બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી 18000 પર ટકી શક્યો નહિ
ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ પ્રથમવાર 18000ની સપાટી પાર કરી હતી. જોકે તે આ સ્તર પર ટકવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 18042ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યાંથી કરેક્ટ થયો હતો અને કામકાજના અંતે 17946ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટને મુખ્ય સપોર્ટ બેંકિંગ તરફથી સાંપડ્યો હતો. બેંક નિફ્ટી 1.37 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આઈટી તરફથી બજારને ભારે વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો. અન્ય ક્ષેત્રો ફ્લેટથી પોઝીટીવ દેખાવ દર્શાવી રહ્યાં હતાં.
TCSની આગેવાનીમાં IT શેર્સમાં ભારે વેચવાલી નોંધાઈ
દેશમાં અગ્રણી ઈન્ફર્મેશન ટેક્નોલોજી ટીસીએસની આગેવાનીમાં આઈટી કાઉન્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટીસીએસે ગયા શુક્રવારે તેનું પરિણામ જાહેર કર્યાંની પ્રતિક્રિયામાં આજે કંપનીનો શેર 6.35 ટકા ગગડીને બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3935.65ના બંધ ભાવ સામે રૂ. 250.05ના ઘટાડે રૂ. 3685.60ના સ્તરે બંધ રહ્યો હતો. આઈટી લીડરના ભાવમાં કડાકા પાછળ મીડ-કેપ આઈટી કંપનીઓના શેર્સમાં વેચવાલી નીકળી હતી. જેમાં કોફોર્જ 5 ટકા, એમ્ફેસિસ 4.4 ટકા, માઈન્ડટ્રી 4 ટકા, ટેક મહિન્દ્રા 2.8 ટકા, ઈન્ફોસિસ 1.91 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 1.75 ટકા અને એચસીએલ ટેક્નોલોજીમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3.36 ટકા ગગડી 35179.95ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે સેક્ટરલ સૂચકાંકોમાં તે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 2720ની ટોચ બનાવી પાછો પડ્યો
શેરબજારમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર નવા સપ્તાહની શરૂઆતમાં રૂ. 2720ની ટોચ બનાવી પાછો પડ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2671.25ના બંધ સે રૂ. 2701.40ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ દર્શાવી વધુ સુધર્યો હતો. જોકે બજાર બંધ થતાં અગાઉ જોવા મળેલી વેચવાલી પાછળ તે 0.70 ટકા ઘટાડાસાથે રૂ. 2652.65ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 16.81 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીએ સપ્તાહાંતે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે બે મોટી ખરીદીની જાહેરાત કરી હતી. જેની પાછળ કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી હતી. કંપનીએ એક એક્વિઝીશનમાં ચાઈના નેશનલ બ્લ્યૂસ્ટાર કંપની પાસેથી આરઈસી સોલાર હોલ્ડિંગ્સની ખરીદી કરી હતી. કંપનીએ 77.1 કરોડ ડોલરના એન્ટરપ્રાઈઝ વેલ્યૂએશનથી આ ખરીદી કરી હતી. જ્યારે એક અન્ય એક્વિઝિશનમાં તેણે શાપોરજી પાલોનજી જૂથ પાસેથી એસડબલ્યુ સોલારમાં 40 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. કંપની રૂ. 375 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરશે.
ડોલર સામે રૂપિયો 37 પૈસા ગગડી 15-મહિનાના તળિયે
નવા સપ્તાહે ભારતીય ચલણમાં યુએસ ડોલર સામે નરમાઈનો ટ્રેન્ડ આગળ વધતો જોવા મળ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં પ્રથમવાર તેણે 75ના સ્તર નીચેનું બંધ દર્શાવી 15-મહિનાનું તળિયું બનાવ્યું હતું. રૂપિયાએ ગ્રીનબેક સામે 75.11ના સ્તરે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યાંથી તે સાધારણ સુધરી 75.06ની ઈન્ટ્રા-ડે ટોચ પર જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ તે ગગડ્યો હતો અને 75.39ના તળિયાને સ્પર્શ્યો હતો. જ્યાંથી 3 પૈસાના સાધારણ બાઉન્ય સાથે 75.36ના સ્તરે બંધ રહ્યો હતો શુક્રવારે તે 74.99ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ એપ્રિલ મહિના દરમિયાન રૂપિયાએ ઈન્ટ્રા-ડે ધોરણે 75ના સ્તર નીચે ટ્રેડ દર્શાવ્યો હતો. જોકે ત્યાંથી તે ઝડપથી પરત ફર્યો હતો. રૂપિયો આ અગાઉ 14 જુલાઈ 2020ના રોજ આ સ્તર પર ટ્રેડ થયો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં મજબૂતી પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ કરન્સીઝમાં નરમાઈ જોવા મળી રહી છે. રૂપિયાને હવે 75.65 ડોલરનો સપોર્ટ છે. જે તૂટશે તો તેમાં વધુ ઘટાડો સંભવ છે. જ્યારે 75 ડોલરનું સ્તર અવરોધ બની રહેશે એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
વૈશ્વિક ઊર્જા તંગી વચ્ચે ક્રૂડના ભાવ છ વર્ષની ટોચે
બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.7 ટકા ઉછળી 84.59 ડોલર પર ટ્રેડ થયો
એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો રૂ. 6100ની સપાટી કૂદાવી ગયો
સોમવારે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં લગભગ 3 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.7 ટકા ઉછળી 84.59 ડોલર પ્રતિ બેરલની છેલ્લાં ત્રણ વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે યુએસ ખાતે ડબલ્યુટીઆઈ ક્રૂડ 81.5 ડોલરની 2014 પછીની ટોચ પર જોવા મળ્યો હતો. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ઓક્ટોબર ક્રૂડ વાયદો લગભગ 4 ટકા સુધારા સાથે રૂ. 6193ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે જુલાઈ 2008માં તેણે દર્શાવેલા રૂ. 6350 ટોચ બાદ પ્રથમવાર જોવા મળેલું સ્તર છે.
વૈશ્વિક સ્તરે એનર્જીની માગમાં વૃદ્ધિ સામે પુરવઠામાં જોવા મળી રહેલી ગંભીર કટોકટીને પગલે ક્રૂડ સહિતના રો-મટિરિયલ્સના ભાવમાં સુધારો જળવાયો છે. એકબાજુ આર્થિક ગતિવિધિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ અગ્રણી ઉત્પાદકો તરફથી સપ્લાયમાં અવરોધ ઊભા થયાં છે. એનાલિસ્ટ્સ માને છે કે ક્રૂડના ભાવ નજીકના સમયમાં તેમનો સુધારો ચાલુ રાખશે. કોવિડ લોકડાઉનમાં રાહત બાદ વધુને વધુ લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યાં છે. જે આર્થિક પ્રવૃત્તિને ઝડપી સામાન્ય સ્તર તરફ લઈ જઈ રહ્યાં છે. જેને કારણે ઊર્જાની માગ વધી રહી છે. કોલ અને ગેસના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે પાવર જનરેશન માટે ઓઈલ આકર્ષક બન્યું છે. જેની પાછળ કોમોડિટીના ભાવ સતત વધી રહ્યાં છે.
ભારતમાં કેટલાંક રાજ્યોમાં વીજ તંગી પાછળ બ્લેકઆઉટ્સની ઘટના જોવા મળી રહી છે. દરમિયાનમાં ચીનની સરકારે વીજળીના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ ત્યાંના ખાણિયાઓને કોલ ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ માટે આદેશ આપ્યો છે. બીજી બાજુ ઉત્તર ધ્રૂવમાં શિયાળો બેસવા જઈ રહ્યો છે અને તેથી હિટીંગ માટેની માગ વધી રહી છે. એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવમાં મજબૂતી વચ્ચે યુએસ એનર્જી ડિપાર્ટમેન્ટ હજુ પણ તેના સ્ટ્રેટેજિક રિઝર્વ્સનો ઉપયોગ કરવાનું વિચારી નહિ રહ્યું હોવાના અહેવાલ પાછળ ક્રૂડના ભાવમાં ઓર મજબૂતી જોવા મળી છે. યુએસ એનર્જી પ્રધાને ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ગેસોલીનના ભાવને ઠંડા પાડવા સરકાર રિઝર્વ્સનો ઉપયોગ કરી શકે છે. જોકે પાછળથી એનર્જી વિભાગે આવી કોઈ યોજના નહિ હોવાનું જણાવ્યું હતું. યુએસ ખાતે ડ્રીલર્સ ક્રૂડમાં મજબૂતીનો લાભ લઈ રહ્યાં છે. ગયા સપ્તાહે તેમણે પાંચ નવા કૂવાઓનો ઉમેરો કર્યો હતો. જે સતત ઓઈલ અને ગેસ રિગ્સમાં સતત પાંચમા સપ્તાહે જોવા મળેલી વૃદ્ધિ હતું.
ઓપેક અને અન્ય ઉત્પાદકોએ ગયા સપ્તાહે દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વૃદ્ધિનો નિર્ણય લીધો હતો. જેની પણ ક્રૂડના ભાવ પર કોઈ પોઝીટીવ અસર જોવા મળી નથી.
ભારતીય કંપનીઓ છ મહિનામાં IPO મારફતે રૂ. 75 હજાર કરોડ એકત્ર કરશે
KPMGના જણાવ્યા મુજબ ટ્રમ્પ વહીવટ વખતે પ્રિન્ટ થયેલા નાણાનો મોટો હિસ્સો શેરબજારોમાં જઈ રહ્યો છે
કેપીએમજીની અપેક્ષા મુજબ ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણકારો તરફથી અવિરત નાણાપ્રવાહને જોતાં ભારત સ્થિત ડિજિટલ કંપનીઓ આગામી છ મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં આરંભિક ભરણા મારફતે 10 અબજ ડોલર ઊભા કરશે. દેશના પ્રાઈમરી માર્કેટમાં 2021માં અત્યાર સુધી 35થી વધુ આઈપીઓ આવી ચૂક્યાં છે અને તેમણે રૂ. 80 હજાર કરોડ ઊભાં કર્યાં છે. જેમાં ઝોમેટો જેવા મેગા આઈપીઓનો પણ સમાવેશ થાય છે. આગામી સમયગાળામાં પેટીએમ સહિતની ન્યૂ એજ કંપનીઓ બજારમાં પ્રવેશે તેવી અપેક્ષા છે.
કેપીએમજી ઈન્ડિયાના સિનિયર પાર્ટનર અને કોર્પોરેટ ફાઈનાન્સ હેડે જણાવ્યા મુજબ ભારત રોકાણ માટે ભૂખ્યાં વૈશ્વિક એસેટ મેનેજર્સ માટે આ ડિજિટલ કંપનીઓ સાથે ગ્રોથ માટેનું એક નવું ક્ષેત્ર ખોલી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ યુએસ ખાતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દરમિયાન છાપવામાં આવેલા નાણાનો મોટો હિસ્સો વૈશ્વિક શેરબજારોમાં ઘર કરી રહ્યો છે અને ભારત તેમાંનો એક લાભાન્વિત દેશ છે. કોવિડ મહામારીના લગભગ બે વર્ષ બાદ વ્યાપક વેક્સિનેશન બાદ સ્થિતિ સામાન્ય બનતાં તેમજ સેન્ટ્રલ બેંકની એકોમોડેટીવ પોલિસી અને ચાલુ નાણાકિય વર્ષ માટે 9.5 ટકા વૃદ્ધિ દરની શક્યતાં ભારતીય શેરબજારની તેજીને પોરસી રહી છે.
ભારતીય કંપનીઓએ ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં આઈપીઓ મારફતે 10.8 અબજ ડોલર ઊભા કર્યાં છે. જેને જોતાં કેલેન્ડર 2017માં ઊભા કરવામાં 11.8 અબજ ડોલરની આઈપીઓ મારફતે મેળવાયેલી ભરણાની વિક્રમી રકમ આસાનીથી પસાર થઈ જશે. ચીન સરકારે ત્યાંની ટેક્નોલોજી કંપનીઓ પર કરેલી તવાઈને કારણે પણ વૈશ્વિક ફંડ ફ્લો ભારતીય કંપનીઓ તરફ વળ્યો હોવાનું માનવામાં આવે છે. અગાઉ એસેટ મેનેજર્સ તેમની પાસે પડેલા રોકાણલક્ષી નાણામાંથી 90 ટકાનું ચીનમાં રોકાણ કરતાં હતાં. જેનું કારણ તેમનો ઊંચો ગ્રોથ અને કન્ઝમ્પ્શન સ્ટોરી હતું. જોકે હાલમાં ટ્રેન્ડ બદલાયો છે અને 80 ટકા ફંડ ભારત તરફ આવી રહ્યું છે. કેપીએમજીના સિનિયર પાર્ટનરના જણાવ્યા મુજબ ઓલ્ડ-ઈકોનોમી કંપનીઓ તેમના ઋણને હળવુ કરવા માટે તેમની એસેટ્સ સેલ કરી રહી છે. જે મર્જર અને એક્વિઝીશન્સને આંશિક સપોર્ટ પૂરો પાડી રહ્યું છે. જ્યારે ડિજીટલ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપનીઓ પણ સ્ટોકનો કરન્સીની જેમ ઉપયોગ કરીને કોન્સોલિડેશન તરફ આગળ વધી રહી છે.
Market Summary 11 October 2021
October 11, 2021