Market Summary 11 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારો પાછળ બેન્ચમાર્ક્સમાં નરમાઈ, નિફ્ટીએ 18 હજારનું સ્તર ગુમાવ્યું
ભારતીય બજારના અન્ડરપર્ફોર્મન્સ પાછળ સેન્સેક્સ ફરી 60 હજારની નીચે ઉતરી ગયો
બેંકિંગ, ઓટો, પીએસઈ અને રિઅલ્ટી ક્ષેત્રે જોવા મળેલી વેચવાલી
યુએસ ખાતે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન 30 વર્ષોની ટોચ પર આવતાં ઈક્વિટી માર્કેટમાં નરમાઈ પાછળ ભારતીય બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી-50 143.60 પોઈન્ટ્સના ઘટાડે 17873.60ના સ્તરે બંધ રહ્યો હતો. ત્રણ દિવસ સુધી 18 હજારનું સ્તર જાળવી રાખ્યાં બાદ વેચવાલીના દબાણ પાછળ તે ટકી શક્યો નહોતો. બેન્ચમાર્ક સેન્સેક્સ પણ 433.13 પોઈન્ટ્સના ઘટાડે 59919.69ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 41 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 9 સુધારો દર્શાવી રહ્યાં હતાં.
બુધવારે યુએસ ખાતે સીપીઆઈ ડેટા રજૂ થયો હતો. જે 6.2 ટકાની 1990 પછીની ટોચ પર જોવા મળ્યો હતો. જેની પાછળ ડાઉ જોન્સ 240 પોઈન્ટસ ઘટ્યો હતો. જ્યારે નાસ્ડેક 1.7 ટકાના તીવ્ર ઘટાડે બંધ રહ્યો હતો. જેની અસરે એશિયાઈ બજારોએ ખૂલતામાં નરમાઈ દર્શાવી હતી. ચીન ખાતે રિઅલ્ટી ડેવલપર એવરગ્રાન્ડ ફરી એકવાર બોન્ડ પેટે રિપેમેન્ટમાં નાદાર બની હતી. જેની પણ બજારો પર અસર જોવા મળી હતી. જોકે એશિયન બજારો પાછળથી સુધારા સાથે બંધ આવ્યાં હતાં. જેમાં હોંગ કોંગ અને ચીનના બજારો એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બપોરે યુરોપિય બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજાર સમગ્ર દિવસ દરમિયાન રેડ ઝોનમાં જ જળવાયું હતું. નિફ્ટી 17798.20ના દિવસના તળિયાથી 75 પોઈન્ટ્સ બાઉન્સ દર્શાવતો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો બેંક નિફ્ટી 1.2 ટકા, નિફ્ટી ઓટો 1.18 ટકા, નિફ્ટી ફાર્મા 1.4 ટકા, નિફ્ટી રિઅલ્ટી 2.33 ટકા અને પીએસઈ ઈન્ડેક્સ 1.22 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર મેટલ ઈન્ડેક્સ 0.36 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો. મીડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ 0.82 ટકા જ્યારે સ્મોલ-કેપ 0.51 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ ખાતે 3445 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1432 કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1859 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. 367 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 183 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સ દર્શાવી રહ્યાં હતાં. 208 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સ વાર્ષિક તળિયા પર ટ્રેડ થયાં હતાં.

યુએસમાં રિટેલ ઈન્ફ્લેશન વકરતાં ગોલ્ડમાં 40 ડોલરનો ઉછાળો નોંધાયો
એમસીએક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ વાયદો રૂ. 49380ની પાંચ મહિનાની ટોચ પર જોવા મળ્યો
વૈશ્વિક કોમેક્સ ખાતે સોનુ સપ્તાહમાં 75 ડોલર ઉછળી 1866 ડોલરને પાર કરી ગયું
યુએસ ખાતે ઓક્ટોબર માટે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન 6.2 ટકાની 30 વર્ષની ટોચ પર જોવા મળ્યું
ઊંચા ઈન્ફ્લેશન ડેટા પાછળ યુએસ ફેડ અપેક્ષા કરતાં ઝડપી રેટ વૃદ્ધિ કરી શકે છે

સોનામાં રોકાણકારો માટે સંવત 2078 સારુ પુરવાર થાય તેવી શક્યતા ઊભી થઈ છે. મૂહૂર્ત ટ્રેડિંગથી અત્યાર સુધીના ચાર ટ્રેડિંગ સત્રોમાં એમસીએક્સ ખાતે સોનામાં રૂ. 1800 અથવા 4 ટકા જેટલું રિટર્ન મળી ચૂક્યું છે. ગુરુવારે ડિસેમ્બર વાયદો રૂ. 525ના સુધારે રૂ. 49380ની ટોચ પર ટ્રેડ થયો હતો. યુએસ ખાતે બુધવારે રજૂ થયેલા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશનનો ડેટા અપેક્ષા કરતાં ઊંચો આવતાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક કોમેક્સ ખાતે સોનુ 40 ડોલરથી વધુ ઉછળી 1866 ડોલરની પાંચ મહિનાની ટોચ પર જોવા મળ્યું હતું.
યુએસ ખાતે બુધવારે ઓક્ટોબર મહિના માટે રિટેલ ઈન્ફ્લેશનનો ડેટા રજૂ થયો હતો. જે 6.2 ટકાના 30 વર્ષના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જોવા મળેલા 5.3 ટકાના સ્તર સામે તે 0.9 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવતો હતો. એનાલિસ્ટ્સની અપેક્ષા સીપીઆઈ અગાઉના સ્તર આસપાસ જ જળવાય તેવી હતી. જોકે તેણે કેલેન્ડર 1990 બાદ પ્રથમવાર 6 ટકાની સપાટીને પાર કરી હતી. એનર્જી, ફૂડ અને વ્હીકલ્સના ભાવોમાં તીવ્ર વૃદ્ધિને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે એમ અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે. ભાવ વૃદ્ધિ લગભગ તમામ આવશ્યક ચીજ-વસ્તુઓને નડી રહી છે. બુધવારે રાતે યુએસ ખાતે ડેટા રજૂ થયા બાદ સોનુ સાથે ડોલર પર મજબૂત બન્યો હતો. જ્યારે ટ્રેઝરી યિલ્ડ્સ ઉચકાયાં હતાં. સામાન્યરીતે આવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે સોનું અને ડોલર એક સાથે સુધારો દર્શાવતાં હોય. કેમકે ઐતિહાસિક રીતે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે.
અર્થશાસ્ત્રીઓના મતે એકબાજુ કોવિડને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી અસર યથાવત છે. જ્યારે બીજી બાજુ આર્થિક રિકવરીને કારણે કન્ઝ્યૂમર માગ ઊંચી જોવા મળી રહી છે. જેને કારણે ઉત્પાદકો કન્ઝ્યૂમર ગુડ્ઝ તથા સર્વિસિઝના ભાવો સતત વધારી રહ્યાં છે. લેબર માર્કેટમાં પણ ક્વોલિટી વર્કર્સની અછત પ્રવર્તી રહી છે. જેને કારણે વેતનમાં વૃદ્ધિ જોવા મળે છે. જે પણ ઉત્પાદકો માટે ખર્ચ વૃદ્ધિનું એક કારણ છે. ઓક્ટોબરનો સીપીઆઈ ડેટા સૂચવે છે કે ફુગાવો એ ટૂંકાગાળાની ઘટના નથી અને તે લાંબો સમય ચાલુ રહેશે. યુએસ ફેડ તેની છેલ્લી બેઠકમાં પણ ઈન્ફ્લેશનને ટ્રાન્ઝિટરી હોવાનું ગણાવી ચૂકી છે અને તેને કારણે જ ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિની જરૂર નહિ હોવાનું રટણ કરે છે. જોકે તાજા ડેટા બાદ ફેડ પર રેટ વૃદ્ધિ માટે દબાણ જોવા મળશે એમ એનાલિસ્ટ્સ માને છે. સાથે તેણે ગયા સપ્તાહે જાહેર કરેલા 15 અબજ ડોલરના ટેપરિંગનું કદ પણ ઝડપથી વધારવું પડશે. એટલેકે માસિક ધોરણે બોન્ડ બાઈંગને વધુ નીચા લેવલે લઈ જવું પડશે. કોવિડ બાદ 2020ના મધ્યમાં ફેડ રિઝર્વે મહિને 120 અબજ ડોલરનું બોન્ડ બાઈંગ શરૂ કર્યું હતું. જે નવેમ્બરથી ઘટીને 105 અબજ ડોલર કર્યું છે.

લાર્સનનો શેર સર્વોચ્ચ સપાટી દર્શાવી પાછો પડ્યો
કેપિટલ ગુડ્ઝ કંપની લાર્સન એન્ડ ટુબ્રોનો શેર ગુરુવારે સવારે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ માર્કેટમાં વેચવાલી પાછળ ઘટાડા સાથે બંધ આવ્યો હતો. છેલ્લાં કેટલાંક મહિનાઓથી બ્રોડ માર્કેટ સામે આઉટપર્ફોર્મન્સ દર્શાવનાર ઈન્ફ્રા કંપનીનો શેર અગાઉના રૂ. 1948ના બંધ ભાવ સામે રૂ. 1982ના સ્તરે ટ્રેડ થયો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 3 લાખ કરોડથી થોડું છેટે રહી ગયું હતું. જોકે શેરબજારમાં વેચવાલીને કારણે શેર પોઝીટીવ ટ્રેડ જાળવી શક્યો નહોતો અને ગગડીને રૂ. 1926 પર ટ્રેડ થયા બાદ સાધારણ ઘટાડે રૂ. 1931 પર બંધ રહ્યો હતો.

પેજ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 40 હજારની સપાટી કૂદાવી ગયો
કેમિકલ કંપની પેજ ઈન્ડસ્ટ્રીઝનો શેર ગુરુવારે રૂ. 40 હજારની સપાટી કૂદાવી ગયો હતો. કંપનીનો શેર રૂ. 39763ના અગાઉના બંધ સામે દિવસ દરમિયાન રૂ. 40500ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો અને કામકાજને આખરે રૂ. 367 પોઈન્ટ્સના સુધારે રૂ. 40100ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 44727 કરોડ પર જોવા મળ્યું હતું. રૂ. 21493ના વાર્ષિક તળિયા સામે તે 90 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે.

રિલાયન્સ સાથે ડીલમાં જૈસે થે જાળવવા ફ્યુચર જૂથને સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે એમેઝોન કેસમાં ફ્યુચર જૂથને નવી સુનાવણી સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ડીલમાં આગળ નહિ વધવા જણાવ્યું છે. ગુરુવારે કોર્ટે જણાવ્યું હતું કે તે 23 નવેમ્બરે કેસની સુનાવણી હાથ ધરશે. ફ્યુચર જૂથે રિલાયન્સ જૂથને તેની એસેટ સેલના વેચાણ અંગે એમેઝોન એનવી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ સામે કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે ફ્યુચર ગ્રૂપને જ્યાં સુધી પોતે આ કેસ અંગે આખરી સુનાવણી ના કરે ત્યાં સુધી અન્ય કોઈ ફોરમમાં નહિ જવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રામાનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચમાં જસ્ટીસ હીમા કોહલીએ એક ડિસ્ક્લોઝરમાં જણાવ્યું હતુ કે તેણી તથા તેના પરિવારના સભ્યો રિલાયન્સ જૂથ કંપનીઓના શેર્સ ધરાવે છે અને તેથી જો કોઈ પક્ષ અથવા વકિલને વાંધો હોય તો તેઓ બેંચમાંથી દૂર થઈ શકે છે. જોકે બંને પક્ષોનું પ્રતિનિધિત્વ કરતાં વકિલોએ કોહલીના બેંચમાં હોવાથી કોઈ વાંધો નહિ હોવાનું જણાવ્યું હતું. અગાઉ 9 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે એમેઝોને સિંગાપુર ઈમર્જન્સી આર્બિટ્રેટરે આપેલા ચૂકાદાનું પાલન કરવાની માગણી કરતી દિલ્હી કોર્ટમાંની તેની અરજી પરની કાર્યવાહી પર સ્ટે લાગુ પાડ્યો હતો. સિંગાપુર આર્બિટ્રેટરે ફ્યુચર ગ્રૂપના રૂ. 24731 કરોડના રિલાયન્સ રિટેલ સાથેના મર્જરને અમાન્ય રાખ્યું હતું.

ક્રિપ્ટોકરન્સિઝના સંભવિત જોખમો સામે RBI ગવર્નરની ચેતવણી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે રોકાણકારોને ડિજીટલ કરન્સિઝના સંભવિત જોખમોને લઈને ક્રિપ્ટોકરન્સિઝ સામે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મેક્રો ઈકોનોમિક અને ફાઈનાન્સિયલ સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીને જોઈએ તો ક્રિપ્ટોકરન્સિઝ એક ગંભીર ચિંતાની બાબત છે. શશીકાંત દાસની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતીય રોકાણકારોમાં ક્રિપ્ટોકરન્સિઝને લઈને ઉન્માદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડિજિટલ કરન્સિઝમાં નાના રોકાણકારોનું રોકાણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. લગભગ ત્રણેક વર્ષ અગાઉ ક્રિપ્ટોકરન્સિઝના ટ્રેડિંગ પર આરબીઆઈએ મૂકેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખ્યા બાદ ભારતમાં ક્રિપ્ટોકરન્સિઝના હોલ્ડિંગમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. કેન્દ્ર સરકારે હજુ ક્રિપ્ટોકરન્સિઝને લઈને કોઈ ચોક્કસ કાયદો તૈયાર કર્યો નથી. હાલમાં તે ઉદ્યોગ નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. વિવિધ સ્તરે મંત્રણા બાદ એવા સંકેતો સાંપડી રહ્યાં છે કે સરકાર લોકોના વ્યાપક હિતમાં દેશમાં ક્રિપ્ટોકરન્સિઝના ટ્રેડિંગ પર આકરા અંકુશો લાગુ પાડી શકે છે. જોકે તેને સંપૂર્ણપણે અમાન્ય ઠેરવે તેવી શક્યતાં ઓછી છે.

નેટ-ઝીરોનો ટાર્ગેટ ભારતીય અર્થતંત્રમાં 406 અબજ ડોલરની વૃદ્ધિ લાવશે
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ નેટ-ઝીરો એમિશનના ટાર્ગેટથી 4.3 કરોડ જોબ્સ ઊભી થશે

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન(ઓઆરએફ)ના અહેવાલ અનુસાર ભારતીય અર્થતંત્ર તેના નેટ-ઝીરો એમિશનના ટાર્ગેટ તરફ આગળ વધતાં વર્ષ 2050 સુધીમાં 406 અબજ ડોલર(4.06 ટ્રિલીયન ડોલર)ની વૃદ્ધિ દર્શાવશે. સાથે તે નવી 4.3 કરોડ નોકરીઓ પણ ઊભી કરશે.
કોપ26 તરીકે ઓળખાતી 2021 ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માટે 2070 સુધીમાં નેટ-ઝીરો એમિશનનો ટાર્ગેટ રજૂ કર્યો હતો. સાથે ભારત ઓછુ કાર્બન ઉત્સર્જન ધરાવતી વીજ ઉત્પાદન ક્ષમતાને 2030 સુધીમાં વધારી 500 ગીગોવોટ્સ કરવાનો તેમજ 2030 સુધીમાં તેની કુલ ઊર્જા જરૂરિયાતનો 50 ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જિમાંથી પૂરો કરવાનો ટાર્ગેટ ધરાવે છે.
ઓઆરએફે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતનો 2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન એમિશન્સનો ટાર્ગેટ ખૂબ સારો અને વખાણવાયોગ્ય છે પરંતુ સાથે તે અતિ મહત્વાકાંક્ષી પણ છે. ‘શેપીંગ અવર ગ્રીન ફ્યુચરઃ પાથવેઝ એન્ડ પોલિસીસ ફોર એ નેટ-ઝીરો ટ્રાન્સફોર્મેશન’ શીર્ષક હેઠળના રિપોર્ટમાં જણાવાયું છે કે આ ટ્રાન્સફોર્મેશન માટે માળખાકિય ફેરફારોની જરૂરિયાત રહેશે. સાથે સસ્ટેનેબિલિટી અને ડેવલપમેન્ટના બે હેતુઓ વચ્ચે સંતુલન પણ જાળવવું પડશે. આ રિપોર્ટ સતત થઈ રહેલાં કેટલાંક સવાલોના સંભવિત સોલ્યુશન્સ ઓફર કરતાં નિબંધોનો સંગ્રહ છે તથા તે ડિકાર્બોનાઈઝ્ડ અને ગ્રીન ઈકોનોમી માટેના ભારતના ટ્રાન્ઝિશન માટે રોડમેપ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રિપોર્ટમાં ફાઈનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જયંત સિંહાએ જણાવ્યું છે કે નેટ-ઝીરો પાથવે માટે કાનૂની રીતે બંધિત નેટ-ઝીરો ટાર્ગેટ જરૂરી છે. કાનૂની રીતે બંધાલેયો નેટ-ઝીરો ટાર્ગેટ અને સરકાર તરફથી સપોર્ટિવ નીતિઓ જ ગ્રીન ટેક્નોલોજિસ અને ઈક્વિપમેન્ટ ક્ષેત્રે જંગી રોકાણ લાવી શકશે. જેને કારણે ઈલેક્ટ્રિસિટી ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન, કન્સ્ટ્રક્શન, રિઅલ એસ્ટેટ, એગ્રીકલ્ચરલ, સિમેન્ટ, સ્ટીલ અને અનેક ઉદ્યોગો ક્ષેત્રે સંપૂર્ણપણે ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. ખાનગી ક્ષેત્રની મૂડી મારફતે ખાનગી ક્ષેત્રનું ટ્રાન્સફોર્મેશન થશે એમ તેઓ જણાવે છે. જંગી ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ્સ આર્થિક વૃદ્ધિને વેગ આપશે અને હાઈ-ક્વોલિટી જોબ્સનું સર્જન કરશે. નેટ ઝીરો ભારત માટે નેટ પોઝીટીવ બનશે એમ તેઓ ઉમેરે છે.

હરિયાણાના જોબ રિઝર્વેશન કાયદા સામે ઉદ્યોગો કોર્ટમાં જાય તેવી શક્યતાં
ખાનગી ક્ષેત્રે 75 ટકા જોબ્સ સ્થાનિકો માટે અનામતના નિયમથી નાના ઉદ્યોગો પર ફટકો પડી શકે
હરિયાણા સરકારના ખાનગી ક્ષેત્રે 75 ટકા નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખવાના નિયમને માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસિસ(એમએસએમઈ) કાયદાકીય રીતે કોર્ટમાં પડકારે તેવી શક્યતાં છે. આઈએમટી ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા મુજબ અમે આ નિયમ સામે અગાઉ હાઈકોર્ટમાં ગયા હતાં. જોકે કોર્ટે જણાવ્યું હતું કે એકવાર કાયદો નોટિફાઈડ થાય ત્યારબાદ તે આ મુદ્દે સુનાવણી કરશે.
હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોક કેન્ડિડેટ્સ એક્ટ 2020 મુજબ રાજ્યમાં આવેલી 10થી વધુ લોકોને રોજગારી આપી રહેલી ખાનગી કંપનીઓ, સોસાયટીઝ, ટ્રસ્ટ્સ અને પાર્ટનરશીપ કંપનીઓએ રૂ. 30 હજાર કે તેનાથી નીચું વેતન ધરાવતી જોબ્સમાં સ્થાનિકો માટે 75 ટકા રિઝર્વેશન રાખવું પડશે. આ કાયદો ગયા સપ્તાહે નોટિફાઈડ કરવામાં આવ્યો હતો. તે 15 જાન્યુઆરી 20200થી અમલી બનશે.
ઉદ્યોગો અને એસોસિએશન્સ માને છે કે આ કાયદાને કારણે રાજ્યને કોઈ લાભ નહિ થાય અને તેને કારણે કોવિડમાંથી માંડ-માંડ બહાર આવેલા એમએસએમઈ ક્ષેત્રને ફટકો પડશે. હરિયાણા દેશમાં ઊંચું ઔદ્યોગિકીકરણ ધરાવતું રાજ્ય છે. તે મોટા પ્રમાણમાં ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરિંગ ઉદ્યોગ ધરાવે છે. જે મારુતિ સુઝુકી જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીના કંપોનેન્ટ ઉત્પાદકો તરીકે કામ કરે છે. સરકારે ઘડેલો નિયમ મારુતિ જેવા મોટા ઉદ્યોગોને ઓછી અસર કરશે. કેમકે રાજ્ય સરકારે નવા કાયદામાં જણાવ્યું છે કે રિઝર્વેશન ક્વોટા માસિક ધોરણે રૂ. 30 હજાર સુધીની ગ્રોસ સેલેરી ધરાવતી નોકરીઓ પર જ લાગુ પડશે. ડ્રાફ્ટ બિલમાં રિઝર્વેશન માટેની મહત્તમ વેતન મર્યાદા રૂ. 50 હજાર નક્કી કરવામાં આવી હતી.
મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવના જણાવ્યા મુજબ આવી નિયંત્રણો ધરાવતી નીતિઓ આવકાર્ય નથી. જોકે અમારી સરકાર સાથેની મંત્રણાને કારણે સેલરી સિલીંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમારા મોટાભાગના કર્મચારીઓ રૂ. 30 હજાર કરતાં વધુ વેતન ધરાવે છે. આમ મંત્રણાનું પરિણામ મળ્યું હોવાથી અમે ખુશ છીએ. અમે નવી જમીનને લઈને જલ્દી નિર્ણય લઈશું અને કેલેન્ડર 2021માં જ ત્યાં શિફ્ટ થઈશું. તેમણે ઉમેર્યું હતું કે હરિયાણામાં પ્લાન્ટ સ્થાપવા પાછળનું મુખ્ય કારણ મારુતિનો વેન્ડર બેઝ હરિયાણામાં હોવાનો છે. અમારા દૂર જવાથી તેમને રિલોકેટ થવામાં મુશ્કેલી પડે તેમ છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage