Market Summary 12 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

લાંબા વિકેન્ડ વચ્ચે તેજીવાળાઓનો જુસ્સો યથાવત
બેંક નિફ્ટીએ 39 હજારની સપાટી પાર કરી
પીએસઈ, એનર્જી, મેટલમાં મજબૂતી
ફાર્મા, આઈટી અને એફએમસીજીમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 17.60ની સપાટીએ
ICICI બેંકે સર્વોચ્ચ સપાટી સાથે રૂ. 6 લાખ કરોડનું M-Cap પાર કર્યું
ટાટા એલેક્સિએ રૂ. 10 હજારની સપાટી વટાવી
અદાણી ટ્રાન્સમિશન રૂ. 4 લાખ કરોડના M-Cap નજીક

વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારમાં મજબૂતી જળવાય હતી. સાંકડી રેંજમાં અથડાયેલા રહ્યાં બાદ બેન્ચમાર્ક્સ ચાર મહિનાની નવી ટોચ પર બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 130 પોઈન્ટ્સ ઉછળી 59463ની સપાટી પર જ્યારે નિફ્ટી 39.15 પોઈન્ટ્સના સુધારે 17698ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 26 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 24 કાઉન્ટર નેગેટિવ જોવા મળ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી પાછળ બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 17.60ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતીય બજારે સતત ચોથા સપ્તાહે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે નિફ્ટી સતત બીજા સત્રમાં 17700ની સપાટી પાર કરી તેના પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે માર્કેટે પોઝીટીવ બંધ દર્શાવી તેજીવાળાઓ જુસ્સો મજબૂત હોવાની ખાતરી પૂરી પાડી હતી. નિફ્ટી કેશની સામે ફ્યુચર્સ 19 પોઈન્ટ્સના પ્રિમીયમ બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક્સને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ઓએનજીસી, ટાટા સ્ટીલ, એનટીપીસી, યૂપીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, બીપીસીએલ, રિલાયન્સ અને ગ્રાસિમનો સમાવેશ થતો હતો. આ તમામ કાઉન્ટર્સ 1.6 ટકાથી લઈ 5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ 6 ટકા સાથે ટોચ પર હતો. એપોલો હોસ્પિટલ 2.7 ટકા, ઈન્ફોસિસ 1.6 ટકા, મારુતિ સુઝુકી 1.3 ટકા અને ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ 1.3 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બજારને સપોર્ટ કરવામાં પીએસઈ, એનર્જી અને મેટલ સેક્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી પીએસઈ 2 ટકા મજબૂતી સાથે 4100ની સપાટી પાર કરી ગયો હતો. સેક્ટરને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં ઓએજીસી, સેઈલ, એનટીપીસી, એચપીસીએલ, પાવર ગ્રીડ, ગેઈલ, બીપીસીએલ અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળી 27 હજારના સ્તરને કૂદાવી ગયો હતો. જેમાં પીએસયૂ કાઉન્ટર્સઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું યોગદાન પણ મહત્વનું હતું. હેવીવેઈટ શેર 1.62 ટકા સુધારે રૂ. 2600ની સપાટી કૂદાવી રૂ. 2633ના સ્તરે બંધ આવ્યો હતો. ટાટા પાવર, આઈઓસી અને અદાણી ગ્રીન એનર્જી પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 1.64 ટકા સુધરી ચાર મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં સેઈલ 3.5 ટકા સાથે ટોચ પર હતો. જ્યારે ટાટા સ્ટીલ, વેદાંત, જિંદાલ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને એનએમડીસીનો પણ સમાવેશ થતો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 2871ની સર્વોચ્ચ ટોચ દર્શાવી રૂ. 2864.55ની સપાટી પર બંધ રહ્યો હતો. ડિફેન્સિવ્સ સેક્ટર્સમાં બીજી બાજુ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં આઈટી અને ફાર્મા મુખ્ય હતાં. નિફ્ટી આઈટી 1.15 ટકા તૂટ્યો હતો. માઈન્ડટ્રી, એમ્ફેસિસ, એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ અને ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સ પાછળ આઈટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મામાં પણ એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ડિવિઝ લેબ્સ, બાયોકોન, સિપ્લા, લ્યુપિન અને સન ફાર્મા ઘટવામાં ટોચ પર હતાં. નિફ્ટી એફએમસીજી પણ સાધારણ નરમાઈ સૂચવી રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી બીજા દિવસે પોઝીટીવ જોવા મળ્યો હતો. જેમાં ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અનેક કાઉન્ટર્સમાં બીજા દિવસે ખરીદી જળવાય હતી. જેમાં ભારત ફોર્જ 7.4 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે આઈજીએલ 5.5 ટકા, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ 4.5 ટકા, ટાટા કેમિકલ્સ 4 ટકા, ટોરેન્ટ પાવર 4 ટકા અને સીજી કન્ઝ્યૂમર 3.6 ટકા, મહાનગર ગેસ 3.4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ ઈપ્કા લેબ્સમાં 9 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી એએમસી, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ઝી એન્ટરટેઈનમેન્ટ, જ્યુબિલઅન્ટ ફૂડ, ઈન્ડિયામાર્ટ, પીવીઆર, ઈન્ડિયન હોટેલ્સ અને એલએન્ડટી ઈન્ફોટેકમાં ઘટાડો નોંધાયો હતો. તાતા જૂથના તાતા એલેક્સિનો શેર ઈતિહાસમા પ્રથમવાર રૂ. 10 હજારની સપાટીને સ્પર્શ્યો હતો અને 7.8 ટકા સુધારા સાથે રૂ. 10238.05ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂ. 63758 કરોડ સાથે તે તાતા જૂથની ટોચની પાંચ માર્કેટ-કેપ કંપનીઓમાં પ્રવેશ્યો હતો. તાતા કેમિકલ્સે પણ સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જૂથની અન્ય કંપની ટ્રેન્ટે પણ સર્વોચ્ચ લેવલ બનાવ્યું હતું. જ્યારે એલેમ્બિક ફાર્માનો શેર રૂ. 648.30નું વાર્ષિક લો બનાવી સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પસંદગીની ખરીદી જળવાય હતી. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ ટ્રેડેડ 3543 કાઉન્ટર્સમાંથી 1760 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1628 કાઉન્ટર્સે અગાઉના બંધ સામે ઘટાડો સૂચવતાં હતાં. 123 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 155 કાઉન્ટર્સ અગાઉના બંધના સ્તરે ફ્લેટ જોવા મળ્યાં હતાં.



જુલાઈમાં ઓટો વેચાણમાં વાર્ષિક 10 ટકા વૃદ્ધિઃ SIAM
મિડિયમ રેંજ કાર્સ અને યુટિલિટી વેહીકલ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ
જોકે એન્ટ્રી-લેવલ પેસેન્જર કાર્સ, ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ વાહનોમાં રિકવરીનો અભાવ

જુલાઈ મહિનામાં સ્થાનિક માર્કેટમાં રવાનગીમાં તમામ કેટેગરીઝ મળીને વાર્ષિક 10 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ) જણાવે છે. ભારતમાં ઓટોમોબાઈલ કંપનીઓ ડિલર્સને રવાના કરવામાં આવતાં વાહનને સેલ્સ તરીકે ગણનામાં લે છે.
સિઆમના જણાવ્યા મુજબ પેસેન્જર વ્હીકલ્સમાં મજબૂત માગ પાછળ વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં કાર્સ, વેન અને યુટિલિટી વેહીકલ્સનો સમાવેશ થતો હતો. સેમીકંડક્ટર્સનો સપ્લાય વધવાને કારણે પેસેન્જર વ્હીકલ્સ ઉત્પાદકો તેમનું ઉત્પાદન વધારી શક્યાં હતાં અને સપ્લાય વધ્યો હતો. મહિના દરમિયાન પીવી સેલ્સનું વેચાણ 11 ટકા વધી 2,93,865 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2,64,442 યુનિટ્સ પર હતું. જ્યારે પ્રોડક્શન 3,33,369 યુનિટ્સ પરથી વધી 3,58,888 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જુલાઈમાં કમર્સિયલ વ્હીકલ્સને બાદ કરતાં અન્ય તમામ કેટેગરીઝના વેચાણ પર નજર નાખીએ તો કુલ 17,06,545 યુનિટ્સ વાહનો વેચાયાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં 15,42,716 યુનિટ્સ પર હતાં એમ સિઆમ નોંધે છે. ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ગયા વર્ષની નીચી બેઝ ઈફેક્ટ હોવાનું સિઆમ ઉમેરે છે. ગયા વર્ષે બંને સેગમેન્ટમાં વાહનોનું વેચાણ 2006 અને 2016 કરતાં નીચું જોવા મળ્યું હતું. આમ સિઆમના મતે એન્ટ્રી-લેવલ પેસેન્જર કાર્સ, ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં હજુ માર્કેટ રિકવરી જોવાની બાકી છે. તાજેતરમાં આરબીઆઈ તરફથી ઈન્ફ્લેશનને અંકુશમાં લેવાના હેતુથી રેપો રેટમાં સતત ત્રણ વૃદ્ધિને જોતાં ઓટો લોન્સ મોંઘી બનવાના કારણે એન્ટ્રી-લેવલ વેહીકલ્સને રિકવરી થવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે એમ સિઆમ નોંધે છે.


વેલ્યૂએશન્સ ઘટતાં યુનિકોર્ન્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો
કોવિડ બાદના બે વર્ષોમાં અનેક સ્ટાર્ટ-અપ્સના વેલ્યૂએશન્સમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને તેઓ યુનિકોર્ન્સ બન્યાં હતાં. જોકે છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં આ ટ્રેન્ડ પલટાયો છે. તાજેતરમાં અનેક સ્ટાર્ટ-અપ્સના વેલ્યૂએશન્સમાં ઘટાડાને કારણે એક અબજ ડોલરનું વેલ્યૂએશન પાર કરી ગયેલાં અને યુનિકોર્ન્સ બનેલા કેટલાંક સ્ટાર-અપ્સે યુનિકોર્ન્સનું લેબલ ગુમાવ્યું છે. યુનિકોર્ન્સનું લેબલ ગૂમાવી ચૂકેલા આવા પાંચેક સ્ટાર્ટ-અપ્સમાં પેટીએમ મોલ, સ્નેપડિલ, હાઈક, શોપક્લૂઝ અને ક્વિકરનો સમાવેશ થાય છે. આમ એક તબક્કે 108 પર પહોંચેલી યુનિકોર્ન્સની સંખ્યા ઘટી 103 પર રહી ગઈ છે. આ ઉપરાંત લગભગ 12 જેટલા યુનિકોર્ન્સનું વેલ્યૂએશન એક અબજ ડોલર પર સ્થિર જોવા મળી રહ્યું છે. જેમાં વેદાંતુ, નોબ્રોકર, બ્લેકબક અને સ્લાઈસનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના સ્ટાર્ટ-અપ્સ 2021 અને 2022માં યુનિકોર્ન્સ ક્લબમાં પ્રવેશ્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે 11 વર્ષ અગાઉ 2011માં યુનિકોર્ન બનેલી ઈનમોબીનો સમાવેશ પણ આ યાદીમાં થાય છે.

વિન્ડફોલ ટેક્સમાંથી સરકારે રૂ. 3 હજાર કરોડ મેળવ્યાં
કેન્દ્ર સરકારે ફ્યુઅલ એક્સપોર્ટ પર લાગુ પાડેલા વિન્ડફોલ ટેક્સ પેટે પ્રથમ પાંચ સપ્તાહમાં લગભગ રૂ. 3 હજાર કરોડ મેળવ્યાં હોવાનું જાણવા મળે છે. જ્યાં સુધી ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટના ભાવ 80 ડોલર પ્રતિ બેરલની ઉપર જળવાય ત્યાં સુધી સરકાર વન-ટાઈમ ટેક્સ એવા વિન્ડફોલ ટેક્સને ચાલુ રાખશે એમ વર્તુળો જણાવે છે. ઓઈલ કંપનીઓ પર લાગુ પાડવામાં આવેલા વિન્ડફોલ ટેક્સ અંગે હવેની સમીક્ષા બેઠક આગામી સપ્તાહે મળવાની છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટની સરેરાશ પ્રાઈસ 98.29 ડોલર પ્રતિ બેરલ જોવા મળી છે. સરકારે 1 જુલાઈએ પેટ્રોલ, ડિઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડ્યો હતો. રશિયા-યૂક્રેન યુધ્ધ પાછળ ક્રૂડના ભાવ ઉછળતાં સરકારે વિન્ડફોલ ટેક્સ લાદવાનું વિચાર્યું હતું.

ડોલર સામે રૂપિયો વધુ 4 પૈસા ઘસાયો
ઈક્વિટી માર્કેટમાં મજબૂતી વચ્ચે ડોલર સામે રૂપિયામાં ઘટાડો જળવાયો છે. શુક્રવારે રૂપિયો 79.666ની સપાટીએ નરમ ઓપનીંગ વચ્ચે સાંકડી રેંજમાં અથડાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 79.72નું બોટમ દર્શાવ્યું હતું અને કામકાજની આખરમાં 79.65ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ગુરુવારે 79.61ના બંધ ભાવ સામે 4 પૈસાનો ઘટાડો સૂચવતો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં બાઉન્સ પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં નરમાઈને કારણે રૂપિયો પણ સતત ત્રીજા દિવસે ઘસાયો હતો.



બેંક્સના NPA પ્રોવિઝનીંગમાં 24 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો
જૂન ક્વાર્ટરમાં 29 બેંક્સે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 36 હજાર કરોડથી વધુ સામે રૂ. 29185 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું
પ્રાઈવેટ બેંક્સના બેડ લોન પ્રોવિઝનીંગમાં 60 ટકાનો તીવ્ર ઘટાડો જોવાયો
PSU બેંક્સના પ્રોવિઝનીંગમાં 5.4 ટકા વૃદ્ધિ જોવા મળી

લિસ્ટેડ બેંકિંગ કંપનીઓએ જૂન મહિનામાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ સામે તેમના પ્રોવિઝનીંગમાં ઘટાડાનો ક્રમ જાળવી રાખ્યો છે. અત્યાર સુધી જૂન ક્વાર્ટર પરિણામો જાહેર કરી ચૂકેલી 29 જેટલી બેંક્સના એનપીએ પ્રોવિઝનીંગમાં વાર્ષિક 23.7 ટકાનો ઘટાડો નોંધાયો છે અને સમગ્રતયા પ્રોવિઝનીંગ ઘણા ક્વાર્ટર્સના તળિયા પર જોવા મળે છે.
એનપીએ પ્રોવિઝનીંગમાં ઘટાડો દર્શાવનાર બેંક્સમાં પ્રાઈવેટ બેંક્સ અગ્રણી છે. કોવિડ પાછળ ઊંચા પ્રોવિઝનીંગ દર્શાવનાર ખાનગી બેંકિંગ કંપનીઓના પ્રોવિઝનીંગમાં જૂન ક્વાર્ટરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અભ્યાસમાં ગણનામાં લેવામાં આવેલી 29 બેંક્સે જૂન ક્વાર્ટર માટે રૂ. 29185.1 કરોડનું પ્રોવિઝનીંગ દર્શાવ્યું હતું. આ 29 બેંક્સમાં દર ત્રણમાંથી બે બેંક્સે નીચી એનપીએ નોંધાવી હતી. અગાઉના માર્ચ ક્વાર્ટરમાં તેમણે બેડ લોન પ્રોવિઝનીંગમાં 51.6 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો અને તે રૂ. 31943.1 કરોડ પર રહ્યું હતું. બેંક્સ તરફથી ઊંચી રિકવરીઝ અને હેલ્ધી પ્રોવિઝનીંગ બફરને કારણે બેડ લોન પ્રોવિઝનીંગમાં સતત ઘટાડો જળવાયો છે. જેને કારણે તેઓ અપેક્ષાથી ઊંચી નફાકારક્તા હાંસલ કરી શક્યાં છે. માર્કેટ એનાલિસ્ટ્સ માને છે કે આગામી સમયગાળામાં પણ બેંકિંગ કંપનીઓની એસેટ્સ પરનો સ્ટ્રેસ ઓછો થવાથી તથા વધુ સારા ક્રેડિટ ગ્રોથને કારણે સમગ્રતયા એનપીએ રેશિયો ઘટાડા તરફી બની રહેશે. પ્રોવિઝનીંગમાં ઘટાડો મુખ્યત્વે પ્રાઈવેટ સેક્ટર બેંક્સને કારણે જોવા મળ્યો છે ખાનગી બેંકિંગ કંપનીઓએ તેમના જૂન ક્વાર્ટર પ્રોવિઝનીંગમાં વાર્ષિક ધોરણે 59.7 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે બીજી બાજુ જાહેર ક્ષેત્રની બેંક્સ તરફથી જૂન ક્વાર્ટર માટે બેડ લોન પ્રોવિઝનીંગમાં 5.4 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
પ્રાઈવેટ સેક્ટર બેંક્સમાં પ્રોવિઝનીંગમાં તીવ્ર ઘટાડો દર્શાવનારાઓમાં કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક ટોચ પર છે. કોટક બેંકે જૂન ક્વાર્ટરમાં પ્રોવિઝનીંગમાં 87.9 ટકા જ્યારે એક્સિસ બેંકે 72.9 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. બીજી બાજુ પીએસયૂ બેંક્સમાં એસબીઆઈના જૂન ક્વાર્ટર પ્રોવિઝનીંગમાં 22.3 ટકા જ્યારે બેંક ઓફ બરોડાના પ્રોવિઝનીંગમાં 39 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. અભ્યાસમાં આવરી લેવાયેલી 29 બેંક્સની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 14.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.4 લાખ કરોડ પર જોવા મળી હતી. જે ત્રણ વર્ષોમાં સૌથી ઊંચી હતી. આઈડીબીઆઈ બેંકને બાદ કરતાં અભ્યાસમાં સમાવિષ્ટ અન્ય તમામ બેંક્સે નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં વૃદ્ધિ દર્શાવી હતી. આઈડીબીઆઈની ઈન્ટરેસ્ટ ઈન્કમમાં 0.7 ટકા ઘટાડો નોંધાયો હતો. જૂન ક્વાર્ટરમાં 29 બેંક્સનું કોવિડ પ્રોવિઝનીંગ ઘટીને રૂ. 30573 કરોડ પર જોવા મળ્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 34642 કરોડ પર નોંધાયું હતું.



નિફ્ટીના 75 ટકા કાઉન્ટર્સ 200-DMAનું સ્તરની પાર નીકળ્યાં
કોલ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ITC જેવા કાઉન્ટર્સનું 50 ટકાથી વધુ રિટર્ન

બેન્ચમાર્ક સૂચકાંકે જુલાઈમાં 9 ટકા અને ઓગસ્ટમાં 4 ટકા વૃદ્ધિ દર્શાવ્યાં બાદ નિફ્ટીના 50માંથી 37 જેટલા કાઉન્ટર્સ ટેકનિકલી મજબૂતી સૂચવી રહ્યાં છે. તાજેતરમાં મોટાભાગના કાઉન્ટર્સે તેમની 200-દિવસની મૂવીંગ એવરેજ(ડીએમએ)ની સપાટીને પાર કરી છે.
સામાન્યરીતે 200-ડીએમએની ઉપર ટ્રેડ થનારા શેર્સમાં સુધારાની શક્યતા ઊંચી માનવામાં આવે છે. બજારમાં જ્યારે મંદી આવે ત્યારે પણ તેઓ બ્રોડ માર્કેટની સરખામણીમાં નીચો ઘટાડો દર્શાવે તેવું મનાય છે. મે અને જૂનમાં જ્યારે બેન્ચમાર્ક્સ વાર્ષિક તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં હતા ત્યારે મોટાભાગના કાઉન્ટર્સ ટેકનિકલી નબળા જણાતા હતા. તેમજ તેઓ 200-ડીએમએના મહત્વના સપોર્ટ નીચે ઉતરી ગયા હતા. ઓક્ટોબર 2021થી ભારતીય બજારમા વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ) તરફથી વેચવાલી પાછળ બજારમાં ઊંચી વધ-ઘટ જોવા મળી હતી. જે દરમિયાન લાર્જ-કેપ્સ સહિત મીડ અને સ્મોલ-કેપ્સ શેર્સમાં તેમની સર્વોચ્ચ ટોચના સ્તરેથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એફપીઆઈએ ઓક્ટોબર 2021થી જુન 2022 સુધીના નવ મહિનાના સમયગાળામાં ભારતીય બજારમાં અંદાજે 35 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જોકે ગયા જુલાઈમાં તેમણે રૂ. 5 હજાર કરોડ જ્યારે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 16 હજાર કરોડથી વધુનું રોકાણ દર્શાવ્યું છે.
નિફ્ટીમાં સમાવિષ્ટ 200-ડીએમએની સપાટી ઉપર ટ્રેડ થઈ રહેલા શેર્સમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન, એક્સિસ બેંક, બજાજ ઓટો, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, લાર્સન એન્ડ ટુબ્રો અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. કેટલાંક નિફ્ટી કાઉન્ટર્સ તેમની 200-ડીએમએની સપાટીથી નોંધપાત્ર ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે અને તેઓ ઈન્વેસ્ટર્સના રડાર પર છે. જેમાં આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. 200-ડીએમએથી નોંધપાત્ર ઊંચા સ્તરે ટ્રેડ થનારા કાઉન્ટર્સ મધ્યમ ટર્મમાં સુધારાતરફી બાયસ ધરાવતાં હોય છે. કરેક્શનના સમયગાળામાં તેઓ પ્રવેશની સારી તક પૂરી પાડે છે અને વિવિધ તેજીની પેટર્નને આધારે જોઈએ તો તેઓ 20-25 ટકા સુધીનું રિટર્ન દર્શાવી શકે છે. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં કોલ ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અનુક્રમે 56 ટકા અને 53 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે આઈટીસીએ 49 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 25 ટકાથી વધુ એટલેકે 14 કાઉન્ટર્સે 10 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું છે. જેમાં એચયૂએલ, આઈશર મોટર્સ અને હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

હિમાદ્રિ કેમિકલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 38.9 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 15.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 539 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1046 કરોડ રહી હતી.
જીઈ ટીએન્ડડીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 6.3 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 19.2 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 638 કરોડ સામે 7 ટકા ગગડી રૂ. 593 કરોડ રહી હતી.
કેએનઆરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 100.8 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 73 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 740 કરોડ સામે ચાલુ વર્ષે 20 ટકા વધી રૂ. 891 કરોડ રહી હતી.
ટીએનપીએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 60.3 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 13.8 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 631 કરોડ સામે 86 ટકા ઉછળી રૂ. 1128 કરોડ રહી હતી.
દિશમાન કાર્બોજેનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 4 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 551 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 541 કરોડ પર રહ્યાં હતાં. કંપનીનો એબિટા રૂ. 90.4 કરોડ જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 100.6 કરોડ હતો. એબિટા માર્જિન 16.7 ટકા પર જોવા મળ્યાં હતાં.
નિયોજેન કેમિકલ્સઃ જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 11.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7.4 કરોડ પર હતો. કંપનીની આવક 75 ટકા વધી રૂ. 148 કરોડ પર રહી હતી. જ્યારે ઈપીએસ રૂ. 4.43 જોવા મળી હતી. જે ગયા વર્ષે રૂ. 3.15 પર જોવા મળતી હતી.
વોલ્ટાસઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને માર્કેટમાં ખરીદી કરીને વોલ્ટાસમાં તેનો શેર હિસ્સો 4.833 ટકા પરથી વધારી 6.861 ટકા કર્યો છે.
ઓરોબિંદો ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 520 કરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ. 630 કરોડના અંદાજ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. કંપનીની આવક રૂ. 6235 કરોડ પર જોવા મળી હતી.
પૂર્વંકારાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 34.4 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 154 કરોડની સામે 78 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 181.5 કરોડ સામે ચાલુ વર્ષે 18 ટકા વધી રૂ. 215 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage