Market Summary 12 April 2021

માર્કેટ સમરી

ભારતીય બજારનું તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ

નવા સપ્તાહની શરૂઆત વૈશ્વિક સ્તરે નરમ રહી હતી. જોકે તેમ છતાં ભારતીય બજારે તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 14249 થઈને 14311 પર બંધ રહ્યો હતો. આમ બજારે 14350ની નીચે બંધ આપ્યું હતું. હવે માર્કેટ માટે 14250નો સપોર્ટ મહત્વનો છે. જેની નીચે 14000 અને 13600ના સ્તર આવે છે. જ્યારે બીજી બાજુ બજારને 14750નો અવરોધ છે. આમ માર્કેટ ટૂંકા સમયમાં આ રેંજમાં અથડાતું જોવા મળી શકે છે.

ડોલર સામે રૂપિયો વધુ 31 પૈસા તૂટી 75ની નીચે ઉતરી ગયો

સતત પાંચ દિવસમાં 172 પૈસાના ઘટાડે ગ્રીનબેક સામે નવ મહિનાના તળિયે

રૂપિયામાં નરમાઈ પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે બુલિયનમાં સુધારો

 

યુએસ ડોલર સામે રૂપિયામાં સતત પાંચમા દિવસે ઘટાડો ચાલુ રહ્યો હતો. સોમવારે સ્પોટમાં ડોલર સામે રૂપિયો 31 પૈસા તૂટી 75.06ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઓગસ્ટ 2020 પછીનું તેનું તળિયું છે. ગયા સપ્તાહે મંગળવારથી લઈને ઉઘડતાં સપ્તાહના પ્રથમ દિવસ સુધીમાં ગ્રીનબેક સામે ભારતીય ચલણ 172 પેસાનું તીવ્ર ધોવાણ દર્શાવી રહ્યો છે. અગાઉ ડિસેમ્બર 2019માં તેણે સતત પાંચ દિવસ સુધી ડોલર સામે ઘટાડો નોંધાવ્યો હતો. માર્ચ 2020માં એફઆઈઆઈની તીવ્ર વેચવાલી વચ્ચે પણ તેણે સતત નરમાઈ નહોતી દર્શાવી. ગયા સપ્તાહે આરબીઆઈએ ફેડને અનુસરીને સુપર લૂઝ મોનેટરી પોલિસીની રાહ અપનાવતાં રૂપિયામાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. એનાલિસ્ટ્સના મતે રૂપિયો ટૂંકાગાળામાં ઓવરસોલ્ડ છે અને તેથી તેમાં એક સુધારાની શક્યતા છે. જોકે તેમાં મધ્યમગાળામાં નરમાઈ જોવા મળી શકે છે. ફોરિન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી ધીમા પડેલા રોકાણ પ્રવાહને પગલે પણ રૂપિયો નરમાઈ દર્શાવી શકે છે. શુક્રવારે એફપીઆઈએ ભારતીય બજારમાં રૂ. 600 કરોડથી વધુનું વેચાણ દર્શાવ્યું હતું. ગયા 2 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ 2.41 અબજ ડોલર ઘટી 576.9 અબજ ડોલર રહ્યું હતું. જે નવેમ્બર, 2020 બાદનું સૌથી નીચેનું સ્તર હતું.

દરમિયાનમાં રૂપિયામાં નરમાઈની કિંમતી ધાતુઓ પર પોઝીટીવ અસર જોવા મળી રહી છે. મુખ્યત્વે દેશમાં આયાત થતાં સોનું-ચાંદી ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે મજબૂતી દર્શાવતા હોય છે. સોમવારે વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ વાયદો 6 ડોલર નરમાઈ દર્શાવતો હતો ત્યારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો રૂ. 21ના સુધારે રૂ. 46614 પર ટ્રેડ થતો હતો. સિલ્વર મે વાયદો જોકે સાધારણ વધ-ઘટ વચ્ચે સાંકડી રેંજમાં ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી નરમાઈ દર્શાવતી હતી.

 

 

ઈન્ડિયા વીક્સ 16 ટકા ઉછળી 23 પર પહોંચ્યો

ભારતીય બજારમાં વોલેટિલિટીના માપદંડ સમાન ઈન્ડિયા વીક્સ સોમવારે 16 ટકા ઉછળી 22.99ના સ્તરે બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે સોમવારે બજારમાં ઘટાડા વખતે તે 23ની સપાટીને પાર કરી ગયો હતો. જોકે ત્યારબાદ બજારમાં સુધારો જળવાતાં સપ્તાહાંતે તે 20ની સપાટી નીચે ઉતરી ગયો હતો. નવા સપ્તાહે બજારમાં લોકડાઉનની શક્યતા પાછળ તીવ્ર ઘટાડાને પગલે ઈન્ડિયા વીક્સ ઉછળ્યો હતો અને દિવસની 23.30ની ટોચથી સહેજ ઘટીને બંધ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે આગામી દિવસોમાં બજારમાં સુધારા કરતાં ઘટાડાની શક્યતા વધુ છે.

12 મહિનાની સૌથી ખરાબ માર્કેટ બ્રેડ્થ જોવા મળી

કોવિડ કેસિસમાં વૃદ્ધિ પાછળ લોકડાઉનના ગભરાટને લીધે શેરબજારમાં છેલ્લા એક વર્ષની સૌથી ખરાબ માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3161 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 2478 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં ઘટીને બંધ આવ્યાં હતાં. જ્યારે માત્ર 509 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. એટલેકે પાંચ શેર્સમાં ઘટાડા સામે એક શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો. અગાઉ માર્ચ 2020માં આટલી તીવ્ર નેગેટિવ માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. સોમવારે 194 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે સામે 498 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ તથા સ્મોલ-કેપ ઈન્ડેક્સ 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં.

ડાયગ્નોસ્ટીક્સ કંપનીઓના શેર્સ નવી ટોચ પર પહોંચ્યાં

કોવિડના કેસિસમાં દૈનિક ધોરણે તીવ્ર વૃદ્ધિ પાછળ લેબ ટેસ્ટ કરતી ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓના શેર્સના ભાવ તેમની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. જેમાં ડો લાલ પેથલેબ્સનો શેર 9 ટકા જેટલો ઉછળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3139ના બંધ ભાવ સામે રૂ. 260ના ઉછાળે રૂ. 3399ની ટોચ પર ટ્રેડ થયા બાદ 6.4 ટકાના સુધારે રૂ. 3339 પર બંધ રહ્યો હતો. કંપની રૂ. 28 હજાર કરોડના માર્કેટ કેપ પર ટ્રેડ થઈ હતી. એક અન્ય કંપની મેટ્રોપોલીસ હેલ્થકેરનો શેર પણ અગાઉના રૂ. 2483ના બંધ સામે રૂ. 122ના સુધારે રૂ. 2605ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે પાછળથી તે સાધારણ નરમાઈ સાથે બંધ આવ્યો હતો. પેનેશ્યા બાયોટેકનો શેર 11 ટકા ઉછળી રૂ. 258.65ના સ્તરે બંધ રહ્યો હતો.

અદાણી જૂથના શેર્સ પણ ઊંધા માથે પટકાયાં

છેલ્લા કેટલાક મહિનાઓમાં અસાધારણ તેજી દર્શાવનાર અદાણી જૂથના શેર્સ સોમવારે બજારમાં ઘટાડા વખતે ઊંધા માથે પટકાયાં હતાં. જૂથ કંપનીઓના શેર્સ 5-11 ટકાના ઘટાડે બંધ રહ્યાં હતાં. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ(11 ટકા), અદાણી પોર્ટ્સ(10 ટકા), અદાણી ટોટલ ગેસ(9 ટકા)નો તીવ્ર ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે અદાણી ટ્રાન્સમિશન(5 ટકા) અને અદાણી ગ્રીન(5 ટકા)ની નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. અદાણી પાવરનો શેર પણ 5 ટકાની સેલર સર્કિટમાં બંધ રહ્યો હતો.

 

માર્કેટમાં 11 મહિના પછીનો કોવિડ પાછળ સૌથી મોટો કડાકો

અગાઉ 4 મે 2020ના રોજ લોકડાઉન વચ્ચે એક દિવસીય 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો

લોકડાઉન જાહેર ના થયું તેવા કિસ્સામાં બજાર તીવ્ર બાઉન્સ પણ આપી શકે તેવો એનાલિસ્ટ્સનો મત

 

કોવિડના કેસિસમાં તીવ્ર વૃદ્ધિ પાછળ લોકડાઉનની આશંકાએ શેરબજારમાં 11 મહિના બાદ તીવ્ર કડાકો નોંધાયો છે. અગાઉ મે 2020માં કોવિડ લોકડાઉન વખતે ભારતીય બજારે લગભગ 6 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. તે અગાઉ માર્ચ અને એપ્રિલ 2020માં તેણે વૈશ્વિક બજારો પાછળ શ્રેણીબધ્ધ તીવ્ર ઘટાડાં દર્શાવ્યાં હતાં. જોકે મે 2020 બાદ ભારતીય બજાર સતત સુધારાતરફી રહ્યું હતું અને વચમાં તેણે કોવિડ સિવાયના કારણોસર ઘટાડા દર્શાવ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં 15 દિવસના લોકડાઉનની સંભાવનાની વાતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજાર 2 ટકાથી વધુના ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ખૂલ્યું હતું અને ત્યારબાદ ધીમે-ધીમે ઘટતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 3.53 ટકા ઘટી 14355 પર બંધ રહ્યો હતો. આ અગાઉ કોવિડ કારણસર નિફ્ટીએ 5 મે 2020ના રોજ 5.74 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. તે વખતે નિફ્ટી જોકે 10000થી નીચેના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો અને 9294 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત કોવિડ પાછળ 3.5 ટકાથી વધુના ઘટાડાના કિસ્સામાં 1 એપ્રિલ 2020ના રોજ બજાર 4 ટકા જેટલું તૂટ્યું હતું. જે વખતે નિફ્ટી 8254ના સ્તરે બંધ રહ્યો હતો. તીવ્ર ઘટાડાના બે અન્ય કિસ્સા માર્ચ 2020માં નોંધાયો હતો. જેમાં 30 માર્ચે નિફ્ટી 4.38 ટકા તૂટ્યો હતો અને 8281 પર બંધ રહ્યો હતો. જ્યારે 23 માર્ચે દેશમાં પ્રથમ લોકડાઉન અમલી બન્યું તે દિવસે બેન્ચમાર્ક નિફ્ટી 12.98 ટકાના તીવ્ર ઘટાડે 7610ના ચાર વર્ષના તળિયા પર બંધ રહ્યો હતો. સોમવારે લગભગ 11 મહિના બાદ કોવિડે બજારમાં ડર પેદા કર્યો હતો અને તેને કારણે બેંકિંગની આગેવાનીમાં બજાર ગગડ્યું હતું.

જોકે માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજારમાં માર્ચ 2020 જેવા ઘટાડાની શક્યતા નહિવત છે. કેમકે બજાર ક્યારેય એકને એક કારણને બીજીવાર અગાઉની તીવ્રતાથી ગણનામાં લેતું નથી. સોમવારે જોવા મળેલા ઘટાડો બજારમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલાં કરેક્શનની પેટર્નનો ભાગ છે. માર્કેટમાં છેલ્લા પાંચેક સપ્તાહ દરમિયાન એક દિવસ માટે મોમેન્ટ સેલીંગ જોવા મળ્યું છે અને બીજા દિવસે બજાર ફરી સ્થિરતા પ્રાપ્ત કરી લે છે. ઘણા લાંબા સમય બાદ કોવિડ પાછળ બજાર ઘટ્યું છે અને તેથી તે એકાદ દિવસ વધુ ઘટાડો દર્શાવી શકે છે પરંતુ જો લોકડાઉન જાહેર કરવામાં ના આવ્યું અથવા અપેક્ષા કરતાં ઓછા દિવસો માટે લોકડાઉન જાહેર કરાયું તો બજાર બાઉન્સ થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને મહત્વનો સપોર્ટ જાન્યુઆરીમાં બજેટ અગાઉ તેણે દર્શાવેલા 13600ના સ્તરનો છે. જે સોમવારના બંધભાવથી ઘણો દૂર છે. જ્યારે સોમવારે ગેપ-ડાઉન ઓપનીંગ વખતે બનેલો 14650-14780નો ગેપ એક અવરોધ ઝોન બની રહેશે. માર્કેટમાં સોમવારે બેંકિંગ પાછળ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આઈટી અને ફાર્મા બજારને જોઈએ તેટલો સપોર્ટ પૂરો પાડી શક્યાં નહોતા. માર્કેટમાં બેંકિંગનું વેઈટેજ 40 ટકાથી વધુ છે. જોકે સોમવારથી ચોથા ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થઈ રહી છે. આઈટી અગ્રણી ટીસીએના પરિણામોથી માર્ચ રિઝલ્ટ સિઝન શરૂ થશે. જો તે અપેક્ષાથી સારા જોવા મળશે તો મંગળવારે બજારમાં આઈટી કાઉન્ટર્સ પાછળ સુધારો સંભવ છે.

 

કોવિડ પાછળ માર્કેટના ટોચના પાંચ કડાકા

 

તારીખ                           નિફ્ટી બંધ ભાવ        ઘટાડો(%)

12 એપ્રિલ 2021        14354.7       -3.53

5 મે 2020             9293.5         -5.74

1 એપ્રિલ 2020         8253.8         -4.00

30 માર્ચ 2020         8281.1         -4.38

23 માર્ચ 2020         7610.25       -12.98

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage