બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મીડ-સ્મોલ કેપ્સમાં ઓપરેટર્સ તરફથી ભારે અનલોડિંગ
નિફ્ટી 20110ની ટોચ બનાવી પાછો પડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા વધી 11.69ના સ્તરે
માર્કેટમાં 13 માર્ચ પછીની સૌથી ખરાબ માર્કેટ બ્રેડ્થ
આઈટી, ફાર્મા સિવાય સાર્વત્રિક નરમાઈ
નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટ્યો
મેટલ, એનર્જી, ઓટોમાં ભારે વેચવાલી
આઈટીઆઈ, ટીસીએસ, લાર્સન નવી ટોચે
વેદાંતા નવા તળિયે
વૈશ્વિક બજારોમાં નરમ અન્ડરટોન વચ્ચે ભારતીય શેરબજારમાં મંગળવારે મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં લેણના પોટલાં છૂટતાં ટ્રેડર્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. સવારે ખૂલતામાં સર્વોચ્ચ ટોચ બનાવ્યાંની સાથે જ બજારમાં વેચવાલી નીકળી હતી અને રિટેલ ટ્રેડર્સ જોતાં રહી ગયા હતા. દિવસ દરમિયાન બે બાજની વધ-ઘટ વચ્ચે કામકાજની આખરમાં બીએસઈ સેન્સેક્સ 94 પોઈન્ટ્સ સુધારે 67221.13ની સપાટીએ જ્યારે નિફ્ટી 3.15 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 19993.20ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ છેલ્લાં ઘણા મહિનાઓમાં સૌથી ખરાબ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3805 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2934 કાઉન્ટર્સ નેગેટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 745 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. 263 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યુંહતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા વધી 11.69ના સ્તરે બંધ રહ્યો હતો
મંગળવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ જાળવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19996ના બંધ સામે 20110ની ટોચ પર ખૂલી ઊંધા માથે ગગડ્યો હતો અને 19915 પર પટકાયો હતો. જોકે મધ્યાહને તે ફરી 20 હજાર પર પહોંચ્યો હતો. જોકે, આખરે તેની ઉપર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટ કેશ સામે નિફ્ટી ફ્યુચર 40 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20037ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 50 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આનો અર્થ એ છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થઈ રહી છે. જે બજારમાં સાવચેતીનો સંકેત છે. ટેકનિકલી નિફ્ટી 19600ના સપોર્ટે લોંગ રહેવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. જોકે, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી સૂચવે છે કે માર્કેટ જોખમી તબક્કામાં છે. જેને જોતાં ટ્રેડર્સે સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જેઓ નાની ખોટ બુક કરવામાં પાછા પડશે તેમણે કેટલાંક સત્રો પછી મોટા નુકસાન સાથે એક્ઝિટ લેવાની બની શકે છે. આમ, પોઝીશન પાતળી રાખવાનું સૂચન છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં આઈટીસી, લાર્સન, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, આઈટીસી, નેસ્લે, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પો., એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, જીઓ ફાઈનાન્સિયલ, એપોલો હોસ્પિટલ, તાતા મોટર્સ, યૂપીએલ, આઈશર મોટર્સ, તાતા સ્ટીલ, એચયૂએલમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી અને ફાર્મા સૂચકાંકો સિવાય અન્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ સવારે તેની ઓલ-ટાઈમ હાઈ બનાવી 4.4 ટકા ગગડ્યો હતો. જેમાં ઘટવામાં ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા, એનટીપીસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી, આઈઆરસીટીસી, બીપીસીએલ, કોન્કોર, ગેઈલ, એચપીસીએલ, એનએમડીસી, નાલ્કો, સેઈલ, ભારત ઈલે, એનએચપીસી, પાવર ફાઈનાન્સ, આરઈસી, ભેલમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.7 ટકા તૂટ્યો હતો. તેણે પણ સવારના ભાગમાં તેની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. મેટલ કાઉન્ટર્સમાં મોઈલ, સેઈલ, નાલ્કો, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા, વેદાંત સહિતના કાઉન્ટર્સ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી એનર્જી 2.5 ટકા ગગડ્યો હતો. જેમાં એચપીસીએલ 5 ટકાથી વધુ ગગડી સૌથી ખરાબ જોવા મળ્યો હતો. આ સિવાય ગેઈલ, બીપીસીએલ, આઈઓસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસીમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ તેની સર્વોચ્ચ ટોચ બનાવી પટકાયો હતો અને લગભગ 2 ટકા નરમ બંધ રહ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 9 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત ભારત ફોર્જ, સોના બીએલડબલ્યુ, મધરસન, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, બોશ, એમઆરએફમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો હતો. જેના ઘટકોમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. મીડ-કેપ આઈટીમાં જોકે નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મા પણ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. જેને સપોર્ટ આપવામાં ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્માનો સમાવેશ થતો હતો. જ્યારે બાયોકોન, સિપ્લા અને ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર પર નજર કરીએ તો ટીસીએસ 2.88 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત લાર્સન, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, શ્રી સિમેન્ટ્સ, આઈટીસી, નેસ્લે, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, ગ્રાસિમ, ગ્લેનમાર્ક ફાર્મા પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ ભેલ 10 ટકા ઘટાડા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આરઈસી, પાવર ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, ભારત ઈલેક્ટ્રીક, વોડાફોન આઈડિયા, હિંદ કોપર, મણ્ણાપુરમ, ઈન્ડિયા સિમેન્ટ્સ, આરબીએલ બેંક, સેઈલ, નાલ્કો, પેટ્રોનેટ એલએનજી, લૌરસ લેબ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં આઈટીઆઈ, સુંદરમ ફાઈનાન્સ, ટીસીએસ, જેબી કેમિકલ્સ, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, લ્યુપિન, લેમોન ટ્રી હોટેલ, ચોલા ફિન., ગ્રાસિમ, પ્રિન્સ પાઈપ્સ, એચસીએલ ટેકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વેદાંતે તેનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
FPIએ ચાર ટ્રેડિંગ સત્રોમાં 80 કરોડ ડોલરની વેચવાલી નોંધાવી
જોકે, સ્થાનિક સંસ્થાઓએ બજારમાં ચોખ્ખી ખરીદી દર્શાવી
બેન્ચમાર્ક નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે ત્યારે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી નેટ વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લાં ચાર સત્રોમાં વિદેશી રોકાણકારોએ કુલ 80 કરોડ ડોલર(રૂ. 6600 કરોડ)નું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. છેલ્લાં છ મહિનાઓમાં તેમના તરફથી જોવા મળેલી આ નોંધપાત્ર વેચવાલી છે. એપ્રિલ મહિનાથી સતત પોઝીટીવ ઈનફ્લો દર્શાવ્યાં પછી સપ્ટેમ્બરમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો નેગેટીવ રોકાણ નોંધાવી રહ્યાં છે. ચાલુ કેલેન્ડરમાં જોકે, તેઓ ચોખ્ખો 16 અબજ ડોલરનો ઈનફ્લો ઠાલવી ચૂક્યાં છે.
સોમવારે સતત સાતમા ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીએ સુધારો જાળવ્યો હતો અને તેમની વિક્રમી ટોચ દર્શાવી હતી. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી અને નિફ્ટી મીડ-કેપ તેમજ નિફ્ટી સ્મોલ-કેપ્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. માર્કેટમાં 28 માર્ચથી બ્રોડ બેઝ તેજી શરૂ થઈ હતી અને ઓગસ્ટમાં કોન્સોલિડેશન પછી સપ્ટેમ્બરમાં તે ફરીથી લંબાઈ હતી. લાર્જ-કેપ સૂચકાંકોમાં 16 ટકાના ઉછાળા સાથે બીએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપમાં 40 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. એનાલિસ્ટ્સના મતે એફપીઆઈની વેચવાલીનું કારણ ક્રૂડના ભાવમાં વૃદ્ધિ છે. તેમજ ઓગસ્ટ પછી ચોમાસુ નબળુ જોવા મળ્યું છે. જેને કારણે ચિંતા ઊભી થઈ છે. વૈશ્વિક બજારો જોકે સ્થાનિક બજારની જેમ તેમની સર્વોચ્ચ સપાટીએ નથી પહોંચ્યાં. યુએસ ડોલરમાં મજબૂતી પાછળ આ ગેપ વધુ પહોળો બન્યો છે. નવેમ્બરમાં ફેડ તરફથી વધુ એક રેટ વૃદ્ધિની અપેક્ષા પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સ વધી રહ્યાં છે. જે ઈક્વિટી વેલ્યૂએશન્સને લઈ શંકા ઊભી કરી રહ્યાં છે. ખાસ કરીને, ભારત જેવા ઊંચો દેખાવ દર્શાવતાં માર્કેટ્સને લઈ ચિંતા સ્વાભાવિક છે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે.
