બોન્ડ યિલ્ડ્સમાં ઓચિંતા ઉછાળા પાછળ બજારોમાં સુધારો ભૂંસાયો
ગુરુવારે યુએસ ખાતે ઘટીને 1.475 પર જોવા મળેલા યિલ્ડ શુક્રવારે બપોરે ઉછળી 1.60ને પાર થતાં હોંગ કોંગ, ભારત જેવા બજારો ગગડ્યાં
નાસ્ડેક અને એસએન્ડપી ફ્યુચર્સ પણ પોઝીટીવ ઝોનમાંથી ગબડી 1.8 ટકા નેગેટિવ બન્યાં
બાકીની માર્ચ સિરિઝમાં બોન્ડ યિલ્ડ્સ ઊંચી વધ-ઘટનું કારણ બને તેવા સંકેતો
અમદાવાદ
શિવરાત્રીની રજા બાદ વૈશ્વિક બજારોના સપોર્ટથી ગેપ-અપ ખૂલેલાં ભારતીય બજાર માટે બોન્ડ-યિલ્ડ્સ ફરી વિલેન બન્યાં હતાં. જેની પાછળ નિફ્ટી 15336ની તેની છેલ્લા ઘણા સત્રોની ટોચ પરથી 290 પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો. વૈશ્વિક સ્તરે હોંગ કોંગ બજારે પણ તેની દિવસની ટોચથી 1000 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે સવારે પોઝીટીવ ટ્રેડ દર્શાવનારા યુએસ ખાતે નાસ્ડેક અને એસએન્ડપી ફ્યુચર્સમાં 1.8 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ યુએસ ખાતે 5 માર્ચે 1.622ની ટોચ દર્શાવનારા બોન્ડ યિલ્ડ અંતિમ સપ્તાહમાં કરેક્શનમાં જોવા મળ્યાં હતાં અને તેની પાછળ યુએસ બજારમાં અને તેમાં પણ ખાસ કરીને નાસ્ડેકમાં સુધારો જોવા મળ્યો હતો. ગુરુવારે બોન્ડ યિલ્ડ 1.475ના તાજેતરના તળિયા પર ટ્રેડ થયાં હતાં. જેની પાછળ નાસ્ડેકમાં 2.5 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. નાસ્ડેકના ઊંચા પીઈ પર ટ્રેડ થઈ રહેલા ટેક્નોલોજી કાઉન્ટર્સ બોન્ડ યિલ્ડ્સને લીને ખૂબ સંવેદનશીલતાં ધરાવે છે. શુક્રવારે બપોર બાદ બોન્ડ યિલ્ડ્સ ઓચિંતા ઉછળી ફરી 1.6ના સ્તરને પાર કરી જતાં નાસ્ડેક ફ્યુચર્સ 1.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જો યિલ્ડ 1.62ની અગાઉની ટોચને પાર કરી જશે તો યુએસ બજારો પાછળ વૈશ્વિક બજારોમાં ટૂંકાગાળા માટે પેનિકની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે એમ એનાલિસ્ટ્સ ઉમેરે છે. તેમના મતે હાલમાં માર્કેટ બોન્ડ યિલ્ડ્સને અનુસરી રહ્યાં છે અને જ્યાં સુધી તેઓ ટકાઉ ઘટાડો નહિ દર્શાવે ત્યાં સુધી બજારો પર તેની અસર જોવા મળશે. અગાઉ 2013માં પણ આ જ રીતે બોન્ડ્સ યિલ્ડમાં ઘટાડા પાછળ માર્કેટ્સ તૂટ્યાં હતાં અને ચલણોમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કેલેન્ડર 2013માં રૂપિયો એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 58ના સ્તરેથી ગગડી 68-69 થઈ ગયો હતો. જેનું મુખ્ય કારણ યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ હતું. ચાલુ વર્ષે જોકે ફોરેક્સની સ્થિતિ સારી છે અને તેથી ચલણના મૂલ્ય પર બોન્ડ યિલ્ડ્સની કોઈ ખાસ અસર નથી પડી. એનાલિલ્ટ્સના મતે આ વખતે ઈક્વિટી માર્કેટ્સ સીધો ટાર્ગેટ બની રહ્યાં છે.
શુક્રવારે એશિયન બજારો ખૂલ્યાં ત્યારે યુએસ બોન્ડ માર્કેટ્સમાં હલચલ નહોતી. જોકે ભારતીય બજાર ખૂલ્યાં બાદ યિલ્ડ્સમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી અને તેથી શરૂઆતી સમયમાં બજાર સ્થિર ટકી રહ્યાં બાદ ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. એક તબક્કે નિફ્ટી 15000ના સ્તર નીચે ઉતરી ગયો હતો. જોકે આખરે 15 હજાર પર બંધ રહ્યો હતો. જે મહત્વનો સાયકોલોજિકલ સપોર્ટ છે. વિદેશી રોકાણકારો તરફથી ચાલુ સપ્તાહે ફરી પોઝીટીવ ઈનફ્લો જોવા મળ્યો છે. સ્થાનિક ફંડ્સ પણ ખરીદી દર્શાવી રહ્યાં છે. જોકે વૈશ્વિક બજારોમાં બોન્ડ યિલ્ડ્સની પાછળ પેનિક હશે તો સ્થાનિક બજારમાં માર્ચ સિરિઝમાં ઊંચી વઘ-ઘટ સંભવ છે. શુક્રવારે એક સમયે 20.50ના મહિનાના તળિયા પર પહોંચી ગયેલો વોલેટિલિટી ઈન્ડેક્સ પાછળથી 5 ટકા ઉછળી 21.70 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સનું પ્રિમિયમ પણ લગભગ નહિવત જોવા મળતું હતું. કેશ નિફ્ટીમાં 15031ના બંધ સામે ફ્યુચર માત્ર 6 પોઈન્ટ્સ પ્રિમીયમે 15036 પર બંધ આવ્યો હતો.