Market Summary 12 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મંદી પાછળ નિફ્ટી બે મહિનાના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.4 ટકા ઉછળી 24.26ના સ્તરે
પીએસયૂ બેંક પાછળ બેંક નિફ્ટીમાં 3 ટકાથી વધુનું ગાબડું
મેટલ, ઓટો, એનર્જીમાં પણ 4 ટકા સુધીનો ઘટાડો
બ્રોડ માર્કેટમાં ત્રીજા દિવસે ભારે રકાસ
નિફ્ટીના 50માંથી 49 કાઉન્ટર્સ નેગેટિવ બંધ

શેરબજારોમાં સેન્ટીમેન્ટ મંદીમાં ગરકાવ થઈ ગયું છે. વૈશ્વિક બજારોમાં પડતીને કારણે ભારતીય બજાર પણ સતત ગગડી રહ્યાં છે. ગુરુવારે સતત પાંચમા સત્રમાં શેરબજાર નેગેટિવ બંધ દર્શાવતું હતું. જેમાં બીએસઈ સેન્સેક્સ 1158 પોઈન્ટ્સના ઙટાડે 52390ના સ્તરે જ્યારે નિફ્ટી 359 પોઈન્ટ્સ ગગડી 15808ની સપાટીએ બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.4 ટકા ઉછળી 24.26ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 49 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે એકમાત્ર વિપ્રોનો શેર 0.4 ટકા પોઝીટીવ બંધ સૂચવી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે બ્રેડ્થ ખૂબ જ નેગેટિવ હતી. બીએસઈ ખાતે ત્રણ શેર્સથી વધુમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળતો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજારે મહત્વનું સાયકોલોજિકલ લેવલ તોડ્યું છે અને તેથી તે મંદીમાં સરી પડ્યું છે. નિફ્ટી માટે 15600નું સ્તર મહત્વનો સપોર્ટ લેવલ છે. જે તૂટશે તો તે 15000 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. આમ ભારતીય બજાર માટે આગામી સત્રો ખૂબ મહત્વના પુરવાર થશે.
ચાલુ સપ્તાહ શેરબજાર માટે ભારે મંદીનું પુરવાર થયું છે. બેન્ચમાર્ક્સ અત્યાર સુધીમાં ચારેય સત્રોમાં તૂટતાં રહ્યાં છે. ગુરુવારે તો નિફ્ટી 16000નું સ્તર તોડી નવ સપ્તાહના તળિયા પર બંધ રહ્યો હતો. અગાઉ તેણે માર્ચ 2022માં 15600ની સપાટી દર્શાવી હતી. જ્યારે ગુરુવારે તેણે 15736નું તળિયું બનાવ્યું હતું. નિફ્ટી શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી. જે સૂચવે છે કે લાર્જ-કેપ્સમાં પણ કોઈ આગળ આવીને ખરીદી કરી રહ્યું નથી. નિફ્ટી કાઉન્ટર્સમાં સૌથી વધુ ઘટાડો 6 ટકા સાથે અદાણી પોર્ટ્સ સૂચવતો હતો. તે ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક 6 ટકા, ટાટા સ્ટીલ 4 ટકા, ટાટા મોટર્સ 4 ટકા, હિંદાલ્કો 4 ટકા, જેએસડબલ્યુ 4 ટકા, બજાજ ફાઈનાન્સ 4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે એકમાત્ર વિપ્રો સાધારણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો જાહેર ક્ષેત્રોના બેંક શેર્સમાં પ્રતિકૂળ પરિણામો પાછળ ભારે વેચવાલી જોવા મળી હતી. પીએનબીનો શેર 13 ટકા જેટલો ગગડ્યો હતો. અન્ય શેર્સ પણ ઊંધા માથે પટકાયાં હતાં. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 5.4 ટકા જેટલો ગગડ્યો હતો. જેની અસરે બેંક નિફ્ટી 3.4 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી મેટલ પણ 3.7 ટકા સાથે સતત બીજા દિવસે તીવ્ર ઘટાડો સૂચવતો હતો. નિફ્ટી રિઅલ્ટી 2.1 ટકા, નિફ્ટી એનર્જી 2.8 ટકા, નિફ્ટી એફએમસીજી 1.2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3446 કાઉન્ટર્સમાંથી 2615 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 746 સુધારો દર્શાવતાં હતાં. આમ ત્રણથી વધુ શેર્સમાં ઘટાડે એક શેર પોઝીટીવ જોવા મળતો હતો. 330થી વધુ શેર્સે તેમનું વાર્ષિક બોટમ નોંધાવ્યું હતું. બીએસઈ ખાતે 50 ટકાથી વધુ શેર્સ તેમના 52-સપ્તાહના તળિયા નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. જે મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલીની તીવ્રતા સૂચવે છે. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સ 2.33 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.87 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બંને તેમની છ મહિનાની બોટમ પર ટ્રેડ થઈ રહ્યાં છે.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 7 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત ગુજરાત ગેસ 5.5 ટકા, અંબુજા સિમેન્ટ 4.4 ટકા, ચંબલ ફર્ટિલાઈઝર 1.4 ટકા, આઈઓસી 1.4 ટકા અને અબોટ ઈન્ડિયા 1.3 ટકા સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ રેઈન ઈન્ડસ્ટ્રીઝ 6.3 ટકા, આરબીએલ બેંક 6 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 6 ટકા, ફેડરલ બેંક 6 ટકા, વોડાફોન આઈડિયા 6 ટકા, આઈઆરસીટીસી 6 ટકા અને ટાટા કેમિકલ્સ 5 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં.

મે મહિનામાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 25 લાખ કરોડનું ગાબડું
શેરબજારમાં મે મહિનો સામાન્યરીતે મંદીનો ગણાય છે. જે 2022માં પણ પુરવાર થયું છે. ચાલુ મહિનાની શરૂઆતથી વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારમાં તીવ્ર વેચવાલી જોવા મળી છે. જેમાં સ્થાનિક રોકાણકારોએ રૂ. 25 લાખ કરોડનું જંગી નુકસાન નોંધાવ્યું છે. મહિનાની શરૂમાં બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 265.88 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે ગુરુવારે રૂ. 240.90 લાખ કરોડ પર નોંધાયું હતું. આમ રોકાણકારોએ પ્રતિ ટ્રેડિંગ દિવસ રૂ. 3 લાખ કરોડના દરે માર્કેટ-કેપમાં ઘટાડો અનુભવ્યો છે.
એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે કેમ્પબેલ વિલ્સનની નિમણૂંક

તાતા સન્સે એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે કેમ્પબેલ વિલ્સનની નિમણૂંક કરી છે. અત્યાર સુધી વિલ્સન સિંગાપુર એરલાઈન્સની લો-કોસ્ટ સબસિડિયરી સ્કોટના સીઈઓ તરીકે કામગીરી નિભાવતાં હતાં. તેઓ ફૂલ સર્વિસ તથા લો-કોસ્ટ એરલાઈન્સ, બંને ક્ષેત્ર મળીને ઉડ્ડયન ઉદ્યોગનો 26 વર્ષનો અનુભવ ધરાવે છે. વિલ્સનની નિમણૂંક અંગે બોલતાં એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે એર ઈન્ડિયામાં કેમ્પબેલના આવકારતાં હું ખુશીની લાગણી અનુભવું છે. તેઓ ઉદ્યોગ ક્ષેત્રે એક વરિષ્ઠ અનુભવી છે. તેમજ મહત્વના વૈશ્વિક માર્કેટ્સનો અનુભવ ધરાવે છે. એર ઈન્ડિયાને તેમના અનુભવનો લાભ મળશે. 50-વર્ષીય વિલ્સને 1996માં ન્યૂ ઝીલેન્ડમાં એસઆઈએ સાથે મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

વૈશ્વિક બજારમાં ક્રૂડ, ગોલ્ડ અને બેઝ મેટલ્સમાં ઘટાડો
કોમોડિટીઝના ભાવમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. કિંમતી ધાતુઓ સહિત ક્રૂડ અને બેઝ મેટલ્સના ભાવ તેમની ત્રણ મહિનાની તળિયાની સપાટી નજીક ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં વૈશ્વિક ગોલ્ડ ગુરુવારે 11 ડોલરના ઘટાડે 1843 ડોલર પર ટ્રેડ થતું હતું. જે ફેબ્રુઆરી પછીની તેની સૌથી નીચી સપાટી છે. ટેકનિકલી ગોલ્ડે 1850 ડોલરનો સપોર્ટ તોડ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડનો ભાવ રૂ. 50700ની આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ તો તે 1.5 ટકા ઘટાડે 106 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસોથી 100-113 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. બીજી બાજુ બેઝ મેટલ્સમાં ઝીંક, કોપર, લેડ અને એલ્યુમિનિયમના ભાવ 3 ટકા જેટલો ઘટાડો દર્શાવતાં હતાં. તેઓ તેમની માર્ચ-એપ્રિલની ટોચ પરથી 25 ટકા જેટલો ઘટાડો સૂચવી રહ્યાં છે. નેચરલ ગેસના ભાવ પણ 3 ટકા જેટલાં તૂટ્યાં હતાં.

પારાદિપ ફોસ્ફેટ્સ બજારમાંથી રૂ. 1500 કરોડ ઊભા કરશે
ભારત સરકારની ભાગીદારી ધરાવતી પારાદિપ ફોસ્ફેટ્સ મૂડીબજારમાંથી રૂ. 1500 કરોડ ઊભા કરવા માટે 17 મેના રોજ આઈપીઓ સાથે પ્રવેશશે. કંપની રૂ. 10ની ફેસવેલ્યૂનો શેર રૂ. 39-42ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે લઘુત્તમ 350 ઈક્વિટી શેર્સની લોટ સાઈઝ રહેશે. આઈપીઓમાં રૂ. 1004 કરોડ ઓફર ફોર સેલનો હશે. જેમાં ઝુઆરી એગ્રો તથા ભારત સરકાર તેમના હિસ્સાનું વેચાણ કરશે.

સતત ઘટાડે ભારતીય બેન્ચમાર્ક્સનો ટોપ-10 અન્ડરપર્ફોર્મર્સમાં સમાવેશ
નાણા વર્ષ 2022-23માં નાસ્ડેક 20 ટકાથી વધુ ઘટાડા સાથે ટોચ પર
સેન્સેક્સ અને નિફ્ટીએ પણ સવા મહિનામાં 10 ટકાથી વધુનું ધોવાણ દર્શાવ્યું

વૈશ્વિક બજારોમાં ઘટાડા સામે અડીખમ ઊભેલું ભારતીય શેરબજાર પણ હવે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. છેલ્લાં પાંચ ટ્રેડિંગ સત્રોથી અવિરત ઘટાડા બાદ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન વિશ્વના ટોચના 10 નબળો દેખાવ દર્શાવનાર સૂચકાંકોમાં ભારતીય બેન્ચમાર્ક્સ પણ પ્રવેશ્યાં છે. જેમાં બીએસઈ સેન્સેક્સ 9.57 ટકા જ્યારે નિફ્ટી 9.43 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ફેબ્રુઆરી આખરમાં રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆત બાદ શેરબજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં ભારતીય બજારનો પણ સમાવેશ થતો હતો. જોકે માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં ભારતીય બજારે ઝડપી બાઉન્સ દર્શાવ્યો હતો. જે અલ્પજીવી નીવડ્યો હતો અને એપ્રિલમાં નવા નાણા વર્ષની શરૂઆતથી ગુરુવાર સુધીમાં સેન્સેક્સ 5500થી વધુ પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો. ટકાવારીના સંદર્ભમાં તે 9.57 ટકા જેટલો તીવ્ર ઘટાડો સૂચવે છે. બીજી બાજુ નિફ્ટી પણ 9.43 ટકા અથવા 1600થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી રહ્યો છે. ગુરુવારે બંને બેન્ચમાર્ક્સ તેમના માર્ચ મહિનાના તળિયાના સ્તર નજીક બંધ જોવા મળ્યાં હતાં. સપ્તાહ અગાઉ સુધી તેઓ ઈમર્જિંગ તેમજ વિકસિત બજારોની સરખામણીમાં ઊંચું આઉટપર્ફોર્મન્સ નોંધાવી રહ્યાં હતાં. જોકે છેલ્લાં પાંચ ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટીમાં 1200થી વધુ પોઈન્ટ્સનું ધોવાણ નોંધાયું છે. જે ચાલુ કેલેન્ડરમાં સૌથી ઝડપી ઘટાડો છે. જેને કારણે ભારતીય બજાર પણ વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મરની યાદીમાં પ્રવેશ્યું છે.
નાણા વર્ષ 2022-23માં સૌથી ખરાબ દેખાવવામાં નાસ્ડેક ટોચ પર છે. ટેક્નોલોજી હેવી નાસ્ડેક 20 ટકાથી વધુ ઘટાડા સાથે તેની દોઢ વર્ષની બોટમ પર ટ્રેડ થઈ રહ્યું છે. 16000થી ઉપરના સ્તરેથી ગગડીને નાસ્ડેક 11 હજારના સ્તર નજીક પહોંચ્યો છે. આ સિવાય એસએન્ડપી 500 13 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. જ્યારે એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેક્સ 13.12 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં કોમોડિટી હેવી બ્રાઝિલનો બોવેસ્પા 13 ટકા સાથે ટોચનો અન્ડરપર્ફોર્મર છે. એગ્રીકલ્ચર કોમોડિટીઝના ભાવમાં સુધારા છતાં બ્રાઝિલનું માર્કેટ નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યું છે. એશિયન બજારોમાં હોંગ કોંગનો હેંગ સેંગ 12 ટકા જ્યારે તાઈવાન પણ 12 ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારબાદના ક્રમે ભારતીય બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી આવે છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 8.2 ટકા સાથે નિફ્ટીથી સારો દેખાવ સૂચવી રહ્યો છે. જ્યારે ફ્રાન્સ, કોરિયા અને જાપાનના સૂચકાંકો 7-8 ટકાની રેંજમાં ઘટાડો દર્શાવી રહ્યાં છે. આની સરખામણીમાં જર્મનીનો ડેક્સ અને ચીનનો શાંઘાઈ કંપોઝીટ 6-6 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે યૂકેનો ફૂટ્સી 4 ટકાના ઘટાડા સાથે સૌથી સારો દેખાવ સૂચવે છે.

ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન માર્કેટ્સનો દેખાવ

બેન્ચમાર્ક્સ 31 માર્ચ 2022 12 મે 2022 ઘટાડો(ટકામાં)
નાસ્ડેક 14220.52 11364.24 -20.09%
એસએન્ડપી 500 4530.41 3935.18 -13.14%
MSCI વર્લ્ડ ઈન્ડેક્સ 3053.07 2652.59 -13.12%
Brazil બોવેસ્પા 119999.23 104396.9 -13.00%
હેંગ સેંગ 21996.85 19380.34 -11.89%
તાઈવાન 17693.47 15616.68 -11.74%
BSE સેન્સેક્સ 58568.51 52962.89 -9.57%
નિફ્ટી 50 17464.75 15817.75 -9.43%
ડાઉ જોન્સ 34678.35 31834.11 -8.20%
કેક 40 6659.87 6115.68 -8.17%
કોસ્પી 2757.65 2550.08 -7.53%
નિક્કાઈ 27821.43 25748.72 -7.45%તાતા જૂથ ભારત અને વિદેશમાં બેટરી કંપની ઊભી કરશેઃ એન ચંદ્રશેખર
કંપની ટૂંક સમયમાં કાર્બન ન્યૂટ્રલ બનવા માટેના લક્ષ્યાંકોની જાહેરાત કરશે

ભારતનું ટેક્નોલોજીથી ઓટોમોબાઈલ સુધીના ક્ષેત્રોમાં હાજરી ધરાવતું તાતા જૂથ ભારત તથા વિદેશમાં બેટરી કંપની શરૂ કરવાની યોજના તૈયાર કરી રહ્યું હોવાનું જૂથ ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું છે. તાતા ઈલેક્ટ્રિક વેહીકલ્સ બનાવવા પર વધુ ગંભીરતાપૂર્વક ભાર આપી રહ્યાં છે તેની સાથે આ બાબત બંધ બેસે છે.
એક ઉદ્યોગ ઈવેન્ટમાં બોલતાં ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ગ્રૂપ તેના તમામ બિઝનેસ ક્ષેત્રોમાં સસ્ટેનેબિલિટી તરફ તબદિલ થઈ રહ્યું છે. જેમાં તાતા મોટર્સ તેમજ તેના બ્રિટિશ લક્ઝરી યુનિટ જગુઆર લેન્ડ રોવર ખાતે ક્લિન મોબિલિટી પુશનો સમાવેશ થાય છે. પર્યાવરણ સંબંધી કડક લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે વૈશ્વિક સ્તરે ઓટોમેકર્સ બેટરીઝ અને તેમના માટેની રો મટિરિયલ સપ્લાય ચેઈનમાં રોકાણ કરીને ઝીરો-એમિશન સ્ટ્રેટેજિસ અપનાવી રહ્યાં છે. ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રીક કાર ઉત્પાદક એવી તાતા મોટર્સ 2025 સુધીમાં 10 ઈલેક્ટ્રિક વેહીકલ્સ મોડેલ્સ લંચ કરવાની યોજના ધરાવે છે. જ્યારે જગુઆર લેન્ડ રોવર્સની લક્ઝરી જગુઆર બ્રાન્ડ 2025 સુધીમાં સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક કરવાની યોજના છે. તેમજ કાર ઉત્પાદક 2030 સુધીમાં તેની સમગ્ર લાઈનઅપ માટે ઈ-મોડેલ્સ લોંચ કરશે. ચંદ્રશેખરે ક્લાઈમેટ ટ્રાન્ઝિશન હાથ ધરવા પર દબાણ માત્રને માત્ર વધવાનું છે. ડેડલાઈન્સ આગળ આવતી રહેવાની છે એમ જણાવતાં ઉમેર્યું હતું કે તાતા જૂથ કાર્બન ન્યૂટ્રલ બનવા તરફના તેના લક્ષ્યાંકોની ટૂંકમાં જાહેરાત કરશે. બેટરી બ્લ્યૂપ્રિન્ટ એ રિન્યૂએબલ એનર્જી, હાઈડ્રોજન, સ્ટોરેજ સોલ્યુશન્સ અને સર્ક્યુલર ઈકોનોમીમાં રોકાણની વ્યાપક ફ્યુચર રેડી યોજનાનો એક ભાગ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એપલનો શેર તૂટતાં સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની
બુધવારે અરામ્કોનો શેર સર્વોચ્ચ સપાટીએ હતો ત્યારે કંપનીનું એમ-કેપ 2.43 ટ્રિલિયન ડોલર હતું
સાઉદી અરામ્કોએ વિશ્વમાં સૌથી મોટી મૂલ્યવાન કંપની તરીકે એપલ ઈન્કને પાછળ રાખી દીધી છે. ક્રૂડના ભાવમાં તેજી પાછળ કંપનીનો શેર ઝડપથી ઉછળ્યો છે. બીજી બાજુ ટેક્નોલોજી શેર્સમાં ગાબડાં પડ્યાં છે અને વેલ્યૂએશનમાં ઝડપી ધોવાણ નોંધાયું છે.
સાઉદી અરેબિયા સરકારની માલિકીની કંપની અરામ્કોનો શેર બુધવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે વખતે તેનું માર્કેટ-કેપિટલાઈઝેશન 2.43 ટ્રિલિયન ડોલર પર જોવા મળતું હતું. જે વખતે તેણે 2020 પછી પ્રથમ વખત એપલને પાછળ રાખી દીધી હતી. આઈફોન ઉત્પાદક કંપનીનો શેર 5.2 ટકા ગગડી 146.50 ડોલર પ્રતિ શેરના ભાવે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જે ભાવે તેનું વેલ્યૂએશન 2.37 ટ્રિલિયન ડોલર થતું હતું.
વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં વૃદ્ધિને કારણે અરામ્કો વિક્રમી નફો દર્શાવી શકે છે. જોકે ઓઈલના ભાવ ફુગાવાને પોષી રહ્યાં છે. જેની પાછળ ફેડરલ રિઝર્વ પર રેટ વધારવા માટે દબાણ જોવા મળી રહ્યું છે. યુએસ ખાતે ચાર દાયકાઓનો સૌથી ઊંચો ફુગાવો જોવા મળી રહ્યો છે. રેટ્સમાં જેટલી વધુ વૃદ્ધિ થશે એટલું જ ટેકનોલોજી કંપનીઓની ભાવિ આવક પર અસર પડવાની શક્યતાં છે. જેને કારણે નાસ્ડેક લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજી ઈન્ડેક્સ તેની ટોચથી 25 ટકા કરતાં વધુ ગગડ્યો છે અને હાલમાં વર્ષ કરતાં વધુ સમયના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે એનાલિસ્ટ્સ માને છે કે એપલની સરખામણી સાઉદી અરામ્કો સાથે થઈ શકે છે. બંનેના બિઝનેસિસ અથવા તો ફંડામેન્ટલ્સ અલગ છે. હાલમાં કોમોડિટી સેક્ટર માટે આઉટલૂકમાં સુધારો જોવા મળ્યો છે. તેઓને ઈન્ફ્લેશન અને ટાઈટ સપ્લાયનો લાભ મળી રહ્યો છે. જેને કારણે કંપનીઓની કામગીરીમાં સુધારો નોંધાયો છે. ચાલુ વર્ષે શરુમાં એપલ 3 ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યૂ ધરાવતો હતો. જે તે વખતે અરામ્કોની સરખામણીમાં એક ટ્રિલિયન ડોલર જેટલી વધુ હતી. જોકે ત્યારબાદ એપલના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજી બાજુ અરામ્કોનો શેર 28 ટકા જેટલો ઉછળ્યો છે. જોકે એપલ હજુ પણ યુએસ કંપનીઓમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. જ્યારબાદના ક્રમે 1.95 ટ્રિલિયન ડોલર એમ-કેપ સાથે માઈક્રોસોફ્ટનો ક્રમ આવે છે.


કોર્પોરેટ હેડલાઈન્સ
એનસીસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 233.85 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાન સમયગાળામાં રૂ. 118.45 કરોડની સરખામણીમાં 97.43 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 23.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3477.4 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 2816.6 કરોડ પર હતી.
કોફોર્જઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 207.7 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 215.5 કરોડની અપેક્ષા કરતાં થોડો નીચો હતો. કંપનીની આવક પણ રૂ. 1751.25 કરોડની અપેક્ષા સામે રૂ. 1743 કરોડ પર જોવા મળી હતી.
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ 30 જૂન 2022 સુધીમાં મેચ્યોર થતાં રૂ. 800 કરોડના મૂલ્યના તમામ એનસીડીના બાય બેક માટે ઓપન ઓફર કરી છે.
પેટ્રોનેટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 750.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 713 કરોડની અપેક્ષા કરતાં નોંધપાત્ર ઊંચો જોવા મળ્યો હતો. કંપનીની આવક રૂ. 11160 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7575 કરોડની સરખામણીમાં 30 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
એસકેએફ ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 109.41 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 104.8 કરોડ પર હતો. કંપનીની આવક 22.6 ટકા વધી રૂ. 1039 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 847.5 કરોડ પર જોવા મળી હતી.
સાર્થક મેટલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 8 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક 175 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 129 ટકા ઉછળી રૂ. 147 કરોડ જ્યારે એબિટા રૂ. 12 કરોડ જોવા મળ્યો હતો. કંપનીએ 2021-22ના વર્ષ માટે 244 ટકા વૃદ્ધિ સાથે રૂ. 27.5 કરોડનો નફો નોંધાવ્યો હતો.
લક્ષ્મી મશીન્સઃ ટેક્સટાઈલ મશીનરી ઉત્પાદક કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 82.72 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે રૂ. 218 કરોડની વૃદ્ધિ દર્શાવે છે.
સ્કીપરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 25.12 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 177 કરોડની વૃદ્ધિ સૂચવે છે.
રિલેક્સોઃ ફૂટવેર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 698.2 કરોડનું વેચાણ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે રૂ. 747.7 કરોડ સામે 6.6 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીનો નફો ગયા વર્ષે રૂ. 102.17 કરોડ સામે 38.41 ટકા ગગડી રૂ. 62.93 કરોડ પર જોવા મળ્યો હતો.
સાગર સિમેન્ટઃ કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 48.1 કરોડના નફા સામે ચાલુ વર્ષે રૂ. 19.2 કરોડની ખોટ દર્શાવી છે. કંપનીની આવક જોકે 20.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 501.7 કરોડ જોવા મળી હતી. જે ગયા વર્ષે રૂ. 417.7 કરોડ પર હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage