માર્કેટ સમરી
ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફરતો નિફ્ટી
ભારતીય બજારમાં સતત બીજા દિવસે ઈન્ટ્રા-ડે વોલેટિલિટી જોવા મળી હતી. પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ બજાર શરૂઆતી બે કલાક દરમિયાન ઘસાતું રહ્યું હતું. એક તબક્કે સેન્સેક્સ 300 પોઈન્ટ્સથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. જોકે ત્યારબાદ મેટલ ક્ષેત્રના સહારે બજારમાં બાઉન્સ જોવા મળ્યું હતું અને નિફ્ટી 2 પોઈન્ટ્સ સુધારા સાથે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે બેંક નિફ્ટી, નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ સહિત મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. એકમાત્ર નિફ્ટી મેટલમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
ઝાયડસ કેડિલાએ રૂ. 587 કરોડનો નફો નોંધાવ્યો
અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ કેડિલાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 587 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 29 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 15 ટકા વધી રૂ. 4025 કરોડ રહી હતી. કંપનીના એબિટા માર્જિન 23.2 ટકા પર રહ્યાં હતાં. જેણે ત્રિમાસિક ધોરણે 1.4 ટકા સુધારો નોંધાવ્યો હતો. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 18 ટકા વધી રૂ. 933 કરોડ રહ્યો હતો. કંપનીના ભારતમાંનો બિઝનેસે આવકમાં 50 ટકા યોગદાન દર્શાવ્યું હતું. તે વાર્ષિક ધોરણે 43 ટકા વૃદ્ધિ પામ્યો હતો. સ્થાનિક બજારમાં કુલ વેચાણ રૂ. 1943 કરોડ રહ્યું હતું. જ્યારે તેના યુએસ બિઝનેસનું કુલ વેચાણ રૂ. 1451 કરોડ રહેવા પામ્યું હતું. જ્યારે યુએસ સિવાયના વૈશ્વિક બિઝનેસમાં 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 277 કરોડ પર રહ્યો હતો.
ફાર્મઈઝીની એક અબજ ડોલરના આઈપીઓની વિચારણા
ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો બાદ એક પછી એક ન્યૂ એજ ટેક પ્લેયર્સ બજારમાંથી ફંડ ઉઘરાવવાની હરોળમાં જોવા મળે છે. દેશમાં સૌથી મોટા ઓનલાઈન મેડિસીન વિક્રેતા ફાર્મઈઝી પણ આઈપીઓ મારફતે એક અબજ ડોલર ઊભા કરવાની વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ છે. પેટીએમ અને પોલીસીબજારે આઈપીઓની તૈયારી શરૂ પણ કરી દીધી છે. ત્યારે રૂ. 7500 કરોડના આઈપીઓ સાથે ફાર્મઈઝી પણ મોટો આઈપીઓ બની રહેશે. કંપની 2015માં શરૂ થઈ હતી અને તેણે 50 લાખ ગ્રાહકોને 1.5 કરોડથી વધુ ઓર્ડર્સ ડિલીવર કર્યાં છે.
એશિયન ગ્રેનિટોની એસ્ટ્રોન પેપરમાંથી એક્ઝિટ
સિરામિક ટાઈલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનિટોએ તેની સહયોગી કંપની એસ્ટ્રોન પેપરમાંની તેના સમગ્ર હિસ્સાનું રૂ. 46.94 કરોડમાં વેચાણ કર્યું છે. કંપની આ રકમનો ઉપયોગ કાર્યકારી મૂડી માટે કરશે. એશિયન ગ્રેનિટોએ મંગળવારે શેરબજાર પર બ્લોક ડિલમાં એસ્ટ્રોન પેપરના 18.87 ટકા હિસ્સાનું પ્રતિ શેર રૂ. 53.5ના ભાવે વેચાણ કર્યું હતું. તેણે કુલ 87.75 લાખ શેર્સ વેચ્યાં હતાં.
બ્રેન્ટ ક્રૂડ વાયદામાં 2 ટકાનો ઘટાડો
ચાલુ સપ્તાહે ક્રૂડના ભાવમાં એકાંતરે દિવસે મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. સોમવારે 4 ટકાના ઘટાડા બાદ મંગળવારે રિકવરી બાદ બુધવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકા ઘટાડે 69.28 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ઓગસ્ટ ક્રૂડ વાયદો 2.6 ટકા ઘટાડા સાથે રૂ. 4979ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નાયમેક્સ ડબલ્યુટીઆઈ ક્રૂડ વાયદો 2.05 ટકા નરમાઈ સાથે 66.89 ડોલર પર ટ્રેડ થતો હતો.
યુએસ સેનેટમાં ટ્રિલીયન ડોલરનું ઈન્ફ્રા બિલ પસાર છતાં મેટલ શેર્સમાં તેજી
મંગળવારે ડાઉ જોન્સ યુએસ આર્યન એન્ડ સ્ટીલ ઈન્ડેક્સ 7 ટકા ઉછળ્યો
સ્ટીલ-એલ્યુમિનિયમ શેર્સમાં તેજી પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 3.2 ટકાનો સુધારો
યુએસ સેનેટે મંગળવારે બાઈડન એડમિનિસ્ટ્રેશનના મહત્વાકાંક્ષી એક ટ્રિલિયનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલને મંજૂરી આપતાં યુએસ સહિત વૈશ્વિક મેટલ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી. મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ યુએસ આર્યન એન્ડ સ્ટીલ ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 420.66ની 13 વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો તો સ્થાનિક શેરબજારમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.2 ટકા ઉછળ્યો હતો.
બુધવારે ભારતીય બજારમાં મેટલ ઈન્ડેક્સને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો શરૂઆતથી નરમાઈ દર્શાવતાં હતાં. મેટલ શેર્સ ગેપ-અપ ઓપનીંગ સાથે મજબૂત ખૂલ્યાં હતાં અને દિવસ દરમિયાન સુધરતાં રહ્યાં હતાં. તેમણે દિવસ દરમિયાન 7 ટકા સુધીનો ઉછાળો દર્શાવ્યો હતો. માર્કેટ વર્તુળોના મતે હાલમાં ચીન ખાતે મેટલના ડિમાન્ડ-સપ્લાયમાં મોટો ગેપ જોવા મળી રહ્યો છે. છેલ્લા દાયકામાં વૈશ્વિક બજારમાં મોટાપાયે નિકાસકર્તા બનેલું ચીન હવે સ્થાનિક માગ પૂરી કરવા આયાત કરી રહ્યું છે. ત્યાંની સરકારે તાજેતરમાં મેટલ પ્રોડક્ટ્સ પરની નિકાસ પર ડ્યુટી લાગુ પાડી છે અને તેથી તેનો લાભ વિશ્વમાં ત્રીજા મોટા ઉત્પાદક ભારતને થશે. જોકે ભારત પાસે પણ મોટું સરપ્લસ ઉત્પાદન નથી. બીજું વૈશ્વિક માગ પાછળ ભાવમાં તેજી સ્થાનિક સરકારને નિકાસ પ્રતિબંધો માટે પ્રેરી શકે છે. જોકે હાલમાં તો ભારતીય મેટલ કંપનીઓ ઐતિહાસિક માર્જિન મેળવી રહી છે. તેઓ કાચી સામગ્રીમાં જોવા મળતી વૃદ્ધિને એન્ડ યુઝર્સ પર પસાર કરી શકી છે. સ્ટીલ કંપનીઓ માટે એક અન્ય મહત્વની બાબત એ છે કે આર્યન ઓરના ભાવમાં છેલ્લાં કેટલાક દિવસોથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તે 3-મહિનાના નીચા સ્તરે જોવા મળ્યાં છે. આમ તેમને હંગામી ધોરણે નોંધપાત્ર લાભ થયો છે. આ કારણે સ્ટીલ શેર્સમાં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. એનાલિસ્ટ્સના મતે છેલ્લા બે દાયકામાં ભારત ખાતેથી આર્યન ઓરની મોટાપાયે નિકાસ જોવા મળતી હતી. જોકે હવે ફિનિશ્ડ ગુડ્ઝની નિકાસ જોવા મળશે અને તેનો લાભ સ્ટીલ અને એલ્યુમિનિયમ કંપનીઓને થશે.
બુધવારે શેરમાં અગ્રણી એલ્યુમિનિયમ ઉત્પાદક વેદાંતનો શેર 6.5 ટકા ઉછળી તેની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 304.75ના બંધ સામે રૂ. 19.70 ઉછળી રૂ. 324.45 પર બંધ રહ્યો હતો. પીએસયૂ સ્ટીલ ઉત્પાદક કંપની સેઈલનો શેર 6 ટકા ઉછળી રૂ. 134.75 પર બંધ જોવા મળ્યો હતો. શરૂઆતી દોરમાં સ્થિર જોવા મળેલા કાઉન્ટરમાં પાછળથી ભારે ખરીદી જોવા મળી હતી અને રૂ. 127.60ના દિવસના તળિયાથી તે સુધરતો રહી રૂ. 135.25ની ટોચ પર જોવા મળ્યો હતો. કાઉન્ટરમાં જંગી વોલ્યુમ જોવા મળ્યું હતું. ખાનગી ક્ષેત્રના સ્ટીલ ઉત્પાદક જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર 5.22 ટકા સુધારા સાથે રૂ. 421.35ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય કેટલાક મેટલ કાઉન્ટર્સમાં નાલ્કો(5.17 ટકા), ટાટા સ્ટીલ(4 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(3.73 ટકા), રત્નમણિ મેટલ(3.16 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 5760ની ટોચ પર જોવા મળ્યો હતો. તેણે ત્રણ દિવસ અગાઉ 5905ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
બુધવારે મેટલ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં)
વેદાંત 6.5
સેઈલ 6.0
જિંદાલ સ્ટીલ 5.3
નાલ્કો 5.2
ટાટા સ્ટીલ 4.0
જેએસડબલ્યુ સ્ટીલ 3.8
રત્નમણિ મેટલ 3.2
વેલસ્પન કોર્પ 2.7
હિંદાલ્કો 2.3
કંપની સમાચાર
ગુજરાત આલ્કલીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 63.1 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 34.7 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 470 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 716 કરોડ રહી હતી.
આયોન એક્સચેન્જઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 23.9 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17.7 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 265 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 314 કરોડ રહી હતી.
લિંકન ફાર્માઃ કંપનીએ વાર્ષિક ધોરણે 15.92 ટકા વૃદ્ધિ સાથે જૂન ક્વાર્ટરમાં રૂ. 17.38 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 14.99 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 103 કરોડની સરખામણીમાં 18.49 ટકા ઉછળી રૂ. 122.06 કરોડ પર જોવા મળી હતી.
ગેલેક્સિ સર્ફેક્ટન્ટસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 76.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 56.5 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 607 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 826 કરોડ રહી હતી.
હેરંબા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 47.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28.5 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 269 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 351 કરોડ રહી હતી.
આહલૂવાલિયા કન્સ્ટ્રક્શનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 34.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7.5 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 250 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 580 કરોડ રહી હતી.
હોન્ડા પાવરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 19.8 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 7 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 110 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 264 કરોડ રહી હતી.
ઈન્ડિયા ગ્લોયકોલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 201 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.7 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 816 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1651 કરોડ રહી હતી.
અનુપમ રસાયણઃ કંપનીએ જૂન કવાર્ટરમાં રૂ. 32.12 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 22 લાખનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 134.6 કરોડથી વધી રૂ. 237.9 કરોડ જોવા મળી હતી.
મઝગાંવ ડોકઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 259 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 74 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1031 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1103 કરોડ રહી હતી