માર્કેટ સમરી
યુએસ CPI ડેટાએ રાહત આપતાં શેરબજારોમાં સાર્વત્રિક તેજી
સેન્સેક્સે 59 હજારની સપાટી કૂદાવી
આઈટી અને બેંકિંગ તરફથી સાંપડેલો મુખ્ય સપોર્ટ
એફએમસીજી, ઓટો, મેટલ અને એનર્જીમાં વિરામ
બ્રોડ માર્કેટમાં મજબૂત સેન્ટિમેન્ટ પાછળ બ્રેડ્થ પોઝીટીવ
ICICI બેંકે ફરી રૂ. 6 લાખ કરોડનું M-Cap દર્શાવ્યું
સિટી ગેસ કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી
સારા પરિણામો પાછળ ઈન્ડિયન હોટેલ્સ નવી ટોચે
યુએસ ખાતે જુલાઈ માટેનો સીપીઆઈ ઈન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતાં નીચો જોવા મળતાં ડોલર સિવાય અન્ય તમામ એસેટ ક્લાસિસમાં મજબૂતી જોવા મળી હતી. છેલ્લાં કેટલાંક સત્રોથી અવિરત તેજી દર્શાવી રહેલા ભારતીય શેરબજાર ઉપરાંત એશિયન બજારોમાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. સ્થાનિક બેન્ચમાર્ક્સ તેમની ચાર મહિના ઉપરની ટોચ પર ટ્રેડ થયાં હતાં. બીએસઈ સેન્સેક્સ 515 પોઈન્ટ્સ ઉછળી 59 હજારની સપાટી પાર કરી 59332ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 124 પોઈન્ટ્સના ઉછાળે 17659ની સપાટી પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં જળવાયેલી લેવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સમાં પોઝીટીવ બ્રેડ્થ જોવા મળતી હતી. ઈન્ડેક્સના 50માંથી 30 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ સૂચવતાં હતાં. જ્યારે 20માં ઘટાડો નોંધાયો હતો. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ પસંદગીની ખરીદી પાછળ બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.33 ટકા ગગડી 18.35ની સપાટીએ જોવા મળ્યો હતો.
બુધવારે રાતે યુએસ ખાતે જુલાઈ ઈન્ફ્લેશન ડેટા 8.7 ટકાની અપેક્ષા સામે 8.5 ટકા જોવા મળ્યો હતો. જેની પાછળ ડોલર ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જ્યારે યુએસ બજારો ઉછળ્યાં હતાં. આમ ગુરુવારે એશિયન બજારોમાં મજબૂત કામકાજ જોવા મળશે તે નિશ્ચિત બન્યું હતું. જૂન મહિના માટે 9.1 ટકા પર જોવા મળેલા સીપીઆઈ સામે જુલાઈમાં 0.6 ટકા ઘટાડે 8.5 ટકાનો સીપીઆઈ યુએસ ફેડ સાથે ઈન્વેસ્ટર્સ સમુદાય માટે રાહતની બાબત હતી. ગયા શુક્રવારે યુએસ જોબ ડેટા ખૂબ સારો આવ્યાં બાદ સપ્ટેમ્બર બેઠકમાં ફેડ સતત ત્રીજીવાર રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરશે તેવું સ્ટ્રીટ માનવા લાગી હતી. જોકે જુલાઈ સીપીઆઈ ડેટા નિયંત્રણમાં રહેતાં આમ થવાની શક્યતાં ફરી ઘટી છે. જેને જોતાં વૈશ્વિક ડોલર પર દબાણ જોવા મળી શકે છે અને ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સમાં લિક્વિડીટીનો પ્રવાહ વધતો જોવા મળી શકે છે. જો આમ થશે તો ડિસેમ્બર 2022 સુધી સ્થાનિક બજાર નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતાં છે. ગુરુવારે એશિયન બજારોમાં હોંગ કોંગ 2.4 ટકા સુધારા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતું હતું. આ ઉપરાંત કોરિયા, તાઈવાન, ચીનના બજારો એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. જોકે જાપાન સહિત યુરોપના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. યુએસ ખાતે નીચો સીપીઆઈ વિકસિત દેશોના અર્થતંત્રમાં વપરાશી માગ ઘટી હોવાનો નિર્દેશ કરે છે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી લગભગ 160 પોઈન્ટ્સથી વધુના ગેપ-અપ ઓપનીંગ બાદ સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 17719ની ટોચ દર્શાવી હતી. જોકે 17700ની સપાટી પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટીને મુખ્ય સપોર્ટ બેંકિંગ અને આઈટી તરફથી સાંપડ્યો હતો. અન્ય સેક્ટરલ બેન્ચમાર્ક્સ વિરામ દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી આઈટીએ લાંબા સમયગાળા બાદ તેજીની આગેવાની લીધી હતી. તે 1.8 ટકા સુધારા સાથે 30 હજારના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો. નોંધપાત્ર સુધારો દર્શાવનાર આઈટી કાઉન્ટર્સમાં માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો. મોટાભાગના આઈટી કાઉન્ટર્સ બે મહિના કે તેથી વધુ સમયની ટોચ દર્શાવી રહ્યાં હતાં. સુધરવામાં બીજા ક્રમે બેંક નિફ્ટી હતો. ઈન્ડેક્સ 1.55 ટકા સુધરી 38880 પર બંધ જોવા મળ્યો હતો. જે તેની પાંચ મહિનાની ટોચનું લેવલ છે. બેંકિંગ શેર્સમાં બેંક ઓફ બરોડા 4 ટકા સાથે સુધરવામાં મોખરે હતો. આ સિવાય એક્સિસ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. આઈસીઆઈસીઆઈ બેંકનો શેર તેની રૂ. 867ની એક વર્ષ અગાઉની ટોચથી 50 પૈસાનું છેટું દર્શાવી પરત ફર્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 6 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. જોકે બંધ ભાવે તે રૂ. 5.98 લાખ કરોડનું એમ-કેપ દર્શાવતો હતો. નિફ્ટી ફાર્મામાં 0.5 ટકા સુધારો જોવા મળ્યો હતો. મુખ્યત્વે શોર્ટ કવરિંગ પાછળ ફાર્મા કંપનીઓ મજબૂતી દર્શાવી રહી હતી. જેમાં ઝાયડસ લાઈફ 5 ટકા વૃદ્ધિ સાથે ટોચ પર હતી. લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન અને આલ્કેમ લેબ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. ડિફેન્સિવ બેટ્સમાં જોકે એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 0.8 ટકા ગગડ્યો હતો. ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ 2.2 ટકા સાથે ઘટવામાં ટોચનું એફએમસીજી કાઉન્ટર હતો. આ સિવાય આઈટીસી, એચયૂએલ, કોલગેટ અને નેસ્લે પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. પરચૂકણ સેક્ટરમાં નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.3 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં મુખ્ય કાઉન્ટર્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોટ રિઅલ્ટી, સોભા ડેવલપર્સ, ડીએલએફ અને ગોદરેજ પ્રોપર્ટીઝ મુખ્ય હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આઈજીએલ 7.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ક્યુમિન્સ, મહાનગર ગેસ, આદિત્ય બિરલા ફેશન, પિરામલ એન્ટર, હિંદુસ્તાન એરોનોટિક્સ, મૂથૂત ફાઈનાન્સ પણ 4 ટકાથી 6 ટકા સુધીની વૃદ્ધિ દર્શાવતાં હતાં. બીજી બાજુ એબોટ ઈન્ડિયા, પીવીઆર, જીએનએફસી, આઈઓસી, એપોલો હોસ્પિટલમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. બીએસઈ ખાતે કુલ 3535 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1843 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1548 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 132 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
ડિજિટલ લેન્ડિંગ ક્ષેત્રે ગેરરિતીઓ રોકવા RBIએ જાહેર કરેલી ગાઈડલાઈન્સ
નવી રૂપરેખાઓ મુજબ ડિજીટલ લેન્ડરે ગ્રાહકો સાથે સંપૂર્ણ પારદર્શક્તા જાળવવાની રહેશે
ડિજીટલ લોન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ દરને જોતાં ગ્રાહક હિતની સુરક્ષા માટેનું પગલું
ઝડપથી વૃદ્ધિ પામી રહેલાં ડિજિટલ લેન્ડિંગ સેક્ટરમાં ગેરરિતીઓ અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેગ્યુલેટરી ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ નવી રૂપરેખાઓ ગ્રાહકોને પૂરતી સુરક્ષાની ખાતરી મળી રહે તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તે આરબીઆઈ રેગ્યુલેટેડ કંપનીઓ તથા તેમણે નીમેલાં લેન્ડિંગ સર્વિસ પ્રોવાઈડર્સ(એલએસપી)ને લાગુ પડશે.
નવી રૂપરેખાઓ હેઠળ તમામ લોન વિતરણ અને રિપેમેન્ટ્સ માત્રને માત્ર બોરોઅર્સના બેંક એકાઉન્ટ્સ તથા આરઈ(આરબીઆઈ રેગ્યુલેટેડ એન્ટિટીઝ વચ્ચે જ કરવાનું રહેશે. એલએસપી કે અન્ય થર્ડ પાર્ટીના પુલ એકાઉન્ટમાં આમ થઈ શકશે નહિ. ક્રેડિટ ઈન્ટરમિડિયેશન પ્રક્રિયામાં એલએસપીને ચૂકવવાના થતાં કોઈપણ ફી અથવા ચાર્જિસ આરઈએ સીધા જ ચૂકવવાના રહેશે. બોરોઅર્સ તરફથી કશું ચૂકવવાનું રહેશે નહિ. લોન કોન્ટ્રેક્ટ એક્ઝિક્યૂટ કરતાં અગાઉ બોરોઅરને સ્ટાન્ડર્ડાઈઝ્ડ કી ફેક્ટ સ્ટેટમેન્ટ(કેએફએસ) ફરજિયાત પૂરું પાડવાનું રહેશે. ઉપરાંત ડિજિટલ લોન્સ પાછળનો તમામ ખર્ચ એન્યૂઅલ પર્સન્ટેજ રેટ(એપીઆર) સ્વરૂપમાં બોરોઅર્સને દર્શાવવાનો રહેશે. તેમજ એપીઆર એ કેએફએસનો ભાગ પણ રહેવો જોઈશે. નવી રૂપરેખા મુજબ બોરોઅર પાસેથી સ્પષ્ટ મંજૂરી વિના ઓટોમેટીક રીતે ક્રેડિટ લિમિટ્સમાં વૃદ્ધિ કરી શકાશે નહિ. તેમાં કુલીંગ ઓફ અથવા લૂક-અપ પિરિયડનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જે દરમિયાન બોરોઅર્સ મુદલ અને પ્રમાણસર એપીઆર(લોન કોન્ટ્રેક્ટમાં દર્શાવ્યા મુજબ) ચૂકવી ડિજિટલ લોન્સમાંથી એક્ઝિટ પણ લઈ શકે છે. જેમાં તેણે કોઈ પેનલ્ટી ચૂકવવાની રહેતી નથી.
આરઈએ તેમણે રોકેલા એલએસપી પાસે ફિનટેક/ડિજિટલ લેન્ડિંગ સંબંધિત ફરિયાદોના નિકાલ માટે યોગ્ય નોડલ ગ્રિવેન્સ રિડ્રેસલ ઓફિસર હોય તેની ખાતરી પૂરી પાડવાની રહેશે. આવા ગ્રિવેન્સ રિડ્રેસલ ઓફિસરે તેમના સંબંધિત ડિજીટલ લેન્ડિંગ એપ્લિકેશન્સ(ડીએલએ)ની સામે થતી ફરિયાદો સાથે પણ કામ પાર પાડવાનું રહેશે. એક ડિજિટલ પ્લેટફોર્મના અધિકારી જણાવે છે કે આરબીઆઈએ ડિજીટલ લેન્ડિંગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ અને ભાવિ દિશા નિર્ધારિત કરી છે. આના કારણે કેટલાક લેન્ડર્સ માટે ખર્ચમાં સાધારણ વૃદ્ધિ થસે પરંતુ સમગ્રતયા તેને કારણે ઈકોસિસ્ટમમાં વિશ્વસનીયતા ઊભી થશે.
ડિજીટલ લેન્ડિગ પરના આરબીઆઈના વર્કિંગ ગ્રૂપના જણાવ્યા મુજબ 2017થી 2020 સુધીમાં ડિજીટલ સ્વરૂપમાં લોન વિતરણમાં 12 ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. તે રૂ. 11671 કરોડના સ્તરેથી ઊછળી રૂ. 1,41,821 કરોડ પર પહોંચી હતી. બેંક્સ તરફથી ડિજીટલી વિતરીત કરવામાં આવેલી ટોચની પ્રોડક્ટ્સમાં પર્સનલ લોન્સ અને એસએમઈ લોન્સનો સમાવેશ થતો હતો. એનબીએફસી તરફથી ડિજિટલી વિતરીત લોન્સમાં પર્સનલ લોન્સ અને અન્ય લોન્સનો સમાવેશ થતો હતો. અન્ય લોન્સમાં મુખ્યત્વે કન્ઝ્યૂમર ફાઈનાન્સ લોન્સ જોવા મળે છે. આરબીઆઈની રૂપરેખા મુખ્યત્વે થર્ડ પાર્ટીઝ, મિસ-સેલીંગ, ડેટા પ્રાઈવસીનો ભંગ, અયોગ્ય બિઝનેસ વર્તણૂંક, અસાધારણ ઈન્ટરેસ્ટ રેટ વસૂલી અને અનૈતિક રિકવરી પ્રેકટિસિસને અટકાવવા ઈચ્છે છે.
RBIના મુખ્ય નિર્દેશો
લોન કોન્ટ્રેક્ટ એક્ઝિક્યૂટ કરતાં અગાઉ સ્ટાન્ડર્ડાઈઝ્ડ કી ફેક્ટ સ્ટેટમેન્ટ ફરજિયાત પૂરું પાડવાનું રહેશે
ડિજિટલ લોન્સ પાછળનો તમામ ખર્ચ એન્યૂઅલ પર્સન્ટેજ રેટ સ્વરૂપમાં બોરોઅર્સને દર્શાવવાનો રહેશે
બોરોઅર પાસેથી મંજૂરી વિના ઓટોમેટીક ક્રેડિટ લિમિટ્સમાં વૃદ્ધિ કરી શકાશે નહિ
કુલીંગ ઓફ અથવા લૂક-અપ પિરિયડ દરમિયાન બોરોઅર્સ મુદલ અને એપીઆર ચૂકવી ડિજિટલ લોન્સમાંથી પેનલ્ટી વિના એક્ઝિટ લઈ શકશે
ડિજિટલ લેન્ડિંગ સંબંધિત ફરિયાદોના નિકાલ માટે નોડલ ગ્રિવેન્સ રિડ્રેસલ ઓફિસરની ખાતરી પૂરી પાડવાની રહેશે
અદાણી જૂથ ઓડિશા ખાતે એલ્યુમિના રિફાઈનરીમાં 5.2 અબજનું રોકાણ કરશે
એલ્યુમિના રિફાઈનરી તથા કેપ્ટિવ પાવર પ્લાન્ટ સ્થાપવા અદાણી એન્ટરપ્રાઇઝિસને મંજૂરી મળી ચૂકી હોવાનું ઓડિશા સરકારનું નિવેદન
અદાણી એન્ટરપ્રાઈઝિસ ઓડિશા ખાતે એલ્યુમિના રિફાઈનરી સ્થાપવા માટે 5.2 અબજ ડોલરના રોકાણ માટું આયોજન કરી રહી છે. જે ઝડપથી વિસ્તરી રહેલાં અદાણી જૂથના એમ્પાયરમાં એક વધુ બિઝનેસનો ઉમેરો કરશે.
અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપનીએ રાજ્યમાં રાયગડા ખાતે રૂ. 41653 કરોડ(5.2 અબજ ડોલર)ના ખર્ચે રિફાઈનરી તથા કેપ્ટિવ પાવર પ્લાન્ટ બાંધવા માટેની મંજૂરી મેળવી લીધી હોવાનું ઓડિશાના મુખ્યમંત્રની નવીન પટનાયકની ટ્વિટર પોસ્ટમાં જણાવાયું હતું. સરકારના એક અન્ય નિવેદન મુજબ રિફાઈનરી 40 લાખ ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી હશે. જોકે અદાણી એન્ટરપ્રાઈઝ તરફથી આ પ્રોજેક્ટ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. એશિયામાં સૌથી ધનવાન ગૌતમ અદાણીની કંપનીએ ગયા ડિસેમ્બરમાં મુંદ્રા એલ્યુમિનિયમ નામે સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપના કરી હતી. હાલમાં દેશમાં એલ્યુમિનિયમ ક્ષેત્રે આદિત્ય બિરલા અને લંડન સ્થિત વેદાંત રિસોર્સિઝ નોંધપાત્ર હાજરી ધરાવે છે. જૂથે તાજેતરમાં જ હોલ્સિમ લિ. પાસેથી દેશની બે અગ્રણી સિમેન્ટ કંપનીઓનો હિસ્સો ખરીદવાનો સોદો કર્યો છે. અદાણીએ સિમેન્ટ સબસિડિયરી સ્થાપ્યાના એક વર્ષથી પણ ઓછા સમયગાળામાં 10.5 અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ અને એસીસીમાં બહુમતી હિસ્સો મેળવવા માટે ડિલ કર્યું હતું.
RBIના નિર્દેશ બાદ 100 કંપનીઓનું ડેટ રેટિંગ ઘટવાની શક્યતાં
અસર પામે તેવા રૂ.35 હજાર કરોડના ડેટમાં 44 ટકા હિસ્સો પાવર, હેલ્થકેર, એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કંપનીઓનો હિસ્સો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ રેટિંગ એજન્સીઓને કોર્પોરેટ્સની બેંક ફેસિલિટીઝ માટે ક્રેડિટ એન્હાન્સ્ડ(CE) રેટિંગ્સ આપતાં અગાઉ ચોક્કસ માપદંડો અપનાવવાનો નિર્દેશ કરતાં લગભગ 100 જેટલી કંપનીઓના રૂ. 35 હજાર કરોડના ડેટ રેટિંગમાં ઘટાડાની શક્યતા હોવાનું રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે. સેન્ટ્રલ બેંકની સૂચના બાદ રેટિંગ એજન્સી તેમના તરફથી આપવામાં આવતાં થર્ડ પાર્ટી સપોર્ટ જેવાકે ગેરંટીઝ, લેટર ઓફ કમ્ફર્ટ(LoC), કો-ઓબ્લિગેટર સ્ટ્રક્ચર્સ વગેરે માટેની કાર્યપધ્ધતિમાં કેટલાંક ફેરફાર કરી રહી છે.
જે કંપનીઓના ડેટ રેટિંગ્સ પર અસર થવાની સંભાવના છે તેમનો 60 ટકા હિસ્સો પાવર, હેલ્થકેર, એન્જિનીયરીંગ, કન્સ્ટ્રક્શન અને રોડ સેક્ટર્સની કંપનીઓના સમાવેશ થાય છે. આ સેક્ટર્સ અસર થનારા કુલ ડેટનો 44 ટકા હિસ્સો ધરાવે છે. આરબીઆઈના નિર્દેશ મુજબ કંપનીઓને ક્રેડિટ એન્હાન્સમેન્ટ કમ્ફર્ટ આપવા માટે ક્રેડિટ રેટિંગ એજન્સીઝ માત્ર થર્ડ પાર્ટી તરફથી લંબાવવામાં આવેલી ગેરંટીઝ પર જ આધાર રાખી શકે છે. આવી થર્ડ પાર્ટીઝમાં પેરન્ટ કે ગ્રૂપ કંપનીઓ અથવા તો નાણાકિય સંસ્થાઓ જેવીકે બેંક્સ અને એનબીએફસીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત CE રેટિંગ્સ અસાઈન કરતી વકતે રેટિંગ કમ્ફર્ટ નિર્ધારિત કરવા માટે રેટિંગ એનજન્સીઝને અન્ય સપોર્ટ સ્ટ્રક્ચર્સ જેવાકે LoC, લેટર ઓફ સપોર્ટ, ઓબ્લિગેટર-કો-ઓબ્લિગેટર સ્ટ્રક્ચર વગેરે પર આધાર રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મેથોડોલોજીમાં બદલાવને કારણે સુધારેલા સરેરાશ નોન-CE રેટિંગ્સ વર્તમાન CE રેટિંગ્સ આઉટસ્ટેન્ડિંગની સરખામણીમાં બે ડગલા નીચે જોવા મળે તેવી અપેક્ષા છે. અસરગ્રસ્ત ડેટનું વર્તમાન વેઈટેડ એવરેજ રિસ્ક વેઈટ જે હાલમાં 35 ટકા પર છે તે વધી 48 ટકા થવાની શક્યતાં છે. જે રેટિંગ્સને નીચે લઈ જવાની સંભાવના છે. જે લેન્ડર્સની મૂડી જરૂરિયાતમાં રૂ. 400 કરોડની વૃદ્ધિ કરે તેવી શક્યતાં છે.
ડોલર સામે રૂપિયો 36 પૈસા તૂટ્યો
વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈ છતાં સ્થાનિક ચલણમાં ગ્રીનબેક સામે ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ગુરુવારે ડોલર સામે 36 પૈસા તૂટી 79.61ની સપાટી પર બંધ રહ્યો હતો. યુએસ ખાતે જુલાઈ માટેનો સીપીઆઈ ડેટા અપેક્ષાથી નીચો આવતાં ડોલર ઈન્ડેક્સ 105ની સપાટી નીચે એક મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે રૂપિયા પર તેની અસર નહોતી જોવા મળી. માર્કેટ નિરીક્ષકોના મતે ક્રૂડના ભાવમાં મજબૂતી પાછળ રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. ખાસ કરીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી ડોલરની ઊંચી ખરીદીને કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું. રૂપિયો અગાઉના 79.25ના બંધ સામે 79.22ની સપાટીએ મજબૂત ઓપનીંગ બાદ ગગડી 79.69ના તળિયા પર ટ્રેડ થયો હતો.
SIP લિંક્ડ ફંડ્સનું AUM રૂ. 6.1 લાખ કરોડની વિક્રમી સપાટીએ
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(સિપ) સાથે જોડાયેલા ફંડ્સનું એસેટ અન્ડર મેનેજમેન્ટ જુલાઈમાં રૂ. 6.1 લાખ કરોડની વિક્રમી સપાટી પર જોવા મળ્યું હતું. જુલાઈમાં શેરબજારે 11-મહિનામાં સૌથી ઊંચું રિટર્ન દર્શાવ્યું હતું. જેને કારણે વેલ્યૂએશનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. એમ્ફીના જણાવ્યા મુજબ મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના કુલ એયૂએમમાં એસઆઈપી લિંક્ડ સ્કિમ્સનું કુલ એયૂએમ જુલાઈમાં 16.1 ટકાની વિક્રમી સપાટી પર જોવા મળ્યું હતું. જેની લોંગ-ટર્મ એવરેજ 11 ટકાની છે. જુલાઈ મહિનામાં સિપ્સ મારફતે કુલ રૂ. 12140 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. સતત 11મા મહિને સિપ મારફતે રૂ. 10 હજાર કરોડથી વધુનો ઈનફ્લો જોવા મળ્યો હતો. છેલ્લાં 12 મહિનામાં સિપ મારફતે કુલ રૂ. 1.4 લાખ કરોડનો ફ્લો નોંધાયો છે. જુલાઈમાં સિપ્સ લિન્ક્ડ એયૂએમમાં માસિક ધોરણે 10.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે સિપ સિવાય ઈક્વિટી સ્કિમ્સમાં જુલાઈ દરમિયાન ઈનફ્લો નવ મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો.
શ્રેઈ એડમિનિસ્ટ્રેટરે બીડ મેળવવા માટે ડેડલાઈન લંબાવી
એક અસાધારણ ઘટનામાં શ્રેઈ જૂથની કંપનીઓ માટે આરબીઆઈએ નીમેલા એડમિનિસ્ટ્રેટરે ઈન્સોલ્વન્સી પ્રોસિડિંગ્સ હેઠળ બીડ મેળવવા માટેની ડેડલાઈનને લંબાવી હતી. બુધવારે પૂરી થતી ડેડલાઈન સુધીમાં માત્ર બે બીડ આવવાને કારણે તેમણે વધુ બીડ મેળવવાની અપેક્ષામાં 19 ઓગસ્ટ સુધી ડેડલાઈન લંબાવી હતી. શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ, આ બંને કંપનીઓ માટે એરેના ઈન્વેસ્ટર્સ તથા શોન રાંધવા અને રાજેશ વિરેન શાહે મળીને ઓફર કરી છે. આ બંને કંપનીઓને ગયા ઓક્ટોબરમાં ઈન્સોલ્વન્સી પ્રોસેસમાં દાખલ કરવામાં આવી હતી. એરેના ઈન્વેસ્ટર્સે શ્રેઈ કંપનીઓમાં બહુમતી હિસ્સો ખરીદવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું જાણકારો જણાવે છે.