Market Summary 12/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઊંચા મથાળે સાવચેતી વચ્ચે સાંકડી રેંજમાં ટ્રેડિંગ
નિફ્ટી ફરી 19800ની નીચે ઉતર્યો
એશિયાઈ બજારોમાં તેજીની આગેકૂચ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ગગડી 10.61ના સ્તરે
પીએસઈ, એનર્જી, મેટલ, ઓટોમાં મજબૂતી
આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ
નિપ્પોન, મોતીલાલ ઓસ્વાલ, એનએમડીસી, ગેઈલ નવી ટોચે
વી-માર્ટમાં નવું તળિયું

શેરબજારમાં સતત બે સત્રોની મજબૂતી પછી કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે બેન્ચમાર્ક્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 65 પોઈન્ટસ ગગડી 66408ની સપાટીએ જ્યારે નિફ્ટી 17 પોઈન્ટ્સ ઘટાડે 19794ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3792 ટ્રેડેડ કાઉન્ટર્સ વચ્ચે 2168 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1501 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 284 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવ્યું હતું. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ગગડી 10.61ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં સતત મજબૂતી વચ્ચે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19811ના બંધ સામે 19823ની સપાટીએ ખૂલી નીચામાં 19773 પર ટ્રેડ થયો હતો. જ્યાંથી બાઉન્સ થઈ એક તબક્કે 19843ની ટોચ બનાવી ફરી 19800ની નીચે ઉતરી ગયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 48 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 19842ની સપાટીએ ટ્રેડ થયો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 42 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. આમ ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થયાના સંકેત નથી અને નજીકના સમયમાં માર્કેટમાં વધુ સુધારાની જગ્યા જણાય છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સ 19600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા સૂચવે છે. જોકે નિફ્ટી 19700-19900ની રેંજમાં કોન્સોલેડશન દર્શાવે તેવી શક્યતાં ઊંચી છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં બીપીસીએલ, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પો, ગ્રાસિમ, બજાજ ઓટો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, એલટીઆઈમાઈન્ડટ્રી, સિપ્લા, યૂપીએલ, બજાજ ફાઈનાન્સ, વિપ્રોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સિઝની વાત કરીએ તો પીએસઈ, એનર્જી, મેટલ, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસઈ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, ગેઈલ, નાલ્કો, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એચપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, સેઈલ, આઈઓસી અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. નિફ્ટી મિડીયા ઈન્ડેક્સ ત્રણ ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં નેટવર્ક 18 12 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ટીવી18 બ્રોડકાસ્ટ, પીવીઆર આઈનોક્સ, સન ટીવી, ડિશ ટીવી, ટીવી ટુડેમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ પોણો ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એનએમડીસી, નાલ્કો, કોલ ઈન્ડિયા, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બોશ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, એમઆરએફ, બજાજ ઓટો, એમએન્ડએમ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, આઈશર મોટર્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ નિફ્ટી આઈટી 1.7 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ટેક મહિન્દ્રા 2.7 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, વિપ્રોમાં ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એનએમડીસી 6 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ગેઈલ, નાલ્કો, પીવીઆર આઈનોક્સ, આઈજીએલ, બોશ, મેટ્રોપોલીસ, ટીવીએસ મોટર, સન ટીવી નેટવર્ક, જેકે સિમેન્ટ, ચંબલ ફર્ટિલાઈઝર, જ્યુબિલિઅન્ટ ફૂડ, ડો. લાલ પેથલેબ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, બીપીસીએલમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એમસીએક્સ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ડેલ્ટા કોર્પ, સિપ્લા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમએમટીસી, નેટવર્ક 18, નિપ્પોન, મોતીલાલ ઓસ્વાલ, વિજયા ડાયગ્નોસ્ટીક્સ, એનએમડીસી, ગેઈલ, બોશ, ટીવીએસ મોટર, સુવેન ફાર્માનો સમાવેશ થતો હતો.

ઈન્ફોસિસે બીજા ક્વાર્ટરમાં રૂ. 6212 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો
કંપનીની આવક વાર્ષિક ધોરણે 7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 38994 કરોડ પર રહી
આઈટી કંપનીએ શેર દીઠ રૂ. 18નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યુ

દેશમાં બીજા ક્રમની આઈટી સર્વિસિઝ કંપની ઈન્ફોસિસે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6212 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 6121 કરોડના નફાની સરખામણીમાં 3.32 ટકા વૃદ્ધિ દર્શાવે છે. નાણા વર્ષના બીજા ક્વાર્ટર માટે કંપનીની આવક રૂ. 38994 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલી રૂ. 36538 કરોડની આવક કરતાં 6.7 ટકા ઊંચી હતી. કોન્સ્ટન્ટ કરન્સી સંદર્ભમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 2.5 ટકા અને ત્રિમાસિક ધોરણે 2.3 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
બુધવારે ટોચની આઈટી કંપની ટીસીએસે બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં પછી ગુરુવારે ઈન્ફોસિસે તેના પરિણામો રજૂ કર્યાં હતાં. જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ માર્જિન 21 ટકા પર જોવા મળ્યું હતું. કંપનીએ બીજા ક્વાર્ટર માટે 14.6 ટકાનો એટ્રીશન રેટ નોંધાવ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 27.1 ટકા પર હતો. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.7 અબજ ડોલરના વિક્રમી લાર્જ ડીલ્સ મેળવ્યાં હતાં. તેણે તમામ વર્ટિકલ્સ અને પ્રદેશોમાંથી આ ડિલ્સ મેળવ્યાં હતાં. જે વર્તમાન અનિશ્ચિત મેક્રો-એન્વાર્યમેન્ટમાં કંપનીની ક્ષમતાનું પ્રમાણ છે એમ કંપનીના એમડી અને સીઈઓ સલિલ પારેખે પરિણામ રજૂ કરતી વખતે જણાવ્યું હતું. ચાલુ નાણાકિય વર્ષમાં મજબૂત દેખાવ સાથે નોંધપાત્ર લાર્જ ડિલ્સે ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. કંપનીની જનરેટીવ એઆઈ ઓફરિંગ ટોપાઝનો વધતો સ્વીકાર અમને સતત વેલ્યૂ ડિલિવર કરવામાં તથા બજાર હિસ્સો વધારવામાં સહાયરૂપ થઈ રહ્યો છે એમ પારેખે જણાવ્યું હતું. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 18નું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. જે માટે 25 ઓક્ટોબરને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી. જ્યારે 6 નવેમ્બર પેઆઉટ તારીખ રહેશે.
પારેખના મતે બીજા ક્વાર્ટરમાં 21.2 ટકાના ઓપરેટિંગ માર્જિન તાજેતરમાં માર્જિન સુધારણા માટે રજૂ કરેલાં પ્લાનને કારણે થયેલો શરૂઆતી લાભ દર્શાવે છે. તેમજ તે કામકાજી કાર્યદક્ષતામાં સુધારા માટેની તકોને ઓળખી કાઢવાની અમારી સતત મથામણનું પ્રતિબિંબ છે. કંપનીએ તેની કેપિટલ એલોકેશન પોલિસીના ભાગરૂપે રૂ. 18 પ્રતિ શેરના ઈન્ટરીમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જે ગયા વર્ષની સરખામણીમાં 9.1 ટકા વૃદ્ધિ સૂચવે છે એમ સીએફઓ નિલંજન રોયે જણાવ્યું હતું.

RBI ઓક્ટોબર આખર સુધી IDBI માટે બીડર્સ યાદી તૈયાર કરશે
કેન્દ્ર સરકાર અને એલઆઈસી મળીને બેંકમાં 60.7 ટકા હિસ્સો વેચવા માગે છે
વેટીંગ પ્રક્રિયા પૂરી થયાં પછી જાન્યુઆરી-માર્ચમાં બીડ્સ આમંત્રી શકાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓક્ટોબરની આખર સુધીમાં આઈડીબીઆઈ બેંકના સંભવિત બીડર્સની યાદી તૈયાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેન્ટ્રલ બેંક સંભવિત બીડર્સ માટેની વેડિંગ પ્રક્રિયાને વેગ આપે તેમ માનવામાં આવે છે. જેથી સરકારી લેન્ડરનો બહુમતી હિસ્સો વેચવામાં સહાયતા મળી રહે એમ બે સરકારી વર્તુળો જણાવે છે.
હાલમાં કેન્દ્ર સરકાર પાસે આઈડીબીઆઈ બેંકનો 45.48 ટકા હિસ્સો છે. જ્યારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન પાસે 49.24 ટકા હિસ્સો રહેલો છે. બંને મળી બેંકનો 60.7 ટકા હિસ્સો વેચવા માટે તૈયાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલમાં કોટક બેંક, પ્રેમ વત્સ સમર્થિત સીએસબી બેંક અને એમિરાટ્સ એનબીડીએ આઈડીબીઆઈ બેંક માટે તેમના બીડ રજૂ કર્યાં ત્યારે એપ્રિલમાં જ ‘ફીટ એન્ડ પ્રોપર ક્રાઈટેરિયા’ તરીકે ઓળખાતી વેટીંગ પ્રોસેસની શરૂઆત કરી હતી. આરબીઆઈ સામાન્યરીતે કોઈપણ કંપનીને બેંકની ખરીદી માટે મંજૂરી આપતાં અગાઉ ચકાસણી માટે 12-18 મહિનાનો સમય લે છે. સરકાર સાથે ચર્ચા-વિચારણા પછી આરબીઆઈએ જણાવ્યું છે કે ચાલુ મહિનાની આખર સુધીમાં ફિટ એન્ડ પ્રોપર એસેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થશે એમ વર્તુળો નામ નહિ આપવાની શરતે જણાવે છે. વેટીંગ પ્રક્રિયા વહેલી પૂરી થવાથી સરકાર જાન્યુઆરી-માર્ચમાં બીડ્સ આમંત્રી શકશે અને માર્ચની આખર સુધીમાં બેંકની વેચાણ પ્રક્રિયા પૂરી કરી શકશે એમ અધિકારી જણાવે છે. કેન્દ્રિય નાણા મંત્રાલય અને આરબીઆઈ તરફથી આ અંગે તત્કાળ કોઈ પ્રતિક્રિયા કરવામાં નહોતી આવી. આઈડીબીઆઈનું હિસ્સા વેચાણ એ સરકારના 2023-24માં રૂ. 51 હજાર કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટનો ભાગ છે. જોકે, સરકાર ચાલુ વર્ષે માત્ર આ એક જ નોંધપાત્ર ડિસઈન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપી રહી છે. કેમકે રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચે ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ્સ પૂરાં થવાની શક્યતાં નથી જણાતી. એકવાર આરબીઆઈનું સ્ક્રિનીંગ પૂરું થશે એટલે સરકાર બંધબેસતા બીડર્સને આઈડીબીઆઈ બેંકે મેળવવાના શરૂ કરેલો વિશ્વસનીય ડેટા પૂરો પાડશે. જેમાં એમ્પ્લોઈઝનું પેન્શન ભંડોળ અને ઈન્શ્યોરન્સ અથવા મેડિકલ કવર્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર માટે રિટેલ ઈન્ફ્લેશન ઘટી 5.02 ટકા પર જોવા મળ્યું
કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ બે મહિના પછી 6 ટકા નીચે ગગડ્યો
ફૂડ ઈન્ફ્લેશન ઓગસ્ટમાં 9.67 ટકા પરથી ઘટી 6.56 ટકા પર નોંધાયું
સપ્ટેમ્બર મહિના માટે છૂટક મોંઘવારીનો દર ઘટીને 5.02 ટકા પર જોવા મળ્યો છે. જે બે મહિના પછી 6 ટકાની સપાટી નીચે પરત ફર્યું છે. નેશનલ સ્ટેસ્ટેસ્ટિકલ ઓફિસે રજૂ કરેલા ડેટા મુજબ સપ્ટેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશન 6.56 ટકા પર નોંધાયું હતું. જે ઓગસ્ટમાં 9.67 ટકા પર જોવા મળતું હતું. જુલાઈમાં રિટેલ ફુગાવાનો માપદંડ કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) ઉછળીને 8.7 ટકા પર પહોંચ્યો હતો. જેણે સરકાર અને આરબીઆઈ માટે મોટી ચિંતા ઊભી કરી હતી. જોકે, તે આ ઉછાળો અલ્પજીવી નીવડ્યો હતો અને પછીની સિરિઝમાં ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે અને તે આરબીઆઈના 6 ટકાના કમ્ફર્ટ લેવલ નીચે પરત ફર્યો છે.
સપ્ટેમ્બરમાં રુરલ ઈન્ફ્લેશન 5.33 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે અર્બન ઈન્ફ્લેશન 4.65 ટકા પર નોંધાયું હતું. જાડાં ધાન્યો અને તેની પ્રોડક્ટ્સ માટેનો ફુગાવો 10.95 ટકા પર હતો. જ્યારે મિલ્ક અને તેની પ્રોડક્ટ્સ માટેનો ફુગાવો 6.89 ટકા પર જળવાયો હતો. ફળો માટેનો ફુગાવો 7.3 ટકા પર જ્યારે શાકભાજીનો ફુગાવો 3.39 ટકા પર જોવાયો હતો. સપ્ટેમ્બર સિરિઝમાં જોવા મળેલો ઘટાડો આગામી સમયગાળામાં પણ જળવાય રહે તેવી શક્યતાં છે. સરકારે ફુગાવાને નિયંત્રણમાં રાખવા લીધેલાં ઉપાયો પણ આગામી સિરિઝમાં સહાયરૂપ બનશે અને રિટેલ મોંઘવારી પાંચ ટકા નીચે જોવા મળે તેવી આગાહી અર્થશાસ્ત્રીઓ કરી રહ્યાં છે. જે આરબીઆઈને રેટ સ્થિર જાળવી રાખવા માટે મોકળાશ પૂરી પાડશે.

એપ્રિલથી સપ્ટેમ્બરમાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં 9 ટકા વૃદ્ધિ
પેસેન્જર વેહીકલ્સ અને થ્રી-વ્હીલર્સનું વેચાણ વિક્રમી સપાટીએ નોંધાયું
ગયા વર્ષે શરૂઆતી છ મહિનામાં 1.017 કરોડ યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 1.107 કરોડ યુનિટ્સનું વેચાણ

ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાં ઓટમોબાઈલ્સના રિટેલ વેચાણમાં વાર્ષિક 9 ટકા વૃદ્ધિ નોંધાઈ હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)નો ડેટા જણાવે છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં વાહનોના વેચાણમાં નોંધપાત્ર રિકવરી પાછળ પેસેન્જર વેહીકલ્સ અને થ્રી-વ્હીલર્સનું વેચાણ વિક્રમી સપાટીએ નોંધાયું હતું. ટુ-વ્હીલર્સના વેચાણમાં પણ નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી અને તેણે પોઝીટીવ વૃદ્ધિ દર્શાવી હતી. અન્ય કેટેગરીઝ પેસેન્જર વેહીકલ્સ અને ટ્રેકટર્સનું વેચાણ પણ પોઝીટવ જોવા મળ્યું હતું.
એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં વાહનોનું કુલ વેચાણ 1.107 કરોડ યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.017 યુનિટ્સ પર જોવા મળતું હતું. નવાઈની વાત એ છે કે 2021-22ના પ્રથમ છ મહિનામાં જ્યારે 2020-21ના પ્રથમ છ મહિનાની સરખામણીમાં ચાલુ વર્ષે રિટેલ વેચાણ અનુક્રમે 38 ટકા અને 82 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગણતરીમાં લીધેલાં સમયગાળાં ટુ-વ્હીલર્સનું વેચાણ 7 ટકા, થ્રી-વ્હીલર્સનું વેચાણ 66 ટકા, કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 6 ટકા અને ટ્રેકટર્સનું વેચાણ 14 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. ફાડાના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ દેશમાં ઓટો રિટેલ વેચાણ વિવિધ વેહીકલ કેટેગરીઝમાં તે મિશ્ર પ્રતિકૂળતા અને સાનૂકૂળતાઓ વચ્ચે સાવચેતીપૂર્વક આશાવાદી જોવા મળે છે. એપ્રિલમાં શરૂઆતી મહિનામાં ઓટો રિટેલ વેચાણમાં 4 ટકા ઘટાડો નોઁધાયો હતો. જોકે, તે ઓટોમોટીવ માર્કેટના ગતિશીલ વલણનું પ્રતિબિંબ નહોતું પરંતુ વેચાણમાં તબક્કાવાર રિકવરીનો ભાગ હતું. વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન થ્રી-વ્હીલર્સે સ્ટાર પર્ફોર્મર્સ દર્શાવ્યું હતું. છ મહિનામાં કુલ 5,33,353 યુનિટ્સ થ્રી-વ્હીલર્સનું વેચાણ નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા 3,21,964 યુનિટ્સની સરખામણીમાં 2.12 લાખ કરોડની વૃદ્ધિ સૂચવતું હતું. કોવિડ અગાઉ 2018-19માં થ્રી-વ્હીલર્સનું વેચાણ 3,58,187 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. એમ ચાલુ વર્ષે કોવિડ અગાઉના સમયગાળા કરતાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. બીજી બાજુ, ટુ-વ્હીલર્સનું વેચાણ 7 ટકા વધી 78.2 લાખ યુનિટ્સ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 73.1 લાખ યુનિટ્સ પર હતી. આમ વાર્ષિક ધોરણે 5.1 લાખ યુનિટ્સની વૃદ્ધિ સંભવ બની હતી. જોકે, 2018-19માં પ્રથમ છ મહિનામાં જોવા મળેલા 97.27 લાખ યુનિટ્સની સરખામણીમાં ટુ-વ્હીલર્સનું વેચાણ હજુ પણ નોંધપાત્ર નીચું જળવાયું છે.
પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી રહી છે. વાર્ષિક ધોરણે પીવીનું વેચાણ 6 ટકા વધી 18.08 લાખ યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 17.03 લાખ યુનિટ્સ કરતાં નોંધપાત્ર ઊંચું હતું. ટ્રેકટર્સની વાત કરીએ તો તેનું વેચાણ 20 ટકા વૃદ્ધિ સાથે 4.44 લાખ યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે 3.90 લાખ યુનિટ્સ પર જોવા મળતું હતું.

જેએસડબલ્યુ સ્ટીલ, આર્સેલરમિત્તલની વેદાંતની ખાણ-સ્ટીલ બિઝનેસ પર નજર
વેદાંતા જૂથે તેની એસેટ્સ માટે રૂ. 10 હજાર કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યૂ નિર્ધારિત કરી
જોકે, ખરીદાર રૂ. 7500-8000 કરોડની રેંજમાં બિડીંગ કરે તેવી શક્યતાં
જેએસડબલ્યુ સ્ટીલ અને આર્સેલરમિત્તલ વેદાંતા લિ.ના ભાગરૂપ ઈએસએલ સ્ટીલની આયર્ન ઓર માઈન્સ અને સ્ટીલ પ્લાન્ટની ખરીદી માટેના સંભવિત બીડર્સમાં જોવા મળી રહ્યાં છે. આ ઘટના આયર્ન ઓર અને સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે સંભવિત ખરીદીની તકો સૂચવે છે અને વિવિધ કંપનીઓ તેમના પોર્ટફોલિયો અને કામગીરીનો વિસ્તાર ઈચ્છી રહી છે.
વેદાંતા જૂથે આ એસેટ્સ માટે રૂ. 10000 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યૂ નિર્ધારિત કરી છે. જોકે, સંભવિત ખરીદાર આ વેલ્યૂએશનમાં ઘટાડો ઈચ્છી રહ્યો છે. તે નેગોશ્યેશનનો સંકેત આપી રહ્યો છે. જ્યારપછી આખરી ખરીદ ભાવ માટે વિચારી રહ્યો છે. વેદાંતાએ જૂન 2018માં ઈલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ્સનો પ્લાન્ટની ખરીદી કરી હતી. તેણે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્સી કોડ હેઠળ આ ખરીદી કરી હતી. જે મારફતે તે સ્ટીલ ક્ષેત્રે પ્રવેશ્યું હતું. જોકે, તાજેતરમાં કંપનીની ડેટને લઈ ચિંતા વણસતાં તેણે એસેટ વેચાણ માટેની શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું છે. જેણે તેના વેલ્યૂએશનને લઈ ચર્ચાને વેગ આપ્યો છે. વર્તુળોના મતે આખરી ખરીદ ભાવ વેદાંતા અને સંભવિત ખરીદાર વચ્ચે ચર્ચા-વિચારણા મારફતે નિર્ધારિત કરવામાં આવશે. તેમના મતે બંને એસેટ્સનું વેચાણ અલગ રીતે થઈ શકે એમ છે અને સંયુક્ત ભાવ રૂ. 10000 કરોડનો રાખવામાં આવ્યો છે. જોકે, ખરીદાર તરફથી રૂ. 7500 કરોડથી રૂ. 8000 કરોડની રેંજમાં ઓફર્સ જોવા મળે તેમ માનવામાં આવે છે. વેદાંતાના પ્રવક્તાએ જણાવ્યા મુજબ કંપની તેની કેપિટલ એલોકેશન ચર્ચા-વિચારણામાં સામાન્યરીતે તેની સ્ટ્રેટેજિક અગત્યતાની સમીક્ષા કરે છે. આ સંદર્ભમાં કંપની તેના સ્ટીલ અને સ્ટીલ-ઉત્પાદન રો મટિરિયલ્સ બિઝનેસિસની વ્યૂહાત્મ સમીક્ષા હાથ ધરી રહ્યું છે. જેમાં વિવિધ વિકલ્પો જેવાકે શેરધારકોની વેલ્યૂના મેક્સિમાઈઝેશન જેવી બાબતોનો સમાવેશ પણ થાય છે. જેએસડબલ્યુ સ્ટીલે વેદાંતાની કર્ણાટક અને ગોઆ સ્થિત આયર્ન ઓર માઈન્સની ખરીદી માટે ખાસ રસ દર્શાવ્યો છે. જ્યારે આર્સેલરમિત્તલ પૂર્વીય ભારતમાં તેનો વ્યૂહાત્મક પ્રવેશ ઈચ્છી રહી છે. કેમકે તે આવશ્યક રો-મટિરિયલ્સથી નજીક આવેલો છે.

તાતા મોટર DVR અને પેટીએમ MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં પ્રવેશની શક્યતાં
પોલીકેબ, તાતા કોમ્યુનિકેશન્સ અને લોધા ડેવલપરને પણ ઈન્ડેક્સમાં પ્રવેશ મળી શકે છે
ઈન્ડેક્સમાં પ્રવેશનારી કંપનીઓ 90 કરોડનો ઈનફ્લો આકર્ષશે

ફિનટેક અગ્રણી પેટીએમ, મુંબઈ સ્થિત રિઅલ્ટી ડેવલપર લોધા અને તાતા મોટર્સ ડીવીઆર સહિતના કાઉન્ટર્સને MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સમાવવામાં આવે તેવી શક્યતાં હોવાનું નૂવામાનો રિપોર્ટ સૂચવે છે. જેને કારણે આ પાંચ કાઉન્ટર્સ 90 કરોડ ડોલરનો ઈનફ્લો આકર્ષી શકે છે. નવેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ઈન્ડેક્સનું પુનર્ગઠન જોવા મળશે. ઈન્ડેક્સમાં સમાવેશ પામનારા ઉન્ય કાઉન્ટર્સ પોલિકેબ અને તાતા કોમ્યુનિકેશન્સનો સમાવેશ થાય છે. જેઓ વૈશ્વિક પેસિવ ફંડ્સ તરફથી ઈનફ્લો જોઈ શકે છે.
કેટલાંક ઈન્ડેક્સને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાંથી સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં શિફ્ટ કરવામાં આવશે. જેમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એપીએલ એપોલો ટ્યુબ્સ, સુઝલોન એનર્જી અને જિંદાલ સ્ટેનલેસનો સમાવેશ થાય છે. એમએસલીઆઈ 14 નવેમ્બર અથવા 15 નવેમ્બરે તેના ગ્લોબલ સ્ટાન્ડર્ડ સૂચકાંકમાં ફેરફારની જાહેરાત કરશે. જ્યારે આખરી ફેરફાર 30 નવેમ્બરે અમલી બનશે. જો ઉપરોક્ત કાઉન્ટર્સને એમએસસીઆઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડમાં સમાવવામાં આવશે તો તેઓ નોંધપાત્ર ઈનફ્લો મેળવી શકશે. જેમકે પોલિકેબ ઈન્ડિયા રૂ. 1600 કરોડનું ફંડ આકર્ષી શકે છે. કંપનીનો શેર છેલ્લાં છ મહિનામાં 72 ટકા જેટલો ઉછળ્યો છે. તાતા મોટર્સ ડીવીઆર, તાતા કોમ્યુનિકેશન્સ અને વન97 કોમ્યુનિકેશન્સ(પેટીએમ), તમામ કાઉન્ટર્સ વ્યક્તિગત ધોરણે રૂ. 1400 કરોડનો ઈનફ્લો નોંધાવી શકે છે. તાતા મોટર્સ ડીવીઆરે છેલ્લાં છ મહિનામાં 84 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે છેલ્લાં એક વર્ષમાં તે 120 ટકાનું વળતર સૂચવે છે. આ જ રીતે માઈક્રોટેક ડેવલપર્સ છેલ્લા છ મહિનામાં 78 ટકા જેટલી વૃદ્ધિ નોંધાવી ચૂક્યો છે. નૂવામાએ ઓગસ્ટની શરૂઆતથી ઈન્ડેક્સમાં પ્રવેશની શક્યતાં ધરાવતાં નામો રજૂ કર્યાં હતાં.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને એપીએસ એપોલો ટ્યુબ્સને એમએસસીઆઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાંથી એમએસસીઆઈ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતાં. આ રિલોકેશનના કિસ્સામાં તેઓ પણ વ્યક્તિગત ધોરણે રૂ. 1900 કરોડનો ઈનફ્લો દર્શાવી શકે છે. ઉપરાંત સુઝલોન એનર્જી અને જિંદાલ સ્ટેનલેસ સ્ટીલને પણ સ્મોલકેપમાંથી સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં ખસેડવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં સુઝલોન રૂ. 1600 કરોડ અને જિંદાલ સ્ટેનલેસ રૂ. 1200 કરોડનો ઈનફ્લો મેળવી શકે છે. સુઝલોનનો શેર એક વર્ષમાં 289 ટકાનું જ્યારે જિંદાલ સ્ટેનલેસનો શેર 277 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યાં છે.

સોલાર સેલ નિકાસમાં છ મહિનામાં 10 ગણી વૃદ્ધિ
ચીન પર યુએસના પ્રતિબંધને કારણે યુએસની ભારતમાંથી મોટાપાયે ખરીદી
ગયા વર્ષે 5.4 કરોડ ડોલર સામે ચાલુ વર્ષે 62.83 કરોડ ડોલરની નિકાસ
દેશમાંથી સોલાર સેલ્સ અને મોડ્યૂલ્સની નિકાસમાં એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં 1062 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. ગયા નાણા વર્ષે પ્રથમ છ મહિના દરમિયાન 5.4 કરોડ ડોલરની નિકાસ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 62.83 કરોડ ડોલરની નિકાસ જોવા મળી હોવાનું સરકારી ડેટા સૂચવે છે. સોલાર સેલ્સનો ઉપયોગ મોડ્યુલ્સ બનાવવામાં થાય છે.
યુએસ તરફથી સસ્તી ચાઈનીઝ પ્રોડક્ટ્સને વિવિધ કારણોસર બજારમાંથી દૂર રખાતાં ભારતીય સોલાર સેલ્સ અને મોડ્યૂલ્સ ઉત્પાદકો માટે સારો સમય જોવા મળી રહ્યો છે એમ વર્તુળો જણાવે છે. ચીન પર કેટલાંક વેપાર પ્રતિબંધોને કારણે ત્યાંની પ્રોડક્ટ્સ યુએસ માર્કેટમં પ્રવેશી શકતી નથી. જેને કારણે ભારતીય ઉત્પાદકો તેમના માટે આકર્ષક એવા યુએસ માર્કેટનો લાભ લઈ રહ્યાં છે. દેશમાં સોલાર મોડ્યૂલ ઉત્પાદનમાં ટોચની કંપની વારીના ચેરમેન અને એમડીના જણાવ્યા મુજબ યુએસ માર્કેટમાં ફૂલીફાલી રહેલો બિઝનેસ ભારતીય ઉદ્યોગના ગ્રોથમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ મોડ્યુલ ઉત્પાદકો ત્રણ પ્રકારનો સપોર્ટ મેળવી રહ્યાં છે. જેમાં પીએલઆઈ, 40 ટકા કસ્ટમ ડ્યુટી મારફતે પ્રોટેક્શન અને ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલય તરફથી ‘એપ્રૂવ્ડ લિસ્ટ ઓફ મોડ્યુલ્સ એન્ડ મેન્યૂફેક્ચરર્સના સ્વરૂપમાં મોડ્યૂલ્સની મંજૂરી માટેની જરૂરિયાતોનો સમાવેશ થાય છે.

ગો ફર્સ્ટ માટે જીંદાલ પાવર એકમાત્ર EOI બીડર
વાડિયા જૂથની નાદાર એરલાઈન કંપની ગો ફર્સ્ટ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) રજૂ કરનાર તરીકે એકમાત્ર કંપની જીંદાલ પાવર જોવા મળી રહી છે. ગો ફર્સ્ટે મે મહિનાની શરૂઆતમાં તેની કામગીરી બંધ કરી હતી. કંપનીએ કેશની તંગીને કારણે આમ કરવું પડ્યું હતું. જુલાઈમાં એરલાઈનના રેઝોલ્યુશન એપ્લિકાન્ટ શૈલેન્દ્ર અજમેરાએ રસ ધરાવતાં પક્ષો તરફથી એરલાઈનની ખરીદી માટે ઈઓઆઈ મંગાવ્યાં હતાં. છેલ્લાં સપ્તાહોમાં એકથી વધુ વાર ઈઓઆઈ મંગાવવાની મુદતને લંબાવ્યા પછી સપ્ટેમ્બરમાં તેને માત્ર એક ઈઓઆઈ સાથે બંધ કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળે છે કે બે વિદેશી કંપનીઓએ એરલાઈન ખરીદી માટે રસ દર્શાવ્યો હતો પરંતુ તેઓ અયોગ્ય ઠર્યાં હતાં. જેપીએલ પાસે હવે વર્ચ્યુલ ડેટા રૂમની એક્સેસ હશે અને તે કંપની માટે બીડ પહેલાં તેનું ડ્યુ ડિલિજન્સ હાથ ધરી શકશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

વેદાંતાઃ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે મેટલ કંપનીના રેટિંગને ગુરુવારે ડાઉનગ્રેડ કર્યું હતું. એજન્સીએ કંપનીના રેટિંગને ‘IND AA’ પરથી ઘટાડી ‘IND AA-‘ કર્યું હતું. છેલ્લાં મહિનામાં ચોથી રેટિંગ એજન્સીએ કંપનીનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. ઈન્ડિયા રેટિંગ્સની જાહેરાત પાછળ વેદાંતનો શેર ગુરુવારે 2.5 ટકા ગગડી રૂ. 227.50ની સપાટીએ બંધ રહ્યો હતો.
અદાણી પોર્ટ્સઃ અદાણી જૂથ કંપનીએ તેના ડોલર બોન્ડ બાયબેક હેઠળ 21.3 કરોડ ડોલરના મૂલ્યની ઓફર્સ મેળવી છે. જોકે, કંપની અગાઉ જણાવ્યા મુજબ 19.5 કરોડ ડોલરની ઓફર્સનો જ સ્વીકાર કરશે. કંપનીએ સપ્ટેમ્બર આખરમાં 3.375 ટકા સિનિયર નોટ્સમાં બાયબેકની શરૂઆત કરી હતી. જે જુલાઈ 2024માં પાકે છે. કંપનીએ આગામી ત્રણ ક્વાર્ટર્સમાં બાયબેક ચાલુ રાખવાની યોજના હોવાનું જણાવ્યું હતું.
સિગ્નેચર ગ્લોબલઃ રિઅલ્ટી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 7.18 કરોડની ખોટ નોંધાવી છે. વર્ષ અગાઉ સમાનગાળામાં તેણે રૂ. 32.78 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની કુલ આવક પણ ઘટી રૂ. 178.9 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 559.01 કરોડ પર જોવા મળી હતી. કંપની ગયા મહિને માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશી હતી અને રૂ. 730 કરોડ ઊભા કર્યાં હતાં.
મોઈલઃ સરકારી ખનીજ સાહસમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એલઆઈસીએ મોઈલમાં તેનો હિસ્સો અગાઉના 9.012 ટકા પરથી ઘટાડી 6.931 ટકા કર્યો છે. હાલમાં સરકાર મોઈલમાં 64.68 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે એમએફએસ ઈન્ટરનેશનલ ન્યૂ ડિસ્કવરી ફંડ 3 ટકા હિસ્સો ધરાવે છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસઃ કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું પ્લેસમેન્ટ કરી રૂ. 700 કરોડ ઊભાં કર્યાં છે. જુલાઈમાં પણ અદાણી જૂથની ફ્લેગશિપ કંપનીએ એનસીડીના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 1250 કરોડ ઊભાં કર્યાં હતાં. કંપનીએ તાજેતરમાં રૂ. 1 લાખની ફેસવેલ્યૂના 70 હજાર એનસીડી ઈસ્યુ કરી નાણા મેળવ્યાં છે.
ડેલ્ટા કોર્પઃ સરકાર તરફથી જંગી જીએસટી માગણીનો સામનો કરી રહેલાં કેસીનો પ્લેયરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 69.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 1.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 68.3 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની આવક રૂ. 270.6 કરોડ પર જોવા મળી હતી.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ જાયન્ટે જણાવ્યું હતું કે પાંચ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ તરફથી આપવામાં આવેલી ત્રણ-દિવસની હડતાળને મુલત્વી રાખવામાં આવી છે. અગાઉ બીએમએસ, ઈન્ટુક અને સિટુએ વેતનને લઈને 12-14 ઓક્ટોબર માટે હડતાળ યોજી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage