Market Summary 11/03/2023

બુલ્સે ગુમાવેલી પકડ પરત મેળવી, અન્ડરટોન મજબૂત
નિફ્ટી ફરી 19400ની સપાટી પર બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 11.01ના સ્તરે
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક મજબૂતી
ઓટો, એફએમસીજી, ફાર્મા, એનર્જીમાં ખરીદી
બેંકિંગ, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
ભારત ડાયનેમિક્સ, મઝગાંવ ડોક, પોલીકેબ નવી ટોચે
અતુલ, યુપીએલ નવા તળિયે

ભારતીય શેરબજારમાં તેજીવાળાઓએ ફરી પકડ મેળવી છે. લગભગ ચારેક સત્રોના કોન્સોલિડેશન પછી બેન્ચમાર્ક્સ અગાઉની ટોચ નજીક પહોંચી પરત ફર્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 273.67 પોઈન્ટ્સ સુધારા સાથે 65,617.84ની સપાટીએ જ્યારે નિફ્ટી 83.50 પોઈન્ટ્સના સુધારે 19,439.40ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફટી-50 કાઉન્ટર્સમાંથી 35 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. બીજી બાજુ બીએસઈ ખાતે કુલ 3601 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1935 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1549 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 181 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 42 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 11.01ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મજબૂતી જોવા મળતી હતી. જેની વચ્ચે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19356ના બંધ સામે 19427ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી ઈન્ટ્રા-ડે ધોરણે 19,515.10ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે તેની ગયા સપ્તાહે બનેલી 19524ની ઓલ-ટાઈમ ટોચથી માત્ર આંઠ પોઈન્ટ્સ છેટે જોવા મળ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 78 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19517 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 68 પોઈન્ટ્સના પ્રિમીયમમાં વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો નોંધાયો છે. જે મજબૂતી જળવાય રહેવાનો સંકેત છે. ચાલુ સપ્તાહે બેન્ચમાર્ક્સ નવી ટોચ દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19300ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવા જણાવે છે. બેન્ચમાર્ક ઉપરમાં 19600-19700 સુધીની સપાટી દર્શાવી શકે છે. જે તેની વચગાળાની ટોચનું સ્તર હોય શકે છે. જોકે, ફંડ ઉદ્યોગનો ડેટા સૂચવે છે કે રોકાણકારો લાર્જ-કેપ્સમાં વર્તમાન સ્તરે પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે અને સ્મોલ-કેપ્સ તરફ વળી રહ્યાં છે. આમ, ઊંચા મથાળે લાર્જ-કેપ્સમાં નવી ખરીદીમાં સાવચેતી જાળવવાનું સૂચન છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં સન ફાર્મા, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ, તાતા કન્ઝ્યૂમર્સ, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, લાર્સન, ઈન્ફોસિસ અને ગ્રાસિમનો સમાવેશ થાય છે. બીજી બાજુ, યૂપીએલ, જેએડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજી, હિંદાલ્કો, એસબીઆઈ, હીરો મોટોકોર્પ, એચડીએફસીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સિસ જોઈએ તો ઓટો, એફએમસીજી, ફાર્મા, એનર્જીમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સે 15630ની નવી ટોચ દર્શાવી હતી. જેના ઘટકોમાં ટીવીએસ મોટર, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, આઈશર મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, મધરસન સુમી, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, એમઆરએફ, એમએન્ડએમ અને સોના બીએલડબલ્યુનો સમાવેશ થતો હતો. નિફ્ટી એફએમસીજીમાં પણ 1.23 ટકાની મજબૂતી જોવા મળી હતી. જેના ઘટકોમાં તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, વરુણ બેવરેજીસ, આઈટીસી, ડાબર ઈન્ડિયા, પીએન્ડજી, નેસ્લે, યુનાઈટેડ સ્પિરિટ્સ, કોલગેટ, એચયૂએલ, બ્રિટાનિયામાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જેમાં સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, સિપ્લા, આલ્કેમ લેબ્સ, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, બેંકિંગ, મેટલ, રિઅલ્ટી નરમાઈ દર્શાવતા હતાં. નિફ્ટી બેંક 116 પોઈન્ટ્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો જેમાં બંધન બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતના શેર્સ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ 0.25 ટકા ગગડ્યો હતો. જેમાં વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ સહિતના કાઉન્ટર્સ નરમ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો તાતા કોમ્યુનિકેશન્સ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પોલીકેબ, આરબીએલ બેંક, ઈન્ડિયામાર્ટ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈડીએફસી, હિંદુસ્તાન એરોનોટિક્સ ભારત ઈલે., ડિક્સોન ટેક્નોલોજી, સન ટીવી નેટવર્ક, ભેલ, સિમેન્સ, એબીબી ઈન્ડિયામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ નવીન ફ્લોરિન, દિપક નાઈટ્રેટ, અતુલ, બંધન બેંક, યૂપીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ, દાલમિયા ભારતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં ભારત ડાયનેમિક્સ, મઝગાંવ ડોક, પોલીકેબ, કલ્યાણ જ્વેલર્સ, જેબી કેમિકલ્સ, આરબીએલ બેંક, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ વગેરેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અતુલ, યુપીએલે નવા તળિયા દર્શાવ્યાં હતાં.

ભારતીય ફાર્મા ઉદ્યોગનું કદ 57 અબજ ડોલરે પહોંચશે
ઉદ્યોગના ઓપરેટિંગ માર્જિન લેવલ કોવિડ અગાઉના સ્તરે પહોંચવાની શક્યતાં
2024-25માં નિકાસમાં 6-7 ટકા જ્યારે સ્થાનિક વેચાણમાં 8-9 ટકા વેચાણ વૃદ્ધિનો અંદાજ

ભારતીય ફાર્માસ્યુટિલ ઉદ્યોગનું કદ નાણા વર્ષ 2024-25 સુધીમાં 57 અબજ ડોલરે પહોંચવા માટે તૈયાર છે. તે 7-8 ટકાના દરે વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે એમ કેરએજ રેટિંગ્સનો રિપોર્ટ સૂચવે છે. માર્ચ 2023ના રોજ પૂરાં થતાં વર્ષ દરમિયાન ફાર્મા ઉદ્યોગે વાર્ષિક 5 ટકા વૃદ્ધિ દર સૂચવ્યો હતો. જ્યારે તેનું કદ 49.78 અબજ ડોલરે પહોંચ્યું હતું એમ રિપોર્ટ જણાવે છે. રિસર્ચ એજન્સીના જણાવ્યા મુજબ 2017-18માં ભારતીય ફાર્મા ઉદ્યોગ 35.41 અબજ ડોલરનું કદ ધરાવતો હતો. જ્યાંથી તે 13.5 અબજ ડોલર જેટલી વૃદ્ધિ દર્શાવી છે.
નાણા વર્ષ 2024-25માં નિકાસ સંદર્ભમાં 6-7 ટકા વૃદ્ધિનો અંદાજ છે. જ્યારે સ્થાનિક વેચાણ વોલ્યુમમાં 8-9 ટકા વૃદ્ધિની શક્યતાં છે એમ રિપોર્ટ સૂચવે છે. 2022-23માં નિકાસમાં માત્ર 3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. રશિયા-યૂક્રેનના યુધ્ધને કારણે ઈમર્જિંગ માર્કેટ્સમાં નિકાસ પર ગંભીર અસર જોવા મળી હતી. અનેક આફ્રિકન દેશોમાં ફોરેન કરન્સીની તંગી વર્તાઈ હતી અને તેમની ખરીદી નોંધપાત્ર ઘટાડો દર્શાવતી હતી. બીજી બાજુ સ્થાનિક બજારમાં ગયા નાણા વર્ષ દરમિયાન 7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
ફાર્મા ઉદ્યોગ પરનો રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે 2022-23ની સરખામણીમાં 2024-25માં ફાર્મા કંપનીઓના માર્જિન્સમાં 100-150 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળશે અને તે કોવિડ અગાઉની સપાટીએ પરત ફરવાની અપેક્ષા છે. હાલમાં, કાચી સામગ્રીના માલમાં વૃદ્ધિ, ઊંચા નૂર અને ડિલીવરી ટાઈમલાઈન્સમાં વૃદ્ધિ તથા યુએસ જેનેરિક્સ માર્કેટમાં વધતી સ્પર્ધાને કારણે ઓપરેટિંગ માર્જિનમાં નરમાઈ જોવા મળી છે. જોકે, આગામી સમયગાળામાં ફાર્મા ઉદ્યોગ માટે પોઝીટીવ સંકેતો સાંપડી રહ્યાં છે. જેમાં રો-મટિરિયલ્સના ભાવ સ્થિર બન્યાં છે. ફ્રેડ રેટ સામાન્ય બની રહ્યાં છે અને યુએસ ખાતે ભાવનું દબાણ ઘટ્યું છે. ભારતીય કંપનીઓની મજબૂત નફાકારક્તાને કારણે તેમનું ક્રેડિટ પ્રોફાઈલ સ્થિર જળવાયું છે અને ડેટ પર ઓછી નિર્ભરતાને કારણે તે આમ જ રહેશે એમ કેરએજ નોંધે છે.

દેશમાં ટ્રેકટર્સનું વેચાણ નવ-મહિનાની ટોચે
દેશમાં જૂનમાં ટ્રેકટર્સનું વેચાણ નવ મહિનાની ટોચે પહોંચ્યું છે. ગયા મહિને દેશભરમાં 98,422 ટ્રેકટર્સનું વેચાણ નોંધાયું હતું. જે મે મહિનામાં જોવા મળતાં 83,267 યુનિટ્સની સરખામણીમાં 18 ટકા વૃદ્ધિ સૂચવે છે. વાર્ષિક ધોરણે ટ્રેકટર્સ વેચાણમાં 4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી એમ ટ્રેકટર્સ એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશનનો ડેટા સૂચવે છે. ઓક્ટોબર 2022 પછી જૂનમાં સૌથી ઊંચું ટ્રેકટર્સ વેચાણ નોંધાયું હતું. દેશમાં સૌથી મોટી ટ્રેકટર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 43,364 યુનિટ્સ ટ્રેકટર્સનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 9 ટકા જ્યારે માસિક ધોરણે 30 ટકા વૃદ્ધિ સૂચવે છે. એસ્કોર્ટ્સ કૂબોટાએ 92,70 ટ્રેકટર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે વાર્ષિક ધોરણે તેનો ગ્રોથ ફ્લેટ જોવા મળ્યો હતો. મહિના દરમિયાન કુલ ટ્રેકટર ઉત્પાદન 92,266 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,03,563 યુનિટ્સ પર જ્યારે મે મહિનામાં 79,928 યુનિટ્સ પર હતું.

દેશમાં 2022-23માં 329.72 લાખ ગાંસડી કોટન પાકનો અંદાજ
વર્તમાન કોટન સિઝનમાં દેશમાં 329.72 લાખ ટન કોટન પાકનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં કોટન બ્રોકર્સ એસોસિએશન એવા નેશનલ કોટન બ્રોકર્સ એસોસિએશ(એનસીબીએ) તરફથી આ અંદાજ રજૂ કરાયો છે. તેમણે ગયા વર્ષ માટે 312 ગાંસડી કોટન પાક અંદાજ્યો હતો. કોટન માર્કેટિંગ સિઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ગણવામાં આવે છે. આમ, ચાલુ સિઝન પૂરી થવાને હજુ અઢી મહિનાની વાર છે. એનસીબીએના જણાવ્યા મુજબ જૂનની આખર સુધીમાં દેશના બજારોમાં કુલ 295.65 લાખ ગાંસડી કોટન આવી ચૂક્યું છે. જે ગયા વર્ષે 300 લાખ ગાંસડી પર જોવા મળતું હતું. આગામી ત્રણ મહિના દરમિયાન વધુ 35 લાખ ગાંસડી આવક બજારમાં જોવા મળવાની શક્યતાં વ્યક્ત કરવામાં આવી છે.

યુએસ ઈન્ફ્લેશન ડેટા અગાઉ ગોલ્ડ ત્રણ સપ્તાહની ટોચે
કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1930 ડોલરની નજીક પહોંચ્યું, વાયદો 1940 ડોલરે
ડોલર ઈન્ડેક્સ 101.50ના મહિનાના તળિયે
યુએસ બોન્ડ યિલ્ડ્સમાં ટોચના સ્તરેથી 5 ટકાથી વધુ ઘટાડો

યુએસ ખાતે જૂન મહિનાનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ રજૂ થાય તે અગાઉ વૈશ્વિક બજારમાં ગોલ્ડમં મજબૂતી જોવા મળી રહી હતી અને તે 10 ડોલરના સુધારે ત્રણ સપ્તાહની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1938 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર જ્યારે વાયદો 1940 ડોલર પર જોવા મળતો હતો. કોમેક્સ સિલ્વરમાં જોકે ખાસ ફેરફાર નહોતો જોવા મળ્યો. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 175ની મજબૂતીએ રૂ. 58865ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં ત્રણ સત્રોમાં ડોલર ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે તે 101.50ના મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે યુએસ યિલ્ડ્સ પણ ગયા સપ્તાહની ટોચ પરથી 5 ટકા કરતાં વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે બુધવારે રાતે રજૂ થનારો સીપીઆઈ ડેટા ફેડ માટે આગામી બેઠકમાં રેટ નિર્ધારણ માટે મહત્વનો બની રહેશે. અગાઉ ફેડ ચેરમેન અનેકવાર તેમનું હોકિશ વલણ જાહેર કરી ચૂક્યાં છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સીપીઆઈ ડેટા અપેક્ષા કરતાં નીચો જોવા મળ્યો છે અને તે કારણે જ જૂન બેઠકમાં ફેડે પોઝ રાખવાનું યોગ્ય માન્યું હતું. જોકે, જૂનમાં રેટમાં વૃદ્ધિ નહિ કરવા સાથે ફેડે 2023માં વધુ બે 25-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની શક્યતાં જીવંત રાખી હતી. ફેડની એફઓએમસી આગામી 26 જુલાઈએ મળનાર છે. વર્તુળોના મતે ફેડ તેના રેટ વૃદ્ધિ ચક્રની નજીક હોવાનું જણાય રહ્યું છે અને તેથી જ ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી રહી છે. જોકે, ગોલ્ડ બુલ્સ હજુ પણ નવી ખરીદી માટે તૈયાર નથી જણાતાં. તેઓ યુએસ ફેડના વલણને લઈને હજુ પણ ચિંતિત હોય તેમ લાગી રહ્યું છે. વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટીકલ રિસ્ક્સ અને ઊંચા ઈન્ફ્લેશન વચ્ચે ગોલ્ડ છેલ્લાં ત્રણ મહિનાથી કોન્સોલિડેશન સાથે કરેક્શન દર્શાવી રહ્યું છે. અગાઉ તેણે 1620 ડોલરથી 2070 ડોલર સુધીનો મજબૂત બુલ રન નોંધાવ્યો હતો.
સોમવારે કેટલાંક ફેડ અધિકારીઓએ ઊંચા ઈન્ફ્લેશનને જોતાં હજુ પણ રેટ વૃદ્ધિની શક્યતાં હોવાનું દોહરાવ્યું હતું. જે પણ સેન્ટીમેન્ટ પર અસર કરી રહ્યું છે. ગોલ્ડે ગયા સપ્તાહે 11 મે પછીનું તેનું તળિયું નોંધાવ્યું હતું. કોમેક્સ ખાતે સ્પોટ ગોલ્ડ 1893 ડોલરની સપાટીએ પટકાયું હતું.

ફોક્સકોન ભારતમાં ચીપ ઉત્પાદન માટે નવા ઈન્સેન્ટિવ્સ માટે અરજી કરશે
કંપનીએ વેદાંત જૂથ સાથે 19.5 અબજ ડોલરના પ્રોજેક્ટમાંથી બહાર આવી નવેસરથી જોડાણ માટે શરૂ કરેલી પ્રક્રિયા
કંપની ભારત માટે પ્રતિબધ્ધ છે અને ભારત સફળતાપૂર્વક સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ઊભી કરી રહ્યો હોવાનો કંપનીનો મત

તાઈવાનની ફોક્સકોને મંગળવારે જણાવ્યું હતું કે તે ભારત સરકારની સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ પોલિસી હેઠળ પ્રાપ્ય ઈન્સેન્ટિવ્સ માટે અરજી કરવાનું તે વિચારી રહી છે. વેદાંત સાથે 19.5 અબજ ડોલરના ચીપમેકિંગ જોઈન્ટ વેન્ચરમાંથી બહાર નીકળ્યાં પછી કંપનીએ આમ જણાવ્યું છે.
ફોક્સકોન કોમોડિટી કોંગ્લોમેરટ વેદાંત સાથેના સંયુક્ત સાહસમાંથી સોમવારે એક્ઝિટ લીધી હતી. વિશ્વમાં સૌથી મોટા કોન્ટ્રેક્ટ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદક ફોક્સકોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સરકારના સુધારેલા સેમીડંકડક્ટર્સ અને ડિસપ્લે ફેબ ઈકોસિસ્ટમ પ્રોગ્રામ હેઠળ અરજી કરવા પર કામ કરી રહી છે. ભારત સરકાર નવેસરથી તૈયાર કરેલી સ્કિમમાં સેમીકંડક્ટર અને ડિસપ્લે મેન્યૂફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટેના કુલ મૂડી ખર્ચમાં 50 ટકા સુધીની નાણાકિય રાહત પૂરી પાડી રહી છે. ફોક્સકોને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તે એપ્લિકેશન સબમિટ કરવા પર કામ કરી રહી છે. કંપની ભારતને લઈ પ્રતિબધ્ધ છે અને ભારત સફળતાપૂર્વક સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ઊભી કરી રહ્યો હોવાનું તે માને છે. મોદી સરકારે ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગના એક નવા યુગ તરીકે ચીપ ઉત્પાદનને ટોચની મહત્વતા આપી છે. જોકે, વેદાંત સાથેના સાહસમાંથી ફોક્સકોનની એક્ઝિટને સરકારની મહત્વાકાંક્ષા માટે એક ફટકા તરીકે જોવાતી હતી. કેમકે વેદાંત-ફોક્સકોન સંયુક્ત સાહસ ગયા વર્ષે સરકારના શરૂઆતી ઈન્સેન્ટીવ પ્લાન હેઠળ મળેલી ત્રણ અરજીઓમાંનો એક હતો.
વેદાંત સાથેનું જોડાણ તૂટવા અંગે જણાવતાં ફોક્સકોને નોંધ્યું હતું કે બંને પક્ષો તરફથી એ વાતે સહમતિ જોવા મળતી હતી કે તેમનો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો નથી. તેમજ અન્ય કેટલાંક પડકારો પણ હતાં જેને સરળતાથી દૂર કરી શકાયાં નહોતાં. જોકે, તેણે આ અંગે વધુ વિગતો નહોતી આપી.

સ્મોલ-કેપ ઈઝ બ્યૂટિફૂલઃ ઈન્વેસ્ટર્સે જૂનમાં રૂ. 5470 કરોડનું રોકાણ કર્યું
રોકાણકારોનો રિસ્ક-એપેટાઈટ છેલ્લાં ઘણા મહિનાઓથી ટોચ પર જોવાયો
લાર્જ-કેપ્સમાં રૂ. 2050 કરોડનો આઉટફ્લો નોંધાયો
SIP ઈનફ્લો માસિક ધોરણે રૂ. 14 કરોડના ઘટાડે રૂ. 14734 કરોડ પર નોંધાયો
છ નવા NFOમાં ગયા મહિને રૂ. 3038 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો
MFમાં કુલ ઈનફ્લો માસિક ધોરણે બમણો બની રૂ. 8637 કરોડ પર નોંધાયો
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 44.39 લાખ કરોડની નવી ટોચે પહોંચ્યું

સ્મોલ-કેપ્સ માટે રોકાણકારોમાં આકર્ષણ વધી રહ્યું છે. જૂન મહિનામાં સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 5,472 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે મે મહિનામાં રૂ. 3,282 કરોડ પર હતો. જે માર્કેટમાં રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ થયાનું પણ સૂચવે છે. સામાન્યરીતે જોખમી બેટ ગણાતાં સ્મોલ-કેપ્સમાં ઊંચા ફ્લોનો અર્થ એવો પણ થાય છે કે રોકાણકારોનો રિસ્ક-એપેટાઈટ નોંધપાત્ર વધ્યો છે. જૂનમાં ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સ પણ માસિક ધોરણે બમણો જોવા મળ્યો હતો અને રૂ. 8637 કરોડ પર રહ્યો હતો. જે મેમાં રૂ. 3240 કરોડ પર નોંધાયો હતો. જોકે, સ્મોલ-કેપ્સ સિવાય અન્ય તમામ સેગમેન્ટ્સમાં ફ્લો નેગેટિવ હતો.
એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા મુજબ જૂનમાં લાર્જ-કેપ્સ ફઁડ્સમાં રૂ. 2050 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જે મે મહિનામાં નોંધાયેલા રૂ. 1362 કરોડની સરખામણીમાં ઊંચો હતો. જ્યારે ફોકસ્ડ ફંડ્સમાં રૂ. 1018 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. ઈક્વિટી લિંક્ડ સેવિંગ્ઝ સ્કિમ અને ફ્લેક્સિ-કેપ ફંડ્સે અનુક્રમે રૂ. 475 કરોડ(મેમાં રૂ. 505 કરોડ) અને રૂ. 17 કરોડ(રૂ. 368 કરોડ)નો આઉટફ્લો નોંધાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે લાર્જ મ્યુચ્યુલ ફંડ ગૃહોએ માર્કેટમાં નવા ફંડ ફ્લોને ઠાલવવા માટે મુશ્કેલીનું કારણ સામે ધરી સ્મોલ-કેપ ફંડ્સમાં ઈન્વેસ્ટમેન્ટ અટકાવ્યું હતું. તેમ છતાં સ્મોલ-કેપ ફંડ્સમાં ફ્લો વધતો જોવાયો હતો. એમ્ફીના સીઈઓના જણાવ્યા મુજબ રોકાણકારો સ્મોલ-કેપ સેગમેન્ટમાં રહેલાં જોખમને સંપૂર્ણપણે ગણનામાં લઈને રોકાણ કરી રહ્યાં છે. તેમાંના ઘણાએ લાર્જ-કેપ અને ફોકસ્ડ ફંડ્સમાં પ્રોફિટ બુક કરી ઊંચા વળતરની અપેક્ષામાં સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણ કર્યું હોઈ શકે છે. કેમકે સ્મોલ-કેપ ઈન્ડેક્સ તેની ટોચથી 60 ટકા જેટલો પટકાયો હતો.
SIPમાં વૃદ્ધિ પર વિરામ
મે મહિનામાં રૂ. 14,748 કરોડનો વિક્રમી ઈનફ્લો દર્શાવનાર સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ હેઠળ જૂન મહિનામાં રૂ. 14,734 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. એટલેકે તેમાં રૂ. 14 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બીજી બાજુ મહિનામાં નવા વિક્રમી 27.78 લાખ સિપ્સ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. જ્યારે બીજી બાજુ વિક્રમી 15.26 લાખ એકાઉન્ટ્સ બંધ પણ થયાં હતાં. ઈક્વિટી ફંડ્સમાં ફ્લોમાં ઊંચી વૃદ્ધિનું કારણ જૂનમાં રજૂ થયેલા છ નવા ફંડ્સ હોઈ શકે છે એમ મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એનાલિસ્ટ જણાવે છે. આ છ ફંડ્સે મળી રૂ. 3038 કરોડ ઊભા કર્યાં હતાં. રોકાણકારો છેલ્લાં બે વર્ષોથી મીડ-કેપ અને સ્મોલ-કેપ કેટેગરીઝમાં સતત રોકાણ વધારી રહ્યાં છે. હાઈબ્રીડ કેટેગરીમાં આર્બિટ્રેડ અને મલ્ટી-એસેટ એલોકેશન ફંડ્સમાં અનુક્રમે રૂ. 3366 કરોડ અને રૂ. 1323 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ જેવા મળ્યું હતું. ડેટ ફંડ્સમાં રૂ. 14,135 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. જે મે મહિનામાં જોવા મળેલા રૂ. 45,959 કરોડના ઈનફ્લો સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. લિક્વિડ અને ફ્લોટર ફંડ્સમાં રૂ. 18,910 કરોડ અને રૂ. 2,378 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. સમગ્રતયા, મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 44.39 લાખ કરોડની નવી ટોચે પહોંચ્યું હતું. જે મેમાં રૂ. 43.20 લાખ કરોડ પર હતું.

જૂનમાં વિવિધ કેટેગરીમાં ઈનફ્લો-આઉટફ્લો

કેટેગરી ફંડ ફ્લો(રૂ. કરોડમાં)
સ્મોલ-કેપ 5,472
વેલ્યૂ/કોન્ટ્રા 2,239
મીડકેપ 1,749
લાર્જ અને મીડ-કેપ 1,147
મલ્ટી કેપ 735
સેક્ટરલ થીમેટીક 459
ડિવિડન્ડ યિલ્ડ 398
ફ્લેક્સિકેપ -17
ELSS -475
ફોકસ્ડ -1018
લાર્જ-કેપ -2050

તાતા જૂથ આઈફોનનું ઉત્પાદન કરનાર પ્રથમ ભારતીય જૂથ બનશે
કર્ણાટક સ્થિત વિસ્ટ્રોન કોર્પની ફેક્ટરી ખરીદવાની મંત્રણા આખરી તબક્કામાં
ઓગસ્ટ સુધીમાં 60 કરોડ ડોલરના સંભવિત મૂલ્ય સાથે તાઈવાની મેન્યૂફેક્ચરરની સુવિધા ખરીદશે

દેશનું સૌથી મોટું કોન્ગ્લોમેરટ એવું તાતા જૂથ એપલ ઈન્કના સપ્લાયરની ફેક્ટરી ખરીદવાની નજીક પહોંચી ચૂક્યું હોવાનું જાણકારોનું કહેવું છે. તાતા જૂથ નજીકમાં નજીક ઓગસ્ટ સુધાં આ ફેકટરી ખરીદે તેવી શક્યતાં તેઓ દર્શાવી રહ્યાં છે. જે સાથે તે આઈફોન ઉત્પાદક પ્રથમ ભારતીય જૂથ પણ બનશે એમ જાણકારો ઉમેરે છે. કર્ણાટક સ્થિત વિસ્ટ્રોન કોર્પની ફેક્ટરીની ખરીદી સંભવિત 60 કરોડ ડોલરના વેલ્યૂએશને થઈ શકે છે. તાતા જૂથ અને વિસ્ટ્રોન વચ્ચે લગભગ એક વર્ષથી આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. આ સુવિધા 10000 કામદારો ધરાવે છે. જેઓ આઈફોન 14નું ઉત્પાદન કરી રહ્યાં છે. વિસ્ટ્રોને સરકાર તરફથી નાણાકિય ઈન્સેન્ટિવ્સ મેળવવા માટે માર્ચ 2024માં પૂરાં થતાં વર્ષ દરમિયાન 1.8 અબજ ડોલરના મૂલ્યના આઈફોન્સની નિકાસ માટે પ્રતિબધ્ધતાં દર્શાવી છે એમ વર્તુળો ઉમેરે છે. તેણે આગામી વર્ષ સુધીમાં પ્લાન્ટ ખાતે કામદારોની સંખ્યામાં ત્રણ ગણી વૃદ્ધિનું આયોજન પણ કર્યું છે. વિસ્ટ્રોન દેશમાંથી આઈફોન બિઝનેસમાંથી એક્ઝિટ લઈ રહી હોવાથી તાતા તેની પ્રતિબધ્ધતાઓનું પાલન કરશે એમ વર્તુળો નોંધે છે. તાતા, વિસ્ટ્રોન અને એપલે જોકે આ અંગે કોઈ ટિપ્પણી નહોતી કરી.
ઈન્ડિયન આઈફોનમાં ઉમેરો એપલના તેની સપ્લાય ચેઈનને ચીન ઉપરાંત અન્યત્ર ડાયવર્સિફાઈ કરવાના પ્રયાસોને વેગીલા બનાવી શકે છે. વિસ્ટ્રોને 30 જૂન સુધીમાં પૂરાં થતાં ક્વાર્ટર દરમિયાન ભારતમાંથી 50 કરોડ ડોલરના આઈફોન્સની નિકાસ કરી હતી. એપલના અન્ય ચાવીરૂપ તાઈવાનીઝ સપ્લાયર ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ અને પેગાટ્રોન કોર્પે પણ સ્થાનિક સ્તરે તેમનો સપ્લાય વધાર્યો હતો. ભારત સરકાર તરફથી આકર્ષક રાહતોને કારણે ભારતમાં સ્થાનિક મેન્યૂફેક્ચરિંગમાં પ્રગતિ જોવા મળી છે. એપલે પણ કોવિડ પછી ચીન સિવાય અન્યત્ર ડાયવર્સિફિકેશન માટેના પ્રયાસો વેગવાન બનાવ્યાં છે. ભારતીય કંપની તરફથી આઈફોન્સનું ઉત્પાદન ચીનના વૈશ્વિક ફેક્ટરી તરીકેના દરજ્જાને પડકાર ફેંકવાના મોદી સરકારના પ્રયાસોને નોંધપાત્ર શક્તિ પૂરી પાડશે. તે અન્ય વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સને પણ ભારતમાં ઉત્પાદન હાથ ધરવા અને ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રેરણા પૂરી પાડશે.
155- વર્ષ જૂનું તાતા જૂથ મીઠાંથી લઈ ટેક્નોલોજી સુધી તમામ ચીજ-વસ્તુઓનું વેચાણ ધરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જૂથે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્શનમાં પણ પ્રવેશ કર્યો છે. તેમજ ઈ-કોમર્સમાં પણ સારી પ્રગતિ દર્શાવી છે. આ બંને સેક્ટર્સ જૂથ માટે પ્રમાણમાં નવા છે. જૂથ અગાઉથી જ આઈફો ચેસિસ બનાવે છે. જે ડિવાઈસની મેટલ બેકબોન ગણાય છે. તે તમિલનાડુમાં હજારો એકર્સ જમીનમાં ફેલાયેલી ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. તાતા ચીપમેકર તરીકેની મહત્વાકાંક્ષા માટે પણ તૈયાર થઈ રહ્યાં છે એમ જૂથ ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું.

અદાણી-હિંડેનબર્ગ તપાસમાં સેબીએ FPIના લાભાન્વિત અંગેની તપાસ ફગાવી
સુપ્રીમ કોર્ટે નીમેલી પેનલે તેની તપાસમાં 2019માં નિયમોમાં ફેરફારને કારણે એફપીઆઈના લાભાન્વિતોની ઓળખ મુશ્કેલ હોવાનું નોંધ્યું હતું

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સુપ્રીમ કોર્ટ તરફથી અદાણી-હિંડેનબર્ગ મામલે તપાસ માટે નિમાયેલી એક્સપર્ટ પેનલના રિપોર્ટને ફગાવ્યો છે. આ રિપોર્ટમાં એક્સપર્ટ પેનલે 2019માં નિયમમાં કરવામાં આવેલા ફેરફારને કારણે અદાણી કેસમાં એફપીઆઈના બેનિફિશ્યલ ઓઉનર્સની ઓળખમાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું. એક કાઉન્ટ એફિડેવિટમાં માર્કેટ રેગ્યુલેટર સબીએ જણાવ્યું હતું કે એફપીઆઈમાં આર્થિક હિત ધરાવતાં દરેક વ્યક્તિ ઉપર છેલ્લાં નેચરલ પર્સનને ડિસ્ક્લોઝ કરવાની જરૂરિયાત ક્યારેય ઊભી થઈ નથી.
સુપ્રીમ કોર્ટમાં તેની એફિડિવિટમાં સેબીએ જણાવ્યું છે કે એક્સપર્ટ કમિટિ સમક્ષ આર્થિક હિતો ધરાવતાં લોકોની વિગતો મેળવવાના સ્વરુપમાં રહેલાં પડકારો 2019માં નિયમોમાં કરવામાં આવેલાં ફેરફારોને કારણે નથી ઊભા થયાં. ઊલટાનું આ મુદ્દો મુખ્યત્વે બેનિફિશ્યરી ઓઉનર્સ માટે રહેલી થ્રેશહોલ્ડ્સમીં ઊભો થયો છે. હકીકતમાં, 2014થી 2019 વચ્ચે થ્રેશહોલ્ડ્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એટલેકે નિયમને કડક બનાવાયો હતો. આ ઉપરાંત અગાઉ ક્યારેય એફપીઆઈમાં આર્થિક હિત ધરાવતાં દરેક વ્યક્તિ ઉપર છેલ્લાં નેચરલ પર્સનને ડિસ્ક્લોઝ કરવાની જરૂરિયાત ક્યારેય ઊભી થઈ નથી એમ સેબીએ નોંધ્યું છે.
સુપ્રીમકોર્ટે અદાણી ગ્રૂપ સામે હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં થયેલાં આક્ષેપોને ધ્યાનમાં રાખીને કોઈ નિયમનકારી ભંગ થયો હતો કે નહિ તેની ચકાસણી માટે એક્સપર્ટ પેનલની નિમણૂંક કરી હતી. હિંડેનબર્ગે અદાણી જૂથ પર પરિવારના સભ્યોનું નિયંત્રણ ધરાવતી ફોરેન ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓમાં શેર્સ પાર્ક કરાયા હોવાનું જણાવી પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોના ભંગનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમની પેનલે નોંધ્યું હતું કે સેબીએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટે ફાઈનલ બેનિફિશ્યરી ડિસ્ક્લોઝ કરવાની જરૂરિયાતના 2018ના નિયમને દૂર કરવામાં આવ્યો હતો.

કેલેન્ડરના પ્રથમ છ મહિનામાં PE ફ્લો 61 ટકા ગગડી 6.1 અબજ ડોલરે
2020 પછીનો સૌથી નીચો પ્રાઈવેટ ઈક્વિટી ઈનફ્લો નોંધાયો
2022માં ભારત સ્થિત પીઈ ફંડ્સે વિક્રમી 13.7 અબજ ડોલરનું ફંડ ઉભું કર્યું હતું
સંખ્યાની રીતે જોકે PE ડિલ્સમાં 53 ટકા ઉછાળો

વૈશ્વિક સ્તરે મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતાઓ અને જીઓપોલિટીકલ પડકારો વચ્ચે સખત ક્રેડિટ માર્કેટ્સની અસર પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સ પર જોવા મળી રહી છે. ભારતમાં કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિનામાં પીઈ ઈનફ્લો 61 ટકા ઘટી 6.1 અબજ ડોલર પર નોંધાયો છે એમ એક રિપોર્ટ સૂચવે છે. જે જાન્યુઆરી-જૂન 2020 પછીનો સૌથી નીચો છે.
લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપની સબસિડિયરી રેફિનિટીવે તૈયાર કરેલા ડેટા મુજબ ભારતમાં પીઈ ઈન્વેસ્ટમેન્ટ ત્રણ વર્ષોના તળિયે જોવા મળી રહ્યું છે. કંપની વૈશ્વિક સ્તરે અગ્રણી ફાઈનાન્સિયલ માર્કેટ્સ ડેટા અને ઈન્સાઈડ્સ પ્રોવાઈડર્સ છે. ફંડીંગ વિન્ટર છતાં સ્ટાર્ટ-અપ્સ સેગમેન્ટે પ્રાઈવેટ ઈક્વિટી કેપિટલનો સૌથી ઊંચો હિસ્સો આકર્ષવાનું ચાલુ રાખ્યું છે. જોકે, વાર્ષિક ધોરણે અંતિમ આંકડાની રીતે 69 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. બીજી બાજુ, વોલ્યુમ ટર્મ્સની રીતે પીઈ ડિલ્સમાં ગયા વર્ષના જુલાઈથી ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં 53 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તે 0.8 ટકા સુધારા સાથે 2.6 અબજ ડોલરે જોવા મળ્યો છે. કેલેન્ડર 2022માં ભારત સ્થિત પીઈ ફંડ્સ તરફથી વિક્રમી 13.7 અબજ ડોલરના ફંડ રેઈઝીંગને જોતાં નોંધપાત્ર મૂડીનું રોકાણ થવાનું હજુ બાકી છે. 2023ના પ્રથમ છ મહિનામાં મહત્તમ પીઈ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં ઈન્ટરનેટ-સ્પેસિફિક કંપનીઓનો સમાવેશ થતો હતો. જેમાં કોમ્યુટર સોફ્ટવેર અને યુટિલિટીઝ કંપનીઓ સામેલ હતી. તેમણે 2.04 અબજ ડોલરનું પીઈ રોકાણ નોંધાવ્યું હતું. મૂલ્યના સંદર્ભમાં ઈનફ્લો 68.8 ટકા જેટલો ઘટ્યો હતો. જ્યારે સોદાઓની સંખ્યા વર્ષ અગાઉના 262 પરથી ઘટી 188 પર જોવા મળી હતી. પરિણામે, કોમ્પ્યુટર સોફ્ટવેર સેગમેન્ટે વાર્ષિક ધોરણે 80.8 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારપછી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં 48.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરમાં 83.2 ટકાનો ઊંચો ઘટાડો નોંધાયો હતો. જ્યારે કન્ઝ્યૂમર-સંબિધિત કંપનીઓના ફંડીંગમાં 80.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ઈન્ડસ્ટ્રીઅલ-એનર્જી સેક્ટરનો ઈનફ્લો 354 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. દરમિયાનમાં, સ્થાનિક પીઈ ફંડ્સનો ઈનફ્લો 2.7 ટકા ઘટી 2.63 અબજ ડોલર પર રહ્યો હતો. ટોચના 10 પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સમાં યુટિલિટી પ્લેયર આવાડા વેન્ચર્સના એક અબજ ડોલરનો સમાવેશ થતો હતો.

કોર્પોરેટ રાઉન્ડ અપ

સરકારનો બાઈજુસના એકાઉન્ટની તપાસ માટે આદેશ
કેન્દ્રિય કોર્પોરેટ બાબતોના વિભાગે દેશની ટોચની એડ્યૂટેક કંપની બાઈજૂસના એકાઉન્ટની તપાસ માટે આદેશ આપ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી કંપનીને લઈને જોવા મળી રહેલી વિવિધ પ્રકારની ચર્ચાઓને ધ્યાનમાં રાખી સરકારે આમ કર્યું છે. કંપનીના ઓડિટર તથા ત્રણ બોર્ડ મેમ્બર્સે ગયા મહિને રાજીનામુ આપ્યું હતું. કોર્પોરેટ બાબતોના વિભાગે છ સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળોનું કહેવું છે. ઈન્સ્પેક્શનમાં કંપનીની સ્થિતિનું આંતરિક મૂલ્યાંકનનો સમાવેશ થશે. ઈન્સ્પેક્શનને આધારે સરકાર આગળ વધુ કાર્યવાહની જરૂર છે કેમ તે અંગે નિર્ણય લેશે. જેમાં કોઈ ફ્રોડ સંબંધી તપાસનો સમાવેશ થતો હશે. સરકારી તપાસ બાઈજુસ માટે એક નવી મુશ્કેલી બની રહેશે એમ વર્તુળોનું કહેવું છે. કેમકે કંપની એકથી વધારે સમસ્યાઓનો સામનો કરી રહી છે.

સાયન્ટ DLMમાં બીજા સત્રમાં 17 ટકા ઉછાળો
કેલેન્ડર 2023ના બીજા બમ્પર લિસ્ટીંગ એવા સાયન્ટ ડીએલએમમાં લિસ્ટીંગના બીજા દિવસે વધુ 17 ટકા ઉછાળો નોંધાયો હતો અને શેર રૂ. 72.60 ટકા ઉછળી રૂ. 493.20ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ કંપનીનો શેર રૂ. 265ના ઓફર પ્રાઈસ સામે રૂ. 227નું રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3911 કરોડ પર જોવા મળતું હતું. ગયા સપ્તાહે આઈડિયા ફોર્જના બમ્પર લિસ્ટીંગ પછી સાયન્ટ ડીએલએમે પણ 50 ટકાથી વધુ પ્રિમીયમ સાથે લિસ્ટીંગ નોંધાવ્યું હતું. બંને આઈપીઓએ ગ્રે-માર્કેટ પ્રિમીયમ કરતાં પણ સારુ લિસ્ટીંગ નોંધાવી આઈપીઓ માર્કેટને ફરીથી ગરમ બનાવ્યું છે. આગામી મહિનાઓમાં રૂ. 30000 કરોડથી વધુની રકમના આઈપીઓ બજારમાં પ્રવેશવા તૈયાર બન્યાં છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

આઈટીસીઃ કંપનીના એફએમસીજી બિઝનેસે કન્ઝ્યૂમર એડ સ્પેન્ડમાં વાર્ષિક ધોરણે 21 ટકા વૃદ્ધિ દર્શાવી છે. કંપનીએ જાહેરાત પાછળ કુલ રૂ. 29000 કરોડ ખર્ચ્યાં છે એમ વાર્ષિક અહેવાલમાં નોંધ્યું છે. કંપની કુલ 25 બ્રાન્ડ્સ ધરાવે છે. કંપની ભારતભરમાં 23 કરોડ પરિવારો સુધી પહોંચી શકી હતી. કંપનીએ ઓર્ગેનિક રીતે 25 જેટલી વિશ્વ કક્ષાની ભારતીય બ્રાન્ડ્સ ઊભી કરી છે.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રેલીગેર એન્ટરપ્રાઈઝિસ કેસમાં સાત કંપનીઓને ડિમાન્ડ નોટિસ પાઠવી છે. તેમને 15-દિવસોની અંદર રૂ. 4.3 કરોડ જમા કરાવવા જણાવ્યું છે. સેબીએ રેલીગેર ફિનવેસ્ટમાંથી ફંડ ડાયવર્ઝન સંબંધી કેસમાં આમ કર્યું છે. જે સાત કંપનીઓને નોટિસ પાઠવાઈ છે તેમાં તૌરસ બિલ્ડકોન, આર્ટિફાઈસ પ્રોપર્ટીઝ, રોસેસ્ટાર માર્કેટિંગ, ઓસ્કાર ઈન્વેસ્ટમેન્ટ્સ, એડ એડવર્ટાઈઝિંગ, ઝોલ્ટોન પ્રોપર્ટીઝ અને સૌભાગ્ય બિલ્ડકોનનો સમાવેશ થાય છે.
શ્રી સિમેન્ટઃ કોલકોત્તા સ્થિત કંપની સામે કોર્પોરેટ બાબતોના વિભાગે ઈન્સ્પેક્શન માટે આદેશ આપ્યો છે. કંપની તરફથી અયોગ્ય ઈન્કમ ટેક્સ ફાઈલીંગ્સના અહેવાલોને ધ્યાનમાં રાખી સરકારે આમ કર્યું છે. રાજસ્થાન ખાતે શ્રી સિમન્ટના પાંચ લોકેશન્સ ખાતે આઈટી ડિપાર્ટમેન્ટના સર્વે પછી આ આદેશ આપવામાં આવ્યો છે.
સનોફી ઈન્ડિયાઃ ફાર્મા કંપનીએ એટોપિક ડર્મેટાઈટીસની સારવાર માટેની દવા માટે મંજૂરી મેળવી છે. કંપનીના જણાવ્યા મુજબ પુખ્ત વયના લોકોમાં મધ્યમથી તીવ્ર એટોપિક ડર્મેટાઈટિસની સારવાર માટેની ડૂપિક્ઝેન્ટ પ્રથમ બાયોલોજિક મેડિસીન છે. આ પ્રકારના ડિસિઝમાં શરીર પર ચકામા ઉપરાંત ચામડીમાં સૂકારો, લાલાશ જોવા મળે છે.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે જણાવ્યું છે કે તે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન 4.8 લાખ સીએનજી અને હાઈબ્રીડ વેહીકલ્સનું વેચાણ કરશે. હાલમાં કંપની ગ્રાન્ડ વિટારા અને ઈન્વિક્ટો નામે બે હાઈબ્રીડ વેહીકલ ધરાવે છે. કંપનીના ડિઝલ વાહનોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હાઈબ્રીડ અને સીએનજી વાહનોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. 2022-23માં તેણે 3.28 લાખ સીએનજી વેહીકલ્સનું વેચાણ કર્યું હતું.
જેકે ટાયરઃ કંપની આગામી બે વર્ષોમાં રૂ. 1100 કરોડના ક્ષમતા વિસ્તરણ માટે વિચારી રહી છે. કંપની રૂ. 1100 કરોડના ખર્ચે કાવેન્ડિશ ખાતે ટ્રક બિઝનેસ રેડિઅલ્સની ક્ષમતામાં જ્યારે બામમોરે પ્લાન્ટમાં પેસેન્જર કાર રેડીઅલ્સનું વિસ્તરણ કરશે. કંપની 2023-24માં આવકમાં 9-10 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે.
ઓઈલ બ્લોક બિડીંગઃ જાહેર ક્ષેત્રની ઓએનજીસી, અનિલ અગ્રવાલની વેદાંતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા બીપીના કોન્સોર્ટિયમે 10 વિસ્તારોમાં ઓઈલ અને નેચરલ ગેસ માટે 13 બીડ્સ કર્યાં છે એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સે જણાવ્યું છે. 10 બ્લોક્સમાંથી સાત બ્લોક્સ માટે સીંગલ બીડ્સ મળ્યાં છે. જ્યારે અન્ય ત્રણ બ્લોક્સ માટે દરેકમાં બે બીડર્સ જોવા મળી રહ્યાં છે.
એપીએલ એપોલોઃ સ્ટીલ પાઈપ્સ ઉત્પાદક કંપનીને છત્તીસગઢ સરકારના સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ તરફથી રૂ. 500 કરોડના ફાઈનાન્સિયલ ઈન્સેન્ટિવ્સ માટેની મંજૂરી આપવામાં આવી છે.
કાર ટ્રેડઃ કંપનીએ ઓએલએક્સ ઈન્ડિયાના ઓટોમોટીવ બિઝનેસ ધરાવતી સોબેક ઓટો ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. કંપની રૂ. 537 કરોડના સંપૂર્ણપણે કેશ ડીલમાં આ હિસ્સો ખરીદશે. આ ડીલ 21-30 દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage