બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સમાં વિશ્વાસના અભાવે બજારમાં અન્ડરટોન નરમ
નિફ્ટી ઈન્ટ્રા-ડે 16 હજારનું સ્તર તોડી પરત ફરતાં લોંગ ટ્રેડર્સને રાહત
વૈશ્વિક બજારોમાં સુસ્તીનું માહોલ
યુએસ ખાતે એપ્રિલ માટેના રિટેલ ફુગાવા પર નજર
બેંકિંગમાં મજબૂતી, આઈટીમાં રકાસ ચાલુ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.24 ટકા સુધરી 22.80ના સ્તરે
બ્રોડ માર્કેટ મંદીમાં સરી પડ્યું
શેરબજારમાં તેજીવાળાઓમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જેને કારણે સતત બીજા દિવસે માર્કેટ પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યા બાદ પણ ગ્રીન ઝોનમાં ટકવામાં નિષ્ફળતાં દર્શાવી રહ્યું છે. તેણે સતત ચોથા દિવસે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. બુધવારે બીએસઈ સેન્સેક્સ 276 પોઈન્ટ્સ ઘટી 54088ના સ્તરે જ્યારે નિફ્ટી 73 પોઈન્ટ્સ ગગડી 16167ની સપાટી પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.24 ટકા સુધરી 22.80ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 18 પોઝીટીવ જોવા મળતાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે ત્રણ શેર્સથી વધુમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળતો હતો.
વૈશ્વિક બજારોમાં યુએસ ખાતે મંગળવારે સાધારણ બાઉન્સ જોવા મળ્યો હતો. જોકે તેની પાછળ ઈમર્જિંગ માર્કેટમાંસ કોઈ ખાસ રાહત નહોતી જ સાંપડી. એશિયન બજારોમાં કોરિયા, તાઈવાન અને સિંગાપુર નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે જાપાન અને ચીન સાધારણ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ભારતીય બજાર પોઝીટીવ ઓપનીંગ દર્શાવી નરમાઈમાં સરી પડ્યું હતું અને નેગેટિવ જ બંધ રહ્યું હતું. નિફ્ટીએ એક તબક્કે 16 હજારનું સાઈકોલોજિકલ સ્તર તોડ્યું હતું. જોકે ત્યાંથી પરત ફરી બંધ જોવા મળ્યો હતો. જેણે લોંગ ટ્રેડર્સને રાહત આપી હતી. એનાલિસ્ટ્સના મતે માર્કેટ 16000ના સ્તરની નીચે ઉતરી જશે તો માર્ચ મહિનામાં દર્શાવેલા 15600ના તળિયાની નીચે જોવા મળી શકે છે. જે સ્થિતિમાં લેણના પોટલાં છૂટી શકે છે. જોકે નજીકના સમયમાં આમ થવાની શક્યતાં ઓછી છે કેમકે માર્કેટ ઓવરસોલ્ડ છે અને એક બાઉન્સની અપેક્ષા રખાઈ રહી છે. બ્રોકરેજિસ હાઉસિસ તેમના ક્લાયન્ટ્સને નીચા ભાવે ઉપલબ્ધ લાર્જ-કેપ્સ ખરીદવા માટે ભલામણ કરી રહ્યાં છે. જ્યારે મીડ-કેપ્સથી દૂર રહેવા સૂચવે છે. બુધવારે અનેક મીડ-કેપ્સ તેમનું વાર્ષિક તળિયું દર્શાવી 7-8 ટકાનો તીવ્ર બાઉન્સ સૂચવી રહ્યાં હતાં. આમ બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં નીચા સ્તરે ક્યાંક ખરીદી જોવા મળી હતી. જોકે બીએસઈ ખાતે સમગ્રતયા માહોલ પ્રતિકૂળ જોવા મળ્યું હતું. કુલ 3514 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2666 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 730 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. આમ ત્રણ શેર્સથી વધુમાં ઘટાડા સામે એકમાં સુધારો જોવા મળી રહ્યો હતો. 51 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી તો બીજી બાજુ 274 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સ 0.36 ટકા જેટલો ગગડ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ 2.91 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો.
સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટી 0.61 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ રહ્યો હતો. જ્યારે ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ પણ 0.3 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. બીજી બાજુ આઈટી ઈન્ડેક્સ 1.24 ટકા, ઓટોમાં 0.91 ટકા, એફએમસીજીમાં 0.7 ટકા અને એનર્જીમાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી પીએસઈ, નિફ્ટી એનર્જી તથા એફએમસીજીમાં પણ સાધારણ નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં ઓએનજીસી, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, એચડીએફસી એક ટકાથી લઈ 3 ટકા સુધી મજબૂતી સૂચવતાં હતાં. જ્યારે શ્રી સિમેન્ટ્સ, લાર્સન, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સ, એનટીપીસીમાં 2-4 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગુજરાત ગેસ 6 ટકા, એસઆરએફ 6 ટકા, સીજી કન્ઝ્યૂમર 5 ટકા, નવીન ફ્લોરિન 4.5 ટકા, જીએસપીસી 4 ટકા અને સિમેન્ટ 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 21 ટકા, જીએનએફસી 14 ટકા, ડિક્સોન ટેક્નોલોજી 5 ટકા, મધરસન સુમી 5 ટકા અને ચંબલ ફર્ટિલાઈઝર 4.4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
હોલ્સિમનો હિસ્સો ખરીદવા આર્સેલરમિત્તલ પણ જોડાયાં
દેશમાં ટોચની સિમેન્ટ ઉત્પાદકો અંબુજા સિમેન્ટ તથા એસીસીમાં સ્વીસ ગ્રૂપ હોલ્સિમનો હિસ્સો ખરીદવાની દોડમાં વિશ્વમાં સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલ પણ જોડાયાં છે. અત્યાર સુધીમાં જેએસડબલ્યુ ગ્રૂપ અને અદાણી ગ્રૂપે હોલ્સિમને તેમની ઓફર કરી હોવાનું માનવામાં આવે છે. જે 7-10 અબજ ડોલરની રેંજમાં હોવાનું જાણવા મળે છે. હોલ્સિમ ગ્રૂપ અંબુજા સિમેન્ટ્સમાં 63 ટકા અને તેની સબસિડિયરી એસીસીમાં 50.05 ટકા હિસ્સો ધરાવે છે. વર્તુળોના જણાવ્યા મુજબ આર્સેલરમિત્તલે હોલ્સિમ જૂથ સાથે શરૂઆતી વાતચીત ચાલુ કરી છે અને તેઓ એક મજબૂત ઉમેદવાર તરીકે ઊભર્યાં છે. સિમેન્ટ ક્ષેત્રે પ્રવેશ બાદ આર્સેલરમિત્તલને દેશભરમાં તેમની બ્રાન્ડની સ્થાપનામાં સહાયતા મળશે. તેમજ તેમના સ્ટીલ બિઝનેસ માટે તે પૂરક પણ બની રહેશે.
સેબીએ પીક માર્જિન ગણવા માટેના નિયમો હળવા બનાવ્યાં
ક્લાયન્ટ્સ પાસેથી કયા દરે માર્જિન ઉઘરાવવું તે માટે સેબીએ નિયમોને હળવા બનાવ્યાં છે. સેબીના જણાવ્યા મુજબ હવેથી બીઓડી(બીગીનીંગ ઓફ ડે)ને આધારે બ્રોકર્સે તેમના ક્લાયન્ટ્સ પાસેથી માર્જિન ખરીદવાનું રહેશે. અગાઉ અન્ડરલાઈંગ સિક્યૂરિટી એટલેકે શેરના ભાવમાં વધ-ઘટ સાથે માર્જિનના દરમાં ફેરફાર થતો હતો. અગાઉ બ્રોકર્સ ડેરિવેટિવ્સ માટે 20-40 ટકાનું અપફ્રન્ટ માર્જિન મેળવતાં હતાં. જોકે ગયા વર્ષથી સેબીએ તેમને કેશ સેગમેન્ટ માટે પણ માર્જિન ઉઘરાવવાની ફરજ પાડી હતી. સેબીએ નિયમો હળવા બનાવતાં માર્કેટ્સ અને ડે-ટ્રેડર્સને સહાયતા મળશે. કેમકે આ લોકો જ માર્કેટમાં લિક્વિડીટી પૂરી પાડે છે. અગાઉ જો ક્લાયન્ટે ખૂલતાં ભાવે રૂ. 20નું માર્જિન ભર્યું હોય અને દિવસ દરમિયાન ભાવમાં ફેરફાર થાય તો પણ તેણે પેનલ્ટી ચૂકવવી પડતી હતી. જોકે બીઓડી લાગુ પડ્યાં બાદ ભાવમાં ફેરફાર વચ્ચે તેણે પેનલ્ટી ચૂકવવાની નહિ બને.
ગોલ્ડના ભાવ ગગડીને ત્રણ મહિનાના તળિયા નજીક પહોંચ્યાં
વૈશ્વિક બજારમાં સોનું 1830 ડોલરની સપાટીએ ટ્રેડ થયું જ્યારે એમસીએક્સ ખાતે રૂ. 50400ની નજીક પહોંચ્યું
બુધવારે મોડી સાંજે યુએસ ખાતે એપ્રિલ મહિના માટે રિટેલ ઈન્ફ્લેશન ડેટા રજૂ થાય તે અગાઉ ગોલ્ડના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનુ સવારના ભાગે ત્રણ મહિનાના તળિયા નજીક ટ્રેડ થયું હતું. કોમેક્સ ગોલ્ડ વાયદો 1830 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 50400 સુધી ગગડ્યું હતું. એમસીએક્સ ચાંદી પણ અડધા ટકા ઘટાડે રૂ. 60300ની સપાટી પર ટ્રેડ થઈ હતી.
રશિયા-યૂક્રેન યુધ્ધ પાછળ માર્ચ મહિનાની શરૂમાં વિશ્વ બજારમાં 2050 ડોલરની સપાટી પાર કરી જનાર તથા એમસીએક્સ ખાતે રૂ. 56000ના સ્તર નજીક ટ્રેડ થનાર ગોલ્ડના ભાવમાં અત્યાર સુધી 10 ટકાથી વધુ ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જેનું મુખ્ય કારણ યુએસ દ્વારા આક્રમક રેટ વૃદ્ધિનું વલણ જવાબદાર છે. મોટાભાગના એનાલિસ્ટ્સ ગોલ્ડ 1900 ડોલરની સપાટી જાળવી રાખે તેમ માનતાં હતાં. જોકે ગયા સપ્તાહે ફેડ તરફથી હવે 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની શક્યતાં ઊભી થતાં ગોલ્ડના ભાવે મહત્વનું સાયકોલોજિકલ સ્તર ગુમાવ્યું હતું અને આજે સવારે 1830 ડોલર સુધી પટકાયું હતું. આ લખાય છે ત્યારે સાંજે તે 1950 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે જ્યાં સુધી તે 1900 ડોલર પર બંધ ના આપે ત્યાં સુધી દિશાહિન ટ્રેન્ડની શક્યતાં વધી છે. ડોલર ઈન્ડેક્સમાં તેજી પાછળ યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ વધી રહ્યાં છે. જે રોકાણકારોને સેફ હેવન મેટલ તરફ વળતાં અટકાવી રહ્યાં છે. સામાન્યરીતે ગોલ્ડને ફુગાવા સામે હેજિંગ તરીકે ગણવામાં આવે છે. જોકે એપ્રિલ મહિના માટે બુધવારે જાહેર થનારા રિટેલ ઈન્ફ્લેશનના આંકડા માસિક ધોરણે ઘટાડો દર્શાવે તેવી શક્યતાં પાછળ પણ ગોલ્ડ નરમાઈ દર્શાવી રહ્યું હોવાનું બજાર વર્તુળો જણાવે છે. ભારતીય બજારમાં ગોલ્ડના ભાવ પ્રમાણમાં સ્થિર ટ્રેડ થઈ રહ્યાં હોવા પાછળ ડોલર સામે રૂપિયામાં તાજેતરના સત્રોમાં જોવા મળેલું તીવ્ર ધોવાણ છે. જેને કારણે ગોલ્ડ રૂ. 50 હજારની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ગોલ્ડ આ સ્તર તોડશે તો તેમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે એમ એનાલિસ્ટ્સ માની રહ્યાં છે.
LIC IPOમાં દસ લાખ અરજી ટેકનિકલ કારણોથી રિજેક્ટ થઈ શકે છે
તાજેતરમાં પૂરા થયેલાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓમાં અંદાજે દસ લાખથી નજીકની અરજીઓ ટેકનિકલ કારણોસર રિજેક્ટ થઈ શકે છે એમ જાણકાર વર્તુળનું કહેવું છે. તેમના જણાવ્યા મુજબ એલઆઈસી આઈપીઓમાં 73.4 લાખ અરજીઓ મળી છે. જેમાંથી 6-6.5 લાખ અરજીઓ જ માન્ય ગણવામાં આવે તેવી શક્યતાં છે. યોગ્યતા ધરાવતી અરજીઓની સંખ્યા લિસ્ટીંગ અગાઉ એલઆઈસી જાહેર કરશે.
કોઈપણ આઈપીઓ માટે ટેકનિકલ કારણોસર બીડ્સ રિજેક્ટ થતાં હોય છે. ગયા વર્ષે ઝોમેટોના આઈપીઓમાં લગભગ 30 ટકા રિટેલ એપ્લિકેશન્સ રિજેક્ટ થઈ હતી. આમ થવા પાછળ અરજદાર તરફથી કરવામાં આવતી ભૂલો કારણભૂત હોય છે એમ બેંકર્સ જણાવે છે. આ માટેના કારણોમાં મલ્ટીપલ એન્ટ્રી, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(યૂપીઆઈ) એડ્રેસમાં ભૂલ, નામ તેમજ પેન નંબરનું ખોટું હોવું તથા પેમેન્ટ મેન્ડેટના અસ્વીકાર જેવી બાબતોનો સમાવેશ થાય છે. કેટલાંક કિસ્સાઓમાં યૂપીઆઈ પેમેન્ટ પ્રોસેસના પ્રોસેસિંગ દરમિયાન રેમિટર બેંક ખાતે તકલીફને કારણે પણ અરજી રિજેક્ટ થતી હોય છે. એલઆઈસી આઈપીઓ માટે 10 લાખ અરજીઓ રિજેક્ટ થયા બાદ પણ ઈસ્યુને અસર નહિ થાય કેમકે ઈસ્યૂ ત્રણ ગણો છલકાયો હતો. સોમવારે બંધ થયેલી ઓફરમાં રૂ. 21 હજાર કરોડ સામે રૂ. 44 હજાર કરોડના બીડ્સ મળ્યાં હતાં. તે લગભગ ત્રણ ગણો છલકાયો હતો.
એપ્રિલમાં MF ઈક્વિટી ઈનફ્લોમાં 44 ટકાનો ઘટાડો નોંધાયો
માર્ચમાં રૂ. 28463 કરોડના ઈનફ્લો સામે એપ્રિલમાં રૂ. 15890 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો
SIP ઈનફ્લો 4 ટકા ગગડી રૂ. 11863 કરોડ પર નોંધાયો
માર્કેટમાં ઊંચી વોલેટિલિટી તથા નવા NFO લોંચ પર સેબીના પ્રતિબંધને કારણે પણ અસર
એપ્રિલ મહિનામાં મ્યુચ્યુસ ફંડ્સની ઈક્વિટી સ્કિમ્સમાં ઈનફ્લો 44 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. માર્ચ મહિનામાં રૂ. 28463 કરોડના ઈનફ્લો સામે એપ્રિલમાં રૂ. 15890 કરોડનો ઈનફ્લો જ નોંધાયો હતો. આઈસીઆઈસીઆઈસી મ્યુચ્યુલ ફંડની થીમેટિક ન્યૂ ઓફર હેઠળ રૂ. 3130 કરોડ એકત્ર થયા હોવા છતાં ઈનફ્લોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
મ્યુચ્યુલ ફંડ ઈનફ્લોની વાત છે તો એપ્રિલ છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી નીચો જોવા મળ્યો હતો. સેબીએ છ મહિના સુધી રેગ્યુલેટરી ગાઈડલાઈન્સનું પાલન ના થાય ત્યાં સુધી એનએફઓ પર પ્રતિબંધ મૂક્યો તે પહેલાં ખૂલેલા આઈસીઆઈસીઆઈ એમએફના એનએફઓ હેઠળ રૂ. 3130 કરોડની રકમ ઊભી થઈ હતી. જોકે માર્કેટમાં ઊંચી વોલેટિલિટી છતાં તમામ ઈક્વિટી સ્કિમ્સે પોઝીટીવ ઈનફ્લો જાળવી રાખ્યો હતો. જેમાં થીમેટિક ફંડ રૂ. 3815 કરોડ સાથે ફંડ મેળવવામાં ટોચ પર હતાં. જ્યારબાદ લાર્જ એન્ડ મીડ-કેપ ફંડ્સે અનુક્રમે રૂ. 2050 કરોડ જ્યારે સ્મોલ અને ફ્લેક્સિ-કેપ ફંડ્સે અનુક્રમે રૂ. 1717 કરોડ અને રૂ. 1709 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. એપ્રિલ મહિનામાં આર્બિટ્રેડ અને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સે અનુક્રમે રૂ. 4092 કરોડ તથા રૂ. 1543 કરોડ મેળવ્યાં હતાં. માર્કેટમાં ઊંચી વધ-ઘટને જોતાં અન્ય ફંડ્સ તતા ઈન્ડેક્સ ઈટીએફ્સે રૂ. 8663 કરોડ અને રૂ. 6062 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જ્યારે ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 1100 કરોડનો મોટો ઈનફ્લો નોંધાયો હતો. જે અગાઉના મહિના દરમિયાન રૂ. 205 કરોડ પર જ હતો.
અગ્રણી મ્યુચ્યુલ ફંડ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ ઈક્વિટીઝમાં નીચા ઈનફ્લોનું મુખ્ય કારણ સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાનું માહોલ છે. રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે ઊભી થયેલી સ્થિતિમાં રોકાણકારો રિસ્ક-ઓફ મોડમાં જતાં રહ્યાં છે. તેઓ નવું રોકાણ કરતાં અગાઉ ખૂબ વિચારી રહ્યાં છે. સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાસ મારફતે આવતો ફ્લો 4 ટકા ઘટી રૂ. 11863 કરોડ પર જોવા મળ્યો હત. જે માર્ચ મહિનામાં રૂ. 12337 કરોડના વિક્રમી સ્તરે હતો. મોટાભાગના ડેટ ફંડ્સમાં નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. જોકે લિક્વિડી અને અલ્ટ્રા-શોર્ટ ટર્મ ફંડ્સે રૂ. 28731 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો. જ્યારે મની માર્કેટ ફંડ્સે રૂ. 16194 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો.
દરમિયાનમાં એમ્ફીના જણાવ્યા મુજબ મ્યુચ્યુલ ફંડનું કુલ એસેટ અન્ડરમેનેજમેન્ટ વધીને રૂ. 38.03 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે વિક્રમી ટોચ પર હતું. મહિના દરમિયાન રૂ. 72847 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. માર્ચ મહિનાની આખરમાં તે રૂ. 37.57 કરોડ પર હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
બીએસઈઃ દેશમાં સૌથી જૂના સ્ટોક એક્સચેન્જે 2021-22 માટે રૂ. 254.33 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 144.90 કરોડ સામે 76 કરોડની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ રૂ. 2ની ફેસવેલ્યૂના શેર પર રૂ. 13.5નું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીનું દૈનિક ટર્નઓવર 29 ટકા વધી રૂ. 5396 કરોડ રહ્યું હતું.
વિપ્રોઃ આઈટી સર્વિસિસ કંપનીએ ક્રેડિટ એગ્રીકોલ જૂથના કોર્પોરેટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક ડિવિઝન ક્રેડિટ એગ્રીકોલ સીઆઈબી સાથે સ્ટ્રેટેજિક એગ્રીમેન્ટને લંબાવ્યું છે.
મહાનગર ગેસઃ સિટી ગેસ અને પીએનજી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 132 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 38 ટકા ઘટાડો દર્શાવે છે. કંપની રૂ. 134 કરોડનો નફો રળે તેવો અંદાજ બાંધવામાં આવ્યો હતો.
વોડાફોન આઈડિયાઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6563 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વાર્ષિક ધોરણે 6.5 ટકાનો ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 7022 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. ત્રિમાસિક ધોરણે કંપનીની ખોટમાં 9 ટકા ઘટાડો નોંધાયો હતો.
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ કંપનીના એમડીએ જણાવ્યું છે કે કંપની ચાલુ દાયકામાં ઓર્ગેનિકલી વૃદ્ધિ દર્શાવવા પર ભાર મૂકશે. તે કોઈ ખરીદી નહિ કરે.
સિપ્લાઃ ટોચની ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 362 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 413 કરોડની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો સૂચવે છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 50 ટકા ઘટાડો દર્શાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 729 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવત ત્રિમાસિક ધોરણે 4 ટકા ગગડી રૂ. 5479 કરોડ પર રહી હતી.
પ્રૂડન્ટ કોર્પોરેટઃ પ્રાઈમરી બજારમાં આઈપીઓ સાથે પ્રવેશેલી પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 159 કરોડ ઊભા કર્યાં છે. એન્કર ઈન્વેસ્ટર્સને રૂ. 630 પ્રતિ શેરના ભાવે 25.30 લાખ શેર્સની ફાળવણી કરી છે. જેમાં સોસાયટી જનરાલી, ડીએસપી એમએફ, એચડીએફસી એમએફ સહિતની એએમસીનો સમાવેશ થાય છે.
કન્સાઈ નેરોલેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 19.17 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 84.49 ટકાનો ઘટાડો દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 123.62 કરોડનો નફો રળ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 5.27 ટકા વધી રૂ. 1536.60 કરોડ રહી હતી.
વેલસ્પન ઈન્ડિયાઃ હોમ ટેક્સટાઈલ ઉત્પાદકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 51.25 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 62 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 134.34 કરોડનો નફો રળ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 2174 કરોડ સામે રૂ. 2247 કરોડ પર રહી હતી.
શ્રીરામ સિટી યુનિયનઃ કંપનીના પ્રમોટર ગ્રૂપે કંપનીના 4.18 લાખ શેર્સની ખરીદી કરી છે.
ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટીંગ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર દરમિયાન રૂ. 113 કરોડનો કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 67.2 કરોડની વૃદ્ધિ દર્શાવે છે.
ન્યૂલેન્ડ લેબોરેટરીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે 26 ટકા વૃદ્ધિ સાથે રૂ. 21.8 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો છે.
રાઈટ્સઃ રેલ્વેની પેટા કંપનીએ ઘાના માટે 1.263 કરોડ ડોલરનો કન્સલ્ટન્સી ઓર્ડર મેળવ્યો છે.
Market Summary 11 May 2022
May 11, 2022
