોધ છે. આ સ્તરને પાર કરવામાં અગાઉ તે ત્રણેક વાર નિષ્ફળ રહ્યો છે. આમ વર્તમાન સ્તરેથી તે પરત ફરી શકે છે. લોંગ ટ્રેડર્સે તેમની પોઝીશન પર પ્રોફિટ બુક કરવો જોઈએ અને એકવાર નિફ્ટી 18200 પર કેટલાંક સત્રો દરમિયાન બંધ દર્શાવે ત્યારબાદ જ નવેસરથી લોંગ પોઝીશન લેવી જોઈએ. શોર્ટ સેલર્સ 18200ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી શકે છે. જો આ સ્તર પાર થાય તો તેમણે પોઝીશન કવર કરી લેવી જોઈએ. બજેટ અગાઉ બજાર કોન્સોલિડેશનમાં જળવાય શકે છે. જ્યારે સેક્ટર સ્પેસિફિક તથા સ્ટોક સ્પેસિફિક તેજી જોવા મળી શકે છે. જેમાં બેંકિંગ તથા ઓટોમોબાઈલ જેવા સેક્ટરમાં ઘટાડે ખરીદીનો વેપાર ગોઠવી શકાય.


બીએસઈ ખાતે માર્કેટ-કેપ રૂ. 274.73 લાખ કરોડના વિક્રમી સ્તરે જોવા મળ્યું
બેન્ચમાર્ક્સ તેમની ટોચથી 3 ટકા નીચે ટ્રેડ દર્શાવી રહ્યાં છે જોકે એમ-કેપ નવી ઊંચાઈએ

સોમવારે ભારતીય બજારમાં જોવા મળેલા સુધારા દરમિયાન બીએસઈ ખાતે માર્કેટ-કેપિટલાઈઝેશન ઈન્ટ્રા-ડે દરમિયાન રૂ. 274.73 લાખ કરોડની સર્વોચ્ચ સપોટી પર જોવા મળ્યું હતું. કામકાજને આખરે તે રૂ. 2.38 લાખ કરોડની વૃદ્ધિ સાથે રૂ. 274.68 લાખ કરોડ પર બંધ રહ્યું હતું. અગાઉ 18 ઓક્ટોબરે જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ 62 હજારના સ્તરને પાર કરી ગયો હતો ત્યારે માર્કેટ-કેપે રૂ. 274.70 લાખ કરોડની ટોચ દર્શાવી હતી. જ્યાંથી ગગડીને બે સપ્તાહ અગાઉ રૂ. 255 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદ મીડ-કેપ્સમાં નોંધપાત્ર સુધારા પાછળ માર્કેટ-કેપ નવી ટોચ પર પહોંચ્યું છે. જ્યારે નિફ્ટી અને સેન્સેક્સ તેમની અઢી મહિના અગાઉની ટોચથી હજુ 3 ટકા નીચે ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
શેરબજારમાં છેલ્લાં કેટલાંક સત્રો દરમિયાન બ્રોડ બેઝ તેજી જોવા મળી છે. લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ઊંચો સુધારો નોંધાયો છે. સાથે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશેલાં આઈપીઓ પાછળ બજારમાં નવા લિસ્ટીંગ્સ પણ નોંધપાત્ર જોવા મળ્યાં છે. જેણે માર્કેટ-કેપને નવી ટોચ બનાવવામાં સહાયતાં કરી છે. ટોચ બનાવીને 10 ટકા નીચે ઉતરી ગયા બાદ બેન્ચમાર્ક્સ 7.6 ટકાનો બાઉન્સ દર્શાવી રહ્યાં છે. જ્યારે બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 7.5 ટકાનો તથા સ્મોલ-કેપ ઈન્ડેક્સ 11.71 ટકાનો સુધારો નોંધાવી ચૂક્યાં છે. બીએસઈ-500 ઈન્ડેક્સ પણ 7.6 ટકા સુધર્યો છે.

કંપનીઓએ 2021માં 2015 બાદ સૌથી ઓછા શેર્સ બાયબેક કર્યાં
2021માં રૂ. 14341 કરોડના શેર્સ બાયબેકની જાહેરાત 2020માં રૂ. 39564 કરોડની સામે ઘણી નીચી જોવા મળી
અગાઉ 2017,2018 અને 2019ની સરખામણીમાં 2020માં બાયબેકની કામગીરી નીચી જળવાઈ હતી
ભારતીય શેરબજારો પર લિસ્ટેડ કંપનીઓએ કેલેન્ડર 2021માં છેલ્લાં ઘણા વર્ષોનું સૌથી નીચું શેર બાયબેક દર્શાવ્યું હતું. એક અભ્યાસ મુજબ તેમણે કેલેન્ડર 2015 બાદ 2021માં સૌથી નીચું બાયબેક કર્યું હતું. 2021માં કંપનીઓએ રૂ. 14341 કરોડના બાયબેકની જાહેરાત કરી હતી. જોકે તેની સામે તેમણે વાસ્તવમાં કુલ રૂ. 13597 કરોડ રકમ જ ખર્ચ કરી હતી. જે કેલેન્ડર 2020માં ઓફર કરવામાં આવેલા રૂ. 39564ની બાયબેક ઓફર તથા રૂ. 36517 કરોડના વાસ્તવિક ખર્ચ કરતાં ઘણી ઓછી હતી. 2020માં જોવા મળેલી બાયબેકની રકમ પણ તેના અગાઉના વર્ષોની સરખામણીમાં નીચી હતી.
બાયબેક પ્રક્રિયામાં કંપનીઓ શેરધારકોને મૂડી પરત કરે છે. સામાન્યરીતે કંપનીઓ બજારભાવની સરખામણીમાં ઊંચા ભાવે શેર્સની પુનઃ ખરીદી કરતી હોય છે. બાયબેકની ઘટના સામાન્યરીતે એવો સંકેત આપે છે કે કંપનીને તેના શેર્સનો ભાવ અન્ડરવેલ્યૂડ જણાય રહ્યો છે. તેથી જ તે તેની પાસેની સરપ્લસનો ઉપયોગ કરી બજારમાંથી કંપનીના શેર્સની પરત ખરીદી કરે છે. 2020ની શરૂઆતમાં કોવિડના આગમન બાદ સ્ટોક માર્કેટે અવિરત તેજી દર્શાવી છે. વૈશ્વિક સેન્ટ્રલ બેંક્સે આર્થિક નુકસાનને ઓછું કરવા માટે રેટ્સને વિક્રમી તળિયા પર જાળવ્યાં છે. તેમણે વૈશ્વિક નાણાકિય સિસ્ટમમાં જંગી લિક્વિડીટી ઠાલવી છે. જેમાંનો કેટલોક પ્રવાહ શેરબજારોમાં પણ આવ્યો છે. જેને કારણએ વેલ્યૂએશન્સ ઘણા ઊંચા જોવા મળે છે. 2020માં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 1.7 ટ્રિલિયન ડોલરનું રોકાણ ઠાલવ્યું હતું. ઓક્ટોબર 2021માં સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. માર્ચ 2020માં 25 હજારની સરખામણીમાં સેન્સેક્સ 120 ટકાથી વધુનો ઉછાળો દર્શાવતો હતો.
જો અગાઉના વર્ષોમાં બાયબેકની સ્થિતિ જોઈએ તો કેલેન્ડર 2017માં કોર્પોરેટ્સે રૂ. 55743 કરોડના બાયબેકની ઓફર કરી હતી.જેની સામે તેમણે રૂ. 55724 કરોડનું બાયબેક કર્યું હતું. કેલેન્ડર 2018માં તેમણે રૂ. 32718 કરોડના બાયબેકની ઓફર કરી હતી. જેની સામે તેમણે રૂ. 32385 કરોડ ખર્ચ્યાં હતાં. તે જ રીતે 2019માં તેમણે રૂ. 43904 કરોડના બાયબેકની ઓફર સામે રૂ. 43528 કરોડનો ખર્ચ કર્યો હતો. જોકે છેલ્લાં બે કેલેન્ડર્સમાં તેમણે બાયબેક ઓફર્સ અને તે માટે ઘણો નીચો ખર્ચ કર્યો છે. વર્તુળોના મતે કંપનીઓએ તેમની પાસેના ઊંચા કેશ જનરેશનનો ઉપયોગ ડિલેવરેજિંગમાં કર્યો છે અને બેંકિંગ કંપનીઓને નાણા પરત કર્યાં છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈટી કંપનીઓએ મોટા બાયબેક કર્યાં છે. જેમાં ટાટા જૂથની ટીસીએસ ટોચ પર છે. તે સિવાય ઈન્ફોસિસ, વિપ્રોનો સમાવેશ થાય છે. જ્યારે જાહેર સાહસોમાં આઈઓસી અને ઓએનજીસીએ પણ બજારમાંથી શેર્સ બાયબેક કર્યાં હતાં. ટીસીએસે 2018 અને 2020માં બાયબેક કર્યું હતું. જ્યાર ઈન્ફોસિસે 2017, 2019 અને 2021માં બાયબેક કર્યું હતું. વિપ્રોએ 2019 અને 2020માં જ્યારે એનએમડીસીએ 2016માં, આઈઓસીએ 2019માં તથા ઓએનજીસીએ પણ 2019માં શેર્સ બાયબેક કર્યાં હતાં.
યસ બેંક, ડીશ ટીવીમાંનો હિસ્સો ટાટા કે એરટેલને ઓફર કરે તેવી સંભાવના
ડીશ ટીવીમાં સૌથી મોટી શેરધારક કંપની યસ બેંક તેનો 25.6 ટકા હિસ્સો અન્ય સેટેલાઈટ ટીવી બ્રોડકાસ્ટર ટાટા સ્કાય કે ભારતી એરટેલને ઓફર કરવાની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. યસ બેંકને ડિશ ટીવીમાં હિસ્સો લોન રિકવરીના ભાગરૂપે મળ્યો હતો. ડિશ ટીવીમાં 45 ટકા હિસ્સો ધરાવતાં અન્ય સંસ્થાકિય રોકાણકારો પણ તેમના હિસ્સાના વેચાણ માટે આતુર હોવાનું જાણવા મળે છે. વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં યસ બેંકની ટાટા સ્કાય અને એરટેલ સાથે વિચારણા ચાલુ છે અને ટૂંક સમયમાં જ કોઈ આખરી નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. યસ બેંક અને ડીશ ટીવી વચ્ચે કંપની પર અંકુશ મેળવવા માટેની લડાઈ ચાલી રહી છે. ડિશ ટીવીના પ્રમોટર સુભાષ ચંદ્ર પરિવાર હાલમાં કંપનીમાં માત્ર 6 ટકા હિસ્સો જ ધરાવે છે. હાલમાં તેઓ કંપનીના ડે-ટુ-ડે કામગીરી સંભાળી રહ્યાં છે. ડિશ ટીવીની ખરીદીથી ટાટા સ્કાય અને એરટેલને ડીટુએચ માર્કેટમાં તેમની સ્થિતિ મજબૂત બનાવવામાં સહાયતા મળશે. ટાટા સ્કાય હાલમાં 33 ટકા હિસ્સા સાથે માર્કેટ લીડર છે. જ્યારબાદના ક્રમે એરટેલ અને ડિશ ટીવી આવે છે.
સ્ટાર્ટ-અપ્સને વિદેશમાં લિસ્ટીંગની છૂટ બજેટમાં મળવાની શક્યતાં નથી
સરકાર સ્ટાર્ટ-અપ્સને સીધા વિદેશી બજારમાં લિસ્ટીંગની છૂટ આપવાની ઉદ્યોગની માગણી પર વિચારણા કરી રહી છે પરંતુ આ અંગેનો ઠરાવ 2022-23 માટેના કેન્દ્રિય બજેટનો ભાગ હોવાની શક્યતાં નહિ હોવાનું વર્તુળો જણાવે છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ(ડીપીઆઈઆઈટી)ના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સરકાર સ્ટાર્ટ-અપ્સ વાસ્તવમાં શું ઈચ્છી રહ્યાં છે તે સમજવાનો પ્રયાસ કરી રહી છે. જોકે તે અંગે 1 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી કોઈ શક્યતાં નથી એમ તેઓ જણાવે છે. અમે ઉદ્યોગ અગ્રણીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ. હાલમાં તેમનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.
પેટીએમનો શેર નવા તળિયા પર ટ્રેડ થયો
ફિનટેક કંપની પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશન્સનો શેર સોમવારે 6 ટકા ગગડીને રૂ. 1158.05ની સપાટી પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 75 હજાર કરોડ પર જોવા મળતું હતું. મેક્વેરી સિક્યૂરિટી ઈન્ડિયાએ તેના અભ્યાસમાં કંપનીનો ફ્યુચર અર્નિંગ્સ ગ્રોથ પ્રતિકૂળ રહેવાનું જણાવતાં પેટીએમનો શેર તૂટ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 1152.05નું લાઈફ-ટાઈમ લો બનાવ્યું હતું. બ્રોકરેજે શેરમાં અગાઉના રૂ. 1200ના ટાર્ગેટને ઘટાડી રૂ. 900 કર્યો હતો. પેટીએમે આઈપીઓમાં રૂ. 2150ના ભાવે શેર ઓફર કર્યો હતો. આમ વર્તમાન ભાવે કંપનીના શેરમાં લગભગ 50 ટકાનું નુકસાન ઉઠાવવાનું બની રહ્યું છે.

અદાણી પાવર મુંદ્રાએ GUVNL સાથે કોર્ટ બહાર સમાધાન કર્યું
અદાણી પાવર મુંદ્રા(એપીએમયુએલ)એ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ(જીયુવીએનએલ) સાથે 2010થી ચાલ્યાં આવતી કાનૂની લડાઈને લઈને કોર્ટ બહાર સમાધાન સાધ્યું છે. જે હેઠળ અદાણી પાવરે જીયુવીએનએલ પાસેથી કોઈ વળતર નહિ માગવાની તેમજ કંપની સાથેના પાવર પરચેઝ એગ્રીમેન્ટને દૂર નહિ કરવા માટે સહમતિ દર્શાવી હોવાનું જાણવા મળે છે. કોર્ટ ઓર્ડરમાં વળતરની રકમ જાહેર કરવામાં નહોતી આવી. જોકે તે હજારો કરોડમાં હોવાનો અંદાજ છે. જીયુવીએનએલે સપ્ટેમ્બર 2021માં સુપ્રીમ કોર્ટમાં એક ક્યૂરેટીવ પિટિશન ફાઈલ કરી હતી. જેમાં તેણે 2019માં સર્વોચ્ચ અદાલતે અદાણીની તરફેણમાં આપેલા ચૂકાદાની સમીક્ષાની માગણી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે એક તાજા આદેશમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતં કે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે.

રિલાયન્સ ઝડપી ડિલ્સ બાદ ટોચના PE ઈન્વેસ્ટર્સની લીગમાં જોડાયું
છેલ્લાં ચાર વર્ષોમાં કંપનીએ વિવિધ બિઝનેસિસમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું
જો ફ્યુચર જૂથ સાથેનું ડિલ સફળ બનશે તો રોકાણનો આંક 9 અબજ ડોલર પર પહોંચશે
દેશના શેરબજારો પર સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિવિધ સેક્ટર્સમાં એક્વિઝીશન્સ અને હિસ્સા ખરીદીમાં 5.7 અબજ ડોલરનો ખર્ચ કરીને ટોચના પીઈ ઈન્વેસ્ટર્સની હરોળમાં સ્થાન મેળવ્યું છે. ગયા સપ્તાહાંતે ન્યૂ યોર્ક સ્થિત લક્ઝરી હોટેલ મેન્ડેરિન ઓરિએન્ટલમાં બહુમતી હિસ્સો તેની તાજી ખરીદી છે. અગાઉના દિવસે તેણે હાયપરલોકલ ડિલિવરી પ્લેટફોર્મ ડુન્ઝોમાં 20 કરોડ ડોલરનું રોકાણ કરી 25.8 ટકા હિસ્સો મેળવ્યો હતો. મેન્ડેરિન ઓરિએન્ટલમાં બહુમતી હિસ્સા માટે તેણે 9.82 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. જો કંપની ફ્યુચર જૂથનો રિટેલ બિઝનેસ મેળવવામાં સફળ થશે તો તેનું કુલ રોકાણ 9 અબજ ડોલરના આંકને પાર કરશે. જોકે હાલમાં તો એમેઝોન પ્રેરિત લિટીગેશનને કારણે તે અટક્યું છે.
છેલ્લાં વર્ષોમાં રિલાયન્સે એક પછી એક કરેલા મોટા રોકાણો પાછળ તે દેશમાં ઊંચું પીઈ ઈન્વેસ્ટમેન્ટ કરી રહેલાં અગ્રણી વૈશ્વિક પીઈ કંપનીઓની હરોળમાં જોવા મળે છે. જેમકે છેલ્લાં એક દાયકામાં દેશમાં સોફ્ટ બેંકે 14 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. નાસ્પેર્સની ડિજિટલ આર્મ પ્રોસૂસે 2005થી અત્યાર સુધીમાં દેશમાં 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેના બિલપેની ખરીદીના ડિલને મંજૂરી મળશે તો તે 10 અબજ ડોલર પર પહોંચશે. પીઈ રોકાણકારોથી અલગ રિલાયન્સનું ઈન્વેસ્ટમેન્ટ છેલ્લાં ચાર વર્ષોમાં જ જોવા મળી રહ્યું છે. સાથે તેમનાથી અલગ રીતે રિલાયન્સ કંપનીઓમાંથી એક્ઝિટ્સ અથવા તો વળતર મેળવવા માટે રોકાણ નથી કરી રહી. આમ કરવા પાછળ કંપનીની સ્ટ્રેટેજીમાં સંપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. હવે કંપની અગાઉની માફક પોતાની રીતે બિઝનેસ ઊભો કરવા નથી જઈ રહી. એનાલિસ્ટ્સના મતે રિલાયન્સની યોજના ઓર્ગેનાઈઝેશનમાં જોવા મળતાં ટેક્નોલોજી ગેપ્સને પૂરવાની હોય તેમ જણાય છે. સાથે નવેસરથી કોઈપણ બિઝનેસ ઊભો કરવામાં લાગતાં સમયને પણ તે બચાવવા માગે છે. 2021માં કંપનીએ વિવિધ કંપનીઓમાં 1.8 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું હતું. જે 2021માં દેશમાં ટોચના 10 પીઈ ઈન્વેસ્ટર્સમાં સમાવેશ પામતાં બ્લેકસ્ટોનના 2.48 અબજ ડોલરના રોકાણથી બહૂ દૂરનો આંક નથી. રિલાયન્સે 2021માં છ રિન્યૂએબલ કંપનીઓ તથા જસ્ટ ડાયલમાં ખરીદી કરી હતી.
2018થી રિલાયન્સના ઈન્વેસ્ટમેન્ટ્સ અને એક્વિઝીશન્સ
સેક્ટર રોકાણ(કરોડ ડોલરમાં)
ટેલિકોમ-ઈન્ટરનેટ 250.8
રિન્યૂએબલ એનર્જી 132.7
મિડિયા-એજ્યૂકેશન 68.8
રિટેલ 62.9
મટિરિયલ્સ-કેમિકલ્સ-એનર્જી 18.7
ડિજિટલ 11.1
હોસ્પિટાલિટી 17.72
લાઈફ સાઈન્સિઝ 5.4

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage