Market Summary 13/01/2023

શેરબજારમાં શોર્ટ કવરિંગ પાછળ ઘટાડો અટક્યો
વૈશ્વિક બજારોમાં યુએસ ડેટા પાછળ વધુ સુધારો
ઈન્ડિયા વિક્સ 5.4 ટકા ઘટી 14.46ની સપાટીએ
મેટલ, આઈટી, બેંકિંગ, પીએસઈમાં મજબૂતી
ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ
જિંદાલ સ્ટીલ, સીજી પાવર નવી ટોચે
બાટા ઈન્ડિયા, ડેલ્હિવેરીમાં નવું લો
શેરબજારમાં આખરે શોર્ટ કવરિંગ પાછળ સપ્તાહના આખરી સત્રમાં બાઉન્સ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં તેજી આગળ વધવાને કારણે મંદીવાળાઓનું મનોબળ થોડું મોળું પડતાં બેન્ચમાર્ક્સ અડધા ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 303.15 પોઈન્ટ્સ સુધારે 60261.18ની સપાટી પર જ્યારે નિફ્ટી 98.40ના સુધારે 17956.60 પર બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 65 પોઈન્ટ્સના પ્રિમીયમે 18022ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં શોર્ટ કવરિંગ પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 37 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 17 કાઉન્ટર્સ ઘટાડો નોંધાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ દેખીતી ખરીદી જોવા મળતી હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3664 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1993 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1487 નરમાઈ દર્શાવતાં હતાં. 13 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 4 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.4 ટકા નરમાઈ સાથે 14.46ની સપાટી પર બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ ખાતે સીપીઆઈ ડેટા અપેક્ષા મુજબ જોવા મળતાં ફેડ તરફથી હોકિશ વલણમાં ફેરફારની ફરી એક આશા જાગી હતી. જેની પાછળ યુએસ બજારોમાં મજબૂતી જોવા મળી હતી. જેણે એશિયન બજારોની તેજીને વેગ આપ્યો હતો. ચીન, કોરિયા, તાઈવાન, હોંગ કોંગ જેવા બજારો એક ટકાની આસપાસ કે ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. આ સ્થિતિમાં ભારતીય બજારે પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે ત્યારબાદ ફરી એકવાર બજાર મંદીમાં સરી પડ્યું હતું. એક તબક્કે સેન્સેક્સ 300 પોઈન્ટ્સની નરમાઈ સૂચવતો હતો. જોકે શરૂઆતી ત્રણેક કલાકમાં રેડ ઝોનમાં રહ્યાં બાદ બજાર ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને જોતજોતામાં બેન્ચમાર્ક નિફ્ટી 17999.35ની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી થોડો સુધારો ગુમાવી અડધો ટકો પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી કાઉન્ટર્સમાં મજબૂતી દર્શાવનારાઓમાં ઈન્ડસઈન્ડ બેંક 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસ, તાતા સ્ટીલ, આઈશર મોટર્સ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચયૂએલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ટાઈટન કંપની 1.2 ટકા ઘટાડે સૌથી વધુ નરમાઈ દર્શાવતો હતો. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ, નેસ્લે, આઈટીસી અને લાર્સન પણ નરમાઈ સૂચવતાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, એનર્જી, બેંકિંગ, આઈટી, પીએસઈ અને ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ફાર્મા અને એફએમસીજી નરમ જળવાયાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.3 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યો હતો. બેન્ચમાર્કના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એનએમડીસી, તાતાસ્ટીલ અને મોઈલ 2 ટકા સુધારો દર્શાવતાં હતાં. ઉપરાંત હિંદુસ્તાન ઝીંક, જિંદાલ સ્ટીલ, સેઈલ પણ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.74 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ફોસિસ 1.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટીસીએસ, એમ્ફેસિસ પણ એક ટકાથી વધુ મજબૂત જોવા મળ્યાં હતાં. જોકે એલએન્ડટી ટેક્નોલોજી 5.3 ટકા ગગડ્યો હતો. બેંક નિફ્ટીએ આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. ઈન્ટ્રા-ડે 42 હજારની નીચે ગયા બાદ તે 42 હજાર પર પર ફર્યો હતો. ઈન્ડેક્સના ઘટકોમાં ફેડરલ બેંક 2.52 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એસબીઆઈ પણ મજબૂત જોવા મળ્યા હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં એમસીએક્સ ઈન્ડિયા 6.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો.આ ઉપરાંત રેઈન ઈન્ડસ્ટ્રીઝ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, કેનેરા બેંક, પાવર ફાઈનાન્સ, આઈડીએફસી, એનએમડીસી, તાતા સ્ટીલ 2 ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ એલએન્ડટી ટેક્નોલોજી 5.3 3 ટકા તૂટ્યાં હતાં. જે ઉપરાંત ગુજરાત ગેસ, બાટા ઈન્ડિયા, અમર રાજા બેટરીઝ, ઓરોબિંદો ફાર્મા, શ્રીરામ ફાઈનાન્સ, વ્હર્લપુલ, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને હેવેલ્સ ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં મહિન્દ્રા સીઆઈઈ, સીજી પાવર, જિંદાલ સ્ટીલ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. મહિન્દ્રા સીઆઈઈ 6 ટકા ઉછળ્યો હતો. બીજી બાજુ બાટા ઈન્ડિયા 3.5 ટકા ગગડી વાર્ષિક તળિયા પર જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગ્લેન્ડ ફાર્મા, ડેલ્હીવેરી, લૌરસ લેબ્સ, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, અતુલ અને બાયોકોને પણ તેના 52-સપ્તાહના તળિયા દર્શાવ્યાં હતાં.

હાજર બજારમાં સોનું રૂ. 58200ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યું
MCX વાયદો રૂ. 370 વધી રૂ. 52145ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયો
ન્યૂ યોર્ક ખાતે વાયદો 1912 ડોલરની આંઠ મહિનાની ટોચે જોવા મળ્યો
માર્કેટમાં લાવ-લાવ પાછળ ડિસ્કાઉન્ટમાં જોવા મળી રહેલા ભાવ પ્રિમીયમમાં પહોંચ્યાં
ઊંચા મથાળે પણ પ્રોફિટ બુકિંગનો અભાવ

ભારતીય બજારમાં શુક્રવારે સોનું તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયું હતું. અમદાવાદમાં બુલિયન માર્કેટમાં હાજરમાં બિલના ભાવ રૂ. 58200 પર બોલાયાં હતાં. જ્યારે ઓનલાઈન કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 370 ઉચકાઈ રૂ. 56245ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો. તેણે જુલાઈ 2020માં દર્શાવેલી રૂ. 56200ની ટોચને પાર કરી હતી.
ગુરુવારે યુએસ ખાતે ડિસેમ્બર મહિના માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા અપેક્ષા મુજબ જોવા મળતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. ગુરુવારે સાંજે જ વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલરની સપાટી પર ટ્રેડ થયું હતું. જ્યારે શુક્રવારે બપોર સુધીમાં તે 1912 ડોલર પર જોવા મળ્યું હતું. જે મે મહિના પછીનું સર્વોચ્ચ લેવલ હતું. ચાલુ સપ્તાહે ભારતીય ચલણમાં રૂપિયાની સરખામણીમાં સતત મજબૂતી પાછળ ગોલ્ડમાં ઓછામાં ઓછું રૂ. 600નો નીચો સુધારો જોવા મળ્યો હોવાનું એનાલિસ્ટ્સ માને છે. જો રૂપિયો ડોલર સામે સ્થિર રહ્યો હોત તો સોનુ સપ્તાહની શરૂમાં જ સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું હોત. જોકે સમગ્ર 2022માં ભારતીય બજારમાં સોનું મજબૂત થવાનું કારણ માત્રને માત્ર ડોલર સામે રૂપિયામાં ઘસારો હતો.
ગોલ્ડમાં તેજી પાછળ માર્કેટમાં ઓંચિતી લેવાલી નીકળી હોવાનું અમદાવાદમાં માણેકચોક સ્થિત બુલિયન ટ્રેડર્સ જણાવે છે. તેમના જણાવ્યા મુજબ ચાર દિવસથી ભાવોમાં મજબૂતી પાછળ જે લોકો ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા હતાં તેઓ ખરીદી માટે દોડ્યાં છે. ખાસ કરીને જેઓને ત્યાં ઉત્તરાયણમાં કમૂર્તા પૂરા થયાં બાદ લગ્ન તેડાવ્યાં છે તેઓ માટે ઊંચા ભાવે ખરીદી વિના છૂટકો નથી. જેને કારણે શો-રુમ્સ અને જ્વેલરી ઉત્પાદકોની ઊંચી માગ નીકળી છે. આ જ કારણથી લાંબા સમયથી પડતર સામે ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહેલાં ભાવ હવે રૂ. 1200નું પ્રિમીયમ દર્શાવી રહ્યાં હોવાનું તેઓ ઉમેરે છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ શુધ્ધ સોનાનો ભાવ રૂ. 58200 પર બોલાયો હતો. સોનામાં હજુ પણ તેજીની શક્યતાં જોતાં નીચામાં લઈ ગયેલાઓ તરફથી કોઈ વેચવાલી જોવા મળી રહી નથી. તેમજ સામાન્યરીતે ભાવ ટોચ પર હોય ત્યારે લોકો જૂનું સોનું વેચવા માટે પણ બજારમાં આવતાં હોય છે. આ વખતે તેમ પણ નથી જોવા મળી રહ્યું. જૂના દાગીનાને ભંગાર તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ વખતે ભંગારની આવક નહિવત હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે માર્કેટમાં લાંબા સમયગાળા બાદ તેજીનું સેન્ટિમેન્ટ પરત ફર્યું છે અને તેથી નજીકના સમયમાં વેચનારાઓ પણ ઉતાવળ નહિ કરે. ભાવ ઘટવાતરફી બનશે ત્યારબાદ જ તેમની વેચવાલી જોવા મળી શકે છે.
ગોલ્ડમાં 1940 ડોલરનો ટાર્ગેટ
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક ગોલ્ડ ઉપરમાં 1925 ડોલરથી 1940 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે નજીકમાં તેને 1880 ડોલરનો સપોર્ટ રહેશે. આ સ્તર તૂટશે તો 1865 ડોલરનો મજબૂત સપોર્ટ રહેલો છે. જે તૂટવાની શક્યતાં ઓછી છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડમાં રૂ. 56200ની સર્વોચ્ચ ટોચ પાર થતાં નવા ટાર્ગેટ રૂ. 56600 અને 57000ના છે. જ્યારે નીચામાં રૂ. 55780નો પ્રથમ સપોર્ટ છે. જેની નીચે રૂ. 55450નો સપોર્ટ જોવા મળી શકે છે.

નવા વર્ષના આરંભે ખાદ્ય તેલની આયાતમાં 30 ટકા ઉછાળો
નવે.-ડિસે. 2022માં દેશમાં વિવિધ ખાદ્ય તેલોની આયાત 31.11 લાખ ટન પર જોવાઈ
કુલ આયાતમાં રિફાઈન્ડ ઓઈલનો હિસ્સો વાર્ષિક ધોરણે 3 ટકા પરથી વધીને 15 ટકા પર પહોંચ્યો

દેશમાં નવા ખાદ્ય તેલ વર્ષ(નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023)ના શરૂઆતી બે મહિના દરમિયાન આયાતમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય તેલોની આયાત 30 ટકા વધી 31.11 લાખ ટન પર રહી હતી. જેને કારણે કેલેન્ડર 2023ની શરૂઆતમાં પોર્ટ ખાતે વિક્રમી ઈન્વેન્ટરી જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં દેશમાં 24 લાખ ટન ખાદ્ય તેલ આયાત જોવા મળી હતી.
સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશ ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય તેલોની આયાત 30.84 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 23.55 લાખ ટન પર હતી. જ્યારે અખાદ્ય તેલની આયાત 27,129 ટન પર હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 44,747 ટન પર હતી. 1 જાન્યુઆરી 2023ના રોજ દેશના પોર્ટ ખાતે ખાદ્ય તેલનો જથ્થો 8.92 લાખ ટનની વિક્રમી સપાટી પર હતો. પાઈપલાઈનમાં હોય તેવા સ્ટોકને પણ ગણનામાં લઈએતો 1 ડિસેમ્બરે 27.72 લાખ ટનની સરખામણીમાં જાન્યુઆરીની શરૂમાં 32.23 લાખ ટનનો સ્ટોક જોવા મળ્યો હતો. ક્રૂડ પામ તેલ તથા રિફાઈન્ડ પામોલીન, બંનેની આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. પામ ઓઈલ અને સોફ્ટ ઓઈલ વચ્ચે 350-400 ડોલર પ્રતિ ટનના મોટા ગેપને કારણે આમ બન્યું હતું એમ વર્તુળો જણાવે છે. પ્રથમ બે મહિનામાં 4.58 લાખ ટન રિફાઈન્ડ પામતેલની આયાત જોવા મળી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 82,267 ટનની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ દર્શાવે છે. વનસ્પતિ તેલની કુલ આયાતમાં રિફાઈન્ડ ઓઈલનો હિસ્સો વધીને 15 ટકા જળવાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 3 ટકા પર હતો. ક્રૂડ ઓઈલની આયાત પણ વધીને 26.25 લાખ ટન પર પહોંચી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.73 લાખ ટન પર હતી. જોકે ક્રૂડ તેલનો હિસ્સો ઘટીને કુલ આયાતના 85 ટકા રહ્યો હતો. ગયા વર્ષે તે 97 ટકા પર હતો. પામ તેલની વાત કરીએ તો નવે.-ડિસે. દરમિયાન પામ તેલ ઈમ્પોર્ટ્સ ગયા વર્ષની 11.05 લાખ ટનની સપાટીએથી વધી 22.50 લાખ ટન પર જોવા મળી હતી. જ્યારે સોફ્ટ ઓઈલ જેવાકે સનફ્લાવર ઓઈલ્સની આયાત ગયા વર્ષના 12.50 લાખ ટન પરથી ઘટી 8.33 લાખ ટન રહી હતી. કુલ ખાદ્ય તેલની આયાતમાં પામતેલનો હિસ્સો ગયા વર્ષના 47 ટકા પરથી વધી 73 ટકા રહ્યો હતો. જ્યારે સોફ્ટ ઓઈલ્સનો હિસ્સો ગયા વર્ષના 53 ટકા પરથી ઘટી 27 ટકા જોવા મળ્યો હતો.

બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્સના લોંચ માટે સેબીની મંજૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જિસને એએપ્લસ અને તેનાથી ઊપરનું રેટિંગ ધરાવતી કોર્પોરેટ ડેટ સિક્યૂરિટીઝ આધારે ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ રજૂ કરવા માટે મંજૂરી આપી છે. બોન્ડ માર્કેટમાં લિક્વિડિટીમાં વૃદ્ધિના હેતુસર સેબીએ આ નિર્ણય લીધો છે. ઉપરાંત તે ઈન્વેસ્ટર્સને તેમની પોઝીશન હેજ કરવાની તક પણ પૂરી પાડશે.
સેબીએ એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં સ્ટોક એક્સચેન્જિસને કોર્પોરેટ બોન્ડ સૂચકાંકોને આધારે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરવાની છૂટ અપાઈ છે. આ માટે સ્ટોક એક્સચેન્જિસે મંજૂરી માટે રેગ્યુલેટર સમક્ષ વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. તેમણે અન્ડરલાઈંગ ઈન્ડેક્સ, મેથોડોલોજી, કોન્ટ્રેક્ટ સ્પેસિફિકેશન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ટ્રેડિંગ, ક્લિઅરીંગ અને સેટલમેન્ટ મિકેનીઝમ જેવી વિગતો પૂરી પાડવાની રહેશે. આવા ઈન્ડેક્સની રચના માટે પૂરતી લિક્વિડીટી ધરાવતી કોર્પોરેટ બોન્ડ સિક્યૂરિટીઝ જરૂરી બની રહેશે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ સિક્યૂરિટિઝની દર છ મહિને સમીક્ષા પણ કરવાની રહેશે. ઈન્ડેક્સમાં ઓછામાં ઓછા આંઠ ઈસ્યુઅર્સનો સમાવેશ કરવાનો રહેશે. જેમાં સિંગલ ઈસ્યુઅર 15 ટકાથી વધુ વેઈટ ધરાવી શકશે નહિ. વધુમાં એક્સચેન્જિસને ઈન્ડેક્સમાં અથવા સેક્ટરમાં કોઈ એક ચોક્કસ ગ્રૂપના ઈસ્યુઅરના 25 ટકાથી વધુ વેઈટ ધરાવવાની છૂટ અપાશે નહિ. જોકે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, પબ્લિક ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ અને પીએસયૂ બેંક્સને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા સૂચકાંકો માટે ટ્રેડિંગનો સમયગાળો ચાલુ દિવસે સવારે 9થી લઈ સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ડેઈલી સેટલમેન્ટ પ્રાઈસ આખરી અડધા કલાકમાં કોન્ટ્રેક્ટની વોલ્યૂમ-વેઈટેડ એવરેજ રહેશે.

રૂપિયા માટે બે મહિનાનું શ્રેષ્ઠ સપ્તાહ જોવા મળ્યું
ભારતીય ચલણ માટે પુરું થયેલું સપ્તાહ છેલ્લાં બે મહિનામાં સૌથી સારુ બની રહ્યું હતું. શુક્રવારે સતત પાંચમા દિવસે સુધારો દર્શાવતાં રૂપિયો 81.33ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના 81.55ના બંધ સામે 22 પૈસા સુધારો દર્શાવતો હતો. સોમવારથી શુક્રવારના પાંચ સત્રોમાં ડોલર સામે રૂપિયામાં 140 પૈસાની મજબૂતી જોવા મળી છે. જે 1.7 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવે છે. 11 નવેમ્બર, 2022ના રોજ પૂરા થયેલાં સપ્તાહ પછી રૂપિયામાં આ સૌથી ઊંચો સુધારો બની રહ્યો હતો. ગુરુવારે યુએસ ખાતે ઈન્ફ્લેશન ડેટા પોઝીટીવ આવતાં ડોલરમાં નરમાઈ જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ આંઠ મહિનાના તળિયા પર 102ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જેની પાછળ ભારત સહિતના ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં સુધારો જળવાયો હતો. જે સાથે સમગ્ર સપ્તાહ તેજીમય બની રહ્યું હતું.

સેબીએ એક કોમોડિટીના મલ્ટીપલ કોન્ટ્રેક્ટ્સ માટે છૂટ આપી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક જ કોમોડિટીના મલ્ટીપલ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરવા માટે સ્ટોક એક્સચેન્જિસને છૂટ આપી છે. સેબીએ વેલ્યૂ ચેઈન ઈન્ડસ્ટ્રી તરફથી પાર્ટિસિપેશનને આકર્ષવા માટે આ પગલું ભર્યું છે. સેબીના જણાવ્યા મુજબ તે કોમોડિટી ડેરિવેટિવ્સ માર્કેટમાં વ્યાપક પાર્ટિસિપેશનને પ્રોત્સાહન આપી રહી છે. સ્ટોક એક્સચેન્જિસે સેબી સમક્ષ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગોલ્ડ, સિલ્વર અને અન્ય કિંમતી ધાતુઓ સિવાય મેટલ કોન્ટ્રેક્ટ્સમાં પાર્ટિસિપેશન મર્યાદિત જોવા મળી રહ્યું છે. આ માટેનું મુખ્ય કારણ ચોક્કસ કોમોડિટીમાં સિંગલ કોન્ટ્રેક્ટની છૂટ હોવાનું જણાવ્યું હતું. એક્સચેન્જિસે એક જ કોમોડિટીમાં એકથી વધુ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી વેલ્યૂ ચેઈનમાં રહેલાં ભિન્ન વપરાશકારો પાર્ટિસિપેટ કરી શકે.

કોર્પોરેટ હેડલાઈન્સ

વિપ્રોઃ અગ્રણી આઈટી સર્વિસિઝ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3050 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ત્રિમાસિક ધોરણે 2.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આઈટી સર્વિસિઝ રેવન્યૂ 10.3 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે ઓપરેટિંગ માર્જિન 16.3 ટકા પર રહ્યાં હતાં. કંપનીએ શેર દીઠ રૂ.1નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીએ સમગ્ર વર્ષ માટે કોન્સ્ટન્ટ કરન્સી સંદર્ભમાં 11.5થી 12 ટકાની રેવન્યૂ વૃદ્ધિનું ગાઈડન્સ આપ્યું હતું. કંપનીના કર્મચારીઓની સંખ્યા ગયા વર્ષે સમાનગાળામાં 2,59,179 પરથી ઘટી 2,58,744 પર જોવા મળી હતી. જ્યારે એટ્રીશન રેટ બીજા ક્વાર્ટરના 23 ટકાના સ્તરેથી ઘટી 21.2 ટકા પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે 22.7 ટકા પર હતો.
તાતા મોટર્સઃ કંપની 2030 સુધીમાં તેનું 50 ટકા વેચાણ ઈવીમાંથી આવે તેવી અપેક્ષા રાખી રહી છે. હાલમાં કંપનીના કુલ વેચાણમાં ઈવીનો હિસ્સો 8-9 ટકા જેટલો છે. કંપની 2022માં દેશમાં 50 હજારથી વધુ ઈવીનું વેચાણ કરનાર પ્રથમ કંપની બની હતી. હાલમાં તે બે ઈવી કાર મોડેલ્સ ધરાવે છે.
ડાયગ્નોસ્ટીક્સ કંપનીઝઃ સુપ્રિયા લાઈફ સાઈન્ઝિસ, બ્લ્યૂ ક્રોસ લેબોરેટરીઝ અને યશો ઈન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓએ નવા વર્ષમાં જીએસટીના સમન્સ મેળવ્યાં છે. છેલ્લાં 15 દિવસોમાં ફાર્મા, આઈટી અને કેમિકલ સહિતના સેક્ટર્સમાં 60થી વધુ કંપનીઓને જીએસટીની નોટિસ પાઠવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડારેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના જણાવ્યા મુજબ સમન્સ પાઠવવા એ પ્રક્રિયાનો ભાગ છે.
પેટીએમઃ ચીનના અલીબાબા જૂથે પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સમાં 3 ટકા આસપાસના હિસ્સાનું વેચાણ કરી રૂ. 1031 કરોડ ઊભા કર્યાં છે. અલીબાબાએ એનએસઈ પર પેટીએમના 1.92 કરોડ શેર્સનું રૂ. 536.95 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું હતું. ખરીદારોમાં મોર્ગન સ્ટેનલી એશિયાએ 55 લાખ શેર્સ જ્યારે ઘીસાલ્લો માસ્ટર ફંડે 49.8 લાખ શેર્સ ખરીદ્યાં હતાં. જોકે બાકીના શેર્સ ખરીદનારાઓની વિગતો મળી શકી નહોતી. ગુરુવારે પેટીએમનો શેર 6 ટકાથી વધુ ગગડ્યો હતો. અલીબાબાએ અગાઉ બિગ બાસ્કેટ અને ઝોમેટોના શેર્સનું વેચાણ કર્યું હતું.
એનબીએફસીઃ નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં મ્યુચ્યુલ ફંડ્સના એક્સપોઝરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવેમ્બર 2022ની આખરમાં વાર્ષિક ધોરણે એનબીએફસીમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું ડેટ એક્સપોઝર 17 ટકાના ઘટાડે રૂ. 1.4 લાખ કરોડ પર રહ્યું હતું. એક અભ્યાસ મુજબ ફેબ્રુઆરી 2018થી એનબીએફસીના બેંક લેન્ડિંગમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અને તે ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ચાર વર્ષોમાં એમએફ એક્સપોઝરમાં સતત ઘટાડો નોંધાયો છે.
ઓલકાર્ગોઃ પ્રાઈવેટ સેક્ટરમાં અગ્રણી લોજિસ્ટીક પ્લેયરે યુરોપની હરિફ કંપની ફેર ટ્રેડમાં 1.2 કરોડ યુરોમાં 75 ટકા હિસ્સાની ખરીદી કરી છે. તેણે 1.6 કરોડ યુરોના વેલ્યૂએશન પર જર્મન કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે. આ ખરીદી ઓલકાર્ગોની બેલ્જિયમ સ્થિત સબસિડિયરી મારફતે કરવામાં આવી છે.
એલટીટીએસઃ એલએન્ડટી ટેક્નોલોજીએ પેરન્ટ કંપની લાર્સન એન્ટ ટુબ્રોના સ્માર્ટ વર્લ્ડ એન્ડ કોમ્યુનિકેશન બિઝનેસને રૂ. 800 કરોડમાં ખરીદશે એમ જણાવ્યું છે. આના કારણે એલએન્ડટી ટેક્નોલોજીને નેક્સ્ટ-જેન કોમ્યુનિકેશન્સ ઓફરિંગ્સમાં સહાયતા મળશે. એલએન્ડટી પાસે એસડબલ્યુસીનો 73.85 ટકા હિસ્સો રહેલો છે.
વી-ગાર્ડઃ કંપનીએ સનફ્લેમ એન્ટરપ્રાઈઝિસમાં 100 ટકા શેરહોલ્ડિંગની ખરીદીની કામગીરી પૂર્ણ કરી છે. તેણે રૂ. 680.33 કરોડમાં આ ખરીદી કરી છે.
લિંડે ઈન્ડિયાઃ કંપનીએ પંજાબમાં લુધિયાણા ખાતે નવા એર સેપરેશન પ્લાન્ટના બાંધકામની કામગીરી શરૂ કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage