Market Summary 12/05/23

વૈશ્વિક ટ્રેન્ડને અવગણી ભારતીય બજારની આગેકૂચ જારી
યુએસ-એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 12.85ના સ્તરે
ઓટો, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી
મેટલ, એનર્જી, ફાર્મા, આઈટીમાં નરમાઈ
ગ્લેનમાર્ક, પોલીકેબ, સિમેન્સ નવી ટોચે
ઓરિએન્ટ ઈલેક્ટ્રીકમાં નવું તળિયું

વૈશ્વિક શેરબજારોમાં સતત નરમાઈને અવગણી સ્થાનિક માર્કેટમાં મજબૂતી જળવાય રહી છે. શુક્રવારે ગેપ-ડાઉન ઓપનીંગ છતાં આખરે ભારતીય બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 123.38 પોઈન્ટ્સના સુધારે 62,027.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 17.80 પોઈન્ટ્સના સુધારે 18315ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી ધીમી પડતાં બ્રેડથ સાધારણ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3638 કાઉન્ટર્સમાંથી 1865 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1653 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 159 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.8 ટકા ગગડી 12.85ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટીએ નરમાઈ સાથે ઓપનીંગ દર્શાવ્યાં બાદ સહેજ વધુ ઘટી બાઉન્સ નોંધાવ્યું હતું. બેન્ચમાર્ક અગાઉના 18297ના બંધ સામે 18274 પર નરમ ખૂલી વધુ ગગડી 18195ની સપાટીએ ટ્રેડ થઈ પરત ફર્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 18343ની ટોચ દર્શાવી 18300 પર બંધ આપ્યું હતું. આમ એકાંતરે દિવસે નિફ્ટીમાં બીજી વાર 18300 પર બંધ જોવા મળ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 29 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18334 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 61 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. આમ ઊંચા સ્તરે લોંગ પોઝીશન લિક્વિડ થઈ રહ્યું હોવાને સમર્થન મળી રહ્યું છે. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટમાં 18200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા જણાવે છે. ભારતીય બજારમાં આઉટપર્ફોર્મન્સ ટ્રેડર્સને અકળાવી રહ્યું છે. જોકે, વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ઈનફ્લો બજારને સપોર્ટ પૂરો પાડી રહ્યો છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, એચયૂએલ, એચડીએફસી બેંક, તાતા મોટર્સ, એસબીઆઈ, હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હિંદાલ્કો, બીપીસીએલ, પાવર ગ્રીડ. એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, તાતા સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ અને એચડીએફસી લાઈફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો ઓટો, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે મેટલ, એનર્જી, ફાર્મા, આઈટીમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી ઓટો 0.77 ટકા સુધારે નવી ટોચ પર બંધ રહ્યો હતો. તેને સપોર્ટ કરનાર કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ, એમએન્ડએમ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકીનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક પણ 0.73 ટકા મજબૂતી સાથે 43794ના લેવલ પર બંધ રહ્યો હતો. બેંક ઈન્ડેક્સને સપોર્ટ કરવામાં ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી પણ નવી ટોચ બનાવી પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર 1.7 ટકા સુધારા સાથે નવી ટોચે ટ્રેડ થયો હતો. આ ઉપરાંત, એચયૂએલ, પીએન્ડજી, ઈમામી, કોલગેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.9 ટકા તૂટ્યો હતો. જેમાં હિંદાલ્કો, વેદાંત, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો, સેઈલ, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ જેવા કાઉન્ટર્સમાં ભારે વેચવાલી જવાબદાર હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 1.2 ટકા ગગડ્યો હતો. જેમાં બીપીસીએલ, પાવર ગ્રીડ, એનટીપીસી, અદાણી ગ્રીન, ગેઈલ અને ઓએનજીસી જેવા કાઉન્ટર્સમાં વેચવાલી કારણભૂત હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ટેલેક્ટ ડિઝાઈન 14 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત ડો. લાલ પેથલેબ્સ, આઈશર મોટર્સ, ગ્લેનમાર્ક, પોલીકેબ, ડેલ્ટા કોર્પ, મેટ્રોપોલીસ, સિમેન્સ, એબીબી, એમએન્ડએમ અને હેવેલ્સ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બલરામપૂર ચીની, મણ્ણાપુરમ ફાઈનાન્સ, હિંદાલ્કો, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, લૌરસ લેબ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, બીપીસીએલ, હિંદ કોપર અને મહાનગર ગેસમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવતાં કાઉન્ટર્સમાં ગ્લેનમાર્ક, પોલીકેબ, સિમેન્સનો સમાવેશ થતો હતો. ઓરિએન્ટ ઈલેક્ટ્રીકમાં નવું તળિયું જોવા મળ્યું હતું.

MSCI વેઈટેજમાં ઘટાડા પાછળ RILમાં 15.5 કરોડ ડોલરનો આઉટફ્લો સંભવ
ઈન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, ICICI બેંક સહિત 18 શેર્સમાં પણ આઉટફ્લોની શક્યતાં
કોટક મહિન્દ્રા બેંક, મારુતિ, ઓએજીસી, અલ્ટ્રાટેક, એનટીપીસીમાં ઈનફ્લો જોવા મળે તેવી સંભાવના

એમએસસીઆઈ વેઈટેજિસમાં ઘટાડાની શક્યતાં પાછળ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક સહિત 18 કાઉન્ટર્સમાં આઉટફ્લોની શક્યતાં જોવાઈ રહી છે. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી જેવા નામોનો સમાવેશ પણ થાય છે. એક બ્રોકરેજ રિપોર્ટ મુજબ ઓઈલ-ટુ-ટેલિકોમ કોંગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 15.5 કરોડના આઉટફ્લોની શક્યતાં છે. જ્યારે ટેક્નોલોજી જાયન્ટ ઈન્ફોસિસ 13.4 કરોડ ડોલરનો આઉટફ્લો જોઈ શકે છે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 0.16 ટકા મજબૂતી સાથે રૂ. 2484.35ની સપાટીએ બંધ રહ્યો હતો.
RIL ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક(9.4 કરોડ ડોલર), સ્ટીલ અગ્રણી જેએસડબલ્યુ સ્ટીલ(8 કરોડ ડોલર), મોર્ગેજ લેન્ડર એચડીએફસી(7.1 કરોડ ડોલર), સોફ્ટવેર નિકાસકાર ટીસીએસ(6.1 કરોડ ડોલર), હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ(5.3 કરોડ ડોલર) અને ટેક્નોલોજી કંપની ટેક મહિન્દ્રા(5 કરોડ ડોલર)નો આઉટફ્લો દર્શાવી શકે છે. આ ઉપરાંત કેટલાંક અન્ય કાઉન્ટર્સ પણ 5 કરોડ ડોલરથી વધુનો આઉટફ્લો અનુભવી શકે છે. આ અહેવાલ પાછલ શુક્રવારે સવારના ભાગમાં મોટાભાગના કાઉન્ટર્સ ફ્લેટથી લઈ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જેમાં હિંદાલ્કો 2.9 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 0.3 ટકા તૂટ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ 0.7 ટકા ગગડ્યો હતો. ટીસીએસ પણ નરમાઈ દર્શાવતો હતો. જ્યારે એચડીએફસી ફ્લેટ જોવા મળી રહ્યો હતો. ટેક મહિન્દ્રા 0.65 ટકા પોઝીટીવ ટ્રેડ સૂચવતો હતો. MSCIના પુનર્ગઠનને કારણે આઉટફ્લો દર્શાવે તેવી શક્યતાં ધરાવતાં કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદુસ્તાન યુનિલીવર, શ્રી સિમેન્ટ, એક્સિસ બેંક, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, એચપીસીએલ, એમ્ફેસિસ અને એવન્યૂ સુપરમાર્ટ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ, કોટક મહિન્દ્રા બેંકનું વેઈટેજ વધવા પાછળ કાઉન્ટરમાં 81 કરોડ ડોલરના ઈનફ્લોની શક્યતાં છે. શેર 0.27 ટકા મજબૂતી સાથે રૂ. 1952.80ની સાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત મારુતિ સુઝુકી, ઓએનજીસીમાં પણ અનુક્રમે 8.7 કરોડ અને 7.4 કરોડ ડોલરના ઈનફ્લોની શક્યતાં છે. એમએસસીઆઈ પેસિવ ટ્રેકર્સમાં 31 મેથી ફેરફારો અમલી બનશે. ઈનફ્લો આકર્ષવાની શક્યતાં ધરાવતાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટ 7.2 કરોડ ડોલરનો ફ્લો મેળવી શકે છે. આ ઉપરાંત એવિએશન કંપની ઈન્ટરગ્લોબ એવિએશન 6.3 કરોડ ડોલરનો ઈનફ્લો ધરાવી શકે છે. ઈનફ્લો મેળવવાની શક્યતાં ધરાવતાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં ઝોમેટો, એનટીપીસી, પાવર ગ્રીડ, સિમેન્સ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. તેઓ 3.9 કરોડ ડોલરથી 5.9 કરોડ ડોલરની રેંજમાં ઈનફ્લો મેળવી શકે છે. એસબીઆઈ કાર્ડ્સ, સિપ્લા, ટીવીએસ મોટર, યસ બેંક અને સંવર્ધન મધરસન પણ ઈનફ્લો દર્શાવી શકે છે.

અદાણી જૂથ કંપનીઓની 5 અબજ ડોલરનું ફંડ ઊભુ કરવા વિચારણા
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન શેર્સ અથવા અન્ય સિક્યૂરિટીઝ મારફતે ફંડ ઊભું કરશે

અદાણી જૂથની ત્રણ કંપનીઓ 5 અબજ ડોલર સુધીનું ફંડ ઊભું કરવા માટે વિચારી રહી છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓ 3 અબજ ડોલરથી લઈ 5 અબજ ડોલર સુધીનું ફંડ એકત્ર કરશે એમ આંતરિક વર્તુળો જણાવે છે.
આ ત્રણેય કંપનીઓના બોર્ડની શનિવારે બેઠક મળવાની છે. જેમાં તેઓ શેર્સ અથવા અન્ય સિક્યૂરિટીઝના વેચાણ મારફતે ફંડ એકત્ર કરવા માટે વિચારણા કરશે એમ બુધવારે એક્સચેન્જ ફાઈલીંગ્સમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, તેઓ કેટલું ફંડ ઉભું કરવા વિચારે છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. ગુરુવારે પ્રથમવાર બજારમાંથી ફંડ મેળવવાના અહેવાલ પાછળ મજબૂતી દર્શાવનાર અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં શુક્રવારે નરમાઈ જોવા મળતી હતી. એમએસસીઆઈએ જૂથની બે કંપનીઓને તેના ઈન્ડેક્સમાંથી દૂર કરવાનું જણાવતાં આમ બન્યું હતું. બજારમાંથી ફંડ ઊભું કરવા અંગે અદાણી જૂથના પ્રતિનિધિ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી.
વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈએ જણાવ્યું હતું કે બે અદાણી જૂથ કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસને મે મહિનાની આખરમાં એમએસસીઆઈ ઈન્ડિયામાંથી દૂર કરવામાં આવશે. જેની પાછળ શુક્રવારે બંને શેર્સમાં 5-5 ટકાની સેલર સર્કિટ જોવા મળતી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ પણ 0.6 ટકા નરમાઈ દર્શાવતો હતો. એમએસસીઆઈમાંથી દૂર થવા પાછળ બંને શેર્સમાં 39 કરોડ ડોલરનો આઉટફ્લો જોવા મળી શકે છે એમ એનાલિસ્ટ જણાવે છે. અદાણી જૂથ હાલમાં ડેમેજ રિપેર કરી રહ્યું છે. યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી જૂથના માર્કેટ-કેપમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તેણે મોટા પ્રમાણમાં રોકાણકારોનો વિશ્વાસ ગુમાવવાનો બન્યો હતો. જેને પુનઃ પ્રાપ્ત કરવા માટે જૂથ તેનાથી બનતાં તમામ પ્રયાસો હાથ ધરી રહ્યું છે. ઉપરાંત, જૂથને કેટલાક વિસ્તરણ અને નવા પ્લાન્સ માટે ફંડ્સની પણ જરૂર ઊભી થઈ રહી છે. જે માટે રોકાણકારો પાસે જવું અનિવાર્ય બન્યું છે.

યુએસ ફંડ ન્યૂબર્ગર બેર્મને પાઈન લેબ્સ, ફાર્મઈઝીના વેલ્યૂએશન ઘટાડ્યાં
ફંડે ફિટકેક ફર્મના વેલ્યૂએશનમાં 38 ટકા અને ફાર્મસી કંપનીના મૂલ્યમાં 21 ટકા ઘટાડો કર્યો
યુએસ સ્થિત ફંડ્સ તરફથી ભારતીય સ્ટાર્ટ-અપ્સના વેલ્યૂએશન્સમાં ઘટાડો કરવાનું વલણ તીવ્ર બની રહ્યું છે. છેલ્લાં એક મહિનામાં બાઈજુસ, ઓલા પછી હવે પાઈન લેબ્સ અને ફાર્મઈઝીના વેલ્યૂએશન્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
યુએસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંનપી ન્યૂબર્ગર બેર્મન તરફથી સંચાલિત ફંડ્સે ભારતીય ફિનટેક કંપની પાઈન લેબ્સના વેલ્યૂએશન્સમાં 38 ટકા અને મેડિકલ સર્વિસિઝ કંપની ફાર્મઈઝીની પેરન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સના વેલ્યૂએશનમાં 21 ટકા ઘટાડો કર્યો છે. ફંડ આ બંને ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ ધરાવે છે. તેણે યુએસ માર્કેટ રેગ્યુસેટર સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન(એસઈસી)ના ફાઈલીંગ્સમાં આમ જણાવ્યું હતું. મર્ચન્ટ કોમર્સ પ્લેટફોર્મ પાઈન લેબ્સે ગયા વર્ષે આલ્ફા વેવ ગ્લોબલ પાસેથી 15 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું ત્યારે તેનું વેલ્યૂએશન 5 અબજ ડોલરથી વધુ જોવા મળતું હતું. આ ફંડ રેઈઝીંગ સાથે કંનપીએ સાત મહિનામાં કુલ 87 કરોડ ડોલર મેળવ્યાં હતાં. એક અન્ય ઈન્વેસ્ટર ઈન્વેસ્કો કે જેણે ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના વેલ્યૂએશનમાં ઘટાડો કર્યો હતો તેણે પાઈન લેબ્સના વેલ્યૂએશન્સને 5 અબજ ડોલર પર જાળવ્યું હતું. પાઈન લેબ્સે ઈન્વેસ્ટર્સ પાસેથી કુલ 1.61 અબજ ડોલરનું ફંડ મેળવ્યું હતું. જેમાં વિટ્રુવિયન પાર્ટનર્સ અને આલ્ફા વેવ ગ્લોબલ જેવા રોકાણકારોનો સમાવેશ થાય છે. ન્યૂબર્ગર બેર્મને ફાર્મઈઝીની માલિક એપીઆઈ હોલ્ડિંગ્સના વેલ્યૂએશને 5.6 અબજ ડોલરથી ઘટાડી 4.4 અબજ ડોલર કર્યું છે. ઓક્ટોબર 2021માં ફાર્મઈઝીએ આઈપીઓ અગાઉના રાઉન્ડમાં કેટલાંક નવા રોકાણકારો પાસેથી 5.6 અબજ ડોલરના વેલ્યૂએશન પર 35 કરોડ ડોલર મેળવ્યાં હતાં. કંપનીએ રોકાણકારો પાસેથી કુલ 1.6 અબજ ડોલર ઊભાં કર્યાં છે. જેમાં પ્રોસૂસ વેન્ચર્સ અને ટેમાસેક જેવા ઈન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે.

AWGએ વોચલિસ્ટ હેઠળ મૂકતાં ગો ફર્સ્ટની મૂશ્કેલીમાં વધારો
ભારત સીટીસી કોમ્પ્લાયન્સ ઈન્ડેક્સનો ભાગ હોવાથી ગો ફર્સ્ટ સામે વોચલિસ્ટ નોટિસ ઈસ્યૂ કરાઈ

ઉડ્ડયન કંપની ગો ફર્સ્ટની મૂશ્કેલીમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે નોન-પ્રોફિટ કંપની એવિએશન વર્કિગ ગ્રૂપે ‘વોચલિસ્ટ નોટિસ’ ઈસ્યૂ કરતાં આમ બન્યું છે. એરબસ અને બોઈંગનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાએ કેપ ટાઉન કન્વેન્શન(સીટીસી) કોમ્પ્લાયન્સ ઈન્ડેક્સ હેઠળ નોટિસ ઈસ્યુ કરી છે. ભારત પણ સીટીસીમાં સિગ્નેટરી છે.
જૂથે ગુરુવારે ગો ફર્સ્ટના એનસીએલટી તરફથી નીમવામાં આવેલા ઈન્ટરિમ રેઝોલ્યુશન પ્રોફેશ્નલ(આઈઆરપી) અભિલાષ લાલને લખ્યું હતું કે જો તેઓ સીટીસી-ટ્રીટી કમિટમેન્ટ્સનું પાલન નહિ કરે તો તેની ભારતના સ્કોર પર પોઝીટીવ અથવા નેગેટિવ અસર પડી શકે છે. કેપ ટાઉન કન્વેન્શન એરલાઈન કંપની નાદાર બને અથવા નિશ્ક્રિય બને તેવા કિસ્સામાં તેના વિમાનો પરત મેળવવાની સત્તા આપે છે. ગો ફર્સ્ટે ગઈ 2 મેના રોજ સ્વૈચ્છિકપણે ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસિડિંગ્સ માટે અરજી કરી હતી અને નાણાકિય જવાબદારીઓમાં વચગાળાની રાહત માટે માગણી કરી હતી. એકબાજુ ભારતીય એવિએશન વોચડોગ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ) એરલાઈનને 4 મેના રોજ શો કોઝ નોટિસ ઈસ્યુ કરી હતી ત્યારે એનસીએલટીએ ગો ફર્સ્ટની ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસિડિંગ્સને માન્ય રાખી 9 મેના રોજ એરલાઈન પર મોરેટોરિયમ લાગુ પાડ્યું હતું. એનસીએલટી તરફથી ગો ફર્સ્ટની અરજીને સ્વીકારવાથી એરલાઈનને તેના વિમાનો તેમજ એરપોર્ટ સ્લોટ્સને ગુમાવવામાંથી સુરક્ષા પ્રાપ્ત થઈ છે. જોકે, વિશ્વના ટોચના વિમાન ઉત્પાદકો, લિઝીંગ કંપનીઝ અને નાણાકિય સંસ્થાઓની બનેલી એડબલ્યુજીએ ગો ફર્સ્ટની ઈન્સોલ્વન્સી પ્રક્રિયા સીસીટી કોમ્પ્લાયન્સ ઈન્ડેક્સને આધારે ભારતના સ્કોર પર નેગેટિવ કે પોઝીટીવ અસર કરી શકે છે તેવી ચિમકી ઉચ્ચારી છે.

એપ્રિલમાં પેસેન્જર વેહીકલ્સનું વિક્રમી વેચાણ નોંધાયુઃ SIAM
વાર્ષિક ધોરણે 13 ટકાની વેચાણ વૃદ્ધિ જોવા મળી
2-વ્હીલર્સની રવાનગીમાં વાર્ષિક 15 ટકા વૃદ્ધિ નોંધાઈ

એપ્રિલ મહિનામાં પેસેન્જર વેહીકલ(પીવી)માં દ્વિઅંકી વૃદ્ધિ દર સાથે વિક્રમી વેચાણ જોવા મળ્યું હતું એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)નો ડેટા સૂચવે છે. દેશમાં એપ્રિલ મહિનાથી બીએસ 6 ફેઝ 2 એમિશન નિયમો લાગુ પડ્યાં છે ત્યારે વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જળવાય રહી હતી. એપ્રિલ 2023માં દેશમાં કોઈપણ એપ્રિલમાં સૌથી ઊંચું વેચાણ જોવા મળ્યું હતું એમ સિઆમ નોંધે છે.
સિઆમના જણાવ્યા મુજબ એપ્રિલમાં પીવી વેચાણમાં વાર્ષિક ધોરણે 12.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીઓએ કુલ 3,31,278 યુનિટ્સ કાર્સનું વેચાણ કર્યું હતું. જે એપ્રિલ 2022 દરમિયાન 2,93,303 યુનિટ્સ પર હતું. પેસેન્જર વેહીકલ્સ ઉપરાંત એપ્રિલમાં ટુ-વ્હીલર્સ તેમજ થ્રી-વ્હીલર્સના વેચાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. સિઆમના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ એપ્રિલ 2023માં તમામ સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ નોંધાઈ હતી. જે સૂચવે છે કે ઉદ્યોગનું બીએસ 6ના બીજા તબક્કામાં ટ્રાન્ઝિશન સરળતાપૂર્વક થઈ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ સારા ચોમાસા પાછળ ઓટો ઉદ્યોગ વેચાણ વૃદ્ધિને જાળવી રાખે તેવી શક્યતાં છે.
જોકે પીવી સેગમેન્ટના ડિસ્પેચિસમાં વૃદ્ધિ છતાં સેગમેન્ટ લીડર મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં એપ્રિલમાં 5.7 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 1,44,097 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. બીજી બાજુ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ઉત્પાદન 45 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. તાતા મોટર્સે ઉત્પાદનના આંકડા જણાવ્યાં નહોતા. એપ્રિલમાં ટુ-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 15.1 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે થ્રી-વ્હીલર્સનું વેચાણ બમણાથી વધુ વૃદ્ધિ સાથે એપ્રિલમાં 42,885 યુનિટ્સ પર જોવા મળતું હતું. એપ્રિલ 2023માં થ્રી-વ્હીલર્સનું વેચાણ કોવિડ અગાઉના સમયગાળાની નજીક પહોંચી ગયું છે. જ્યારે ઈ-રિક્ષાનું વેચાણ 2591 યુનિટ્સ પર ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટ મુજબ 2024-25 સુધીમાં નવા થ્રી-વ્હીલર્સ વેચાણમાં ઈલેક્ટ્રીક સેગમેન્ટનો હિસ્સો 14-16 ટકા જોવા મળશે. જે હાલમાં 8 ટકા પર છે. 2029-30 સુધીમાં ઈ રિક્ષાનું પેનિટ્રેશન 35-40 ટકા રહેવાનો અંદાજ છે. ટુ-વ્હીલર્સમાં સ્કૂટર્સના વેચાણમાં સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલમાં વાર્ષિક ધોરણે 19.5 ટકા વૃદ્ધિ સાથે સ્કૂટર્સનું વેચાણ 4,64,389 યુનિટ્સ પર નોંધાયું હતું. મોટરસાયકલનું વેચાણ 14 ટકા વધી 8,39,274 યુનિટ્સ જ્યારે મોપેડનું વેચાણ 10 ટકા ઘટી 34,925 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.

મારુતિ સુઝુકી 2030 સુધીમાં 5.5 અબજ ડોલરનું રોકાણ કરશે

દેશમાં ટોચની કાર ઉત્પાદક મારુતિ સુઝુકી તેની વાહન ઉત્પાદન ક્ષમતાને બમણી કરી 40 લાખ યુનિટ્સ પર લઈ જવા માટે 2030 સુધીમાં 5.5 અબજ ડોલર(રૂ. 45000 કરોડથી વધુ)નું રોકાણ કરે તેવી શક્યતાં છે. આમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક બજારમાં કંપનીના હિસ્સામાં વૃદ્ધિ સાથે નિકાસને વેગ આપવાનો છે. મારુતિ સુઝુકી તેની 2 નવી સુવિધાઓમાં દરેકમાં 2.5 લાખ યુનિટ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે આંઠ એસેમ્બલી લાઈન્સ કાર્યાન્વિત કરશે એમ વર્તુળો જણાવે છે.
ઉદ્યોગ વર્તુળોના મતે યુનિટ્સને કાર્યાન્વિત કરવામાં કેટલો સમય લાગે છે તેને આધારે ખર્ચમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. હરિયાણામાં ખારખોડા ખાતે પ્રથમ યુનિટ્સનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. મારુતિ સુઝુકી હાલમાં ગુજરાતના મહેસાણા અને ગુરુગ્રામના માનેસર ખાતે 20 લાખ યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપનીના ચેરમેનના જણાવ્યા મુજબ કંપનીએ ખારખોડા પ્લાન્ટ ખાતે દસ લાખ યુનિટ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા વૃદ્ધિ માટે મંજૂરી મેળવી છે. જ્યારે નવી સાઈટ ખાતે તેણે વધુ દસ લાખ યુનિટ્સ ઉત્પાદન વૃદ્ધિ માટે મંજૂરી મેળવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. કુલ 40 લાખ યુનિટ્સના ઉત્પાદનમાંથી દસ લાખ યુનિટ્સ નિકાસમાંથી અને ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ(ઓઈએમ)ના વેચાણમાંથી હશે. નવી ક્ષમતા કંપનીને તેનો બજાર હિસ્સો 50 ટકા પર લઈ જવામાં સહાયરૂપ બનશે. જે 2022-23માં 41 ટકા પર હતો. કંપની દેશમાંથી પીવીની સૌથી મોટી નિકાસકાર પણ છે. ચાલુ દાયકાની આખર સુધીમાં તે 7.5 લાખ યુનિટ્સ નિકાસનો ટાર્ગેટ ધરાવે છે. જે ગયા વર્ષે 2.59 લાખ યુનિટ્સ પર હતો.

તાતા મોટર્સે ફરીથી નફો દર્શાવ્યો
તાતા જૂથની કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5407.79 કરોડના નેટ પ્રોફિટ સાથે ફરીથી નફો કરતી થઈ છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1033 કરોડની ખોટ નોંધાવી હતી. તાતા મોટર્સની આવક માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 35.05 ટકા વધી રૂ. 1,05,932.35 કરોડની સપાટીએ જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 78,439.06 કરોડ પર હતી. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 2ના ડિવિડન્ડની ભલામણ પણ કરી હતી. જ્યારે ડીવીઆર શેરધારકો માટે પ્રતિ શેર રૂ. 2.1નું ડિવિડન્ડ ભલામણ કર્યું હતું. કંપનીના સીએફઓના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન ઓટોમોટીવ વર્ટિકલ્સે મજબૂત દેખાવ દર્શાવ્યો હતો. જેણે અનેક નવા શિખરો સર કર્યાં હતાં. કંપની નવા નાણા વર્ષમાં પણ કામગીરીમાં વધુ સુધારાની અપેક્ષા રાખી રહી છે. તાતા મોટર્સની યુકે સ્થિત લક્ઝરી કાર યુનિટ જગુઆર અને લેન્ડ રોવરે ચોથા ક્વાર્ટરમાં 7.1 અબજ પાઉન્ડની આવક દર્શાવી હતી. જે વાર્ષિક ધોરણે 49 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 24 ટકા વૃદ્ધિ સાથે 94,649 યુનિટ્સનું હોલસેલ વેચાણ દર્શાવ્યું હતું.

ઉનાળુ વાવેતર 69.2 લાખ હેકટરમાં નોંધાયું
ચાલુ ગરમીની સિઝનમાં વાવેતર સાધારણ ઘટાડા સાથે 69.2 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે તે 70.3 લાખ હેકટરમાં નોંધાયું હતું. રવિ પાકોની કાપણી તથા ખરિફ વાવેતર વચ્ચે લેવામાં આવતાં ટૂંકા સમયના પાકને ઉનાળુ વાવેતર તરીકે ગણવામાં આવે છે. જે દરમિયાન મુખ્યત્વે જાડાં ધાન્યો જેવાકે બાજરી અને કઠોળ પાકોનું વાવેતર મુખ્ય જોવા મળે છે. મુખ્યત્વે, તે મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં વવાય છે. કેમકે દક્ષિણમાં ચોમાસુ વહેલું બેસતું હોવાથી ઉનાળુ વાવેતર સંભવ નથી. સરકારી ડેટા મુજબ ચાલુ સિઝનમાં જાડાં ધાન્યો અને કઠોળના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જાડાં ધાન્યોનું વાવેતર ગયા વર્ષે 11.3 લાખ હેકટર સામે 4 ટકા વધી 11.7 લાખ હેકટરમાં નોંધાયું છે. જ્યારે લીલા ચણાનું વાવેતર 14.9 લાખ હેકટર સામે 8 ટકા વધી 16.1 લાખ હેકટરમાં જોવા મળ્યું છે.

FCIની ઘઉં ખરીદી 2.7 કરોડ ટને પહોંચે તેવી શક્યતાં
સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ચાલુ સિઝનમાં ઘઉં ખરીદી 2.7 કરોડ ટન પર પહોંચવાની શક્યતાં છે. જે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વાર્ષિક જરૂરિયાતની સરખામણીમાં 85 લાખ ટન જેટલી ઊંચી હશે. જોકે, એજન્સીની ખરીદી સરકારના 3.415 કરોડ ટનના ટાર્ગેટ કરતાં નીચી હશે. તેમ છતાં તે 1.84 કરોડ ટનની જરૂરિયાત કરતાં ઊંચી હશે એમ એફસીઆઈના ચેરમેન જણાવે છે. તેમના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં ઘઉંના ભાવ સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવ(MSP) કરતાં ઊંચા જોવા મળ્યા હોવાના કારણે આ વખતે ક્યાંય ખેડૂતોએ ડિસ્ટ્રેસ સેલીંગ કરવાની જરૂર ઊભી થઈ નથી.

કોર્પોરેટ હેડલાઈન્સ
મેંગલોર કેમિકલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 67.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 3.5 કરોડની સરખામણીમાં 20 ગણી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 719 કરોડ પરથી 62 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1164 કરોડ પર જોવા મળી હતી.
આઈશર મોટર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 905.58 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 610.14 કરોડની સરખામણીમાં 48.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3193.32 કરોડ પરથી 19.13 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3804.32 કરોડ પર જોવા મળી હતી.
ઝેનસાર ટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 119.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 76.5 કરોડની સરખામણીમાં 55.8 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1197.6 કરોડ પરથી 1.3 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1212.6 કરોડ પર જોવા મળી હતી.
સિમેન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ક્વાર્ટરમાં રૂ. 471.40 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 340 કરોડની સરખામણીમાં 39 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3954 કરોડ પરથી 23 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 4858 કરોડ પર જોવા મળી હતી.
બીએસઈઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ક્વાર્ટરમાં રૂ. 122.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 86 કરોડની સરખામણીમાં 43 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 204.6 કરોડ પરથી 11 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 277 કરોડ પર જોવા મળી હતી
ટેલિકોમ કંપનીઝઃ જાન્યુઆરીમાં રિલાયન્સ જીઓએ નવા 10.04 લાખ ગ્રાહકોનો ઉમેરો કર્યો હતો. જ્યારે ભારતી એરટેલે 9.82 લાખ ગ્રાહકોનો ઉમેરો નોંધાવ્યો હતો.
જીલેટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ક્વાર્ટરમાં રૂ. 102.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 69.3 કરોડની સરખામણીમાં 48 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 566.5 કરોડ પરથી 9 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 619 કરોડ પર જોવા મળી હતી.
ઈન્ટિલેક્ટ ડિઝાઈનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ક્વાર્ટરમાં રૂ. 90.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 95 કરોડની સરખામણીમાં 4.8 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 509.4 કરોડ પરથી 21 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 615 કરોડ પર જોવા મળી હતી.
સાઉથ ઈન્ડિયન બેંકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 333.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 272 કરોડના નફા સામે 22.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 597.7 કરોડ પરથી 43.4 ટકા વધી રૂ. 857.2 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage