બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં તેજીમાં વિરામ વચ્ચે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
નિફ્ટી 20900ની સપાટી જાળવી શક્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ નરમાઈ સાથે 12.71ના સ્તરે
મેટલ, મિડિયા, પીએસયૂ બેંક્સમાં મજબૂતી
એનર્જી, ઓટો, પીએસઈ, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વેચવાલીની શરૂઆત
ઈક્વિટાસ બેંક, સોનાટા, તાતા એલેક્સી, હૂડકો નવી ટોચે
શેરબજારમાં બે સપ્તાહની મજબૂત તેજી પછી મંગળવારે વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ પોઝીટીવ ઓપનીંગ પછી ટોચ નજીક ટ્રેડ થયા પછી દિવસ દરમિયાન મોટેભાગે રેડ ઝોનમાં ટ્રેડ થયાં હતાં. બીએસઈ સેન્સેક્સ 378 પોઈન્ટ્સ ગગડી 69551ની સપાટીએ જ્યારે નિફ્ટી 91 પોઈન્ટ્સ ગગડી 20906ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળતું હતું. જેમાં બીએસઈ ખાતે કુલ 3905 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2047 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1744 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 390 કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ નરમાઈ સાથે 12.71ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 20997ના બંધ ભાવ સામે 21019ની સપાટીએ ખૂલી ઉપરમાં 21038ની નવી ટોચ દર્શાવી પરત ફર્યો હતો અને નીચામાં 20867ની સપાટીએ ટ્રેડ થયો હતો. જોકે, આખરમાં 20900 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 104 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21010ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 87 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. એનાલિસ્ટ્સના મતે માર્કેટ ઓવરબોટ હોવાથી ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જળવાઈ શકે છે. જોકે, માર્કેટમાં પેનિક પ્રકારના સેલીંગની શક્યતાં નથી. તેમજ ટ્રેન્ડ પણ સુધારાતરફી જ છે. ટ્રેડર્સ 20700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. આ સપાટી તૂટશે તો 20500-20400 સુધીનો ઘટાડો સંભવ છે. ઉપરમાં 21000નું સાયકોલોજિકલ સપોર્ટ પાર થશે તો 21300-21400ની રેંજ જોવા મળી શકે છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેકસિમેન્ટ, બજાજ ઓટો, એસબીઆઈ લાઈફ, એક્સિસ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, હિંદાલ્કો, ટીસીએસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, એપોલો હોસ્પિટલ, મારુતિ સુઝુકી, સન ફાર્મા, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા, ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, લાર્સન, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એમએન્ડએમમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ, મિડિયા, પીએસયૂ બેંક્સમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એનર્જી, ઓટો, પીએસઈ, રિઅલ્ટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ નવી ટોચે બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ, જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા સ્ટીલ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 0.6 ટકા સુધારો સૂચવતો હતો અને નવી ટોચે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ડિશ ટીવી, ટીવી18 બ્રોડકાસ્ટ, નેટવર્ક 18, ઝી એન્ટરટેઈનમેન્ટ, ટીવી ટુડેનેટવર્ક, સન ટીવી નેટવર્ક, આઈનોક્સ લેઝરમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંકે નવી ટોચ દર્શાવી હતી. જેના ઘટકોમાં જેકે બેંક 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા મજબૂત જોવા મળ્યાં હતાં. જોકે, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, યૂકો બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી નવી ટોચ દર્શાવી 1.75 ટકા જેટલો તૂટ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 6 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત, સોભા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેટ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફિઅર, ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 0.7 ટકા જેટલો તૂટ્યો હતો. જેના ઘટકોમાં સોના બીએલડબલ્યુ, મધરસન, મારુતિ સુઝુકી, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, તાતા મોટર્સમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી એનર્જી 1.31 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, બીપીસીએલ, ગેઈલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ઓએનજીસી, એચપીસીએલ અને તાતા પાવરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ પણ 0.62 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોનોટિક્સ, એનએચપીસી, કોલ ઈન્ડિયા, ગેઈલ, એનટીપીસી, ઓએનજીસી, નાલ્કો, એચપીસીએલ, ભેલ વગેરેમાં વેચવાલી જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એચડીએફસી લાઈફ 5 ટકાથી વધુ વૃદ્ધિ સાથે ટોચ પર હતો. આ ઉપરાંત, જિંદાલ સ્ટીલ, ઈન્ડિયામાર્ટ, આઈસીઆઈસીઆઈસી પ્રૂડેન્શિયલ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, કોલગેટ, અલ્ટ્રાટેકસિમેન્ટ, કેન ફિન હોમ્સ, બજાજ ઓટો, તાતા કોમ્યુનિકેશન, દાલમિયા ભારત, આલ્કેમ લેબોરેટરી, એસબીઆઈ લાઈફમાં નોંધપાત્ર ખરીદી નીકળી હતી. બીજી બાજુ, પીઆઈ ઈન્ડ્સ્ટરીઝ 10 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, કમિન્સ ઈન્ડિયા, ગ્લેનમાર્ક, શ્રીરામ ફાઈનાન્સ, ઓરેકલ ફાઈ. સર્વિસિઝ, પિરામલ એન્ટરપ્રાઈઝ, એસઆરએફ, એપોલો હોસ્પિટલ, મધરસન સુમી, ઈન્ફો એજ, મારુતિ સુઝુકી, યુનાઈટેડ બ્રૂઅરિઝ, અશોક લેલેન્ડમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈક્વિટાસ બેંક, સોનાટા, તાતા એલેક્સી, હૂડકો, સેન્ચ્યૂરી પ્લાયબોર્ડ, જિંદાલ સ્ટીલ, યુનિયન બેંક, એસજેવીએન, એસબીઆઈ લાઈફ, સ્ટર્લિંગ વિલ્સન, શ્રી સિમેન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એફલ ઈન્ડિયા, હિંદાલ્કોનો સમાવેશ થતો હતો.
ચાલુ નાણા વર્ષે 63 ટકા લોકોએ જૂની ટેક્સ પ્રણાલી પસંદ કરી
રોકાણકારોમાં પીપીએફ અને યૂલિપ બચત માટે ટોચના પસંદગીના સાધનો
દેશના સેલરાઈડ(વેતન પર નભતાં) વર્ગમાંથી 63 ટકાએ ચાલુ નાણા વર્ષ 2023-24માં જૂની ટેક્સ પ્રણાલી પર પસંદગી દર્શાવી હતી. તેણે નવી ટેક્સ પ્રણાલીની ઈન્સ્ટન્ટ લિક્વિડીટી ઓફરને ઠુકરાવી લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ્સ પસંદ કર્યું હતું એમ પોલીઝીબઝારડોટકોમનો સર્વે સૂચવે છે. માત્ર 37 ટકા લોકોએ નવી ટેક્સ પ્રણાલી પસંદ કરી હતી.
વ્યક્તિગત કરદાતા માટે બે ટેક્સ પ્રણાલી ઉપલબ્ધ છે. જૂની ટેક્સ પ્રણાલી આવકને આધારે ભિન્ન રેટ સાથે બહુવિધ ટેક્સ સ્લેબ્સ ઓફર કરે છે. જે સેક્શન 80સી અને 80ડી હેઠળ ડિડક્શનની છૂટ આપે છે. જે સરવાળે કરપાત્ર આવકને ઘટાડે છે. નાણા વર્ષ 2023-24માં ડિફોલ્ટ ચોઈસ બનેલી નવી ટેક્સ પ્રણાલી ઓછા ટેક્સ સ્લેબ અને નીચા ટેક્સ રેટ સાથે સરળ માળખુ ઓફર કરે છે. જોકે, તે મોટાભાગના ડિડક્શન્સને દૂર કરે છે. તે માત્ર રૂ. 50 હજાર કરોડનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઓફર કરે છે. ઓગસ્ટમાં એક રિપોર્ટ મુજબ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન 5.5 કરદાતાઓ નવી ટેક્સ પ્રણાલીમાં શિફ્ટ થયાં હતાં. કેમકે નવી ટેક્સ વ્યવસ્થા રૂ. 7 લાખ સુધીના રિબેટ સાથે 2023-24માં વધુ અપીલ કરી રહી હતી. જૂની ટેક્સ વ્યવસ્થા પર પસંદગી પાછળનું કારણ પૂછવામાં આવતાં 43 ટકા કરદાતાઓએ મુખ્ય કારણ તરીકે નીચી ટેક્સ જવાબદારીનું કારણ આપ્યું હતું. તેમના નિર્ણય પર પ્રભાવી રહેનારા અન્ય પરિબળોમાં પાકતી મુદતે ટેક્સ ફ્રી રોકાણની સુવિધા તેમજ ખર્ચને અટકાવવા માટે લાંબા-ગાળાના રોકાણની શિસ્ત જેવી બાબતોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત રિટાર્મેન્ટ સેવિંગ્ઝ અને મિત્રો અને પરિવારો તરફથી સૂચનોએ પણ ભૂમિકા ભજવી હતી.
સર્વેમાં ભાગ લેનારા કુલ પ્રતિભાવકોમાંથી 80 ટકા ચાલુ વર્ષે તેમણે પસંદ કરેલી ટેક્સ વ્યવસ્થાથી અવગત હતાં. આમાંથી 71 ટકાએ ટેક્સ વ્યવસ્થાની પસંદગી તેમની ટેક્સ જવાબદારીઓની ગણતરી કર્યાં પછી કરી હતી. જ્યારે 14 ટકાએ બંને પ્રણાણીમાં તેમની જવાબદારીઓને મોટા-મોટી અભ્યાસ કરીને પસંદગી દર્શાવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે 20 ટકા પ્રતિનિધિઓ તેમની ટેક્સ પ્રણાલીથી અવગત નહોતાં. જેમાંથી 15 ટકાએ તેમની ટેક્સ જવાબદારીઓની ગણતરી કરી નહોતી. સર્વે મુજબ 74 ટકા મહિલાઓએ બંને ટેક્સ પ્રણાલી હેઠળ તેમની ટેક્સ જવાબદારીઓની ગણતરી કરીને જ કોઈ એક વ્યવસ્થા પર પસંદગી ઉતારી હતી. આ પ્રમાણ પુરુષોમાં જોવા મળેલા 71 ટકાન પ્રમાણ કરતાં સહેજ વધુ હતું. આમ, મહિલાઓ ટેક્સની બચતમાં વધુ જાગૃત જણાઈ હતી.
વેતનધારી વ્યક્તિગત કરદાતા જૂની ટેક્સ પ્રણાલી માટે વધુ તરફેણદાયી જોવા મળ્યો હતો. ચાલુ વર્ષ માટે 67 ટકા જૂની વ્યવસ્થા તરફ વળ્યાં હતાં. જો બિઝનેસમેનની વાત કરીએ તો 51 ટકાથી વધુએ જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરી હતી. જ્યારે 53 ટકા પ્રોફેશ્નલ્સે જૂની વ્યવસ્થા અપનાવી હતી. નિવૃત્તોમાં 66 ટકાએ જૂની વ્યવસ્થા પસંદ કરી હતી. જો તમામ ઈન્કમ બ્રેકેટ્સની વાત કરીએ તો ઊંચી આવક ધરાવનારાઓએ જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરી હતી. રૂ. 7.5 લાખથી વધુની વાર્ષિક ધરાવનારાઓમાં 68 ટકા લોકો જૂની પ્રણાલી તરફ વળ્યાં હતાં. જ્યારે રૂ. 7.5 લાખ સુધીની વાર્ષિક આવકમાંથી 54 ટકા લોકો જૂની વ્યવસ્થા માટે પસંદગી સૂચવતાં હતાં.
લગભગ તમામ વય જૂથોમાં જૂની ટેક્સ વ્યવસ્થાનું આકર્ષણ જોવા મળ્યું હતું. જેમકે 21-30 વયના કરદાતાઓમાં 62 ટકાએ જૂની ટેક્સ પ્રણાલી પર મહોર મારી હતી. આ માટે તેમણે લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ્સને મુખ્ય કારણ ગણાવ્યું હતું. 31-41ની વય જૂથમાં 68 ટકાએ જૂની કર પ્રણાલીને પસંદ કરી હતી. જ્યારે 41-50 વય જૂથમાં 66 ટકા વર્ગે આમ કર્યું હતું.
યુએસની કોર્નિંગ તમિલનાડુ ખાતે ગોરિલા ગ્લાસ ફેક્ટરી સ્થાપશે
યુએસ ગોરિલા ગ્લાસ ઉત્પાદક અને એપલની મહત્વની સપ્લાયર કોર્નિંગ ઈન્ક તમિલનાડુ ખાતે રૂ. 1000 કરોડના ખર્ચે ફેક્ટરી સ્થાપવા માટે જઈ રહી છે એમ માર્કેટ રિપોર્ટ જણાવે છે. આ ફેક્ટરી શ્રીપેરુમ્બુદુર નજીક આવેલી હશે અને તે 300 લોકોને રોજગાર પૂરો પાડશે. કંપની પ્રથમભાર ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. ચાલુ વર્ષની શરૂમાં તેલંગાણા સરકારે જણાવ્યું હતું કે કંપની તેમને ત્યાં ફેક્ટરી સ્થાપશે. જોકે, કંપનીએ હવે તેનો વિચાર બદલ્યો છે અને તમિલનાડુમાં ફેક્ટરી સ્થાપનાનો નિર્ણય કર્યો છે. જેનું કારણ અન્ય એપલ સપ્લાયર્સ ફોક્સકોન અને પેગાટ્રોનથી ફેક્ટરીનું નજીક હોવાનું છે. જાન્યુઆરીમાં યોજાનારી ગ્લોબલ ઈન્વેસ્ટર મીટમાં આ અંગે સમજૂતી કરાર થવાની શક્યતાં છે. ફેકટરી બનવામાં એક વર્ષનો સમય લાગે તેવી શક્યતાં વ્યક્ત કરાઈ છે. આ નવી સુવિધા 2024માં કામગીરી શરૂ કરશે અને તે પ્રથમ તબક્કામાં તે ત્રણ કરોડ નંગની ઉત્પાદન ક્ષમતા ધરાવતી હશે.
BNP પારિબાએ બ્રોકિંગ કંપની શેરખાનનું મિરાઈને વેચાણ કર્યું
ફ્રેન્ચ કંપનીએ 2015માં શેરખાનની 100 ટકા ઈક્વિટી ખરીદી હતી
ફ્રેન્ચ બેંકિંગ કંપની બીએનપી પારિબાએ ભારતીય બજારમાં તેની રિટેલ બ્રોકિંગ પાંખ શેરખાનનું સાઉથ કોરિયન જૂથ મિરાઈને વેચાણ કર્યું છે. જોકે, તેણે શેરખાનનું વેચાણ કેટલા મૂલ્યમાં કર્યું તે નથી જણાવ્યું. પેરિસ મુખ્યાલય ધરાવતી કંપનીએ બીએનપી પારિબાએ 2015માં કેટલાંક ઈન્વેસ્ટર્સ પાસેથી શેરખાનનો 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જોકે, તે વખતે પણ તેમણે ડીલનું કદ જાહેર કર્યું નહોતું. જોકે, માર્કેટ વર્તુળો સોદો રૂ. 2000 કરોડમાં થયો હોવાનું જણાવતાં હતાં. તમામ રેગ્યુલેટર્સ તરફથી મંજૂરી પછી બીએનપીની ખરીદી પ્રક્રિયા 2016માં પૂર્ણ કરવામાં આવી હતી. શેરખાનનની સ્થાપના 2000ની સાલમાં થઈ હતી. તેમજ તે દેશમાં ઓનલાઈન ટ્રેડિંગ ઓફર કરનારા અગ્રણી બ્રોકરેજ ગૃહોમાંની એક હતી. તે 28 લાખ ગ્રાહકો ધરાવતી હતી. તેમજ શ્રેણીબધ્ધ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિઝ પૂરી પાડી રહી હતી. કંપની દૈનિક ધોરણે 10 લાખ ટ્રેડ્સનો દાવો ધરાવે છે.
દેશમાં ત્રીજા ક્રમની ઓનલાઈન બ્રોકરેજ કંપની અપસ્ટોક્સના ડિરેક્ટર અમિત લાલના જણાવ્યા મુજબ ટિયર-2 અને ટિયર-3 શહેરો શેરબજાર રોકાણકારોની બાબતમાં ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષમાં કંપનીએ તેના ગ્રાહકોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ નોંધાવી છે. જે સૂચવે છે કે ઈક્વિટી કલ્ટ બીજી અને ત્રીજી હરોળના શહેરોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. વિશ્વના ટોચના અર્થતંત્રોની સરખામણીમાં ભારતમાં ઈક્વિટી કલ્ચર હજુ પણ ઘણું નીચું જોવા મળે છે અને તેથી આગામી સમયગાળામાં તેમાં ઝડપી વૃદ્ધિનો ક્રમ જળવાય રહેવાની શક્યતાં છે. લોકો પરંપરાગત રોકાણ સાધનોથી ઈક્વિટીઝ તરફ વળી રહ્યાં છે. હાલમાં ચીન ખાતે 20 ટકા લોકો ઈક્વિટીઝમાં રોકાણ ધરાવે છે. જે પ્રમાણ ભારતમાં હજુ પણ 9-10 ટકા જેટલું જ છે એમ લાલ ઉમેરે છે. રિટેલ રોકાણકારોનું 85 ટકા વોલ્યુમ ઓનલાઈન જોવા મળે છે.
શેરખાનની ખરીદી કર્યાં અગાઉ બીએનપી પારિબાએ 2007માં કોચી સ્થિત જીઓજીત સિક્યૂરિટીઝમેં 34 ટકા હિસ્સો ખરીદ્યો હતો. હાલમાં, કંપની રૂ. 1650 કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. દેશમાં મહામારી પછી શેરબજાર રોકાણકારોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 13.5 કરોડ પર પહોંચી હતી. ગ્રાહકોને ડિજીટલી ઉમેરવાની પ્રક્રિયા ઝડપી હોવાના કારણે મોટા પ્રમાણમાં લોકો શેરબજારમાં સરળતાથી પ્રવેશ્યાં હતાં. ઉપરાંત, શેરબજારમાં મજબૂત તેજી અને ડિસ્કાઉન્ટ બ્રોકિંગ તથા નેટની ઉપલબ્ધિએ પણ ટ્રેડર્સ આકર્ષ્યાં હતાં.
રિટેલ બ્રોકિંગ ઉદ્યોગની આવકમાં છેલ્લાં પાંચ વર્ષોમાં બમણી વૃદ્ધિ જોવા મળી છે એમ બેઈન એન્ડ કંપનીનો અંદાજ છે. 2028-19માં રૂ. 14000 કરોડની આવક સામે 2022-23માં તે રૂ. 27000 કરોડ પર રહી હતી. જે વાર્ષિક સરેરાશ 17 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
UPIની ઝડપી વૃદ્ધિ છતાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સના 75 ટકા પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી
ડેબિટ કાર્ડ મારફતે 33 ટકા જેટલું પેમેન્ટ થાય છે
દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં 75-80 ટકા પેમેન્ટ્સ ક્રેડિટ કાર્ડથી થાય છે
છેલ્લાં કેટલાંક વર્ષોમાં યૂપીઆઈ પાછળ ઓનલાઈન પેમેન્ટ્સમાં ક્રાંતિ આવી છે અને માસિક ધોરણે યૂપીઆઈ પેમેન્ટ્સમાં તત વૃદ્ધિ જોવા મળી રહી છે તેમ થતાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં હજુ પણ 75 ટકા પેમેન્ટ્સ ક્રેડિટ કાર્ડ્સથી કરવામાં આવે છે. જ્યારે તે પછી નોંધપાત્ર પેમેન્ટ્સ ડેબિટ કાર્ડ્સ મારફતે જોવા મળે છે એમ કોટક ઈન્સ્ટીટ્યૂશ્નલ ઈક્વિટીઝનો રિપોર્ટ જણાવે છે. ઓફલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં પણ 50 ટકા ક્રેડિટ કાર્ડ્સથી જોવા મળે છે.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ આરબીઆઈનો ડેટા સૂચવે છે કે યૂપીઆઈના વધતાં પ્રભાવને કારણે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર મોટી અસર જોવા મળી છે પરંતુ ક્રેડિટ કાર્ડ પર તેની એટલી ગંભીર અસર નથી વર્તાઈ રહી. ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર્સના જણાવ્યા પ્રમાણે યૂપીઆઈ પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ વધી રહ્યો છે. દેશના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ ઊંચું પ્રભુત્વ દર્શાવે છે. આ પ્રદેશોમાં 75-80 ટકા જેટલું પેમેન્ટ્સ ક્રેડિટ કાર્ડ્સ આધારિત છે. દરમિયાનમાં, એસબીઆઈ કાર્ડ્સ સિવાય બેંક્સ તરફથી ઈસ્યુ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડનો આઉટસ્ટેન્ડિંગ હિસ્સો વર્ષ દરમિયાન 18 ટકા પર મધ્યમ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાની હજુ શરૂઆતી અસરો જોવા મળી રહી છે એમ રિપોર્ટ સૂચવે છે. આરબીઆઈએ તાજેતરમાં સક્રિય ના હોય તેવા કાર્ડ્સને બંધ કરવા માટે કાર્ડ ઈસ્યુકર્તાને જણાવ્યું હતું. ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગનો ગ્રોથ મધ્યમ જોવા મળ્યો છે પરંતુ તેના તરફથી સમગ્ર ખર્ચ અને રિસિવેબલ્સ અને લિમિટ ગ્રોથ સરેરાશ 20-25 ટકા પર મજબૂત જળવાયો છે. કાર્ડ ઈસ્યુઅર્સ તેમના ગ્રાહકો માટે ઊંચી લિમિટના કાર્ડ્સ ઈસ્યુ કરવામાં વધુ કમ્ફર્ટેબલ જણાય રહ્યાં છે. જે સૂચવે છે કે અન્ય સ્વરૂપના પેમેન્ટ્સની સરખામણીમાં કાર્ડ્સનો ઉપયોગ ખર્ચની વધુ તકો આપે છે તેમજ તે વધુ કમ્ફર્ટેબલ જણાય છે. ઉદ્યોગ માટે રૂ. 25 હજારથી નીચેની ટિકિટ સાઈઝના કાર્ડ્સનું પ્રમાણ 20 ટકા જેટલું છે. જે સમગ્ર સેક્ટર માટેના રિસિવેબલ્સના 3 ટકા યોગદાન સૂચવે છે. જ્યારે રૂ. 25 હજારથી રૂ. 2 લાખ સુધીની મર્યાદા ધરાવતાં કાર્ડ્સ 60 ટકા હિસ્સો ધરાવે છે.
મહામારી પછી ઊંચી ટિકિટ સાઈઝના કાર્ડ્સમાં સૌથી ઝડપી રિકવરી જોવા મળી છે. જ્યારે નીચી ટિકિટ સાઈઝ લોન્સમાં સૌથી નીચી રિકવરી નોંધાઈ છે. જોકે, 2021-22માં નીચી ટિકીટ સાઈઝના ક્રેડિટ કાર્ડ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, ટોચના સ્તરેથી હાલમાં સમગ્રતયા ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ 35-40 ટકા જેટલો ગ્રોથ જળવાય શકે તેમ નથી. નાની ટિકિટ સાઈઝના ક્રેડિટ કાર્ડ્સમાં ઘટાડાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે સૌથી ઝડપી વૃદ્ધિ રૂ. 2-5 લાખની લિમિટ્સના ક્રેડિટ કાર્ડ્સમાં જોવા મળી રહ્યો છે.
ઓક્ટોબર 2023માં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ રૂ. 1.78 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. ફેસ્ટીવલ સિઝનને કારણે ખર્ચ વધ્યો હતો. જેમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર મોટી ખરીદી નોંધાઈ હતી. ઓક્ટોબરમાં કુલ ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વાર્ષિક 38.3 ટકા જ્યારે માસિક ધોરણે 25.4 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આરબીઆઈ ડેટા મુજબ ઓક્ટોબરમાં શોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વાર્ષિક 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ખર્ચ વિનાના ઈએમઆઈ અને ફ્લેક્સિબલ લોન મુદતને કારણે દેશમાં કન્ઝ્યૂમર લોન્સમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. આ વિકલ્પોએ ક્રેડિટને વધુ પોસણક્ષમ અને એક્સેસિબલ બનાવી છે એમ રિપોર્ટનું કહેવું છે.
ડિઝની-રિલાયન્સ વચ્ચે ભારતીય મિડિયા ઓપરેશન્સના મર્જર અંગે મંત્રણા
બંને કંપનીઓ મર્જરની શરતો અંગે વાતચીત કરી રહી છે જેને જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવી શકે છે
દેશમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની કો, તેના ભારતીય મિડિયા બિઝનેસના મર્જરની નોન-બાઈન્ડિંગ શરતોને લઈ શરતો નિર્ધારિત કરી રહી છે એમ વર્તુળો જણાવે છે. આ મંત્રણા હેઠળ નક્કી થનારી શરતોને જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવી શકે છે. રિલાયન્સની વાયાકોમ18ના નવરચિત યુનિટમાં ડિઝનીની સ્ટાર ઈન્ડિયાને શેર સ્વેપ ડિલ મારફતે ભેળવવામાં આવશે એમ જાણવા મળે છે.
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ પ્રસ્તાવિત વાયાકોમ18માં 51 ટકા હિસ્સા માટે કેશ ચૂકવણી કરે તેવી શક્યતાં છે. જ્યારે ડિઝની 49 ટકા હિસ્સો ધરાવતી હશે. યુનિટના બોર્ડમાં બંને કંપનીઓ સમાન પ્રતિનિધિત્વ ધરાવતી હશે એમ જાણકારો જણાવે છે. જોકે, બેમાંથી એક પણ કંપની તરફથી કોઈ ત્વરિત પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો. અગાઉ ઓક્ટોબરમાં એક મિડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે જીઓસિનેમા ડિઝનીની ભારતીય એસેટ્સનું મૂલ્યાંકન કરી રહ્યું છે. જેમાં ડિઝનીપ્લસ હોટસ્ટાર સ્ટ્રિમીંગ સર્વિસ અને સ્ટાર ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જેનું વેલ્યૂએશન 7 અબજ ડોલરથી 8 અબજ ડોલર આંકવામાં આવે છે. એક સમયે ડિઝની તેનું મૂલ્ય 10 અબજ ડોલર આંકી રહી હતી. જોકે, પાછળથી તેના વેલ્યૂએશન્સમાં ઘટાડો જોવા મળ્યો છે અને કંપની તેના સંપૂર્ણ અથવા આંશિક વેચાણ માટે વિચારી રહી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
હિંદાલ્કોઃ આદિત્ય બિરલા જૂથ કંપનીએ ફાઈન-ક્વોલિટી એલ્યુમિનિયમ ફોઈલની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણની જાહેરાત કરી છે. આ ફોઈલનો ઉપયોગ રિચાર્જેબલ બેટરીઝના ઉત્પાદનમાં થાય છે. ઝડપથી વધી રહેલા ઈલેક્ટ્રીક વેહીકલ્સ અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સને જોતાં કંપની આમ કરશે. કંપની આ માટે ઓડિસ્સામાં રૂ. 800 કરોડના ખર્ચે બેટરી ફોઈલ મેન્યૂફેક્ચરિંગ સુવિધા સ્થાપશે. જે શરૂઆતમાં 25 હજાર ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવશે.
સ્પાઈસજેટઃ એરલાઈન કંપનીના બોર્ડે 13 કરોડ કન્વર્ટિબલ વોરંટ્સ તથા 32.08 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર્સ મારફતે રૂ. 2254 કરોડ ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કંપની રૂ. 50 પ્રતિ શેરના ભાવે ઈક્વિટી ઈસ્યુ કરશે. કંપની 64 એલોટીસને કન્વર્ટિબલ વોરંટ્સ ઈસ્યુ કરશે. જેમાં પ્રભુદાસ લીલાધર એડવાઈઝરી, એલકેપી ફાઈનાન્સ, માર્ટિના ડેવલપર્સ અને ફિનકોનનો સમાવેશ થતો હતો. કંપની રૂ. 61.3ના બજારભાથી 18.4 ટકા ડિસ્કાઉન્ટમાં શેર્સ ઈસ્યુ કરશે.
થર્મેક્સઃ એન્જીનીયરીંગ કંપનીએ દેશમાં 5 બાયો-ગેસ પ્લાન્ટ્સ સ્થાપવા માટે રૂ. 500 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. આ પ્લાન્ટ્સ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આવેલા હશે. તેમજ તે પ્રતિ દિન 110 ટન બાયો-સીએનજી પેદા કરવાની ક્ષમતા ધરાવતાં હશે. પ્લાન્ટ્સ પ્રતિ દિવસ સ્થાનિક ધોરણે ઉત્પાદિત 1000 ટન ફિડસ્ટોકનો ઉપયોગ કરશે. જેમાં રાઈસ સ્ટ્રો, નેપિઅર ગ્રાસ, શેરડીના ભૂંસાનો સમાવેશ થતો હશે.
વિપ્રોઃ આઈટી સર્વિસ કંપનીએ વિશ્વમાં ટોચની જનરલ ઈન્શ્યોરન્સ કંપની આરએસએ સાથે નવા એગ્રીમેન્ટની જાહેરાત કરી છે. કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે આ કરાર આરએસએના ક્લાઉડ માઈગ્રેશનને ઝડપી બનાવશે અને કોમ્પ્લાયન્ટ, સિક્યોર અને સ્કેલેબલ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સહાયતા કરશે. આ એગ્રીમેન્ટ ત્રણ વર્ષ માટેનો છે. બંને કંપનીઓ 2016થી સાથે કામ કરી રહી છે.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી કંપનીના સીએફઓ તરીકેથી નિલાંજન રોયે રાજીનામું આપ્યાં પછી કંપનીએ જયેશ સંઘરાજકાની સીએફઓ તરીકે નિમણૂંક કરી છે. તેઓ કંપની સાથે બે તબક્કામાં 18-વર્ષથી વધુ કામ કરી ચૂક્યાં છે. તેઓ એક એપ્રિલ, 2024થી કંપનીના સીએફઓનો કાર્યભાર સંભાળશે. અગાઉ કંપનીના બે ટોચના અધિકારીઓ રાજીનામુ આપી ચૂક્યાં છે.