બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી ફ્યુચર્સ 18000 પર બંધ આપવામાં સફળ
શેરબજારમાં મંગળવારે બે બાજુની વધ-ઘટ વચ્ચે સરવાળે તેજીવાળાઓનો હાથ ઉપર રહ્યો હતો. નિફ્ટી 46 પોઈન્ટસ સુધરી 17992ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચર્સ 18008.50 પર પ્રથમવાર 18 હજારની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. તેણે 18015ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. માર્કેટને બેંકિંગ સહિત અન્ય ક્ષેત્રોનો સપોર્ટ સાંપડ્યો હતો. આઈટીમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી નવી ટોચ પર બંધ રહ્યો છે. તેના માટે સોમવારે જોવા મળેલી 18042ની ટોચ એક અવરોધ છે. જ્યારે નીચે મંગળવારે જોવા મળેલું 17865નું તળિયું સપોર્ટ ગણાશે. જેની નીચે 17700નો સપોર્ટ રહેશે. માર્કેટમાં દરેક ઘટાડે ખરીદી જોવા મળી રહી છે અને કરેકશન ઈન્ટ્રા-ડે પૂરતી ઘટના બની રહે છે.
PSU બેંક ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળ્યો
જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં મંગળવારે સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક્સ 3 ટકાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યો હતો. પીએસયૂ બેંક્સમાં ઈન્ડિયન બેંકનો શેર લગભગ 10 ટકા ઉછળી છેલ્લાં ત્રણ વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. બેંક શેર રૂ. 161.50ની ટોચ દર્શાવ્યાં બાદ રૂ. 159.80 પર બંધ રહ્યો હતો. કેનેરા બેંકનો શેર પણ 6 ટકાના સુધારે રૂ. 187.05 પર બંધ રહ્યો હતો. જ્યારે આઈઓબી 4 ટકા, યુનિયન બેંક 4 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 3 ટકા અને પીએનબી 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. દેશમાં સૌથી મોટી બેંક એસબીઆઈનો શેર પણ 3 ટકા સુધરી રૂ. 483ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો.
રૂપિયામાં સતત ત્રીજા દિવસે નરમાઈ
યુએસ ડોલર સામે રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો અને તે 16 પૈસા તૂટી 75.52ના સવા વર્ષના તળિયા પર બંધ રહ્યો હતો. મંગળવારે રૂપિયો 75.41ના સ્તરે ખૂલી સુધરીને 75.16 પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી 75.66ના તળિયા પર પટકાઈ આખરે 75.52 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી જળવાય હતી અને તેને કારણે ઈમર્જિંગ કરન્સિઝમાં નરમાઈ જોવા મળી હતી. ભારતીય ચલણ પર ક્રૂડના ભાવની અસર પણ પડી હતી. સોમવારે રૂપિયામાં 37 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ડોલર ઈન્ડેક્સ 94.31ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 83.9 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળી રહ્યો હતો.
સોનું-ચાંદીમાં મજબૂતી, નેચરલ ગેસમાં 2 ટકાનો ઘટાડો
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સુધારા પાછળ સ્થાનિક બજારમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયામાં નરમાઈએ પણ સોનું-ચાંદીને સપોર્ટ કર્યો હતો અને તેઓ પોઝીટીવ ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર્સ 0.5 ટકા અથવા રૂ. 248ના સુધારા સાથે રૂ. 47262 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર્સ રૂ. 67ના સુધારે રૂ. 61811 પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે સોનુ 7 ડોલરના સુધારે 1762 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો સોનુ 1781 ડોલરની સપાટી કૂદાવશે તો ઝડપી સુધારો જોવા મળી શકે છે. યુએસ ખાતે ગયા શુક્રવારે નોન-ફાર્મ પેરોલ ડેટા અપેક્ષાથી ખૂબ જ નબળો આવતાં સોનામાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે.
ઓક્ટોબરમાં મીડ-કેપ્સનો સપાટોઃ આંઠ સત્રોમાં જ 41 ટકા સુધીનું રિટર્ન
બેન્ચમાર્ક્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ્સમાં જોવા મળેલી ભારે લેવાલી
મંગળવારે નિફ્ટી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સ નવી ટોચ પર બંધ રહ્યાં
શેરબજારમાં બેન્ચમાર્ક્સમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી ચાલુ છે. ઓક્ટોબર મહિનાના શરૂઆતી આંઠ ટ્રેડિંગ સત્રોમાં જ બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સે 41 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે. નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સત્રોથી તેમની નવી ટોચ દર્શાવી રહ્યાં છે.
એનએસઈ-500 જૂથના શેર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે 500માંથી 350 કાઉન્ટર્સ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. છેલ્લાં આંઠ સત્રોમાં તેમણે એક ટકાથી લઈ 41 ટકાનો સુધારો નોંધાવ્યો છે. અન્ય 47 કાઉન્ટર્સ કોઈપણ વધ-ઘટ વિના સ્થિર જળવાયાં છે. જ્યારે બાકીના 103 કાઉન્ટર્સ એક ટકાથી લઈને 14 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. આમ લગભગ 70 ટકા શેર્સે છેલ્લાં આંઠ સત્રોમાં પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવ્યો છે. માર્કેટ નિરીક્ષકોના મતે મીડ-કેપ્સમાં વ્યક્તિગત શેર્સમાં કરેક્શન આવી જાય છે પરંતુ બીજી બાજુ અનેક કાઉન્ટર્સમાં સતત લેવાલી પણ જોવા મળે છે અને તેઓ સતત નવી ટોચ દર્શાવી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિના કરતાં પણ ઓક્ટોબરમાં ટ્રેડર્સ વધુ એક્ટિવ જણાય રહ્યાં છે અને શરૂઆતી સત્રોમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી છે. કેશ માર્કેટ સેગમેન્ટમાં વોલ્યુમ પણ ગયા મહિનાની સરેરાશ કરતાં નોંધપાત્ર ઊંચા જોવા મળી રહ્યાં છે અને તે સૂચવે છે કે ઊંચા સ્તરે ડિસ્ટ્રીબ્યુશન પણ થઈ રહ્યું છે. જોકે માર્કેટમાં ઉન્માદ છે તેમ તેઓ નથી માની રહ્યાં. ફંડ્સ અને જાણકાર વર્તુળો પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી કરી રહ્યાં છે. જેની પાછળ ચોક્કસ ડેવલપમેન્ટ્સ તથા બીજા ક્વાર્ટર માટેના અપેક્ષા કરતાં સારા પરિણામો જવાબદાર હોઈ શકે છે એમ તેઓનું માનવું છે.
ઓક્ટોબરના પ્રથમ દિવસથી મંગળવાર સુધીમાં 41 ટકાની ભાવ વૃદ્ધિ સાથે નેટવર્ક18ના શેરે એનએસઈ-500 જૂથમાં સૌથી સારો દેખાવ નોંધાવ્યો છે. કંપનીનો શેર તેની ઘણા વર્ષોની ટોચ પર બંધ જોવા મળ્યો છે. ટાટા જૂથની ટેલિકોમ કંપની ટીટીએમએલનો શેર 36 ટકા સાથે બીજા ક્રમે જોવા મળે છે. ટાટા જૂથની અનેક કંપનીઓએ છેલ્લાં કેટલાંક સત્રોમાં તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી છે. ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ટ્રાઈડેન્ટનો શેર 34 ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યો છે. ઊંચો સુધારો દર્શાવતાં અન્ય કાઉન્ટર્સમાં રેડિકો ખેતાન(33 ટકા), નઝારા ટેક્નોલોજિસ(33 ટકા), આઈઆરસીટીસી(27 ટકા), ટાટા મોટર્સ(26 ટકા), આઈડીબીઆઈ બેંક(25 ટકા) અને એમસીએક્સ(24 ટકા)નો સમાવેશ થાય છે. ડિસઈન્વેસ્ટમેન્ટની શક્યતા પાછળ આઈડીબીઆઈના શેરમાં મંગળવારે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા જૂથની કંપની ટાટા પાવરના શેરે ગણતરીમાં લીધેલા સમય દરમિયાન 23 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. કંપનીનો શેર ઓક્ટોબરની શરૂમાં રૂ. 159ના સ્તરેથી ઉછળી મંગળવારે રૂ. 196ના સ્તરે જોવા મળ્યો હતો. ઈન્ડિયન એનર્જી એક્સચેન્જનો શેર પણ 22 ટકાનો તીવ્ર સુધારો દર્શાવી રહ્યો છે. મંગળવારે કંપનીનો શેર રૂ. 809ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે તે રૂ. 181ના તળિયેથી સુધરતો રહ્યો છે.
ઓક્ટોબરમાં મીડ-કેપ્સનો દેખાવ
સ્ક્રિપ્સ 30 સપ્ટેમ્બરનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) ભાવમાં વૃદ્ધિ(ટકામાં)
નેટવર્ક18 51.95 73.25 41%
ટીટીએમએલ 35.35 48.1 36%
ટ્રાઈડેન્ટ 28 37.45 34%
રેડિકો 881 1171 33%
નઝારા ટેક્નો. 2292.1 3042.15 33%
IRCTC 3798.5 4819.25 27%
ટાટા મોટર્સ 333.35 421.25 26%
IDBI 46.3 58.1 25%
MCX 1658.65 2057.7 24%
અશોકા બિલ્ડકોન 98.45 122.1 24%
ટાટા પાવર 158.75 195.8 23%
DBL 568.4 700 23%
TV18 બ્રોડકાસ્ટ 37.95 46.4 22%
IEX 645.95 787.6 22%
Market Summary 12 October 2021
October 12, 2021