યુએસ ડોલર સામે ચાઈનીઝ યુઆન અને જાપાનીઝ યેનમાં નોંધપાત્ર ઘસારો ભારતીય રૂપિયા પર પણ દબાણ લાવી રહ્યો છે અને તે ઓલ-ટાઈમ લો તરફ આગળ વધી રહ્યો છે. જે વિદેશી રોકાણકારોની વેચવાલીનું કારણ બની રહ્યો છે એમ એક બ્રોકરેજ એનાલિસ્ટ જણાવે છે.
વ્યાજ દર વૃદ્ધિમાં બ્રેક પાછળ ગોલ્ડનો ચળકાટ વર્ષની આખરમાં વધશે
યુએસ અર્થતંત્રમાં મંદીની શક્યતાં વધતાં સોનામાં ખરીદી જોવા મળે તેવી શક્યતાં
વિવિધ માર્કેટ નિરીક્ષકો ગોલ્ડમાં ન્યૂટ્રલથી બૂલીશ ટ્રેન્ડ જોઈ રહ્યાં છે
સોનાના ભાવ કેલેન્ડરની આખરમાં વધવાતરફી બની રહે તેવી શક્યતાં છે. નિષ્ણાતોના મતે યુએસ અર્થતંત્ર મંદીમાં સરી પડે તેવી સંભાવનાને જોતાં વ્યાજ દરમાં વૃદ્ધિમાં વિરામ જોવા મળશે, તેમજ ફેડ તરફથી રેટમાં ઘટાડો પણ સંભવ છે. જેને જોતાં ગોલ્ડમાં ખરીદી નીકળશે અને તે નવી ઊંચાઈ તરફ ગતિ કરતું જોવા મળે તેવું બની શકે.
ફિચ સોલ્યુશન્સની રિસર્ચ એજન્સી બીએમઆઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષની આખર તરફ અને કેલેન્ડર 2024માં રોકાણકારો તરફથી ગોલ્ડમાં ઈનફ્લો જોવા મળશે. જેની પાછળ ભાવમાં વૃદ્ધિ નોંધાશે. રિપોર્ટ મુજબ 2024ના પ્રથમ છ મહિના દરમિયાન યુએસ અર્થતંત્ર એક છીછરી મંદીમાં પ્રવેશશે અને યુએસ ફેડ તેની રેટ વૃદ્ધિને અટકાવશે. ઉપરાંત 2024માં રેટમાં ઘટાડાની શક્યતાં પણ છે એમ રિસર્ચ રિપોર્ટ જણાવે છે. કામા જ્વેલરીના એમડી કુલીન શાહના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં સ્થિર વલણ છતાં યુએસ ખાતે જોવા મળી રહેલા આર્થિક પડકારોને જોતાં ભાવમાં ઊછાળાનો આશાવાદ છે. યુએસ ખાતેથી રજૂ થયેલો નબળો આર્થિક ડેટા અર્થતંત્રમાં મંદીની શક્યતાં દર્શાવે છે. જે યિલ્ડ કર્વની શક્યતાં પણ સૂચવે છે. આવી સ્થિતિમાં ઐતિહાસિક રીતે ગોલ્ડે સારો દેખાવ જાળવ્યો છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેની તાજી માર્કેટ કોમેન્ટરીમાં નોંધ્યું છે.
ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડે ઊંચી વોલેટિલિટી દર્શાવી છે. કેલેન્ડરના પ્રથમ આઁઠ મહિનામાં તે 1846 ડોલરથી 2050 ડોલરની રેંજમાં અથડાયેલું રહ્યું છે. જેમાં મેમાં તેણે ક્ષણ માટે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જોકે, ત્યારપછી છેલ્લાં ચાર મહિનાથી તે 1900-2000 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. ગયા સપ્તાહે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ તે 1980 ડોલરની અગાઉના સપ્તાહની ટોચ પરથી 1943 ડોલરના લેવલે પટકાયું હતું. આમ, એકાંતરે સપ્તાહે તે તેજીમંદીની ચાલ દર્શાવી રહ્યું છે. જોકે, ટેકનિકલ એનાલિસ્ટ્સ 1900 ડોલરનો મજબૂત સપોર્ટ જોઈ રહ્યાં છે. તેમના મતે આ સપોર્ટ ગોલ્ડ માટે ખૂબ મહત્વનો છે.
બીએમઆઈ તેના રિપોર્ટમાં નોંધે છે કે 2022ના ચોથા ક્વાર્ટરથી તે ગોલ્ડને લઈ ન્યૂટ્રલથી બુલીશ વલણ ધરાવતી હતી. જોકે, તાજેતરના મહિનાઓમાં તે ન્યૂટ્રલ બની છે. યુએસ ડોલરમાં નવેસરથી જોવા મળી રહેલી મજબૂતીને જોતાં આગામી કેટલાંક સપ્તાહોમાં ગોલ્ડમાં નરમાઈ જોવા મળી શકે છે. બોન્ડ યિલ્ડ્સ પણ ઊંચા સ્તરે જોવા મળી રહ્યાં છે. યુએસ ખાતે ઈન્ફ્લેશનમાં સાધારણ વૃદ્ધિ પાછળ ફેડ તરફથી વધુ એક રેટ વૃદ્ધિની શક્યતાં પણ છે. ગયા સપ્તાહે યુએસ ડોલર છ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. ડોલરમાં મજબૂતી વખતે ગોલ્ડમાં નરમાઈ જોવા મળતી હોય છે. જોકે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ઓગસ્ટમાં મજબૂત ડોલર અને યિલ્ડ્સમાં વૃદ્ધિ વચ્ચે ગોલ્ડમાં માત્ર એક ટકાનો સાધારણ ઘટાડો નોંધાયો હતો. માર્કેટ હાલમાં વર્ષની આખર અગાઉ ફેડ તરફથી વધુ એક રેટ વૃદ્ધિની અટકળોમાં લાગ્યું છે. બીએમઆઈએ 2023 માટે તેનો 1950 ડોલરના ગોલ્ડ પ્રાઈસ ટાર્ગેટને જાળવી રાખ્યો છે. અત્યાર સુધી વર્ષ દરમિયાન તે સરેરાશ 1934 ડોલર પર જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયન ચીફ ઈકોનોમિસ્ટની ઓફિસના જણાવ્યા મુજબ જો યુએસ ખાતે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડશે તેમ છતાં કોર ઈન્ફ્લેશન ઊંચા સ્તરે જળવાયેલું રહેશે તો ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં રેટ ઘટાડાની શક્યતાં નથી.
તહેવારોની સિઝનમાં FD રેટ્સમાં 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની શક્યતાં
ક્રેડિટ માટે વધતી માગને જોતાં બેંકર્સ પસંદગીના મેચ્યોરિટી બકેટ્સમાં રેટ વૃદ્ધિ કરશે
આરબીઆઈએ I-CRR પરત ખેંચવા છતાં બેંકર્સે ડિપોઝીટ્સ આકર્ષવા રેટ વધારવા પડશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં I-CRR(ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો)ને તબક્કાવાર પરત ખેંચવાની જાહેરાત કરી રાહતને કારણે બેંકિંગ સંસ્થાઓને લાભ થવાનો છે. કેમકે તેમની પાસે કેટલીક લિક્વિડીટી પરત આવશે. જોકે, આમ છતાં વધતી ક્રેડિટ માગને જોતાં ચાલુ તહેવારોની સિઝનમાં તેઓ પસંદગીની મુદત માટે ફિક્સ ડિપોઝીટ્સના દરોમાં 25 બેસીસ પોઈન્ટ્સ સુધીની વૃદ્ધિ કરે તેમ વર્તુળોનું કહેવું છે. કોર્પોરેટ્સ તરફથી ટેક્સ પેમેન્ટ્સના કવરિંગ માટે તથા ત્રમાસિક બિઝનેસ ટાર્ગેટ્સ પૂરાં કરવા વધતી ફંડની માગને જોતાં બેંક્સે ડિપોઝીટ રેટ્સ વધારવા પડશે એમ બેંકર્સ અને મની માર્કેટ મેનેજર્સ જણાવે છે.
જોકે, તમામ બેંક્સ ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિ તરફ વળે તેવી અપેક્ષા નથી. જે બેંક્સ ચોક્કસ સમયગાળા માટે એસેટ-લાયેબિલિટી મેનેજમેન્ટ મીસમેચ અનુભવી રહી છે તેમણે વ્યાજ દરોમાં સુધારો કરવાની જરૂર પડશે એમ તેઓ ઉમેરે છે. આમાં પીએસયૂ બેંક્સનું પ્રમાણ ઊંચું હશે. તાજેતરમાં જ પંજાબ નેશનલ બેંકે 270 દિવસોથી લઈ એક વર્ષથી નીચેની મુદત માટેના ડિપોઝીટ રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે અને તેને 6.75 ટકા કર્યો છે. આ સુધારો 1 સપ્ટેમ્બરથી અમલી બન્યો હતો. આરબીઆઈએ 8 સપ્ટેમ્બરથી I-CRRને તબક્કાવાર દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જે 7 ઓક્ટોબર, 2023 સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં રૂ. 1 લાખ કરોડ છૂટાં કરશે. I-CRRને પરત ખેંચવાનો પ્રથમ તબક્કો 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે હેઠળ રૂ. 25 હજાર કરોડ રિલીઝ કરવામાં આવશે. બેંક્સના ટ્રેઝરી હેડ્સના મતે આ નિર્ણયને કારણે ટૂંકાગાળા માટે બેંક્સને રાહત મળશે. કેમકે તેમને તત્કાળ રેટ્સમાં વૃદ્ધિ કરવાની જરૂર નહિ પડે. જોકે, મધ્યમ ગાળે તેમને લિક્વિડીટીની સમસ્યા નડી શકે છે. જેને જોતાં તેમણે ડિપોઝીટ રેટ્સ વધારવાનું દબાણ ઊભું થશે.
ડિપોઝીટ્સ રેટ્સને લઈને કોઈપણ નિર્ણય પર ઈન્ફ્લેશન રેટની અસર રહેશે એમ બેંકર માને છે. તેમના મતે જો સીપીઆઈમાં ઘટાડો નહિ જોવા મળે અને આરબીઆઈ લિક્વિડીટી ટાઈટનીંગ કરવા જશે તો ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિનો કોઈ વિકલ્પ નથી. બેંક્સની લેન્ડિંગ કામગીરી સતત ઊંચી જોવા મળી રહી છે અને તેથી માર્કેટમાં ક્રેડીટ માગ જોતાં બેંકર્સે ડિપોઝીટ્સને આકર્ષવી પડશે. જે રેટ્સને ઉપરની તરફ લઈ જશે. કેર રેટિંગ્સના ચીફ રેટિંગ્સ ઓફિસરના જણાવ્યા મુજબ આરબીઆઈએ I-CRRને તબક્કાવાર દૂર કરવાનો લીધેલો નિર્ણય લિક્વિડીટી મુદ્દે સ્થિતિને સંતુલિત કરવાનો ઈરાદો ધરાવે છે.
એલોન મસ્કની સ્ટારલીંકને ભારતમાં કામગીરી માટે ટૂંકમાં લાયસન્સની શક્યતાં
સ્ટારલીંકના GMPCS સર્વિસ લાયસન્સના પ્રસ્તાવ માટે ચાલુ મહિનાની આખરમાં ટેલિકોમ મંત્રાલયની બેઠકની અપેક્ષા
એલોન મસ્કની સ્ટારલીંકને ભારતમાં તેની સેવા શરૂ કરવા માટે ટેલિકોમ મંત્રાલય તરફથી ટૂંકમાં મંજૂરી મળે તેવી શક્યતાં છે. સેટેલાઈટ કંપનીનો પ્રસ્તાવ છેલ્લાં કેટલાંક મહિનાઓથી સિક્યૂરિટીના કારણોસર ગૃહ મંત્રાલય સાથએ અટવાઈ પડ્યો છે. મંત્રાલય ચાલુ મહિનાની આખરમાં સ્ટારલીંકના ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન(GMPCS) સર્વિસના લાયસન્સ માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે બેઠક યોજે તેવી અપેક્ષા છે. તેમજ તેને મંજૂર રાખવામાં આવે તેવી શક્યતાં હોવાનું જાણકાર વર્તુળ જણાવી રહ્યાં છે. જોકે, કેટલાંક છેલ્લી મિનિટ્સના અવરોધોને નકારી શકાય નહિ એમ તેઓ ઉમેરે છે.
સ્ટારલીંકે GMPCS પછી કેટલીક સરકારી પાંખો અને સ્પેસ મંત્રાલયની મંજૂરી મેળવવાની રહેશે. ત્યારપછી જ તે ભારતમાં તેની કામગીરી લોંચ કરવાને લઈ કામગીરી શરૂ કરી શકશે. હાલમાં મુકેશ અંબાણીની જીઓ અને સુનીલ મિત્તલ સમર્થિત વન વેબ પાસે ભારતમાં GMPCS માટે લાયસન્સિસ છે. આ માટે જીઓ લકઝમબર્ગ સ્થિત SES સાથે ભાગીદારી ધરાવે છે. એમેઝોનના સ્થાપક જેફબેઝોસ પણ ‘કુઈપર’ નામે સમાન પ્રોજેક્ટ ધરાવે છે. જોકે, તેમણે હજુ ભારતમાં આવવાનું બાકી છે. અગાઉ 2021માં ટેલિકોમ મંત્રાલયે ભારતમાં લાયસન્સ મેળવ્યા વિના તેની ડિવાઈસિસ માટે એડવાન્સ ઓર્ડર્સ લેવાનું શરૂ કરતાં સ્ટારલીંકને ટપારવી પડી હતી. 99 ડોલરનું ખર્ચ ધરાવતાં ડિવાઈસ માટે લગભગ 5 હજાર જેટલા ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવ્યાં હતાં. કંપનીને ભારતીયો તરફથી મેળવવામાં આવેલી રકમ રિફંડ કરવા માટે જણાવાયું હતું. અગાઉ જૂનમાં એક સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું કે ભારત સેટેલાઈટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમનું ઓક્શન કરે નહિ અને માત્ર વૈશ્વિક ટ્રેન્ડ મુજબ લાયસન્સ સોંપે તે માટે સ્ટારલીંગ લોબીંગ કરી રહી છે. તેનું કહેવું હતું કે સ્પેક્ટ્રમ એક નેચરલ રિસોર્સિસ છે અને તેને કંપનીઓ દ્વારા વહેંચાવી જોઈએ. ઓક્શનને કારણે જીઓગ્રાફિકલ નિયંત્રણો લાગુ પડી શકે છે. જેને કારણે ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે તેમ તેણે કહ્યું હતું.
રશિયન સેલર્સે ભારતને ફર્ટિલાઈટર ડિસ્કાઉન્ટ્સ આપવાનું બંધ કર્યું
રશિયન કંપનીઓએ ભારતને ડિસ્કાઉન્ટેડ ભાવે ફર્ટિલાઈઝર આપવાનું બંધ કર્યું હોવાનું જાણકારોનું કહેવું છે. રશિયન કંપનીઓ ડાય-એમોનિયમ ફોસ્ફેટ(ડીએપી) જેવા ખાતરનું ભારતીય કંપનીઓને ડિસ્કાઉન્ટમાં વેચાણ કરી રહી હતી. ગયા વર્ષે રશિયન કંપનીઓ ભારત માટે સૌથી મોટી ફર્ટિલાઈઝર સપ્લાયર તરીકે ઊભરી હતી.
ઓગસ્ટમાં રશિયન કંપનીઓ તરફથી ભારતીય કંપનીઓને માર્કેટ પ્રાઈસ પર ફર્ટિલાઈઝર ઓફર કરવાને બદલે ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જેને કારણે દેશમાં આયાત ખર્ચ વધ્યો હતો. વૈશ્વિક બજારમાં ફર્ટિલાઈઝર્સના ભાવમાં તેજી વચ્ચે આમ બન્યું હોઈ શકે છે. આને કારણે ભારતીય કંપનીઓ પર સબસિડી ભારણ વધ્યું હતું. ચીન જેવા ટોચના નિકાસકારે તેના વિદેશી વેચાણ પર પ્રતિબંધ મૂકવાને કારણે વૈશ્વિક ભાવ ઉછળ્યાં હતાં. દિલ્હી સ્થિત ફર્ટિલાઈઝર સાથે સંકળાયેલા વેપાર વર્તુળ જણાવે છે કે હાલમાં રશિયન આયાત પર કોઈ ડિસ્કાઉન્ટ્સ મળી રહ્યું નથી. હાલમાં તેઓ વિદેશી સપ્લાયર્સ સાથે આ મુદ્દે મંત્રણા પણ કરી રહ્યાં છે. અગાઉ રશિયન કંપનીઓ માર્કેટ ભાવે ફર્ટિલાઈઝર્સ ઓફર કરતી હતી. જોકે, હવે તેઓ આમ કરી રહ્યાં નથી એમ નામ નહિ આપવાની શરતે તેઓ જણાવે છે.
નાણા વર્ષ 2022-23માં ભારતની રશિયા ખાતેથી ફર્ટિલાઈઝર આયાક 246 ટકા ઉછળી 43.5 લાખ ટન પર જોવા મળી હતી. કેમકે રશિયન સપ્લાયર્સ ડીએપી, યુરિયા અને એનપીકે ફર્ટિલાઈઝર્સના વૈશ્વિક ભાવ સામે ભારતીય ખરીદારને ડિસ્કાઉન્ટ્સ આપી રહ્યાં હતાં. રશિયા તરફથી ગયા વર્ષે આક્રમક વેચાણને કારણે ચીન, ઈજિપ્ત, જોર્ડન અને યૂએઈ સહિતના નિકાસકારોના ભારતીય બજારમાં હિસ્સામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં બે મહિનાથી ફર્ટિલાઈઝર્સના વૈશ્વિક ભાવમાં તીવ્ર તેજી જોવા મળી છે. જે ભારતીય કંપનીઓ માટે પડકારદાયી બાબત બની રહી છે. રવિ સિઝનમાં ઘઉંના પાક માટે ડીએપીની માગને જોતાં કંપનીઓ હાલમાં માલ ભેગો કરી રહી છે. જુલાઈમાં વૈશ્વિક સપ્લાયર પ્રતિ ટન 300 ડોલર સીએફઆર ઓફર કરતાં હતાં. જે હાલમાં 400 ડોલર પ્રતિ ટન ક્વોટ કરી રહ્યાં છે.
સરકાર હિંદુસ્તાન ફોટો ફિલ્મ્સનું ઓક્શન કરશે
કેન્દ્ર સરકારે તમિલનાડુ સ્થિત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ હિંદુસ્તાન ફોટો ફિલ્મ્સ મેન્યૂફેક્ચરિંગ(એચપીએફ) કંપનીનું ઓક્શન કરવાનું નક્કી કર્યું છે. સત્તાવાર લિક્વિડેટરે એચપીએફ માટે બીડ્સ મંગાવ્યાં છે. વિવાદાસ્પદ કંપની 291 એકર્સ જેટલી જમીન ધરાવે છે. જાહેર નોટીસ મુજબ એચપીએફ માટે 12 ઓક્ટોબરે, 2023ના રોજ ઈ-ઓક્શન યોજવામાં આવશે. કંપનીની સ્થાપના તમિલનાડુના પછાત જિલ્લા નીલગીરીમાં નવેમ્બર 1960માં થઈ હતી. દેશને ફોટોસેન્સિટાઈડ્ઝ પ્રોડક્ટ્સમાં સ્વાવલંબી બનાવવા માટે ફોટો ફિલ્મ્સ મેન્યૂફેક્ચરિંગની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીની પ્રોડક્ટ ‘ઈન્ડુ’ નામ હેઠળ વેચવામાં આવી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની એન્જીનીયરીંગ અને ઈપીસી કંપનીએ તેની બાયબેક ઓફર પ્રાઈસને અગાઉના રૂ. 3000 પરથી સુધારી રૂ. 3200 પર કરી છે. સોમવારે મોડી સાંજે થયેલી જાહેરાત પાછળ લાર્સનનો શેર મંગળવારે ગેપ-અપ ઓપનીંગ સાથે રૂ. 3009ની સર્વોચ્ચ ટોચ પર ખૂલ્યો હતો. તેમજ 1.72 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2944.10ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ સાહસે 61 જેટલા ફર્સ્ટ માઈલ કનેક્ટિવિટી(એફએમસી) પ્રોજેક્ટ્સ માટે આગામી બે વર્ષોમાં રૂ. 24750 કરોડનું રોકાણ કરવાનું નિર્ણય લીધો છે. આ નાણા ઈકોફ્રેન્ડલી કોલ ટ્રાન્સપોર્ટેશનમાં વાપરવામાં આવશે એમ કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું છે. આ પ્રોજેક્ટ્સ ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવશે. જેમની સંયુક્ત ક્ષમતા પ્રોજેક્ટ પૂરા થતાં વાર્ષિક 76.35 કરોડ ટનની હશે.
એનટીપીસીઃ પીએસયૂ જાયન્ટે નાણા વર્ષ 2022-23 માટે રૂ. 2908.99 કરોડના આખરી ડિવિડન્ડ ચૂકવણીની જાહેરાત કરી છે. જે કંપનીના પેઈડ-અપ કેપિટલના 30 ટકા જેટલું થાય છે. કંપનીએ ગયા નાણા વર્ષ માટે રૂ. 7030.08 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. જે કંપનીના કુલ નફાના 41 ટકા જેટલું થવા જાય છે. કંપનીએ સતત 30મા વર્ષે રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવ્યું છે.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ યુરોપ ખાતે બિલ્ડીંગ મટિરિયલ્સના સૌથી મોટા રિટેલર એવા ડેનમાર્ક સ્થિત સ્ટાર્ક ગ્રૂપ સાથે બહુવર્ષીય ડિજિટલ પાર્ટનરશીપ માટેનો કરાર કર્યો છે. જેના ભાગરૂપે ઈન્ફોસિસ અને સ્ટાર્ક ગ્રૂપ ડેનમાર્કમાં સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ડેટા સેન્ટરની સ્થાપના કરશે. ઈન્ફોસિસ તેના આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઓફરિંગ ટોપાઝનો ઉપયોગ કરી સ્ટાર્કનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન હાથ ધરશે.
ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટઃ કંપની ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર પ્લેસમેન્ટ મારફતે રૂ. 2000 કરોડ એકત્ર કરે તેવી શક્યતાં છે. જેમાં પ્રતિ શેર રૂ. 1140ની બેઝ પ્રાઈસ હોઈ શકે છે એમ વર્તુળો જણાવે છે. કંપનીએ અગાઉ ક્યૂઆઈપી મારફતે રૂ. 4000 કરોડનું ફંડ એકત્ર કરવાને મંજૂરી આપી હતી. કંપની એકથી વધુ તબક્કામાં આમ કરશે.
હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથ કંપનીએ રેલ કોચીસ બનાવવા માટે ઈટાલિયન કંપની મેટ્રા એસપીએ સાથે મોટી સાઈઝના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુશન અને ફેબ્રિકેશન ટેક્નોલોજી માટે ભાગીદારી કરી છે. અગાઉ હિંદાલ્કોએ વંદે ભારત ટ્રેન્સ માટે રૂ. 2000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ માટે નવું જોડાણ કંપનીને કટીંગ એજ ટેક્નોલોજી પૂરી પાડશે. ઓગસ્ટમાં કંપનીએ ટેક્સમાકો સાથે પણ વેગન્સ બનાવવા કરાર કર્યાં હતાં.