માર્કેટ સમરી
નિફ્ટી નવી ટોચ પર બંધ રહ્યો
વિકસિત બજારોની સાથે ચાલ જાળવી રાખતાં ભારતીય બજારે ગુરુવારે નવી ટોચ દર્શાવી હતી. નિફ્ટી 82.15 પોઈન્ટ્સના સુધારા સાથે 16364.40ના સ્તરે બંધ આપવામાં સફળ રહ્યો હતો. ફાર્મા અને હેલ્થકેરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટર્સ તરફથી બજારને સપોર્ટ સાંપડ્યો હતો. બજાર ખૂબ ધીમી મૂવમેન્ટ સાથે સુધરતું રહ્યું હતું. અગાઉના બે દિવસ દરમિયાન ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટને કારણે બજારમાં પાર્ટિસિપેશન પ્રમાણમાં ઓછું હતું. નિફ્ટી ફ્યુચર્સ સમગ્ર દિવસ દરમિયાન સ્પોટ નિફ્ટી સામે ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થયો હતો. જોકે આખરે તે એક પોઈન્ટ્સના પ્રિમીયમમાં બંધ જોવા મળ્યો હતો.
આઈટી શેર્સમાં લેવાલીએ નિફ્ટી આઈટી નવી ટોચે
ગુરુવારે આઈટી શેર્સમાં તીવ્ર ખરીદી જોવા મળી હતી. જેની પાછળ અગ્રણી આઈટી કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા હતાં. જેમાં ટેક મહિન્દ્રા 5 ટકા ઉછળી રૂ. 1386 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસે પણ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે માઈન્ડટ્રી, એમ્ફેસિસ, કોફોર્જ, એચસીએલ ટેક, એલએન્ડટી ઈન્ફો પણ નવી ટોચ પર જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી 1.82 ટકા ઉછળી 32245 પર બંધ રહ્યો હતો. તેણે 32290ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી.
2020-21માં વિક્રમી ખાદ્યાન્નનું ઉત્પાદન જોવાયું
કોવિડ મહામારીના અવરોધ વચ્ચે દેશે પાક વર્ષ 2020-21માં વિક્રમી ખાદ્યાન્નનું ઉત્પાદન દર્શાવ્યું છે. કેન્દ્રિય કૃષિ વિભાગના ચોથા અંદાજ મુજબ દેશમાં કુલ અનાજનું ઉત્પાદન 30.865 કરોડ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 1.1 કરોડ ટન જેટલું વધુ હતું. દેશમાં ચોખાનું ઉત્પાદન 12.22 કરોડ ટન રહ્યું હતું. જે 2019-20માં નોંધાયેલા 11.88 કરોડના રેકર્ડ કરતાં 34 લાખ ટન વધુ હતું. ઘઉંનું ઉત્પાદન 10.95 કરોડના વિક્રમી સ્તરે જોવામાં આવી રહ્યું છે. જ્યારે કઠોળનું ઉત્પાદન પણ 2.572 કરોડ ટનના નવા સ્તરે જોવા મળે તેવો અંદાજ છે. ગયા વર્ષે તે 2.30 કરોડ પર હતું. દેશમાં તેલિબિયાંનું ઉત્પાદન ગયા વર્ષના 3.32 કરોડ સામે વધીને 3.6 કરોડ ટન પર રહેવાનો અંદાજ છે. જાડાં ધાન્યોની વાત કરીએ તો તે 5.11 કરોડ ટન પર જોવા મળે તેવો અંદાજ છે. જે 2019-20ની સરખામણીમાં 34 લાખ ટનની વૃદ્ધિ સૂચવે છે.
ડોલર સામે રૂપિયામાં 19 પૈસાનો સુધારો
કેટલાક સમયથી ડોલર સામે સાંકડી રેંજમાં અથડાયાં બાદ રૂપિયાએ ગુરુવારે ડોલર સામે 19 પૈસાનો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. અગાઉના સત્રમાં 74.45ના સ્તરે બંધ રહેલો રૂપિયો 74.26ના સ્તરે મજબૂત ખૂલ્યો હતો અને સાધારણ વધ-ઘટ બાદ ત્યાં જ બંધ રહ્યો હતો. છેલ્લાં કેટલાક સત્રોથી વિદેશી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલી અટકતાં રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ પણ રેંજ બાઉન્ડ છે અને તેથી કરન્સી માર્કેટ સ્થિરતા દર્શાવી રહ્યું છે.
માસ ફાઈનાન્સે રૂ. 37 કરોડનો નફો દર્શાવ્યો
અમદાવાદ સ્થિત એનબીએફસીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 36.83 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 36.59 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 160.40 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 148.50 કરોડ રહી હતી. જૂન ક્વાર્ટરમાં કુલ એયૂએમ રૂ. 5161.63 કરોડ પર હતું. કંપનીએ રૂ. 54.27 કરોડની વિશેષ કોવિડ જોગવાઈ કરી હતી.
RBIની વિક્રમી ખરીદી પાછળ ગોલ્ડ રિઝર્વ્સ 700 ટનને પાર કરી ગયું
ન્ટ્રલ બેંકે ફોરેક્સ રિઝર્વ્સના ભાગરૂપે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં 29 ટન સોનું ખરીદ્યું
જૂન 2021માં વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેંક્સની કુલ ખરીદીના 30 ટકા હિસ્સો આરબીઆઈનો હતો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ કેલેન્ડરના પ્રથમ છ મહિના દરમિયાન અત્યાર સુધીમાં સૌથી ઊંચી ખરીદી દર્શાવતાં ગોલ્ડ રિઝર્વ્સ પ્રથમવાર 700 ટનની સપાટી કૂદાવી ગયું છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતીય સેન્ટ્રલ બેંકે ફોરેક્સ રિઝર્વ્સના ભાગરૂપે 29 ટનની ખરીદી કરી હતી. જ્યારબાદ કુલ ગોલ્ડ રિઝર્વ્સ 705.6 ટન પર પહોંચ્યું હતું એમ બેંકનો રિપોર્ટ જણાવે છે.
છેલ્લા બે વર્ષોની વાત કરીએ તો આરબીઆઈની ગોલ્ડ ખરીદીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જેને કારણે સોનાની અનામતમાં લગભગ 30 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કેલેન્ડર 2018ની શરૂઆતમાં સેન્ટ્રલ બેંક પાસે કુલ 558.1 ટન ગોલ્ડ રિઝર્વ્સ જોવા મળતું નથી. જે ત્રણ વર્ષોમાં 150 ટનની વૃદ્ધિ દર્શાવે છે. જોકે એક નોંધપાત્ર વાત છે કે ગોલ્ડની કુલ અનામતો વધી છે પરંતુ બેંકના કુલ રિઝર્વ્સમાં ગોલ્ડનો હિસ્સો જૂન ક્વાર્ટરમાં અડધો ટકો ઘટી 6.5 ટકા પર જોવા મળ્યો હતો. માર્ચના અંતે ગોલ્ડ રિઝર્વનો હિસ્સો 7 ટકા પર હતો.
જૂન મહિનામાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ કરેલી કુલ ખરીદીમાંથી 30 ટકા હિસ્સો આરબીઆઈનો હતો. સેન્ટ્રલ બેંક્સનો ગોલ્ડ ખરીદીમાં કુલ હિસ્સો 32 ટકા પર હતો. જેમાં ભારતનો હિસ્સો 9.4 ટકા પર હતો. આરબીઆઈ 705.6 ટન ગોલ્ડ સાથે વિશ્વની અગ્રણી સેન્ટ્રલ બેંક્સ તેમના ફોરેક્સ રિઝર્વ્સમાં ગોલ્ડ રિઝર્વ્સ બાબતે હવે 10મા ક્રમે આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંકો 2020ની સરખામણીમાં 2021માં ઊંચા દરે ગોલ્ડની ખરીદી જાળવી રાખશે. કેમકે તેઓ તેમના રિઝર્વ્સનું વૈવિધ્યીકરણ કરીને રિસ્ક ઓછું કરી રહી છે.
ટોચની 10 બેંકોએ કોર્પોરેટ લોન્સ માટે સેકન્ડરી માર્કેટની રચના કરી
સેકન્ડરી માર્કેટમાં મોટાભાગે બે બેંક્સ વચ્ચે સોદા થશે અથવા એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને વેચાણ થશે
બોરોઅર્સને તેમની કેપિટલ કોસ્ટ નીચા રાખવામાં તથા સરળ ક્રેડિટ ઉપલબ્ધતાના સ્વરૂપમાં લાભ પ્રાપ્ય બનશે
દેશની ટોચની 10 બેંકોએ કોર્પોરેટ લોન્સના સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ માટે ઓનલાઈન પ્લેટફોર્મની સ્થાપના કરવા હાથ મિલાવ્યાં છે. દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલમાં સાથે આવનારી બેંક્સમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, કેનેરા બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, પીએનબી, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનો સમાવેશ થાય છે.
સેકન્ડરી લોન માર્કેટ એસોસિએશન(એસએલએમએ) તરીકે ઓળખાતાં આ માર્કેટની રચના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડેવલપમેન્ટ ઓફ સેકન્ડરી માર્કેટ ફોર કોર્પોરેટ લોન્સ પરની ટાસ્ક ફોર્સની ભલામણને આધારે કરવામાં આવી છે. હાલમાં દેશમાં આ પ્રકારનું માળખું પ્રાપ્ય નથી. અત્યાર સુધી ઈન્ટર બેંક ટ્રાન્ઝેક્શન્સને જ કોર્પોરેટ લોન માટેનું સેકન્ડરી માર્કેટ કહેવામાં આવતું હતું. જેમાં એક બેંકમાંથી બીજી બેંકમાં લોન એકાઉન્ટ્સના ટ્રાન્સફર મારફતે થતું હતું. કોઈ બેંકની સ્ટ્રેસ્ડ એસેટ્સને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(એઆરસી)ને થતાં વેચાણને પણ આમ ગણવામાં આવતું હતું. તાજેતરના વર્ષોમાં બેંકો એઆરસીને તેમની સ્ટ્રેસ્ડ એસેટ્સના વેચાણમાં નોંધપાત્ર રીતે સફળ રહી હતી. જોકે બેંકો વચ્ચે લોન એકાઉન્ટ્સના હસ્તાંતરણનું પ્રમાણ પાંખું જોવા મળ્યું હતું.
આરબીઆઈના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર સૌરવ સિંહાના જણાવ્યા મુજબ સામાન્યરીતે નાની બેંકો મોટા અને ક્રેડિટવર્ધી ધિરાણ આપવાથી દૂર રહે છે. જોકે સેકન્ડરી માર્કેટ તેમને આ પ્રકારના મોટા એક્સપોઝરમાં ભાગ લેવાની તક આપે છે. આમ તેમને લાર્જ એક્સપોઝર ફ્રેમવર્ક હેઠળ નડતાં અવરોધો ભૂતકાળ બની રહેશે. એસએલએમએ તેના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તે પ્રાઈમરી લોન ડોક્યૂમેન્ટેશનના સ્ટાન્ડર્ડાઈઝેશનઅને સિમ્પ્લીફિકેશન માટે ઓનલાઈન સિસ્ટમની સ્થાપના માટે તથા સેકન્ડરી લોન માર્કેટ માટે અન્ય ટ્રેડિંગ યંત્રણાઓને લઈ તમામ જરૂરી સુવિધા પૂરી પાડશે. તે સ્ટાન્ડર્ડ ટ્રેડિંગ, સેટલમેન્ટ અને વેલ્યૂએશન પ્રોસિજર્સ અને પ્રેકટિસિસને પણ પ્રમોટ કરશે. તે સભ્યો માટે નિયમો અને ટાઈમલાઈન્સ તથા ટ્રાન્ઝેક્શન્સ સંબંધિત ચાર્જિસ નિર્ધારિત કરશે.
આરબીઆઈ ટાસ્ક ફોર્સના અહેવાલ મુજબ એક્ટિવ સેકન્ડરી કોર્પોરેટ લોન માર્કેટ્સ બેંકોને અનેક પ્રકારના લાભ આપશે. જેમાં કેપિટલ ઓપ્ટીમાઈઝેશન, લિક્વિડીટી મેનેજમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ મુખ્ય છે. આવા પ્લેટફોર્મને કારણે અર્થતંત્રમાં અધિક ક્રેડિટ ક્રિએશન ઊભું થશે. જે બજારને પરિપક્વતા આપશે. બોરોઅર્સને પણ આનાથી ઘણા ફાયદા મળશે. જેમકે તેમના મૂડી માટેના ખર્ચમાં ઘટાડો થશે. તેમની ધિરાણ પ્રાપ્તિમાં વૃદ્ધિ થશે. સાથે નવી બેંક તથા નોન-બેંક કેપિટલ પ્રોવાઈડર્સ સાથે તેમના સંબંધો વિકસશે. એસએલએમએના ચેરમેનના જણાવ્યા મુજબ સેકન્ડરી માર્કેટ સિસ્ટમેટીક ડિજિટલ લોન ટ્રેડિંગ પ્લેટફોર્મ, સ્ટાન્ડર્ડાઈઝેશન ઓફ ડોક્યૂમેન્ટ્સ, ભાગીદારોના એક્ટિવ પાર્ટિસિપેશન તથા ઈફેક્ટીવ પ્રાઈસ ડિસ્કવરી મિકેનિઝમ જેવા મજબૂત પિલર્સ પર ઊભું થશે.