શેરબજારમાં ઊંચા મથાળે ડિસ્ટ્રીબ્યુશનના સંકેતો
નિફ્ટી 18300 પર ટકી શક્યો નહિ
ઈન્ડિયા વિક્સ એક ટકો વધી 13.21ના સ્તરે બંધ
ઓટો, એફએમસીજી સૂચકાંકો નવી ટોચે
ફાર્મા, મેટલ, ઈન્ફ્રામાં નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં સાર્વત્રિક સુધારો
ચોલા ફીન, ત્રિવેણી ટર્બાઈન, સિમેન્સ નવી ટોચે
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજાર પણ કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન બે બાજુની વધ-ઘટ વચ્ચે બજાર સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 36 પોઈન્ટ્સ ઘટી 61905ની સપાટીએ જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ્સ ગગડી 18297ની સપાટીએ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ જોકે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3632 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1942 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં જ્યારે 1553 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. 140 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.99 ટકા મજબૂતી સાથે 13.21ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. અગાઉના 18315ના બંધ સામે બેન્ચમાર્ક 18358ની ટોચ પર ખૂલી ઉપરમાં 18390ની ટોચ દર્શાવી 18270ના તળિયા પર ટ્રેડ થયો હતો અને 18300 પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 59 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18356ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 28 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ માર્કેટમાં કોન્સોલિડેશન વચ્ચે લોંગ પોઝીશનમાં વૃદ્ધિ થઈ છે અને આગામી સત્રોમાં બજાર વધુ મજબૂતી દર્શાવી શકે છે. જોકે, ટ્રેડર્સ વર્તમાન તેજીથી કન્વિન્સ નથી અને શંકા સેવી રહ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ બીજી બાજુ વધુ સુધારો જોઈ રહ્યાં છે. તેમના મતે 18200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. માર્કેટ 18500ની સપાટી દર્શાવે ત્યારપછી જ તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા અગ્રણી કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એશિયન પેઈન્ટ્સ, એચયૂએલ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી, એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સમાં 7 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત લાર્સન, હિંદાલ્કો, ડિવિઝ લેબ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી અને ભારતી એરટેલમાં પણ નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો અને એફએમસીજીમાં ખરીદી જળવાતાં બંને સૂચકાંકો સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ નવી ટોચે બંધ પણ રહ્યાં હતાં. બીજી બાજુ ફાર્મા, મેટલ, ઈન્ફ્રામાં નરમાઈ જોવા મળી હતી. ફાર્મા ઈન્ડેક્સ 1.26 ટકા ગગડ્યો હતો. જેમાં ડો. રેડ્ડીઝ લેબ્સનું યોગદાન મુખ્ય હતું. આ ઉપરાંત ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા પણ નરમાઈ દર્શાવતાં હતાં. માત્ર લ્યુપિન અને સન ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. ઓટો કાઉન્ટર્સમાં અમર રાજા બેટરીઝ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, મારુતિ સુઝુકી અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝમાં મજબૂતી જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો વોડાફોન આઈડિયા 6 ટકા સાથે સૌથી વધુ વૃદ્ધિ દર્શાવતો હતો. આ ઉપરાંત ગુજરાત ગેસ, એસબીઆઈ કાર્ડ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, જીએનએફસી, એશિયન પેઈન્ટ્સ, યુનાઈટેડ બ્રુઅરિઝ, ડેલ્ટા કોર્પ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, જેકે સિમેન્ટ, પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ડો. રેડ્ડીઝ લેબ્સ 7 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત લાર્સન, એબી કેપિટલ, હિંદાલ્કો, લૌરસ લેબ્સ, મેટ્રોપોલીસ, ડિવીઝ લેબ્સ, આઈજીએલ અને આલ્કેમ લેબ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં રત્નમણિ મેટલ્સ, ચોલા ફીન હોલ્ડ, સુપ્રાજિત એન્જી, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી ટર્બાઈન, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, સિમેન્સ, ગ્લેનમાર્ક, ઈન્ટરગ્લોબ એવિએશન અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો.
સોફ્ટ બેંકે 12 કરોડ ડોલરમાં પેટીએમનો 2 ટકા હિસ્સો વેચ્યો
સેબીના ટેકઓવર કોડના પાલન માટે હિસ્સો વેચનાર બેંક પાસે હજુ પેટીએમનો 11.17 ટકા હિસ્સો
જાપાની ઈન્વેસ્ટર સોફ્ટબેંકે સ્ટોક એક્સચેન્જિસને એક ફાઈલીંગમાં જણાવ્યું છે કે તેણે પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશન્સમાં 2 ટકાથી સહેજ વધુ હિસ્સાનું વેચાણ કર્યું છે. તેને માર્કેટ રેગ્યુલેટર સેબીના ટેકઓવર રેગ્યુલેશન્સના પાલન માટે આમ કરવું પડ્યું છે. એક્સચેન્જિસના ડેટા મુજબ સોફ્ટબેંકની પાંખ એસવીએફ ઈન્ડિયા હોલ્ડિંગ્સે(કેમેન) 10 ફેબ્રુઆરી 2023થી 8 મે 2023 સુધીમાં કંપનીના 1,31,03,148 શેર્સનું વેચાણ કર્યું હતું. જે કુલ શેરહોલ્ડિંગના 2.07 ટકા જેટલો હતો.
વર્તુળોના જણાવ્યા મુજબ સોફ્ટબેંકે આ હિસ્સા વેચાણમાંથી લગભગ 12 કરોડ ડોલર(રૂ. 990 કરોડ) મેળવ્યાં હતાં. આ હિસ્સો વેચ્યાં પછી પણ સોફ્ટબેંક પાસે પેટીએમમાં 11.17 ટકા હિસ્સો રહેશે. જે લગભગ 7 કરોડ શેર્સથી વધુ થવા જાય છે. સોફ્ટબેંક તરફથી જોકે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો. અગાઉ નવેમ્બર 2022માં પણ સોફ્ટબેંકે પેટીએમમાં 4.5 ટકા હિસ્સાનું વેચાણ કરી રૂ. 1631 કરોડ ઊભા કર્યાં હતાં. માધ્યમોના અહેવાલ મુજબ પેટીએમમાં એક અન્ય શેરધારક એવું એન્ટ ગ્રૂપ પણ ફિનટેક કંપનીમાં તેના હિસ્સાનું વેચાણ કરવા ઈચ્છે છે. સોફ્ટબેંકે 2017ના આખરી ક્વાર્ટરમાં પેટીએમમાં 1.6 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જ્યારે આઈપીઓના સમયે તેણે 22 કરોડ ડોલરના શેર્સ ઓફલોડ કર્યાં હતાં. તાજેતરમાં સોફ્ટબેંકે પોલિસીબઝારની માલિક કંપની પીબી ફિનટેકમાં લગભગ 5 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. સોફ્ટબેંક છેલ્લાં કેટલાંક મહિનાઓથી તેના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર ડિસઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે.
અદાણી જૂથની ફરીથી શેરબજારમાં પ્રવેશી ફંડ ઊભું કરવાની વિચારણા
અદાણી એન્ટરપ્રાઈઝ ઉપરાંત જૂથની અન્ય બે કંપનીઓ શેર્સ અથવા અન્ય સિક્યૂરિટીઝ વેચી શકે છે
જાન્યુઆરીમાં હિંડેનબર્ગ રિપોર્ટ પછી એફપીઓ ભરાઈ જવા છતાં કંપનીએ તેને મુલત્વી રાખ્યો હતો
કંપની 13 મેના રોજ શેર્સના વેચાણ અંગે વિચારણા માટે બેઠક યોજશે
યુએસ શોર્ટસેલર હિંડેનબર્ગ તરફથી ગેરરિતીના આક્ષેપોને હજુ ચાર મહિના પૂરા નથી થયા ત્યારે બિલિયોનર ગૌતમ અદાણી ફરીવાર ઈક્વિટી માર્કેટ્સમાં પ્રવેશવાનું વિચારી રહ્યાં છે. જે રોકાણકારોમાં જૂથને લઈને વિશ્વાસના પરિક્ષણ માટે મહત્વની ઘટના બની રહેશે.
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અન્ય બે જૂથ કંપનીઓએ શેર્સ અથવા અન્ય સિક્યૂરિટીઝના વેચાણ મારફતે ફંડ્સ ઊભું કરવા માટે 13 મેના રોજ બેઠકનું આયોજન કર્યું છે. જોકે, તેઓ કેટલાં નાણા ઊભા કરવા માગે છે તે અંગે કોઈ ખુલાસો નથી કર્યો. તેમજ તેઓ કોની સાથે આ માટે ડિલ કરી રહ્યાં છે તે અંગે પણ કશું જણાવ્યું નથી. જોકે, આ અહેવાલ પાછળ ગુરુવારે શેરબજારમાં અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 2-4 ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો. અદાણી પરિવારે માર્ચમાં યુએસ ઈન્વેસ્ટમેન્ટ કંપની જીક્યૂજી પાર્ટનર્સને જૂથની ચાર લિસ્ટેડ કંપનીઓના શેર્સ વેચી 1.9 અબજ ડોલર ઊભાં કર્યાં હતાં. હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી જૂથની કોઈ મુખ્ય કંપનીએ ઈક્વિટી માર્કેટમાં પ્રવેશ નથી કર્યો. હિંડેનબર્ગના આક્ષેપો પાછળ અદાણી જૂથ કંપનીઓના માર્કેટ-કેપમાં 150 અબજ ડોલરનું ધોવાણ જોવાયું હતું. જોકે, ફેબ્રુઆરીથી શેર્સમાં કેટલુંક બાઉન્સ જોવા મળ્યું હતું. આમ છતાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર તેની 2022ની ટોચના સ્તરેથી હજુ પણ 50 ટકા ભાવે જોવા મળી રહ્યો છે.
એક સ્વતંત્ર ઈક્વિટી એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ અદાણી જૂથ કંપનીને કેશની જરૂર હોય તેમ જણાય છે. આ વખતે જોકે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10-15 ટકાની રેંજમાં ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી શકે છે. તો જ રોકાણકારો સબસ્ક્રિપ્શન માટે તૈયાર થશે. જોકે, ઓફર સાઈઝ પણ મહત્વની બની રહેશે એમ તે ઉમેરે છે. જો જૂથ શેર વેચાણ મારફતે ફંડ ઊભું કરવામાં સફળ રહેશે તો કટોકટીમાંથી ધીરે-ધીરે બહાર આવવામાં સરળતા રહેશે. જોકે, મોટાભાગનો આધાર ડિલની શરતો અને કયા રોકાણકારો ભાગ લે છે તેના પર રહેશે. ભારતીય શેરબજારમાં પ્રભાવી સુધારા પાછળ જૂથ ફરીથી બજારમાં પ્રવેશવા વિચારી રહ્યું છે એમ જણાય છે. બેન્ચમાર્ક નિફ્ટી માર્ચ મહિનાના તેના તળિયાના લેવલથી 8 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો સતત ત્રીજા મહિને નેટ ઈનફ્લો દર્શાવી રહ્યાં છે. અદાણીના શેર્સમાં ખરીદી માટે તૈયાર હોય તેવા ખરીદારોમાં અબુ ધાબી સ્થિત ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ કંપની હોય શકે છે. તેણે જાન્યુઆરીમાં ફોલો-ઓન સેલમાં મોટું રોકાણ કમિટ કર્યું હતું. આ ઉપરાંત જીક્યુજી પણ ઓફરમાં ભાગ લઈ શકે છે. તેણે પણ જૂથમાં રૂ. 15000 કરોડનું એક તબક્કામાં રોકાણ કર્યું હતું. આ અહેવાલ પછી અદાણી જૂથના શેર્સ ઉપરાંત બોન્ડ્સમાં પણ મજબૂતી જોવા મળી હતી.
લાર્સન એન્ડ ટુબ્રો EV પર ભાર આપી ઝડપી ગ્રોથના માર્ગે આગળ વધશે
કંપનીની પેટાકંપની એલએન્ડટી ટેક્નોલોજીનો આગામી બે વર્ષોમાં 1.5 અબજ ડોલરના રન-રેટથી રેવન્યૂ મેળવવાનો ટાર્ગેટ
ટોચની એન્જિનીયરીંગ સર્વિસિઝ કંપની લાર્સન એન્ડ ટુબ્રોની પાંખ સેલ્ફ-ડ્રાઈવીંગ અને ઈલેક્ટ્રીક વેહીકલ ટેક્નોલોજીસમાં તેના રોકાણમાં વૃદ્ધિ કરી રહી છે. વૈશ્વિક ઉત્પાદકોમાં પ્રવર્તી રહેલી કુશળતાના સ્રોત તરીકે ભારતની અપીલનો ઉપયોગ કરી કંપની આ ક્ષેત્રે વિસ્તરણ માટે વિચારી રહી છે.
જેના ગ્રાહકોમાં બીએમડબલ્યુ એજી અને એરબસ એસઈનો સમાવેશ થાય છે તે એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિઝે માર્ચમાં પૂરા થયેલાં વર્ષ દરમિયાન એક અબજ ડોલરની રેવન્યૂ દર્શાવ્યાં પછી ગ્રોથને વેગીલો બનાવવાનું વિચાર્યું છે એમ સીઈઓ અમીત ચઢ્ઢા જણાવે છે. દેશના સૌથી મોટા કન્સ્ટ્રક્શન કોંગ્લોમેરટની સબસિડિયરી કંની આગામી બે વર્ષમાં 1.5 અબજ ડોલરના રેવન્યૂ રન-રેટની ગણતરી મૂકી રહી છે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષોમાં વેહીકલ ઉત્પાદકોની નજીક જવા માટે ભારતના બેંગલૂરું ઉપરાંત મ્યુનિક અને ઈલિનોઈસમાં પેઓરિયા ખાતે ઓટોનોમસ અને ઈવી ટેક્નોલોજિસ માટે ડિઝાઈન અને એન્જીનીયરીંગ સુવિધાઓની સ્થાપના કરી છે. કંપનીના ટેક, ટેલિકોમ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગોમાં રહેલા ગ્રાહકો અર્થતંત્રમાં મંદી અને ઊંચા ફુગાવા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે ઓટો ક્ષેત્રે જૂની ટેક્નોલોજીમાંથી વધુ એન્વાર્ટમેન્ટ ફ્રેન્ડલી એવી નવી ટેક્નોલોજી તરફ જઈ રહેલાં નેક્સ્ટ-જનરેશન વેહીકલ ઉત્પાદકોને લાભ મળી રહ્યો છે. કંપનીના સીઈઓના જણાવ્યા મુજબ કંપનીનો નોંધપાત્ર ગ્રોથ હાલમાં ઈવી ઓટોનોમસ વેહીકલમાંથી આવી રહ્યો છે. તેમાં માત્ર કાર્સનો જ સમાવેશ નથી થતો પરંતુ બસ, ટ્રક અને હાઈબ્રીડ એરક્રાફ્ટ્સ પણ સામેલ છે. કંપનીએ ગ્રાહકોને વધુ કાર્યદક્ષ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને ઈવી ચાર્જર્સ માટે સ્પેશ્યાલાઈઝ્ડ એન્જિનીયર્સની નિમણૂંક પણ વધારી દીધી છે. ઉપરાંત તેણે ઓટોનોમસ વેહીકલ્સને રોડ પર રહેલી ચીજ-વસ્તુઓની ઓળખ માટે સ્વયં ખ્યાલ આવે તે માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ્સ પણ વિકસાવી રહી છે.
આર્થિક ચિંતા વચ્ચે માઈક્રોસોફ્ટે ફૂલ-ટાઈમ વર્કર્સની વેતન વૃદ્ધિ અટકાવી
જોકે કંપનીની અવરલી વર્કર્સના વેતનમાં વૃદ્ધિ કરવા વિચારણા
કંપની બોનસ અને સ્ટોક એવોર્ડ પ્રોગ્રામ જાળવી રાખશે
માઈક્રોસોફ્ટ કોર્પોરેશને મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતતાને જોતાં ચાલુ વર્ષે ફૂલ-ટાઈમ વર્કર્સની વેતન વૃદ્ધિ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે તે વર્તમાન આર્થિક ચિંતા વચ્ચે આમ કરનાર એક વધુ યુએસ ટેક જાયન્ટ બની છે.
કંપનીના સીઈઓ સત્ય નાડેલાએ એક ઈન્ટરનલ મેમોમાં જણાવ્યું છે કે કંપની માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના મહત્વના પ્લેટફોર્મ શિફ્ટ તરફ ઈન્વેસ્ટ કરવા માટે આમ કરવું જરૂરી બન્યું હતું. માઈક્રોસોફ્ટે 2022માં વેતનમાં વૃદ્ધિ કરી હતી એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, કંપની ચાલુ વર્ષ માટે અવરલી વર્કર્સના વેતન દરોમાં વૃદ્ધિ માટે વિચારી રહી છે. તેમજ ઓવરફંડીંગ વિના બોનસ અને સ્ટોક એવોર્ડ પ્રોગ્રામ પણ જાળવી રાખશે એમ નાડેલાએ વધુ વિગતો આપ્યાં વિના જણાવ્યું હતું. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક કંપની તરીકે તેમના માટે ડાયનેમિક ઈકોનોમિક એન્વાર્યમેન્ટ તથા મહત્વના પ્લેટફોર્મ શિફ્ટની વચ્ચે કર્મચારીઓમાં કેવી રીતે રોકાણ કરવું તેની વચ્ચે સંતુલન જરુરી બની જાય છે. અગાઉ એક મિડિયા રિપોર્ટમાં કંપની વેતન વૃદ્ધિને અટકાવે તેવી અટકળો નોંધવામાં આવી હતી. ટેક્નોલોજી કંપનીઓએ સંભવિત આર્થિક મંદીને ધ્યાનમાં રાખી વૈશ્વિક સ્તરે તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. ચાલુ વર્ષે માઈક્રોસોફ્ટે હજારો જોબ્સમાં કાર મૂકવાની શરૂઆત કરી હતી અને મેટા પ્લેટફોર્મ્સ અને એમેઝોનડોટકોમ સાથે જોડાયું હતું. ગયા મહિને સોફ્ટવેર અગ્રણીએ અંદાજોથી સારું વેચાણ અને પ્રોફિટ દર્શાવ્યાં હતાં. કંપની હાલમાં એઆઈ પર મોટું બેટિંગ લગાવી રહી છે. જેમાં ઓપનએઆઈ અને બીંગ ઈન્ટરનેટ સર્ચ ચેટબોટમાં 10 અબજ ડોલરના નવા ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.
વેનગાર્ડે ઓલાનું વેલ્યૂએશન 35 ટકા ઘટાડી 4.8 અબજ ડોલર કર્યું
યુએસ રોકાણકાર રાઈડ કંપનીમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે
યુએસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની વેનગાર્ડ ગ્રૂપે રાઈડ કંપની ઓલાની પેરન્ટ એએનઆઈ ટેક્નોલોજીના વેલ્યૂએશનમાં તીવ્ર ઘટાડો કર્યો છે. એક ફાઈલીંગ મુજબ વેનગાર્ડે એએનઆઈનું વેલ્યૂએશન 35 ટકા ઘટાડી 4.8 અબજ ડોલર કર્યું છે. અગાઉ કંપનીનું વેલ્યૂએશન 7.4 અબજ ડોલર મૂકવામાં આવતું હતું.
વેનગાર્ડ ગ્રૂપ ફંડ્સ પાસે રહેલા ઓલાના શેર્સનું મૂલ્ય 31 ઓગસ્ટ, 2022માં પ્રતિ શેર 311.85 ડોલર પરથી ગગડી 28 ફેબ્રુઆરી, 2023ના રોજ 203.78 ડોલર આસપાસ જોવા મળતું હતું. યુએસ રેગ્યુલેટર સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન(એસઈસી)ને ફાઈલીંગમાં આમ જણાવાયું છે. ઓલામાં વેનગાર્ડ 0.7 ટકાનો સાધારણ હિસ્સો ધરાવતું હોવાનું નોંધવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021માં મોબિલિટી કંપનીએ કેટલાંક રોકાણકારો પાસેથી 13.9 કરોડ ડોલર ઊભાં કર્યાં હતાં. જેમાં આઈઆઈએફએલ, એડલવેઈસ અને સુનીલ મિત્તલની આગેવાની હેઠળની હીરો એન્ટરપ્રાઈઝનો સમાવેશ થતો હતો. તે વખતે ઓલાનું વેલ્યૂએશન 7.3 અબજ ડોલરનું જોવા મળતું હતું. વેનગાર્ડ તરફથી મૂલ્યાંકનમાં કરવામાં આવેલા ઘટાડા અંગે વેનગાર્ડ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે, વેનગાર્ડે બેંગલૂરુ સ્થિત કંપનીના મૂલ્યમાં ઘટાડો કર્યો હોય તેવું પ્રથમવાર નથી બન્યું. અગાઉ 2017માં પણ વેનગાડે ઓલાના વેલ્યૂએશનમાં 40 ટકા ઘટાડો કર્યો હતો અને 3 અબજ ડોલર કર્યું હતું. અગાઉ કંપનીએ નવેમ્બર 2015માં તેણે 5 અબજ ડોલરના વેલ્યૂએશન 50 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. પછીના મહિનાઓ દરમિયાન વેનગાર્ડે વેલ્યૂએશનમાં વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીએ ડિસેમ્બર 2019 અને જૂન 2020 વચ્ચે તેના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂમાં 45 ટકા ઘટાડો કર્યો હતો. જેની પાછળ ઓલાનું વેલ્યૂએશન 6 અબજ ડોલર પરથી ઘટાડી 3 અબજ ડોલર કર્યું હતું.
IT વિભાગની સર્ચ પાછળ મેનકાઈન્ડ ફાર્માનો શેર 5.5 ટકા પટકાયો
જોકે બજાર બંધ થયું ત્યારે શેર લગભગ ફ્લેટ બંધ જોવા મળ્યો
બે ટ્રેડિંગ સત્રો અગાઉ શેરબજારમાં લિસ્ટીંગ પામેલા મેનકાઈન્ડ ફાર્માના શેરમાં ગુરુવારે માર્કેટ ઓપનીંગ વખતે 5.5 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ફાર્મા કંપનીની દિલ્હી ઓફિસ ખાતે સર્ચના અહેવાલ પાછળ શેરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે કામકાજની આખરમાં કંપનીનો શેર માત્ર રૂ. 2.45ના નજીવા ઘટાડા સાથે બંધ દર્શાવતો હતો. 9 મેના મેનકાઈન્ડ ફાર્માનો શેર 32 ટકા પ્રિમીયમે બંધ જોવા મળ્યો હતો. રૂ. 1080ની ઓફર પ્રાઈસ સામે કંપનીનો શેર રૂ. 1422ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીની ઓફરમાં જોકે રિટેલ રોકાણકારોએ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નહોતો અને ભરણુ 92 ટકા જેટલું જ સબસ્ક્રિપ્શન દર્શાવતું હતું. જ્યારે ક્યૂઆઈબી હિસ્સો 49 ગણો છલકાયો હતો. જેને કારણે આઈપીઓનું ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું અને કંપની માર્કેટ-કેપની રીતે પાંચમા ક્રમની ફાર્મા કંપની બની હતી.
અશ્નિર ગ્રોવર સામે આર્થિક ગુના શાખાએ ફાઈલ કરેલી FIR
ફિનટેક યુનિકોર્ન ભારતપે તરફથી કરવામાં આવેલી ફરિયાદને આધારે ઈકોનોમિક ઓફેન્સિસ વિંગે કંપનીના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નિર ગ્રોવર, તેમના પત્નિ માધુરી ગ્રોવર અને પરિવારના અન્ય બે સભ્યો સામે એફઆઈઆર દાખલ કરી છે. તેમની સામે આંઠ ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખી એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે. જો તેઓ દોષી સાબિત થશે તો ગ્રોવર અને માધુરી ગ્રોવર તથા અન્યોને 10 વર્ષની આજીવન કેદની સજા થઈ શકે છે. ઈઓડબલ્યુ હવે તમામ આરોપીઓની ધરપકડની સત્તા ધરાવે છે. કંપની છેલ્લાં 15-મહિનાઓથી ગ્રોવર તરફથી બદઈરાદાપૂર્વકના અભિયાનનો સામનો કરી રહી છે એમ ભારતપેના પ્રવક્તાએ જણાવ્યું હતું. કંપનીએ ગ્રોવર અને પરિવારના અન્ય સભ્યો તરથી રૂ. 88 કરોડની નુકસાનીનો પણ દાવો કર્યો છે.
2023-24માં કમર્સિયલ વેહીકલના વોલ્યુમમાં 7-10 ટકા વૃદ્ધિની અપેક્ષા
સ્થાનિક બજારમાં કમર્સિયલ વેહીકલ ઉદ્યોગના વેચાણમાં 7-10 ટકા વૃદ્ધિની અપેક્ષા હોવાનું રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટમાં જણાવાયું છે. ઊંચી રિપ્લેસમેન્ટ માગ, માઈનીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનની કામગીરીમાં સુધારા જેવા પરિબળો પાછળ આમ જોવા મળશે એમ રિપોર્ટ નોંધે છે. એપ્રિલ 2023માં વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 5 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 41 ટકાના ઘટાડા છતાં રિપોર્ટ પોઝીટીવ અપેક્ષા રાખી રહ્યો છે. તેના મુજબ 2023-24માં પણ 2022-23ની જેમ મજબૂત માગ જળવાય રહેશે. 2022-23માં ઉદ્યોગ વોલ્યુમમાં 33 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ અગાઉના વર્ષનો નીચો બેઝ જવાબદાર હતો. સાથે મેક્રોઈકોનોમિક કામગીરીમાં સુધારાએ પણ ભાગ ભજવ્યો હતો.
સોફ્ટબેંકના વિઝન ફંડે 32 અબજ ડોલરની વિક્રમી ખોટ દર્શાવી
સોફ્ટબેંક ગ્રૂપ કોર્પના વિઝન ફંડે 2022-23માં 32 અબજ ડોલર(4.3 ટ્રિલીયન જાપાનીઝ યેન)ની વિક્રમી ખોટ દર્શાવી હતી. વિશ્વભરમાં ટેક્નોલોજી કંપનીઓના વેલ્યૂએશન્સમાં તીવ્ર ઘટાડાને પગલે તેણે ખોટ નોંધાવી હતી. સતત બીજા વર્ષે જાપાનીઝ કોન્ગ્લોમેરટે ખોટ ખમવાનું બન્યું હતું. સોફ્ટ બેંકે 2022-23માં 7.2 અબજ ડોલરની ખોટ દર્શાવી હતી. વિઝન ફંડે 2021-22માં 12.6 અબજ ડોલરની ખોટ નોંધાવી હતી. ચોથા ક્વાર્ટર માટે વિઝન ફંડે પ્રમાણમાં નાની એવી 2 અબજ ડોલરની જ ખોટ દર્શાવી હતી. જેનું કારણ વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી શેર્સમાં સુધારો જવાબદાર હતો. સોફ્ટબેંકની લિસ્ટેડ પોર્ટફોલિયો કંપનીઓની વેલ્યૂ 31 ડિસેમ્બર 2022ના રોજ 23.8 અબજ ડોલર પરથી વધી માર્ચ ક્વાર્ટરની આખરમાં 24.9 અબજ ડોલર પર જોવા મળી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની એન્જિનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3987 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 3620.69 કરોડના પ્રોફિટ સામે 10.11 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 52851 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 10.4 ટકા વધી રૂ. 58,335 કરોડ ર જોવા મળી હતી. કંપનીનો એબિટા 8 ટકા વધી રૂ. 7574 કરોડ પર રહ્યો હતો.
ગુજરાત ગેસઃ સિટી ગેસ સહિતનું વેચાણ કરતી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 370.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 444.4 કરોડના નફા સામે 17 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4773 કરોડની સરખામણીમાં 16 ટકા ગગડી રૂ. 4074 કરોડ પર જોવા મળી હતી.
ડો.રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 960 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 97 કરોડના નફા સામે 900 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5475 કરોડની સરખામમીમાં 15.35 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 6315 કરોડ પર રહ્યું હતું.
માસ ફાઈનાન્સઃ એનબીએફસી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 55.55 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 45 કરોડની સામે 23 ટકા ઊંચો છે. કંપનીની આવક 47 ટકા વધી રૂ. 270 કરોડ રહી હતી. જ્યારે એબિટા 17 ટકા વધી રૂ. 70.41 કરોડ રહ્યો હતો. કંપનીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ 30 ટકા વધી રૂ. 8092.56 કરોડ પર રહ્યું હતું. જેમાં એમએસએમઈ લોનનો હિસ્સો રૂ. 3814 કરોડ પર જોવા મળતો હતો.
સનોફીઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 190 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 238 કરોડના નફા સામે 15 ટકા આસપાસ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 707 કરોડ સામે 4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 736 કરોડ પર જોવા મળી હતી.
ગોદરેજ કન્ઝ્યૂમરઃ એફએમસીજી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 452 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 363 કરોડના નફા સામે 20 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2916 કરોડ પરથી વધી રૂ. 3200 કરોડ પર જોવા મળી હતી.