માત્ર બે ટ્રેડિંગ સત્રોમાં વૈશ્વિક શેરબજારોમાં 8 ટકા સુધીનો તીવ્ર ઘટાડો
શરુઆતી સપ્તાહ દરમિયાન પોઝીટીવ દેખાવ બાદ મે મહિનો આદત મુજબ મંદીમાં સરી પડ્યો
તાઈવાન ખાતે કોવિડ કેસિસમાં વૃદ્ધિ પાછળ તીવ્ર વેચવાલી, જાપાન અન કોરિયામાં પણ ઊંચો ઘટાડો
યુએસ-ભારત-હોંગ કોંગના બજારોમાં સાધારણ નરમાઈ, ચીનના બજારમાં એક ટકા સુધારો
સામાન્યરીતે મંદીનો ગણાતા મે મહિનાએ શરૂઆત સારી દર્શાવી હતી. મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ડેવલપ્ડ તથા ઈમર્જિંગ બજારોએ સુધારો દર્શાવ્યો હતો. જેમાં યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જોકે છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં મે મહિનાએ તેનો રંગ દેખાડવાનો ચાલુ કર્યો છે અને બજારોમાં સેન્ટીમેન્ટ વેચાણ તરફી પલટાયું છે. જેમાં અગ્રણી માર્કેટ્સમાં 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
મંગળવાર અને બુધવારની વાત કરીએ તો યુએસ બજારમાં સાધારણ ઘટાડા પાછળ એશિયન બજારોએ 8 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. અલબત્ત, તેમાં સ્થાનિક કારણો પણ જવાબદાર છે. તેમ છતાં મુખ્ય પરિબળ યુએસ બજારમાં ફુગાવાને લઈને ઊભી થયેલી ચિંતા તથા વિદેશી સંસ્થાઓની ચોતરફી વેચવાલી છે. યુએસ અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલા તાઈવાન અને જાપાનના બજારોમાં અનુક્રમે બે ટ્રેડિંગ સત્રોમાં 8 ટકા અને 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં તાઈવાનનું બજાર તેની સર્વોચ્ચ ટોચ નજીકથી ગગડ્યું છે. જ્યારે જાપાન બજાર તેના 20 વર્ષથી વધુની ઊંચી સપાટી પરથી સરક્યું છે. તાઈવાન ખાતે કોવિડ કેસિસને લઈને ચિંતાએ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી છે. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં તાઈવાન બજાર 6 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યું છે. આમ તેણે કેલેન્ડરમાં દર્શાવેલા સુધારાનો લગભગ અડધો હિસ્સો ગુમાવ્યો છે. બુધવારે તાઈવાન બજારે 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો હતો. જાપાનની વાત કરીએ તો તેણે બે દિવસમાં 5 ટકાનો કુલ ઘટાડો દર્શાવ્યો છે. જેમાં મંગળવારે 3 ટકાનો અને બુધવારે 1.6 ટકા જેટલો ઘટાડો નોંધાવ્યો હતો. બેન્ચમાર્ક નિક્કાઈ તેની બે દાયકાથી વધુની 30 હજારની ટોચ બનાવીને કોન્સોલિડેટ થતો હતો. તાજેતરમાં તેણે નીચેની બાજુ બ્રેકઆઉટ આપ્યું છે. જે સૂચેવે છે કે બજારમાં વધુ નરમાઈની શક્યતા છે.
અન્ય એશિયન બજારોમાં નિકાસ અર્થતંત્ર એવા કોરિયન બજારમાં પણ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સાઉથ કોરિયાના બેન્ચમાર્ક કોસ્પીએ બુધવારે 1.5 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો અને તે એશિયન બજારમાં ઘટવામાં ત્રીજા ક્રમે રહ્યો હતો. અન્ય એશિયાઈ બજારોમાં સિંગાપુરે પણ નરમાઈ દર્શાવી હતી. માત્ર હોંગ કોંગ અને ચીન માર્કેટે બુધવારે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવ્યો હતો. જો છેલ્લા બે ટ્રેડિંગ સત્રોની વાત કરીએ તો હોંગ કોંગ 1.3 ટકાનો ઘટાડો દર્શાવી અન્ય ઈમર્જિંગ બજારોને સમાંતર ચાલ દર્શાવી રહ્યું છે. જ્યારે ચીનનું બજાર એક ટકો સુધારો દર્શાવી હંમેશ મુજબ આગવી ચાલ દર્શાવી રહ્યો છે. ભારતીય બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સે બે ટ્રેડિંગ સત્રોમાં 1.65 ટકાનો મધ્યમ ઘટાડો દર્શાવ્યો છે. તે છેલ્લા ત્રણ સપ્તાહોથી વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. ડેવલપ્ડ માર્કેટ્સમાં યુકે, ફ્રાન્સ અને જર્મનીના બજારો 2 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં છે. જ્યારે ડાઉ જોન્સે બે દિવસોમાં 1.35 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવ્યો છે. ડાઉ બે દિવસ અગાઉ 35000ની નજીક જઈને પાછો ફર્યો હતો. મંગળવારે રાતે તે 474 પોઈન્ટ્સના ઘટાડે 34269 પર બંધ રહ્યો હતો. યુએસ ટ્રેઝરી સેક્રેટરી અને ભૂતપૂર્વ ફેડ ચેરપર્સન જેનેટ યેલેનના રેટમાં વૃદ્ધિની જરૂરિયાત સંબંધી નિવેદને બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી હતી અને ઊંચા સ્તરે વેચવાલી જોવા મળી હતી એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં અગ્રણી શેરબજારોનો દેખાવ
દેશ-બેન્ચમાર્ક ફેરફાર(%)
તાઈવાન -7.0
જાપાન(નિક્કાઈ) -5.0
કોરિયા(કોસ્પી) -3.0
યુકે(ફૂટ્સી) -2.0
ફ્રાન્સ(કેક) -2.0
જર્મની(ડેક્સ) -2.0
નિફ્ટી -1.65
સેન્સેક્સ -1.65
હોંગ કોંગ -1.3
બ્રાઝિલ 0.87
ચીન 1.01
ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સનો શેર 23 ટકા ઉછળ્યો
એફએમસીજી ક્ષેત્રે અગ્રણી ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સના શેરમાં બુધવારે અસાધારણ સુધારો જોવા મળ્યો હતો. કંપનીનો શેર નરમ બજારમાં 23 ટકા ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યાં બાદ 22 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 715.95 બંધ ભાવ સામે રૂ. 180થી વધુના ઉછાળે રૂ. 894.90ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીના શેરે રૂ. 89 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીના શેરમાં ઉછાળાનું મુખ્ય કારણ કંપનીએ તેના સીઈઓ તરીકે હિંદુસ્તાન યુની લિવરના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર સુધીર સીતાપતિની કરેલી નિમણૂંક હતું. સીતાપતિએ સોમવારે જ એચયૂએલ છોડવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ એચયૂએલના શેરમાં નરમાઈ જોવા મળી હતી.
યુએસ ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘસાયો
સતત ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન સુધારા બાદ બુધવારે રૂપિયામાં યુએસ ડોલર સામે નરમાઈ જોવા મળી હતી અને તે અગાઉના 73.34ના બંધ સામે 9 પૈસા ઘટી 73.43ના સ્તરે બંધ આવ્યો હતો. રૂપિયો બે સપ્તાહ દરમિયાન 75.55ના ઈન્ટ્રા-ડે તળીયાથી 2.5 ટકા કરતાં વધુ સુધારો દર્શાવી ચૂક્યો છે. ટૂંકાગાળા માટે તે ઓવરબોટ બન્યો છે અને તેથી એનાલિસ્ટ્સ પણ રૂપિયામાં થોડો ઘટાડો જોઈ રહ્યાં છે. જોકે વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે રૂપિયો ઝડપથી 75ની નીચે જાય તેવી શક્યતા નથી. ઊલટાનું તે 72.25ના તાજેતરની ટોચના સ્તરને દર્શાવે તેવું એનાલિસ્ટ્સ માને છે.
માર્કેટ નરમ પરંતુ માર્કેટ બ્રેડ્થ મજબૂત
સતત બીજા દિવસે ભારતીય બજારમાં નરમાઈ વચ્ચે માર્કેટ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. મીડ અને સ્મોલ-કેપ્સ શેર્સમાં લેવાલી પાછળ બજારમાં કામકાજ ઊંચા હતાં. બેન્ચમાર્ક્સ સમગ્ર દિવસ દરમિયાન નરમાઈ સાથે ટ્રેડિંગ દર્શાવ્યાં બાદ એક ટકો ઘટી બંધ રહ્યાં હતાં ત્યારે બીએસઈ ખાતે કુલ 3233 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1586માં તેમના અગાઉના કાઉન્ટર્સ કરતાં પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. જ્યારે 1488 કાઉટર્સ તેમના અગાઉના બંધ સામે ઘટીને બંધ રહ્યાં હતાં. 423 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં બંધ આપ્યું હતું. જ્યારે 165 કાઉન્ટર્સે નીચલી સર્કિટ્સમાં બંધ દર્શાવ્યું હતું. બીજી બાજુ 339 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 31 શેર્સે વાર્ષિક તળિયાનો ભાવ બતાવ્યો હતો.
બિરલા કોર્પોરેશનનો શેર રૂ. 1000ને પાર કરી ગયો
બિરલા જૂથની સિમેન્ટ કંપની બિરલા કોર્પોરેશનનો શેર લિસ્ટીંગ હિસ્ટરીમાં પ્રથમવાર રૂ. 1000ની સપાટીને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 995ના બંધ ભાવ સામે 5 ટકાથી વધુ ઉછળી રૂ. 1049ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્ક્સ નરમાઈ દર્શાવતાં હોવા છતાં તે ઊંચા સ્તરે ટકી રહ્યો હતો અને 5 ટકા સુધારા સાથે રૂ. 1044ની ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 8000 કરોડના માર્કેટ-કેપને હાંસલ કર્યું હતું.