Market Summary 12 July 2021

માર્કેટ સમરી
બજારમાં ઊંચા મથાળે ડિસ્ટ્રીબ્યુશન
સોમવારે સારી શરુઆત દર્શાવ્યાં બાદ ભારતીય બજાર ફરી નીચે ઉતરી ગયું હતું. બપોરના સમયે કેન્દ્ર સરકાર સમાન સિવિલ કોડનો ખરડો લાવે તેવા અહેવાલ પાછળ બજાર ઊંધા માથે ગગડ્યું હતું અને રિટેલ રોકાણકારોના લેણ ખંખેરાય ગયા હતાં. જોકે પછીના બે કલાક દરમિયાન તેણે ફ્લેટ ટ્રેડ દર્શાવ્યો હતો. નિફ્ટી 15789ની ટોચ પરથી ગગડી 15645 સુધી ગગડી 15693 પર બંધ રહ્યો હતો. બજારમાં રિઅલ્ટીને બાદ કરતાં લગભગ તમામ સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી.

રિઅલ્ટી શેર્સમાં વધતાં આકર્ષણ પાછળ 15 ટકા સુધીનો ઉછાળો

ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ 15 ટકા ઉછળી ત્રણ વર્ષોની ટોચ પર ટ્રેડ થયો

નિફ્ટી ફ્લેટ બંધ રહ્યો જ્યારે નિફ્ટી રિઅલ્ટી 3.6 ટકા સાથે નવી ટોચ પર બંધ જોવા મળ્યો

 

સોમવારે બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે રિઅલ એસ્ટેટ શેર્સનું આકર્ષણ જળવાયું હતું. બજારમાં લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર રહેલાં રિઅલ્ટી શેર્સે 15 ટકા સુધીનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. અગ્રણી તમામ કંપનીઓ શેર્સમાં સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી અને તેઓ છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર અથવા તો સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયા હતાં. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 14 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો.

ભારતીય બજાર પોઝીટીવ શરૂઆત બાદ કેટલોક સમય સુધી સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જોકે બપોર બાદ તેમાં ઓચિંતી વેચવાલી જોવા મળી હતી અને મોટાભાગના કાઉન્ટર્સ તેમની દિવસની ટોચ પરથી નીચે ઉતરી તળિયાં પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે રિઅલ્ટી શેર્સે દિવસ દરમિયાન મજબૂતી જાળવી રાખી હતી અને તેઓ નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ દિવસ દરમિયાન 382.25ની છેલ્લા ઘણાં વર્ષોની નવી ટોચ પર ટ્રેડ થયો હતો અને આખરે 3.61 ટકા સુધારા સાથે 379.35ના સ્તરે બંધ રહ્યો હતો. 52-સપ્તાહના તળિયા સામે તે 100 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો હતો. જ્યારે ઈન્ડેક્સમાં સમાવિષ્ટ રિઅલ્ટી શેર્સમાં 15 ટકા સુધઈનો ઉછાળો નોંધાયો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ 14.81 ટકા સુધારા સાથે 138ની સપાટીને કૂદાવી ગયો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 140.20ની ટોચ દર્શાવી હતી. આ જ રીતે મહિન્દ્રા લાઈફ પણ 7 ટકાથી વધુના સુધારા સાથે રૂ. 660ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 685ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. છેલ્લા એક મહિનામાં શેર 30 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. તીવ્ર સુધારા દર્શાવનારા કેટલાંક અન્ય રિઅલ્ટી કાઉન્ટર્સમાં પૂર્વંકારા(14 ટકા), સનટેક રિઅલ્ટી(5 ટકા), હેમિસ્ફીઅર પ્રોપર્ટી(4 ટકા), કોલ્ટે પાટિલ(4 ટકા) અને ડીએલએફ(3.5 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત શોભા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝે તેમની નવી ટોચ દર્શાવી હતી. ઓબેરોય રિઅલ્ટીનો શેર પણ સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો.

માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના મહાનગરોમાં હાલમાં ઈન્વેન્ટરીનું સ્તર તળિયા પર જોવા મળી રહ્યું છે. રેડી-ટુ-મૂવ મકાનો નહિવત હોવાથી ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. સાથે નવા બુકિંગ્સમાં ધસારો જોવા મળી રહ્યો છે. ઈક્વિટીઝ જેવા એસેટ ક્લાસિસમાં છેલ્લા દોઢ વર્ષોમાં થયેલી કમાણીમાંથી કેટલોક હિસ્સો પણ રોકાણકારો રિઅલ્ટી તરફ ડાયવર્ટ કરી રહ્યાં છે અને તેને કારણે ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ વધ્યું છે. બીજી બાજુ હોમ લોન રેટ ઐતિહાસિક તળિયા પર જોવા મળી રહ્યાં છે અને તેમાં નજીકના ભવિષ્યમાં વૃદ્ધિની શક્યતા જોવાઈ રહી નથી. જે રિઅલ્ટી કંપનીઓ માટે પોઝીટીવ પરિબળ છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ માર્ચ ક્વાર્ટરમાં દર્શાવેલા પરિણામો પરથી આ બાબત સ્પષ્ટપણે જોવા મળતી હતી.

સોમવારે રિઅલ એસ્ટેટ શેર્સનો દેખાવ

કંપની વૃદ્ધિ(%)

ઈન્ડિયાબુલ્સ રિઅલ 14.81

પૂર્વંકારા 13.91

મહિન્દ્ર લાઈફ 7.27
સનટેક રિઅલ્ટી 4.91
હેમિસ્ફીઅર પ્રોપર્ટી 3.80
કોલ્ટે પાટિલ 3.65
DLF 3.38
ઓબેરોય રિઅલ્ટી 3.35
શોભા ડેવલપર્સ 3.07
પ્રેસ્ટીજ એસ્ટેટ 2.55
ગોદરેજ પ્રોપર્ટીઝ 2.50

 

યુએસ ડોલર સામે રૂપિયામાં સુધારો
ઉઘડતાં સપ્તાહે ભારતીય ચલણમાં યુએસ ડોલર સામે મજબૂતી જોવા મળી હતી. ગયા સપ્તાહે 74.64ના સ્તરે બંધ રહેલો રૂપિયો 7 પૈસાના સુધારા સાથે 74.57ના સ્તરે બંધ રહ્યો હતો. રૂપિયો 74.49ના સ્તરે મજબૂત ખૂલ્યો હતો. જ્યાંથી સુધરી 74.40ના સ્તરે જોવા મળ્યો હતો. જોકે બજારમાં નરમાઈ પાછળ તે ગગડ્યો હતો અને 74.59નું તળિયું દર્શાવી 74.57 પર બંધ રહ્યો હતો.

હીરો ઈવી રૂ. 700 કરોડનું રોકાણ કરશે
હીરો ઈલેક્ટ્રીક વેહીકલ્સ 2025 સુધીમાં વિસ્તરણ પાછળ તથા નવા મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના પાછળ રૂ. 700 કરોડનું રોકાણ કરશે. અત્યાર સુધીમાં કંપનીએ ફંડીંગ માટે રૂ. 220 કરોડ એકત્ર કર્યાં છે એમ કંપનીના વર્તુળો જણાવે છે. કંપની વાર્ષિક 10 લાખ યુનિટ્સ સાથેની ક્ષમતા ઊભી કરી રહી છે. ઉપરાંત તેના વર્તમાન લુધિયાણા પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 75 હજાર યુનિટ્સ પરથી વધારી 3 લાખ યુનિટ્સ કરી રહી છે. 2025-26 સુધીમાં તે 10 લાખ યુનિટ્સના વેચાણનો ટાર્ગેટ ધરાવે છે.

ફ્લિપકાર્ટે $3.6 બિલિયન એકત્ર કર્યાં, વેલ્યૂએશન $37.6 બિલિયન થયું
રૂપિયા સંદર્ભમાં તેનું મૂલ્ય રૂ. 2.79 લાખ કરોડ પર પહોંચ્યું

યુએસ રિટેલ જાયન્ટ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ ગ્રૂપે સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ જીઆઇસી, કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, સોફ્ટબેન્ક વિઝન ફંડ-2 અને વોલમાર્ટ સહિતના રોકાણકારો પાસેથી આશરે રૂ. 26806કરોડ (3.6 અબજ ડોલર) ઊભાં કર્યા છે. આ ટ્રાન્ઝેક્શનમાં ભારતની આ અગ્રણી ઇ-કોમર્સ કંપનીનું વેલ્યૂએશન 37.6 અબજ ડોલર આંકવામાં આવ્યું છે.
ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં એમેઝોન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયોમાર્ટ, અને બીજી કંપનીઓ સાથે સ્પર્ધામાં એવી ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તે ટેકનોલોજી, સપ્લાય ચેઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ચાલુ રાખશે.

ફંડિંગના તાજા તબક્કામાં ઈ-કોમર્સ કંપનીમાં ડિસરપ્ટએડી, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ખઝાના નેશનલ બર્હાદ જેવા સોવરિન ફંડ તથા ટેનસેન્ટ, વિલોબાય કેપિટલ, એન્ટારા કેપિટલ, ફ્રેકલિન ટેમ્પ્લ્ટન અને ટાઇગર ગ્લોબલ જેવા જાણીતા રોકાણકારોએ પણ રોકાણ કર્યું હતું. ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શન બાદ તેનું મૂલ્ય 37.6 અબજ ડોલર (આશરે રૂ. 2.79 લાખ કરોડ) થયું છે. ગયા વર્ષના જુલાઇમાં ફ્લિપકાર્ટે 1.3 અબજ ડોલર (રૂ. 9048 કરોડ) એકત્ર કર્યાં હતા. તે સમયે કંપનીનું વેલ્યૂએશન 24.9 અબજ ડોલર ડોલર (રૂ. 1.87 લાખ કરોડ) આંકવામાં આવ્યું હતું. 2018માં વોલમાર્ટ ઇન્કે આ ગ્રૂપનો 77 ટકા હિસ્સો ખરીદવા માટે 16 બજ ડોલર ચૂકવ્યાં હતાં.

 

 

 

રાકેશ ઝૂનઝૂનવાલા નવી લો-કોસ્ટ એરલાઈનમાં હિસ્સો ખરીદશે

આકાશ નામે શરૂ થવાની શક્યતા ધરાવતી એરલાઈનમાં તેઓ 40 ટકા સુધીનો હિસ્સો ધરાવશે

જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા નવા લો-કોસ્ટ એરલાઈન સાહસમાં રોકાણ કરવા જઈ રહ્યાં છે. આકાશ નામ સાથે શરૂ થવાની શક્યતા ધરાવતી આ એરલાઈન્સમાં 40 ટકા હિસ્સા સુધીના રોકાણ માટે તેઓ સિવિલ એવિએશન મંત્રાલય તરફથી નો-ઓબ્ઝેક્શન સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. તેઓ આ નવા સાહસમાં લગભગ 3.5 કરોડ ડોલર(રૂ. 260.7 કરોડ)નું રોકાણ કરશે.

નવી એરલાઈનની શરૂઆત ઉડ્ડયન ક્ષેત્રે અગાઉ કામ કરી ચૂકેલા અનુભવી પ્રોફેશ્નલ્સ કરી રહ્યાં છે. જેમાં જેટ એરવેઝના સીઈઓ વિનય દૂબે સહિતના લોકોનો સમાવેશ થાય છે. ઝૂનઝૂનવાલા ઉપરાંત દૂબે એક વિદેશી રોકાણકાર સાથે પણ તેમના નવા સાહસને લઈને વાતચીત કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. વર્તુળોના જણાવ્યા મુજબ ઝૂનઝૂનવાલા મહત્તમ 40 ટકા સુધીનો હિસ્સો ખરીદી શકે છે. આકાશ એવવા નામકરણની શક્યતા ધરાવતી આ એરલાઈન હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે. ત્યારબાદ ટીમે ફંડની જરૂરિયાત દર્શાવતો એક મજબૂત બિઝનેસ પ્લાન તૈયાર કરવાનો રહેશે. તમામ બાબતોનો આધાર તેઓ ક્યારે અને કેટલું ફંડ ઊભું કરી શકે છે તેના પર રહેલો છે. સ્થાપકનો હેતુ આગામી વર્ષના મધ્ય સુધીમાં એરલાઈન શરૂ કરવાનો છે. એ વાત ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઝૂનઝૂનવાલા એરલાઈન ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરી શક્યાં છે. તેઓ સ્પાઈસ જેટમાં એક ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે જેટ એરવેઝમાં પણ તેમની પાસે એક ટકા હિસ્સો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage