SVBની અસરે શેરબજારોમાં વેચવાલીએ જોર પકડ્યું
એશિયન બજારોમાં મજબૂતી છતાં ભારતીય બજાર ગગડ્યાં
નિફ્ટીના 50માંથી ત્રણ કાઉન્ટર્સ જ પોઝીટીવ
વોલેટિલિટી ઈન્ડેક્સ 21 ટકા ઉછળી 16.21ની સપાટીએ
બેંકિંગમાં સાર્વત્રિક દબાણ જોવાયું
ઓટો, રિઅલ્ટી, મેટલ, પીએસઈમાં નોંધપાત્ર ઘટાડો
અદાણી એન્ટરપ્રાઈઝિસમાં આગળ વધતી નરમાઈ
મહાનગર ગેસ, કેપીટીએલ, કમિન્સ ઈન્ડિયા નવી ટોચે
ગ્રેફાઈન્ટ ઈન્ડિયા, વોખાર્ટ, લક્ષ્મી ઓર્ગેનિક નવા તળિયે
યુએસ ખાતે સિલિકોન વેલી બેંકને તાળા લાગવાની ઘટનાની અસરે ભારતીય શેરબજારમાં વેચવાલી આગળ વધી હતી. આશ્ચર્યની વાત એ છે કે જાપાન અને સિંગાપુર સિવાયના એશિયન બજારોમાં મજબૂતી છતાં ભારતીય બજાર સુધારો દર્શાવી શક્યું નહોતું અને સતત ઘસાતું જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 897 પોઈન્ટ્સ ગગડી 59,238ની સપાટીએ જ્યારે નિફ્ટી 259 પોઈન્ટ્સ ગગડી 17154ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 47 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર ત્રણ કાઉન્ટર્સ પોઝઈટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે લ 3357 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2915 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 695 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 219 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 75 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 21 ટકા ઉછળી 16.21ની ટોચ પર બંધ રહ્યો હતો.
ગયા શુક્રવારે યુએસ ખાતે સિલિકોન વેલી બેંકના નબળા પડવાના અહેવાલ બાદ રોકાણકાર વર્ગ ચિંતિંત બન્યો હતો. જોકે તેમ છતાં સોમવારે સવારે મોટાભાગના એશિયન બજારો પોઝીટીવ કામકાજ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ સિંગાપુર નિફ્ટી પોઝીટીવ ટ્રેડ દર્શાવતો હતો. ભારતીય બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી વધુ સુધર્યાં બાદ ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. નિફ્ટી અગાઉના 17413ના બંધ સામે 17422ની સપાટી પર ખૂલી ઉપરમાં 17530ની સપાટી પર ટ્રેડ થયા બાદ નીચામાં 17113નું બોટમ બનાવી સાધારણ પરત ફર્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 66 પોઈન્ટ્સ પ્રિમીયમે 17154ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 37 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જે માર્કેટમાં શોર્ટ કવરિંગ અને નવી લોંગ પોઝીશનના ઉમેરાનો સંકેત ગણી શકાય. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17200નો મહત્વનો સપોર્ટ તોડવાથી તે વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતાં ઊંચી છે. એકવાર 17 હજારની સપાટી તૂટશે તો 17600 સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે ઉપરમાં 17400 પાર થશે તો 17600 સુધીનો સુધારો સંભવ છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ત્રણ કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા ટોચ પર હતો. શેર 7 ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ અને ઓએનજીસી પણ ગ્રીન ઝોનમાં જોવા મળતાં હતાં. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક 7.4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એસબીઆઈ, તાતા મોટર્સ, એનએન્ડએમ, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ, એક્સિસ બેંક, હિરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ અને ગ્રાસિમમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ પર સાર્વત્રિ દબાણ જોવા મળ્યું હતું. જે ઉપરાંત ઓટો, રિઅલ્ટી, મેટલ, જાહેર સાહસો પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 2.3 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ, પીએનબી, એસબીઆઈ, બંધન બેંક, ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. એકપણ બેંકિંગ શેર પોઝીટીવ બંધ જોવા મળ્યો નહોતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં તાતા મોટર્સ 3 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, એમઆરએફ, બોશ, ટીવીએસ મોટરમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી એક ટકા તૂટ્યો હતો. જેમાં એમ્ફેસિસ 4 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, કોફોર્જ અને વિપ્રોમાં પણ નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.9 ટકા ગગડ્યો હતો. જેમાં મોઈલ, કોલ ઈન્ડિયા, સેઈલ, હિંદુસ્તાન ઝીંક, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ અને વેદાંતનો સમાવેશ થાય છે. એનર્જી કાઉન્ટર્સમાં તાતા પાવર 3 ટકા તૂટ્યો હતો. જ્યારે બીજી બાજુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી 1.6 ટકા સાથે રૂ. 2300ની નીચે ઉતરી ગયો હતો. આ ઉપરાંત આઈઓસી, બીપીસીએલ, ગેઈલમાં પણ નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટેક મહિન્દ્રા 7 ટકા સૌથી વધુ સુધર્યો હતો. જે ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, એપોલો હોસ્પિટલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બલરામપુર ચીની, મહાનગર ગેસ, કોલગેટ, નાલ્કોમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝ, આરબીએલ બેંક, એલએન્ડટી ફાઈનાન્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈ., ઈન્ડિયા સિમેન્ટ્સ, એબી કેપિટલ, મેક્સ ફાઈનાન્સિયલ, એસીસી, ચંબલ ફર્ટિલાઈઝર્સ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, મધરસન સુમી, આઈઈએસ અને ડેલ્ટા કોર્પોરેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં મહાનગર ગેસ, કલ્પતરુ પાવર, કમિન્સ ઈન્ડિયા, એનસીસી અને હિંદુસ્તાન એરોનોટિક્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બ્રાઈટકોમ ગ્રૂપ, નેટવર્ક 18, ગ્રેફાઈન્ટ ઈન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, વોખાર્ટ, લક્ષ્મી ઓર્ગેનિક અને આરતી ડ્રગ્ઝે તેમના વાર્ષિત તળિયાં દર્શાવ્યાં હતાં.
ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિના ગભરાટે રિઅલ્ટી શેર્સમાં 15 ટકા સુધી ઘટાડો
વાર્ષિક તળિયેથી પરત ફરેલાં રિઅલ્ટી શેર્સ ફરી તળિયા પર પટકાયાં
યુએસ ફેડ અને રિઝર્વ બેંક તરફથી રેટ વૃદ્ધિમાં વૃદ્ધિ કરવાનું રટણ જાળવી રખાતાં રિઅલ્ટી શેર્સમાં માર્ચ મહિનાની શરૂથી જોવ મળેલો સુધારો અલ્પજીવી નીવડયો છે. છેલ્લાં પાંચ સત્રોમાં તેજીના વળતાં પાણી થયાં છે અને ટોચની રિઅલ્ટી કંપનીઓના શેર્સ 15 ટકા જેટલાં તૂટ્યાં છે. જેમાં મુંબઈ સ્થિત લોધા ડેવલપર્સ ટોચ પર છે. કંપનીનો શેર અગાઉના સત્રમાં દર્શાવેલા 40 ટકાથી વધુના સુધારામાંથી 20 ટકા સુધારો ગુમાવી ચૂક્યો છે. અન્ય રિઅલ્ટી શેર્સ નવા બોટમ દર્શાવે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ દર્શાવી રહ્યાં છે.
છેલ્લાં પાંચ સત્રમાં રિઅલ્ટી શેર્સના દેખાવ પર નજર નાખીએ તો જણાય છે કે ટોચના તમામ રિઅલ્ટી કંપનીઓના શેર્સમાં ધોવાણ નોંધાયું છે. મુંબઈ સ્થિત લોધા ડેવલપર્સનો શેર 3 માર્ચે રૂ. 1028.5ની સપાટી સામે સોમવારે રૂ. 150થી વધુના ઘટાડા સાથે રૂ. 875 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે પાંચ સત્રોમાં 15 ટકાનો ઘટાડો સૂચવે છે. આ ઉપરાંત દેશમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી રિઅલ્ટી કંપની ડિએલએફનો શેર 5 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. શેર માર્ચના આરંભમાં લગભગ 5 ટકા જેટલો બાઉન્સ દર્શાવતો હતો. જે છેલ્લાં પાંચ સત્રોમાં ધોવાયું હતું અને ફરી હતો ત્યાંનો ત્યાં આવી ગયો હતો. અન્ય રિઅલ્ટી શેર્સમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 4.2 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 3.9 ટકા, ફિનિક્સ લિમિટેડ 3.8 ટકા, સોભા ડેવલપર્સ 3.3 ટકા અને ઓબેરોય 3.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સિવાય ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ અને પ્રેસ્ટીજના શેર્સ પણ અનુક્રમે 3.2 અને 2.4 ટકા જેટલો ઘટાડો સૂચવી રહ્યાં છે.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે રિઅલ્ટી શેર્સમાં સુધારો અલ્પજિવી નીવડવાનું કારણ સેન્ટ્રલ બેંકર્સ તરફથી રેટ વૃદ્ધિમાં આક્રમક વલણ જાળવી રાખવાનું છે. આરબીઆઈ તરફથી સતત સાત રાઉન્ડ રેટ વૃદ્ધિ છતાં હજુ એકથી બે રાઉન્ડ રેટ વૃદ્ધિની સંભાવના છે. જે સ્થિતિમાં હોમ લોન દ્વિઅંકી જોવા મળી શકે છે. જેની તમામ રિઅલ્ટી કેટેગરી પર પ્રતિકૂળ અસરની સંભાવના છે. આ ઉપરાંત ડેવલપર્સે કે જેઓએ છેલ્લાં વર્ષોમાં તેમના ડેટમાં નોંધપાત્ર ઘટાડો કરી ઈન્ટરેસ્ટની રકમ પર અંકુશ મેળવ્યો હતો. તેઓએ ફરીથી ઊંચો ઈન્ટરેસ્ટ ખર્ચ ભોગવવાનો થઈ શકે છે. કેમકે રિઅલ્ટી બિઝનેસમાં મૂડીની ઊંચી જરૂરિયાત રહેતી હોય છે અને તેમણે વર્કિંગ કેપિટલ માટે બેંકિંગ પર આધાર રાખવો પડે છે. જોકે, ડિસેમ્બર ક્વાર્ટરમાં રિઅલ્ટીનું વેચાણ સારુ જળવાયું હતું અને તેથી રિઅલ્ટી શેર્સમાં વર્તમાન સ્તરેથી નોંધપાત્ર ઘટાડાની શક્યતાં નહિવત હોવાનું તેઓ ઉમેરે છે. જોકે કંપનીઓ તેમના તાજેતરના બોટમ પાસે ડબલ બોટમ રચના બનાવી ઘીમે-ધીમે સુધારાતરફી ચાલ દર્શાવે તેમ એનાલિસ્ટ્સનું કહેવું છે.
રિયલ્ટી શેર્સમાં ભારે વેચવાલી
સ્ક્રિપ્સ 3 માર્ચનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
લોધા 1028.5 875 -14.9%
DLF 360.25 342 -5.1%
બ્રિગેડ 476.9 457 -4.2%
ગોદરેજ પ્રોપર્ટી 1167.5 1121.5 -3.9%
ફિનિક્સ 1380.9 1329 -3.8%
સોભા 567.1 548.5 -3.3%
ઓબેરોય 890.6 862.5 -3.2%
ઈન્ડિયાબુલ્સ 61.05 59.6 -2.4%
સનટેક 309.6 305 -1.5%
પ્રેસ્ટીજ 397.6 396.15 -0.4%
અદાણી જૂથે અંબુજા સિમેન્ટ્સની ખરીદી માટેના સમગ્ર ફાઈનાન્સનું પ્રિપેમેન્ટ કર્યું
પ્રમોટર્સે અંબુજાની ખરીદી માટે લીધેલી 50 કરોડ ડોલરની અન્ય ફાઈનાન્સ સુવિધાનું પણ આગોતરું પેમેન્ટ કર્યું
અદાણી જૂથે તેના ડેટના પ્રિ-પેમેન્ટના ભાગરૂપે માર્ચ આખરની ડેડલાઈન અગાઉ જ માર્જિન-લિંક્ડ શેર-બેક્ડ ફાઈનાન્સિંગ પેટે 2.15 અબજ ડોલરનું આગોતરું ચૂકવણું કર્યું છે. આ ઉપરાંત પ્રમોટર્સે પણ અંબુજા સિમેન્ટની ખરીદી માટે ફાઈનાન્સિંગ સુવિધા તરીકે લીધેલી 50 કરોડની લોનનું પ્રિપેમેન્ટ કર્યું છે.
જૂથ તરફથી પ્રગટ કરવામાં આવેલી યાદી મુજબ આ બાબત પ્રમોટર્સના ઈક્વિટી કન્ટ્રીબ્યુશનમાં વૃદ્ધિ કરવાની પ્રતિબધ્ધતાના ભાગરૂપ છે. આ પ્રિપેમેન્ટ બાદ તેમણે અંબુજા અને એસીસી માટે કુલ ખર્ચેલા 6.6 અબજ ડોલરમાંથી 2.6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. સમગ્ર 2.65 અબજ ડોલરનો પ્રિ-પેમેન્ટ પ્રોગ્રામ છ સપ્તાહમાં પૂરો કરવામાં આવ્યો છે. જે મજબૂત લિક્વિડીટી મેનેજમેન્ટની સાબિતી છે. તેમજ સ્પોન્સર લેવલે પર્યાપ્ત મૂડી પ્રાપ્તિ સૂચવે છે. તે તમામ પોર્ટફોલિયો કંપનીમાં સ્વિકારવામાં આવેલી મજબૂત મૂડી પર્યાપ્તતાને માટે પણ પૂરક છે એમ નિવેદન જણાવે છે. અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સ અને તેની સબસિડિયરીને 6.6 અબજ ડોલરમાં ખરીદી હતી. પાછળથી પ્રમોટર્સ વધારાના રૂ. 20 હજાર કરોડના રોકાણ મારફતે બંને કંપનીઓની ક્ષમતાને 7 કરોડ ટન પ્રતિ વર્ષથી વધારી 14 કરોડ ટન પ્રતિ વર્ષ રવા માટે સહમત થયા હતાં. જોકે, યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડેનબર્ગે રજૂ કરેલા રિસર્ચ રિપોર્ટ બાદ જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ભારે વોલેટાલિટી સાથે ઊંચું મૂડી ધોવાણ જોવા મળ્યું હતું. અદાણી જૂથે હિંડેનબર્ગના તમામ આક્ષેપોનો ઈન્કાર કર્યો હતો અને તમામ જૂથ કંપનીઓમાં પ્લેજ્ડ શેર્સને છૂટાં કરાવવા માટે પ્રમોટર્સ લોન્નનું પ્રિપેમેન્ટ કર્યું હતું.
હ્યુન્ડાઈ મોટરની જનરલ મોટર્સના તાલેગાંવ પ્લાન્ટની ખરીદીની વિચારણા
કંપની તમિલનાડુ સિવાય અન્યત્ર પ્લાન્ટ સ્થાપી ડિરિસ્કિંગ કરશે
સાઉથ કોરિયન ઓટો કંપની હ્યુન્ડાઈ ઈન્ડિયા ભારતમાં એક બીજા પ્લાન્ટ ધરાવવાની ઈચ્છા સાથે જનરલ મોટર્સના મહારાષ્ટ સ્થિત તાલેગાંલ પ્લાન્ટની જમીન, બિલ્ડીંગ અને કેટલીક એસેટ્સ ખરીદવા વિચારી રહી હોવાનું જાણવા મળે છે.
હ્યુન્દાઈ મોટર ઈન્ડિયાના જણાવ્યા મુજબ ઓળખ કરવામાં આવેલી એસેટ્સની સંભવિત ખરીદી માટે શરતોની યાદી પર સાઈન કરવામાં આવ્યાં છે. આ એસેટ્સમાં તાલેગાંવ જનરલ મોટર્સના પ્લાન્ટની જમીન, બિલ્ડીંગ અને કેટલીક મશીનરી અને ઈક્વિપમેન્ટનો સમાવેશ થાય છે. હ્યુન્દાઈ મોટર ઈન્ડિયાએ ‘ડેફિનેટિવ એસેટ પર્ચેઝ એગ્રીમેન્ટ’ના સાઈન કરવાના તથા સંબંધિત સરકારી સત્તાવાળાઓ તરફથી નિયમનકારી મંજૂરીને આધીન આ ખરીદી માટે પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં શેરધારકોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. કોરિયન કંપનીની ભારતીય પેટાકંપની તમિલનાડુમાં ઈરુનગાટુકોટ્ટાઈ ખાતે વિશાળ મેન્યૂફેચરિંગ યુનિટ ધરાવે છે. અગાઉ કંપની જણાવી ચૂકી છે કે તે ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યૂફેચરિંગ સ્થાપવા માગે છે. ઉપરાંત, તમિલનાડુની બહાર બીજી ફેક્ટરીની સ્થાપના ડિરિસ્કિંગ સ્ટ્રેટેજીનો ભાગ છે તેમજ તે ભારતમાં અન્ય બજારોથી નજીક પણ આવેલી છે. એ વાત નોંધવી રહી કે ફોર્ડ મોટર કંપનીએ કેટલાંક સમય અગાઉ તેની ચેન્નાઈ કામગીરીને તાળાં લગાવ્યાં હતાં.
ગોલ્ડમાં સતત બીજા દિવસે ભારે ખરીદી જોવાઈ
વૈશ્વિક ગોલ્ડ 30 ડોલરથી વધુ ઉછળી 1899 ડોલરે ટ્રેડ થયું
યુએસ ખાતે સિલિકોન વેલી બેંકના પતન બાદ ફેડ તરફથી રેટ વૃદ્ધિને ઝડપથી અટકાવવામાં આવે તેવી શક્યતાં પાછળ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં બીજા દિવસે ભારે ખરીદી જળવાય હતી. કોમેક્સ ગોલ્ડ 30 ડોલરથી વધુ ઉછળી 1899 ડોલરની ચાર સપ્તાહની ટોચ પર ટ્રેડ થયું હતું. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 900ના ઉછાળે રૂ. 57050ની સપાટી કૂદાવી ગયું હતું. ગોલ્ડ પાછળ સિલ્વરમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી અને એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 1900ના ઉછાળે રૂ. 64900ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ ગગડીને 103.347ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જોકે મોડી સાંજે તે બાઉન્સ દર્શાવી 103.88ની સપાટી પર જોવા મળતો હતો. યુએસ બોન્ડ્સ યિલ્ડ્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને 2-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ 9 ટકાના તીવ્ર ઘટાડે 4.1655ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ દસ વર્ષ માટેના યિલ્ડ 5 ટકાથઈ વધુ ગગડી 3.505ની સપાટીએ જોવા મળી રહ્યાં હતાં. યુરોપ ખાતે જર્મની સહિતના બજારોમાં બોન્ડ યિલ્ડ્સમાં મોટા ગાબડાં પડ્યાં હતાં. જેની પાછળ કિંમતી ધાતુઓમાં ખરીદી વધી હતી. જે આગામી સત્રોમાં પણ જળવાય શકે તેવી શક્યતાં છે. બીજી બાજુ ક્રૂડ સહિત બેઝ મેટલ્સમાં બારે વેચવાલી જોવા મળતી હતી. એમસીએક્સ ક્રૂડ વાયદો 5 ટકા ગગડી રૂ. 6000ની નીચે ઉતરી ગયો હતો. કોપર, એલ્યુમિનિયમ, ઝીંકમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચએએલઃ સરકારી સાહસ હિંદુસ્તાન એરોનોટિક્સ સાથે ડિફેન્સ મિનિસ્ટ્રીએ 6 ડોર્નિઅર-228 વિમાનોની ખરીદી માટે કરાર સાઈન કર્યો છે. જેનું મૂલ્ય રૂ. 667 કરોડ જેટલું થાય છે. અગાઉ મહિનાની શરૂમાં પણ ડિફેન્સ મંત્રાલયે રૂ. 6600 કરોડનું ડિલ કર્યું હતું. દરમિયાનમાં પીએસયૂ સાહસે ગયા શુક્રવારે શેરદીઠ રૂ. 20નું બીજું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યુ હતું.
યસ બેંકઃ પ્રાઈવેટ બેંકમાં ત્રણ વર્ષનો લોક-ઈન પિરિયડ 13 માર્ચે પૂરો થયો હતો. આરબીઆઈએ માર્ચ 2020માં યસ બેંકને સુપરસીડ કરી હતી. જેનું કારણ બેંકની ખરાબ એસેટ ક્વોલિટી, અપર્યાપ્ત મૂડી અને બુક્સ પર મોટી ખોટ હતું. આરબીઆઈના કહેવાથી એસબીઆઈએ યસ બેંકમાં રૂ. 6050 કરોડમાં 48 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જેમાંથી હાલમાં તેની પાસે લગભગ 25 ટકા હિસ્સો બચ્યો છે. જે યસ બેંકમાં સૌથી મોટી શેરહોલ્ડર છે.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસ કંપનીના અમેરિકાના શ્રેષ્ઠ મોટા એમ્પ્લોયર તરીકે ફોર્બ્સની યાદીમાં પ્રવેશ કર્યો છે. આ માન્યતા 45 હજાર કર્મચારીઓના સ્વતંત્ર સર્વે બાદ આપવામાં આવી છે. ટીસીએસે છેલ્લાં ત્રણ વર્ષોમાં યુએસ ખાતે 21000થી વધુ કર્મચારીઓની નિમણૂંક કરી છે. જેઓ વિવિધ અમેરિકી કંપનીઓ માટે કામ કરી રહ્યાં છે.
ICICI લોમ્બાર્ડઃ આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પેરન્ટ કંપની આઈસીઆઈસીઆઈ બેંકને જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં તેના શેરહોલ્ડિંગના વેચાણ માટે 9 સપ્ટેમ્બર 2024 સુધીની મુદત લંબાવી આવી છે. જેને કારણે કંપનીના શેરમાં સોમવારે મંદ બજારમાં સુધારો જોવા મળ્યો હતો.
ટેક મહિન્દ્રાઃ દેશમાં ટોચની આઈટી સર્વિસ કંપનીએ તેના એમડી અને સીઈઓ તરીકે મોહિત જોષીની નિમણૂંક જાહેર કરી છે. તાજેતરમાં ઈન્ફોસિસમાંથી રાજીનામુ આપનાર મોહિત જોષી 20 ડિસેમ્બર 2023થી તેમની નવી કામગીરી સંભાળશે.
ઝાયડસ લાઈફઃ ફાર્મા કંપનીએ યુએસએફડીએ પાસેથી ઓલાન્ઝાપાઈન ઓરલી ડિસઈન્ટિગ્રેટેડ ટેબલેટ્સ માટે ફાઈનલ મંજૂરી મેળવી લીધી છે.
સોના કોમસ્ટારઃ અગ્રણી પીઈ ફંડ બ્લેકસ્ટોન બ્લોક ડિલ્સ મારફતે 40 કરોડ ડોલર એટલેકે લગભગ રૂ. 3200 કરોડના મૂલ્યનું સોના કોમસ્ટારમાંનું હોલ્ડિંગ વેચશે. કંપની બજારભાવથી 6 ટકા સુધી ડિસ્કાઉન્ટમાં આ હિસ્સાનું વેચાણ કરશે.
ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જણાવ્યું છે કે તેણે પૂણે સ્થિત મેન્યૂફેક્ચરિંગ સુવિધા તે પીવીસી ફિટિંગ્સના ઉત્પાદન માટેની કામગીરી શરૂ કરી દીધી છે.
ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સઃ એચડીએફસી મ્યુચ્યુલ ફંડે તેની કેટલીક ફંડ સ્કિમ્સ મારફતે લોજિસ્ટીક્સ કંપનીમાં વધારાનો 2.02 ટકા હિસ્સો ખરીદ્યો છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ડસઈન્ડ બેંકના એમડી અને અને સીઈઓ તરીકે સુમંત કથપાલિયાની નિમણૂંકને વધુ બે વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે.
મહિન્દ્રા સીઆઈઈઃ મહિન્દ્રા જૂથની કંપનીમાં પેરન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.6 ટકા હિસ્સાનું વેચાણ કરશે. કંપની રૂ. 355 પ્રતિ શેરના ફ્લોર પ્રાઈસે બ્લોક ડિલ્સ મારફતે આ વેચાણ કરશે.