નવા ટ્રિગર્સના અભાવે શેરબજારમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.73 ટકા ગગડી 10.93ના સ્તરે
પીએસયૂ બેંક્સ, ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયા પોઝીટીવ
ડેલ્ટા કોર્પમાં 23 ટકાનું ગાબડું
આઈટી, બેંકિંગ, ઓટો, મેટલમાં નરમાઈ
મઝગાંવ ડોક, બીએસઈ, જેબી કેમિકલ્સ, પીબી ફિનટેક નવી ટોચે
શેરબજારમાં તેજીને આગળ લઈ જવા માટે મજબૂત ટ્રિગર્સના અભાવે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. સપ્તાહના શરૂઆતી સત્રોમાં સુધારો દર્શાવ્યાં પછી બુધવારે માર્કેટમાં નરમાઈ નોંધાઈ હતી. બીએસઈ સેન્સેક્સ 223.94 પોઈન્ટ્સ ઘટાડે 65,393.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 55.10 પોઈન્ટ્સ ગગડી 19,384.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી-50 શેર્સમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. 50 કાઉન્ટર્સમાંથી 32 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 18 સ્ટોક્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ થોડી સારી હતી અને બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3601 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1745 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1713 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 211 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 38 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ સેલર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.73 ટકા ગગડી 10.93ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શરૂઆતી દોરમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવ્યું હતું. જોકે બપોર પછી ઓચિંતી વેચવાલી પાછળ તે રેડિશ બન્યું હતું અને ત્યારપછી તે સતત ઘસાતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 19507.70ની ટોચ બનાવી નીચામાં 19361.75 પર ટ્રેડ થઈ 19400ની નીચે જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 78 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19462ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં પ્રિમીયમ જેટલી જ હતી. આમ, હજુ પણ લોંગ પોઝીશનમાં કોઈ લિક્વિડેશનના સંકેત નથી. જે પોઝીટીવ સંકેત છે. માર્કેટ શોર્ટ ટર્મમાં કેટલાંક વધુ સમય સુધી કોન્સોલિડેશનમાં જળવાય શકે છે એમ જણાય છે. જે દરમિયાન મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જોવા મળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19300ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી રાખવા જણાવે છે. દરમિયાન બુધવારે માર્કેટ બંધ થયાં પછી ટીસીએસના પરિણામો જાહેર થયાં હતાં. જે અપેક્ષાથી સારા જોવા મળતાં આઈટી સેક્ટર તરફથી આગામી સત્રોમાં બજારને સપોર્ટ મળી શકે છે.
નિફ્ટીને બુધવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ઓએનજીસી, આઈશર મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, નેસ્લે, કોટક બેંક, સન ફાર્મા, ગ્રાસિમ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એસબીઆઈ લાઈફ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, અદાણી એન્ટરપ્રાઈઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, ઈન્ફોસિસ, તાતા મોટર્સ, એચડીએફસી બેંક અને એનટીપીસીમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે આઈટી, બેંકિંગ, ઓટો, મેટલમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.83 ટકા વૃદ્ધિ સાથે 4462 પર બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં પંજાબ એન્ડ સિઁધ બેંક 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત જેકે બેંક, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, પીએનબી, આઈઓબી, યુનિયન બેંકમાં પણ સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ફાર્માએ નવી ઓલટાઈમ હાઈ બનાવી હતી. જેમાં લ્યુપિન, બાયોકોન, ઝાયડસ લાઈફ, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ સુધરવામાં ટોચ પર હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ, પીએન્ડજી, ઈમામી, મેરિકો, નેસ્લે તરફથી સપોર્ટ મળ્યો હતો. નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ નેગેટિવ બંધ દર્શાવતો હતો. કેમકે એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, બંધન બેંક, એક્સિસ બેંક જેવા કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.71 ટકા ગગડ્યો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી ઈન્ફોસિસ, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, એચસીએલ ટેક્નોલોજીનું મુખ્ય યોગદાન હતું.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એસ્ટ્રાલ લિ. 3.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એનએમડીસી, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, લ્યુપિન, સન ટીવી નેટવર્ક, શ્રીરામ ફાઈનાન્સ, એબી કેપિટલ, સિન્જિન ઈન્ટરનેશનલ, અશોક લેલેન્ડ, બાયોકોન, જીએમઆર એરપોર્ટ્સ, એચડીએફસી એએમસી નોઁધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ 23 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત, ડો. લાલ પેથલેબ, ગુજરાત ગેસ, આદિત્ય બિરલા ફેશન, હિંદુસ્તાન એરોનોટીક્સ, તાતા કોમ્યુનિકેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં મઝગાંવ ડોક, બીએસઈ, જેબી કેમિકલ્સ, પીબી ફિનટેકનો સમાવેશ થતો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક ટોચ બનાવી
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 2802ની ટોચ પર ટ્રેડ થયો હતો. કામકાજની આખરમાં તે રૂ. 3ના સાધારણ સુધારે રૂ. 2767.75ની 52-સપ્તાહની ટોચે બંધ જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 18.73 લાખ કરોડ નોંધાયું હતું. દિવસમાં એક તબક્કે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 19 લાખ કરોડથી માત્ર રૂ. 5 હજાર કરોડ છેટે રહી ગયું હતું. જોકે, ટેકનીકલી કંપનીનો ચાર્ટ ખૂબ મજબૂત જોવા મળી રહ્યો છે. એનાલિસ્ટ્સ રૂ. 2950 સુધીનો શોર્ટ-ટર્મ ટાર્ગેટ જોઈ રહ્યાં છે.
રિઝલ્ટ સિઝનની શુભ શરૂઆતઃ TCSએ જૂન ક્વાર્ટરમાં રૂ. 11,074 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
એનાલિસ્ટ્સની રૂ. 10,980 કરોડની અપેક્ષા સામે નફો ઊંચો જોવા મળ્યો
કંપનીની આવક રૂ. 59500 કરોડના અંદાજ સામે રૂ. 59,381 કરોડ પર રહી
કંપનીના એબિટા માર્જિન ત્રિમાસિક ધોરણે 2 ટકાથી વધુ ઘટાડે 23.16 ટકા રહ્યાં
કંપનીએ પ્રતિ શેર રૂ. 9ના ડિવિડન્ડની ભલામણ કરી
તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ)ના પરિણામ સાથે જૂન ક્વાર્ટર માટેના પરિણામોની સિઝનની શુભ શરૂઆત જોવા મળી છે. કંપનીએ વાર્ષિક ધોરણે 16.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 11,074 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે માર્કેટ એનાલિસ્ટ્સની રૂ. 10,980 કરોડની અપેક્ષાથી ઊંચો નોંધાયો છે. કંપનીના નફામાં ઊંચી વૃદ્ધિ પાછળ કપરાં બિઝનેસ માહોલમાં પણ ટોટલ કોન્ટ્રેક્ટ વેલ્યૂ(TCV)માં મજબૂત વૃદ્ધિ જવાબદાર છે.
એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 59,381 કરોડ પર જોવા મળી હતી. જે વાર્ષિક ધોરણે 13 ટકા વૃદ્ધિ સૂચવે છે. કોન્સ્ટન્ટ કરન્સી બેસીસ પર રેવન્યૂમાં 7 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ડોલર સંદર્ભમાં રેવન્યૂ 4 ટકા વધી 722 કરોડ ડોલર પર રહી હતી એમ કંપનીએ જણાવ્યું હતું. વૈશ્વિક અર્થતંત્રમાં પડકારો વચ્ચે કંપનીના પરિણામો અપેક્ષાથી સારા જોવા મળ્યાં હતાં. ત્રિમાસિક ધોરણે દેશમાં સૌથી મોટી સોફ્ટવેર સર્વિસિઝ નિકાસકર્તા કંપનીએ 0.4 ટકાનો સાધારણ ગ્રોથ નોંધાવ્યો હતો. જે છેલ્લાં 12-ક્વાર્ટર્સમાં સૌથી નીચો હતો. જ્યારે માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં તેના નેટ પ્રોફિટમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે માટે કંપનીએ 1 એપ્રિલથી કર્મચારીઓ માટે અમલી બનાવેલી વેતન વૃદ્ધિ પણ જવાબદાર હતી. જે કારણે નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું એબિટા માર્જિન પણ ત્રિમાસિક ધોરણે 24.49 ટકા પરથી ગગડી 23.2 ટકા પર જોવા મળ્યું હતું.
જૂન ક્વાર્ટરની આખરમાં કંપનીની ઓર્ડર બુક 10.2 અબજ ડોલર પર જોવા મળતી હતી. જ્યારે બુક-ટુ-બિલ રેશિયો 1.4 પર જોવા મળતો હતો. જે અગાઉના માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં સાધારણ ઊંચો નોંધાયો હતો. ટીસીએસના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર કે ક્રિથીવાસને જણાવ્યું હતું કે અમારી સેવાઓની લાંબાગાળા માટેની માગને લઈ અમે વિશ્વસ્ત છીએ. જેની પાછળ નવી ટેક્નોલોજિસનો ઉદભવ મુખ્ય ચાલકબળ બની રહેશે. અમે જનરેટીવ એઆઈમાં સક્રિયપણે અલગ પ્રકારની કેપેબિલિટીઝ ઉભી કરી રહ્યાં છીએ તેમજ આવા પ્રોજેક્ટ્સ પર અમારા ક્લાયન્ટ્સ સાથે સક્રિયપણે કામ કરી રહ્યાં છીએ એમ ટીસીએસના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગણપતિ સુબ્રમણ્યણે જણાવ્યું હતું. બુધવારે કંપનીના પરિણામોની જાહેરાત અગાઉ ટીસીએસનો શેર બીએસઈ ખાતે અગાઉના બંધની સરખામણીમાં 0.36 ટકા સુધારા સાથે રૂ. 3,260.20ની સપાટીએ બંધ રહ્યો હતો.
કંપનીએ જુન ક્વાર્ટરમાં માત્ર 523 કર્મચારીઓ ઉમેર્યાં
ટેકનોલોજી સર્વિસ જાયન્ટે જૂન ક્વાર્ટરમાં માત્ર 523 નવા કર્મચારીઓનો ઉમેરો કર્યો હતો. જે સંખ્યા વર્ષ અગાઉ સમાનગાળામાં 14000 પર હતી. કંપનીનો એટ્રિશન રેટ ઘટીને 17.8 ટકા પર જોવા મળ્યો હતો. જે અગાઉના ક્વાર્ટરમાં 20.1 ટકા પર હતો. કંપનીએ તેના કર્મચારીઓ માટે વેતન વૃદ્ધિ અમલી બનાવી હતી. તેણે ઊંચો દેખાવ દર્શાવનારા કર્મચારીઓને 12-15 ટકા વેતન વૃદ્ધિ પાઠવી હતી.
ઓનલાઈન ગેમીંગ પર GST વધતાં ગેમીંગ કંપનીઓના શેર્સ કડડબૂસ
જીએસટી કાઉન્સિલે મંગળવારે ગેમીંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા જીએસટી લાગુ પાડ્યો હતો
ડેલ્ટા કોર્પનો શેર 23 ટકા તૂટ્યો, જ્યારે નઝારા સહિતના શેર્સમાં નોઁધપાત્ર ઘટાડો
ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ કાઉન્સિલે મંગળવારે ઓનલાઈન ગેમીંગ, કેસિનોસ અને હોર્સ રેસિંગ પર જીએસટી વધારી 28 ટકા કરતાં બુધવારે આ સેગમેન્ટ્સની કંપનીઓના શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં કેટલીક કંપનીઓના શેર્સ ઈન્ટ્રા-ડે ઘટાડા પછી મેનેજમેન્ટ તરફથી ખુલાસા પાછળ બાઉન્સ થયાં હતાં. જ્યારે કેટલાંક કાઉન્ટર્સમાં ઘટાડો દિવસભર જળવાયો હતો.
સરકારના નિર્ણયની સૌથી પ્રતિકૂળ અસર ડેલ્ટા કોર્પ પર થઈ હતી. દેશમાં ટોચની કેસિનો કંપનીનો શેર 23 ટકાથી વધુ ગગડી રૂ. 189.50 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં રૂ. 246.70ની સપાટીએ બંધ દર્શાવતો હતો. કંપનીના લિસ્ટીંગ ઈતિહાસમાં એક સત્રમાં તેણે સૌથી મોટો ઘટાડો નોઁધાવ્યો હતો. કાઉન્ટરમાં જંગી કામકાજ થયાં હતાં. ઓનલાઈન ગેમીંગ કંપની નઝારા ટેક્નોલોજીનો શેર ઓપનીંગમાં 14 ટકા જેટલો ગગડ્યો હતો. જોકે, કંપનીના મેનેજમેન્ટે જીએસટી વૃદ્ધિની કોઈ ખાસ અસર નહિ પડે તેમ સ્પષ્ટતાં કરતાં શેર પરત ફર્યો હતો અને માત્ર 2.55 ટકા ઘટાડા સાથે રૂ. 688.45ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જીએસટી કાઉન્સિલે મંગળવારે ઓનલાઈન ગેમીંગ, કેસિનોસ અને હોર્સ રેસિંગ પર જીએસટી વધાર્યો હતો. આ તમામ પ્રવૃત્તિઓમાં ફૂલ ફેસ વેલ્યૂ પર જીએસટી લાગુ પડશે. એટલેકે પ્લેટફોર્મ પર બેટ્સની કુલ વેલ્યૂ પર તે લાગુ પડશે. નઝારા ટેક્નોલોજીએ સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે એકવાર આ ટેક્સનો અમલ થશે ત્યારપછી તે સ્કિલ-બેઝ્ડ રિઅલ મની ગેમીંગ સેગમેન્ટ પર લાગુ પડશે. જે હાલમાં કંપનીના કુલ બિઝનેસમાં માત્ર 5.2 ટકા જ હિસ્સો ધરાવે છે. આમ તેના પર કોઈ ખાસ અસર નહિ પડે.
ખરિફ વાવેતર 52 લાખ હેકટર સાથે 61 ટકા વિસ્તારમાં પૂર્ણ
કપાસનું વાવેતર 23.76 લાખ હેકટર સાથે 101 ટકા વિસ્તારમાં નોંધાયું
મગફળીનું વાવેતર પણ 15.23 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે
અનાજ પાકોમાં બાજરીનું વાવેતર 64 ટકા વિસ્તાર સાથે 1.13 લાખ હેકટરમાં
ઘાસચારા અને શાકભાજીનું વાવેતર અનુક્રમે 4.39 લાખ હેકટર અને 1.24 લાખ હેકટરમાં સંપન્ન
ચાલુ ખરિફમાં રાજ્યમાં વાવેતર ઝડપથી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. છેલ્લાં ત્રણ સપ્તાહોથી વ્યાપક મેઘમહેરને કારણે ચોમાસુ વાવેતર 61 ટકા વિસ્તારમાં નોંધાઈ ચૂક્યું છે. 10 જુલાઈ સુધીમાં તે 52.33 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 44.37 લાખ હેકટરની સરખામણીમાં 7.96 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે સાપ્તાહિક ધોરણે વાવેતરમાં 11.87 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. અગાઉ 3 જુલાઈની આખરે રાજ્યમાં 40.46 લાખ હેકટરમાં વાવેતર જોવા મળતું હતું.
મુખ્ય ચોમાસુ પાકોની સ્થિતિ પર નજર નાખીએ તો કોટનનું વાવેતર 23.76 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળતાં સરેરાશ 23.61 લાખ હેકટરના વાવેતરને પાર કરી ગયું છે. ગઈ સિઝનમાં તે સમાનગાળામાં 20.53 લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ વાર્ષિક ધોરણે તે 3 લાખ હેકટરથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે. છેલ્લાં એક સપ્તાહમાં કોટકનના વાવેતરમાં 3.5 લાખ હેકટરનો ઉમેરો થયો હતો. બીજા મુખ્ય ખરિફ પાક મગફળીની વાત કરીએ તો વાવેતર ત્રણ વર્ષની 18.95 લાખ હેકટરની સરેરાશના 80 ટકા વિસ્તાર સાથે 15.23 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 14.26 લાખ હેકટરમાં જોઈ શકાતું હતું. વાવેતરમાં એક સપ્તાહમાં 1.94 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. અન્ય તેલિબિયાં સોયાબિનનું વાવેતર 102 ટકામાં થઈ ચૂક્યું છે. તે સરેરાશ 1.98 લાક હેકટર સામે 2.02 લાખ હેકટરમાં જોવા મળે છે. ગઈ સિઝનમાં 1.35 લાખ હેકટર સામે 67 હજાર હેકટરની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. તલનું વાવેતર પણ ગઈ સિઝનમાં 18 હજાર હેકટરની સરખામણીમાં ચાલુ વર્ષે 32 હજાર હેકટરમાં જોવા મળે છે.
અનાજ પાકોનું વાવેતર હજુ 26 ટકામાં જોવા મળે છે. જેમાં બાજરીનું વાવેતર 1.13 લાખ હેકટર સાથે ટોચ પર છે. તે ગઇ સિઝનમાં સમાનગાળામાં 66 હજાર હેકટરમાં જોવા મળતું હતું. ડાંગરનું વાવેતર 88 હજાર હેકટર સાથે હજુ માત્ર 10 ટકા વિસ્તારમાં જ નોંધાયું છે. ખરિફ કઠોળમાં તુવેરના પાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ સિઝનમાં 88 હજાર હેકટર સામે તે ચાલુ વર્ષે 70 હજાર હેકટરમાં નોંધાયું છે. જોકે, મગ અને અડદના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં વૃદ્ધિ જોવા મળે છે. મગનું વાવેતર 28 હજાર હેકટર(ગઈ સિઝનમાં 13 હજાર હેકટર) અને અડદનું વાવેતર 26 હજાર હેકટર(15 હજાર હેકટર)માં જોવા મળ્યું છે. ઘાસચારાનું વાવેતર 4.39 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 3.13 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આ જ રીતે શાકભાજી પાકોનું વાવેતર 1.24 લાખ હેકટર(1 લાખ હેકટર) સાથે ઊંચું જોવા મળે છે. બે ખરિફ રોકડિયા પાકે એરંડાનું વાવેતર પણ ચાલુ વર્ષે વહેલી શરૂઆત દર્શાવે છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 3 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં તે 25 હજાર હેકટરમાં થઈ ચૂક્યું છે. જ્યારે ગુવારનું વાવેતર ગયા વર્ષના 17 હજાર હેકટર સામે 34 હજાર હેકટરમાં સંપન્ન થયું છે.
10 જુલાઈ સુધી રાજ્યમાં વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક ખરિફ 2023 ખરિફ 2022
કપાસ 23.76 20.53
મગફળી 15.23 14.26
સોયાબિન 2.02 1.35
બાજરી 1.13 0.66
ઘાસચારો 4.39 3.13
શાકભાજી 1.24 1.00
કુલ 40.66 30.20
અનિલ અંબાણીના નાદાર કોલ પ્લાન્ટ્સના બીડિંગ માટે ગૌતમ અદાણીની વિચારણા
રિલાયન્સ પાવરની પણ કંપની પર અંકુશ પરત સ્થાપવા એસેટ વેચાણ માટે વિચારણા
બિલિયોનર ગૌતમ અદાણી તરફથી અનિલ અંબાણી જૂથના કોલથી ચાલતાં પાવર પ્લાન્ટ માટે બીડીંગ કરવા માટેની શક્યતાં ચકાસાઈ રહી છે એમ વર્તુળોનું કહેવું છે. હાલમાં લેન્ડર્સ આ પ્લાન્ટ્સની હરાજી કરી રહ્યાં છે. અદાણીને મધ્ય ભારતમાં 600-મેગાવોટ વીજ ઉત્પાદન સુવિધાનું સંચાલન કરતી વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે એમ વર્તુળો ઉમેરે છે. પ્લાન્ટના લેન્ડર્સ વેચાણની પ્રક્રિયાને આગળ ધપાવી રહ્યાં છે.
અનિલ અંબાણીની રિલાયન્સ પાવર પણ કંપની પર તેમના અંકુશને પરત મેળવવા માટે એસેટ માટે ઓફર મૂકવા વિચારણા ચલાવી રહ્યું છે એમ જાણકારનું કહેવું છે. આ અંગે ચર્ચા-વિચારણા ચાલે છે અને અદાણી અને રિલાયન્સ પાવર ઔપચારિક ઓફર્સ સાથે આગળ નહિ વધવાનો નિર્ણય કરી શકે છે. આ અંગે જોકે રિલાયન્સ પાવર કે અદાણી જૂથ, બેમાંથી કોઈ તરફથી કોઈ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. જો અદાણી આ પ્લાન્ટ મેળવવામાં સફળ રહેશે તો કોંગ્લોમેરટનો કોલ પાવર પ્રોજેક્ટ્સ પોર્ટફોલિયોમાં ઉમેરો થશે. વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝની કોઈ અન્ય કંપનીને હરાજી પણ વર્ષોથી ક્રેડિટર્સ સાથે સંઘર્ણ કરી રહેલાં અનિલ અંબાણી માટે એક વધુ નિષ્ફળતા બની રહેશે. અનિલ અંબાણીએ 2008માં રિલાયન્સ પાવરનો આઈપીઓ કર્યો હતો. જેના લિસ્ટીંગ પછી શેર સતત ઘસાતો રહ્યો છે. દેશમાં તે વખતે સૌથી મોટા આઈપીઓમાં રોકાણકારોએ જંગી નુકસાન ઉઠાવવાનું રહ્યું છે. 2006માં અનિલ અંબાણીએ તેમના મોટાભાગ મુકેશ અંબાણીથી અલગ થયાં પછી સતત વેલ્થ ધોવાણ અનુભવ્યું છે.
અદાણી તેના કોર ફોસ્સિલ-ફ્યુઅલ પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરી રહ્યું છે ત્યારે જાણકારોનું કહેવું છે કે બેઈન કેપિટલ અને કાર્લાઈલ ગ્રૂપ ઈન્ક એનબીએફસી અદાણી કેપિટલમાં હિસ્સાની ખરીદી માટે સંભવિત બીડર્સ હોય શકે છે. અદાણી જૂથ હાલમાં નોન-કોર બિઝનેસિસમાંથી બહાર આવી મુખ્ય બિઝનેસિસ પર ફોકસ વધારી રહ્યું છે. જૂથ જાન્યુઆરીમાં હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી તેણે ગુમાવેલી રોકાણકારોની વિશ્વસનીયતા પરત મેળવવા માટે સમયથી વહેલાં ડેટ રિપેમેન્ટ માટેના પ્રયાસો કરી રહ્યું છે.
NSEના શેર્સમાં સતત ખરીદી પાછળ જૂનમાં સરેરાશ ભાવ રૂ. 3000ને પાર
એક્સચેન્જ વિશ્વમાં એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની રીતે વિશ્વમાં સૌથી મોટું હોવા સાથે ભારતમાં મોનોપોલી ધરાવે છે
એનએસઈના લિસ્ટીંગમાં અવરોધો છતાં એક્સચેન્જના શેર્સ માટે જોવા મળતો મજબૂત એપેટાઈટ
જૂનમાં વિદેશી રોકાણકારોએ 22.30 લાખ શેર્સનું વેચાણ જ્યારે સ્થાનિક રોકાણકારોએ 28.61 લાખ શેર્સની ખરીદી કરી હતી
દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) ખાતે જૂન મહિનામાં 56.3 લાખ શેર્સથી વધુનું ખરીદ-વેચાણ જોવા મળ્યું હતું. માર્કેટ વર્તુળોના મતે આ વેચાણ સરેરાશ રૂ. 3019.41 પ્રતિ શેરના ભાવે નોંધાયું હતું. જૂનમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં પાંચ-મહિના પછી સરેરાશ ભાવ રૂ. 3000ની સપાટી પર ટક્યો હતો.
વિદેશી રોકાણકારો એનએસઈ શેર્સના નેટ સેલર્સ રહ્યાં હતાં. તેમણે 22.30 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક રોકાણકારોએ જૂનમાં 28.61 લાખ શેર્સની ખરીદી કરી હતી. નોન-રેસિડેન્ટ ઈન્ડિયન રોકાણકારોએ 6.31 લાખ શેર્સનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જૂનમાં પણ મે મહિનાની જેમ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં વિદેશી રોકાણકારો અને એનઆરઆઈ વેચાણકાર હતાં. જ્યારે સ્થાનિક રોકાણકારો ચોખ્ખા ખરીદાર બની રહ્યાં હતાં. એનએસઈના શેરના પ્રાઈસની વાત કરીએ તો જૂનમાં તેણે રૂ. 3800ની ટોચ દર્શાવી હતી. જ્યારે નીચામાં તે રૂ. 3120 પર જોવા મળ્યો હતો. જે મે મહિના દરમિયાન ઉપરમાં રૂ. 3800 અને નીચામાં રૂ. 1755 પર જળવાયો હતો. બ્રોકર્સના જણાવ્યા મુજબ મે મહિનામાં અતિ નીચા ભાવે શેર્સમાં સોદા પડવા પાછળ ટેક્સ જવાબદારીને નીચી જાળવવાનો સ્પષ્ટ ઈરાદો જોવા મળે છે. અનલિસ્ટેડ એક્સચેન્જના શેરનો ભાવ આઈપીઓની આશા પાછળ ઉછળતો રહી કેલેન્ડર 2019થી 2021માં રૂ. 3500-3600ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે પાછળથી લિસ્ટીંગમાં અવરોધો ઊભા થતાં તે ઘટીને રૂ. 3000 આસપાસ ટ્રેડ થતો રહ્યો હતો. એનએસઈના શેર્સમાં ડીલિંગ કરતાં બ્રોકર્સના મતે એનએસઈના શેર્સમાં એકવાર સોદો થયા પછી બોર્ડની મંજૂરી લેવાની રહે છે અને તેથી ઘણીવાર રોકાણકારને શેર્સ ટ્રાન્સફર થવામાં ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે છે. એનએસઈના શેર્સ માટે મજબૂત એપેટાઈટ કોઈ આશ્ચર્યની બાબત નથી. કેમકે હાલમાં એક્સચેન્જ વૈશ્વિક સ્તરે એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની રીતે ટોચનું પ્લેટફોર્મ છે. તેમજ ભારતમાં તે ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં મોનોપોલી ધરાવે છે. ઉપરાંત, કેશ સેગમેન્ટમાં પણ તે સતત માર્કેટ શેરમાં વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. 2012-13માં 83 ટકા હિસ્સા પરથી 2022-23માં તેનો હિસ્સો વધી 93 ટકા પર જોવા મળ્યો છે. હાલમાં એક્સચેન્જનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 70 ટકા જેટલું છે. જ્યારે એફએન્ડઓ સેગમેન્ટમાં તે વિશ્વનું પ્રથમ પ્લેટફોર્મ છે એમ ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિએશન જણાવે છે. એનએસઈના શેર્સમાં વેલ્ધી ઈન્વેસ્ટર્સની સંખ્યા છેલ્લાં પાંચ વર્ષોમાં સતત વધી રહી છે. 2020-21ની આખરમાં 650 વ્યક્તિઓ એનએસઈના શેર્સ ધરાવતાં હતાં. જે સંખ્યા હાલમાં 4300 પર જોવા મળે છે. જેમાં રાધાકૃષ્ણ દામાણી જેવા જાણીતા રોકાણકારનો પણ સમાવેશ થાય છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ફ્યુચર એન્ટરપ્રાઈઝિસ માટે કરેલી ઓફર
મુકેશ અંબાણીની કંપની ઉપરાંત જિંદાલ(ઈન્ડિયા) અને જીબીટીએલ લિ.એ પણ કરેલી ઓફર
કિશોર બિયાણીની ફ્યુચર એન્ટર.ને કોર્પોરેટ ઈન્સોલ્વન્સી માટે 27 ફેબ્રુઆરીએ એનસીએલટીએ મંજૂરી આપી હતી
દેવામાં ડૂબેલી ફ્યુચર એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ(FEL)એ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જિંદાલ(ઈન્ડિયા) લિ. અને ડોનિયર ઈન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવતી ટેક્સટાઈલ ઉત્પાદક જીબીટીએલ તરફથી રેઝોલ્યુશન પ્લાન્ટ મેળવ્યાં છે એમ કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. કિશોર બિયાણીની ફ્યુચર એન્ટરપ્રાઈઝિસને કોર્પોરેટ ઈન્સોલ્વન્સી માટે 27 ફેબ્રુઆરીએ એનસીએલટીએ મંજૂરી આપી હતી.
એનસીએલટીની મુંબઈ બેંચે કંપનીની ઈન્સોલ્વન્સી પ્રોસેસની શરૂઆત માટે આદેશ આપ્યો હતો. જેના પ્લાન મુજબ બાકી નીકળતાં લેણાંની વસૂલાત માટે ઓક્શન યોજવામાં આવશે. આ કેસમાં રેઝોલ્યુશન પ્રોફેશ્નલ એવિલ મેનેઝીસે સંભવિત રેઝોલ્યુશન અરજદારો તરીકે ત્રણ કંપનીઓના નામ જાહેર કર્યાં છે. રેઝોલ્યુશન પ્રોફેશ્નલે લેન્ડર્સ તરફથી રૂ. 12,265ના વેરિફાઈડ ક્લેઈમ્સ જ્યારે ફિક્સ્ડ ડિપોઝીટ હોલ્ડર્સ તરફથી રૂ. 23 કરોડના ક્લેમઈમ્સને દાખલ કર્યાં છે. કિશોર બિયાણીની આગેવાની હેઠળની ફ્યુચર ગ્રૂપ કંપનીએ બોન્ડ્સ સ્વરૂપમાં નોંધપાત્ર બોરોઈંગ્સ કર્યું હતું અને તેથી કેટલીક ટ્રસ્ટીશીપ કંપનીઓએ ક્લેઈમ્સ ફાઈલ કર્યાં હતાં. જેમાં સેન્ટબેંક ફાઈનાન્સિયલ સર્વિસિઝે રૂ. 3344 કરોડનો સૌથી ઊંચો દાવો કર્યો છે. જ્યારપછીના ક્રમે એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝે રૂ. 1341 કરોડનો અને વિસ્તારા આઈટીસીએલ(ઈન્ડિયા)એ રૂ. 210 કરોડનો દાવો કર્યો છે. ગયા મહિને એક્સચેન્જ ફાઈલીંગમાં ફ્યુચર્સ એન્ટરપ્રાઈઝિસે જણાવ્યું હતું કે આઈઆરપીએ કર્મચારીઓ તરફથી રૂ. 2.58 કરોડનો દાવો મેળવ્યો છે. જેમાંથી તેણે રૂ. 2.24 કરોડને માન્યતાં આવી છે. તેણે રાજ્ય ટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી ઓથોરિટીઝ તરફથી પણ રૂ. 14.75 કરોડના ફરજિયાત ડ્યૂઝ મેળવ્યાં છે. કંપની 21 જૂને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પર રૂ. 6.07 કરોડના ઈન્ટરેસ્ટની ચૂકવણીમાં નાદાર બની હતી. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં કિશોર બિયાણી જૂથની અનેક કંપનીઓ તેમના પેમેન્ટમાં નિષ્ફળ ગઈ છે. ફ્યુચર જૂથની ચાર કંપનીઓ ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. જેમાં એફઈએલ, ફ્યુચર રિટેલ, ફ્યુચર લાઈફસ્ટાઈલ્સ ફેશન અને ફ્યુચર સપ્લાય ચેઈનનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ રાઉન્ડ અપ
વિર્કો AIમાં ત્રણ વર્ષોમાં 1 અબજ ડોલર રોકશે
ટોચની આઈટી સર્વિસિઝ કંપની વિપ્રોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈકોસિસ્ટમ ઊભી કરવાના ભાગરૂપે એક પ્લેટફોર્મ લોંચ કરવા સાથે આગામી ત્રણ વર્ષોમાં એઆઈમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે એમ જણાવ્યું છે. વિપ્રો ai360ના લોંચ સાથે કંપની તેની એઆઈ કેપેબિલિટીઝને આગામી ત્રણ વર્ષોમાં આગળ લઈ જવા માટે એક અબજ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબધ્ધ છે. નવા રોકાણથી શરૂ થયેલું આ પ્લેટફોર્મ એઆઈના ઉપયોગ વડે વેલ્યૂ, પ્રોડક્ટિવિટી અને કમર્સિયલ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરવામાં સહાયરૂપ બનશે એમ કંપનીએ જણાવ્યું હતું. કંપનીના સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે એઆઈ ઝડપથી આગળ વધી રહેલું ક્ષેત્ર છે. ખાસ કરીને જનરેટીવ એઆઈના ઉદભવ પછી આગળ પર પાયાની તબદિલી જોવા મળે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ.
ડિઝનીને સ્ટાર માટે વિકલ્પોની શોધ
એન્ટરટેઈનમેન્ટ જાયન્ટ વોલ્ટ ડિઝની તેના ભારતીય બિઝનેસ માટે વ્યૂહાત્મક વિકલ્પોની ચકાસણી કરી રહી છે. જેમાં બિઝનેસના વેચાણથી લઈ સંયુક્ત સાહસનો સમાવેશ થાય છે એમ વોલ સ્ટ્રીટ જર્નલે જાણકારને ટાંકીને જણાવ્યું હતું. કંપની ભારતમાં તેના બિઝનેસને ચલાવવામાં સહાયતા માટે એક બેંક સાથે પણ વાતચીત કરી રહી હોવાનું જાણવા મળે છે. ડિઝનીના ભારત સ્થિત બિઝનેસમાં ડિઝની પ્લસ હોટસ્ટાર અને સ્ટાર ઈન્ડિયા(ડિઝની સ્ટાર)નો સમાવેશ થાય છે. આ બંને બિઝનેસિસ સારો દેખાવ નથી કરી રહ્યાં. વોલ સ્ટ્રીટ જર્નલના મતે સ્ટાર ઈન્ડિયા ચાલુ વર્ષે આવકમાં 20 ટકા ઘટાડાની અપેક્ષા રાખે છે. જ્યારે હોટસ્ટાર ત્રીજા ક્વાર્ટરમાં 80 લાખથી 1 કરોડ સબસ્ક્રાઈબર્સ ગુમાવવાની અપેક્ષા ધરાવે છે. 2019માં સ્ટાર ઈન્ડિયાની ખરીદી મારફતે ડિઝની ભારતમાં સૌથી મોટી ટેલિવિઝન બ્રોડકાસ્ટર બન્યો હતો. તેણે 1993થી દેશમાં કેટલાંક રોકાણો કર્યાં છે.
ફોક્સકોન ભારતમાં 4-5 સેમીકંડક્ટર ફેબ યુનિટ્સ માટેની વિચારણામાં
એક મિડિયા રિપોર્ટ મુજબ તાઈવાની કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોન ભારતમાં 4-5 સેમીકંડક્ટર ફેબ યુનિટ્સ માટેની વિચારણા કરી રહી છે. આ માટે તે વિવિધ સ્થાનિક કોર્પોરેટ જૂથો સાથે વાતચીત પણ ચલાવી રહી છે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ તેણે સરકારને જણાવ્યું છે કે તે ઓછામાં ઓછા 4-5 ફેબ યુનિટ્સ સ્થાપવા ઈચ્છે છે. કંપનીએ ગયા સપ્તાહે જ વેદાંત સાથેની ભાગીદારીમાંથી એક્ઝિટ લીધી હતી. તેણે દોઢ વર્ષ અગાઉ વેદાંત સાથે ગુજરાતમાં 19.5 અબજ ડોલરના રોકાણ સાથે સેમીકંડક્ટર તથા ડિસ્પ્લે ફેબ પ્લાન્ટ સ્થાપવા માટે સંયુક્ત સાહસ રચ્યું હતું. જોકે, ધીમી પ્રગતિને જોતાં તેણે અલગ થવાનો નિર્ધાર કર્યો હતો. સરકારે પાછળથી નવા ઈન્સેન્ટિવ્સ સાથે નવી પ્રોડક્શન લિંક્ડ યોજના જાહેર કરી હતી. જેનાથી અન્ય ખેલાડીઓ પણ આ સેક્ટરમાં પ્રવેશવા આકર્ષાયાં છે.
સોયાબિનનું વાવેતર 18 ટકા ઘટાડે 63.54 લાખ હેકટરમાં નોંધાયું
દેશમાં ચાલુ ખરિફમાં સોયાબિનનું વાવેતર અત્યાર સુધીમાં 18 ટકા ઘટાડે 63.54 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. સોયાબિનનું વાવેતર કરતાં બે મહત્વના રાજ્યો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદના અભાવે આમ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ, રાજસ્થાન અને ગુજરાતમાં સોયાબિનનું વાવેતર વધ્યું છે. જોકે, આ બંને રાજ્યોમાં ખૂબ ઓછા પ્રમાણમાં સોયાબિનની વાવણી થાય છે. કેન્દ્રિય કૃષિ વિભાગના મતે 9 જુલાઈ સુધીમાં દેશમાં 63.54 લાખ હેકટરમાં સોયાબિન વવાઈ ચૂક્યું છે. જે આંકડો ગયા વર્ષે સમાનગાળામાં 77.84 લાખ હેકટરમાં જોવા મળતો હતો. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે 26.13 લાખ હેકટર સામે ચાલુ વર્ષે 58 ટકા ઘટાડા સાથે માત્ર 11.05 લાખ હેકટરમાં જ સોયાબિન વાવણી શક્ય બની છે.
2025 સુધી કપાસિયા તેલ ઉત્પાદન 16 લાખ ટને પહોંચવાનો અંદાજ
દેશમાં કપાસિયા તેલનું ઉત્પાદન આગામી બે વર્ષોમાં વધીને 15-16 લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ છે. હાલમાં તે 13-14 લાખ ટન પર જોવા મળે છે. આમ, બે લાખ ટનની ચોખ્ખી વૃદ્ધિ જોવા મળી શકે છે એમ સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા કોટનસીડ ક્રશર્સ એસોસિએશને સંયુક્તપણે યોજેલા કોન્ક્લેવમાં જણાવાયું હતું. નાગપુર સ્થિત સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ફોર કોટન રિસર્ચના મતે 2025 સુધીમાં દેશમાં 402.70 લાખ ગાંસડી કોટન ઉત્પાદનનો અંદાજ છે. જેને જોતાં કોટનસીડની પ્રાપ્તિ વધશે. હાલમાં પ્રાપ્ય કોટનસીડના ક્રશીંગમાંથી 13-14 લાખ ટન કપાસિયા તેલ ઉત્પાદિત થાય છે. નિષ્ણાતોના મતે જો સાઈન્ટિફિક પધ્ધતિથી પ્રોસેસિંગ કરવામાં આવે તો કપાસિયા તેલનું ઉત્પાદન 19-20 લાખ ટન સુધી વધારી શકાય છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
વેદાંતઃ કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું છે કે સરકારની મંજૂરી મળ્યાં પછી તેઓ સેમીકંડક્ટર અને ડિસ્પ્લે ફેબ ક્ષેત્રે ઐતિહાસિક પ્રવેશ કરશે. જે કંપની માટે ઝડપી વૃદ્ધિ માટે સંપૂર્ણપણે એક નવી તક ખોલશે. તેમણે વેદાંતની 58મી વાર્ષિક સાધારણ સભાને સંબોધનમાં આમ જણાવ્યું હતું. તાઈવાનની ફોક્સકોને ડિલ રદ કર્યાંના કેટલાંક દિવસોમાં જ વેદાંતે સેમીકંડક્ટર અને ડિસપ્લે ફેબ સ્થાપવાની યોજના જારી રાખી છે.
અદાણી એન્ટરપ્રાઈઝઃ અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી પ્રથમવાર રૂપી બોન્ડ માર્કેટમાં પ્રવેશી રૂ. 1250 કરોડ ઊભા કર્યાં છે. કંપનીએ 10 ટકા વાર્ષિક કૂપન રેટ પર આ ઓફર કરી હતી. તેણે ત્રણ-વર્ષની મુદતના બોન્ડ્સનું વેચાણ કર્યું હતું. કંપનીએ એકથી વધુ તબક્કામાં નોંધપાત્ર રકમ ઊભી કરવાનું વિચાર્યું છે.
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપની માટે રિલાયન્સ કેપિટલ એડમિનિસ્ટ્રેટરે હિંદુજા ગ્રૂપ તરફથી કરવામાં આવેલાં બીડને એનસીએલટી સમક્ષ મંજૂરી માટે મોકલી આપી છે. હિંદુજા જૂથની કંપની આઈઆઈએચએલના બીડની તરફેણમાં રિલાયન્સ કેપિટલના લેન્ડર્સમાંથી 99.6 ટકાએ વોટિંગ કર્યું હતું. જેને જોતાં એડમિનિસ્ટ્રેટરે આ બીડ આગળ મંજૂરી માટે મોકલ્યું છે.
આઈટીસીઃ ટોચની સિગારેટ કંપની અને એફએમસીજી જાયન્ટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના 2022-23ના વાર્ષિક વેતનમાં 53 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 16.31 કરોડ પર પહોંચ્યું હતું. તેમના કુલ વેતનમાં રૂ. 2.88 કરોડ બેઝિક સેલરીનો સમાવેશ થતો હતો. જ્યારે રૂ. 57 લાખના ભથ્થાઓ સામેલ હતાં. જ્યારે રૂ. 12.86 કરોડની રકમ પર્ફોર્મન્સ બોનસ, લોંગ-ટર્મ ઈન્સેન્ટિવ્સ અને કમિશન હતું.
ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટઃ એનબીએફસી કંપની તેના બોરોઈંગને રૂ. 1.1 લાખ કરોડ પરથી બમણુ કરી રૂ.2 લાખ કરોડ કરવા માટે શેરધારકોની મંજૂરી મેળવવા વિચારી રહી છે. આગામી વર્ષોમાં કંપનીના બિઝનેસમાં વૃદ્ધિને ફંડ કરવા માટે કંપની આમ કરી રહી છે. આ માટે તે બોરોઈંગમાં 82 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે.
સ્પાઈસજેટઃ સ્થાનિક એરલાઈન્સ કંપનીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને 22 જૂનથી એન્હાન્સ્ડ સર્વેલન્સ પર મૂકી હોવાનું જાણવા મળે છે. એવિએશન રેગ્યુલેટરે આગોતરા સાવચેતીના પગલાંના ભાગરૂપે આમ કર્યું છે. કંપનીએ 2021-22માં રૂ. 1744 કરોડની ખોટ દર્શાવી હતી. જ્યારે 2022-23 માટે તેણે મેડિકલ ઈનકેપેસિટેશનનું કારણ આપી હજુ સુધી પરિણામો જાહેર કર્યાં નથી.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે જણાવ્યું છે કે તેની પેટાકંપની સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ 600 મેગાવોટ ક્ષમતા ધરાવતાં રૂફટોપ અને ગ્રાઉન્ડ-માઉન્ડેટ સોલાર પ્રોજેક્ટ વિકસાવશે. સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ કોલ ઈન્ડિયાની સૌથી મોટી સબસિડિયરી કંપની છે. કંપની રૂ. 1000 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ્સ તૈયાર કરશે. આમાંના કેટલાંક પ્રોજેક્ટ્સ રિન્યૂએબલ એનર્જી સર્વિસ કંપનીમાં અમલી કરાશે. કંપની નેટ ઝીરો એનર્જીનો ટાર્ગેટ ધરાવે છે.
હેપ્પીએસ્ટ માઈન્ડ્સઃ આઈટી સર્વિસિઝ કંપની હેપ્પીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજિસે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ ઈસ્યુ લોંચ કર્યો છે. તેણે રૂ. 972.16 પ્રતિ શેરના ભાવે ક્વિપ આઈપીઓ લોંચ કર્યો છે. જે કંપનીના બજારભાવની આસપાસનું લેવલ જ છે. ઈસ્યુની રકમનો ઉપયોગ વિસ્તરણ યોજનાઓમાં કરવામાં આવશે.
અદાણી ટ્રાન્સમિશનઃ અદાણી જૂથની કંપનીએ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિરેક્ટર્સ તરફથી પાવર ટ્રાન્સમિશન સેક્ટર માટેનો ગોલ્ડન પિકોક એન્વાર્મેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ મેળવ્યો છે. ચાલુ વર્ષે કુલ 520 એપ્લિકેશન્સનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારપછી જાણીતા ન્યાયાધીશો સહિતની બનેલી જ્યૂરીએ અરજીઓની સમીક્ષા કરી નિર્ણય લીધો હતો.
સ્ટરલાઈઝ ટેક્નોલોજિસઃ ઓપ્ટિકલ ફાઈબર ઉત્પાદકે તેના ફાઈબર એક્સપાન્શન પ્રોજેક્ટ માટે વાઈન્ડસ્ટ્રીમ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.