બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સના સપોર્ટથી સેન્સેક્સે 70 હજારની ટોચ દર્શાવી
નિફ્ટી સતત બીજા સત્રમાં 21 હજાર પર ટ્રેડ થયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.3 ટકા વધી 12.75ના સ્તરે
બેંક નિફ્ટી, નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે
બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી જળવાય
ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, ડિક્સોન ટેક્નોલોજી, કરુર વૈશ્ય નવી ટોચે
ભારતીય શેરબજારમાં તેજીનો પવન ફૂંકાવાનો ચાલુ છે. નવા સપ્તાહની શરૂઆત મજબૂત ઓપનીંગ સાથે થઈ હતી અને જોતજોતામાં બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચ પર ટ્રેડ થયાં હતાં. બીએસઈ સેન્સેક્સ ખૂલતાની ગણતરીની મિનિટ્સમાં 70058ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયાં પછી 103 પોઈન્ટ્સના સુધારે 69929ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 21026ની નવી ટોચ દર્શાવી 28 પોઈન્ટ્સ મજબૂતી સાથે 20997 પર બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4035 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2391 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1467 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 366 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.3 ટકા વધી 12.75ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે સવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારે મજબૂત ઓપનીંગ દર્શાવ્યું હતું. એશિયન બજારોમાં હોંગ કોંગ અને ચીનના બજારોએ તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જોકે, પાછળથી તેઓ બાઉન્સ થયાં હતાં. જેમાં ચીનનું બજાર પોણો ટકા સુધારા સાથે બંધ રહ્યું હતું. જ્યારે હોંગ કોંગનું માર્કેટ એક ટકા ઘટાડો દર્શાવતું હતું. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી ઉપરમાં 21026ની નવી ટોચે ટ્રેડ થયો હતો. જોકે, બંધની રીતે 21 હજાર પર ટકી શક્યો નહોતો. નિફ્ટ કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 83 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21080ના સ્તરે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 119 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 36 પોઈન્ટ્સનો નોઁધપાત્ર ઘટાડો સૂચવે છે. આમ, ઊંચા મથાળે લોંગ પોઝીશનમાં આંશિક લિક્વિડેશન જોવા મળ્યું છે. જોકે, માર્કેટમાં કોઈ મોટી વેચવાલીનો સંકેતો નથી. અલબત્ત, ઓવરબોટ સ્થિતિ જોતાં નવી ખરીદીમાં સાવચેતી દાખવવી જરૂરી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 20700ના નજીકના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા માટે જણાવે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં યૂપીએલ, અલ્ટ્રાટેકસિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, ઈન્ડઈન્ડ બેંક, એચસીએલ ટેક્નોલોજી, એનટીપીસી, કોલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, એક્સિસ બેંક, બીપીસીએલ, એમએન્ડએમ, એચયૂએલ, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, વિપ્રો, બજાજ ફિનસર્વમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંક નિફ્ટી, નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે પહોંચ્યાં હતાં. નિફ્ટી બેંક 0.11 ટકાના સાધારણ સુધારે સાથે બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 47588ની ટોચ દર્શાવી હતી. બેંક શેર્સમાં પીએનબી, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયાં હતં. બીજી બાજુ એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક્સમાં જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, આઈઓબી, પીએનબી, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ 0.65 ટકા સુધારા સાથે મજબૂત બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં સેઈલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ભેલ, આઈઆરસીટીસી, ભારત ઈલે., પાવર ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, એનટીપીસી, કોલ ઈન્ડિયા, આરઈસી, એનએમડીસી, ગેઈલમાં મજબૂતી આગળ વધી હતી. નિફ્ટી આઈટી 0.36 ટકા મજબૂતી વચ્ચે વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. જેને મુખ્ય સપોર્ટ કોફોર્જ, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ટીસીએસ તરફથી મળ્યો હતો. નિફ્ટી મેટલ એક ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં જિંદાલ સ્ટીલ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, સેઈલ, એપીએલ એપોલો, વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદુસ્તાન ઝીંક, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, એનએમડીસી, મોઈલમાં મજબૂતી જોવા મળી હતી. એકમાત્ર નિફ્ટી ફાર્મા 0.76 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ 5 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે આલ્કેમ લેબ, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિનમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો ડિક્સોન ટેક્નોલોજી 7 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત જીએમઆર એરપોર્ટ્સ, જિંદાલ સ્ટીલ, પોલીકેબ, આરબીએલ બેંક, તાતા પાવર, યૂપીએલ, ગ્લેનમાર્ક, ઈન્ફો એજ, સેઈલ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, કમિન્સ, ડીએલએફ, ઝી એન્ટરટેઈનમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, એમસીએક્સ ઈન્ડિયા, પીએનબી, તાતા કેમિકલ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ડો. રેડ્ડિઝ લેબ્સ, એચપીસીએલ, કેન ફિન હોમ્સ, ડો. લાલ પેથલેબ, હિંદ કોપર, એપોલો ટાયર્સ, આલ્કેમ લેબ, સિન્જિન ઈન્ટરનેશનલ, સિપ્લા, એક્સિસ બેંક, બાલક્રિષ્ણા ઈન્ડ., ઓરોબિંદો ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, ડિક્સોન ટેક્નોલોજી, કરુર વૈશ્ય, જીએમઆર એરપોર્ટ્સ, સ્ટર્લિંગ વિલ્સન, જિંદાલ સ્ટીલ, પોલીકેબ, એપ્ટસ વેલ્યૂ, ઈન્ટીલેક્ટ ડિઝાઈન, નોસિલ, સોભા, સુવેન ફાર્મા, બેંક ઓફ ઈન્ડિયા, કમિન્સ, ડીએલએફ, શ્રી સિમેન્ટ્સનો સમાવેશ થતો હતો.
EPFOએ એપ્રિલ-ઓક્ટોબરમાં ETFમાં રૂ. 27 હજાર કરોડ રોક્યાં
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડે 2022-23માં ઈટીએફ્સમાં રૂ. 53081 કરોડનું રોકાણ કર્યું હતું
નિવૃત્તિ માટેની બચતનું સંચાલન કરતી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(ઈપીએફઓ)એ ચાલુ નાણા વર્ષની શરૂઆતથી ઓક્ટોબર સુધીમાં એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાં રૂ. 27,105નું રોકાણ કર્યું હતું એમ સંસદમાં જણાવવામાં આવ્યું હતું. સંસ્થાએ ગયા નાણા વર્ષ 2022-23 દરમિયાન ઈટીએફ્સમાં રૂ. 53,081 કરોડનું રોકાણ કર્યું હતું. જે અગાઉના વર્ષ 2021-22માં કરેલા રૂ. 43,568 કરોડના રોકાણથી ઊંચું હતું એમ રાજ્ય કક્ષાના મજૂર અને રોજગાર પ્રધાન રામેશ્વર તેલીએ લોકસભામાં લેખિત જવાબમાં નોંધ્યું હતું.
તેમના જવાબ મુજબ ઈપીએફઓએ ચાલુ નાણા વર્ષ દરમિયાન પેસિવ ફંડ્સ એવા ઈટીએફ્સમાં રૂ. 27,105 કરોડ રોક્યા હતાં. જો છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઈટીએફ્સમાં ઈપીએફઓના રોકાણ પર નજર નાખીએ તો 2016-17માં તેણે રૂ. 14,983 કરોડ, 2017-18માં રૂ. 24,790 કરોડ, 2018-19માં રૂ. 27,974 કરોડ, 2019-20માં રૂ. 31,501 કરોડ અને 2020-21માં રૂ. 32,071 કરોડનું રોકાણ કર્યું હતું. તેલીએ જણાવ્યું હતું કે ઈપીએફઓ વ્યક્તિગત શેર્સમાં સીધું રોકાણ નથી કરતું. જેમાં બ્લ્યૂ-ચિપ કંપનીનો સમાવેશ પણ થાય છે. ઈપીએફઓ માત્ર ઈટીએફ્સ મારફતે જ ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે. જે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી-50 સૂચકાંકોને પ્રતિબિંબિત કરે છે. ઈપીએફઓ કેન્દ્ર સરકારના શેરહોલ્ડિંગના વેચાણ માટે બનાવવામાં આવેલા ઈટીએફ્સમાં પણ સમયાંતરે રોકાણ કરતું હોય છે. સરકાર તરફથી નિર્ધારિત કરવામાં આવેલી ઈન્વેસ્ટમેન્ટ પેટર્નને આધારે જ ઈપીએફઓ રોકાણ કરતું હોય છે. 31 માર્ચ, 2022ના રોજ ઈપીએફઓ તરફથી સંચાલિત વિવિધ ફંડ્સનું કુલ ભંડોળ રૂ. 18.30 લાખ કરોડ હતું. જેમાંથી 8.7 ટકા હિસ્સો ઈટીએફ્સમાં રોકાણ કરવામાં આવ્યો હતો. જ્યારે 91.30 ટકા હિસ્સો ડેટ પ્રોડક્ટ્સમાં કરવામાં આવ્યો હતો. ઈપીએફઓએ ઓગસ્ટ 2015થી ઈટીએફ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.
અદાણી ગ્રીન એનર્જી બોન્ડ રિફાઈન્સિંગ માટે 41 ડોલર ઊભા કરશે
અદાણી ગ્રીન એનર્જી તેના લગભગ એક વર્ષ પછી પાકનારા બોન્ડ્સના રિફાઈન્સિંગ માટે નવા બોન્ડ ઈસ્યુ મારફતે 41 કરોડ ડોલર ઊભા કરવાનું આયોજન કરી રહી હોવાનું સિંગાપુર સ્ટોક એક્સચેન્જને ફાઈલીંગમાં જણાવ્યું છે. અદાણી ગ્રીનના 10 ડિસેમ્બર, 2024ના રોજ પાકતાં 50 કરોડ ડોલરનો રિફાઈન્સિંગ પ્લાન 8 ડિસેમ્બરે રજૂ કરાયો હતો. જે નોટમાં સૂચિત તમામ શરતોની જરૂરિયાતોનું પાલન કરે છે.
આ ફાઈલીંગ અદાણી જૂથ તરફથી આ પ્રકારનું બીજું ફાઈલીંગ છે. અગાઉ જૂથના સોલાર-એનર્જી યુનિટે પણ તેના પાકી રહેલા ડોલર ડેટના રિફાઈનાન્સિંગ માટેની યોજના જાહેર કરી હતી. જે આગામી સપ્ટેમ્બરમાં પાકતાં 75 કરોડ ડોલરના રિપેમેન્ટ માટેની બ્લ્યૂપ્રિન્ટને અનુસરે છે. બિલિયોનર ગૌતમ અદાણીની કંપનીઓએ તાજેતરમાં ક્રેડિટર્સને આકર્ષ્યાં છે. જૂથ કંપની અદાણી પોર્ટ્સને યુએસ સરકારની એજન્સીએ તાજેતરમાં હિંડેનબર્ગ રિપોર્ટના આક્ષેપો સામે ક્લિનચીટ આપી હતી. તેણે આ આક્ષેપોને અપ્રસ્તુત ગણાવ્યાં હતાં. જ્યારપછી જૂથ ફરી વૈશ્વિક ક્રેડિટ કંપનીઓ તથા રોકાણકારોનું આકર્ષણ બન્યું છે. જૂથે હિંડેનબર્ગના આક્ષેપોને શરૂથી જ નકાર્યાં હતાં. અદાણી ગ્રીને રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ માટે 1.4 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જ્યારપછી કંપનીના શેરના ભાવમાં તીવ્ર તેજી જોવા મળી હતી. જેની પાછળ સમગ્ર જૂથના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં 23 અબજ ડોલરનો ઉછાળો નોંધાયો હતો.
સેબી નીચી ફેસ વેલ્યૂ ધરાવતાં NCD માટે છૂટ આપે તેવી સંભાવના
માર્કેટ રેગ્યુલેટર સેબીએ રૂ. 10 હજારની ફેસ વેલ્યૂ ધરાવતાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અને નોન-કન્વર્ટિબલ રિડિમેબલ પ્રેફરન્સ શેર્સના ઈસ્યુ માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં લઘુત્તમ રૂ. 1 લાખની ફેસ વેલ્યૂનો એમસીડી અને એમસીઆરપીએસ લોંચ કરવાનો રહે છે. માર્કેટ રેગ્યુલેટરે ડેટ ઈસ્યુના ફાસ્ટ-ટ્રેકિંગ અને ઝડપી લિસ્ટીંગ્સ માટે પણ પ્રસ્તાવ મૂક્યો છે. શનિવારે રજૂ કરેલા એક કન્સલ્ટેશન પેપરમાં સેબીએ જણાવ્યું છે કે ઈસ્યૂઅરે પ્રાઈવેટ રીતે એલોટ કરવામાં આવતાં એનસીડી અથવા એનસીઆરપીએસના ડ્યૂ ડિલિજન્સ માટે મર્ચન્ટ બેંકરની નિમણૂંક ફરજિયાત કરવાની રહેશે. વધુમાં આ પ્રકારના ઈસ્યુ સાદા સ્ટ્રક્ચર સાથેના માત્ર ઈન્ટરેસ્ટ અથવા ડિવિડન્ડ ધરાવતાં ઈન્સ્ટ્રૂમેન્ટ્સ હશે. તાજેતરમાં ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ્સ માટેના રેગ્યુલેટરી ફેરફારોને ધ્યાનમાં રાખતાં આ પ્રસ્તાવો જોવા મળ્યાં છે. કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં સંસ્થાકિય રોકાણકારો સિવાયનું પાર્ટિસિપેશન વધે તે માટે આ ફેરફારો કરાયાં છે.
ખરિફ પાકોમાં મકાઈ, મગ, બાજરીના ભાવ MSPથી નીચે જોવા મળ્યાં
કુલ 11 મુખ્ય ખરિફ પાકોમાંથી પાંચના ભાવ લઘુત્તમ ટેકાની સપાટીએથી ઉપર જળવાયાં
જુવાર, તૂવેર, અડદ, કપાસ અને ડાંગરના ભાવ એમએસપીથી ઉપર રહ્યાં
ખરિફ માર્કેટિંગ સિઝનને બે નવેમ્બર આખરમાં બે મહિના પૂરા થયાં હતાં. જે દરમિયાન મહત્વના ખરિફ પાકોના ભાવોને લઈ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં 11 મહત્વના ખરીફ પાકોમાંથી પાંચ પાકો તેમના સંબંધિત લઘુત્તમ ટેકાના ભાવ(એમએસપી)થી ઉપર જળવાયાં હતાં. જ્યારે ચાર પાકોના ભાવ એમએસપીથી નીચે ઉતરી ગયા હતાં. જ્યારે બે પાકના ભાવ એમએસપી પર ન્યૂટ્રલ જોવા મળ્યાં હતાં.
જે પાકોના ભાવ એમએસપીથી ઉપર ટ્રેડ દર્શાવે છે તેમાં જુવાર, તુવેર, કપાસ, અડદ અને નોન-બાસમતી ડાંગરનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ મગ, મકાઈ, રાગી અને બાજરીનો ભાવ તેમના ટેકાના ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યાં હતાં. સમગ્ર દેશના ગંજ બજારોની સરેરાશ મૂજબત જુવાર, તૂવેર, કપાસ, અડદ અને ડાંગરનો ભાવ એમએસપીથી 5-38 ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. જ્યારે સોયાબિન અને મગફળીના ભાવ સરકારે નક્કી કરેલી એમએસપી પર સ્થિર જોવા મળ્યાં હતાં. નોન-બાસમતી ડાંગરના ભાવ ભિન્ન રાજ્ય મુજબ મોટો ફેરફાર સૂચવી રહ્યાં છે. જોકે, સમગ્ર દેશની સરેરાશ જોઈએ તો ડાંગરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2291 પર ટ્રેડ થયાં હતાં. જે સરકાર નિર્ધારિત એમએસપીથી પાંચ ટકા ઊંચા હતાં. સરકારે ડાંગર માટે રૂ. 2183ની એમએસપી નક્કી કરી હતી. ખરિફ પાકોના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મગના ભાવ સમગ્ર દેશમાં રૂ. 7806 પ્રતિ ક્વિન્ટલની સરેરાશ સૂચવતાં હતાં. જે રૂ. 8558ની એમએસપીથી નીચા જોવા મળતાં હતાં. જ્યારે રાજસ્થાનમાં તે એમએસપીથી 14 ટકા નીચાં ચાલી રહ્યાં હતાં. સરકારની દરમિયાનગીરી પછી ભાવ ઊંચા જોવા મળ્યાં હતાં. ચાલુ સિઝનમાં મગનું ઉત્પાદન નીચું થવાથી સરકારે ખરીદી કરી હતી. આ જ રીતે મકાઈમાં પણ કર્ણાટકમાં ભાવ એમએસપીથી ઊંચા જોવા મળતાં હતાં. જ્યારે દેશમાં તે નીચાં ચાલી રહ્યાં હતાં. જે માટેનું એક કારણ અન્ય રાજ્યોમાં પાકની નીચી ગુણવત્તા જવાબદાર હતી.
કૃષિ નિષ્ણાતોના મતે વિવિધ પાકોના ભાવ એમએસપીથી ઊંચા જળવાય રહેવાન શક્યતાં છે. કેમકે સરકારનો અંદાજ પાકમાં ઘટાડો સૂચવે છે. તેમજ જે પાકમાં સરકારે દરમિયાનગીરી કરી હતી તે સિવાય ગયા વર્ષનો કોઈ બફર સ્ટોક પણ જોવા નથી મળતો. તુવેરના ભાવોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન તે પ્રતિ ક્વિન્ટલ રૂ. 9410 પર જોવા મળ્યાં હતાં. જે રૂ. 7000ની એમએસપીથી 34 ટકા ઊંચા હતા. જ્યારે સમગ્ર દેશની સરેરાશ લઈએ તો તે રૂ. 9665 પ્રતિ ક્વિન્ટલ પર હતાં. જુવારના ભાવ રૂ. 3180 પ્રતિ ક્વિન્ટલની એમએસપી સામે મહારાષ્ટ્રમાં સરેરાશ રૂ. 4607 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળ્યાં હતાં. જે 45 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે સમગ્ર ભારતમાં તે રૂ. 3737 પર રહ્યાં હતાં. આમ, તે મહારાષ્ટ્રની સરખામણીમાં ખૂબ ઊંચા જળવાયા હતા. અડદની વાત કરીએ તો રૂ. 6960 પ્રતિ ક્વિન્ટલની એમએસપીની સામે રાજસ્થાનમાં તે રૂ. 7978 પ્રતિ ક્વિન્ટલ રહ્યાં હતાં, પરંતુ સમગ્ર દેશમાં તે રૂ. 7474 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળ્યાં હતાં. જોકે, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં તો તે રાજસ્થાન કરતાં પણ નીચાં જળવાયાં હતાં.
કપાસની વાત કરીએ તો રૂ. 6620 પ્રતિ ક્વિન્ટલની એમએસપી સામે તે સરેરાશ રૂ. 6961 પર જોવા મળ્યાં હતાં. જ્યારે ગુજરાતમાં તે રૂ. 7019 પર જળવાયાં હતાં. જાડાં ધાન્યોમાં મકાઈની ભાવ રૂ. 1951 પ્રતિ ક્વિન્ટલની એમએસપી કરતાં 7 ટકા નીચાં રહ્યાં હતાં. જેનું મુખ્ય કારણ મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, રાજસ્થાન, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશમાં નીચા દરો કારણભૂત હતાં. જ્યારે કર્ણાટકમાં તે રૂ. 2163 પ્રતિ ક્વિન્ટલ પર ચાર ટકા ઊંચા જોવા મળ્યાં હતાં. દક્ષિણના અન્ય રાજ્યોમાં પણ તે એમએસપીથી ઊંચા જળવાયાં હતાં.
રાજીવ જૈનની GQGનો ભારતીય પોર્ટફોલિયો 10 અબજ ડોલરે પહોંચ્યો
કંપનીના છ ફંડ્સ અદાણી ઉપરાંત ભારતીય બ્લ્યૂચિપ્સમાં રોકાણ ધરાવે છે
એક વર્ષથી ઓછા સમયગાળામાં જીક્યૂજીનો પોર્ટફોલિયો 4.4 અબજ ડોલરથી બમણાથી વધુ ઉછળ્યો
સ્ટાર ઈન્વેસ્ટર રાજીવ જૈનની આગેવાની હેઠળના જીક્યૂજી પાર્ટનર્સ એલએલસીએ ભારતીય કંપનીઓમાં કરેલા રોકાણના પોર્ટફોલિયો એક વર્ષથી નીચા સમયગાળામાં બમણો બન્યો છે. જેમાં કંપનીએ અદાણી જૂથ કંપનીઓમાં કરેલા રોકાણનું યોગદાન મહત્વનું છે. જોકે, તે સિવાય પણ કંપનીએ અન્ય બ્લ્યૂચિપ્સમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.
જીક્યુજીના છ ફંડ્સનું કુલ રોકાણ વેલ્યૂ 9.9 અબજ ડોલરે પહોંચ્યું છે. જે વર્ષ અગાઉ 4.4 અબજ ડોલર પર જોવા મળતું હતું એમ બ્લૂમબર્ગનો ડેટા સૂચવે છે. બ્લૂમબર્ગે ફ્લોરિડા સ્થિત રોકાણકારની વેબસાઈટ પરથી તાજા રેગ્યુલેટરી ફાઈલીંગ્સ અને માહિતીને આધારે આ ડેટા તૈયાર કર્યો હતો. જીક્યૂજીએ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યૂમર ગુડ્ઝ અને એનર્જી સહિતના સેક્ટરમાં રોકાણ કર્યું છે. કંપનીએ વિશ્વમાં સૌથી સારો દેખાવ દર્શાવી રહેલા ઈક્વિટી માર્કેટમાં આક્રમક રોકાણ વ્યૂહ અપનાવ્યો છે. ભારતીય બજારે ગયા સપ્તાહે 4 અબજ ડોલરનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. સરકાર તરફથી રોડ્સ, એરપોર્ટ્સ, બ્રિજ અને પાવર સુવિધાઓ સ્થાપવામાં થઈ રહેલા જંગી ખર્ચને જોતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ માટે આતુર છે.
બ્લૂમબર્ગની ગણતરીમાં જીક્યુજીના ચાર મ્યુચ્યુલ ફંડ્સ અને અન્ડ બે ફંડ્સના તાજા ડિસ્ક્લોઝર્સને ગણનામાં લેવાયાં છે. આમાં તેના ભારતમાં તમામ એક્સપોઝરને ગણનામાં નથી લેવામાં આવ્યું. કેમકે તેમાં કંપની તરફથી ભારતમાં કરાયેલા તમામ રોકાણનો સમાવેશ નથી થતો કેમકે તે કેટલાંક અન્ય ફંડ્સના પોર્ટફોલિયોની માહિતી પ્રાપ્ય નથી.
જીક્યૂજીના અદાણી ઈન્વેસ્ટમેન્ટ્સનું વેલ્યૂએશન 7 અબજ ડોલર પર જોવા મળે છે. તેમણે માર્ચ 2023થી શરૂ કરી ત્રણ તબક્કામાં અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં રોકાણ કર્યું હતું. આ ઉપરાંત કંપનીએ ભારતીય બજારમાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં નાણા રોક્યાં છે. જેઓ ચાલુ વર્ષે 50 ટકા જેટલા ઉછળ્યાં છે. જે સેન્સેક્સમાં 16 ટકાના રિટર્નની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ સૂચવે છે.
જીક્યુજૂ પાર્ટનર્સના સૌથી મોટા ફંડ ઈમર્જિંગ માર્કેટ્સ ઈક્વિટી ફંડે જેએસડબલ્યુ એનર્જી, પતંજલિ ફૂડ્સ, મેક્રોટેક ડેવલપર્સ, મેક્સ હેલ્થકેર અને આઈડીએફસી ફર્સ્ટ બેંકની એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ખરીદી કરી હતી. તેણે આઈટીસી અને એસબીઆઈને પણ તેના ફંડ્સમાં સામેલ કર્યાં છે. તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, સિપ્લા અને બજાજ ફિનસર્વમાંથી એક્ઝિટ લીધી હતી. જીક્યૂજીના પ્રતિનિધિએ ઈમેલ ક્વેરીનો જવાબ આપ્યો નહોતો. ભારતમાં જન્મેલા જૈન 1990માં અભ્યાસાર્થે યુએસ ગયા હતાં. જ્યારે 2016માં તેમણે જીક્યૂજી પાર્ટનર્સની સ્થાપના કરી હતી. જ્યારપછી તેમણે 113 અબજ ડોલરની ઈન્વેસ્ટમેન્ટ કંપની ઊભી કરી છે. તેઓ એક્સ પર કોઈ એકાઉન્ટ ધરાવતાં નથી.
છેલ્લાં બે સપ્તાહમાં જૂથના પોર્ટફોલિયોમાં તીવ્ર વૃદ્ધિ પાછળ અદાણી જૂથ શેર્સમાં તીવ્ર ઉછાળો કારણભૂત છે. જોકે, જીક્યૂજીના તમામ રોકાણે આઉટપર્ફોર્મન્સ નથી દર્શાવ્યું. જેમકે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકે સેન્સેક્સ કરતાં ઉતરતો દેખાવ દર્શાવ્યો છે. જોકે, તેના પોર્ટફોલિયો પર સમગ્રતયા અસર મર્યાદિત રહી છે.
જીક્યૂજીનું ભારતમાં ટોચનું રોકાણ
કંપની કુલ રોકાણ(કરોડ ડોલરમાં)
ITC 106
ICICI બેંક 40.33
અદાણી એન્ટર. 43.75
SBI 34.49
અદાણી પોર્ટ્સ 32.92
અદાણી ગ્રીન 39.61
સન ફાર્મા. 26.45
HDFC બેંક 25.33
અદાણી પાવર 31.59
NTPC 24.96
લોન માફીના જૂઠાં પ્રચારથી સામે RBIએ લોકોને ચેતવ્યાં
ઋણદાતાઓને લોન માફી માટે લલચાવી કેટલીક ગેરમાર્ગે દોરતી જાહેરાતો પછી સેન્ટ્રલ બેંકનુ પગલું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન માફીને લઈને ચાલી રહેલાં ગેરમાર્ગે દોરતાં પ્રચારને લઈ જાહેર જનતાને ચેતવ્યાં છે. મધ્યસ્થ બેંકે આ પ્રકારની ખોટી વાતોમાં નહિ ફસાવવે માટે લોકોને જણાવ્યું છે. ઉપરાંત, તેણે આ પ્રકારની દુષ્પ્રયાર સામે કાયદાકિય સંસ્થાઓને પણ જાણ કરી છે.
ઋણદાતાઓને લોન માફી માટે લલચાવી કેટલીક ગેરમાર્ગે દોરતી જાહેરાતો પછી સેન્ટ્રલ બેંકે આમ કરવાની ફરજ પડી છે. આવી જાહેરાતો લોનધારકોને તેમની લોન માફીના જૂઠાં વાયદા કરી લલચાવતી જોવા મળે છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવી કંપનીઓ પ્રિન્ટ મિડિયા તેમજ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ પર આવા ઘણા કેમ્પેઈન્સ ચલાવતી જોવા મળે છે. તેઓ લોન માફી સર્ટિફિકેટ્સ માટે સર્વિસ ફી અથવા લીગલ ફિ પણ વસૂલી લઈ રહી હોવાના અહેવાલ છે. જે માટે તેમની પાસે કોઈ સત્તા નથી. આમ તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે એમ બેંક રેગ્યુલેટરે નોંધ્યું છે. વધુમાં કેટલાંક સ્થળોએ આ પ્રકારનું અભિયાન કેટલાંક જૂજ લોકો તરફથી ચલાવવામાં આવી રહ્યું છે. જે બેંક્સને આપવામાં આવેલા સુરક્ષાના અધિકારીને અવગણી રહ્યાં છે. એમ આરબીઆઈ ઉમેરે છે. આવી કંપનીઓ બેંક્સ સહિતની નાણાકિય સંસ્થાઓને ચૂકવવાના થતાં નાણા ચૂકવવાની જરૂર નથી એમ કહીને ગેરમાર્ગે દોરી રહી છે. જે નાણાકિય સંસ્થાઓની સ્થિરતા સામે પણ ખતરો ઊભી કરી રહી છે. તેમજ ડિપોઝીટર્સના હિતોની વિરુધ્ધની કામગીરી દર્શાવી રહી છે. આવી કંપનીઓ સાથે જોડાવાથી નાણાકિય નુકસાન જોવા મળી શકે છે એમ આરબીઆઈ જણાવે છે.
ઈરેડાનો શેર 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો
કંપનીનો શેર આઈપીઓ ભાવથી 165 ટકા ઉછળ્યો
જાહેર ક્ષેત્રની કંપની ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી(ઈરેડા)ના શેરમાં સોમવારે 20 ટકાની અપર સર્કિટ લાગુ પડી હતી. કંપનીનો શેર અગાઉના રૂ. 70.85ના બંધ ભાવથી રૂ. 14.15ના ઉછાળે રૂ. 85ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 22,846 કરોડ પર જોવા મળ્યું હતું. બે સપ્તાહ અગાઉ લિસ્ટીંગ પછી શેરના ભાવમાં મજબૂતી જળવાય રહી છે.
સોમવારેના બંધ ભાવે કંપનીનો શેર રૂ. 32ના આઈપીઓ ભાવ સામે 165 ટકાનું મજબૂત રિટર્ન સૂચવતો હતો. ઈરેડાનું લિસ્ટીંગ તાતા ટેક્નોલોજીસ, ગાંધાર ઓઈલના એક દિવસ અગાઉ થયું હતું. કંપનીનો શેર 56 ટકા પ્રિમીયમ સાથે રૂ. 50ના ભાવે લિસ્ટ થયો હતો. જોકે, ત્યારપછી તેમાં અવિરત સુધારો નોંધાયો છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે કંપની લોંગ ટર્મ રોકાણની ખેલાડી છે. વર્તમાન ભાવે ઊંચા રિટર્નને જોતાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. કંપની ટૂંકમાં તેના રિટેલ ડિવિઝનને શરૂ કરશે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષોમાં નેટ પ્રોફિટમાં સરેરાશ 58 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
2024માં અનાજના ભાવોમાં 6 ટકા ઘટાડાની શક્યતાં
વૈશ્વિક બજારમાં અનાજના ભાવોમાં 2024માં 6 ટકા ઘટાડાની શક્યતાં હોવાનું ફિચ સોલ્યુશન્સના યુનિટ બીએમઆઈનું કહેવું છે. જોકે, ભારત તરફથી નિકાસ પ્રતિબંધોને જોતાં ચોખાના ભાવમાં ઘટાડો નહિ જોવા મળે તેમ તે જણાવે છે. બીએમઆઈએ 2024ને લઈને તેના મહત્વના એગ્રી થીમ્સમાં જણાવ્યું છે કે બજારો પ્રમાણમાં ટાઈટ સપ્લાય ધરાવતાં હશે. પુરવઠાની તંગીને લઈ ભાવમાં મજબૂતી જળવાઈ શકે છે. જોકે, બીજી બાજુ વિક્રમી પાકને કારણે મહત્વના પાકોમાં ભાવમાં ઘટાડો જોવા મળશે. તેના મતે મકાઈ, ઘઉં અને સોયાબિન જેવા પાકોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો સંભવ છે. 2023-24 સિઝનમાં કેટલાંક મુખ્ય ઉત્પાદક દેશોમાં વિક્રમી પાકને કારણે બજારમાં મંદી જોવા મળશે. રશિયા ખાતે ઘઉંનું ઉત્પાદન વિક્રમી જોવા મળે તેવી શક્યતાં છે. બીજી બાજુ બ્રાઝિલ પણ મકાઈ અને સોયાબિનનો ઊંચો પાક દર્શાવે તેવી શક્યતાં છે. વિશ્વ બેંકે તેના કોમોડિટી આઉટલૂકમાં નોંધ્યું છે કે વિશ્વમાં ખાદ્ય તેલના સપ્લાયમાં વૃદ્ધિ ચાલુ રહેશે. ખાસ કરીને સોયાબિન તેલનો સપ્લાય વધશે. કેમકે ચાલુ સિઝનમાં સોયાબિનનો પાક 9 ટકા ઊંચો રહેવાનો અંદાજ છે.
અદાણી પોર્ટફોલિયોએ અત્યાર સુધીનો સૌથી વધુ EBITDA વૃદ્ધિ દર્શાવી
ચાલુ નાણા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 47 ટકાની
ઉંચી છલાંગ સાથે રૂ. 43 હજાર કરોડનો આંકડો વટાવ્યો
અદાણી પોર્ટફોલિયોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાનો દેખાવ રજૂ કર્યો હતો. જેની પર નજર નાખતા જણાય છે કે 2023-24ના પ્રથમ છ મહિનામાં કંપનીનો એબિટા રૂ. 43,688 કરોડ(5.3 બિલિયન યુએસ ડોલર) રહ્યો હતો, જે વાર્ષિક ધોરણે 47 ટકા વૃદ્ધિ સૂચવે છે. આ વૃદ્ધિ પોર્ટફોલિયોના પાંચ વર્ષોના સરેરાશ 26.3 ટકા કરતાં ઊંચી જોવા મળે છે. એ નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળાના EBITDAએ નાણા વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ માટેના EBITDAને પાર કરી દીધો છે. ઉપરાંત છેલ્લાં બાર મહિનાનો એબિટા 2018-19ના એબિટા કરતાં લગભગ ત્રણ ગણો નોંધાયો છે.
જૂથના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસિસનો પ્રભાવશાળી દેખાવ આ વૃદ્ધિનું ચાલક બળ બની રહી છે. જે વાર્ષિક ધોરણે 52 ટકા વધી રૂ. 37,379 કરોડ રહ્યો હતો. જેનું કુલ એબિટામાં 86 ટકા યોગદાન રહ્યું છે. આ બિઝનેસિસમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસ અને અદાણી પોર્ટ્સનો સમાવેશ થાય છે. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસના નેતૃત્વ હેઠળ પોર્ટફોલિઓમાં કુલ એબિટામાં અસ્કયામતોનો ફાળો 8 ટકા છે. ઓછી કિંમતના ગ્રીન હાઇડ્રોજન ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગના ઉભરતા વ્યવસાયે 212 ટકા વાર્ષિક આવક વૃદ્ધિ અને 10 ગણી એબિટા વૃદ્ધિ દર્શાવી છે. અદાણી એન્ટરપ્રાઈઝીસ હેઠળના એરપોર્ટના બિઝનેસે પ્રથમ છ મહિનામાં 29% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી, આમ આવકમાં 42% વૃદ્ધિ થઈ હતી. અંબુજા અને એસીસીના સિમેન્ટ વ્યવસાય પોર્ટફોલિઓ માટે લાભદાયી પુરવાર થઇ રહયા છે. આ વ્યવસાયોનો આ સમયગાળા દરમિયાન એબિટા વાર્ષિક ધોરણે સિંગલ ડીજીટ વોલ્યુમના આધારે બે ગણાથી વધુ નોંધાયો છે. અદાણી ગ્રીન એનર્જી હેઠળના રિન્યુએબલ બિઝનેસે વાર્ષિક ધોરણે 76 ટકા એબિટા વૃદ્ધિ નોંધાવી છે, જેણે પાછળના-બાર મહિનાના આધારે પ્રથમવાર રુ. 8,325 કરોડનો સિમાચિહ્નરુપ એબિટા હાંસલ કર્યો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
અદાણી પાવરઃ અદાણી જૂથ કંપનીએ હાલમાં ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલાં લાંકો અમરકંટક પાવર માટે તેની ઓફરમાં સુધારો કર્યો છે. થર્મલ પાવર યુનિટ એવા અમરકંટક પાવર માટે અદાણી પાવરે રૂ. 4100 કરોડની નવી ઓફર મૂકી છે એમ જાણવા મળે છે. છ સપ્તાહોમાં અદાણી પાવરની આ બીજી સુધારેલી ઓફર છે. અગાઉ કંપનીએ પાવર પ્લાન્ટ માટે રૂ. 3650 કરોડની ઓફર કરી હતી.
એલઆઈસીઃ પીએસયૂ જીવન વીમા કંપની એલઆઈસીના બોર્ડે તેની એસેટ મેનેજમેન્ટ પાંખમાં રૂ. 25 કરોડના નવા ફંડ રોકાણને મંજૂરી આપી છે એમ કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. આ રોકાણ પ્રેફરન્શિયલ બેસીસ પર કરવામાં આવશે. 1989માં સ્થાપિત ફંડ હાઉસ નવેમ્બર 2009માં રૂ. 50 હજાર કરોડની એસેટ્સ સાથે છઠ્ઠી સૌથી મોટી એએમસી કંપની હતી. જોકે, જૂન 2023માં તેની એસેટ્સ ઘટી રૂ. 19 હજાર કરોડ પર જોવા મળી હતી.
જેએસડબ્યુ સ્ટીલઃ જેએસડબલ્યુ સ્ટીલની યુએસ પેટાકંપની તેના કેપિટલ એક્સપેન્ડિચરને પૂરું પાડવા માટે 14.5 કરોડ ડોલર ઊભાં કરી રહી છે. આ રકમનો ઉપયોગ ઓહાયો ખાતે કંપનીના સ્લેબ કાસ્ટીંગ મશીન્સ અને અન્ય સુવિધાઓના સુધારા માટે કરવામાં આવશે. આ માટે તે 14.5 કરોડ ડોલરના બોન્ડ્સ ઈસ્યૂ કરશે. જેને મૂડીઝે ‘Ba1’નું રેટિંગ આપ્યું છે. આ રકમ જીએસડબલ્યુ સ્ટીલ યુએસએ ઓહાયોને લોન તરીકે આપવામાં આવશે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ જણાવ્યું છે કે તેની સબસિડિયરી યુએસ ખાતે સિલ ઈન્ટિગ્રિટીના મુદ્દે મેડિકેશનના એક લોટને સ્વૈચ્છિકપણે રિકોલ કરી રહી છે. સિપ્લાની પેટાકંપની ઈન્વાજેન ફાર્માસ્યુટીકલ ઈન્ક, યુએસએ ઓરલ સોલ્યુશન, યુએસપી(500 ગ્રામ) માટે વિગાબેટ્રીનના એક લોટને કન્ઝ્યૂમર લેવલે પરત ખેંચી રહી છે. પાઉચમાંથી પાવડર લિકેજને જોતાં સીલ ઈન્ટિગ્રિટીના મુદ્દે તેણે આમ કરવાનો નિર્ણય લીધો છે.
સ્પાઈસજેટઃ એરલાઈન કંપની સ્પાઈસજેટે જણાવ્યું છે કે તે તેના શેર્સને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ટૂંક સમયમાં લિસ્ટ કરાવશે. એનએસઈ ખાતે લિસ્ટ થવા માટે નાણાકિય માપદંડો સહિત ઘણી જરૂરિયાતો રહેલી છે.