Market Summary 10 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

 

પોઝીટીવ ચૂંટણી પરિણામો પાછળ બજારમાં તેજીની હેટ્રીક

જોકે નિફ્ટી 16600ના સ્તર પર બંધ આપવામાં નિષ્ફળ

વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ગગડી 25.58ના સ્તરે

બ્રોડ માર્કેટમાં ચોથા દિવસે પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ

એફએમસીજી, મેટલ, બેંકિંગ, ઓટોનો સપોર્ટ સાંપડ્યો

એશિયન બજારોમાં 4 ટકા સુધીનો તીવ્ર બાઉન્સ

 

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પાછળ શેરબજારમાં ત્રીજા દિવસે સુધારો જળવાયો હતો. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 817 પોઈન્ટ્સના ઉછાળે 55464.39ના સ્તરે જ્યારે નિફ્ટી 249.55 પોઈન્ટ્સના મજબૂત સુધારે 16594.90ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ગગડી 25.58ના સ્તરે બંધ રહ્યો હતો. સપ્તાહ અગાઉ 30ની ઉપરના સ્તરેથી તે નોંધપાત્ર ઘટાડો દર્શાવી ચૂક્યો છે. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 44માં સુધારો જોવા મળ્યો હતો. જે છેલ્લાં ઘણા સપ્તાહો દરમિયાન લાર્જ-કેપ્સનો શ્રેષ્ઠ દેખાવ હતો.

બુધવારે રાતે યુએસ બજારમાં તીવ્ર બાઉન્સ પાછળ એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેડિંગ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સે ગેપ-અપ ઓપનીંગ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી. બજાર ખૂલ્યાના એક કલાકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી ટ્રેન્ડે સપોર્ટ કરતાં બેન્ચમાર્ક્સ તેમની બે સપ્તાહની ટોચ પર ટ્રેડ થયા હતાં. જોકે ત્યાંથી પ્રોફિટ બુકિંગ પાછળ ઝડપથી ગગડી તેમણે દિવસનું તળિયું દર્શાવ્યું હતું અને આખરે 1.5 ટકા આસપાસના સુધારે બંધ રહ્યાં હતાં. નિફ્ટીની વાત કરીએ તો બેન્ચમાર્ક 16757.30ના દિવસના ટોચના સ્તરેથી ગગડી 16447.90 પર ટ્રેડ થયો હતો. દિવસની આખરમાં તે 16600ની સપાટી પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં સુધારે 16750-16800ની રેંજમાં અવરોધની સંભાવના છે. જો બેન્ચમાર્ક આ સ્તર પર ટકી જશે તો તે 17150-17200 સુધીનો વધુ સુધારો નોંધાવી સકે છે. ગયા બુધવારે જોવા મળેલું 15990નું તળિયું મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. ગુરુવારે ટોચના સ્તરે નિફ્ટીએ તેના મંગળવારના 15675ના તળિયા સામે 1000થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો સૂચવ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ ગુરુવારે સેન્ટિમેન્ટ પોઝીટીવ જળવાયેલું રહ્યું હતું. એશિયન બજારોમાં જાપાન માર્કેટ 4 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યું હતું. કોરિયા 2 ટકાથી વધુનો જ્યારે હોંગ કોંગ અને ચીનના બજારો એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં.

ભારતીય બજારને ગુરુવારે મુખ્ય સપોર્ટ એફએમસીજી સેક્ટર તરફથી સાંપડ્યો હતો. ક્રૂડના ભાવમાં ટોચના સ્તરેથી નોંધપાત્ર ઘટાડા પાછળ સાબુ-ડિટર્જન્ટ ઉત્પાદક હિંદુસ્તાન યુનિલીવરનો શેર 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. મેટલ, બેંકિંગ અને એનર્જી શેર્સ પણ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં ટાટા સ્ટીલ, ગ્રાસીમ, જીએસડબલ્યુ સ્ટીલ અને એસબીઆઈ 4 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જ્યારે નેગેટિવ બંધ દર્શાવનારા ચાર કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા 4 ટકાથી વધુ ઘસાયો હતો. બ્રોડ માર્કેટમાં ચોથા દિવસે ખરીદી જળવાય હતી અને બીએસઈ ખાતે અઢી શેર્સમાં સુધારા સાથે એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. એક્સચેન્જ ખાતે કુલ 3460 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2423 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 941 નેગેટિવ બંધ આપ્યું હતું. 94 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 19 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.91 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.4 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એમસીએક્સ 5.23 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. એ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ(5.2 ટકા), પિડિલાઈટ(5.02 ટકા), ઈન્ડિયામાર્ટ(5 ટકા), એસ્ટ્રાલ(5 ટકા) અને ચંબલ ફર્ટિ(5 ટકા)નો સુધારો સૂચવતાં હતાં. ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં કોફોર્જ(7 ટકા), ગેઈલ(4.53 ટકા), ગુજરાત ગેસ(4.45 ટકા), ઈન્ડિયન હોટેલ્સ(2.7 ટકા) અને ભારત ઈલે.(2.6 ટકા)નો સમાવેશ થતો હતો. એનાલિસ્ટ્સના મતે શુક્રવારે બજાર સાંકડી વધ-ઘટ રેંજમાં બે બાજુની વધ-ઘટ દર્શાવે તેવી શક્યતાં છે. માર્કેટમાં સેન્ટીમેન્ટ સુધરતાં તેઓ શોર્ટ સેલથી દૂર રહેવાની ભલામણ કરે છે.

 

FPIsએ બે સત્રોમાં 2 અબજ ડોલરનું વેચાણ કર્યું

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અટકવાનું નામ નથી લેતી. એફઆઈઆઈએ મંગળવારે અને બુધવારે બે જ સત્રોમાં બે અબજ ડોલરથી વધુનું વેચાણ દર્શાવ્યું હતું. ક્રૂડના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ વિદેશી રોકાણકારો ઊંચા વેચવાલ બન્યાં હોય તેમ જણાય છે. ભારત તેની ક્રૂડ જરૂરિયાતનો 85 ટકા હિસ્સો આયાત કરે છે. ગયા સમગ્ર સપ્તાહ દરમિયાન એફઆઈઆઈએ 2.9 અબજ ડોલરની વેચવાલી દર્શાવી હતી. જ્યારે ચાલુ સપ્તાહે તે દૈનિક એક અબજ ડોલરનું વેચાણ સૂચવે છે. એફઆઈઆઈએ તાજેતરના મહિનાઓમાં વેચવાલીનો વિક્રમ નોંધાવ્યો છે. જે અગાઉ કેલેન્ડર 2008માં જોવા મળેલી વેચવાલીને પાર કરી ગયો છે.

વૈશ્વિક ક્રૂડના ભાવ ઊંચી વધ-ઘટ બાદ કોન્સોલિડેશનમાં

ક્રૂડના ભાવમાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રો દરમિયાન અસાધારણ વધ-ઘટ જોવા મળી હતી. બુધવારે 132 ડોલરની ટોચ પરથી ગગડી બ્રેન્ટ વાયદો 106 ડોલરના તળિયા પર ટ્રેડ થયા બાદ 111.14 ડોલર પર બંધ રહ્યો હતો. જોકે ગુરુવારે તે 112.37 ડોલરની સપાટીએ ઓપન થયા બાદ એશિયન ટાઈમ મુજબ રેંજ બાઉન્ડ રહ્યાં બાદ યુરોપ ટાઈમ ઝોનમાં તે 5 ટકાથી વધુ સુધારે 117 ડોલર પર ટ્રેડ થયો હતો. રશિયા-યૂક્રેન વચ્ચે હજુ સુધી યુધ્ધ વિરામ નહિ જોવા મળ્યો હોવાના કારણે ક્રૂડ મજબૂત ટકી રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. જોકે ટૂંકમાં નવી ટોચ દર્શાવે તેવી શક્યતા નહિ હોવાનું પણ તેઓ ઉમેરે છે. જો એકવાર 106 ડોલરની સપાટી તોડશે તો 100 ડોલરની અંદર પણ ઉતરી શકે છે.

રૂપિયામાં ડોલર સામે વધુ 20 પૈસાનો સુધારો

વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી વચ્ચે સ્થાનિક ચલણમાં બીજા દિવસે ડોલર સામે સુધારો જળવાયો છે. રૂપિયો ગુરુવારે ડોલર સામે 76.27ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ વધુ સુધરી 76.07ની ટોચ પર ટ્રેડ થયો હતો. દિવસ દરમિયાન તેણે 76.46નું લો પણ દર્શાવ્યું હતું અને આખરે 76.42ના સ્તર પર બંધ આપ્યું હતું. જે અગાઉના 76.62ના બંધ સામે 20 પૈસાનો સુધારો દર્શાવી રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 0.13 ટકા મજબૂતી સાથે 98.09ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

 

NSE-500 જૂથના શેર્સમાં ત્રણ સત્રોમાં 49 ટકા સુધીનો ઉછાળો

બેન્ચમાર્ક્સમાં તળિયેથી 4 ટકા સુધારા વચ્ચે સ્મોલ-કેપ્સમાં બાર્ગેન હંટીંગ

જૂથમાં સમાવિષ્ટ 19 કાઉન્ટર્સે 20 ટકાથી ઉંચું વળતર નોંધાવ્યું

લગભગ એક મહિનાની ઊંચી વધ-ઘટ બાદ શેરબજારમાં છેલ્લાં ત્રણ સત્રોમાં જોવા મળેલા સુધારામાં કેટલાંક પસંદગીના સ્મોલ અને મીડ-કેપ્સમાં ભારે ખરીદી જોવા મળી છે. મંગળવારે ભારતીય બજારે સાત મહિનાનું તળિયું નોંધાવી દર્શાવેલા બાઉન્સમાં કેટલાંક સ્મોલ-કેપ્સમાં 49 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જે સૂચવે છે કે માર્કેટમાં સ્માર્ટ ઈન્વેસ્ટર્સે બાર્ગેન હંટીંગની તક છીનવી છે.

એનએસઈ-500 જૂથના કાઉન્ટર્સના છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સત્રોના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે ચુનંદા શેર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. ગણતરીમાં લીધેલા ત્રણ સત્રોમાં બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી 4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે ત્યારે આવા કાઉન્ટર્સમાં 49 ટકા સુધીનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જેમકે એપીઆઈ ઉત્પાદક કેમિકલ કંપની આઈઓએલસીપીનો શેર 8 માર્ચે રૂ. 292.8ના બે વર્ષોના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી તેણે ભારે ખરીદી દર્શાવી હતી અને ગુરુવારે રૂ. 437ની ટોચ પર ટ્રેડ થયા બાદ 9.4 ટકા સુધારે રૂ. 413.20ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ બીએસઈનો શેર ત્રણ સત્રોમાં 32 ટકાનું તગડું રિટર્ન સૂચવી રહ્યો છે. કંપનીનો શેર ગયા મંગળવારે રૂ. 2011ના તળિયાના સ્તર સામે ગુરુવારે રૂ. 2650.4ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે તેની લાઈફ-ટાઈમ હાઈ હતી. કામકાજની આખરે તે 19 ટકા ઉછાળે રૂ. 2619.45ની સપાટી પર બંધ રહ્યો હતો. એક્સચેન્જનું માર્કેટ-કેપ રૂ. 12 હજાર કરોડ નજીક પહોંચ્યું હતું. હેગનો શેર પણ ત્રણ સત્રોમાં 25 ટકાનું જંગી રિટર્ન દર્શાવી રહ્યો છે. તે સપ્તાહની શરૂમાં રૂ. 1110ના સ્તરેથી ઉછળી બુધવારે રૂ. 1391.25 પર ટ્રેડ થયો હતો. આખરી ત્રણ સત્રોમાં ચીલ ઝડપે બાઈંગ દર્શાવનારા કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં અશોક લેલેન્ડર(23 ટકા), ભારત રસાયણ(23 ટકા), ઈપીએલ(22 ટકા), ટીસીએનએસ બ્રાન્ડ્સ(22 ટકા), જ્યુબિલિઅન્ટ ઈન્ગ્રેવા(22 ટકા)નો સમાવેશ થાય છે. નિફ્ટી-500 જૂથના આ મીડ-કેપ કાઉન્ટર્સ તેમની છ મહિના અગાઉની ટોચથી 50 ટકા સુધીનું કરેક્શન દર્શાવી રહ્યાં હતાં અને તેથી જ સ્માર્ટ ઈન્વેસ્ટર્સે તાજેતરમાં મળેલી સ્માર્ટ બાઈંગની તક ઝડપી લીધી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે તાજેતરમાં મોટી સંખ્યામાં કાઉન્ટર્સ ઓવરબોટ ઝોનમાં પહોંચ્યાં હતાં અને તેથી આવા સમયની રાહ જોઈ બેઠેલા પંટર્સ માટે ખરીદીની જબરદસ્ત તક ઊભી થઈ હતી. જેનો લાભ તેમણે લીધો હતો. સામાન્યરીતે રિટેલ રોકાણકારો ગભરાટમાં બજારથી દૂર થાય છે ત્યારે સ્માર્ટ ઈન્વેસ્ટર્સ જથ્થામાં માલ ખરીદીની તકનો લાભ લેતાં હોય છે. જોકે જીઓપોલિટીકલ અનિશ્ચિતતા હજુ પણ ઊભી જ છે અને તેથી માર્કેટમાં વોલેટિલિટી જળવાશે. હજુ પણ માર્કેટે શોર્ટ ટર્મ બોટમ બનાવી છે એમ ના કહી શકાય અને તેથી રોકાણકારોએ સાવચેતી દાખવવી જરૂરી છે એમ તેઓ ઉમેરે છે.

છેલ્લાં ત્રણ સત્રોના સ્ટાર પર્ફોર્મર્સ

સ્ક્રિપ્સ 7/8 માર્ચનું તળિયું(રૂ.) 9/10 માર્ચની ટોચ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)

IOLCP 292.8 437 49%

BSE 2011 2650.4 32%

HEG 1110 1391.25 25%

અશોક લેલેન્ડ 93.2 114.75 23%

ભારત રસાયણ 11400 13999 23%

EPL 149 182.45 22%

TCNS બ્રાન્ડ્સ 645 788.2 22%

જ્યુબિ. ઈન્ગ્રેવા 401.2 488.95 22%

TTK પ્રેસ્ટીજ 755 919 22%

હેમિસ્ફિયર 100.4 122 22%

લેમનટ્રી 50.6 61.2 21%

TV18 બ્રોડકાસ્ટ 56.65 68.45 21%

GAEL 187.2 226 21%

વેંકિસ 1915.9 2307.4 20%

IGL 321 385 20%

 

સોનુ 2022 આખર સુધીમાં 2500 ડોલર થશેઃ ગોલ્ડમેન સાચ

ઈન્વેસ્ટમેન્ટ બેંકરે અગાઉના તેના 2150 ડોલરના ટાર્ગેટમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી

જીઓપોલિટીકલ કટોકટી પાછળ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 20 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો

 

છેલ્લાં બે સપ્તાહથી સતત ઉછળતાં રહેલાં ગોલ્ડના ભાવ ચાલુ કેલેન્ડરની આખર સુધીમાં 2500 ડોલરની સપાટી દર્શાવે તેવી શક્યતાં ગોલ્ડમેન સાચે વ્યક્ત કરી છે. ગયા મંગળવારે વૈશ્વિક ગોલ્ડના ભાવ 2075ની વાર્ષિક ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યાંથી કરેક્ટ થઈ હાલમાં તે ગુરુવારે 2000 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં.

ગોલ્ડમેન એનાલિસ્ટ્સના જણાવ્યા પ્રમાણે રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે સોનામાં વધુ સુધારાની શક્યતાં છે. આ સ્થિતિમાં સોનુ વર્તમાન સ્તરેથી વધુ 25 ટકા વૃદ્ધિ દર્શાવી શકે છે. અગાઉ ગોલ્ડમેને 12 મહિના માટેની તેની આગાહી દરમિયાન ગોલ્ડ માટેનો ટાર્ગેટ 2150 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસનો બાઁધ્યો હતો. જે પાછળ તેણે યુએસ ખાતે ધીમા પડી રહેલા આર્થિક વૃદ્ધિ દર પાછળ ગોલ્ડ ઈટીએફ્સમાં 300 ટન ગોલ્ડના ઈનફ્લોની શક્યતાં દર્શાવી હતી. રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆતમાં ગોલ્ડમેન સાચે જણાવ્યું હતું કે કોમોડિટીઝના ભાવમાં તેજીને કારણે વિકસિત બજારોના ગ્રોથ-ઈન્ફ્લેશન મિક્સની સ્થિતિ વણસશે. સાથે તેણે યુએસ ખાતે મંદીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગોલ્ડ ઈટીએફમાં 600 ટનના ઈનફ્લો જોવા મળશે તેમ જણાવવા સાથે 12 મહિના માટે ભાવનો ટાર્ગેટ 2350 ડોલરનો બાંધ્યો હતો. આ સ્થિતિ હવે બેઝ કેસ બની ચૂકી હોવાનું તે જણાવે છે. તાજેતરમાં રજૂ કરેલી એક નોંધમાં તેણે જણાવ્યું છે કે અગાઉ 2010-11માં મોટી માગ જોવા મળી હતી. જ વખતે ગોલ્ડના ભાવ 70 ટકા જેટલા ઉછળ્યાં હતાં. ઈન્વેસ્ટમેન્ટ માગમાં વૃદ્ધિને જોતાં અમે અમારા 3 મહિના, 6 મહિના અને 12 મહિનાના અગાઉના અનુક્રમે 1950 ડોલર, 2050 ડોલર અને 2150 ડોલરને વધારી અનુક્રમે 2300 ડોલર, 2500 ડોલર અને 2500 ડોલર કરીએ છીએ. તેના જણાવ્યા મુજબ 2020 બાદ ગોલ્ડ ઈટીએફ્સ પ્રથમવાર આક્રમક ખરીદી દર્શાવી રહ્યાં છે. જેમાં મોમેન્ટમ ઓર વધશે. કેમકે હજુ યુએસ આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાને તેણે ગણનામાં નથી લીધો એમ ગોલ્ડમેનનું કહેવું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage