નિફ્ટીએ 14500 પણ પાર કર્યું
ભારતીય બજાર તેજીના ઘોડા પર સવારી જાળવી રહ્યું છે. નિફ્ટીએ મંગળવારે નેગેટિવ ઓપનીંગમાંથી બહાર આપી 14591ની ટોચ દર્શાવી 14563ની સર્વોચ્ચ ટોચ પર બંધ આપ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ પણ 49500ની સપાટી પાર કરી ગયો હતો. બજાર સ્પષ્ટપણે ઓવરબોટ ઝોનમાં છે અને તેથી રોકાણકાર-ટ્રેડર્સે ખૂબ સાવચેતી રાખવી પડશે.
માર્કેટનો રિસ્ક ઝોનમાં પ્રવેશ, પોઝીશન્સ હળવી કરવી આવશ્યક
નિફ્ટીને લોંગ ટર્મ ટોપને જોડતી લાઈન પર 14800-15000ની રેંજમાં મુખ્ય અવરોધ નડી શકે છે
મંગળવારે વધુ એક ટોચ પર બંધ રહેલું શેરબજાર હવે રિસ્કી ઝોનમાં પ્રવેશ્યું છે એમ માર્કેટ એનાલિસ્ટ્સ સ્પષ્ટપણે જણાવી રહ્યાં છે. તેમના મતે બજાર ઓવરબોટ ઝોનમાં છે અને આગામી સમયમાં તે કરેક્શન દર્શાવે તેવી ઊંચી શક્યતા છે. જેને જોતાં લોંગ પોઝીશનને હળવી કરી લેવી જોઈએ. જ્યારે ડિલિવરી બેઝ ટ્રેડર્સે પણ તેના લેણ પર પ્રોફિટ બુક કરવો જોઈએ.
ટેકનિકલ એનાલિસ્ટ જણાવે છે કે નિફ્ટીએ 2010 અને 2015માં દર્શાવેલી અનુક્રમે 6335 અને 9120ની ટોચને જોડતી ટ્રેન્ડલાઈન પર 14800-15000ની રેંજમાં તેને મહત્વનો અવરોધ જણાય રહ્યો છે. આમ આ સ્તરે પાર કરવું તેના માટે ખૂબ કઠિન બની શકે છે. મંગળવારે નિફ્ટી 14591ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 79 પોઈન્ટ્સના ઉછાળે 14563 પર બંધ રહ્યો હતો. જે 14800ના સ્તરથી લગભગ 235 પોઈન્ટસ છેટે છે. અંતિમ કેટલાંક સત્રોમાં બજાર દૈનિક ધોરણે જે રીતે ઉચકાઈ રહ્યું છે તે જોતાં 14800 તેના માટે હાથવગું છે. જ્યાં અવરોધ પાછળ બજાર કરેક્શનનો અનુભવ કરી શકે છે. આમ વર્તમાન સમય પ્રોફિટ બુકિંગ માટે યોગ્ય છે. જેમાં રોકાણકારે કે ટ્રેડર્સે ઓછામાં ઓછું 35 ટકા પોઝીશન છોડી દેવી જોઈએ. જ્યારે નવા લેણથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. તેણે કોઈપણ પ્રકારના નવા ટ્રેડિંગ કોલ્સને ટાળવા જોઈએ એવી સ્પષ્ટ સલાહ એનાલિસ્ટ કરે છે. અગાઉ બજારે જ્યારે પણ આવો તીવ્ર સુધારો દર્શાવ્યો છે ત્યારપછીના એકથી બે મહિનામાં 20 ટકાથી વધુનું તીવ્ર કરેક્શન દર્શાવ્યું છે. આ વખતે પણ આમ થશે એમ કહી શકાય નહિ પરંતુ બજારમાં વોલેટિલીટી વધશે અને ટ્રેડર્સને છેલ્લા ત્રણ મહિનાની જેમ સરળ એક્ઝિટ મળવાની શક્યતા ઓછી રહેશે. મંગળવારે ભારતીય વીઆઈએક્સ 2.06 ટકા ઉછળી 22.84 પર બંધ રહ્યો હતો. જે પણ બજારમાં વોલેટિલિટીમાં વૃદ્ધિનો સંકેત આપે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત વધી રહ્યો છે અને સપ્તાહમાં 12 ટકા જ્યારે મહિનામાં 22 ટકા જેટલો ઉછળ્યો છે.
એચડીએફસી બેંકે રૂ. 8 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું
દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી બેંકે મંગળવારે રૂ. 8 લાખ કરોડનું માર્કેટ-કેપનું સ્તર પાર કર્યું હતું. બેંકનો શેર તેના અગાઉના રૂ. 1451ના બંધ ભાવ સામે 2 ટકાથી વધુના સુધારે રૂ. 1488ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 8.20 લાખ કરોડના વિક્રમી સ્તર પર જોવા મળ્યું હતું. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ બાદ ત્રીજા ક્રમે આવે છે. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 739ના સ્તરથી સુધરતો રહ્યો છે. મંગળવારે ખાનગી બેંકિંગ ક્ષેત્રે લાર્જ-કેપ્સમાં માત્ર એચડીએફસી બેંક જ અગ્રણી સુધારો દર્શાવતી હતી અને તેને કારણે બેંક નિફ્ટીને મહત્વનો સપોર્ટ મળ્યો હતો અને તે વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો.
ટાટા જૂથની કંપનીઓમાં તેજીનો જુવાળ
મંગળવારે ટાટા જૂથની ઘણી લિસ્ટેડ કંપનીઓ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી રહી હતી. જેમાં ટાટા મોટરનો શેર એક તબક્કે 12 ટકાના ઉછાળે રૂ. 249ની તેની અંતિમ બે વર્ષથી વધુની ટોચ દર્શાવી રહ્યો હતો. જેએલઆરના વેચાણના આંકડા સારા આવતાં કંપનીના શેરમાં સતત બીજા દિવસે વૃદ્ધિ જોવા મળી હતી. ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનો શેર 2 ટકા ઉછળી રૂ. 1110ની ટોચ પર ટ્રેડ થયો હતો. ટાટા કેમિકલ્સનો શેર 5.5 ટકા જેટલો ઉછળી રૂ. 535ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સનો શેર 1 ટકા મજબૂતી સાથએ રૂ. 635.20ની ટોચ પર જોવા મળ્યો હતો. ઉપરાંત ટાટા એલેક્સિનો શેર પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 2180ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે આખરે તે સાધારણ નરમાઈ સાથે બંધ આવ્યો હતો.
ડીએલએફનો શેર 10 ટકા ઉછળી 3 વર્ષની ટોચે
રિઅલ એસ્ટેટ અગ્રણી ડીએલએફના શેરમાં મંગળવારે નોંધપાત્ર તેજી જોવા મળી હતી. કંપનીનો શેર પોઝીટીવ ઓપનીંગ બાદ સતત સુધરતો રહી એક તબક્કે અગાઉના બંધ સામે 12 ટકાના ઉછાળે રૂ. 278ની ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીએ રૂ. 66 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. છેલ્લા કેટલાક સત્રોથી રિઅલ્ટી શેર્સમાં ભારે લેવાલી પાછળ આક્રમક તેજી જોવા મળી રહી છે. કંપનીનો શેર માર્ચ મહિનામાં રૂ. 115ના તળિયાથી 130 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. જોકે કેલેન્ડર 2008માં તેણે દર્શાવેલા રૂ. 1200ના સ્તરથી જ્યારે 2006માં રૂ. 625ના આઈપીઓ ભાવથી તે હજુ પણ નોંધપાત્ર નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
200 ટ્રેડિંગ સત્રોમાં બજારની માર્કેટ-વેલ્થમાં રૂ. 96 લાખ કરોડની વૃદ્ધિ
દૈનિક રૂ. 47795 કરોડ લેખે 24 માર્ચ, 2020થી અત્યાર સુધીમાં માર્કેટ-વેલ્થમાં 94 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો
મંગળવારે બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 197.5 લાખ કરોડની ટોચ પર જોવા મળ્યું હતું, જે ગઈ 23 માર્ચે તૂટીને રૂ. 101 લાખ કરોડ પર પહોંચ્યું હતું
સમાનગાળામાં બેન્ચમાર્ક સેન્સેક્સ 25981ના તળિયાથી 91 ટકા સુધરી 49517ના સ્તરે બંધ રહ્યો
ભારતીય બજારે સૌથી ટૂંકાગાળામાં સંપર્તિ સર્જનનો નવો વિક્રમ રચ્યો છે. 23 માર્ચ 2020ના રોજ જ્યારે બજારો તેમના પાંચ વર્ષના તળિયા પર પટકાયાં હતાં ત્યાર પછીના દિવસથી મંગળવારે 200 ટ્રેડિંગ સત્રો સુધીમાં બીએસઈના માર્કેટ-કેપમાં રૂ. 95.6 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. બીએસઈનું કુલ માર્કેટ-કેપ રૂ. 197.5 લાખ કરોડની વિક્રમી સપાટી પર પહોંચ્યું છે. જે 23 માર્ચે રૂ. 101 લાખ કરોડના ઘણા વર્ષોના તળિયા પર જોવા મળ્યું હતું. સમાનગાળામાં બેન્ચમાર્ક સેન્સેક્સમાં 90.6 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તે 25981ની સપાટીથી સુધરતો રહી મંગળવારે 49517 પર બંધ રહ્યો હતો.
જો પ્રતિ ટ્રેડિંગ દિવસ માર્કેટ-કેપ વૃદ્ધિ ગણીએ તો દૈનિક રૂ. 47795 કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. જે ભારતીય શેરબજારના ઈતિહાસમાં અસાધારણ ઘટના છે. સતત 200 ટ્રેડિંગ સત્રો સુધી બજારમાં આ દરે વૃદ્ધિ જોવા મળ્યું હોય તેવું પ્રથમવાર બન્યું છે. માર્કેટ ફેબ્રુઆરી-માર્ચ 2020માં 38 ટકા જેટલું તૂટ્યું હતું. જ્યારે માર્ચના તળિયાથી તે 91 ટકા જેટલું ઉછળ્યું હતું. એટલેકે સેન્સેક્સ કેલેન્ડર 2014માં જે સ્તરે ટ્રેડ થતો હતો. તે 25900ના સ્તરેથી તેને 42500ની જાન્યુઆરી 2020ની ટોચ પર પહોંચવામાં તેને છ વર્ષ લાગ્યાં હતાં. જ્યારે માર્ચમાં ઘટાડા બાદ તે સ્તરેથી રિકવર થતાં તેને માત્ર 200 ટ્રેડિંગ સત્રોનો સમય લાગ્યો હતો. લાર્જ-કેપ્સ કરતાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં તીવ્ર વૃદ્ધિને કારણે બજારનું કુલ માર્કેટ-કેપ સેન્સેક્સના 91 ટકા સરખામણીમાં 94 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. બજારે ફાર્મા અને આઈટી ક્ષેત્રે સૌથી વધુ માર્કેટ-કેપ વૃદ્ધિ નોંધાવી છે. હાલમાં સેગમેન્ટવાઈઝ જોઈએ તો નિફ્ટીમાં બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સનું કુલ માર્કેટ-કેપ રૂ. 30 લાખ કરોડથી વધુ થાય છે. જ્યારબાદના ક્રમે રૂ. 23.47 લાખ કરોડ સાથે આઈટી સેક્ટરનો ક્રમ આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકલું જ રૂ. 12.5 લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. આમ કુલ માર્કેટ-કેપમાં લગભગ 50 ટકા જેટલો હિસ્સો લાર્જ-કેપ્સનો થવા જાય છે.
ઓક્ટોબર બાદ ભારતીય બજારે ઉર્ધ્વ ગતિએ તેજી દર્શાવી છે અને બેન્ચમાર્કે સવા ત્રણ મહિના દરમિયાન 35 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જે દરમિયાન એફઆઈઆઈએ રૂ. 1.25 લાખ કરોડનો ઈનફ્લો ઠાલવ્યો છે. જે પ્રતિ ટ્રેડિંગ સત્ર રૂ. 2500 કરોડ જેટલો ઊંચો થાય છે. ગયા શુક્રવારે જ એફઆઈઆઈએ રૂ. 6030 કરોડની જંગી ખરીદી કરી હતી. આમ ડિસેમ્બરના આખરી સપ્તાહમાં તેમજ નવા કેલેન્ડરના પ્રથમ સપ્તાહ દરમિયાન ધીમો પડેલો એફઆઈઆઈ ઈનફ્લો ફરી પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. જે ચાલુ નાણાકિય વર્ષના બાકીના સમયગાળામાં પણ જંગી વિદેશી મૂડી બજારમાં પ્રવેશતી રહે તેવો સંકેત આપે છે. મંગળવારે શરૂઆતી દોરમાં નરમ ખૂલેલુ બજાર બે કલાક બાદ ગ્રીન ઝોનમાં પ્રવેશ્યું હતું અને રિલાયન્સ તથા બેંકિંગ શેર્સની આગેવાની હેઠળ નવી ટોચ પર પહોંચ્યું હતું. જેમાં નિફ્ટીએ 14500ના સ્તરને કૂદાવ્યું હતું અને બંધ પણ દર્શાવ્યું હતું. બેંક નિફ્ટી પણ 32398ની તેની વાર્ષિક ટોચ પર પહોંચવા સાથે એક ટકાથી વધુ ઉછળી 32339 પર બંધ જોવા મળ્યો હતો. તેણે ડિસેમ્બર 20219માં 32613ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી ગગડી 16500 પર પટકાયો હતો.