Market Summary 10 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


યૂએસ બજાર પાછળ આગળ વધતી નરમાઈ
જોકે વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા સુધરી 22.30ની સપાટીએ
મેટલ ઈન્ડેક્સમાં 5 ટકાનો તીવ્ર ઘટાડો
એનર્જી, ફાર્મા, રિઅલ્ટી, પીએસઈમાં પણ વેચવાલીનું માહોલ
બ્રોડ માર્કેટમાં વેચવાલી વચ્ચે અનેક કાઉન્ટર્સ વાર્ષિક તળિયે
યુએસ શેરબજારો ખાતે વેચવાલીનો દોર જળવાતાં વિશ્વભરના બજારોમાં સેન્ટીમેન્ટ નરમ જળવાયું હતું. જોકે ચીન અને યુરોપના બજારો સુધારાતરફી બની રહ્યાં હતાં. જ્યારે ભારત જેવા બજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે સાધારણ નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 106 પોઈન્ટ્સના ઘટાડે 54365ના સ્તરે જ્યારે નિફ્ટી 62 પોઈન્ટ્સની નરમાઈએ 16240ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.2 ટકા સુધરી 22.30ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 31 ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 19 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલીનું દબાણ જળવાયું હતું અને અનેક શેર્સ વાર્ષિક તળિયાના સ્તરે જોવા મળ્યાં હતાં.
સોમવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 600 પોઈન્ટ્સથી વધુ જ્યારે નાસ્ડેક 4 ટકાથી વધુ ગગડી વાર્ષિક તળિયાના સ્તરે ટ્રેડ થયાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં અન્ડરટોન નરમ જળવાયો હતો. એકમાત્ર ચીનને બાદ કરતાં અન્ય એશિયન બજારો નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ 1.84 ટકા, સિંગાપુર 1.25 ટકા, કોરિયા 0.55 ટકા અને જાપાન 0.58 ટકાનો સમાવેશ થતો હતો. આ સ્થિતિમાં ભારતીય બજારે કામકાજની શરૂઆત ગેપ-ડાઉન દર્શાવી હતી. અગાઉના 16302ના બંધ ભાવ સામે નિફ્ટી 16249ના સ્તરે ખૂલી સુધરી 16404ની ઈન્ટ્રા-ડે હાઈ પર ટ્રેડ થયો હતો. દિવસ દરમિયાન નોંધપાત્ર સમય સુધી પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં બાદ આખરી કલાકમાં વેચવાલી પરત ફરી હતી અને બેન્ચમાર્ક દિવસનું તળિયું દર્શાવી ત્યાંથી 40 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. યુરોપ બજારો બપોરે એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે તેની ભારતીય બજારના કામકાજ પર કોઈ અસર જોવા મળી નહોતી. યુએસ બજારો ઓવરસોલ્ડ ઝોનમાં હોવાથી તેમાં એક તીવ્ર બાઉન્સની શક્યતાં રહેલી છે. જેની પાછળ આગામી સત્રોમાં ભારત સહિતના બજારોમાં એક બાઉન્સની શક્યતાં છે. વર્તમાન સ્તરે ક્વોલિટી લાર્જ-કેપ્સ ખરીદવાની ખૂબ સારી તક ઊભી થઈ હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે લાર્જ-કેપ્સમાં અનેક કાઉન્ટર્સ તેમની ટોચની નોંધપાત્ર ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યાં છે અને તેમના વેલ્યૂએશન્સ વાજબી જણાય રહ્યાં છે. હાલના ભાવે ખરીદી કરનારાઓને મધ્યમથી લાંબાગાળે સારુ રિટર્ન મળી શકે છે.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મંગળવારે બેંક નિફ્ટીએ આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં પોઝીટીવ બંધ આપ્યું હતું. તે 0.6 ટકા સુધારા સાથે ક્લોઝ થયો હતો. જોકે આ સિવાય અન્ય સેક્ટરલ સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી હતી. જેમાં મેટલ મુખ્ય હતું. મેટલ ઈન્ડેક્સ 5.2 ટકા સાથે તીવ્ર ઘટાડો સૂચવતો હતો. મેટલ કાઉન્ટર્સમાં વેલસ્પન કોર્પ 7.4 ટકા, ટાટા સ્ટીલ 7 ટકા, નાલ્કો 6.7 ટકા, જિંદાલ સ્ટીલ 6.6 ટકા, વેદાંત 5.7 ટકા અને એનએમડીસી 5 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. ફાર્મા, એનર્જી અને પીએસઈ સૂચકાંકો પણ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. જેમાં પીએસઈ કાઉન્ટર્સમાં ઓઈલ ઈન્ડિયા 9 ટકા ગગડ્યો હતો. જ્યારે કોલ ઈન્ડિયા 7 ટકા, ઓએનજીસી 6.25 ટકા, ગેઈલ 4.6 ટકા, સેઈલ 4.32 ટકા, એનએચપીસી 4 ટકા અને એનટીપીસી 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા પણ 1.5 ટકા જેટલો તૂટ્યો હતો. જેમાં આલ્કેમ લેબ 4 ટકા, સન ફાર્મા 2.7 ટકા, લ્યુપિન 2.5 ટકા, ઓરોબિંદો ફાર્મા 1.9 ટકા અને ઝાયડસ લાઈફ 1.7 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 3 ટકા ગગડ્યો હતો.
બ્રોડ માર્કેટમાં વેચવાલી આગળ વધી હતી. બીએસઈ ખાતે કુલ 3487 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2476 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 876 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. આમ ત્રણ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળતો હતો. 171 શેર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. તો બીજી બાજુ 356 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જીએનએફસી 8 ટકા સાથે જ્યારે પીવીઆર 4 ટકા, આઈશર મોટર 3 ટકા, એચયૂએલ 3 ટકા અને એપોલ ટાયર્સ 3 ટકા સાથે સારો દેખાવ દર્શાવતાં હતાં.

JSW ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સ, ACC માટે કરેલી 7 અબજ ડોલરની ઓફર
સ્ટીલ ક્ષેત્રે અગ્રણી જીએસડબલ્યુ ગ્રૂપે દેશમાં અગ્રણી સિમેન્ટ ઉત્પાદકો અંબુજા સિમેન્ટ અને એસીસીની ખરીદી માટે સ્વીસ સિમેન્ટ અગ્રણી હોલ્સિમને 7 અબજ ડોલરની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. જીએસડબલ્યુ જૂથના સજ્જન જિંદાલે જણાવ્યું હતું કે તેમનું જૂથ 4.5 અબજ ડોલર તેની પોતાની ઈક્વિટી ઓફર કરશે જ્યારે 2.5 અબજ ડોલર પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનર્સ તરફથી ઓફર કરશે. જોકે આ પીઈ ભાગીદારનું નામ તેમણે જણાવ્યું નહોતું. અમેરિકન પીઈ અગ્રણી એપોલોએ સિમેન્ટ સાહસોની ખરીદી માટે જેએસડબલ્યુને 1 અબજ ડોલરની ઓફર કરી છે. જો જૂથ બંને સિમેન્ટ કંપનીઓની ખરીદીમાં સફળ રહેશે તો ભારતીય બજારમાં જેએસડબલ્યુનો બજાર હિસ્સો વર્તમાન 3 ટકા પરથી વધી 16 ટકા બની જશે. અંબુજા સિમેન્ટ અને એસીસી મળીને દેશમાં વાર્ષિક 6.4 કરોડ ટન ઉત્પાદન સુવિધા ધરાવે છે. બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ અદાણી જૂથે સિમેન્ટ સાહસો ખરીદવા માટે ઊંચી ઓફર કરી છે.
SBIએ બલ્ક ટર્મ ડિપોઝીટ્સ પર રેટ્સમાં 40-90 પોઈન્ટ્સની વૃદ્ધિ કરી
દેશમાં સૌથી મોટી લેન્ડર એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બલ્ક ટર્મ ડિપોઝીટ્સ પરના ઈન્ટરેસ્ટ રેટમાં 40-90 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. રૂ. 2 કરોડ અને તેથી વધુ રકમની ડિપોઝીટને બલ્ક ટર્મ ડિપોઝીટ્સ ગણવામાં આવે છે. નવા દર 10 મેથી અમલમાં આવશે. નવા રેટ મુજબ 5-10 વર્ષની તથા 3-5 વર્ષની મુદત ધરાવતી રૂ. 2 કરોડથી વધુ રકમ ઉપરની ડિપોઝીટ પર હવેથી 3.6 ટકાના બદલે 4.5 ટકાનો વ્યાજ દર લાગુ પડશે. જે 90 બેસીસ પોઈન્ટ્સની તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. 2-3 વર્ષની મુદત માટે બલ્ક ડિપોઝીટ્સ પર 3.6 ટકાના બદલે 4.25 ટકાનો રેટ લાગુ પડશે. જ્યારે 1-2 વર્ષની નાની મુદત માટેની ડિપોઝીટ્સ પર 4 ટકાનું વ્યાજ મળશે. ઉપરાંત 46-179 દિવસો માટે અને 180-210 દિવસોની મુદત માટેની ડિપઝીટ્સ પર 3.5 ટકાના બદલે 3.75 ટકાનું વ્યાજ પ્રાપ્ય બનશે. સુધારેલા દર નવી ડિપોઝીટ્સ તથા રિન્યૂઅલ પર જ લાગુ બનશે.


ચીનના નવા નિયમો પાછળ જીરાની નિકાસમાં તીવ્ર ઘટાડો
ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના સમયગાળામાં કોમોડિટીની નિકાસ અડધી જોવા મળી
નીચા પાક પાછળ સ્થાનિક બજારમાં ઊંચા ભાવોને કારણે પણ ખરીદારો અન્યત્ર વળ્યાં
ચીને નવા પેસ્ટીસાઈડ્સ રેસિડ્યૂ નિયમો લાગુ પાડતાં તેમજ ભાવમાં મજબૂતીને કારણે જીરાની નિકાસમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયાન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ(એફઆઈએસએસ)ના જણાવ્યા મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ક્વાર્ટરમાં જીરાની નિકાસ 50 ટકાથી વધુ ઘટાડો દર્શાવતી હતી. જો સમગ્ર કેલેન્ડર 2021ની વાત કરીએ તો જીરાની નિકાસ 13 ટકા જેટલી નીચી જોવા મળી હતી.
દેશમાંથી નિકાસ થતાં મહત્વના મસાલા પાકોમાં એક એવા જીરાની માગમાં ઘટાડાનું કારણ સૌથી મોટા ખરીદાર ચીન તરફથી લાગુ પાડવામાં આવેલા નવા પેસ્ટીસાઈડ્સ રેસિડ્યૂ સંબંધી નિયમો છે. જેમાં તેણે જીરું મેલેથીઓન અને કાર્બોસલ્ફન સહિતના નવ જંતુનાશકોથી મુક્ત હોવું અનિવાર્ય છે. ચીનમાં નિયમોના બદલાવ ઉપરાંત જીરાના નીચા પાકને કારણે ભાવમાં વૃદ્ધિ પણ નિકાસ પર પ્રતિકૂળ અસરનું કારણ છે. એપ્રિલ મહિના દરમિયાન જીરાના સરેરાશ ભાવ વાર્ષિક ધોરણે 67 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. એપ્રિલ 2021માં રૂ. 122 પ્રતિ કિગ્રા સામે ગુજરાત અને રાજસ્થાનમાં તે રૂ. 204ના સ્તરે પ્રવર્તી રહ્યાં હતાં. ટ્રેડ બોડીના જણાવ્યા મુજબ છેલ્લાં ત્રણ મહિનામાં જીરાના શીપમેન્ટમાં 45 હજાર ટનનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી કેટલાંક નિકાસ સોદા જોવા મળી રહ્યાં છે. તેમજ જૂન મહિના બાદ માગમાં વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં છે. જોકે છેલ્લાં મહિનાઓમાં નિકાસમાં તીવ્ર ઘટાડાને સરભર કરવો કઠિન બનશે. ભારત વિશ્વમાં જીરાનો સૌથી મોટો ઉત્પાદક તેમજ નિકાસકાર દેશ છે. દેશમાં ઉત્પાદિત કુલ જીરાના પાકનો 52-55 ટકા પાક નિકાસ કરવામાં આવે છે. જીરાનો પાક મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં લેવામાં આવે છે. રવિ સિઝન 2021-22માં જીરાનો પાક 37 ટકા જેટલો નીચો રહેવાની શક્યતાં જોવામાં આવી રહી છે. ગઈ સિઝનમાં 4.78 લાખ ટનની સરખામણીમાં ચાલુ સિઝનમાં જીરાનો પાક 3.01 લાખ ટન રહે તેવો અંદાજ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રતિકૂળ હવામાન તેમજ નીચા ભાવોને કારણે રવિ વાવેતર દરમિયાન જીરાના વાવેતરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં ખેડૂતો જીરાના બદલે ચણા જેવા પ્રોટીન પાક તરફ વળ્યાં હતાં.
વર્ષે 60-70 હજાર ટન જીરાની ખરીદી કરતું ચીન ચાલુ વર્ષે હજુ સુધી બજારમાં પ્રવેશ્યું નથી. પેસ્ટીસાઈડ રેસિડ્યૂના મુદ્દાને કારણે ચીન તરફથી માગની શક્યતા જોવાઈ રહી નથી. બીજા ક્રમનું ખરીદાર બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ખાતેથી તેની જરૂરિયાત પૂરી કરી રહ્યું છે. ભારતીય જીરાના ભાવ ઊંચા હોવાના કારણે ખરીદારો મોટી ખરીદી ટાળી રહ્યાં છે અને જરૂરિયાત આધારિત ખરીદી જ કરી રહ્યાં છે. ચીન ભારતની નિકાસનો ત્રીજો હિસ્સો ધરાવે છે. દેશમાં માત્ર રાજસ્થાનના બારમેર અને જેસલમેર જિલ્લાઓમાં જ રેસિડ્યૂ-મુક્ત જીરાનું ઉત્પાદન જોવા મળે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ
સીએમએસ ઈન્ફોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 444.1 કરોડની આવક નોંધાવી હતી. જે વાર્ષિક ધોરણે 8.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે એબિટા વાર્ષિક ધોરણે 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 117.1 કરોડની પર જોવા મળ્યો હતો.
બોરોસીલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 220.1 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે રૂ. 184 કરોડની સરખામણીમાં 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 88 ટકા ઉછળી રૂ. 34.58 કરોડ થયો હતો. જે ગયા વર્ષે રૂ. 18.43 કરોડ પર હતો.
એસઆરએફઃ કંપનીએ રૂ. 555 કરોડના અંદાજ સામે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 606 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક પણ રૂ. 3434 કરોડના અંદાજ સામે રૂ. 3549 કરોડના ઊંચા સ્તરે જોવા મળી છે.
વીએસટી ટીલર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 71 ટકા વૃદ્ધિ સાથે રૂ. 22.1 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.9 કરોડ પર હતો. કંપનીની આવક 12.1 ટકા ઉછળી રૂ. 218.4 કરોડ પર જોવા મળી હતી.
જીએનએફસીઃ ગુજરાત સરકારના પીએસયૂએ માર્ચ ક્વાર્ટરમાં 110 ટકા વૃદ્ધિ સાથે રૂ. 643 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે કંપનીની આવક 60 ટકા ઉછળી રૂ. 2772 કરોડ પર જોવા મળી હતી.
કેમ્પસ એક્વિટવેરઃ મોતીલાલ ઓસ્લોવ મ્યુચ્યુલ ફંડે સોમવારે લિસ્ટીંગ થયેલી કંપનીમાં 48 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
એચસીએલ ટેક્નોલોજીસઃ આઈટી કંપનીએ સિનિટી સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની જાહેરાત કરી છે અને તે સિનિટી નોલેજ પ્લેટફોર્મને અપનાવશે.
વેદાંતાઃ ઝામ્બિયાએ કંપની સાથે માઈન્સને લઈને ચાલી રહેલી કાયદાકીય કાર્યવાગીને સમાપ્ત કરવામાં સહમતિ દર્શાવી છે.
આરતી ડ્રગ્ઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 694.3 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે રૂ. 502 કરોડની સરખામણીમાં 38 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 7 ટકા ઉછળી રૂ. 55.32 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 51.65 કરોડ પર હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage