બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી સાથે સપ્તાહની સમાપ્તિ
યુએસ ખાતે CPI ડેટાએ રાહત આપવા છતાં ડોલર મજબૂત
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી સાથે 11.52ના સ્તરે
પીએસયૂ બેંક્સ સિવાય સમગ્રતયા નરમાઈ
કલ્યાણ જ્વેલર, હિંદ કોપર, સુપ્રીમ ઈન્ડ, મોતીલાલ ઓસ્વાલ નવી ટોચે
યુએસ ખાતે જુલાઈ માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ અપેક્ષા કરતાં નીચો આવતાં રોકાણકારોને રાહત સાંપડવા છતાં વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનું મોટું ફરી વળ્યું હતું. જેમાં એશિયન બજારો 2 ટકા સાથેનો ઘટાડો દર્શાવતાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ અડધા ટકા ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 365.53 પોઈન્ટ્સ ગગડી 65,322.65ની સપાટીએ જ્યારે નિફ્ટી 114.80 પોઈન્ટ્સ ઘટાડે 19,428.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં લાર્જ-કેપ્સ ઉપરાંત મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ વેચવાલી પાછળ બ્રેડ્થ નરમાઈ દર્શાવતી હતી. બીએસઈ ખાતે કુલ 3724 કાઉન્ટર્સનું ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જેમાંથી 2049 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1524 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 204 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી સાથે 11.52ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ ખાતે જુલાઈ માટેનો સીપીઆઈ ડેટા રજૂ થયો હતો. જે અપેક્ષાથી ઊંચો જોવા મળે તેમ માનવામાં આવતું હતું. જોકે, આશ્ચર્ય વચ્ચે તે નરમ જોવા મળ્યો હતો અને તેની પાછળ શરૂમાં ડોલરમાં નરમાઈ જોવા મળી હતી. જોકે, પાછળથી તે મજબૂત બન્યો હતો. જેની પાછળ શેરબજારોમાં સાર્વત્રિક ઘટાડો પ્રવર્તી રહ્યો હતો. એશિયન બજારો 2 ટકા જેટલો ઘટાડો સૂચવતાં હતાં. જે વચ્ચે શુક્રવારે ભારતીય બજારનું ઓપનીંગ સાધારણ પોઝીટીવ જોવા મળ્યું હતું. જોકે, બજાર ગ્રીન ઝોનમાં ટકી શક્યું નહોતું અને તરત જ રેડીશ બન્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 19543.10ના અગાઉના બંધ સામે નીચામાં 19,412,75ની સપાટીએ ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ તાજેતરમાં બીજીવાર 19500 નીચે બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 73 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19503ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 56 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સુધારો સૂચવતો હતો. આમ નીચા મથાળે લોંગ પોઝીશનમાં ઉમેરો નોંધાયો છે એમ માની શકાય. જે બજારમાં ઘટાડો અટકે તેવો સંકેત દર્શાવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 19300ની સપાટી તૂટે તો જ બજારમાં વધુ ઘટાડો સંભવ છે. અન્યથા તે 19400-19700ની રેંજમાં ટ્રેડ થતું જોવા મળે તેવી સંભાવના વધુ છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાઈટન કંપની, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, તાતા સ્ટીલ, ટીસીએસ અને એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, ડિવિઝ લેબ્સ, એસબીઆઈ લાઈફ, યૂપીએલ, એશિયન પેઈન્ટ્સ, તાતા કન્ઝ્યૂમર્સ, સન ફાર્મા, બીપીસીએલ, એચયૂએલ, હિંદાલ્કો, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ સિવાય તમામ સેક્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક 1.25 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી 13.6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક, જેકે બેંક, યૂકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પીએનબી, ઈન્ડિયન બેંક, યુનિયન બેંકમાં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. પ્રાઈવેટ બેંક્સ, મેટલ, આઈટી, ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 1.5 ટકા ગગડ્યો હતો. છેલ્લાં કેટલાંક સત્રોથી સતત નવી ટોચ દર્શાવતાં રહ્યાં પછી ફાર્મા શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોવાનું માર્કેટ વર્તુળોનું કહેવું હતું. ફાર્મા શેર્સમાં આલ્કેમ લેબ 8 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત બાયોકોન, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિન, સિપ્લામાં પણ નોઁધપાત્ર નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ પોણો ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં યુનાઈટેડ સ્પિરિટ્સ, પીએન્ડજી, તાતા કન્ઝ્યૂમર્સ, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, નેસ્લે, આઈટીસી, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યૂમર જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટીમાં એચસીએલ ટેક્નોલોજી 2 અબજ ડોલરના ઓર્ડર પાછળ 3.5 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ટીસીએસ પણ મજબૂતી સૂચવતાં હતાં. બીજી બાજુ વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એમ્ફેસિસમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો ઈન્ડિયા સિમેન્ટ્સ 5 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત આરઈસી, એચસીએલ ટેકનોલોજી, જિંદાલ સ્ટીલ, ભેલ, આઈઆરસીટીસી, કોફોર્જ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, પીએબી, પેજ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રીક, જીએમઆર એરપોર્ટ્સ, ઈન્ડુસ ટાવર્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ઈન્ડિયન હોટેલ્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બર્ગર પેઈન્ટ્સ, પાવર ગ્રીડમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, એપોલો ટાયર્સ, આલ્કેમ લેબ, ઈન્ફો એજ, ઝી એન્ટરટેઈનમેન્ટ, કેન ફિન હોમ્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, સીજી કન્ઝ્યૂમર, કન્ટેનર કોર્પોરેશન, સિન્જેન ઈન્ટરનેશનલ, લૌરસ લેબ્સ, જેકે સિમેન્ટ, મેક્સ ફાઈનાન્સિયલ, વેદાંત, શ્રીરામ ફાઈનાન્સમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કલ્યાણ જ્વેલર્સ, હિંદ કોપર, સીઈ ઈન્ફો સિસ્ટમ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ 3એમ ઈન્ડિયા, મોતીલાલ ઓસ્વાલ, શ્યામ મેટાલિક્સ, આરઈસી અને જિંદાલ સ્ટીલનો સમાવેશ થતો હતો.
સેન્ટ્રલ બેંક્સની ગોલ્ડ પાછળ દોટઃ જાન્યુ.થી જૂનમાં 387 ટન સોનું ખરીદ્યું
પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ 103 ટન ગોલ્ડ સાથે સૌથી ઊંચી ખરીદી દર્શાવી
સેન્ટ્રલ બેંક ઓફ તૂર્કિ સહિત કેટલીક સેન્ટ્રલ બેંકર્સે ગોલ્ડમાં વેચાણ નોંધાવ્યું
સેન્ટ્રલ બેંકર્સની ગોલ્ડની ભૂખ ઘટવાનું નામ નથી લેતી. કેલેન્ડર 2023ના શરૂઆતી છ મહિના દરમિયાન પણ તેમણે સોનાની વિક્રમી ખરીદી નોંધાવી છે. જેમાં અગ્રણી ઈમર્જિંગ અર્થતંત્રના સેન્ટ્રલ બેંકર્સનો સમાવેશ થાય છે. વિશ્વની સેન્ટ્રલ બેંક્સે ભેગા મળી જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધીમાં 387 ટન ગોલ્ડ ખરીદ્યું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ જણાવે છે. બેંકર્સ તરફથી ગોલ્ડની ખરીદી સતત જળવાય હોવાનું તે પ્રમાણ છે.
જો એપ્રિલથી જૂન ક્વાર્ટરની વાત કરીએ તો મધ્યસ્થ બેંકર્સ 103 ટન ગોલ્ડની ખરીદી દર્શાવી હતી. જે ત્રિમાસિક ધોરણે ખરીદીમાં 64 ટકાનો જ્યારે વાર્ષિક ધોરણે 35 ટકાનો ઘટાડો સૂચવે છે. જોકે ઓવર-ધ-કાઉન્ટર સિવાય ગોલ્ડની સમગ્રતયા માગમાં 6 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ ચાલુ વર્ષે ઈટીએફ્સ તરફથી જોવા મળેલો સાધારણ આઉટફ્લો જવાબદાર હતો. 2022માં ગોલ્ડ ઈટીએફ્સે મજબૂત ઈનફ્લો નોંધાવ્યો હતો. જો ઓટીસી માર્કેટ સાથે ગણીએ તો 2023ના પ્રથમ છ મહિનામાં ગોલ્ડની કુલ માગ 5 ટકા વધી 2,460 ટન પર નોંધાઈ હોવાનું કાઉન્સિલનો રિપોર્ટ જણાવે છે.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ ગોલ્ડની ખરીદી ઈમર્જિંગ માર્કેટ્સ સહિત વિકસિત દેશોમાં પણ જળવાય હતી. જોકે, જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં મધ્યસ્થ બેંકર્સની ગોલ્ડ ખરીદી નબળી પડી હતી. સેન્ટ્રલ બેંક ઓફ તૂર્કિ(ટીસીએમબી) નેટ સેલર બનવાને કારણે આમ જોવા મળ્યું હોવાનું રિપોર્ટ સૂચવે છે. તૂર્કિ ખાતે સ્થાનિક માર્કેટ ટાઈટ હોવાના કારણે ટીસીએમબીએ લોકલ માર્કેટમાં ગોલ્ડ વેચવું પડ્યું હતું. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા દેશે ગોલ્ડની આયાત પર આંશિક પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે સ્થાનિક ગોલ્ડની માગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.
જો વિવિધ સેન્ટ્રલ બેંકર્સની ગોલ્ડની ખરીદી પર નજર નાખીએ તો ચાઈનીઝ સેન્ટ્રલ બેંકર બેંક ઓફ ચાઈનાએ જાન્યુઆરીથી જૂનમાં 103 ટન ગોલ્ડ ખરીદ્યું હતું. તેણે સતત આઁઠમા મહિને ગોલ્ડની ખરીદી જાળવી હતી. જૂનની આખરમાં બેંક ઓફ ચાઈનાનું ગોલ્ડ રિઝર્વ 2,113 ટન પર પહોંચ્યું હતું. જે કુલ રિઝર્વના 4 ટકા જેટલું હતું. બીજા ક્રમે મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે 73 ટકા ગોલ્ડની ખરીદી કરી હતી. જ્યારે ત્રીજા ક્રમે નેશનલ બેંક ઓફ પોલેન્ડે 48 ટન સોનું ખરીદ્યું હતું. ભારતીય સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 10 ટન ગોલ્ડની ખરીદી સાથે છઠ્ઠા ક્રમે જોવા મળતી હતી. આ ઉપરાંત ઝેક રિપબ્લિક(8 ટન), ફિલિપિન્સ(4 ટન), ઈરાક(2 ટન), યુરોપિયન સેન્ટ્રલ બેંક(2 ટન), કતાર(2 ટન) ગોલ્ડની ખરીદી દર્શાવતાં હતાં. બીજી બાજુ ગોલ્ડ સેલર્સમાં તૂર્કિ ઉપરાંત અન્ય દેશોની બેંકર્સે પણ વેચવાલી નોંધાવી હતી.જેમાં કઝાખસ્તાન(38 ટન), ઉઝબેકિસ્તાન(19 ટન), કંબોડિયા(10 ટન), રશિયા(3 ટન), જર્મની(2 ટન), ક્રોએશિયા(2 ટન) અને તઝાકિસ્તાન(1 ટન)નો સમાવેશ થતો હતો.
EPFOએ જૂન ક્વાર્ટરમાં ETFsમાં રૂ. 13017 કરોડનું રોકાણ કર્યું
2022-23માં એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ. 53081 કરોડનું રોકાણ કર્યું હતું
રિટાયર્મેન્ટ ફંડનું સંચાલન કરતી સંસ્થા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને(ઈપીએફઓ) જૂન ક્વાર્ટરમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ. 13017 કરોડનું રોકાણ કર્યું હોવાનું સંસદમાં જણાવવામાં આવ્યું હતું. ગયા નાણા વર્ષ 2022-23 દરમિયાન એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ. 53081 કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉ 2021-22માં તેણે રૂ. 43,568 કરોડ જ્યારે 2020-21માં રૂ. 32071 કરોડનું રોકાણ કર્યું હતું. આમ છેલ્લાં ત્રણ વર્ષોથી ઈપીએફઓ તરફથી પેસિવ ફંડ્સમાં રોકાણ વધતું જોવા મળી રહ્યું છે.
2019-20માં ઈપીએફઓએ ઈટીએફ્સમાં રૂ. 31,501 કરોડ અને 2018-19માં રૂ. 27,974 કરોડનું રોકાણ કર્યું હતું એમ રાજ્યસભામાં લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રામેશ્વર તેલીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ઈપીએફઓ સરકારે જાહેર કરેલી ઈન્વેસ્ટમેન્ટ પેટર્ન મુજબ રોકાણ કરી રહ્યું છે. તે પ્રત્યક્ષ રીતે કોઈ શેરમાં રોકાણ નથી કરતું. પછી ભલે તે બ્લ્યૂ-ચિપ કંપની કેમ ના હોય. તે માત્ર ઈટીએફ્સ મારફતે જ શેરબજારમાં રોકાણ કરી રહ્યું છે. જે મૂળે સેન્સેક્સ અને નિફ્ટીને પ્રતિબિંબિત કરતાં હોય છે. સમયાંતરે ઈપીએફઓએ સરકારી જાહેર સાહસોના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે તૈયાર કરવામાં આવેલા ઈટીએફ્સમાં પણ રોકાણ કર્યું છે એમ તૈલીએ ઉમેર્યું હતું. 31 માર્ચ, 2022ના રોજ ઈપીએફઓ તરફથી સંચાલિત કુલ ફંડની રકમ રૂ. 18.30 લાખ કરોડ જેટલી જોવા મળતી હતી. જેમાંથી 91.30 ટકા હિસ્સો ડેટ માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યો હતો. જ્યારે 8.7 ટકા હિસ્સો ઈટીએફ્સમાં રોકવામાં આવ્યો હતો.
PSU બેંક્સે MCLR આધારિત લેન્ડિંગ રેટ્સમાં વૃદ્ધિ કરી
BOB, કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ 10 બેસીસ પોઈન્ટ્ સુધી વધાર્યાં
આ પગલાંને કારણે એમસીએલઆર સાથે જોડાયેલી લોન્સ મોંઘી બનશે
જાહેર સેક્ટરની કેટલીક બેંક્સે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MLCR)માં 10 બેસીસ પોઈન્ટ્ વૃદ્ધિ કરી છે. જેને કારણે એમસીએલઆર સાથે જોડાયેલા માસિક ઈએમઆઈ મોંઘા બનશે. રેટમાં વૃદ્ધિ કરનારી બેંક્સમાં બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુરુવારે સેન્ટ્રલ બેંકર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટને સ્થિર જાળવી રાખવા છતાં ઉપરોક્ત બેંક્સે રેટ વૃદ્ધિ દર્શાવી છે. બેંક્સના આ પગલાની અસર અનેક લોનધારકો પર પ્રતિકૂળ જોવા મળશે એમ વર્તુળો જણાવે છે. કેમકે મોટાભાગની કન્ઝ્યૂમર લોન્સ એમસીએલઆર સાથે જોડાયેલી હોય છે.
બેંક તરફથી સુધારેલા વન-યર એમસીએલઆર રેટ વર્તમાન 8.65 ટકા સામે 8.7 ટકા રહેશે એમ બેંક ઓફ બરોડાએ એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. નવા રેટ 12 ઓગસ્ટથી લાગુ પડશે એમ તેણે ઉમેર્યું હતું. ચોથા ક્રમની પીએસયૂ બેંક કેનેરા બેંકે પણ એમસીએલઆર 5 બેસીસ પોઈન્ટ્સ વધારી 8.7 ટકા કર્યો હતો. જે પણ 12 ઓગસ્ટથી એટલેકે શનિવારથી અમલી બનશે. નાના કદની પીએસયૂ બેંક બેંક ઓફ મહારાષ્ટ્રે એમસીએલઆર 10 બેસીસ પોઈન્ટ્સ વધારી 8.5 ટકા પરથી 8.6 ટકા કર્યો હતો. જે પણ શનિવારથી અમલી બનશે એમ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું. પીએસયૂ બેંક્સ તરફથી એમસીએલઆરમાં વૃદ્ધિએ માર્કેટ્સમાં આશ્ચર્ય જગાવ્યું હતું. કેમકે, આરબીઆઈએ ગુરુવારે સતત ત્રીજીવાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ કરતાં તેને સ્થિર જાળવ્યાં હતાં. તેમજ જૂન ક્વાર્ટરમાં રૂ. 2000ની નોટ્સ પરત ખેંચવાના ભાગરૂપે પીએસયૂ બેંક્સની ડિપોઝીટ્સમાં નોંધપાત્ર ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, વર્તુળોનું કહેવું હતું કે આરબીઆઈએ રેટ સ્થિર જાળવવા છતાં તેનો ટોન હોકિશ હતો. જે સૂચવે છે કે આગામી સમયગાળામાં તે લિક્વિડીટી ટાઈટ જળવાય તેવા પ્રયાસો હાથ ધરશે. બેંકે એક પગલામાં ઈન્ક્રિમેન્ટલ સીઆરઆર 10 ટકા જાળવવા માટે કહ્યું હતું. જેને કારણે બેંકિંગ સિસ્ટમમાંથી રૂ. 1.25 લાખ કરોડની અધિક લિક્વિડીટી શોષાશે એમ અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
ડોલર સામે રૂપિયો 17 પૈસા ગગડ્યો
વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી પાછળ સ્થાનિક ચલણમાં નરમાઈ જોવા મળી હતી. શુક્રવારે રૂપિયો 17 પૈસા ગગડી ડોલર સામે 82.83ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં કેટલાંક સમયથી તે સાંકડી રેંજમાં અથડાઈ રહ્યો છે. આરબીઆઈ પણ રૂપિયામાં સ્થિરતા માટે સક્રિયપણે ક્યારેક ડોલરની ખરીદી તો ક્યારેક ડોલરની વેચવાલી દર્શાવી રહી છે. જોકે, ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે રૂપિયામાં સેન્ટિમેન્ટ નરમાઈ તરફી બનતું જાય છે. છેલ્લાં કેટલાંક સત્રોથી વિદેશી સંસ્થાકિય રોકાણકારોનો ફંડ ફ્લો પણ ધીમો પડ્યો છે અને તેથી રૂપિયો ધીમે-ધીમે ઘસાઈ રહ્યો છે. જો તે, 83.30ની સપાટી નીચે જશે તો 85 સુધીનો ઘટાડો અપેક્ષિત છે. જોકે, આ માટેનો ચોક્કસ સમયગાળો આપી શકાય તેમ નથી. ડોલર ઈન્ડેક્સ હાલમાં બોટમ આઉટ થઈ રહેલો જણાય છે. યુએસ ખાતેથી ડોલર માટે નેગેટિવ ડેટા છતાં તે મજબૂતી સૂચવી રહ્યો છે. જે ઈમર્જિંગ માર્કેટ ચલણો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે એમ વર્તુળોનું કહેવું છે.
RILના શેરધારકોના ખાતામાં JFSLના શેર્સ જમા થયાં
28 ઓગસ્ટે કંપનીની એજીએમમાં જીઓ ફાઈનાન્સિયલના લિસ્ટીંગની જાહેરાત થાય તેવી શક્યતાં
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરધારકોના ખાતામાં જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(JFSL)ના શેર્સ જમા થઈ ચૂક્યાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક શેર સામે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો એક શેર આપવામાં આવ્યો છે. જેએફએસએલના શેર માટે 20 જુલાઈને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી.
લિસ્ટીંગ થયાં પછી જેએફએસએલના શેર્સમાં ટ્રેડિંગની છૂટ મળશે. કંપનીને નિફ્ટી50 અને બીએસઈ સેન્સેક્સ જેવા બેન્ચમાર્ક્સમાં સમાવવામાં આવી છે. જેને લિસ્ટીંગના T+3 પછી સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. લિસ્ટીંગ અગાઉ કંપનીની પ્રાઈસ ડિસ્કવરી માટે નિર્ધારિત સ્પેશ્યલ સત્રમાં કંપનીના શેરનો રૂ. 261.85નો ભાવ નિયમ કરવામાં આવ્યો હતો. જે ભાવે જેએફએસએલનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 166 લાખ કરોડ(20.3 અબજ ડોલર) જોવા મળે છે. તેમજ તે ભારતની બીજા ક્રમની એનબીએફસી બને છે. આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીના જએફએસએલને એક ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ સર્વિસિઝ તરીકે જોઈ રહ્યાં છે. તે વર્તમાન એનબીએફસી કંપનીઓ સામે એક સંભવિત પડકાર તરીકે ઊભરશે એમ માર્કેટ વર્તુળો માને છે.
અદાણી જૂથનો બોન્ડ માર્કેટમાંથી રૂ. 1498 કરોડ ઊભા કરવા વિચાર
જૂથનો ચાલુ નાણાકિય વર્ષમાં રૂ. 10 હજાર કરોડ ઊભા કરવાનો ટાર્ગેટ
અદાણી જૂથ ભારતીય બોન્ડ માર્કેટમાંથી રૂ. 1498 કરોડ ઊભા કરવા માટે વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે. જૂથ કંપનીઓમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન બોન્ડ માર્કેટમાં પ્રથમ પ્રવેશ કરે તેવી શક્યતાં છે એમ વર્તુળો ઉમેરે છે. તેમના મતે હાલમાં બંને કંપનીઓ મર્ચન્ટ બેંકર્સ સાથે સ્થાનિક ચલણમાં રૂ. 1498 કરોડ ઊભા કરવા માટે વાત ચલાવી રહ્યાં છે. પોર્ટથી લઈ પાવરના બિઝનેસમાં સક્રિય જૂથ ચાલુ નાણાકિય વર્ષે રૂ. 10 હજાર કરોડ ઊભું કરવાનો ટાર્ગેટ ધરાવે છે એમ કંપનીના અધિકારી અને ત્રણ બેંકર્સ જણાવે છે.
યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ તરફથી જાન્યુઆરીમાં જૂથ પર કરવામાં આવેલા આક્ષેપો પછી ભારતીય બોન્ડ માર્કેટ્સમાં જૂથના પરત ફરવાના ભાગરૂપે આમ થઈ રહ્યું છે. શોર્ટ સેલરે અદાણી જૂથને લઈ ગવર્નન્સને લઈ ચિંતાઓ વ્યક્ત કરી હતી. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ બજારમાંથી સૌપ્રથમ રૂ. 1000-1500 કરોડ ઊભાં કરશે એમ બેંકર્સ જણાવે છે. અગાઉ અદાણી પોર્ટે ઓક્ટોબર 2021માં 6.25 ટકાની કૂપન સાથેના 3-વર્ષના બોન્ડ્સ મારફતે રૂ. 1000 કરોડ ઊભાં કર્યાં હતાં.
LICએ જૂન ક્વાર્ટરમાં આઈટી શેર્સમાં રૂ. 8000 કરોડ રોક્યાં
ખેલાડીઓ યુએસ ખાતે મંદીની ચિંતામાં આઈટી કાઉન્ટર્સથી દૂર રહેવાનું વલણ ધરાવે છે ત્યારે એલઆઈસીનું જોખમી બેટ
દેશના સૌથી મોટા સંસ્થાકિય રોકાણકાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)એ દલાલ સ્ટ્રીટમાં કેટલાંક જોખમી બેટ લીધાં હોવાનું વર્તુળો ચર્ચી રહ્યાં છે. દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીએ જૂન ક્વાર્ટરમાં સ્થાનિક આઈટી કંપનીઓમાં રૂ. 8000 કરોડનું એટલેકે લગભગ 1 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જે તેના માટે જોખમી બની શકે છે. નિષ્ણાતોના મતે આઈટી કંપનીઓ મુખ્યત્વે યુએસ અને યુરોપ ખાતેથી તેમનો બિઝનેસ મેળવી રહી છે અને આ બંને અર્થતંત્રો મંદીની ઊંચી શક્યતાં ધરાવે છે.
એલઆઈસીએ ટોચની ચાર કંપનીઓમાં એપ્રિલથી જૂન 2023 સુધીમં રૂ. 8000 કરોડ ઠાલવ્યાં હતાં. જેમાં ઈન્ફોસિસમાં તેણે રૂ. 3636 કરોડના શેર્સ ખરીદ્યાં હતાં. તાતા જૂથની ટીસીએસમાં રૂ. 1,973 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે ટેક મહિન્દ્રામાં રૂ. 1,468 કરોડ અને એચસીએલ ટેક્નોલોજીમાં રૂ. 979 કરોડના શેર્સ ખરીદ્યાં હતાં એમ પ્રાઈમ ડેટાબેઝ રિપોર્ટ સૂચવે છે. ભારતીય આઈટી ઉદ્યોગ છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સથી નબળા પરિણામો દર્શાવી રહ્યો છે. તેની આવક સ્થિર જોવા મળી રહી છે. જ્યારે યુએસ અને યુરોપ ખાતે મંદીને કારણે નફામાં વૃદ્ધિ અટકી પડી છે. તેમજ માર્જિન ઘટી રહ્યાં છે. જોકે, એલઆઈસીનો રોકાણ અભિગમ અન્યોથી અલગ છે અને તે લોંગ-ટર્મ ફિલોસોફીમાં જ માને છે એમ નિષ્ણાતો જણાવી રહ્યાં છે. જેને જોતાં આઈટી સેક્ટરના દિગ્ગજોમાં રોકાણ ભવિષ્યમાં લાભદાયી બની રહેશે એમાં શંકા નથી. એલઆઈસીએ જૂન ક્વાર્ટરમાં આઈટી શેર્સ ખરીદ્યાં હતાં ત્યારે બજાજ ઓટોમાં રૂ. 1932 કરોડના મૂલ્યના શેર્સ વેચ્યાં હતાં. એલઆઈસીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 9543 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જૂનની આખરમાં કંપનીનું કુલ હોલ્ડિંગ રૂ. 11.16 કરોડ પર જોવા મળતું હતું. જેમાં રૂ. 2.88 લાખ શેર્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીના હતાં. જે પોર્ટફોલિયોનો સૌથી મોટો હિસ્સો છે. બીજા ક્રમે એફએમસીજી કંપનીઓમાં રૂ. 1.29 લાખ કરોડનું રોકાણ જ્યારે આઈટી કંપનીઓમાં કુલ રૂ. 14,671 કરોડનું રોકાણ જોવા મળે છે. એલઆઈસી તેના ઈન્વેન્ટેબલ ફંડ્સનું મહત્તમ 30 ટકા રોકાણ શેરબજારમાં કરી શકે છે.
MSCIમાં વેઈટેજ ઘટતાં RIL, TCS, HDFCમાં આઉટફ્લો જોવાશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 13 કરોડ ડોલર, એચડીએફસીમાં 5.8 કરોડ ડોલરની વેચવાલીની શક્યતાં
ઈન્ડેક્સ એગ્રીગેટરના જણાવ્યા મુજબ ફેરફાર 31 ઓગસ્ટથી અમલી બનશે
એમએસસીઆઈ સૂચકાંકોમાં વેઈટેજમાં ઘટાડા પાછળ અગ્રણી લાર્જ-કેપ્સ હેવીવેઈન્ટ્સમાં વ્યક્તિગત ધોરણે 13 કરોડ ડોલર સુધીનો આઉટફ્લો જોવા મળી શકે છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ટીસીએસ જેવા ટોચના કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 13 કરોડ ડોલર સુધીનો સૌથી મોટો આઉટફ્લો શક્ય છે. જ્યારપછી આઈસીઆઈસીઆઈ બેંકમાં 7.8 કરોડ ડોલર અને ઈન્ફોસિસમાં 7.7 કરોડ ડોલરનો આઉટફ્લો સંભવ છે. આ ઉપરાંત એચડીએફસી બેંકમાં 5.8 કરોડ ડોલર અને ટીસીએસમાં 5.3 કરોડ ડોલર સુધીની વેચવાલી જોવા મળી શકે છે. ઈન્ડેક્સ એગ્રીગેટરના જણાવ્યા મુજબ ફેરફાર 31 ઓગસ્ટથી અમલી બનશે.
જોકે, બીજી બાજુ ઈન્ડેક્સ પ્રોવાઈડરે કેટલીક કંપનીઓનો સૂચકાંકોમાં સમાવેશ કર્યો છે. જે આવા કાઉન્ટર્સમાં ઈનફ્લોનું કારણ બનશે. જેમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં 1.6 કરોડ ડોલરના ઈનફ્લોની શક્યતા છે. આ ઉપરાંત પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, આરઈસી, અશોક લેલેન્ડ અને પાંચ અન્ય કાઉન્ટર્સાં 15 કરોડ ડોલરથી લઈ 20 કરોડ ડોલર સુધીનો ઈનફ્લો સંભવ છે. આ ઉપરાંત કમિન્સ ઈન્ડિયા, એચડીએફસી એએમસી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ અને એસ્ટ્રાલ લિ.નો પણ સૂચકાંકોમાં સમાવેશ થશે. જ્યારે અદાણી જૂથની એકમાત્ર એસીસીને યાદીમાંથી બહાર કરાશે. જે 7.5 કરોડ ડોલરનો આઉટફ્લો દર્શાવી શકે છે.
લાર્જ-કેપ્સમાં કેટલાંક અન્ય કાઉન્ટર્સ પણ આઉટફ્લો નોંધાવી શકે છે. જેમાં એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. એમએસસીઆઈએ તેના એમએસસીઆઈ ગ્લોબલ સ્મોલ કેપ ઈન્ડાઈસિસમાં પણ ફેરફાર કર્યાં છે. જેમાં તેણે એમએસસીઆઈ ઈન્ડિયા લિસ્ટમાં 40 કાઉન્ટર્સનો સમાવેશ કર્યો છે. જ્યારે 11 કાઉન્ટર્સને દૂર કર્યાં છે. તેણે સમાવેશ કર્યાં હોય તેવા કાઉન્ટર્સમાં મિશ્ર ધાતુ નિગમ, પીટીસી ઈન્ડસ્ટ્રીઝ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિઝ, ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ, અનંત રાજ, સીપીસીએલ, અમી ઓર્ગેનિક્સ, માર્કસન્સ ફાર્મા, ન્યૂજેન સોફ્ટવેર અને પટેલ એન્જિનીયરીંગનો સમાવેશ થાય છે. જ્યારે તેણે તાતા કોમ્યુનિકેશન્સ, આદિત્ય બિરલા કેપિટલ, અશોક લેલેન્ડ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આરઈસી, એનઆઈઆઈટી, બીઈએમએલ લેન્ડ એસેટ અને એસ્ટ્રાલને દૂર કર્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનબીસીસીઃ કન્સ્ટ્રક્શન કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 75.4 કરોડનો નેટ પ્રોફિટ નોઁધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 6.2 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1799 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1918 કરોડ પર જોવા મળી હતી.
ગ્લોબલ હેલ્થઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 102 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 58.7 કરોડના પ્રોફિટ સામે 70 ટકા વૃદ્ધિ સૂચવે છે. રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 617.4 કરોડ સામે 28 ટકા ઉછળી રૂ. 773 કરોડ પર નોંધાઈ હતી.
સૂર્યોદય એસએફબીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 47.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 7.8 કરોડના પ્રોફિટ સામે 600 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ સાથે રૂ. 225 કરોડ પર રહી હતી.
એનસીસીઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 184 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 137 કરોડની સામે 40 ટકા વૃદ્ધિ સૂચવે છે. આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3321 કરોડ સામે ચાલુ વર્ષે 35 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4380 કરોડ પર રહી હતી.
નિયોજન કેમિકલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં 11 ટકા વૃદ્ધિ સાથે રૂ. 164.9 કરોડની આવક દર્શાવી છે. જ્યારે તેનો એબિટા 14 ટકા વધી રૂ. 28.1 કરોડ પર અને નેટ પ્રોફિટ 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9.8 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 3.92 પર જોવા મળી હતી.
પટેલ એન્જિનિયરિંગઃ ઈન્ફ્રા કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 38.28 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31.25 કરોડ પર હતો. એબિટા રૂ. 133.86 કરોડ પરથી વધી રૂ. 179.56 કરોડ જોવા મળ્યો હતો. જ્યારે આવક 24.14 ટકા વધી રૂ. 1118.61 કરોડ રહી હતી. 30 જૂને ઓર્ડર બુક રૂ. 20014 કરોડ પર નોંધાઈ હતી.
વિનસ પાઈપ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં 91 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીનો એબિટા 92 ટકા વધી રૂ. 27.6 કરોડ પર જ્યારે કંપનીની આવક 58 ટકા વધી રૂ. 179.6 કરોડ પર નોંધાઈ હતી.