Market Summary 10 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજારમાં બીજા દિવસે પણ મંદીવાળાઓનો અંકુશ
જોકે શોર્ટ કવરિંગ પાછળ શરૂઆતી તળિયાના સ્તરેથી બજાર પરત ફર્યું, નિફ્ટીએ 18000ની સપાટી જાળવી
બ્રોડ માર્કેટમાં ખરીદી ચાલુ રહેતાં બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટવ જળવાઈ
બેંક નિફ્ટીમાં મંદીની હેટ્રીક, મેટલ અને પીએસઈમાં પણ વેચવાલીનું દબાણ

બુધવારે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ પ્રવર્તી રહી હતી. જેની પાછળ ભારતીય બજારે પણ બીજા દિવસે ઘટાડો દર્શાવ્યો હતો. જોકે કામકાજની શરૂઆતમાં ગેપ-ડાઉન ઓપનીંગ પાછળ જોવા મળેલા તળિયાથી નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી અને નિફ્ટી 18 હજારના સ્તરને જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. તે 25 પોઈન્ટ્સના ઘટાડે 18017 પર જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ 80.63 પોઈન્ટસ ઘટી 60352.82ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 50-50 જોવા મળ્યું હતું. એટલેકે 50 કાઉન્ટર્સમાંથી 25 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતા હતાં. જ્યારે 25 કાઉન્ટર્સ ઘટીને બંધ આવ્યા હતાં.
વૈશ્વિક બજારો માટે પણ બુધવાર નરમાઈનો બની રહ્યો હતો. મંગળવારે રાતે યુએસ બજારમાં સુધારો અટક્યો હતો. જેની પાછળ કોરિયા, ચીન, હોંગ કોંગ સહિતના બજારો એક ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજારની શરૂઆત પણ ગેપ-ડાઉન જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 18044.25ના બંધ સામે 18 હજારની નીચે ખૂલી વધુ ગગડી 17915ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે આ સપાટીએ તેને સપોર્ટ સાંપડ્યો હતો અને બપોરે એક તબક્કે બજારમાં તમામ સુધારો ધોવાઈ ગયો હતો અને તે ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું. જોકે કામકાજના અંતે તે નેગેટિવ જોવા મળ્યું હતું. બેંકિંગ અને મેટલ્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળતો હતો. બેંક નિફ્ટીએ ચાલુ સપ્તાહે ત્રણેય સત્રોમાં નેગેટિવ બંધ દર્શાવી હેટ્રીક બનાવી હતી. જ્યારે ઈન્ડસઈન્ડ બેંકમાં બીજા દિવસે વેચવાલી ચાલુ રહી હતી. વ્હીસલબ્લોઅરની ઘટના પાછળ બે ટ્રેડિંગ સત્રોમાં તે 15 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ફેડરલ બેંક, પીએનબી અને એચડીએફસીમાં પણ એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ઈન્ડેક્સ 1.76 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. મુખ્યત્વે સ્ટીલ શેર્સમાં વેચવાલી પાછળ મેટલ કાઉન્ટર્સ ગગડ્યા હતાં. પીએસયૂ સ્ટીલ કંપની સેઈલનો શેર 4.4 ટકા ગગડ્યો હતો. જ્યારે જીંદાલ સ્ટીલ 3.4 ટકા, હિંદાલ્કો 3.2 ટકા, ટાટા સ્ટીલ 2.8 ટકા, નાલ્કો 2.7 ટકા અને એનએમડીસી 2.4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
જાહેર સાહસોમાં નરમાઈ પાછળ નિફ્ટી પીએસઈ 0.66 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જેમાં ભેલ 8.11 ટકા સાથે સૌથી ખરાબ કાઉન્ટર હતું. જ્યારે મેટલ કાઉન્ટર્સ ઉપરાંત કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનએચપીસી, એનટીપીસીમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જોકે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જળવાય હતી. કુલ 3457 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1709 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1602 નેગેટિવ જોવા મળતાં હતાં. 410 કાઉન્ટર્સમાં ઉપલી સર્કિટ્સ જોવા મળતી હતી. જ્યારે 147 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં ફ્રિઝ રહ્યાં હતાં.

નાયકાના બમ્પર લિસ્ટીંગ પાછળ ફાઉન્ડરની માર્કેટ વેલ્થ 6.5 અબજ ડોલર
કંપનીના ફાઉન્ડર ફાલ્ગુની નાયર સ્વબળે બનેલા દેશના સૌથી ધનવાન બિલિયોનર મહિના સાહસિક તરીકે ઉભર્યાં
રિટેલ રોકાણકારોને 47.32 લાખ શેર્સની ફાળવણી પર રૂ. 422 કરોડનો લિસ્ટીંગ જેકપોટ હાથ લાગ્યો
નાયકાનો શેર રૂ. 1125ના ઓફર ભાવ સામે 79 ટકા પ્રિમિયમે રૂ. 2018 પર લિસ્ટ થઈ રૂ. 2248ની ટોચ બનાવી રૂ. 2205.80 પર બંધ રહ્યો
એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ(નાયકા)એ શેરબજારમાં મજબૂત લિસ્ટીંગ દર્શાવ્યું હતું. રૂ. 1125ના ઓફર ભાવ સામે કંપનીનો શેર એનએસઈ ખાતે રૂ. 2018ની સપાટીએ 79 ટકા પ્રિમિયમે લિસ્ટ થયો હતો. જેની પાછળ કંપનીના ફાઉન્ડર પ્રમોટર ફાલ્ગુની નાયરની માર્કેટ-વેલ્થ પણ રૂ. 49 હજાર કરોડ અથવા 6.5 અબજ ડોલર પર જોવા મળી હતી અને તેઓ આપમેળે બનેલા સૌથી મોટા બિલિયોનેર મહિલા સાહસિક બન્યાં હતાં. દિવસ દરમિયાન નાયકાનો શેર ઊપરમાં રૂ. 2248 થઈ રૂ. 2205.80ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.04 લાખ કરોડથી વધુ જોવા મળતું હતું. ઝોમેટો બાદ લિસ્ટીંગ દિવસે રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ દર્શાવનાર નાયકા બીજી કંપની બની છે. જ્યારે બીએસઈ ખાતે રૂ. એક લાખ કરોડથી વધુનું એમ-કેપ દર્શાવનાર 55મી કંપની બની હતી.
સંવત 2078ના પ્રથમ લિસ્ટીંગે બજારને આશ્ચર્ય આપ્યું હતું. નાયકાનો આઈપીઓ લગભગ 82 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ હિસ્સો 12 ગણાથી વધુ ભરાયો હતો. ચાલુ કેલેન્ડરમાં તે ઝોમેટો બાદ બીજા ક્રમનો આઈપીઓ હતો. કંપની રૂ. 5350 કરોડ ઊઘરાવવા માટે બજારમાં પ્રવેશી હતી. રિટેલ ઈન્વેસ્ટર્સને 10 ટકા હિસ્સો જ ઓફર કરવામાં આવ્યો હતો. એટલેકે નાના રોકાણકારોને કુલ 47.32 લાખ શેર્સ ઓફર થયા હતાં. 12 શેર્સના લોટ લેખે કુલ 3.94 કરોડ અરજીઓ પર એલોટમેન્ટ થયું હતું. રૂ. 2018ના લિસ્ટીંગ ભારે એક શેર પર રૂ. 893નો લાભ થયો હતો. જ્યારે અરજી પર રૂ. 10700 મળ્યાં હતાં. જેને આધારે ગણીએ તો રિટેલ રોકાણકારોને લાભ પાંચમના બીજા દિવસે કુલ રૂ. 422 કરોડનો લાભ થયો હતો. જે રકમ ચાલુ વર્ષે આઈપીઓમાં લિસ્ટીંગ દિવસે થયેલી કમાણીમાં સૌથી ઊંચી છે.
નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયર પણ રાતોરાત વિશ્વમાં સમૃદ્ધ લોકોની યાદીમાં પ્રવેશ્યાં છે. બ્યૂટી અને ફેશન પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરતી નાયકા પહેલાં તેઓ ખાનગી બેંકિંગ કંપની સાથે જોડાયેલાં હતાં. તેમણે 2012માં કંપનીની સ્થાપના કરી હતી. જે હાલમાં દેશમાં અગ્રણી બ્યૂટી રિટેલર બન્યું છે. તેઓ અમદાવાદ સ્થિત આઈઆઈએમના મેનેજમેન્ટ સ્નાતક છે. તેઓ આપમેળે બનેલા ભારતીય અબજોપતિમાં સ્થાન ધરાવે છે. ગયા માર્ચ મહિનાની આખરમાં કંપનીનું વેચાણ 35 ટકા ઉછળી 33 કરોડ ડોલર પર પહોંચ્યું હતું. આશ્ચર્યની બાબત એ છે કે ઓનલાઈન રિટેલીંગ કંપનીઓમાં ભાગ્યે જ જોવા મળતી ઘટનામાં નાયકા પ્રોફિટ રળતી કંપની છે. અગાઉ બજારમાં પ્રવેશેલી ઝોમેટો હજુ પણ પ્રોફિટ રળી રહી નથી. જ્યારે ફ્લિપકાર્ટથી લઈને એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓ પણ હજુ નફો દર્શાવી રહી નથી.
એનએસઈ ખાતે લિસ્ટીંગ દિવસે 3.43 કરોડ શેર્સનું કામકાજ જોવા મળ્યું હતું. જ્યારે બીએસઈ ખાતે 16.21 લાખ શેર્સનું વોલ્યુમ નોંધાયું હતું.

એક સદી જૂનું આઈનોક્સ જૂથ બે ભાગમાં વહેંચાશે
લગભગ 100 વર્ષોથી અસ્તિત્વ ધરાવતાં આઈનોક્સ જૂથનું પ્રમોટર જૈન બંધુઓમાં વિભાજન થશે એમ જાણવા મળે છે. જેમાં પાવન જૈનના હિસ્સામાં દેશમાં બીજા કદનો મલ્ટીપ્લેક્સ બિઝનેસ આઈનોક્સ લેઝર જાય તેવી શક્યતા છે. સાથે આઈનોક્સ એર પ્રોડક્ટ્સ પણ તેમના ફાળે જશે. જ્યારે તેમના યુવાન ભાઈ વિવેક જૈનના હિસ્સામાં સ્પેશ્યાલિટી કેમિકલ્સ અને ગ્રીન એનર્જી બિઝનેસિસ જશે. જેમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, આઈનોક્સ વિન્ડ અને આઈનોક્સ વિન્ડ એનર્જિનો સમાવેશ થાય છે. વિવેક જૈનના પુત્ર અને જૂથના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર દૈવાંશ જૈનના જણાવ્યા મુજબ સેટલમેન્ટ કરવું અનિવાર્ય હતું. તેમણે ઉમેર્યું હતું કે અમે નવી ગ્રોથ મુસાફરી શરૂ કરી છે અને આઈનોક્સ જીએફએલ હેઠળ અમે નવા ગ્રૂપ લોગોને લોંચ કરવાની પ્રક્રિયામાં છીએ. જૂથના અગ્રણી અને જૈન બંધુઓના ફાધર દેવેન્દ્ર જૈને તાજેતરમાં જ વિવિધ બિઝનેસિસના વિભાજનને લઈને એક કરાર સાઈન કર્યો હતો. ફેમિલી કરાર હેઠળ આઈનોક્સ લેઝર અને આઈનોક્સ એર પ્રોડક્ટ્સમાં પવન જૈન ફેમિલી 30 ટકા હિસ્સો ધરાવશે. આઈનોક્સ એર ઈન્ડસ્ટ્રીઅલ એર અને મેડિકલ ગેસનું ઉત્પાદન કરે છે. વિવેક જૈન પરિવાર ગુજરાત ફ્લોરોકેમિકલ્સમાં 66 ટકા, આઈનોક્સ વિન્ડમાં 67 ટકા અને આઈનોક્સ વિન્ડ એનર્જિમાં 69 ટકા હિસ્સો ધરાવતાં હશે. હોલ્ડિંગ કંપની મારફતે તો આઈનોક્સ લેઝરમાં 3 ટકા હિસ્સો ધરાવતાં હશે એમ અહેવાલ જણાવે છે.

સેબીએ 24 ફેબ્રુઆરીની ઘટના માટે NSEના ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગઈ 24 ફેબ્રુઆરીએ દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે ઊભા થયેલી ટેકનિકલ ખામી મુદ્દે એનએસઈના ટોચના અધિકારીઓને નોટિસ પાઠવી છે. તાંત્રિકી સમસ્યાને કારણે એનએસઈ ખાતે મોટાભાગના દિવસ દરમિયાન કામગીરી ખોરવાયેલી રહી હતી અને ટ્રેડર્સને મોટુ નુકસાન ઉઠાવવાનું બન્યું હતું.
એક્સચેન્જ ખાતે ટ્રેડિંગમાં અચડણો બદલ સેબીએ પ્રથમવાર એક્સચેન્જના કર્મચારીઓને જવાબદાર ઠેરવ્યાં છે. સેબીએ સ્ટોક એક્સચેન્જ રેગ્યુલેશન્સના ભંગ બદલ શો-કોઝ નોટિસિસ પાઠવી છે. જેમાં ટ્રેડ્સને સરખી રીતે હાથ ધરવામાં ત્રૂટિ તથા માર્કેટની ઈન્ટિગ્રિટિને જાળવી રાખવા માટે પૂરતી સર્વૈલન્સ સિસ્ટમના અભાવ જેવા કારણોનો સમાવેશ કર્યો છે. સેબી એક સંસ્થાકિય લેવલે આ ઘટનામાં એનએસઈની ભૂમિકાની અલગથી તપાસ પણ કરી રહી છે એમ વર્તુળો જણાવે છે. 24 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 11.40 વાગે એનએસઈ ખાતે ટ્રેડિંગની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જે ચાર કલાક બાદ શરૂ થઈ હતી. ભારતીય શેરબજારોમાં આટલા લાંબા સમય સુધી ટ્રેડિંગ કામગીરી બંધ રહી હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આ ઘટનાને કારણે બજારમાં ટ્રેડિંગના છેલ્લાં કલાકમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી હતી. જેને કારણે ટ્રેડર્સને જંગી નુકસાન ખમવાનું થયું હતું.


બેંક ઓફ બરોડાનો ચોખ્ખો નફો 24 ટકા વધી રૂ. 2088 કરોડ
જાહેર ક્ષેત્રની બીજા ક્રમની એવી બેંક ઓફ બરોડાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2088 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1679 કરોડ સામે 24 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 2 ટકા વધી રૂ. 7566 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 7508 કરોડ પર હતી. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ઉછળીને 2.85 ટકા જળવાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.78 ટકા પર હતું. બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો 83.42 ટકા જળવાયો હતો. કંપનીની ગ્રોસ એનપીએ ઘટીને રૂ. 59504 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 65698 કરોડ પર હતી. જ્યારે નેટ એનપીએ પણ 3.03 ટકા પરથી ઘટી 2.8 ટકા પર રહી હતી. કંપનીનો શેર બુધવારે 5.31 ટકા ગગડી રૂ. 100.70ની સપાટી પર બંધ રહ્યો હતો.

ફાર્માઈઝી પેરન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સે ડીઆરએચપી ફાઈલ કર્યું
ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ ફાર્મઈઝીની પેરન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સે આઈપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની ફ્રેશ ઈક્વિટી ઈસ્યુ મારફતે માર્કેટમાંથી રૂ. 6250 કરોડ એકત્ર કરવા માગે છે. એપીઆઈ હોલ્ડિંગ્સ આઈપીઓ અગાઉ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 1250 કરોડ એકત્ર કરવાના વિકલ્પની શક્યતા પણ ચકાસી રહી છે. જો પ્રિ-આઈપીઓ રાઉન્ડ શક્ય બનશે તો આઈપીઓના કદમાં ઘટાડો થશે. આઈપીઓ એ પ્રાઈમરી ઈસ્યુ હશે અને ફંડનો ઉપયોગ રૂ. 1929 કરોડનું ડેટ ચૂકવવા માટે થશે. કંપનીએ 2020-21માં રૂ. 2335 કરોડની આવક દર્શાવી હતી. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં તેણે રૂ. 1197 કરોડની આવક નોંધાવી હતી.
લેટન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ પ્રથમ દિવસે જ 6 ગણો છલકાયો
નાયકાના જબરદસ્ત લિસ્ટીંગે પ્રાઈમરી માર્કેટમાં મોમેન્ટમને વેગ આપ્યો છે. જેની અસરે બુધવારે ખૂલેલો લેટન્ટ વ્યૂ એનાલિટીક્સનો આઈપીઓ પ્રથમ દિવસે જ 6 ગણો છલકાય ગયો હતો. જેમાં રિટેલ હિસ્સો 28.02 ગણો છલકાયો હતો. જ્યારે એચએનઆઈ રોકાણકારોનો હિસ્સો 1.91 ગણો અને ક્વિપ હિસ્સાનું ભરણું 15 ટકા ભરાયું હતું. ઈસ્યુમાં 1.75 કરોડ શેર્સ સામે 9.81 કરોડ શેર્સના બીડ્સ પ્રાપ્ત થયાં હતાં. એનાલિસ્ટ્સના અંદાજ મુજબ આઈપીઓ 100 ગણાથી વધુ છલકાવાની શક્યતાં છે. કંપની રૂ. 190-197 પ્રતિ શેરના ભાવે શેર ઓફર કરી રહી છે. જ્યારે ગ્રે-માર્કેટમાં શેર દીઠ રૂ. 200-220નું પ્રિમીયમ જોવા મળી રહ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage