Market Summary 11 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારો પાછળ નરમાઈ સાથે સપ્તાહની શરૂઆત
એશિયન બજારોમાં હોંગ કોંગ-ચીનમાં 3-3 ટકાનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 18.27
સિમેન્ટ અને એનર્જી સેક્ટરમાં મજબૂતી
પરિણામો પૂર્વે આઈટી સેક્ટરમાં સાર્વત્રિક વેચવાલી
બ્રોડ માર્કેટમાં લેવાલી પાછળ બ્રેડ્થ મજબૂત

શેરબજારમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. વૈશ્વિક બજારો અને તેમાં પણ ખાસ કરી એશિયન બજારમાં સાર્વત્રિક નરમાઈ પાછળ ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ બાદ સતત રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 482.61 પોઈન્ટ્સ ગગડી 58964.57ની સપાટીએ જ્યારે નિફ્ટી 109.40 પોઈન્ટ્સના ઘટાડે 17674.95ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 3.3 ટકા ઘટાડે 18.27ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 20 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 30 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જળવાય હતી અને માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી.
નવા સપ્તાહે એશિયન બજારોએ નરમાઈ સાથે કામકાજની શરૂઆત દર્શાવી હતી. જેની પાછળ ભારતીય બજારે પણ ગેપ-ડાઉન ઓપનીંગ નોંધાવ્યું હતું. નિફ્ટી 17741ની સપાટીએ ખૂલ્યાં બાદ ઈન્ટ્રા-ડે 17651ના તળિયા પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને 17400-17500ની રેંજમાં સપોર્ટ મળી શકે છે. હજુ સુધી ટ્રેન્ડ રિવર્સલ જોવા મળ્યો છે તેમ કહી શકાય નહિ. જોકે સોમવારનો ઘટાડો અણકલ્પ્યો હતો. ગયા શુક્રવારે આરબીઆઈએ રેટ સ્થિર જાળવી રાખતાં બજારમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ બન્યું હતું. જોકે બોન્ડ યિલ્ડ્સમાં સુધાર ચાલુ રહ્યો હતો. સોમવારે તે 7.15 ટકાની ત્રણ વર્ષની ટોચ પર જોવા મળ્યાં હતાં. એશિયન બજારોમાં હોંગ કોંગ અને ચીનના બજાર 3 ટકા સુધીનો તીવ્ર ઘટાડ દર્શાવતાં હતાં. જ્યારે જાપાન, તાઈવાન, કોરિયા અને સિંગાપુર પણ રેડિશ જોવા મળી રહ્યાં હતાં. બપોરે યુરોપમાં મિશ્ર માહોલ હતો. આમ બજારોમાં સમગ્રતયા સેન્ટિમેન્ટ નરમ જોવા મળી રહ્યું હતું. જો નિફ્ટી 18200ની સપાટી પર બંધ રહેશે તો જ નવી તેજી જોવા મળી શકશે એમ માનવામાં આવે છે. ત્યાં સુધી તે 17400-18000ની રેંજમાં અથડાતો રહેશે. મંગળવારથી ચોથા ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થવા જઈ રહી છે. જેમાં આઈટી કંપનીઓ ઈન્ફોસિસ અને ટીસીએસના પરિણામોથી સિઝનના શ્રીગણેશ થશે. જોકે આઈટી કંપનીઓમાં સોમવારે ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.4 ટકા જેટલો ગગડ્યો હતો. એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા ટોચના આઈટી કાઉન્ટર્સ 2-3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી ઈન્ડેક્સ પણ નરમાઈ દર્શાવતો હતો. જ્યારે એનર્જી ઈન્ડેક્સમાં 2.7 ટકાનો સુધારો નોંધાયો હતો. જેનું મુખ્ય કારણ અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 15 ટકાનો તીવ્ર ઉછાળો હતો. કંપનીનો શેર રૂ. 2700ની સપાટી કૂદાવી ગયો હતો. તેમજ રૂ. 4 લાખ કરોડના માર્કેટ-કેપ પર બંધ રહ્યો હતો. જાહેર સાહસોના શેર્સમાં પણ ટોન પોઝીટીવ હતો. જેની પાછળ પીએસઈ ઈન્ડેક્સ 0.6 ટકા મજબૂતી દર્શાવતો હતો.
સિમેન્ટ કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. અંબુજા સિમેન્ટ્સ 7 ટકા ઉછાળા સાથે એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સૌથી સારો ઉછાળો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી કાઉન્ટર્સમાં ગ્રાસિમ 3 ટકા સુધારો દર્શાવતો હતો. એફએન્ડઓ કાઉન્ટર્સમાં ઓબેરોય રિઅલ્ટી, હિંદુસ્તાન એરોનોટિક્સ, ટોરેન્ટ પાવર, એસીસી પણ 3 ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3685 કાઉન્ટર્સમાંથી 2099 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1456 નેગેટિવ જોવા મળતાં હતાં. 130 કાઉન્ટર્સે ફ્લેટ બંધ આપ્યું હતું. 263 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 14 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 15 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 4 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.62 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ સાધારણ નેગેટિવ જોવા મળતો હતો.


અદાણી ગ્રીન રૂ. 4 લાખ કરોડનું M-CAP કૂદાવી ગઈ
અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીનો શેર સોમવારે 15 ટકા ઉછળીને રૂ. 2665.15ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 4.17 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે સાથે તે દેશમાં ટોચની 10 માર્કેટ-કેપ કંપનીઓમાં સમાવેશની ખૂબ નજીક પહોંચી ગયો હતો. સોમવારે ભારતી એરટેલ રૂ. 4.23 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે 10મા ક્રમે જોવા મળતી હતી. આમ અદાણી ગ્રીન એનર્જીનો શેર માત્ર રૂ. 6 હજારના માર્કેટ-કેપથી છેટે રહી ગયો હતો. કંપનીએ આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક જેવી દિગ્ગજ કંપનીઓને માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધી છે. અન્ય જૂથ કંપનીઓના શેર્સમાં પણ સોમવારે અપર સર્કિટ્સ જોવા મળી હતી. જેમાં અદાણી ટોટલ ગેસ 10 ટકા ઉછળી રૂ. 2665 પર બંધ રહ્યો હતો. અદાણી ટ્રાન્સમિશન 8.5 ટકા ઉછળી રૂ. 2757ના સ્તરે બંધ રહ્યો હતો. અદાણી પાવર 5 ટકા જ્યારે અદાણી વિલ્મેર 5 ટકાની અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
ગોલ્ડ પ્લસ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝે ડીઆરએચપી ફાઈલ કર્યું
દેશમાં ફ્લોટ ગ્લાસ ઉત્પાદન ક્ષમતામાં 16 ટકા હિસ્સા સાથે બીજી સૌથી મોટી કંપની ગોલ્ડ પ્લસ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝે આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપનીની ઓફરમાં રૂ. 300 કરોડના ફ્રેશ ઈક્વિટી ઈશ્યુનો સમાવેશ થાય છે. સાથે ઈન્વેસ્ટર્સ તરફથી ઓફર ફોર સેલ પણ રહેશે. આઈપીઓમાંથી મેળવાયેલી રકમનો ઉપયોગ રૂ. 200 કરોડની ડેટ ચૂકવણીમાં તથા કાર્યકારી મૂડી તરીકે થશે.
સ્ટીલ કંપનીઓ ઈન્ડો-ઓસ્ટ્રેલિયા FTA બાદ સસ્તાં કોલ માટે આશાવાદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગયા સપ્તાહે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(એફટીએ) બાદ સ્ટીલ કંપનીઓ સસ્તાં કોલની આયાત પાછળ તેમના ખર્ચમાં 50 ટકા જેટલા ઘટાડાની અપેક્ષા રાખી રહી છે. બે વર્ષો સુધી ચર્ચા-વિચારણા કર્યાં બાદ બંને દેશએ ઐતિહાસિક ટ્રેડ ડીલ પર સાઈન કર્યું હતું. જેને કારણે અન્ય લાભો ઉપરાંત ભારતને 96.4 ટકા નિકાસ માટે ડ્યુટી ફ્રી એક્સેસ પ્રાપ્ય બનશે. બંને સરકારો આ ડીલને કારણે આગામી પાંચ વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર 45-50 અબજ ડોલર પર પહોંચે તેવી અપેક્ષા ધરાવે છે.
ડોલર સામે રૂપિયો 6 પૈસા ગગડ્યો
સોમવારે નવા સપ્તાહે ડોલર સામે રૂપિયો 75.96ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. ગ્રીન બેક સામે રૂપિયો 75.91ની સપાટી પર ખૂલ્યો હતો. જોકે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ પાછળ રૂપિયો ઘટાડાતરફી રહ્યો હતો અને કામકાજને અંતે અગાઉના બંધ સામે 6 પૈસા નરમાઈ સાથે બંધ રહ્યો હતો.


નિફ્ટી કંપનીઓ તરફથી માર્ચ ક્વાર્ટરમાં 29 ટકા અર્નિંગ્સ વૃદ્ધિની સંભાવના
ઈન્ડેક્સ કંપનીઓ 2020-21ના માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1.25 લાખ કરોડ સામે 2021-22માં રૂ. 1.61 લાખ કરોડનો વિક્રમી નફો નોંધાવે તેવી શક્યતાં
બેંક્સ, ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ તથા ટાટા મોટર્સ નેટ પ્રોફિટમાં વૃદ્ધિની આગેવાની લેશે
શેરમાર્કેટ મધ્યસ્થીઓના મતે જાન્યુઆરી-માર્ચ 2022 ક્વાર્ટરમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં સમાવિષ્ટ દેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ દ્વિઅંકી અર્નિંગ્સ ગ્રોથ દર્શાવે તેવી શક્યતાં છે. બ્રોકરેજિસના અંદાજમાં જણાવ્યા મુજબ ઈન્ડેક્સમાં સમાવેશ ધરાવતી કંપનીઓન સંયુક્ત નેટ પ્રોફિટ માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 29.1 ટકાની વૃદ્ધિ દર્શાવે તેવી સંભાવના છે. સાથે તે રૂ. 1.61 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પણ જોવા મળશે. જે 2020-21માં સમાનગાળામાં રૂ. 1.25 લાખ કરોડ પર હતો.
કોર્પોરેટ અર્નિંગ્સમાં વૃદ્ધિની આગેવાની સાઈક્લિકલ સેક્ટર્સ જેવાકે બેંકિંગ, ફાઈનાન્સ અને ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ) અને ઓઈલ એન્ડ ગેસ તેમજ ટાટા મોટર્સ દ્વારા લેવામાં આવે તેવી શક્યતાં છે. ટાટા મોટર્સ ચોથા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં મોટ સ્વિન્ગ દર્શાવે તેવી શક્યતાં છે. બીજી બાજુ માઈનીંગ અને મેટલ્સ મંદ અર્નિંગ્સ ગ્રોથ દર્શાવે તેવી ધારણા છે. જેના કારણોમાં ઊંચી બેઝ ઈફેક્ટ અને ઈનપુટ કોસ્ટમાં તીવ્ર ઉછાળો છે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 20 સાઈક્લિકલ કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 38.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.01 લાખ કરોડ પર જોવા મળે તેવી શક્યતાં છે. જે વર્ષ અગાઉ રૂ. 73000 કરોડ પર હતો. આની સરખામણીમાં નોન-સાઈક્લિકલ્સનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 15.5 ટકા વૃદ્ધિ દર્શાવી રૂ. 60 હજાર કરોડ પર રહે તેવો અંદાજ છે. એક વર્ષ અગાઉ તે રૂ. 52 હજાર કરોડ પર હતો. સાથે જ રેવન્યૂ ગ્રોથ પણ સાઈક્લિકલ્સ દ્વારા જ ચલિત હશે. જેમાં ઓઈલ એન્ડ ગેસ અને માઈનીંગ એન્ડ મેટલ્સ કંપની તેમની આવકમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. જેનું મુખ્ય કારણ પ્રોડક્ટના ભાવમાં ઊંચો વધારો છે. ઈન્ડેક્સ કંપનીઓનું કુલ ચોખ્ખું વેચાણ 32 ટકા વૃદ્ધિની અપેક્ષાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 14.18 લાખ કરોડ પર રહેવાની અપેક્ષા છે. જે વર્ષ અગાઉ રૂ. 10.76 લાખ કરોડ પર હતું. ઈન્ડેક્સમાં આવેલી 20 સાઈક્લિકલ્સ કંપનીઓનું સંયુક્ત નેટ વેચાણ 39.9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9.7 લાખ કરોડ પર રહે તેવી ધારણા છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.93 લાખ કરોડ પર હતું. બીજી બાજુ નોન-સાઈક્લિકલ કંપનીઓનું નેટ વેચાણ વાર્ષિક ધોરણે 17 ટકા વધી રૂ. 4.48 લાખ કરોડ પર રહેશે. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 3.83 લાખ કરોડ પર હતું. નોન-સાઈક્લિકલ સેગમેન્ટમાં સૌથી મોટું એવું આઈટી ક્ષેત્ર ચોખ્ખા નફામાં વાર્ષિક ધરણે 13.8 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. તે રૂ. 23600 કરોડ પર જોવા મળી શકે છે. જ્યારે ટોચની પાંચ આઈટી કંપનીઓનું નેટ સેલ્સ 20 ટકા વધી રૂ. 1.39 લાખ કરોડ પર રહેવાની અપેક્ષા છે. ઈન્ડેક્સમાં સમાવવામાં આવેલી 9 કંપનીઓ વાર્ષિક ધોરણે અર્નંગ્સમાં ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. જેમાં ભારત પેટ્રોલિયમ ટોચ પર જોવા મળી શકે છે. કંપનીના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 46.8 ટકાના ઘટાડાની અપેક્ષા છે.


એફપીઆઇએ 2021-22માં આઇટી સેક્ટરમાંથી જંગી રોકાણ પાછું ખેંચ્યું
વિતેલા નાણા વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ. 50 હજાર કરોડનું વેચાણ કર્યું
નાણાકીય વર્ષ 2022માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ભારતીય આઇટી સર્વિસસ સેક્ટરમાં સેલ-ઓફ મોડમાં હતાં. એક અંદાજ મૂજબ પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે સોફ્ટવેર એન્ડ સર્વિસિસ સેક્ટરમાંથી રૂ. 50,000 કરોડ પાછા ખેંચ્યાં છે. તેની સાથે આ વિદેશી ભંડોળ ગુમાવનાર બીજા ક્રમનું સૌથી મોટું સેક્ટર બન્યું છે. ગત નાણાકીય વર્ષમાં બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરે સૌથી વધુ રૂ. 82,398 કકોડનું ભંડોળ ગુમાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આઇટી ઇન્ડસ્ટ્રી છેલ્લાં 15 વર્ષમાં સૌથી વધુ વેજ ઇન્ફ્લેશનનો સામનો કરી રહી છે, જેના કારણે નફામાં વૃદ્ધિની અપેક્ષાઓ અંગે રોકાણકારોમાં સાધારણ ચિંતા સર્જાઇ છે. કોવિડના સમયમાં મોટાભાગના આઇટી સ્ટોક્સમાં જબરદસ્ત વધારો થયો હતો કારણકે ડિજિટાઇઝેશન તરફ ઝોંક વધ્યો હતો. જોકે, ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો કરતાં વિશેષ કરીને આઇટી સેક્ટર બાબતે રોકાણકારોની ચિંતા વધી છે. વૈશ્વિક બજારોમાં વ્યાજદરોમાં વધારો, યુએસ ફેડ રિઝર્વ દ્વારા આર્થિક રાહતો પાછી ખેંચાતા તથા ભારતીય બજારોમાં જબરદસ્ત તેજી બાદ સ્ટોકના અવ્યવસ્થિત વેલ્યુએશનને કારણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ રૂ. 1.40 લાખ કરોડનું વિદેશી ભંડોળ પાછું ખેંચાયું છે. ઓક્ટોબર 2021થી જ એફપીઆઇએ બેંકો અને આઇટીમાં જંગી વેચવાલી કરી છે.
ફેડરલ રિઝર્વની આકરી નીતિને કારણે વૈશ્વિક બજારો દબાણ અનુભવી રહ્યાં છે ત્યારે એફપીઆઇ ભારતીય સ્ટોક્સ ઓવર-વેલ્યુ હોવાનું જોઇ રહ્યાં છે. માર્ચ 2022 સુધીમાં સોફ્ટવેર અને સર્વિસિસમાં એફપીઆઇ એસેટ્સ રૂ. 6.74 લાખ કરોડ હતી, જે ભારતમાં તેની કુલ ઇક્વિટી એસેટ્સ કરતાં 14 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2021માં એફપીઆઇ સેક્ટરમાં મુખ્ય ખરીદદાર હતી અને નેટ ઇનફ્લો રૂ. 3,028 કરોડ હતો અને નાણાકીય વર્ષ 2020માં રૂ. 21,238 કરોડ સાથે નેટ સેલર્સ હતાં.


ઇક્વિટી ટ્રેડિંગમાં ગયા નાણા વર્ષે તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ કામકાજમાં 2.6 ગણી વૃદ્ધિ જોવા મળી
કેશ સેગમેન્ટમાં વોલ્યુમમાં 9 ટકા વધારો
માર્જીનના સખત ધોરણો હોવાં છતાં પણ ઇક્વિટી માર્કેટ વોલ્યુમે નાણાકીય વર્ષ 2021-22માં વાર્ષિક ધોરણે મજબૂત વોલ્યુમ નોંધાવ્યું છે. ઇક્વિટી કેશ માર્કેટે 9 ટકા વૃદ્ધિ સાધી છે તથા ડેરિવેટિવ્સ વોલ્યુમ 2.6 ગણું વધ્યું છે. વર્ષ દરમિયાન માર્જીનના ધોરણોની રજૂઆતને કારણે ડેરિવેટિવ્સમાં ઉંચી વૃદ્ધિ થઇ છે. ડિસેમ્બર 2020ની શરૂઆતમાં પીક માર્જીનના ધોરણો લાગુ કરવામાં આવ્યાં હતાં. ડિસેમ્બર 2020 અને ફેબ્રુઆરી 2021 દરમિયાન ટ્રેડર્સે પીક માર્જીનના ઓછામાં ઓછા 25 ટકા જાળવવા જરૂરી હતાં. માર્જીન માર્ચ અને મે 2021 દરમિયાન વધારીને 50 ટકા કરાયું હતું. તેને ઓગસ્ટ સુધી વધારીને 75 ટકા કરાયું હતું અને આખરે સપ્ટેમ્બર 2021થી 100 ટકા કરાયું હતું. વધુમાં સપ્ટેમ્બરથી બ્રોકરેજ કંપનીઓને ઇક્વિટી અને ડેરિવેટિવ્સ ટ્રેડિંગ માટે વધારાના ઇન્ટ્રાડે લીવરેજીસ આપવાની મંજરી અપાઇ ન હતી. માર્ચ 2022માં કેશ વોલ્યુમમાં માસિક ધોરણે 12 ટકાનો વધારો થયો હતો, જ્યારે કે ઓપ્શન વોલ્યુમ 4 ટકા ઘટ્યાં છે. ઇક્વિટી સેગમેન્ટમાં માર્ચ 2020માં એનએસઇનું એવરેજ ડેઇલી ટ્રેડિંગ વોલ્યુમ (એડીટીવી) માસિક ધોરણે 13 ટકા વધીને રૂ. 65,900 કરોડ થયું છે, જ્યારે કે બીએસઇનું માસિક ધોરણે 5 ટકા વધીને રૂ. 5,100 કરોડ થયું છે. ઓપ્શન સેગમેન્ટમાં એનએસઇનું એડીટીવી વોલ્યુમ માર્ચ 2022માં 5 ટકા ઘટ્યું છે કારણકે ઇન્ડિયા વીઆઇએક્સ 28 ટકા ઘટ્યો હતો. એનએસઇનું ઇક્વિટી ડેરિવેટિવ્સ એડીટીવી માર્ચ 2022માં રૂ. 96 ટ્રિલિયન નોંધાયું હતું, જે માસિક ધોરણે 5 ટકા ઓછું છે. તેનું મુખ્ય કારણ ઓપ્શન વોલ્યુમમાં ઘટાડો છે. બીજી તરફ બીએસઇના ઓપ્શન માસિક ધોરણે 3 ટકા વધીને માર્ચ 2022માં રૂ. 2.5 ટ્રિલિયન થયાં છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

શ્રીરામ જનરલઃ ઈન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆર શ્રીરામ જનરલ ઈન્શ્યોરન્સમાં 9.99 ટકા હિસ્સાની ખરીદી કરશે. યુએસ સ્થિત રોકાણકારે આ માટે શ્રીરામ જનરલ સાથે એક એગ્રીમેન્ટ પણ સાઈન કર્યો છે. 2008માં સ્થાપિત કંપની શ્રીરામ કેપિટલ અને સનલામ લિ.નું સંયુક્ત સાહસ છે.
હિંદુસ્તાન એરોનોટિક્સઃ એચએએલ અને લાર્સન એન્ડ ટુબ્રોનું કોન્સોર્ટિયમ ઈસરો માટે 5 પોલાસ સ્પેસ લોંચ વેહીકલ્સ બનાવવા માટે સૌથી સસ્તાં બીડર્સ તરીકે ઉભર્યું છે. પ્રથમવાર ઉદ્યોગ એલવીનું બાંધકામ કરશે અને અન્ય એલવીના કમર્સિયલાઈઝેશન માટે માર્ગ મોકળો કરશે.
એસએમસી લાઈફઃ યુએસએફડીએએ કંપનીની તેલંગાણા સ્થિત એપીઆઈ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીનું ઈન્સ્પેક્શન કોઈપણ પ્રકારના ઓવ્ઝર્વેશન્સ વિના પૂર્ણ કર્યું છે.
સિમેકઃ કંપની કન્સોર્ટિયમ પાર્ટનર પોશ ઈન્ડિયા ઓફશોર સાથે મળીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગ્રણી લાર્સન એન્ડ ટુબ્રો સાથે સમજૂતી કરારમાં પ્રવેશ કર્યો છે.
એબીબી ઈન્ડિયાઃ કંપનીએ વડોદરા ખાતે ડિજીટલ સબસ્ટેશન પ્રોડક્ટ્સ અને ડિજીટલ સિસ્ટમ્સ ફેક્ટરી શરૂ કરી છે. એબીબી ઈન્ડિયાના સૌથી મોટા ઉત્પાદન કેમ્પસમાં સ્થિત નવી ફેક્ટરી ભારતમાં અને 50થી વધુ દેશોમાં ડિજીટલ સબસ્ટેશન ઉત્પાદનો અને ડિજીટલ સોલ્યુશન્સની વિશાળ શ્રેણીની માંગ સંતોષશે.
કેર રેટિંગ્સઃ નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે રેટિંગ એજન્સી કેર રેટિંગ્સમાં વધુ 5,17,281 ઈક્વિટી શેર્સની ખરીદી કરી તેના હિસ્સામાં વૃદ્ધિ નોંધાવી છે.
ટાટા સ્ટીલઃ એનસીએલટીએ કંપની દ્વારા રોહિત ફેરો-ટેકની ખરીદી માટે રજૂ કરવામાં આવેલા રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે.
ટાટા મોટર્સઃ કંપનીની પેટાકંપની જેએલઆર સતત સેમીકંડક્ટર રિસ્કનો સામનો કરી રહી છે. જેનો ખ્યાલ કંપનીના રિટેલ વેચાણમાં 36 ટકા જેટલા ઘટાડામાંથી આવી રહ્યો છે.
ડો. રેડ્ડીઝ લેબોઃ કંપની પ્રમોટર જૂથ સાથે 22 એપ્રિલે એમાલ્ગમેશન સ્કીમને અમલી બનાવશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage