Market Summary 11 Feb 2021

માર્કેટ સમરી

તેજીવાળાઓનો હાથ ઉપર રહ્યો

સતત ત્રીજા દિવસે કોન્સોલિડેશન બાદ બજારમાં તેજીવાળાઓનો હાથ ઉપર જોવા મળ્યો હતો અને નિફ્ટી 15173ની સર્વોચ્ચ ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. અગાઉ તેણે 15115ની ટોચ બનાવી હતી.

રિલાયન્સના સપોર્ટે નિફ્ટી પોઝીટીવ બંધ આપવામાં સફળ

 

નોંધપાત્ર સમય બાદ બજારમાં સુધારાનું નેતૃત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લીધું હતું. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી દિવસ દરમિયાન બે બાજુ ઝોલાં ખાવા સાથે આખરે પોઝીટીવ બંધ આપી શક્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 4.12 ટકા સુધરી રૂ. 2056ના સ્તરે બંધ રહ્યો હતો અને તે રૂ. 13.24 લાખ કરોડના માર્કેટ-કેપ પર બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તે રૂ. 1850-2000ની રેંજમાં અથડાયેલો રહ્યો હતો.

 

હિંદાલ્કોના શેરે નવી ટોચ બનાવી

 

દેશમાં ખાનગી ક્ષેત્રના અગ્રણી એલ્યુમિનિયમ ઉત્પાદક અને આદિત્ય બિરલા જૂથની કંપની હિંદાલ્કોનો શેર ગુરુવારે બજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે અડગ રહ્યો હતો અને તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 279ના બંધ ભાવ સામે રૂ. 18ના ઉછાળે રૂ. 297ની ટોચ પર ટ્રેચ થયો હતો અને કામકાજના અંતે રૂ. 295 પર બંધ આવ્યો હતો. તેણે બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 66 હજાર કરોડના સ્તરને પાર કરી ગયું હતું. માર્ચ મહિનાના રૂ. 85ના તળિયા સામે તે સાડા ત્રણ ગણા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

 

રેલટેલ કોર્પોરેશન બજારમાંથી રૂ. 820 કરોડ ઊભા કરશે

 

મિનિરત્નનો દરજ્જો ધરાવતી સરકારી માલિકીની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રૂ. 820 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો આઈપીઓ 16 ફેબ્રુઆરીએ ખૂલશે અને 18 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપની રૂ. 93-94ની પ્રાઈસ રેંજમાં શેર ઓફર કરશે. રિટેલ માટે લઘુત્તમ 155 શેર્સની લોટ સાઈઝ રહેશે. કંપની કુલ 87,153,369 શેર્સ ઓફર કરશે.

 

જેબી કેમિકલ્સનો શેર નવી ટોચ પર પહોંચ્યો

 

ગુજરાત સ્થિત ફાર્મા કંપની જેબી કેમિકલ્સનો શેર 15 ટકા ઉછળી રૂ. 1250ની નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1078ના બંધ સામે રૂ. 175નો ઉછાળો દર્શાવતો હતો. તેણે લગભગ પાંચ મહિના અગાઉ દર્શાવેલી ટોચને પાર કરી હતી અને નવા ઝોનમાં પ્રવેશ્યો હતો. કંપનીનો શેર ગયા માર્ચમાં રૂ. 435ના તળિયાના ભાવ સામે ત્રણ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીમાં બહુમતી હિસ્સો યુએસ સ્થિત પીઈ ફંડે ખરીદી લીધો છે.

 

 

સ્મોલ-કેપ્સનું લાર્જ અને મીડ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ

 

ગુરુવારે નિફ્ટી 0.44 ટકા અને નિફ્ટી મીડ-કેપ 0.18 ટકાના સાધારણ સુધારા વચ્ચ  નિફ્ટી સ્મોલ-કેપ 1.81 ટકા ઉછળ્યો 

 

બજેટ બાદ છ ટ્રેડિંગ સત્રો દરમિયાન તીવ્ર સુધારા બાદ બેન્ચમાર્ક નિફ્ટી વિરામ દર્શાવી રહી છે ત્યારે સ્મોલ-કેપ સેગમેન્ટમાં હલચલ વધી છે. અંતિમ બે ટ્રેડિંગ સત્રોથી લાર્જ અને મીડ-કેપ્સ સેગમેન્ટ કોન્સોલિડેટ થઈ રહ્યાં છે જ્યારે સ્મોલ-કેપ સેગમેન્ટમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. ગુરુવારે પણ નિફ્ટી 0.44 ટકા સુધરી જ્યારે મીડ-કેપ 0.18 ટકા સુધરી બંધ આવ્યાં હતાં. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.81 ટકા ઉછળી 7915ની નવી ટોચ પર બંધ રહ્યો હતો.

 

જો ચાલુ સપ્તાહની વાત કરીએ તો નિફ્ટી 1.8 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. નિફ્ટી મીડ-કેપ 1.4 ટકા સુધર્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 3.92 ટકાનો તીવ્ર સુધારો દર્શાવે છે. નિફ્ટી સ્મોલ-કેપમાં સમાવિષ્ટ અગ્રણી કાઉન્ટર્સ પણ તેમની સર્વોચ્ચ સપાટી અથવા છેલ્લા ઘણા સમયની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. ગુરુવારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 100 કાઉન્ટર્સમાંથી કેટલાક કાઉન્ટર્સે દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં દિલીપ બિલ્ડકોન 10.5 ટકાના ઉછાળે રૂ. 536 પર બંધ રહ્યો હતો. કંપનીના શેરે રૂ. 542ની વાર્ષિક ટોચ દર્શાવી હતી. એક અન્ય કાઉન્ટર એફલ ઈન્ડિયાનો શેર 10 ટકાની ઉપલી સર્કિટમાં રૂ. 5092ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. માર્ચ મહિનામાં રૂ. 890ના તળિયાથી તે સતત સુધરતો રહ્યો છે. તાજેતરમાં પરિણામો પાછળ તેમાં ઓર તેજી જોવા મળી છે. તીવ્ર ખરીદી દર્શાવનાર કેટલાક અન્ય સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં ઈન્ફિબીમ એવન્યૂ(10 ટકા), પીએનસી ઈન્ફ્રાટેક(8 ટકા), આઈડીએફસી(6 ટકા), દિપક નાઈટ્રેટ(5 ટકા), વકરાંગી(5 ટકા) અને રેઈલ વિકાસ(4 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડેક્સન ટેક્નોલોજી, ચંબલ ફર્ટિલાઈઝર, કજરિયા સિરામિક, એનબીસીસી, ડીસીબી બેંક, ટીમકેન, જસ્ટ ડાયલ જેવા કાઉન્ટર્સે પણ સ્મોલ-કેપ સેગમેન્ટને મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો હતો.

 

 

ગુરુવારે સ્મોલ-કેપ પ્રતિનિધીઓનો દેખાવ

 

સ્ક્રિપ્સ                  વૃદ્ધિ(%)

 

દિલીપ બિલ્ડકોન       10.46

એફલ ઈન્ડિયા          10.00

ઈન્ફિબીમ એવન્યૂ       9.90

પીએનસી ઈન્ફ્રાટેક      7.75

આઈડીએફસી           6.26

દિપક નાઈટ્રેટ          5.42

વકરાંગી                4.45

રેલ વિકાસ             4.25

લિન્ડે ઈન્ડિયા           4.19

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage