શેરબજારમાં પોઝીટીવ ટોન સાથે સપ્તાહની શરૂઆત
નિફ્ટીએ 18600નું સ્તર પરત મેળવ્યું
વોલેટીલિટી ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી સાથે 11.24ના સ્તરે
આઈટી, રિઅલ્ટી, મેટલ, એનર્જીમાં મજબૂતી
બેંકિંગ, ફાર્મામાં નરમાઈ
સુઝલોન એનર્જી, પ્રેસ્ટીજ એસ્ટેટ, આરઈસી નવી ટોચે
આવાસમાં નવુ તળિયું
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. સાંકડી ઈન્ટ્રા-ડે રેંજમાં અથડાયાં પછી બેન્ચમાર્ક્સ 0.2 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 99 પોઈન્ટ્સ મજબૂતી સાથે 62725ની સપાટીએ જ્યારે નિફ્ટી 38 પોઈન્ટ્સ સુધારા સાથે 18602ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3862 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2150 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1575 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. 245 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 42 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 4 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.1 ટકા મજબૂતી સાથે 11.24ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે સ્થાનિક બજારની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 18563ના અગાઉના બંધ સામે 18595 પર ખૂલી ઉપરમાં 18634ની ટોચ બનાવી 50 પોઈન્ટસની રેંજમાં અથડાયેલો રહ્યો હતો. કેશ નિફ્ટીન સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 58 પોઈન્ટ્સના પ્રિમીયમે 18690 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 67 પોઈન્ટ્સના પ્રિમીયમમાં ઘટાડો સૂચવે છે. આમ માર્કેટમાં ઉંચા મથાળે લોંગ પોઝીશનમાં ધીમું લિક્વિડેશન જોવા મળી રહ્યું હોય તેમ જણાય છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટ કેટલોક સમય કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે માર્કેટ નજીકમાં નવી ટોચ દર્શાવે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે અને તેઓ બજારને લઈ બુલીશ છે. તેઓ 18530ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવાનું સૂચન કરે છે. નિફ્ટીને સપ્તાહના પ્રથમ સત્રમાં સપોર્ટ કરનાર કાઉન્ટર્સમાં બીપીસીએલ ટોચ પર હતો. આ ઉપરાંત, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન, સિપ્લા, ટાઈટન કંપની, મારુતિ સુઝુકી અને એચડીએફસી બેંકમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, રિઅલ્ટી, મેટલ, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, ફાર્મામાં સાધારણ નરમાઈ જણાતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.51 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી, કોફોર્જ, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટ, એલટીઆઈમાઈન્ડટ્રી અને ટીસીએસ સુધરવામાં ટોચ પર હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.41 ટકા સુધારે ફરી નવી ટોચ નજીક પહોંચ્યો હતો. જેના સુધારો દર્શાવનાર મુખ્ય કાઉન્ટર્સમાં પ્રેસ્ટીજ એસ્સેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ફિનિક્સ મિલ્સ અને ડીએલએફનો સમાવેશ થાય છે. બેંકનિફ્ટીમાં જોકે સાધારણ નરમાઈ જોવા મળી હતી. જેમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને એક્સિસ બેંક નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા પણ રેડ ઝોનમાં બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ 2 ટકા સાથે સૌથી વધુ નરમ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સિપ્લા, ઓરોબિંદો ફાર્મા અને બાયોકોન પણ નરમ જોવા મળતાં હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો હિંદુસ્તાન પેટ્રોલિયમ 4.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતું. આ ઉપરાંત ઈન્ડસ ટાવર્સ, આરઈસી, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, બીપીસીએલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફો એજ, બિરલાસોફ્ટ, વોડાફોન આઈડિયા, ડિક્સોન ટેક્નોલોજી, એચસીએલ ટેક, શ્રીરામ ફાઈનાન્સ પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ એસઆરએફ, ઈન્ટરગ્લોબ એવિએશન, આલ્કેમ લેબ, કન્ટેનર કોર્પ, પાવર ગ્રીડ કોર્પ, હિંદુસ્તાન એરોનોટિક્સ, નવીન ફ્લોરિન, ભારત ઈલે., લાર્સન અને સિપ્લા ઘટાડો દર્શાવતાં હતાં. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં સુઝલોન એનર્જી, પ્રેસ્ટીજ એસ્ટેટ, આરઈસીનો સમાવેશ થતો હતો. જ્યારે આવાસ ફાઈનાન્સમાં ઘટાડો આગળ વધ્યો હતો અને તેણે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.
દેશમાંથી ખાંડની નિકાસ પર અંકુશ માટેની સરકારની વિચારણા
સરકાર 2024ના બીજા અર્ધવાર્ષિક ગાળા સુધી નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે
અલ નીનોને લઈને ચોમાસાની અનિશ્ચિતતાની ચિંતા ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દેશમાંથી ખાંડની નિકાસ પર મર્યાદા માટે વિચારણા ચલાવી રહી હોવાનું વર્તુળો જણાવે છે. સરકાર કેલેન્ડર 2024ના બીજા અર્ધવાર્ષિક ગાળા સુધી ખાંડની નિકાસને અટકાવી શકે છે. સરકાર અલ નીનો પાછળ જો દેશમાં કૃષિ ઉત્પાદન ઘટ્યું તો તેવા કિસ્સામાં ચૂંટણીના વર્ષમાં કોઈ જોખમ ઉઠાવવા માગતી નથી.
અગ્રણી સમાચાર સંસ્થાએ તેના અહેવાલમાં સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે હવામાન એક મોટું નેગેટિવ પરિબળ છે. ગયા વર્ષે, ચોમાસામાં સારા વરસાદ વચ્ચે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાલુ વર્ષે તો અલ નીનોની સંભાવના છે. આ સ્થિતિમાં સરકાર સુગર નિકાસનું જોખમ ઉઠાવી શકે નહિ. અલ નીનોને કારણે ચાલુ વર્ષે ચોમાસામાં અનિયમિતતાની સંભાવના છે. એક અન્ય સરકારી અધિકારીના જણાવ્યા મુજબ દેશમાં કોઈપણ સિઝનમાં ખાંડનું ઉત્પાદન કેટલું રહ્યું તે જાણવા માટે ઓછામાં ઓછા કેટલાંક મહિનાનો સમય લાગતો હોય છે. આમ સરકાર થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવી રહી છે. એક અન્ય અધિકારીના જણાવ્યા મુજબ જ્યાં સુધી નિકાસની વાત છે ત્યાં સુધી અમે કોઈ ઉતાવળિયું પગલું ભરવા નથી માગતાં. સુગર ઉદ્યોગે ચાલુ સુગર સિઝનમાં દેશમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ અગાઉ મૂકેલા 3.6 કરોડ ટન પરથી ઘટાડી 3.2 કરોડ ટન કર્યો છે. અધિકારીના મતે જો સરકાર 2023-24 સિઝનમાં ખાંડની નિકાસની છૂટ આપશે તો પણ 40 લાખ ટનથી વધુની છૂટ આપે તેવી શક્યતાં નથી. તેમના જણાવ્યા મુજબ સરકાર 2023માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ તથા 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો ઈચ્છી રહી છે. મુંબઈ સ્થિત ડિલરના જણાવ્યા મુજબ વૈશ્વિક બજાર માટે ભારતીય સુગર નિકાસ ખૂબ મહત્વની છે. કેમકે હાલમાં વૈશ્વિક સુગર પ્રાઈસ 11-વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જો ભારત નિકાસ પર પ્રતિબંધ મૂકશે તો ભાવમાં ઓર વધારો થશે. જે બ્રાઝિલના વેચાણકર્તાઓને ઊંચા ભાવની માગ કરવાની છૂટ આપશે. જ્યારે મહાસાગરના તાપમાનમાં વૃદ્ધિ થાય છે ત્યારે અલ નીનોની ઘટના ઘટે છે. જેને કારણે હવામાનની પેટર્ન બદલાય છે અને ભારતીય ઉપખંડમાં ચોમાસુ નબળું જોવા મળે છે. દેશમાં ચોમાસુ વાર્ષિક વરસાદનો 70 ટકા વરસાદ ધરાવે છે. જેની અસર મુખ્ય પાકો જેવાકે ચોખા, ઘઉં જેવા પાકો પર પડે છે. દેશમાં કૃષિ ક્ષેત્રનો અર્થંતંત્રમાં 19 ટકા હિસ્સો જોવા મળે છે. તે દેશની વસ્તીના 50 ટકાથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
ટોચની પાંચ નિકાસ આઈટમ્સમાં સ્માર્ટફોનનો પ્રવેશ
દેશમાંથી નિકાસ થતી ટોચની પાંચ ચીજ-વસ્તુઓમાં સ્માર્ટફોને પ્રવેશ કર્યો હોવાનું ડેટા સૂચવે છે. 2022-23માં દેશમાંથી નિકાસ થયેલી આઈટમ્સની તેમની હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ(એચએસ) કોડ્સ આધારિત વેલ્યૂ પર જોઈએ તો સ્માર્ટફોન્સ પાંચમા ક્રમે નિકાસ મૂલ્ય દર્શાવતાં હતાં. વૈશ્વિક સ્તરે ચોક્કસ પ્રોડક્ટની આયાત કે નિકાસ માટે એચએસ એક હાર્મોનાઈઝ્ડ આઈડેન્ટિફિકેશન ગણાય છે.
દેશમાં સ્માર્ટફોનથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ્સમાં ઓટોમોટીવ ફ્યુઅલ્સ(ડિઝલ, એટીએફ અને ગેસોલીન)નો સમાવેશ છાય છે. જે ઉપરાંત કટ અથવા પોલીશ્ડ ડાયમંડ્સનો ટોચની પાંચ આઈટમ્સમાં સમાવેશ થાય છે. સેલ્યૂલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(આઈસીઈએ)એ એનાલિસીસ કરેલા ડેટા મુજબ ફિચર ફોન સિવાયના સ્માર્ટફોન્સની નિકાસ 2022-23માં રૂ. 88,726 કરોડ પર રહી હતી. જે 2021-22માં રૂ. 45000 કરોડ પર હતી. ભારત સરકારે મોબાઈલ ડિવાઈસિઝ માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટીવ આપીને નિકાસને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે. તેણે વિયેતનામનો બીજો ક્રમ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ માટે લાંબો સમય લાગી શકે છે. જ્યારપછી ભારત વિશ્વમાં ચીન પછી બીજો સ્માર્ટફોન નિકાસકાર બની શકે છે. 2022માં વિયેટનામે 33.3 અબજ ડોલરના સ્માર્ટફોન્સની નિકાસ કરી હતી. જેમાંથી 95 ટકા હિસ્સો માત્ર સેમસંગનો હતો. ચીન જોકે 2021માં 128 અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ સાથે વિયેટનામ કરતાં પણ ઘણો આગળ છે. ભારત ખાતે એસેમ્બલીંગને ખસેડવા છતાં એપલ હજુ પણ ચીન ખાતે 90 ટકા આઈફોન્સ એસેમ્બલીંગ ધરાવે છે. આઈસીઈએએ 2025-26 સુધીમાં દેશમાંથી રૂ. 4 લાખ કરોડના સ્માર્ટફોનની નિકાસનો ટાર્ગેટ બાંધ્યો છે. હાલમાં સ્માર્ટફોન નિકાસમાં એપલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેને કારણે નિકાસ વેલ્યૂમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે સ્માર્ટફોનની કુલ નિકાસમાં એપલ અડધો હિસ્સો ધરાવતું હતું. જ્યારપછીના ક્રમે સેમસંગ જોવા મળતું હતું. 2025-26 સુધીમાં એપલ તેના 25 ટકા ઉત્પાદનને ભારત ખસેડવા માગે છે.
દેશમાંથી મૂલ્યના સંદર્ભમાં ટોચની નિકાસ આઈટમ્સ(2022-23)
પ્રોડક્ટ્સ મૂલ્ય(રૂ. કરોડમાં)
ઓટોમોટીવ ડિઝલ 3,04,636
ડાયમંડ(કટ અથવા પોલીશ્ડ) 1,76,578
એવિએશન ટર્બાઈન ફ્યુઅલ 1,38,546
પેટ્રોલ 1,19,716
સ્માર્ટફોન્સ 88,726
ગુજરાતે વિન્ડ પાવરની સ્થાપિત ક્ષમતામાં તમિલનાડુને પાછળ પાડ્યું
માર્ચની આખરમાં તમિલનાડુમાં 10,125 મેગાવોટ સામે ગુજરાતમાં 10,416 મેગાવોટની ક્ષમતા
દેશમાં વિન્ડ પાવરની સ્થાપિત ક્ષમતાની બાબતમાં ગુજરાત ટોચની રાજ્ય બન્યું છે. તેણે તમિલનાડુને પાછળ રાખી દીધું છે. 31 માર્ચ 2023ના રોજ ગુજરાત વિન્ડપાવર ક્ષેત્રે 10,416 મેગાવોટની ક્ષમતા ધરાવતું હતું. જે તમિલનાડુની 10,125 મેગાવોટની ક્ષમતા કરતાં ઊંચી જોવા મળતી હતી.
બે વર્ષ અગાઉ ગુજરાતમાં વિન્ડ પાવર ક્ષમતા તમિલનાડુની સરખામણીમાં 1000 મેગાવોટ જેટલી નીચી જોવા મળતી હતી. જોકે, છેલ્લાં એક વર્ષમાં ઝડપી ક્ષમતા વપરાશને કારણે ગુજરાત અને તમિલનાડુ વચ્ચેનો ગાળો ઘટ્યો હતો. જ્યારે ગયા નાણા વર્ષની આખર સુધીમાં ગુજરાતે તમિલનાડુને પાછળ રાખી દીધું હતું. ઉદ્યોગ વર્તુળોના મતે સરકાર તરફથી સારી પોલીસી દરમિયાનગીરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રાપ્તિએ આ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. બીજી બાજુ તમિલનાડુ કેટલાંક પડકારોનો સામનો કરી રહ્યું છે. જેમાં ઈવેક્યૂશન સંબંધી બાબતો, નિયંત્રિત ઓફટેક, જમીનન પ્રાપ્તિ અને પેમેન્ટમાં વિલંબનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2023ની આખરમાં ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતા 20,293 મેગાવોટ પર જોવા મળતી હતી. રિન્યૂએબલ સેક્ટરમાં રાજસ્થાન 22,518 મેગાવોટની કુલ ક્ષમતા સાથે ટોચ પર જોવા મળે છે. તમિલનાડુ 18,125 મેગાવોટની કુલ રિન્યૂએબલ ક્ષમતા સાથે ત્રીજા ક્રમે જોવા મળે છે. જ્યારે કર્ણાટક(16,969 મેગાવોટ) અને મહારાષ્ટ્ર(12,773 મેગાવોટ) સામે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે આવે છે.
હાલમાં રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાત અન્ય ભારતીય રાજ્યોમાં ક્ષમતા ઉમેરણની બાબતમાં ટોચ પર જોવા મળે છે. ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન દેશમાં નવી ક્ષમતામાં કુલ 1,609 મેગાવોટનો ઉમેરો નોંધાયો છે. જેમાં માત્ર ગુજરાતમાં જ 857 મેગાવોટ ક્ષમતાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારપછીના ક્રમે કર્ણાટર(250 મેગાવોટ), તમિલનાડુ(205 મેગાવોટ) અને રાજસ્થાન(120 મેગાવોટ)નો સમાવેશ થાય છે. રેટિંગ ઈકરાના મતે નાણા વર્ષ 2023-24માં રિન્યૂએબલ એનર્જી સેગમેન્ટમાં ક્ષમતા ઉમેરો 20 ગીગાવોટ પર પરત ફરશે. જે 2022-23માં 15 ગીગાવોટ પર જોવા મળતો હતો. વીજ મંત્રાલયે સોલાર અને હાઈબ્રીડ પ્રોજેક્ટસ માટે આપેલા એક્સટેન્શનને જોતાં આ અપેક્ષા રાખવામાં આવે છે.
UBSએ ક્રેડિટ સ્વીસ ગ્રૂપ એજીનું એક્વિઝીશન પૂર્ણ કર્યું
2008 પછી બેંકિંગ સેક્ટરમાં સૌથી મોટા મર્જરમાં સ્વીસ બેંકિંગ ગ્રૂપ યૂબીએસ ગ્રૂપ એજીએ તેના ભૂતપૂર્વ હરિફ ક્રેડિટ સ્વીસ એજીની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જે સાથે તેણે વેલ્થ-મેનેજમેન્ટ સેગમેન્ટમાં વૈશ્વિક ટાઈટન ઊભો કર્યો છે. સ્વીસ બેંકે એક ઓપન લેટરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય અખબારોમાં ડિલ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. આ ટેકઓવર પછી ક્રેડિટ સ્વીસના 167-વર્ષના સ્વતંત્ર અસ્તિત્વનો અંત આવ્યો હતો. આ જાહેરાત પછી બે મહિનાથી જોવા મળી રહેલી કર્મચારીઓને લઈને અનિશ્ચિતતા પણ પૂરી થઈ છે. સ્વીસ સરકારે ક્રેડિટ સ્વિસ એસેટ્સના સંભવિત નુકસાન સામે 10 અબજ ડોલરની ગેરંટી આપી હતી. જ્યારપછી યુબીએસે કર્મચારઓને જાળવ્યાં હતાં.
કોલ ઈન્ડિયા ગેવરા માઈનને સૌથી મોટી માઈન બનાવશે
કોલ ઈન્ડિયા રૂ. 12K કરોડના રોકાણ સાથે ગેવરા કોલ માઈનને વિશ્વમાં સૌથી મોટી માઈન બનાવવા જઈ રહી છે. તેણે 2022-23માં 5.082 કરોડ ટનના ઉત્પાદન સાથે આ માઈનને એશિયામાં સૌથી મોટી માઈન બનાવી હતી. તેણે ઈન્ડોનેશિયાની સંગટ્ટા માઈનને ઉત્પાદનમાં પાછળ રાખી હતી. કોલ કંટ્રોલર ઓર્ગેનાઈઝેશનના તાજા ડેટા મુજબ આગામી નાણા વર્ષે રૂ. 11,816 કરોડના રોકાણ પછી ગેવરા માઈન વિશ્વમાં સૌથી મોટી માઈન બનશે. ગેવરા માઈન છત્તીસગઢના કોરબા જિલ્લામાં આવેલી છે. જેની 67 કોઈલ માઈન એસઈસીએલ સંચાલિત છે. જેમાં 40 છત્તીસગઢમાં અને 27 મધ્ય પ્રદેશમાં આવી છે.
ટેક જાયન્ટ્સનું વધુ H-1B વિઝા હોલ્ડર્સ માટે લોબીંગ
ગૂગલ, મેટા, એમેઝોન અને માઈક્રોસોફ્ટે સરકારને વધુ ઈનટેક માટે જણાવ્યું
H-1B પ્રોગ્રામ વિદેશી વર્કર્સને યુએસમાં કામ કરવાની કાયદેસર છૂટ આપે છે
સિલિકોન વેલી સ્થિત ટેક જાયન્ટ્સ યુએસ પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્ર પાસે હંગામી વિદેશી કર્મચારીઓની સંખ્યામાં વૃદ્ધિ માટે લોબીંગ કરી રહ્યાં છે. તેઓ H-1B વિઝા પ્રોગ્રામ મારફતે આમ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યાં છે. યુએસ સરકાર સમક્ષ લોબીંગ કરી રહેલી ટેક્નોલોજી કંપનીઓમાં ગૂગલ, મેટા, એમેઝોન અને માઈક્રોસોફ્ટનો સમાવેશ થાય છે.
સિલિકોન વેલીના હિતોનું પ્રતિનિધિત્વ કરતાં કમ્પિટ અમેરિકા ટ્રેડ ગ્રૂપે એક પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન પ્રતિવર્ષ 85000 H-1B વિઝાની મર્યાદા ટેક્નોલોજી કંપનીઓની માગને પૂરી કરવા માટે અપર્યાપ્ત જણાય છે. આ કંપનીઓએ હોમલેન્ડ સિક્યૂરિટી ડિપાર્ટમેન્ટ સમક્ષ વિઝા એપ્લિકેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની માગણી પણ કરી છે. જોકે, એ વાત ઉલ્લેખનીય છે કે આ જ ટેક જાયન્ટ્સે તાજેતરમાં હજારો અમેરિકન વર્કર્સને નોકરીમાંથી છૂટાં કર્યાં છે. જેણે એવી ચિંતા પણ જગાવી છે કે કંપનીઓ સ્થાનિક વર્કર્સનું H-1B વિઝાધારકોથી રિપ્લેસમેન્ટ કરશે. સ્થાનિક માધ્યમોના અહેવાલો મુજબ કંપનીઓએ સ્થાનિક કર્મચારીઓને એચ-1બી વિઝા હોલ્ડર્સ મારફતે ભરવાનું શરૂ પણ કરી દીધું છે. યુએસ ખાતે એચ1-બી પ્રોગ્રામની ટીકા થઈ રહી છે. કેમકે તેને કારણે ટેક ઈન્ડસ્ટ્રીઝમાં વેતન પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ટેક જાયન્ટ્સ વિદેશી કર્મચારીઓને સ્થાનિક સરેરાશ વેતનની સરખામણીમાં નીચું વેતન ચૂકવી રહી હોવાનું પણ કહેવામાં આવે છે. ચાલુ વર્ષની શરૂથી અત્યાર સુધીમાં માઈક્રોસોફ્ટે 10000 કર્મચારી અને ગૂગલે 12000 કર્મચારીઓને છૂટાં કર્યાં છે. જ્યારે મેટા અને એમેઝોને પણ છટણીના બે મોટા રાઉન્ડ હાથ ધર્યાં હતાં. ફેસબુકની પેરન્ટ કંપનીએ 21000 કર્મચારીઓને છૂટાં કર્યાં હતાં. જ્યારે એમેઝોને 27 હજાર કર્મચારીઓને છૂટાં કર્યાં હતાં. સેલફોર્સે પણ તેના વર્કફોર્સમાં 10 ટકા ઘટાડાની જાહેરાત કરી હતી. જે તે સૂચવે છે કે તેના 8000 કર્મચારીઓ છૂટાં થશે.
આયાતી કોલ આધારિત પાવર પ્લાન્ટ્સે સપ્ટેમ્બર સુધી પૂર્ણ ક્ષમતાએ કામ કરવું પડશે
અગાઉ 15 જૂન સુધીની સમયમર્યાદાને સરકારે લંબાવી
ભારત સરકારે સોમવારે જણાવ્યું હતું કે આયાતી કોલ આધારિત કામગીરી ધરાવતાં વીજ પ્લાન્ટ્સે સપ્ટેમ્બરની આખર સુધી સંપૂર્ણ ક્ષમતાએ કામ કરવાનું રહેશે. તેણે અગાઉની સમયમર્યાદાને ત્રણ મહિના માટે લંબાવી હતી એમ અહેવાલ જણાવે છે.
દેશમાં ઘણા પાવર પ્લાન્ટ્સ આયાતી કોલનો ઉપયોગ કરે છે. જેમાં અદાણી પાવર અને તાતા પાવરનો સમાવેશ થાય છે. જોકે, તેઓ સંપૂર્ણ ક્ષમતાએ કામ નથી કરી રહ્યાં. જેને કારણે વર્તમાન ગરમીના સમયગાળામાં દેશ ઊંચી વીજ જરૂરિયાતને પૂરી કરવામાં પડકારોનો સામનો કરી રહ્યો છે. દેશના મધ્ય, ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરીય ભારતમાં શનિવારે તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસ પર જોવા મળ્યું હતું. સરકારે ફેબ્રુઆરીમાં આ પ્લાન્ટ્સને 15 જૂન સુધી સંપૂર્ણ ક્ષમતાએ કામ કરવા માટ જણાવ્યું હતું. જોકે, ગરમીની સિઝન લંબાઈ હોવાથી સરકારે નિર્ણયને લંબાવ્યો છે એમ વીજ મંત્રાલયનો આદેશ સૂચવે છે. આ આદેશ જેએસડબલ્યુ રત્નાગીરી લિ., એસ્સાર પાવર ગુજરાત અને 13 અન્ય ફેક્ટરિઝને મોકલવામાં આવ્યો છે. જેમની કુલ ક્ષમતા 17 ગીગાવોટ્સ જેટલી થાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં ગરમીનું મોજું કેટલાંક રાજ્યોમાં જળવાય રહેવાની શક્યતાં છે.
ગોલ્ડમેન સાચે ક્રૂડ માટેના ટાર્ગેટમાં ઘટાડો કર્યો
અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકર ગોલ્ડમેન સાચે ક્રૂડ માટેના તેના 2023ના ટાર્ગેટમાં ઘટાડો કર્યો છે. છેલ્લાં છ મહિનામાં તેની આગાહીમાં આ ત્રીજા ઘટાડા પછી ગોલ્ડમેન સાચે બ્રેન્ટ ક્રૂડ માટે 2023 સુધીની આખર સુધીમાં 90 ડોલરથી નીચેનો ટાર્ગેટ બાંધ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 73 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વમાં ક્રૂડના સૌથી મોટા આયાતકાર ચીન ખાતેથી શ્રેણીબધ્ધ નબળા ડેટા પછી તેણે આમ કર્યું છે. છેલ્લાં સાત વર્ષોમાં પ્રોડ્યૂસર પ્રાઈસિઝમાં ગયા મહિને સૌથી મોટા ઘટાડાને પણ તેણે ધ્યાનમાં રાખ્યો છે. સોમવારે ડોલર ઈન્ડેક્સમાં પણ નરમાઈ જોવા મળી હતી અને તે વધુ ઘટાડે 103ની સપાટી નજીક ટ્રેડ દર્શાવી રહ્યો હતો. લગભગ 80 ટકા એનાલિસ્ટ્સ માની રહ્યાં છે કે ફેડ તેની બે દિવસની બેઠક પછી રેટ સ્થિર જાળવી રાખશે.
2022-23માં ખોટ દર્શાવનારી 21 કંપનીઓએ ડિવિડન્ડની ભલામણ કરી
આશ્ચર્યની વાત છે પરંતુ ઓછામાં ઓછી 21 જેટલી કંપનીઓ કે જેમણે 2022-23 દરમિયાન ખોટ દર્શાવી હતી, તેમણે ડિવિડન્ડ માટે ભલામણ કરી છે. આ કંપનીઓમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 33 ટકાથી લઈ 75 ટકા સુધી જોવા મળે છે. જેનો અર્થ એ થાય છે કે ડિવિડન્ડનો લાભ મેળવવામાં તેઓ અગ્રણી હોય શકે છે. એક એનાલિસીસમાં આવી 21 કંપનીઓમાં અગ્રણી નામોનો સમાવેશ થાય છે. જેમકે બીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે રૂ. 5ની ફેસવેલ્યૂના શેર પર 100 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ જ રીતે અદાણી પોર્ટ્સે રૂ. 2ની ફેસવેલ્યૂના શેર પણ 250 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. એક એનાલિસ્ટના મતે કંપનીઓ તેમના સ્ટેન્ડઅલોન પ્રોફિટને આધારે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઓસીઃ ટોચની પીએસયૂ ઓઈલ રિફાઈનરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના પાર્ટનર બીપીના નેચરલ ગેસ ઉત્પાદનનો અડધો હિસ્સો મેળવ્યો છે. કંપની તાજેતરના ઓક્શનમાં ટોચના બીડર તરીકે ઉભરતાં તેને આ જથ્થો મળ્યો છે. આ ગેસનો ઉપયોગ વીજળી, ખાતર બનાવવામાં તેમજ સીએનજી અને રાંધણ ગેસ હેતુથી થશે. આઈઓસીએ 5 એમએમએસસીએમડી ગેસમાંથી 2.5 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ ગેસ મેળવ્યો હતો.
એલઆઈસીઃ જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપનીએ ચાલુ મહિનાની આખરમાં હોંગ કોગ, યૂકે સહિતના સ્થળોએ રોડશોનું આયોજન કર્યું છે. કંપનીએ વૈશ્વિક રોકાણકારોમાં તેના લિસ્ટીંગને લઈને જાગૃતિ ઊભી કરવાના ઈરાદે રોડશો યોજવાનું નક્કી કર્યું છે. એલઆઈસીના લિસ્ટીંગને લગભગ 13 મહિના થઈ ચૂક્યાં છે. કંપનીના આઈપીઓમાં ભાગ લેવામાં વૈશ્વિક રોકાણકારોમાં ખચકાટ જોવા મળતો હતો.
ફ્યુચર એન્ટરપ્રાઈઝિસઃ ફ્યુચર જૂથની કંપનીએ દેશભરમાં તેની એસેટ્સ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યાં છે. જે માટે 25 જૂનને આખરી તારીખ તરીકે નક્કી કરી છે. 5 જુલાઈએ પ્રોવિઝ્નલ લિસ્ટ રજૂ કરવામાં આવશે. કંપની પાસે ત્રણ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઉપરાંત રિટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેડિંગ અને લિઝીંગનો સમાવેશ થાય છે.
ગો ફેશનઃ કંપનીમાં ઈન્વેસ્ટર એવી સિક્વોઈયા કેપિટલે સોમવારે બ્લોક ડીલમાં 10 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. કંપનીએ રૂ. 1135ના ફ્લોર ભાવે આ વેચાણ હાથ ધર્યું હતું. કંપનીનો શેર કામકાજની આખરમાં 5 ટકા ઘટાડા સાથે રૂ. 1136.10ની સપાટીએ બંધ રહ્યો હતો. કાઉન્ટરમાં ઊંચા કામકાજ જોવા મળ્યાં હતાં.
બેંક ઓફ બરોડાઃ બીજા ક્રમની પીએસયૂ બેંકે જણાવ્યું છે કે રૂ. 2000 કરોડની નોટના ડિમોનેટાઈઝેશનને પગલે તેણે રૂ. 10000 કરોડની રકમ મેળવી છે. જેમાંથી રૂ. 9000 કરોડની ડિપોઝીટ્સ સ્વરૂપમાં મેળવી છે. જ્યારે રૂ. 1000 કરોડની નોટ્સનું તેની શાખાઓ મારફતે એક્સચેન્જ કરવામાં આવ્યું છે.
એસ ચન્દ પબ્લિશિંગઃ કન્ટેન્ટ પબ્લિશર અને બુક પબ્લિશરે 2022-23માં રૂ. 57.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક 616 ટકા વૃદ્ધિ સાથે પાંચ વર્ષોમાં સૌથી ઊંચો છે. કંપનીની એબિટા 57 ટકા વધી રૂ. 96.3 કરોડ જ્યારે આવક રૂ. 610.3 કરોડ પર રહી હતી. એપ્રિલ 2023ની આખરમાં કંપની ડેટ ફ્રી બની હતી.
જિંદાલ સ્ટેનલેસઃ કંપની ચાલુ નાણા વર્ષમાં રૂ. 2500 કરોડનો મૂડી ખર્ચ કરશે. જે 2022-23ના રૂ. 1400 કરોડની સરખામણામાં 80 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપની મોટાભાગનું કેપેક્સ આંતરિક સ્રોતોમાંથી જ કરશે. કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતાને 10 લાખ ટન વધારી 29 લાખ ટન પ્રતિ વર્ષ કરી છે. જ્યારે તે 10-15 લાખ ટનની વધુ વૃદ્ધિ કરવાનો ટાર્ગેટ ધરાવે છે.
ટીવીએસ મોટરઃ કંપનીએ સ્વીસ ઈ-મોબિલિટી ગ્રૂપમાં અધિક 25 ટકા હિસ્સાની ખરીદી કરી તેને સંપૂર્ણ માલિકીની કંપની બનાવી છે.