Market Summary 12 October 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક વેચવાલી અટકતાં ત્રણ-સત્રો બાદ માર્કેટમાં સુધારો
નિફ્ટીએ 17100નું સ્તર પાર કર્યું
ચીનનું બજાર 1.5 ટકા ઉછળ્યું, યુએસ બજાર હજુ પણ અવઢવમાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 20.17ની સપાટીએ
એફએમસીજી, પીએસઈ, બેંકિંગ અને એનર્જીમાં લેવાલી
બ્રોડ માર્કેટમાં જોકે સુસ્ત માહોલ
નિફ્ટી કાઉન્ટર્સમાં એક્સિસ બેંકમાં ત્રીજા સપ્તાહે મજબૂતી
આઈડીએફસી, આઈડીએફસી ફર્સ્ટ બેંકે વાર્ષિક ટોચ દર્શાવી
એલઆઈસી, બાયોકોન અને વોલ્ટાસ 52-સપ્તાહના તળિયે જોવા મળ્યાં


શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ બુધવારે ખરીદી નીકળી હતી. વૈશ્વિક બજારોમાં વેચવાલી અટકતાં સ્થાનિક બજારે રાહત સાંપડી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 479 પોઈન્ટ્સ સુધારા સાથે 57626ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ્સ સુધરી 17123.60ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. મંગળવારે 17 હજારની સપાટી ગુમાવ્યા બાદ તેણે બીજા જ સત્રમાં 17kનું સ્તર પરત મેળવતાં રોકાણકારોને રાહત સાંપડી હતી. જોકે માર્કેટમાં પૂરપાટ તેજી જોવા મળે તેવી શક્યતા નહિ હોવાનું બજાર વર્તુળોનું માનવું છે. તેમના મતે માર્કેટ કોન્સોલિડેશન ફેઝમાં જળવાશે. બુધવારે લાર્જ-કેપ્સમાં બ્રોડ બેઝ લેવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાં 43 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર સાત કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો સૂચવતાં હતાં. જેણે માર્કેટના આત્મવિશ્વાસને વધાર્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે સુસ્તી જોવા મળી હતી અને બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા જેટલો ગગડી 20.17ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે યુએસ બજારે બે બાજુની વધ-ઘટ બાદ ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પોઝીટીવ બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેકમાં ઘટાડો નોંધાયો હતો. જેની અસરે એશિયન બજારોએ કામકાજની શરૂઆત નરમાઈ સાથે કરી હતી. જેમાં હોંગ કોંગ અને તાઈવાનના બજારોએ તેમના નવા તળિયા દર્શાવ્યાં હતાં. જોકે ત્યાંથી બજારોમાં બાઉન્સ જોવા મળ્યો હતો. હેંગ સેંગ છેલ્લાં ત્રણ વર્ષોના તળિયા પરથી 500થી વધુ પોઈન્ટ્સ સુધારી બંધ આવ્યો હતો. અલબત્ત, તે પોઝીટીવ બંધ દર્શાવી શક્યો નહોતો. એકમાત્ર ચીનું બજાર 1.5 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યું હતું. નિફ્ટી અગાઉના 16984ના બંધ સામે 17025ની સપાટી પર ખૂલ્યાં બાદ શરૂઆતમાં થોડી નરમાઈ સાથે 16960નું તળિયું દર્શાવી ઉપરમાં 17142 પર ટ્રેડ થઈ મજબૂત બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે હવે નજીકમાં 17240નો અવરોધ છે. જે પાર થશે તો નિફ્ટી 17430 સુધીનો સુધારો દર્શાવી શકે છે. આ સ્તર નિફ્ટી માટે એક મહત્વનો અવરોધ બની શકે છે. જ્યારે નિફ્ટીને 67950નો નજીકનો સપોર્ટ ગણાશે. જેની નીચે 16750નો સપોર્ટ મળી શકે છે. યુએસ બજારમાં લાંબા સમયથી સતત ઘટાડાને જોતાં તે એકાદ-બે દિવસમાં બાઉન્સ દર્શાવે તેવી શક્યતાં છે. જોકે ડોલર ઈન્ડેક્સમાં ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ પાછળ ઈક્વિટીઝ અને ગોલ્ડમાં પણ આંતરે દિવસે બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે.
બુધવારે ભારતીય બજારમાં એફએમસીજી, પીએસઈ, બેંકિંગ અને એનર્જી સેક્ટરમાં ખરીદી નીકળી હતી. જેને કારણે બજારને સપોર્ટ મળી રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.5 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં ડાબર ઈન્ડિયા 2.9 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જે ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, કોલગેટ, વરુણ બેવરેજીસ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ, નેસ્લે, આઈટીમાં સુધારો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.4 ટકા જેટલી મજબૂતી દર્શાવી રહ્યો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 3.5 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવતો હતો. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, એનટીપીસી, આઈઓસી, ભેલ, બીપીસીએલ, નાલ્કોમાં પણ મજબૂતી જોવા મળતી હતી. બેંકનિફ્ટી 1 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. તે ફરી 29 હજારની સપાટી પર ટક્યો હતો. બેંક શેર્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 4 ટકા ઉછળી વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેંકનો શેર સતત ત્રીજા દિવસે ઉછળ્યો હતો. 3 ટકા મજબૂતી સાથે તેણે રૂ. 800નું સ્તર પાર કર્યું હતું. જ્યારે ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, પીએનબી, બંધન બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક પણ એક ટકાથી વધુનો સુધારો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકા સુધરી દિવસની ટોચ પર બંધ રહ્યો હતો. એનર્જી કાઉન્ટર્સમાં પીએસયૂ શેર્સ ઉપરાંત રિલાયન્સ પણ 0.74 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. એકમાત્ર અદાણી ગ્રીન એનર્જી 1.4 ટકા નરમાઈ સૂચવતો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.62 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 4.71 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4.2 ટકા, ડીએલએફ 2.4 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 2 ટકા, ઓબેરોટ રિઅલ્ટી 1.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ પ્રેસ્ટીજ એસટેટ, હેમિસ્ફિઅર અને સનટેક રિઅલ્ટીમાં ઘટાડો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં કેટલાંક કાઉન્ટર્સ સારી ખરીદી દર્શાવી રહ્યાં હતાં. જેમાં આઈડીએફસી, મણ્ણાપુરમ ફાઈનાન્સ, સિટી યુનિયન બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, આરબીએલ બેંક, બજાજ ઓટો વગેરેનો સમાવેશ થતો હતો. આ તમામ કાઉન્ટર્સ 3 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ લૌરસ લેબ્સ, સિન્જિન ઈન્ટરનેશનલ, ઝી એન્ટરટેઈનમેન્ટ, વ્હર્લપુલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એશિયન પેઈન્ટ્સ, આલ્કેમ લેબ, ભારત ફોર્જ જેવા કાઉન્ટર્સમાં ઘટાડો નોંધાયો હતો. આઈડીએફસી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, શેલે હોટેલ્સ, કેઆરબીએલ અને કેપીટીએલે તેમની નવી ટોચ દર્શાવી હતી. જ્યારે નેટ્કો ફાર્મા, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એલઆઈસી ઈન્ડિયા, બાયોકોન, મેડપ્લસ ફાર્મા, માસ્ટેક અને વોલ્ટાસ જેવા કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. બીએસઈ ખાતે કુલ 3571 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1840 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1602માં સુધારો જોવા મળ્યો હતો. 114 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 58 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 129 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ ભાવે સ્થિર જોવા મળ્યાં હતાં. બજાર બંધ થયા બાદ વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજીએ તેમના પરિણામો જાહેર કર્યાં હતાં.



સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્ટાર્ટ-અપ ફંડિગમાં 80 ટકાનો તીવ્ર ઘટાડો
ગયા વર્ષે 14.9 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 3 અબજ ડોલરનું ફંડીંગ
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માત્ર ત્રણ કંપનીઓ યુનિકોર્નમાં ફેરવાઈ

ભારતીય સ્ટાર્ટ-અપ્સે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં માત્ર 3 અબજ ડોલર ઊભા કર્યાં છે. જે આંકડો સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 14.9 ટકાની સરખામણીમાં 80 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. જ્યારે જૂન ક્વાર્ટરની સરખામણીમાં 57 ટકા ઘટાડો સૂચવે છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્ટાર્ટ-અપ ફંડીંગની સરેરાશ ટિકીટ સાઈઝ પણ ઘટાડો દર્શાવી રહી છે. ફંડીંગના તમામ સ્ટેજિસમાં ટિકીટ સાઈઝ ઘટી છે. જેમાં આખરી તબક્કા(લેટ સ્ટેજ)માં રોકાણની ટિકિટ સાઈઝ 70 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. સપ્ટેમ્બર 2021માં લેટ સ્ટેજમાં સરેરાશ 14.2 કરોડ ડોલરનું રોકાણ જોવા મળયું હતું. જે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 4.2 કરોડ પર રહ્યું છે. જે દર્શાવે છે કે જ્યાં સુધી આર્થિક સ્થિતિમાં સ્થિરતા જોવા ના મળે ત્યાં સુધી રોકાણકારો મોટુ રોકાણ કરવા માટે તૈયાર નથી.
સ્ટાર્ટ-અપ્સમાં મહત્તમ ફંડીંગ મેળવનારા ત્રણ સેક્ટર્સમાં અલ્ટરનેટીવ લેંડિંગ, જેનોમિક્સ અને પેમેન્ટ્સનો સમાવેશ થાય છે. જિનોમિક્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 23.1 કરોડ ડોલરનું ફંડીંગ મેળવ્યું હતું. જોકે હજુ પણ તે મોટાપાયે ઈન્વેસ્ટર્સ ઈન્ટરેસ્ટ ઊભો કરી શક્યું નથી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 10 કરોડ ડોલરથી વધુનું ફંડિંગ મેળવનાર પાંચ કંપનીઓમાં અર્લીસેલેરી, 5ire, ઈન્શ્યોરન્સદેખો, વનકાર્ડ અને બુકમાઈશોનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં સૌથી એક્વિટ ઈન્વેસ્ટર્સમાં બેટર કેપિટલ અને વેન્ટર કેટાલિસ્ટ્સ અને સર્જનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 109 સ્ટાર્ટ-અપ્સે તેમના પ્રથમ ફંડીંગ રાઉન્ડને પૂરો કર્યો હતો. ક્વાર્ટર દરમિયાન ત્રણ સ્ટાર્ટ-અપ્સ કંપની યુનિકોર્ન બની હતી. જ્યારે બે કંપનીઓએ આઈપીઓ માટે ફાઈલીંગ કર્યું હતું.



જૂન ક્વાર્ટરમાં માઈક્રો લોન્સમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ
બેંક્સ તરફથી માઈક્રો-બોરોઅર્સને લોન્સમાં વાર્ષિક 18 ટકા વૃદ્ધિ જોવા મળે છે. માઈક્રો ફાઈનાન્સ ક્ષેત્રે એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. માર્ચ 2022ની આખરમાં રિસ્ક પોર્ટફોલિયોનું પ્રમાણ 6 ટકા પર હતું. જે જૂન 2022 આખરમાં 5.8 ટકા પર જોવા મળ્યું હતું. પુનઃચૂકવણીમાં 90 દિવસો કરતાં વધુનો સમય વિતી ગયો હોય તેવી લોનનું પ્રમાણ પણ 2.7 ટકા પરથી ઘટી 2.2 ટકા પર જોવા મળ્યું હતું. કોવિડ બાદ બોરોઅર્સ પરત ફર્યાં છે. લાઈવ કસ્ટમર બેઝ ત્રિમાસિક ધોરણે 1.6 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે વાર્ષિક ધોરણે તે 5.1 ટકા વૃદ્ધિ સૂચવે છે. અર્બન માર્કેટમાં જોકે 0.8 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે રુરલ માર્કેટમાં ગ્રોસ લોન પોર્ટફોલિયો 22 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ડિસેમ્બર આખર સુધીમાં US ખાતે સુગર એક્સપોર્ટ થઈ શકશે
ભારત સરકારે બુધવારે ટેરિફ રેટ ક્વોટા(ટીઆરક્યૂ) હેઠળ યુએસ ખાતે ચોક્કસ જ્થ્થામાં રો સુગર નિકાસની છૂટ આપી હતી. જે હવે 31 ડિસેમ્બર સુધી થઈ શકશે. અગાઉ સરકારે 30 સપ્ટેમ્બર સુધી આ નિકાસની છૂટ આપી હતી. યુએસ ખાતે ટીઆરક્યૂ હેઠળ રો સુગરની નિકાસ માટેની માન્યતાને 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું. ટીઆરક્યૂ એ નિકાસનો એવો ક્વોટા હોય છે જે પ્રમાણમાં નીચા ટેરિફ દરે યુએસ ખાતે પ્રવેશ કરતો હોય છે. એકવાર ક્વોટાની મર્યાદા પૂરી થાય ત્યારબાદ અધિક શીપમેન્ટ્સ પર ઊંચી ટેરિફ લાગુ પડતી હોય છે. મે મહિનામાં સરકારે યુએસ માટે ટીઆરક્યૂ હેઠળ અધિક 2051 ટમ રો સુગરની નિકાસને મંજૂરી આપી હતી. ટીઆરક્યૂ હેઠળ યુએસ ખાતે કુલ સુગર એક્સપોર્ટ 10475 ટન પર રહી છે.


MF AUMમાં SIPનો હિસ્સો વિક્રમી સ્તરે પહોંચ્યો
સપ્ટેમ્બર આખરમાં એસઆઈપી-લિંક્ડ એયૂએમનો હિસ્સો 16.5 ટકાની ટોચ પર
છેલ્લાં પાંચ વર્ષોમાં સિપ-લિંક્ડ એયૂએમમાં બમણી વૃદ્ધિ નોંધાઈ
સપ્ટેમ્બર 2022માં 22.7 લાખ નવા સિપ એકાઉન્ટ ખૂલ્યાં

રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)માં રોકાણમાં વૃદ્ધિને કારણે મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે સિપ મારફતે થતાં રોકાણનો હિસ્સો વિક્રમી સ્તરે પહોંચ્યો છે. સપ્ટેમ્બર 2022માં પૂરા થતાં મહિના દરમિયાન સિપ-લિંક્ડ ફંડ એયૂએમ કુલ એયૂએમના 16.5 ટકાની રેકર્ડ સપાટી પર નોંધાયું હતું. જે ફંડ ઉદ્યોગ ક્ષેત્રે અત્યાર સુધીનું સિપનું સૌથી ઊંચું યોગદાન છે. એમ્ફીના ડેટા મુજબ સિપ્સમાં માસિક ધોરણે ઈનફ્લોના સતત નવા વિક્રમ બની રહ્યાં છે. જે ભારતીય રોકાણકારોમાં વિકસી રહેલાં ઈક્વિટી કલ્ટને દર્શાવે છે.
છેલ્લાં 12 મહિના દરમિયાન એસઆઈપી-લિંક્ડ ફંડ્સનો હિસ્સો 200 બેસીસ પોઈન્ટ્સ ઉછળ્યો છે. જ્યારે પાંચ વર્ષોમાં તે બમણું બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષોમાં એસઆઈપી એયૂએમમાં વાર્ષિક 29 ટકા વૃદ્ધિ જોવા મળી છે અને તે રૂ. 4.6 લાખ કરોડ પર પહોંચ્યું છે. જ્યારે મ્યુચ્યુલ ફંડ ક્ષેત્રે કુલ એયૂએમ 14 ટકા વધી રૂ. 38.42 લાખ કરોડ રહ્યું છે. એસઆઈપી એયૂએમમાં વૃદ્ધિનું મુખ્ય કારણ માસિક ઈનફ્લોમાં સતત જોવા મળતો સુધારો છે. સપ્ટેમ્બર 2020માં એસઆઈપી ઈનફ્લો રૂ. 12976 કરોડના વિક્રમી સ્તરે જોવા મળ્યો હતો. કોવિડ દરમિયાન બજારમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાના સમયે પણ એસઆઈપી ઈનફ્લો મજબૂત જળવાયો હતો. છેલ્લાં 12 મહિનામાં રોલીંગ બેસીસ પર કુલ એસઆઈપી ઈનફ્લો વધી રૂ. 1.42 લાખ કરોડ પર રહ્યો હતો. જે અગાઉના 12 મહિનામાં રૂ. 96000 કરોડ પર હતો. છેલ્લાં પાંચ મહિના દરમિયાન માર્કેટમાં ઊંચી વધ-ઘટ વચ્ચે પણ એસઆઈપી ઈનફ્લો મજબૂત જળવાયો છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન એસઆઈપી એકાઉન્ટની સરેરાશ ઈન્વેસ્ટમેન્ટ સાઈઝ પણ રૂ. 2200-2300 પર સ્થિર જળવાય છે. છેલ્લાં પાંચ વર્ષોમાં નવા એસઆઈપી એકાઉન્ટ્સમાં વાર્ષિક ધોરણે 29 ટકા વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર 2022ની આખરમાં કુલ એસઆઈપી એકાઉન્ટ્સની સંખ્યા 5.8 કરોડ પર પહોંચી હતી. સપ્ટેમ્બર 2020માં એસઆઈપી એકાઉન્ટમાં 22.7 લાખ લાખની વૃદ્ધિ જોવા મળી હતી. જે છેલ્લાં સાત મહિનામાં સૌથી ઊંચી હતી. આમ સિપ પ્રત્યે રિટેલ વર્ગ વધુને વધુ સભાન બની રહ્યો છે. જેને કારણે વિદેશી રોકાણકારો તરફથી જોવા મળેલી વેચવાલીને સ્થાનિક ફંડ્સ આસાનીથી પચાવી શક્યાં છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

વિપ્રોઃ આઈટી સર્વિસિઝ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9.3 ટકા ઘટાડા સાથે રૂ. 2659 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2930.6નો નફો નોંધાવ્યો હતો. જોકે ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 3.72 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 14.6 ટકા વધી રૂ. 22540 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો એટ્રીશન રેટ 23.3 ટકાથી ઘટી 23 ટકા પર રહ્યો હતો. કંપનીએ ક્વાર્ટર દરમિયાન માત્ર 600 કર્મચારીઓની નિમણૂંક કરી હતી.
HCL ટેકનોલોજીઃ આઈટી સર્વિસિઝ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3489 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3259 કરોડની સરખામણીમાં 7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 20 ટકા ઉછળી રૂ. 24686 કરોડ પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો બિઝનેસ 5.3 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 10 ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
આરઈસીઃ પીએસયૂ ઈલેક્ટ્રિસિટી ફાઈનાન્સ કંપનીએ ઈઆર-એનઈઆર ટ્રાન્સમિશનમાં તેના સમગ્ર હિસ્સાને એસેટ્સ અને લાયેબિલિટીઝ સાથે એટ પાર વેલ્યૂએ અન્ય પીએસયૂ કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ટ્રાન્સફર કર્યો છે. જેને કારણે પાવર ગ્રીડના શેરમાં સુધારો જોવાયો હતો.
ડેલ્ટા કોર્પોરેશનઃ એન્ટરટેઈનમેન્ટ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 68.3 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 22.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 75 કરોડ પરથી વધી રૂ. 270 કરોડ પર રહી છે.
તિલકનગર ઈન્ડસ્ટ્રીઝઃ ઈએઆરસી ટ્રસ્ટ એસસીએ તિલકનગર ઈન્ડસ્ટ્રીના 42 લાખ શેર્સનું ત્રણ બ્લોક્સમાં વેચાણ કર્યું છે. બોફા સિક્યૂરિટીઝ અને યૂરોપ એસએએ 46.9 લાખ શેર્સની ખરીદી કરી છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ એનએસઈ ખાતે એક બલ્ક ડિલ્સમાં રૂટ વન ફંડે પ્રાઈવેટ બેંકમાં 1.2 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે. જ્યારે ગોલ્ડમેન સાચે 69.7 લાખ શેર્સની ખરીદી કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ કંપનીએ જણાવ્યું છે કે જીઓ-બીપી મહિન્દ્રાની ઈ-એસયૂવી માટે ચાર્જિંગ નેટવર્કની સ્થાપના કરશે.
સુઝલોન એનર્જીઃ રિન્યૂએબલ એનર્જી કંપનીએ આદિત્ય બિરલા ગ્રૂપ પાસેથી 144.9 મેગાવોટ માટેનો ઓર્ડર મેળવ્યો છે.
એલએન્ડટી ફાઈનાન્સઃ કંપનીએ તેની સબસિડિયરી એલએન્ડટી એએમસીના એચએસબીસીને વેચાણ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મેળવી લીધી છે.
આઈઆરએફસીઃ રેલ્વેની પેટાકંપનીએ રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફાઈનાન્સિંગ માટે કોઓપરેશન વધુ મજબૂત બનાવવા મટે આઈઆઈએફસીએલ સાથે એમઓયૂ સાઈન કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage