Market Summary 11 October 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સેલ-ઓફમાં નિફ્ટી ફરી 17K નીચે ઉતરી ગયો
તાઈવાન, હોંગ કોંગના બજારોએ નવુ વાર્ષિક તળિયું દર્શાવ્યું
યુએસ બજારોમાં ઊભરા જેવા નીવડતાં બાઉન્સ
નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 23 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.43 ટકા ઉછળી 20.49ની સપાટીએ
મેટલ, આઈટી, એફએમસીજી, ફાર્મા, ઓટોમાં સાર્વત્રિક વેચવાલી
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે વેચવાલી
કેપીટીએલ, શેલે હોટેલ્સે નવી ટોચ બનાવી
માસ્ટેક, બાયોકોને નવુ વાર્ષિક તળિયું દર્શાવ્યું

વૈશ્વિક બજારોમાં વેચવાલી અટકવાનું નામ નહિ લેતાં સ્થાનિક બજારમાં પણ ઘટાડો જળવાયો છે. જેની પાછળ મંગળવારે નિફ્ટી ફરી 17 હજારની નીચે ઉતરી ગયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 844 પોઈન્ટ્સ ગગડી 57147ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 257 પોઈન્ટ્સના ઘટાડે 16984 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સમાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 47 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 3 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયા હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. જોકે બ્રેડ્થ આટલી ખરાબ નહોતી. બીએસઈ ખાતે બેથી વધુ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદી જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 4.43 ટકા ઉછળી 20.49ની સપાટી પર પહોંચી ગયો હતો.
મંગળવારે સતત બીજા દિવસે બજારોને કોઈ રાહત સાંપડી નહોતી. સોમવારે યુએસ ખાતે નાસ્ડેકે તેના જૂન મહિનાના તળિયાને તોડી નવું લો બનાવ્યું હતું. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ ફરી 29000ની નજીક સરક્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. તાઈવાન માર્કેટ 4 ટકાથી વધુ ગગડી તેના નવા વાર્ષિક લો પર બંધ રહ્યું હતું. જ્યારે હોંગ કોંગ માર્કેટ પણ 2 ટકાથી વધુ ગગડ્યું હતું. આ ઉપરાંત જાપાન, કોરિયન બજારોએ પણ 2-3 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. એકમાત્ર ચીનનું બજાર 0.2 ટકા સુધારા સાથે બંધ રહ્યું હતું. આ વચ્ચે ભારતીય બજાર તેના અગાઉના 17241ના બંધ ભાવ સામે 17256ના સ્તરે પોઝીટીવ ઓપનીંગ બાદ એક સમયે 17262ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી બપોર બાદ ઝડપથી ગગડ્યું હતું અને 16950ના તળિયા પર ટ્રેડ થઈ, તેની નજીક જ બંધ જોવા મળ્યું હતું. માર્કેટ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને નજીકમાં 16800નો મહત્વનો સપોર્ટ છે. જેની નીચે તે 16500 સુધી ગગડી શકે છે. જોકે વૈશ્વિક બજારો ઓવરબોટ ઝોનમાં હોવાથી ત્યાં એક બાઉન્સની અપેક્ષા છે. જે ભારતીય બજારને રાહત પૂરી પાડી શકે છે. હાલમાં અનેક સેક્ટરલ ઈન્ડાઈસીસ નિફ્ટીની સરખામણીમાં વધુ ઘટી ચૂક્યાં છે અને તેથી તેઓ કોન્સોલિડેશનમાં જોવા મળે તેવું બની શકે. મંગળવારે જોકે સાર્વત્રિક વેચવાલી જોતાં એવું જણાય છે કે માર્કેટ ટૂંકાગાળામાં દિશાહિન ટ્રેડ દર્શાવી શકે છે. સોમવારે બજાર બંધ થયા બાદ આઈટી અગ્રણી ટીસીએસ તરફથી અપેક્ષા કરતાં સારા પરિણામ રજૂ કરવામાં આવતાં તેમજ ઈન્ફોસિસ તરફથી 13 ઓક્ટોબરે પરિણામો સાથે બાય-બેકની વિચારણાના અહેવાલ બાદ માર્કેટ ગેપ-અપ ઓપનીંગ દર્શાવે તેવી શક્યતાં હતી જ. આઈટી શેર્સે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું પણ હતું. જોકે તેઓ ઊંચા સ્તરે ટકી શક્યાં નહોતાં અને દિવસ દરમિયાન બે બાજુની વધ-ઘટ બાદ એક તબક્કે ઘસાયાં હતાં. જેની પાછળ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2 ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ફોસિસ 3 ટકા તૂટ્યો હતો. એચસીએલ ટેક 2.6 ટકા, ટેક મહિન્દ્રા 2.4 ટકા અને એલએન્ડટી ઈન્ફોટેક 2 ટકા જેટલાં ગગડ્યાં હતાં. વિપ્રો અને ટીસીએસ પણ 1.6 ટકા ઘટાડે બંધ આવ્યાં હતાં. માસ્ટેક જેવા કાઉન્ટર્સે તેનું નવુ વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. મેટલ સેગમેન્ટમાં વેચવાલી પાછળ નિફ્ટી મેટલ ઈન્ડક્સ 2.2 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં જિંદાલ સ્ટીલ 4 ટકા તૂટ્યો હતો. જ્યારે એનએમસીડી 4 ટકા, વેદાંત 4 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3.5 ટકા, સેઈલ 3 ટકા, નાલ્કો 3 ટકા અને હિંદાલ્કો પણ 3 ટકા ગગડ્યાં હતાં. મેટલ કાઉન્ટર્સે છેલ્લાં કેટલાંક સમયથી સતત અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે અને તે આગળ પણ ચાલુ રહેવાની શક્યતાં છે. એફએમસીજી કાઉન્ટર્સમાં ભારે વેચવાલી પાછળ નિફ્ટી એફએમસીજી 1.8 ટકા જેટલો તૂટ્યો હતો. જેમાં યુનાઈટેડ સ્પિરિટ્સ 5 ટકા તૂટ્યો હતો. જ્યારે વરુણ બેવરેજીસ 4 ટકા, નેસ્લે 4 ટકા, યુનાઈટેડ બ્રૂઅરીઝ 3.5 ટકા, કોલગેટ 3 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ પણ 2.5 ટકા જેટલાં ગગડ્યાં હતાં. હિંદુસ્તાન યુનિલિવર 2 ટકા, બ્રિટાનિયા 2 ટકા અને મેરિકો 1.5 ટકા ડાઉન જોવા મળ્યાં હતાં. નિફ્ટી એનર્જી 1.6 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં ગેઈલ 3.4 ટકા સાથે મુખ્ય હતો. આ ઉપરાંત આઈઓસી, એચપીસીએલ, રિલાયન્સ, એનટીપીસી, ઓએનજીસી, બીપીસીએલ, ટાટા પાવર અને અદાણી ગ્રીન એનર્જી પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ડિફેન્સિવ નેચરના ફાર્મા શેર્સ પણ ટકી શક્યાં નહોતા અને ગગડ્યા હતાં. જેની પાછળ નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.55 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં ડિવિઝ લેબ્સ 5 ટકા, ઓરોબિંદો ફાર્મા 5 ટકા, લ્યુપિન 4 ટકા, બાયોકોન 3 ટકા અને ડો. રેડ્ડીઝ લેબ્સ 2.22 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. એકમાત્ર આલ્કેમ લેબ 0.76 ટકા સાથે પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. બેંકિંગ સેક્ટરમાં પણ બપોર બાદ ભારે વેચવાલી નીકળી હતી. જેની પાછળ બેંક નિફ્ટી 39 હજારના સ્તર નીચે ઉતરી ગયો હતો. બેંકિંગ શેર્સમાં ઈન્ડસઈન્ડ બેંક 4 ટકા ગગડ્યો હતો. જ્યારે પીએનબી, બીઓબી, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. માત્ર એક્સિસ બેંક અને ફેડરલ બેંક જ દિવસભર ગ્રીન જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો કેટલાંક કાઉન્ટર્સમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં બાટા ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હનીવેલ ઓટોમેશન, સિન્જિન ઈન્ટરનેશનલ, ડિક્સોન ટેક્નોલોજી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, આઈડીએફસી, કોન્કોર જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ ઈન્ડિયા સિમેન્ટ્સમાં 11 ટકાની તીવ્ર વેચવાલી જોવા મળી હતી. જ્યારે હેવેલ્સ ઈન્ડિયા, ડેલ્ટા કોર્પ, ડો. લાલ પેથલેબ્સ, લ્યુપિન, ભેલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ટાટા કોમ્યુનિકેશન્સમાં 4 ટકા આસપાસનો ઘટાડો નોંધાયો હતો. કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન, શેલે હોટેલ્સ, સીજી પાવર, શ્રી રેણુકા, શોપર્સ સ્ટોપ, ટાટા કેમિકલ્સ અને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે ઈન્ટીલેક્ટ ડિઝાઈન, માસ્ટેક, બાયોકોન, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસ, શિલ્પા મેડીકેર, મેડપ્લસ હેલ્થકેર અને મોતીલાસ ઓસ્વાલે તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે બ્રેડ્થ નરમ જળવાય હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3563 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2351 નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 1084માં સુધારો નોંધાયો હતો. જોકે 144 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 43 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 7 કાઉન્ટર્સે અપર સર્કિટ જ્યારે 3 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવ્યું હતું. 128 કાઉન્ટર્સે અગાઉના બંધ ભાવે ફ્લેટ બંધ આપ્યું હતું.




BSE રિઅલ્ટી ઈન્ડેક્સમાં મહિનામાં 12 ટકાથી વધુનું ધોવાણ
કોવિડ બાદ ઈન્વેસ્ટર્સના ફેવરિટ બનેલા રેટ સેન્સિટિવ સેક્ટરમાંથી બહાર નીકળી રહેલા રોકાણકારો


શેરબજારમાં છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળી રહેલી મંદીમાં રિઅલ્ટી સેક્ટરમાં મોટી વેચવાલી જોવા મળી છે. બીએસઈ રિઅલ્ટી ઈન્ડેક્સ એક મહિનામાં 12.4 ટકા જેટલો ગગડ્યો છે. જે દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી 7 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. વ્યક્તિગત રિઅલ્ટી શેર્સ 20 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બેંકિંગ સેક્ટરમાં મજબૂતી સામે રિઅલ્ટી સેક્ટર નરમાઈ સૂચવી રહ્યું છે. જે સૂચવે છે કે રેટ વૃદ્ધિની રિઅલ્ટી સેક્ટર પર નેગેટિવ અસર જોવા મળી છે.
બીએસઈ રિઅલ્ટી ઈન્ડેક્સમાં સમાવિષ્ટ શેર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે મોટાભાગના અગ્રણી રિઅલ એસ્ટેટ શેર્સમાં કડાકો બોલાઈ ગયો છે. એક રેટ સેન્સિટીવ સેક્ટર હોવાના કારણે છેલ્લાં પાંચ મહિનામાં આરબીઆઈ તરફથી સતત રેટ વૃદ્ધિને કારણે રિઅલ્ટી શેર્સ માટે સેન્ટીમેન્ટ નરમ પડતું જોવા મળી રહ્યું છે. જેને કારણે શેર્સ તેમની ગયા વર્ષની ટોચની તરફ પરત ફરવાના બદલે માર્કેટમાં દરેક ઘટાડે નવા તળિયા દર્શાવી રહ્યાં છે. એકાદ-બે રિઅલ્ટી કાઉન્ટર્સ જ સમગ્ર સેક્ટરની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. 12 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી રિઅલ્ટી શેર્સના દેખાવ પર નજર નાખીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝનો શેર 19.5 ટકાના તીવ્ર ઘટાડે રૂ. 1460ની સપાટી પરથી ગગડી રૂ. 1176 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ જ રીતે ઓબેરોય રિઅલ્ટીઝનો શેર પણ 16 ટકા જેટલું ધોવાણ દર્શાવે છે. મુંબઈ સ્થિત પ્રિમીયમ રિઅલ્ટી કંપનીનો શેર રૂ. 1059ની સપાટી પરથી ઘટતો રહી રૂ. 1000ની નીચે ઉતરી ગયો છે. નોંધપાત્ર ઘટાડો દર્શાવનારા કેટલાંક અન્ય રિઅલ્ટી કાઉન્ટર્સમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડિયાબુલ્સ રિઅલ, સનટેક રિઅલ્ટી, સોભા ડેવલપર્સ, ડીએલએફ અને મેક્રોટેક ડેવલપર્સનો સમાવેશ થાય છે. યુએસ ફેડ રિઝર્વ નવેમ્બર અને ડિસેમ્બરમાં તેની બેઠકમાં વધુ રેટ વૃદ્ધિ કરશે તેવી શક્યતાં પાછળ સ્થાનિક સેન્ટ્રલ બેંકર પણ તેને અનુસરશે એમ માનવામાં આવે છે. જેને કારણે રેટ સેન્સિટિવ ગણાતાં રિઅલ્ટી સેક્ટરમાં વધુ નરમાઈની શક્યતાંને એનાલિસ્ટ્સ નકારી રહ્યાં નથી. કોવિડ બાદ રિઅલ્ટીની માગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. તેમજ પ્રાપર્ટીઝના ભાવમાં પણ નોંધપાત્ર સુધારો થયો હતો. જેને કારણે રિઅલ્ટી કાઉન્ટર્સમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. જોકે હવે એકબાજુ રેટ વધી રહ્યાં છે. જ્યારે રિઅલ્ટીના ભાવ પણ બે વર્ષોમાં નોંધપાત્ર વધી ચૂક્યાં હોવાથી રિઅલ એસ્ટેટ સેક્ટર માટે આગામી દિવસો આકરા હોઈ શકે છે.

રિઅલ્ટી શેર્સનો એક મહિનાનો દેખાવ

સ્ક્રિપ્સ મંગળવારનો ભાવ(રૂ.) 12 સપ્ટે.નો ભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)

S&P BSE રિઅલ્ટી 3352.25 3826.63 -12.4%
ગોદરેજ પ્રોપર્ટીઝ 1175.8 1459.75 -19.5%
ઓબેરોય રિઅલ્ટીઝ 892.4 1058.7 -15.7%
બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ 491.85 574.2 -14.3%
ઈન્ડિયાબુલ્સ રિઅલ 73.95 86.25 -14.3%
સનટેક રિઅલ્ટી 400.75 462.35 -13.3%
સોભા લિ. 628.35 718.5 -12.5%
DLF 358.75 410.05 -12.5%
મેક્રોટેક ડેવલપર્સ 981.6 1103.9 -11.1%
પ્રેસ્ટીજ એસ્ટેટ્સ 437.7 479.3 -8.7%




સિમેન્ટ ક્ષેત્રે અદાણીએ જેપી પ્લાન્ટ્સ, JSWએ ઈન્ડિયા સિમેન્ટનું MP યુનિટ ખરીદ્યું
સિમેન્ટ સેક્ટરમાં કોન્સોલિડેશન આગળ વધી રહ્યું છે. તાજેતરમાં સેક્ટરમાં બે વધુ ખરીદી થઈ છે. જેમાં એક સોદામાં પાર્થ જિંદાલની અનલિસ્ટેડ કંપની જેએસડબલ્યુ સિમેન્ટે ઈન્ડિયા સિમેન્ટના એમપી યુનિટને રૂ. 477 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે બીજા ડીલમાં અદાણી જૂથ જેપી એસોસિએટ્સની સિમેન્ટ એસેટ ખરીદવાની નજીક હોવાનું જાણવા મળે છે. એસીસી અને અંબુજા સિમેન્ટ્સની ખરીદી બાદ દેશમાં બીજા ક્રમનું સિમેન્ટ ઉત્પાદક બની ગયેલું અદાણી ગ્રૂપ જેપી ગ્રૂપના 20 લાખ ટનની ક્ષમતા ધરાવતાં ગ્રાઈન્ડિંગ યુનિટને રૂ. 4800 કરોડમાં ખરીદે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચાલુ સપ્તાહે જ આ ડીલ ક્લોઝ થવાની શક્યતાં છે.
સોયાબિનનો પાક 1.2 કરોડ ટન થવાની અપેક્ષા
દેશમાં નવી ખરિફ સિઝનમાં સોયાબિનનો પાક 120.39 લાખ ટન થવાની અપેક્ષા સોયાબિન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(સોપા) રાખે છે. જે ગયા વર્ષના 118.89 લાખ ટનની સરખામણીમાં લગભગ દોઢ લાખ ટન જેટલો વધુ છે. કેન્દ્ર સરકારે જોકે ઓક્ટોબરથી શરૂ થયેલી સિઝનમાં 128.92 લાખ ટન સોયાબિન પાકનો અંદાજ રાખ્યો છે. દેશમાં સોયાબિનના વાવેતરમાં સમગ્રતયા ઘટાડા છતાં કોમોડિટીના ઉત્પાદનમાં વૃદ્ધિની અપેક્ષા સોપા રાખી રહ્યું છે. ગઈ સિઝનમાં 119.98 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 114.50 લાખ હેકટરમાં સોયાબિનનું વાવેતર નોંધાયું હતું. સરકારે સોયાબિન વાવેતરનો 120.82 લાખ હેકટરનો અંદાજ મૂક્યો છે. સોપાના મતે ચાલુ સિઝનમાં સોયાબિનમાં ઊંચા યિલ્ડ જોવા મળે તેવી શક્યતા છે. તેના મતે ગયા વર્ષે પ્રતિ હેકટરે 991 કિગ્રા સામે ચાલુ વર્ષે 1051 કિગ્રા યિલ્ડ જોવા મળશે. દેશમાં સોયાબિનના સૌથી મોટા ઉત્પાદક મધ્ય પ્રદેશ ખાતે પાકનું ઉત્પાદન 53.26 લાખ ટન થવાની શક્યતાં છે. જે ગઈ સિઝનમાં 52.29 લાખ ટન પર હતું. બીજા ક્રમે આવતાં મહારાષ્ટ્રમાં જોકે ઉત્પાદન ગઈ સિઝનના 48.32 લાખ ટનની સરખામણીમાં ઘટી 46.91 લાખ ટન પર જોવા મળે તેવી શક્યતાં છે.



નવરાત્રિમાં વાહનોના વિક્રમી વેચાણ સાથે કોવિડ અગાઉનું લેવલ પાર
26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં 5.39 લાખ વાહનોનું વેચાણ થયું
ગયા વર્ષે સમાનગાળામાં આ આંકડો 3.42 લાખ યુનિટ્સ સામે 57 ટકા વધુ વેચાણ

ચાલુ વર્ષે નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેશમાં તમામ કેટેગરીઝના વાહનોનું વિક્રમી વેચાણ નોઁધાયું છે અને તેણે કોવિડ અગાઉના સમયગાળાના વેચાણને પણ પાછળ રાખી દીધું છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં દેશમાં કુલ 5,39, 227 યુનિટ્સ વાહનોનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,42,459 યુનિટ્સ પર હતું. આમ લગભગ બે લાખ યુનિટ્સ ઊંચું વેચાણ જોવા મળ્યું હતું એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન(ફાડા)નો ડેટા જણાવે છે. ઉદ્યોગ બોડીએ પ્રથમવાર નવરાત્રિ પિરિયડમાં વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યાં છે.
ફાડાના રિપોર્ટ મુજબ પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 70 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ગયા વર્ષે નવરાત્રિ મહોત્સવમાં 64,850 યુનિટ્સ સામે ચાલુ વર્ષે 1,10,521 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ જોવા મળ્યું હતું. ટુ-વ્હીલર્સની વાત કરીએ તો કુલ વેચાણ 3,69,020 યુનિટ્સ પર રહ્યું હતું. જે 2021 નવરાત્રિમાં 2,42,213 યુનિટ્સ પર હતું. થ્રી-વ્હીલર્સ કેટેગરીનું વેચાણ 115 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવવા સાથે 19809 યુનિટ્સ પર રહ્યું હતું. ગયા વર્ષે નવરાત્રિમાં તે માત્ર 9203 યુનિટ્સ પર હતું. કમર્સિયલ વેહીકલ સેગમેન્ટમાં પણ વેચાણમાં 48 ટકા વૃદ્ધ જોવા મળી હતી અને ગઈ નવરાત્રિના 15,135 યુનિટ્સ સામે ચાલુ વર્ષે તે 22,437 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે વપરાશમાં લેવાતાં ટ્રેકટર્સનું વેચાણ 17440 યુનિટ્સ રહ્યું હતું. જે 2021 નવરાત્રિ દરમિયાન 11,062 યુનિટ્સ પર જોવા મળતું હતું. આમ તમામ કેટેગરીઝે ખૂબ ઊંચો વૃદ્ધિ દર દર્શાવ્યો હતો.
ફાડાના જણાવ્યા મુજબ ગ્રાહકો ત્રણ વર્ષો બાદ શોરુમ્સની મુલાકાત લેતા થયા છે. ખાસ કરીને છેલ્લાં ઘણા સમયથી નબળુ વેચાણ દર્શાવી રહેલી ટુ-વ્હીલર્સ કેટેગરીમાં પણ ઊંચો વેચાણ વૃદ્ધિ દર નોંધાયો છે. જે સૂચવે છે કે રિટેલર્સની પેન્ટ-અપ ડિમાન્ડ હજુ ચાલુ છે. જોકે આ વેચાણ વૃદ્ધિ દર આગામી સમયગાળામાં જળવાઈ રહેશે કે કેમ તેની સામે નિષ્ણાતો સવાલ ઊભો કરી રહ્યાં છે. જો 2019 નવરાત્રિના આંકડા જોઈએ તો તેની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વાહનોના વેચાણમાં 16 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જેમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ટુ-વ્હીલર્સનું વેચાણ 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે થ્રી-વ્હીલર્સનું વેચાણ 37 ટકા વૃદ્ધિ દર અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 90 ટકા વૃદ્ધિ દર દર્શાવી રહ્યું છે.

નવરાત્રિમાં વેહિકલ્સનું વેચાણ
કેટેગરી નવરાત્રિ 2022 નવરાત્રિ 2021 વૃદ્ધિ(ટકામાં)
પેસેન્જર વેહીકલ્સ 1,10,521 64,850 70.43
ટુ-વ્હીલર્સ 3,69,020 2,42,213 52.35
થ્રી-વ્હીલર્સ 19,809 9,203 115.25
કમર્સિયલ વેહીકલ્સ 22,437 15,135 48.25
ટ્રેકટર્સ 17,440 11,062 21.22
કુલ 5,29,227 3,42,459 57.46



કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા મોટર્સઃ તાતા મોટર્સ ગ્રૂપે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્લોબલ હોલસેલ્સ વેચાણના ભાગરૂપે 3,35,976 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે તેણે સમાનગાળામાં 2,51,689 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
એર ઈન્ડિયાઃ તાતા જૂથ કંપની માર્કેટમાંથી 1 અબજ ડોલર ઊભા કરવા માટે વિચારી રહી છે. આ ફંડીંગ રાઉન્ડ સંસ્થાના 5 અબજ ડોલરના વેલ્યૂએશનને આધારે હાથ ધરવામાં આવે તેવી શક્યતાં છે. કંપની 300 જેટલાં નેરોબોડી જેટ્સનો ઓર્ડર આપવા પણ વિચારી રહી છે.
આઈઆઈએલઃ ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સ લિમિટેડ હૈદરાબાદ ખાતે રૂ. 700 કરોડના ખર્ચે નવી એનિમલ વેક્સિન મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીની સ્થાપના કરશે. તે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ અને અન્ય ઊભરી રહેલા રોગોની સારવાર માટેની વેક્સિનનું ઉત્પાદન કરશે.
ઈન્ફોસિસઃ અગ્રણી આઈટી કંપનીનું બોર્ડ 13 ઓક્ટોબરના રોજ તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે શેર બાયબેકના પ્રસ્તાવ પર પણ વિચારણા હાથ ધરશે.
આઈઆરબી ઈન્ફ્રાઃ રોડ ક્ષેત્રે બિલ્ડ એન્ડ ઓપરેટ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 328.2 કરોડનો ટોલ કલેક્ટ કર્યો છે. જે વાર્ષિક ધોરણે 37 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
સુઝલોન એનર્જીઃ કંપનીએ રૂ. 1200 કરોડ ઊભા કરવા માટે રાઈટ્સ ઈશ્યુ ખૂલ્લો મૂક્યો છે. કંપની રૂ. 5 પ્રતિ શેરના ભાવે 240 કરોડ શેર્સ ઓફર કરી રહી છે. ઈસ્યુની રકમનો ઉપયોગ ડેટ રિપેમેન્ટ માટે કરવામાં આવશે.
ઈરડાઈઃ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈના જણાવ્યા મુજબ ભારતીય ઈન્શ્યોરન્સ સેક્ટર વિશ્વમાં છઠ્ઠા ક્રમનો સૌથી મોટો વીમા ઉદ્યોગ બનવા તરફ જઈ રહ્યું છે. હાલમાં તે વાર્ષિક સરેરાશ 11 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. જે તેને ટૂંકમાં જ ટોચનું ઈન્શ્યોરન્સ માર્કેટ બનાવશે.
આઈનોક્સ વિન્ડ્સઃ કંપનીની સબસિડિયરી આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસે તેની ત્રણ પેટાકંપનીઓમાંનો તમામ હિસ્સું અદાણી જૂથની અદાણી ગ્રીનને વેચાણ કર્યું છે.
અદાણી પોર્ટ્સઃ અમદાવાદ બેંચે ગંગાવરમ પોર્ટ અને અદાણી પોર્ટ્સ વચ્ચે કંપોઝીટ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ માટેની મંજૂરી આપી છે.
પેનેસ્યા બાયોટેકઃ કંપનીએ યુનિસેફ પાસેથી રૂ. 1040 કરોડના મૂલ્યનો લોંગ-ટર્મ સપ્લાય માટેનો ઓર્ડર મેળવ્યો છે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે તેની તમામ મુદત માટેના લેન્ડિંગ રેટ્સમાં 10-15 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. આરબીઆઈ તરફથી તાજેતરમાં રેટ વૃદ્ધિ બાદ બેંક તરફથી આ પ્રથમ વૃદ્ધિ છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage