માર્કેટ સમરી
સતત આંઠમા દિવસે બજારમાં તેજીનો દોર જળવાયો હતો. નિફ્ટી 118 પોઈન્ટ્સ ઉછળી 12749ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 316 પોઈન્ટ્સ ઉછળી 43593 પોઈન્ટસ પર બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક છેલ્લા આંઠ ટ્રેડિંગ સત્રોમાં 4000થી વધુ પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે.
ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, આઈટીસીએ સપોર્ટ પૂરો પાડ્યો
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ્યારે 4 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતો હતો ત્યારે બજારને ઘણા સમયથી સાઈડલાઈન રહેલા કાઉન્ટર્સે સપોર્ટ પૂરો પાડ્યો હતો. જેમાં ટાટા સ્ટીલ અગ્રણી હતો. સ્ટીલ કંપનીનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો હતો. આજે કંપની તેના બ્રિટિશ બિઝનેસને લઈને કોઈ મહત્વનો નિર્ણય લેવાની શક્યતા છે અને તેની પાછળ શેરમાં તેજી જોવા મળી હતી. આઈટીસીએ પણ બજારને સારો સપોર્ટ પૂરો પાડ્યો હતો અને શેર 3 ટકાથી વધુ સુધરીને બંધ રહ્યો હતો. આ સિવાય પીએસયૂ શેર્સ ઓએનજીસી અને એનટીપીસીએ પણ સપોર્ટ કર્યો હતો. બેંકિંગમાં એક્સિસ બેંક 4 ટકાથી વધુ સુધર્યો હતો. સેન્સેક્સ શેર્સમાં તે બીજા ક્રમે સુધારો દર્શાવતો હતો. કોટક બેંક, સન ફાર્મા અને ઈન્ફોસિસે પણ સપોર્ટ પૂરો પાડ્યો હતો. જેને કારણે રિલાયન્સમાં ચાર ટકા ઘટાડા છતાં બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી
ઘણા મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 1450 શેર્સ અગાઉના બંધ સામે સુધરીને બંધ આવ્યાં હતાં. જ્યારે 1250 શેર્સ ઘટાડો દર્શાવતાં હતાં.
ટોરેન્ટ ફાર્માનો શેર 6 ટકા ઉછળ્યો
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનો શેર બુધવારે લગભગ છ ટકા ઉછળી રૂ. 2571 પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2434ના બંધ સામે રૂ. 138ની વૃદ્ધિ દર્શાવતો હતો. ટોરેન્ટ ફાર્મા દેશની અગ્રણી ફાર્મા કંપનીઓમાં સમાવિષ્ટ છે અને માર્કેટ-કેપની રીતે તે આંઠમા ક્રમે આવે છે. કંપનીના શેરે બે મહિના અગાઊ રૂ. 3040ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી તે કરેક્ટ થયો હતો અને હાલમાં કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ બેંકનો મોર્ગેજ પોર્ટફોલિયો રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયો
ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક આઈસીઆઈસીઆઈનો મોર્ગેજ પોર્ટફોલિયો રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયો છે. આ સીમાચિહ્ન હાંસલ કરનારી તે દેશની પ્રથમ બેંક બની છે. ઓક્ટોબર 2020માં તેણે માસિક ધોરણે સૌથી વધુ હોમ લોન આપી હતી. બેંકને તેના મોર્ગેજ પોર્ટફોલિયોને બમણું કરતાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. આમ કરવામાં મોર્ગેજ પ્રક્રિયાના ડિજિટાઈઝેશન ઉપરાંત વિસ્તરણ નેટવર્કે પણ સહાય કરી હતી. કંપની મેટ્રો ઉપરાંત બીજી, ત્રીજી અને ચોથી શ્રેણીના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં હાજરી ધરાવે છે.
રિલાયન્સ પાર્ટલી પેઈડ 8 ટકા તૂટ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભાગરૂપ એવો રિલાયન્સપીપી એટલેકે પાર્ટલી પેઈડ શેર બુધવારે 8 ટકા જેટલો તૂટ્યો હતો. શેર અગાઉના રૂ. 1193ના બંધ સામે રૂ. 99ના ઘટાડે રૂ. 1092 પર જોવા મળ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ 4 ટકાથી વધુના ઘટાડે રૂ. 2000ની સપાટી નીચે ઉતરી ગયો હતો. કંપનીનો શેર ખૂલતાંમાં રૂ. 2095ની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી તૂટીને તેણે રૂ. 1979ની નીચી સપાટી દર્શાવી હતી. છેલ્લા કેટલાંક સત્રોથી શેર રૂ. 1900-2100ની રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે.