Market Summary 13/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


શરૂઆતી ઘટાડો પચાવી પોઝીટીવ બંધ આપવામાં માર્કેટ સફળ
નિફ્ટી 22821 સુધી ગગડ્યાં પછી 22104ની સપાટીએ બંધ રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 12 ટકા ઉછળી 20.60ના સ્તરે બંધ
ફાર્મા, મેટલ, રિઅલ્ટી, બેંકિંગ, આઈટીમાં મજબૂતી
ઓટો, પીએસયૂ બેંક, મિડિયામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ
એબીબી ઈન્ડિયા, હિંદુસ્તાન ઝીંક, સિમેન્સ, પોલીકેબ, કમિન્સ, ઓરોબિંદો ફાર્મા, એસ્ટ્રાલ નવી ટોચે
ઝી એન્ટર., એલટીઆઈમાઈન્ડટ્રી, બાટા ઈન્ડિયા, દાલમિયા ભારત નવા તળિયે
ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. સોમવારે શરૂઆતી દોરમાં 800 પોઈન્ટ્સના ઘટાડા પછી સેન્સેક્સ બાઉન્સ થયો હતો અને 112 પોઈન્ટ્સ સુધારા સાથે 72776ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 49 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22104ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદીનો અભાવ હતો. જને કારણે બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4086 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2180 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1777 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 183 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 59 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 12 ટકા ઉછળી 20.60ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ પછી વધુ ગગડ્યું હતું. નિફ્ટી અગાઉના 22055ના બંધ સામે 22027ની સપાટી પર ખૂલી 21821 સુધી ગગડ્યો હતો. જ્યાંથી સુધરી 22132ની ટોચ બનાવી 22100 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચરમાં 120 પોઈન્ટ્સનું પ્રિમીયમ જોવા મળતું હતું. જે અગાઉના સત્રની સરખામણીમાં પ્રિમીયમમાં 35 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં વૃદ્ધિના સંકેતો છે. અલબત્ત, વોલેટિલિટી ઈન્ડેક્સમાં વૃદ્ધિ જોતાં હજુ પણ સાવધાની દાખવવાની સલાહ છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાકા કાઉન્ટર્સમાં સિપ્લા, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એચડીએફસી લાઈફ, ટીસીએસ, બ્રિટાનિયા, હિંદાલ્કો, સન ફાર્મા, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રીડ કોર્પ., જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, તાતા મોટર્સ, બીપીસીએલ, શ્રીરામ ફાઈનાન્સ, એનટીપીસી, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, ટાઈટન કંપની, એસબીઆઈ, નેસ્લે, એસબીઆઈ લાઈફ, એમએન્ડએમમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, મેટલ, રિઅલ્ટી, બેંકિંગ, આઈટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, પીએસયૂ બેંક, મિડિયા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.3 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં હિંદુસ્તાન ઝીંક 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, મોઈલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, નાલ્કો, એપીએલ એપોલો, હિંદાલ્કો, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ નોંધપાત્ર વૃદ્ધિ સૂચવતા હતાં. નિફ્ટી બેંક 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એબીબી ઈન્ડિયા 11 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, સિમેન્સ, યૂપીએલ, ડો. લાલ પેથલેબ્સ, સિપ્લા, એમએન્ડએમ ફાઈ., લ્યુપિન, મેટ્રોપોલીસ, પોલીકેબ, ઓરોબિંદો ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ભેલ, અદાણી પોર્ટ્સ, કમિન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એબી કેપિટલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, જીએમઆર એરપોર્ટ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, તાતા મોટર્સ, આઈજીએલ, પિરામલ એન્ટર., એસઆરએફ, મધરસન, બીપીસીએલ, ડિક્સોન ટેક્નોલોજી, હિંદ કોપર, એનટીપીસી, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, મહાનગર ગેસ, ઈપ્કા લેબ્સ, ઝી એન્ટર., ટાઈટન કંપની નરમાઈ દર્શાવતાં હતાં.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એબીબી ઈન્ડિયા, હિંદુસ્તાન ઝીંક, સિમેન્સ, પોલીકેબ, કમિન્સ, ઓરોબિંદો ફાર્મા, એસ્ટ્રાલનો સમાવેશ થતો હતો. જ્યારે ઝી એન્ટર., એલટીઆઈમાઈન્ડટ્રી, બાટા ઈન્ડિયા, દાલમિયા ભારતે વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.


મજબૂત પરિણામો છતાં તાતા મોટર્સનો શેર સોમવારે 9 ટકા ગગડ્યો
કંપની મેનેજમેન્ટના 2024-25ના શરૂઆતી છ મહિના મંદ રહેવાની ટિપ્પણીની અસર
તાતા મોટર્સે ગયા સપ્તાહાંતે મજબૂત પરિણામો જાહેર કર્યાં હોવા છતાં સોમવારે કંપનીનો શેર 9 ટકા પટકાયો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 17,407 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે આવક 13 ટકા વધી રૂ. 1.2 લાખ કરોડ પર રહી હતી. જોકે, આમ છતાં કંપનીના શેરમાં વેચવાલી નીકળી હતી. જેનું કારણ કંપનીના મેનેજમેન્ટ તરફથી 2024-25ના શરૂઆતી છ મહિના મંદ રહેવાની ટિપ્પણી જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
પરિણામો પછી વિવિધ બ્રોકરેજિસ તરફથી કંપનીને લઈ ‘ઓવરવેઈટ’નું રેટિંગ આપવામાં આવ્યું હતું. તેમજ ટાર્ગેટ વધારવામાં આવ્યો હતો. જેમાં જેપી મોર્ગને તાતા મોટર્સનો ટાર્ગેટ રૂ. 1115નો રાખ્યો છે. જેફરિઝે પણ રૂ. 1250ના ટાર્ગેટ સાથે ‘બાય’’ કોલ જાહેર કર્યો છે. કંપનીનું નેટ ઓટોમોટીવ ડેટ ત્રિમાસિક ધોરણે 45 ટકા જેટલું ઘટ્યું છે. જે છ વર્ષમાં સોથી નીચા સ્તરે છે. ભારતમાં માગને લઈ કેટલીંક ચિંતાઓ છતાં કંપનીએ મજબૂત દેખાવ કર્યો છે. ઉપરાંત, જેએલઆરની બિઝનેસ સાઈકલમાં રિકવરી ચાલુ રહી છે. તેમજ ભારતમાં પણ તાતા મોટર્સ તરફથી પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં નોંધપાત્ર લોંચ જોવા મળનાર છે.
જોકે, નોમુરાએ તાતા મોટર્સના શેરને લઈ રેટિંગ ડાઉનગ્રેડ કરી તેને ‘બાય’ પરથી ‘ન્યૂટ્રલ’ કર્યું છે. તેના મતે જેએલઆર પણ માગમાં જોખમનો સામનો કરી શકે છે. પેસેન્જર વેહીકલ્સ સેગમેન્ટ ઉદ્યોગની સરખામણીમાં સારો દેખાવ કરી શકે છે. જોકે, કમર્સિયલ સેગમેન્ટ વેહીકલ ગ્રોથ ધીમો પડી શકે છે એમ નોમુરા નોંધે છે.



ઝોમેટોએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 175 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો
ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 188 કરોડની ખોટ નોંધાવી હતી
કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 73 ટકા વૃદ્ધિ જોવા મળી
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 175 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 188 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં 73 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3562 કરોડ પર રહી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 2056 કરોડની આવક નોંધાવી હતી. કંપનીની કુલ આવક રૂ. 3636 કરોડ રહી હતી. જે વાર્ષિક ધોરણે 49.5 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીની આવક રૂ. 2,431 કરોડ પર રહી હતી. સોમવારે બીએસઈ ખાતે ઝોમેટોનો શેર રૂ. 193.7ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાનમાં કંપનીએ રૂ. 3500 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં 18.2 કરોડ શેર્સના ઈસોપ્સ પ્લાન માટે શેરધારકોની મંજૂરી માગી છે. માર્ચ ક્વાર્ટરમાં ઈસોપ ખર્ચ વાર્ષિક ધોરણે બમણો થઈ રૂ. 161 કરોડ પર જોવા મળ્યો હતો. એક વર્ષ અગાઉ સમાનગાળામાં તે રૂ. 84 કરોડ પર હતો.



ભારતનું સિનિયર લિવીંગ માર્કેટ 2030 સુધીમાં 12 અબજ ડોલરને સ્પર્શે તેવી શક્યતાં
સરેરાશ આયુમાં તથા ઊંચી આયુ ધરાવતી વસ્તીમાં વૃદ્ધિ સિનિયર હાઉસિંગની માગમાં વૃદ્ધિનું કારણ બનશે
ભારતીય સિનિયર લિવીંગ માર્કેટ 2030 સુધીમાં 12 અબજ ડોલરનું બને તેવી શક્યતાં છે. હાલમાં તે બેથી ત્રણ અબજ ડોલરનું જોવા મળે છે. દેશમાં સરેરાશ આયુષ્યમાં વૃદ્ધિ તથા એજિંગ લોકોની વસ્તીમાં વૃદ્ધિને કારણે સિનિયર હાઉસિંગની માગ વધશે એમ કોલીઅર્સનો રિપોર્ટ જણાવે છે.
તેના અંદાજ મુજબ 2050 સુધીમાં દેશમાં સરેરાશ આયુ વર્તમાન 29 પરથી વધી 38ની જોવા મળશે. આ જ  રીતે 60 વર્ષથી ઊંચી વય ધરાવતાં લોકોની વસ્તીનું પ્રમાણ પણ 2050 સુધીમાં 21 ટકા પર જોવા મળશે. જે 2024માં 11 ટકા પર છે.
વૈશ્વિક સ્તરે 2050 સુધીમાં 60 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોની સંખ્યા 210 કરોડની હશે. જેમાંથી 17 ટકા હિસ્સો ભારતમાં હશે. જે દેશમાં સિનિયર હાઉસિંગની માગમાં ઊંચી વૃદ્ધિનું કારણ બનશે. આયુષ્યમાં વૃદ્ધિ ઉપરાંત પરિવારોનું વિકેન્દ્રિકરણ, આવકમાં વૃદ્ધિ અને નિવૃત્તિ પછી સ્થિરતાપૂર્વકના જીવનનું વધતું મહત્વ, જીવનશૈલીમાં ફેરફાર જેવા પરિબળો પણ આ માટે જવાબદાર બનશે. રિપોર્ટ મુજબ 2030 સુધીમાં વાર્ષિક સરેરાશ 30 ટકાથી ઊંચી વૃદ્ધિ જોવા મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage