બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બીજી-ત્રીજી હરોળના શેર્સ પાણી-પાણીઃ નિફ્ટીએ 22Kનો સપોર્ટ ગુમાવ્યો
બીએસઈ ખાતે ટ્રેડેડ 92 ટકા શેર્સે નેગેટીવ બંધ દર્શાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 14.43ના સ્તરે બંધ રહ્યો
પીએસઈ ઈન્ડેક્સમાં 7 ટકાનો કડાકો
મેટલ ઈન્ડેક્સ 6 ટકા પટકાયો
રિઅલ્ટી, મિડિયા, એનર્જી ઈન્ડાઈસિસ પણ 5 ટકાથી વધુ તૂટ્યાં
એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સે ગ્રીન બંધ આપ્યું
અદાણી જૂથ શેર્સ ઊંધા માથે પટકાયાં
ટીસીએસ, કોલગેટ અને ફિનિક્સ મિલ્સે ટોચ દર્શાવી
ભારતીય શેરબજારમાં બુધવારે ભારે વેચવાલીનું મોજું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક્સમાં સવાથી દોઢ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં ‘બ્લડબાથ’ જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 906 પોઈન્ટ્સ ઘટાડે 72,862ની સપાટીએ જ્યારે નિફ્ટી 338 પોઈન્ટ્સ ગગડી 21998ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ખૂબ જ ખરાબ જોવા મળી હતી. એક્સચેન્જ ખાતે કુલ 3976 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3569 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 350 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 14.43ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ ખાતે મંગળવારે સાંજે ફેબ્રુઆરી માટેનો સીપીઆઈ ડેટા અપેક્ષા મુજબ જોવા મળ્યો હતો. જેની પાછળ માર્કેટમાં કોઈ મોટી વધ-ઘટ જોવા નહોતી મળી. એશિયન બજારો પણ સ્થિર ટ્રેડ દર્શાવતાં હતાં. જોકે, સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સતત ઘટાડો દર્શાવતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22236ના બંધ સામે 22432ની સપાટીએ ખૂલી ઉપરમાં 22447ની ટોચ બનાવી ઈન્ટ્રા-ડે 21906ના તળિયા પર ટ્રેડ થયો હતો. તે 22 હજારની ઉપર બંધ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આમ, તેણે મહત્વનો સપોર્ટ ગુમાવ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 78 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22076ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના સત્રની સરખામણીએ પ્રિમીયમમાં 23 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીને 21850નો સપોર્ટ છે. જે તૂટશે તો માર્કેટ 21400 સુધીનો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. ઉપરમાં 22300નું લેવલ અવરોધ સમાન રહેશે.
બુધવારે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 43 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 7 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયા હતાં. આઈટીસી 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, સિપ્લા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક અને ડો. રેડ્ડીઝ લેબ્સ પણ ગ્રીન બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એનટીપીસી, તાતા સ્ટીલ, ઓએનજીસી, યૂપીએલ, બીપીસીએલ, તાતા મોટર્સ, હિંદાલ્કો, ટાઈટન કંપની, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ ઈન્ડેક્સમાં 7 ટકાનો કડાકો બોલાયો હતો. આ ઉપરાંત, મેટલ ઈન્ડેક્સ 6 ટકા પટકાયો હતો. જ્યારે રિઅલ્ટી, મિડિયા, એનર્જી ઈન્ડાઈસિસ પણ 5 ટકાથી વધુ તૂટ્યાં હતાં. એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સે ગ્રીન બંધ આપ્યું હતું. અદાણી જૂથ શેર્સ ઊંધા માથે પટકાયાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આઈટીસી 4.5 ટકા સાથે સૌથી ઊંચી વૃદ્ધિ સૂચવતો હતો. આ ઉપરાંત, અબોટ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, સિપ્લા, બજાજ ફાઈનાન્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, નાલ્કો 10 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત, વોડાફોન ઈન્ડિયા, સેઈલ, હિંદ કોપર, એનએમડીસી, ભેલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, આરબીએલ બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, આરઈસી, કોલ ઈન્ડિયા, જીએમઆર એરપોર્ટ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, હિંદુસ્તાન એરોનોટીક્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એમસીએક્સ ઈન્ડિયામાં ભારે ઘટાડો નોઁધાયો હતો.
માર્કેટમાં ચાર કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં ટીસીએસ, કોલગેટ, ફિનિક્સ મિલ્સ અને ઈન્ટિલેક્ટ ડિઝાઈનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ, સ્ટરલાઈટ ટેક્નોલોજી, ઝી એન્ટરટેઈનમેન્ટ, દિપક ફર્ટિલાઈઝર્સ, કેમ્પસ એક્ટિવ, રાજેશ એક્સપોર્ટ્સ, બંધન બેંક, વેદાંત ફેશન્સ, યૂપીએલ, બલરામપુર ચીની, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
2024 માટે મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકો નેગેટિવ ઝોનમાં પ્રવેશ્યાં
બુધવારે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ભારે વેચવાલી પછી નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો કેલેન્ડર 2024 માટે નેગેટિવ રિટર્ન દર્શાવતાં જોવા મળ્યાં હતાં. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન તેઓ પોઝીટીવ ઝોનમાં જળવાયાં હતાં. જોકે, છેલ્લાં એક સપ્તાહમાં વેચવાલી પાછળ તેમણે સમગ્ર સુધારો ગુમાવ્યો છે. 7 ફેબ્રુઆરીની બંધ સપાટીએથી સ્મોલ-કેપ સૂચકાંક 12 ટકા જ્યારે મીડ-કેપ સૂચકાંક 6 ટકા ઘટાડો દર્શાવે છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી દુબઈ સ્થિત કહેવાતા હવાલા ઓપરેટર હરિ શંકર તિબ્રેવાલા પરના દરોડાએ મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં ગભરાટ ફેલાવ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી પણ બજારમાં સટ્ટાકિય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવતાં મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી નીકળી છે. જેની પાછળ બુધવારે અનેક કાઉન્ટર્સ 10 ટકાથી લઈ 20 ટકાની સેલર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જેમાં રેલ્વે સાથે જોડાયેલી કંપનીઓ સહિતના કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. માર્કેટ વર્તુળોના મતે માર્જિન મની લઈને જેમણે કેશ સેગમેન્ટમાં શેર્સ ખરીદ્યાં હતાં તેમનો માલ બજારમાં ફૂટે તેવી શક્યતાં છે.
નાણા મંત્રાલયે PSU બેંક્સને તેમના ગોલ્ડ લોન પોર્ટફોલિયોની સર્વગ્રાહી સમીક્ષા માટે જણાવ્યું
કેન્દ્રિય નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંક્સને તેમના ગોલ્ડ લોન પોર્ટફોલિયોની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે નિર્દેશ કર્યો છે. આ માટે તેણે રેગ્યુલેટરી નિયમોનું પાલન નહિ કરવાની બાબત ધ્યાન પર આવી હોવાનું જણાવી છે. કેન્દ્રિય નાણાકિય સેવા વિભાગે(ડીએફએસ) જાહેર ક્ષેત્રના વડાઓની સાથે એક કોમ્યુનિકેશનમાં તેમની ગોલ્ડ લોન સંબંધી સિસ્ટમ અને પ્રોસેસિસ પર ધ્યાન આપવા જણાવ્યું છે. નાણાકિય સેવા સચિવ વિવેક જોષીએ જણાવ્યા મુજબ સરકારે બેંક્સને ગોલ્ડ લોન બિઝનેસની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવા જણાવ્યું છે. આ અંગે ગયા મહિને નિર્દેશ કરવામાં આવ્યો હતો અને બેંક્સને તેમની ફી કલેક્શન અને ઈન્ટરેસ્ટ તથા ગોલ્ડ લોન એકાઉન્ટ્સના ક્લોઝરની પ્રક્રિયામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે જણાવાયું હતું. ડીએફએસે બેંક્સને 1 જાન્યુઆરી, 2022થી 31 જાન્યુઆરી, 2024 સુધીના બે વર્ષો માટેની સમીક્ષા હાથ ધરવા જણાવ્યું છે. જેથી બેંક્સ તરફથી વિતરીત કરાયેલી ગોલ્ડ લોન્સ નિયમોનું પાલન કરે છે તેની ખાતરી મળી રહે. એ વાત નોંધવી રહી કે ગોલ્ડના ભાવ હાલમાં વિક્રમી સપાટીએ ટ્રેડ થઈ રહ્યાં છે. છેલ્લાં એક મહિનામાં તેમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. પીએસયૂ બેંક્સમાં એસબીઆઈ રૂ. 30,881 કરોડનો સૌથી મોટો ગોલ્ડ લોન પોર્ટફોલિયો ધરાવે છે. જ્યારે પંજાબ નેશનલ બેંક રૂ. 5215 કરોડનો જ્યારે બેંક ઓફ બરોડા રૂ. 3682 કરોડનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો ધરાવે છે.
NHAIએ પેટીએમ ફાસ્ટેગ યુઝર્સને 15 માર્ચ સુધીમાં અન્ય બેંકમાં સ્વિચ થવા જણાવ્યું
આમ કરવાથી નેશનલ હાઈવે પર પરિવહન વખતે પેનલ્ટી અથવા ડબલ ફીમાંથી બચી શકાશે
નેશનલ હાઈવે ઓથોરિટી(NHAI)એ પેટીએમ ફાસ્ટેગ યુઝર્સને 15 માર્ચ પહેલાં અન્ય બેંકના ફાસ્ટેગ મેળવી લેવા માટે જણાવ્યું છે. એનએચઆઈએએ તરફથી ટોલ પ્લાઝા ખાતે ટ્રાવેલ એક્સપિરિઅન્સને સરળ બનાવવા અને પ્રતિકૂળતાને ટાળવાની ખાતરી માટે આમ જણાવાયું છે. આમ કરવાથી નેશનલ હાઈવેઝ પર પરિવહન કરતી વખતે પેનલ્ટી ટાળી શકાશે એમ પણ તેણે ઉમેર્યું છે. પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ પાસે 15 માર્ચ, 2024 પછી રિચાર્જ કે ટોપ-અપનો વિકલ્પ પ્રાપ્ય નહિ હોય. જોકે, તેઓ તેમના વર્તમાન બેલેન્સને નિર્ધારિત સમયમર્યાદા સુધી ઉપયોગમાં લઈ શકશે એમ એનએચએઆઈએ જણાવ્યું છે.
2030માં લક્ઝરી બ્રાન્ડ્સ તરફથી પ્રોપર્ટી લિઝીંગમાં 170 ટકા ઉછાળો
દેશમાં લક્ઝરી કંપનીઝ તરફથી રિઅલ એસ્ટેટ લિઝીંગમાં કેલેન્ડર 2023માં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 6 લાખ ચોરસ ફીટ પર જોવા મળ્યું હતું. જે કેલેન્ડર 2022ની સરખામણીમાં 170 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. આની પાછળનું મુખ્ય કારણ બ્રાન્ડ્સને લઈ વધતી જાગૃતિ હોવાનું એક રિપોર્ટ જણાવે છે. દેશમાં વધતાં મીડલ અને અપર ક્લાસને કારણે પ્રિમીયમ અને લક્ઝરી ગુડ્ઝની માગ વધી રહી છે એમ સીબીઆરઈ સાઉથ એશિયા અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો સંયુક્ત રિપોર્ટ જણાવે છે. ઈન્ટરનેટ અને શોશ્યલ મિડિયાએ પણ માગને આકાર આપ્યો છે એમ આ રિપોર્ટ જણાવે છે. આ રિપોર્ટને દેશના આંઠ શહેરોના ડેટાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલૂરૂ, કોલકોતા, પૂણે, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. લક્ઝરી બ્રાન્ડ્સમાં હાઈ સ્ટ્રીટ સ્ટોર્સનો સમાવેશ થાય છે. કુલ 6 લાખ ચો. ફીટમાંથી 3 લાખ ચો. ફીટ જગ્યા સ્ટોર્સને લીઝ કરવામાં આવી છે. જે પ્રમાણ 2022ની સરખામણીમાં બમણી છે. બીજા ક્રમે મોલ્સ આવે છે. જેમને કુલ 2.4 લાખ ચો.ફૂટની જગ્યા લીઝ કરાઈ છે. જે 2022ની સરખામણીમાં 300 ટકા વૃદ્ધિ સૂચવે છે. કુલ લક્ઝરી લિઝીંગનો 40 ટકા હિસ્સો મોલ્સ ધરાવે છે. બાકીનો 15 ટકા હિસ્સો સ્ટાન્ડઅલોન સ્ટોર્સનો છે. જેમને 10 લાખ ચો.ફૂટ સ્પેસ લીઝ કરાઈ છે. 2022ની સરખામણીમાં તે 200 ટકા વૃદ્ધિ સૂચવે છે.
Market Summary 13/04/2024
March 14, 2024