Market Summary 10 May 2021

માર્કેટ સમરી



તેજીવાળાઓ માટે બ્રેકઆઉટ હાથવેંતમાં, ટૂંકાગાળામાં નવી ટોચની શક્યતા
16 ફેબ્રુઆરીએ ટોપ બનાવ્યાં બાદ ત્રણ મહિનાથી કોન્સોલિડેશનમાં રહેલો નિફ્ટી 15150 કૂદાવશે તો નવી ટોપ નક્કી
વૈશ્વિક બજારોના સપોર્ટ તથા સ્થાનિક સંસ્થાઓની લેવાલી પાછળ માર્કેટને મળી રહેલો મજબૂત સપોર્ટ
છેલ્લા બે સપ્તાહથી સતત પોઝીટીવ બંધ બાદ નવા સપ્તાહે પણ હરિફ માર્કેટ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ સાથે મજબૂત બંધ દર્શાવ્યા બાદ માર્કેટ એનાલિસ્ટ્સ ભારતીય બજાર ટૂંકમાં નવી ટોચ દર્શાવે તેવી પ્રબળ શક્યતા જોઈ રહ્યાં છે. તેમના મતે બજારને હાલમાં 15150નો એક જ મહત્વનો અવરોધ છે, જે પાર થતાં નિફ્ટી 15431ના અગાઉના તેના ટોચને પાર કરીને 15700 સુધીનો ઉછાળો દર્શાવે તેમ એનાલિસ્ટસ માને છે.

તેમનું કહેવું છે કે ભારતીય બજારે 16 ફેબ્રુઆરીએ ટોચ દર્શાવી હતી અને ત્યારથી 9 મે સુધી લગભગ ત્રણ મહિના સુધી લાંબો સમય કોન્સોલિડેશન દર્શાવ્યું છે. બીજી બાજુ તેણે આ દરમિયાન 14000ના સ્તરને હંમેશા જાળવ્યું છે એટલે કે માર્કેટમાં ઘટાડા વખતે ક્યારેય પેનિક સેલીંગ નથી જોવા મળ્યું અને પોઝીશ્નલ ટ્રેડર્સે તેમની લોંગ પોઝીશન જાળવી છે. જે માર્કેટમાં તેજીવાળાઓનો વિશ્વાસ સૂચવે છે. છેલ્લા કેટલાક સત્રોથી બજાર તબક્કાવાર તેજી દર્શાવી છે. એટલે તે ઓવરબોટ પણ નથી. સોમવારે તેણે 14900નું સ્તર પણ આસાનીથી પાર કર્યું હતું અને હવે તે 15150ના મહત્વના અવરોધ સ્તરેથી માત્ર 200 પોઈન્ટ્સ છેટે છે. આ સ્તર 16 ફેબ્રુઆરીના 15431 અને ત્યારબાદ બજારે દર્શાવેલી 12 માર્ચની 15336ની ટોચને જોડતી ટ્રેન્ડલાઈન પરનું મહત્વનું અવરોધ લેવલ છે. જે પાર થશે તો માર્કેટ 15431ના વચગાળાના ટાર્ગેટ સુધી ઝડપથી ગતિ દર્શાવી શકે છે. જ્યારે આ સ્તર પાર થશે તો 15670-15700ની રેંજમાં પ્રવેશ કરશે. આશ્ચર્યની બાબત એ છે કે બજારમાં હાલમાં એફઆઈઆઈ અને સ્થાનિક સંસ્થાઓ એકાંતરે દિવસે પોઝીટીવ ઈનફ્લો દર્શાવી રહ્યાં છે. ક્યારેક બંને એકસાથે નેટ ખરીદી દર્શાવે છે. જેમકે શુક્રવારે વિદેશી સંસ્થાઓએ રૂ. 1140 કરોડની ખરીદી કરી હતી. તો સ્થાનિક સંસ્થાઓએ રૂ. 1470 કરોડની ખરીદી કરી હતી. બંને સંસ્થાઓ જ્યારે ચોખ્ખી ખરીદી દર્શાવે છ ત્યારે બજારમાં ઉન્માદનું માહોલ જોવા મળતું હોય છે. જે આગામી સમયગાળા દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે. બજારમાં સેક્ટરલ વ્યૂ જોઈએ તો મેટલ્સ, ફાર્મા અને મીડ-કેપ આઈટીમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. જોકે બીજી બાજુ બેંકિંગ, ઓટો સહિતના ઘણા ક્ષેત્રો અન્ડરપર્ફોર્મર છે અને તેઓ આગામી દિવસોમાં સુકાન સંભાળે તેવું માર્કેટ નિરીક્ષકો માને છે.

સોમવારે નિફ્ટી સ્મોલ-કેપ્સ તથા મીડ-કેપ્સે તેમની તાજેતરની ટોચ દર્શાવી હતી. જેમાં નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે 24777 પર બંધ જોવા મળ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે સ્તરે 24808ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.53 ટકા ઉછળી 8871 પર બંધ રહ્યો હતો. તેણે 8888.30ની ઈન્ટ્રા-ડે ટોચને સ્પર્શ કર્યો હતો. આમ બજારમાં બ્રોડ બેઝ બાઈંગ જોવા મળી રહ્યું છે. જે તેજીવાળાઓ ખરીદીની કોઈપણ તક છોડવા તૈયાર નથી એમ સૂચવે છે. ચોથા ક્વાર્ટરના પરિણામો અત્યાર સુધી અપેક્ષાથી ચઢિયાતા જોવા મળ્યાં છે અને તેથી બજારનો મૂડ અપબીટ છે. જે લોંગ ટ્રેડર્સને સપોર્ટ કરી રહ્યો છે. જેનો લાભ લઈને મે ડેરિવેટિવ્સ સિરિઝમાં જ નવી ટોચ શક્ય છે એમ એનાલિસ્ટનો એક વર્ગ દ્રઢ પણે માને છે.



સુગર શેર્સમાં સપાટો, કોમોડિટીમાં મજબૂતી પાછળ 16 ટકા સુધીની વૃદ્ધિ
અગ્રણી સુગર કંપનીઓના શેર્સ નવી ટોચ પર પહોંચ્યા
માર્કેટમાં કોમોડિટીઝ શેર્સમાં ફાટફાટ તેજી જોવા મળી રહી છે. જેમાં એકબાજુ બેઝ મેટલ્સ અને ખનીજના ભાવમાં મજબૂતી પાછળ મેટલ શેર્સ ઉન્માદ દર્શાવી રહ્યાં છે. ત્યારે એગ્રી કોમોડિટી એવી સુગરના ભાવમાં મજબૂતી પાછળ સુગર ઉત્પાદક કંપનીઓમાં પણ ભારે લેવાલી જોવા મળી રહી છે. ગયા સપ્તાહે નોંધપાત્ર સુધારા બાદ સોમવારે ફરી સુગર શેર્સમાં 16 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો.
સપ્તાહના પ્રથમ દિવસે અગ્રણી સુગર શેર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં ધામપુર સુગરનો શેર ઈન્ટ્રા-ડે લગભગ 20 ટકા સુધરીને કામકાજના અંતે 16 ટકા પર બંધ જોવા મળ્યો હતો. શેર રૂ. 285ના અગાઉના બંધ સામે રૂ. 340ની ટોચ દર્શાવી રૂ. 331 પર બંધ રહ્યો હતો. અન્ય કંપની દ્વારકેશ સુગરનો શેર પણ 18 ટકા જેટલો ઉછળ્યાં બાદ 12.33 ટકા સુધારા સાથે રૂ. 56.95ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. મોટી ક્ષમતા ધરાવતી જોકે જંગી ઋણથી લદાયેલી બજાજ હિંદુસ્તાનનો શેર 10 ટકા સુધરી રૂ. 11.27ની સપાટી પર બંધ રહ્યો હતો. શેરનો ભાવ અંતિમ પાંચ સત્રોમાં 50 ટકાથી વધુનું રિટર્ન સૂચવી રહ્યો છે. રાણા સુગરનો શેર પણ 10 ટકા સાથે રૂ. 16ની સપાટી પાર કરી ગયો હતો. તે રૂ. 2.50ના વાર્ષિક તળિયા સામે 6 ગણાથી વધુનું વળતર દર્શાવી રહ્યો છે.
કોમોડિટી એનાલિસ્ટ્સના મતે ખાદ્યતેલોની માફક સુગરમાં પણ વૈશ્વિક સ્તરે સપ્લાય ટાઈટ છે અને તેને કારણે ભાવ નવી ટોચ તરફ આગળ વધી રહ્યાં છે. સુગરમાં આ વખતે તેજીનો દોર લાંબો ચાલે તેવી પૂરી શક્યતા છે. સામાન્યરીતે સુગરમાં તેજીની સાઈકલ છ મહિનાથી લાંબી નથી હોતી અને ભાવ વધ્યાં જેટલી જ ઝડપથી તૂટતાં હોય છે. જોકે ભારત સિવાય અન્ય તમામ ઉત્પાદક દેશો ઉત્પાદનમાં મોટી ખાધ જોઈ રહ્યાં છે અને તેનો લાભ ભારતીય કંપનીઓને મળશે તેવી અપેક્ષા પાછળ સ્થાનિક સુગર ઉત્પાદક કંપનીઓના શેર્સ રોકાણકારોની ખરીદીનું આકર્ષણ બન્યાં છે. ભારતીય બજારમાં કેલેન્ડર 2005માં સુગર શેર્સમાં તેજી જોવા મળી હતી. જે અલ્પજીવી નીવડી હતી. જ્યારબાદ 2016-17માં સુગર શેર્સ ચાલ્યાં હતાં. જોકે તે પણ ઊંધા માથે પટકાયાં હતાં. અલબત્ત, મોટાભાગની સુગર કંપનીઓના શેર્સ 2017ની ટોચને પાર કરવામાં સફળ રહ્યાં છે અને મધ્યમથી લાંબાગાળે તેઓ સુધારાની ગતિ જાળવી રાખશે એવું માનવામાં આવે છે.
સુગર કંપનીઓ શેર્સમાં મજબૂતી
સુગર કંપની શેરના ભાવમાં વૃદ્ધિ(%)
ધામપુર સુગર 16
દ્વારકેશ સુગર 12.33
બજાજ હિંદુસ્તાન 10
રાણા સુગર્સ 10
શક્તિ સુગર્સ 10
બલરામપુર ચીની 6
બન્નારી અમાન 5
મવાના સુગર્સ 5
રાવલગાંવ સુગર 5

મેટલ ઈન્ડેક્સમાં ઉન્માદ યથાવત, 3 ટકા ઉછળ્યો
ભારતીય શેરબજારમાં મેટલ ઈન્ડેક્સમાં ઉન્માદનો માહોલ યથાવત જળવાયો છે. ગયા સપ્તાહે 10.2 ટકાના તીવ્ર ઉછાળા બાદ સોમવારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ વધુ 3.14 ટકા ઉછળી 5503 પર બંધ રહ્યો હતો. તેણે 5519ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. મેટલ સ્ટોક્સમાં એલ્યુમિનિયમ અને ખનીજ શેર્સમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં હિંદુસ્તાન કોપર 10 ટકા સુધરી રૂ. 189.10, એનએમડીસી 8.12 ટકા ઉછળી રૂ. 200, કોલ ઈન્ડિયા 7.45 ટકા ઉછળી રૂ. 147, નાલ્કો 7 ટકા ઉછળી રૂ. 81.50, મોઈલ 7 ટકા ઉછળી રૂ. 188 અને હિંદાલ્કો 6 ટકા ઉછળી રૂ. 426 પર બંધ રહ્યાં હતાં. મોટાભાગના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં. સ્ટીલ શેર્સમાં ટાટા સ્ટીલે પ્રથમવાર રૂ. 1200ની સપાટી કૂદાવી 3 ટકા સુધારા સાથે રૂ. 1216 પર બંધ દર્શાવ્યું હતું. જ્યારે જિંદાલ સ્ટીલ તથા સેઈલ પણ તેમની છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં.
કેડીલા હેલ્થકેરનો શેર 4 ટકા ઉછળી નવી ટોચ પર
અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેરનો શેર ઊઘડતાં સપ્તાહે સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 603 બંધ સામે 4 ટકાથી વધુ ઉછળી રૂ. 630ની ઈન્ટ્રા-ડે ટોચ પર જોવા મળ્યો હતો અને કામકાજને અંતે રૂ. 624 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 64 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીના શેરમાં છેલ્લા પખવાડિયામાં લગભગ રૂ. 100નો સુધારો નોંધાયો છે. જેની પાછળનું મુખ્ય કારણ કંપનીની કોવિડ માટેની વેક્સિનને લઈને ટૂંકમાં કોઈ જાહેરાતની શક્યતા છે. કંપનીનો શેર અન્ય લાર્જ-કેપ ફાર્મા કંપનીઓના શેર્સથી ચઢિયાતો દેખાવ દર્શાવી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો ત્રીજા દિવસે પોઝીટીવ બંધ આવ્યો
યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. સોમવારે ભારતીય ચલણ ગ્રીનબેક સામે 16 પૈસા સુધરી 73.36ની સપાટી પર બંધ રહ્યો હતો. ગયા સપ્તાહાંતે તે 73.51ના સ્તરે બંધ રહ્યો હતો. રૂપિયામાં સતત ત્રીજા સપ્તાહે સુધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈએ જણાવ્યા મુજબ ભારતનું વિદેશી હૂંડિયામણ 30 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન 3.9 અબજ ડોલર વધી 588 અબજ ડોલર પર પહોંચ્યું હતું. જેણે બજારના સેન્ટિમેન્ટને પોઝીટીવ બનાવ્યું હતું. ઉપરાંત ગયા શુક્રવારે વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં રૂ. 1200 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. આમ રૂપિયામાં સપ્તાહની શરૂઆત સારી રહી હતી. જોકે ટૂંકાગાળા માટે તે ઓવરબોટ હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે અને તેથી આગામી દિવસોમાં તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage