માર્કેટ સમરી
બીજી વાર 13500 પર બંધ આપવામાં નિફ્ટી સફળ
ભારતીય બેન્ચમાર્ક એક દિવસના કરેક્શન બાદ આજે ફરી પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. અલબત્ત, ઈન્ટ્રા-ડે દરમિયાન તેણે મોટી વધ-ઘટ દર્શાવી હતી. નિફ્ટી 13512 પર ખૂલી ઉપરમાં 13579ની ટોચ પર જઈને 13403 પર પટકાયો હતો. જ્યાંથી રિકવર થઈ 36 પોઈન્ટ્સના સુધારે 13514 પર બંધ રહ્યો હતો. જે તેનું બીજું શ્રેષ્ઠ બંધ છે.
જાહેર સાહસો, એફએમસીજી, મેટલ, રિઅલ્ટી અને એનર્જીમાં મજબૂતી
માર્કેટને જાહેર સાહસોએ મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી પીએસયૂ 2.4 ટકા ઉછળી 2835ની આંઠ મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી 0.91 ટકા ઉછળી 34365ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ 1.06 ટકા ઉછળ્યો હતો. ઉપરાંત નિફ્ટી રિઅલ્ટી 0.76 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
ઓએનજીસીની આગેવાનીમાં પીએસયૂ શેર્સમાં જળવાયેલી લેવાલી
- ચાર વર્ષમાં પ્રથમવાર ઓએનજીસીના રેટિંગને વૈશ્વિક બેંકરે અપગ્રેડ કરતાં શેર 8 મહિનાની ટોચ પર
- ઓઈલ પીએસયૂ ઓએનજીસીની આગેવાનીમાં સપ્તાહના અંતિમ દિવસે જાહેર ક્ષેત્રની કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ પણ તેની આંઠ મહિનાની ટોચ પર 2835ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે અગ્રણી પીએસયૂ કાઉન્ટર્સ દિવસ દરમિયાન 10 ટકા સુધીનો ઉછાળો દર્શાવી 6 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
- પીએસયૂ શેર્સમાં આગેવાની ઓએનજીસીએ લીધી હતી. કંપનીને લઈને ચાર વર્ષમાં પ્રથમવાર કોઈ અગ્રણી સંસ્થાએ રેટિંગ અપગ્રેડ કર્યું હતું. જેમાં મોર્ગન સ્ટેનલીએ અગાઉ આપેલા ઈક્વલ વેઈટના રેટિંગને સુધારીને ઓવરવેઈટ કર્યું હતું. મોર્ગને કંપનીની એવરેજ સેલીંગ પ્રાઈસમાં ઊંચી શક્યતા તથા સ્થાનિક ઉત્પાદનમાં સુધરેલા આઉટલૂકને કારણે ઓએનજીસીનું રેટિંગ સુધાર્યું હતું. જેની પાછળ કંપનીનો શેર ગુરુવારના રૂ. 91.60ના બંધ સામે ઈન્ટ્રા-ડે 10 ટકાથી વધુના સુધારે રૂ. 101ની તેની આંઠ મહિની ટોચ પર ટ્રેડ થયો હતો. કામકાજને અંતે તે 5.68 ટકા અથવા રૂ. 5.20ના સુધારે રૂ. 96.80ના સ્તરે બંધ રહ્યો હતો. માર્ચમાં તેણે રૂ. 51.80નું છેલ્લા બે દાયકાનું તળિયું દર્શાવ્યું હતું. એક તબક્કે કંપનીનુ માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડની નીચે ઉતરી ગયું હતું. જોકે હાલમાં તે રૂ. 1.21 કરોડ પર જોવા મળે છે. ઓએનજીસી ઉપરાંત સરકારી બાંધકામ સાહસ એનબીસીસીનો શેર 5.33 ટકા ઉછળ્યો હતો. કંપનીને તાજેતરમાં મજબૂત ઓર્ડર મળવા પાછળ તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઊચ્ચ સુધારો દર્શાવનાર અન્ય પીએસયૂમાં એનટીપીસી(5.30 ટકા), એમએમટીસી(5.2 ટકા), ગેઈલ(5 ટકા), ઓઆઈએલ(4.7 ટકા) અને સેઈલ(3.6 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત શીપીંગ કોર્પોરેશનના શેરે પણ રૂ. 89ની તેની બે વર્ષની ટોચ બનાવી હતી. નિફ્ટી પીએસઈ પણ મજબૂત રહ્યો હતો અને સપ્તાહ દરમિયાન 2.8 ટકા વૃદ્ધિ દર્શાવી 2835ના સ્તરે બંધ રહ્યો હતો. જે ફેબ્રુઆરી બાદની તેની ટોચ છે. તેણે નવેમ્બર 2017માં 4450ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી તે સતત ગગડતો રહ્યો હતો અને માર્ચ મહિનામાં 1952ના તળિયે જોવા મળ્યો હતો.
શુક્રવારે PSU શેર્સનો દેખાવ
સ્ક્રિપ વૃદ્ધિ(%)
ઓએનજીસી 5.68
એનબીસીસી 5.33
એનટીપીસી 5.30
એમએમટીસી 5.20
ગેઈલ 5.0
ઓઆઈએલ 4.7
સેઈલ 3.6
ટાયર કંપનીઓના શેર્સમાં તીવ્ર લેવાલી પાછળ નવી ટોચ
ટાયર કંપનીઓના શેર્સમાં છેલ્લા બે સત્રોથી ભારે ખરીદી જોવા મળી રહી છે અને તો નવી ટોચ દર્શાવી રહ્યાં છે. ટીવીએસ શ્રીચક્રનો શેર સતત બીજા દિવસે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર 15 ટકા ઉછળી અગાઉના બંધ સામે રૂ. 270ના સુધારે રૂ. 2058ના સ્તર પર જોવા મળ્યો હતો. માર્ચ મહિનાના રૂ. 760ના તળિયાથી તે સતત સુધરી રહ્યો છે. જ્યારે એપોલો ટાયરનો શેર પણ 6.5 ટકાના ઉછાળે રૂ. 195ની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 74ના સ્તરથી સુધરતો રહ્યો છે. તેણે શુક્રવારે રૂ. 11 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું.
લાર્જ-કેપ આઈટી કાઉન્ટર્સમાં જળવાયેલી નરમાઈ
છેલ્લાં કેટલાક સત્રોથી લાર્જ-કેપ આઈટી કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. શુક્રવારે પણ બેન્ચમાર્ક્સમાં નોંધપાત્ર વેઈટેજ ધરાવતાં આઈટી અગ્રણીઓમાં એક ટકા જેટલી નરમાઈ જોવા મળી હતી. જેમાં ટેક મહિન્દ્રા એક ટકાના ઘટાડે રૂ. 917 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એચસીએલ ટેક પણ લગભગ એક ટકા નરમાઈ સાથે રૂ. 858 પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. બે દિગ્ગજ આઈટી કંપનીઓ ઈન્ફોસિસ અને ટીસીએસના શેર્સમાં પણ અડધા ટકાની નરમાઈ જોવા મળતી હતી. આમ બજારને આઈટી કંપનીઓનો સપોર્ટ સાંપડી રહ્યો નથી.
માર્કેટમાં ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે મીડ-કેપ્સમાં મજબૂતી
શુક્રવારે નોંધપાત્ર સમય બાદ બજારે બે બાજુની ઝડપી વધ-ઘટ દર્શાવી હતી. એક સમયે 300 પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવતો સેન્સેક્સ 200 પોઈન્ટ્સથી વધુ ઘટી ફરી 200 પોઈન્ટ્સ સુધારો દર્શાવી રહ્યો હતો. જોકે આ વધ-ઘટ વચ્ચે મીડ-કેપ્સમાં ખરીદી જળવાય હતી અને માર્કેટની બ્રેડ્થ શરૂથી જ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે 1750 કાઉન્ટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે 1224 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. 440 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 274 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી.
બેઝ મેટલ્સ સહિત નેચરલ ગેસમાં નરમાઈ
વૈશ્વિક બજાર પાછળ બેઝ મેટલ્સમાં નરમાઈ જોવા મળતી હતી. એમસીએક્સ ખાતે ક્રૂડ ઓઈલ 1.18 ટકાના ઘટાડે ફરી રૂ. 3500ની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યું હતું. ગુરુવારે તે ઘણા મહિનાઓ બાજ રૂ. 3500ની સપાટી કૂદાવી ગયું હતું. કોપર પણ રૂ. 606ની સર્વોચ્ચ ટોચ દર્શાવી એક ટકા નરમાઈ સાથે રૂ. 600.40 પર ટ્રેડ થતું હતું. એ સિવાય ઝીંક, નિકલ, એલ્યુનિનિયમ, લેડમાં પણ ઘટાડો જોવા મળતો હતો. ચાંદી 0.4 ટકા અથવા રૂ. 245ના ઘટાડે રૂ. 63285 પર ટ્રેડ થતી હતી. માત્ર ગોલ્ડ સાધારણ સુધારે રૂ. 49106 પર પોઝીટીવ ઝોનમાં જોવા મળતું હતું.
|