Market Summary 10 June 2021

બ્લોગ કન્ટેન્ટ

 

માર્કેટ સમરી

નિફ્ટી સર્વોચ્ચ સપાટી પર બંધ આપવામાં સફળ

બેન્ચમાર્ક નિફ્ટી બંધભાવની રીતે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ટ્રા-ડે લેવલે તે 15800ની તેની બુધવારની ટોચને સ્પર્શી શક્યો નહોતો. 15692ના સ્તરે ખૂલ્યાં બાદ તે 15751 સુધી સુધર્યો હતો અને 15737ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીને સપોર્ટ કરવામાં બજાર બંધુઓનું મહત્વનું યોગદાન હતું. બજાજ ફાઈનાન્સ 7 ટકા અને બજાજ ફિનસર્વ 4 ટકા ઉછળ્યાં હતાં. જ્યારે એસબીઆઈ અને ફાર્મા શેર્સે પણ બજારને સપોર્ટ કર્યો હતો.

માર્કેટ બ્રેડ્થ ખૂબ મજબૂત

બીએસઈ ખાતે 3333 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2400થી વધુ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જ્યારે માત્ર 700થી વધુ કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બજારમાં 587 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 467 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર જોવા મળ્યાં હતાં.

 

સ્મોલ-કેપ્સના વેલ્યૂએશન્સ 10-વર્ષમાં પ્રથમવાર લાર્જ-કેપ્સની આગળ નીકળી ગયા

કેલેન્ડર 2021માં નિફ્ટીમાં 12 ટકા સુધારા સામે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 35 ટકા અને નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 27 ટકા ઉછળ્યાં

શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશન પણ 2007-2008ના સ્તરે જોવા મળી રહ્યું છે

શેરબજારમાં ઉન્માદનો માહોલ બની રહ્યો છે. રોકાણકારોના તમામ વર્ગો બજારમાં સરખી તીવ્રતાથી સક્રિય હોવાના કારણે સ્મોલકેપના વેલ્યૂએશન છેલ્લા દાયકામાં પ્રથમવાર લાર્જકેપ્સના વેલ્યૂએશન્સથી આગળ નીકળી ગયાં છે. નિફ્ટી હાલમાં 2020-21ના અર્નિંગ્સ પર 29-30 પર જ્યારે 2021-22ની અપેક્ષિત અર્નિંગ્સના 24-25ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલકેપ અને મીડકેપ સૂચકાંકો આનાથી મોંઘા ટ્રેડ થઈ રહ્યાં છે. અગાઉ કેલેન્ડર 2017માં એક તબક્કે તેઓ નિફ્ટીના વેલ્યૂએશન નજીક પહોંચ્યાં હતાં. જોકે પાછળથી મીડ અને સ્મોલકેપ્સમાં ઝડપી વેચવાલી પાછળ નિફ્ટી અને તેમની વચ્ચે મોટો વેલ્યૂએશન્સ ગેપ ઊભો થયો હતો. એક તબક્કે નિફ્ટી સામે તેઓ 50 ટકા ડિસ્કાઉન્ટ ધરાવતાં જોવા મળ્યાં હતાં.

જોકે તાજેતરમાં તેઓ નિફ્ટી સામે પ્રિમીયમ વેલ્યૂએશન્સ દર્શાવી રહ્યાં છે. માર્ચ ક્વાર્ટરમાં લાર્જ-કેપ્સ કરતાં મીડ અને સ્મોલકેપ્સ કંપનીઓએ ખૂબ સારા અર્નિંગ્સ દર્શાવ્યાં છે અને તેથી રોકાણકારોએ તેમની તરફ ધ્યાન દોડાવ્યું છે. આ જ કારણ છે કે નિફ્ટી કેલેન્ડર 2021માં 12 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે ત્યારે નિફ્ટી સ્મોલકેપ 35 ટકાનો લગભગ ત્રણ ગણો સુધારો દર્શાવે છે. જ્યારે મીડકેપ ઈન્ડેક્સ 27 ટકા સાથે બમણાથી વધુ સુધારો સૂચવે છે. વેલ્યૂએશન્સની રીતે તે નિફ્ટી પણ તેના છેલ્લા 10 વર્ષના સરેરાશ વેલ્યૂએશનની સરખામણીમાં મોંઘો જોવા મળી રહ્યો છે. 2010થી 2020ના દાયકામાં નિફ્ટી સરેરાશ 21-22ના પીઈ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જોકે હાલમાં તે 25 ટકા ઊંચા વેલ્યૂએશન્સ ધરાવી રહ્યો છે. જેને માર્કેટ નિરીક્ષકો મોંઘા જણાવી રહ્યાં છે. તેઓ ઉમેરે છે કે બજારમાં લિક્વિડીટીનો સપોર્ટ છે પરંતુ તેમ છતાં લાંબો સમય સુધી ઊંચા વેલ્યૂએશન્સનું ટકવું મુશ્કેલ છે. તેઓ આગામી સમયગાળામાં 7-9 ટકા કરેક્શનની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.

માર્કેટમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી જોવા મળેલી બ્રોડ-બેઝ તેજીને કારણે વેલ્યૂએશન્સમાં આ અસંતુલન જોવા મળ્યું હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. રિટેલ ઈન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન છેલ્લા 12-13 વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યું છે. માર્કેટ માટે કેલેન્ડર 2018-2019 ખૂબ જ પીડાદાયી બની રહ્યાં હતાં. સ્મોલ-કેપ અને મીડ-કેપ્સમાં તીવ્ર પતન બાદ રિટેલ ઈન્વેસ્ટર્સ બજારથી સંપૂર્ણપણે દૂર થઈ ચૂક્યાં હતાં. માર્ચ 2020માં કોવિડ પાછળના કડાકાએ તેમને રહ્યું સહ્યું હોલ્ડિંગ વેચવા માટે મજબૂર કર્યાં હતાં. જોકે ત્યારબાદ બજારમાં જોવા મળેલી તેજીએ રિટેલ ઈન્વેસ્ટર્સને ધીમે-ધીમે બજારમાં પરત લાવી હતી. જેણે બજારને મહત્વની લિક્વિડીટી પૂરી પાડી હતી. માર્કેટમાં અત્યાર સુધી તમામ વર્ગો લેવાલી દર્શાવી રહ્યાં છે. જોવાનું એ છે કે પ્રોફિટ બુકિંગ માટે કોણ આગળ આવે છે. સ્થાનિક સંસ્થાઓ તરફથી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી થતી વેચવાલી બજાર પચાવી ગયું છે અને તેથી હાલમાં બજારમાં વેચવાલ ગેરહાજર છે. જેને કારણે પણ મીડ અને સ્મોલકેપ્સના વેલ્યુએશન્સ તેની નવી ટોચ બનાવી રહ્યાં છે એમ તેઓનું માનવું છે. અગાઉ જ્યારે પણ સ્મોલ અને મીડકેપ્સ મોંઘા બન્યાં છે ત્યારે બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. રિટેલ બેઝ મોટો બન્યો હોવાથી પણ રિટેલ પાસે હોલ્ડિંગ ક્ષમતા વધી છે. આમ મોટા ઈન્વેસ્ટર્સ કે ફંડ્સ તરફથી નાનું પ્રોફિટ બુકિંગ રિટેલ વર્ગ પચાવી રહ્યો છે.

 

 

 

આરબીઆઈ ઓપન માર્કેટમાંથી રૂ. 40 હજાર કરોડની ખરીદી કરશે

સેન્ટ્રલ બેંક જી-સેક એક્વિઝીશન પ્રોગ્રામ-1ના ત્રીજા તબક્કામાં 17 જૂને ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે રૂ. 40 હજાર કરોડની ખરીદી કરશે. જેમાં રૂ. 10 હજાર કરોડ સુધીની સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ(એસડીએલ્સ)નો સમાવેશ પણ થતો હશે. અગાઉ બેંક બે જી-સેક 1ના બે તબક્કા યોજી ચૂકી છે. જેમાં 20 મેના રોજ બીજા તબક્કામાં તેણે રૂ. 35 હજાર કરોડની ખરીદી કરી હતી. જ્યારે 15 એપ્રિલે પ્રથમ તબક્કામાં રૂ. 25 હજાર કરોડની ખરીદી કરી હતી. ઓક્શનનું પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. સફળ પાર્ટિસિપન્ટ્સે 18 જૂને 12 વાગ્યા સુધીમાં તેમના એસજીએલ ખાતામાં સિક્યૂરિટીઝ પ્રાપ્ય બનાવવાની રહેશે.

ઈન્ડિયા વીક્સ 15ની નીચે ઉતરી પરત ફર્યો

શેરબજારમાં અવિરત સુધારાને કારણે છેલ્લા ત્રણ સપ્તાહથી વોલેટિલિટી ઈન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે તે એક તબક્કે 14.17ના એક વર્ષથી પણ નીચા સ્તરે જોવા મળ્યો હતો. જોકે કામકાજને અંતે 1.7 ટકા સુધારા સાથે તે 15ના સ્તરે બંધ રહ્યો હતો. માર્ચ મહિનામાં તેણે 29ની ટોચ દર્શાવી હતી. ત્યાંથી તે સતત ઘટતો રહ્યો છે. વીક્સમાં ઘટાડો બજારમાં મજબૂતી સૂચવે છે. નજીકના સમયમાં બજારમાં ઝડપી ઘટાડાની શક્યતા નહિ હોવાનો સંકેત તે આપી રહ્યો છે.

ફાર્મા, આઈટી અને એફએમસીજી ઈન્ડેક્સ નવી ટોચ પર

ટ્રેડર્સમાં જોવા મળી રહેલી સાવચેતીને પગલે ડિફેન્સિવ સેક્ટર્સમાં ધીમી ખરીદી જળવાય છે. ગુરુવારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે 27798 પર બંધ રહ્યો હતો. તેણે 27822ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. એલએન્ડટી ઈન્ફોટેક તથા એમ્ફેસિસ જેવા કાઉન્ટર્સની પાછળ તેણે મજબૂત દેખાવ દર્શાવ્યો હતો. નિફ્ટી ફાર્મા 1.4 ટકા ઉછળી 14314ના સ્તરે બંધ રહ્યો હતો અને તેણે પાંચ વર્ષની 14369ની ટોચ દર્શાવી હતી. બાયોકોન, ડિવિઝ લેબ, કેડિલા હેલ્થકેર, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા અને ડો. રેડ્ડીઝ લેબ્સની પાછળ તે નવી ટોચ પર પહોંચ્યો હતો. નિફ્ટી એફએમસીજી 35902ની ટોચ દર્શાવી 0.4 ટકા સુધારે 35731 પર બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ અને ઈમામીનું યોગદાન મહત્વનું હતું.

કોટનમાં રૂ. 51500ની ટોચ બનાવી ભાવ પાછા પડ્યાં

કોટનમાં રૂ. 51500ની છેલ્લા દાયકાની ટોચ બનાવ્યાં બાદ ભાવ થોડાં પાછા પડ્યાં છે. ગુરુવારે તે રૂ. 50500ની આસપાસ જોવા મળતાં હતાં. એમસીએક્સ ખાતે પણ જૂન વાયદો 1.7 ટકાના ઘટાડે રૂ. 24100ના સ્તરે ટ્રેડ થતો હતો. કોટનના ઊંચા ભાવો અને સરકારે નવી સિઝન માટે કોમોડિટી માટે એમએસપીમાં કરેલી વૃદ્ધિ પાછળ વાવેતર વિક્રમી સ્તરે જોવા મળે તેવી શક્યતા છે. જેને જોતાં ભાવ ઊંચા સ્તરેથી ઠંડા પડે તેવી શક્યતા ટ્રેડર્સ વ્યક્ત કરી રહ્યાં છે.

 કંપની સમાચાર 

વિપ્રોઃ કંપનીની સબસિડિયરી વિપ્રો આઈટી સર્વિસિસે 75 કરોડ ડોલર સુધીની ડોલર-ડિનોમિનેટેડ નોટ્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ટાટા મોટર્સઃ કંપનીએ તેની 2 લાખમી નેક્સોનને રજૂ કરી હતી. કંપનીએ પૂણે સ્થિત ફેકટરી ખાતેથી તેને બહાર પાડી હતી. નવેમ્બર 2020માં 1.5 લાખનો સીમાચિહ્ન હાંસલ કર્યાં બાદ છ મહિનાથી ઓછા સમયમાં વધુ 50 હજાર કાર્સનું વેચાણ કર્યું છે.

ધાનુકા એગ્રીઃ પ્રમોટર કંપનીએ રૂ. 853 પ્રતિ શેરના ભાવે કંપનીના 23.3 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. પ્રમોટર કંપનીએ સિંગાપુર સરકાર પાસેથી રૂ. 200 કરોડ ઊભા કર્યાં છે.

એફલઃ કંપનીએ અગ્રણી પ્રોગ્રામેટીક મોબાઈલ કંપની જેમ્પના 4.13 કરોડ ડોલરમાં 100 ટકા એક્વિઝીશનને મંજૂરી આપી છે.

રિલાયન્સ પાવરઃ કંપનીનું બોર્ડ 13 જૂને લોંગ ટર્મ માટે ફંડ એકત્ર કરવા માટે મળશે. અગાઉ એડીએજી જૂથની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ ગયા રવિવારે રૂ. 550 કરોડ સુધીનું ફંડ ઊભું કરવા માટે મંજૂરી આપી હતી. આરપાવરનો શેર સતત 5 ટકાની ઉપલી સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ તેના લગભગ એક વર્ષ અગાઉ ઈસ્યુ કરેલા પાર્ટલી પેઈડ શેર્સના ફર્સ્ટ કોલ સંદર્ભે 99 ટકા પેમેન્ટ મેળવ્યું છે.

ટાટા મોટર્સઃ કંપની કુલ રૂ. 500 કરોડના મૂલ્યના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઓફર કરવાનું વિચારી રહી છે.

એક્સેલિયા સોલ્યુશન્સઃ કંપનીની પ્રમોટર કંપની બિડકો લિમિટેડે 21,81,773 ઈક્વિટી શેર્સ વેચવાનો પ્રસ્તાવ મૂલ્યો હતો. જે માટે તેણે રૂ. 910ની ફ્લોર પ્રાઈસ નક્કી કરી હતી.

એમટેક ઓટોઃ કંપનીએ  માર્ચ ક્વાર્ટરમાં રૂ. 145.77 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 78.42 કરોડની ખોટ નોંધાવી હતી.

પીટીસી ઈન્ડિયા ફાઈઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 53.66 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 7 કરોડનો નફો નોંધાવ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage