વૈશ્વિક સેન્ટીમન્ટ સુધરતાં બેન્ચમાર્ક્સ ઈન્ટ્રા-ડે નવી ટોચ બનાવવામાં સફળ
નિફ્ટી 19567 અને સેન્સેક્સ 66064ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયાં
વોલેટેલિટી ઈન્ડેક્સ 10.93 પર ફ્લેટ જોવાયો
આઈટી, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી
પીએસઈ, એનર્જી, ઓટો, બેંકિંગમાં નરમાઈ
તેજસ નેટવર્ક્સ, ફિનિક્સ મિલ્સ, ઝોમેટો, તાનિયા પ્લેટફોર્મ્સ નવી ટોચે
યૂપીએલ, આરતી ઈન્ડ. નવા તળિયે
બુધવારે યુએસ ખાતે જૂન માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન ડેટા અપેક્ષાથી નીચો આવતાં ડોલરમાં નરમાઈ પાછળ વૈશ્વિક શેરબજારોમાં મજબૂતી જોવા મળી હતી. એશિયન બજારોમાં 3 ટકા સુધીની તેજી પાછળ ભારતીય બેન્ચમાર્ક્સ પણ ગેપ-અપ ઓપનીંગ પછી ઈન્ટ્રા-ડે નવી ટોચ દર્શાવી પરત ફર્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 164.99 પોઈન્ટ્સના સુધારે 65,558.89ની સપાટીએ જ્યારે નિફ્ટી 29.45 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19,413.75ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સ સહિત મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં બ્રેડ્થ ખરાબ જોવા મળી હતી. નિફ્ટી-50 કાઉન્ટર્સમાં 32 શેર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 18 કાઉન્ટર્સ પોઝીટવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3588 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2120 કાઉન્ટર્સ નેગેટિવ જ્યારે 1328 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયાં હતાં. 222 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 54 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 16 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.09 ટકા નરમાઈ સાથે 10.93 પર ફ્લેટ બંધ રહ્યો હતો.
ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉની 19384.30ની બંધ સપાટી સામે 19,495.20ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ પછી વધુ સુધારે 19,567.00ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, બપોર પછી બજારમાં એકાએક વેચવાલી જોવા મળી હતી અને તે 19385.80ના ઈન્ટ્રા-ડે લો પર ફ્લેટ જોવા મળતો હતો. આખરે તે 19400 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 84 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19498 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 78 પોઈન્ટ્સના પ્રિમીયમ કરતાં 6 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશન હજુ પણ અકબંધ છે અને બુલ્સ તરફથી પ્રોફિટ બુકિંગના કોઈ સંકેતો નથી. જોકે, બપોર પછી મીડ અને સ્મોલ-કેપ્સમાં મોટું ડિસ્ટ્રીબ્યુશન જોવા મળ્યું હતું અને જાતે-જાત તેમની દિવસની ટોચ પરથી દિવસના તળિયા પર પટકાઈ હતી. જેને જોતાં નવી ખરીદીમાં સાવચેતી દાખવવી જોઈએ. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 19300ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય છે. જો 19600ની સપાટી પાર થશે તો બેન્ચમાર્ક નવા ઝોનમાં પ્રવેશશે. જે સમયે તેજી 20100ના લેવલ સુધી લંબાઈ શકે છે. વૈશ્વિક સ્તરેથી મળેલી રાહત ઈમર્જિંગ બજારો માટે રાહત આપનારો છે. જે વિદેશી રોકાણકારોના પ્રવાહને મજબૂત બનાવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં આઈટી શેર્સ મુખ્ય હતાં. જેમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, હિંદાલ્કો, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ લાઈફ પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, યૂપીએલ, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, બીપીસીએલ, એનટીપીસી, એપોલો હોસ્પિટલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સ, નેસ્લે અને ગ્રાસિમમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો આઈટી, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે પીએસઈ, એનર્જી, ઓટો, બેંકિંગમાં નરમાઈ હતી. ટીસીએસના અપેક્ષિત પરિણામો પાછળ અન્ય કાઉન્ટર્સમાં પણ ખરીદી પાછળ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.75 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ 0.49 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધર્યો હતો. જેમાં ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સનટેક રિઅલ્ટી અને સોભા ડેવલપર્સ સુધરવામાં ટોચ પર હતો. બીજી બાજુ નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.38 ટકા તૂટ્યો હતો. જેમાં પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, જેકે બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, સેન્ટ્રલ બેંક, યુકો બેંક, આઈઓબી, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયામાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 1.53 ટકા ગગડ્યો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ભેલ, એનએચપીસી, ગેઈલ, આરઈસી, કોલ ઈન્ડિયા, આઈઓસી, બીપીસીએલ, ભારત ઈલેક્ટ્રોનિક, એચપીસીએલ, એનટીપીસી અને પાવર ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ફોએજ 3.7 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત બિરલાસોફ્ટ, ટીસીએસ, હિંદાલ્કો, ઈન્ફોસિસ, કોફોર્જ, મધરસન સુમી, જિંદાલ સ્ટીલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ટીલેક્ટ ડિઝાઈન અને પર્સિસ્ટન્ટ ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ટોચના ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં ફેડરલ બેંક, ડેલ્ટા કોર્પ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, બેંક ઓફ બરોડા, પીએનબી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, જીએનએફસી, જીએમઆર એરપોર્ટ્સ, એબીબી ઈન્ડિયા, બંધન બેંક, ભેલ અને સિમેન્સનો સમાવેશ થતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં તેજસ નેટવર્ક્સ, ફિનિક્સ મિલ્સ, ઝોમેટો, તાનિયા પ્લેટફોર્મ્સ નવી ટોચે જોવા મળ્યાં હતાં. જ્યારે યૂપીએલ, આરતી ઈન્ડ. નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમ હેઠળ 8 વર્ષોમાં માત્ર 21 ટન ગોલ્ડ આવ્યું
દેશવાસીઓ પાસે 23000-25000 ટન ગોલ્ડ પડ્યું હોવાનો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કિમ હેઠળ અત્યાર સુધી 110 ટન્સના મૂલ્યના બોન્ડ્સનું વેચાણ કરવામાં આવ્યું
કેન્દ્ર સરકારે નવેમ્બર 2015માં રજૂ કરેલી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ(GMS)ને નિષ્ણાતો તરફથી નિષ્ફળ ગણાવાઈ રહી છે. કેમકે આઁઠ વર્ષોમાં હજુ સુધી સ્કિમ હેઠળ માત્ર 21 ટકા સોનું જ મેળવી શકાયું છે. જે દેશના કરોડો પરિવારો પાસે સંગ્રહાયેલા 23000-25000 ટન(1.4 ટ્રિલિયન ડોલર)ની સરખામણીમાં નગણ્ય જોવા મળે છે. સરકાર 2015માં સ્કિમ જાહેર કર્યાં પછી તેમાં ઘણા સુધારાવધારા કર્યાં હતાં. છેલ્લે એપ્રિલ 2021માં ગોલ્ડ કલેક્શન્સમાં સુધારા માટે કેટલાંક ફેરફારો જાહેર કરવામાં આવ્યાં હતાં.
ગોલ્ડ મોબિલાઈઝેશન સ્કિમ હેઠળ આંઠ ટન પ્રાપ્ત થયાના આંકડા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કર્યાં હતાં. ભારત વિશ્વમાં ગોલ્ડનો સંગ્રહ ધરાવતા અગ્રણી દેશમાંનો એક છે. તેમજ દર વર્ષે ગોલ્ડની આયાતમાં તે ચીન પછી બીજા ક્રમે જોવા મળે છે. નાણા વર્ષ 2022-23માં દેશમાં 651 ટન ગોલ્ડ આયાત નોંધાઈ હતી. જે માટે 31.7 અબજ ડોલરનું ઈમ્પોર્ટ બિલ જોવા મળ્યું હતું. વધતી વેપાર ખાધને જોતાં ભારત માટે ગોલ્ડની આયાતમાં ઘટાડો ખૂબ જરૂરી બની જાય છે. જે માટે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમને વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. જ્વેલર્સને લેન્ડિંગ જેવા પ્રોડક્વિટ હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. સરકારે 2015માં ગોલ્ડની આયાત ઘટે તે માટે ત્રણ સ્કિમ્સ લોંચ કરી હતી. જેનો હેતુ ભારતીય પરિવારો કામ વગર પડી રહેલા ગોલ્ડને બજારમાં લાવવાનો હતો. જેથી આયાત ઘટાડી શકાય. GMS ઉપરાંત સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કિમ પણ રજૂ કરવામાં આવી હતી. જે હેઠળ અત્યાર સુધીમાં 110 ટન્સના મૂલ્યના બોન્ડ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. જેના કારણે ફિઝિકલ ગોલ્ડની માગમાં ઘટાડો જોવા મળ્યો છે અને પાછલાં વર્ષોમાં આયાત પણ ઘટી છે. સરકારે એક અન્ય સ્કિમમાં ગોલ્ડ કોઈન્સ લોંચ કર્યાં હતાં. જોકે, પાછળથી તેને બંધ કરી હતી.
નિષ્ણાતોના મતે જીએમએસ ખૂબ ઊંચી શક્યતાં ધરાવે છે કેમકે તે જ્વેલર્સને ગોલ્ડ ધિરાણનો વિકલ્પ પણ આપે છે. જેને પ્રચલિત કરીને ગોલ્ડની આયાતમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. દેશમાં આયાત પર વધતી આયાત ડ્યુટીને જોતાં ગોલ્ડના ભાવમાં હંમેશા વધતાં જોવા મળે છે ત્યારે જીએમએસમાં પાર્ટિસિપેશન વધારવું એ દેશની વધતી કરન્સ એકાઉન્ટ ડેફિસિટ પર ગોલ્ડની આયાતની પ્રતિકૂળ અસરને અટકાવવા માટેનો એકમાત્ર લોંગ-ટર્મ ઉપાય છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે.
વિપ્રોનો નફો 12 ટકા ઉછળી રૂ. 2870 કરોડ પર નોંધાયો
કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 21,528 કરોડ સામે 6 ટકા ઊંચી રૂ. 22,831 કરોડની આવક દર્શાવી
દેશમાં ત્રીજા ક્રમની આઈટી સર્વિસિઝ કંપની વિપ્રોએ જૂન ક્વાર્ટર માટે રૂ. 2870 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2,563 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 11.9 ટકા ઊંચો છે. જોકે, એનાલિસ્ટ્સ તરફથી રૂ. 2,976 કરોડના અપેક્ષિત નફા કરતાં લગભગ રૂ. 106 કરોડ જેટલો નીચો છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 6.6 ટકા ઘટાડો દર્શાવે છે.
કંપનીની રેવન્યૂ જૂન ક્વાર્ટરમાં રૂ. 22,831 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 21,528 કરોડ પર હતી. જોકે, દલાલ સ્ટ્રીટના એનાલિસ્ટ્સ કંપની તરફથી રૂ. 23,014 કરોડની આવક દર્શાવવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યાં હતાં. આમ આવક અને નફાની રીતે વિપ્રોના પરિણામ નિરાશાજનક રહ્યાં હતાં. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ)માં સતત નબળાઈને કારણે આવકમાં ઘટાડાની અપેક્ષા હતી. ઉપરાંત કંપનીના કન્સલ્ટીંગ ક્ષેત્રે ઊંચા એક્સપોઝરને જોતાં પણ આવક ઘટશે તેમ માનવામાં આવતું હતું. કંપનીનું પ્રથમ ક્વાર્ટર માટેનું કોન્સ્ટન્ટ કરન્સી આધારે -3 ટકાથી -1 ટકા રેવન્યૂ ઘટાડાનું ગાઈડન્સ હતું. જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરનારી વિપ્રો ત્રીજી આઈટી કંપની બની છે. બુધવારે ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીએ તેમના પરિણામ રજૂ કર્યાં હતાં. વિપ્રો લાર્જ-કેપ્સમાં સૌથી ખરાબ દેખાવ દર્શાવે તેવી અપેક્ષા હતી. ટીસીએસે અપેક્ષા મુજબના પરિણામ જાહેર કર્યાં હતાં. જ્યારે એચસીએલ ટેક્નોલોજીએ સ્ટ્રીટને નિરાશ કરી હતી.
વિપ્રોએ જણાવ્યું હતું કે તેની આઈટી સર્વિસિઝ રેવન્યૂ 0.8 ટકા વધી 277.85 કરોડ ડોલર રહી હતી. જોકે કોન્સ્ટન્ટ કરન્સી બેસીસ પણ આઈટી સર્વિસિઝ રેવન્યૂ 2.8 ટકા ઘટાડો સૂચવતી હતી. ક્વાર્ટર દરમિયાન કુલ ઓર્ડર વિન્સ 3.7 અબજ ડોલર પર રહ્યાં હતાં. જેમાં લાર્જ ડિલ્સ વિન્સ વાર્ષિક 9 ટકા વૃદ્ધિ સાથે 1.2 અબજ ડોલર પર રહ્યાં હતાં. આઈટી સર્વિસિઝ સેગમેન્ટના ઓપરેટિંગ માર્જિન વાર્ષિક ધોરણે 1.12 ટકા સુધરી 16 ટકા પર જોવા મળ્યાં હતાં.
LTIમાઈન્ડટ્રીએ નિફ્ટીમાં HDFCનું સ્થાન લીધું
ગુરુવારે શેર 1.60 ટકા સુધારા સાથે બંધ રહ્યો
સેન્સેક્સમાં HDFCનું સ્થાન JSW સ્ટીલે લીધું જ્યારે નિફ્ટી ફાઈ. સર્વિસિઝમાં HDFCનું સ્થાન LIC હાઉસિંગ ફાઈ.એ લીધું
એચડીએફસી બેંકમાં એચડીએફસીના વિલય પછી એનએસઈ અને બીએસઈ તરફથી ગુરુવારથી વિવિધ સૂચકાંકોમાં એચડીએફસીના સ્થાને અન્ય કંપનીને સમાવવામાં આવી હતી. જેમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં એચડીએફસીનું સ્થાન આઈટી કંપની LTIમાઈન્ડટ્રીએ લીધું હતું. માર્કેટ-કેપની રીતે દેશમાં પાંચમા ક્રમની આઈટી કંપની ગુરુવારની બેન્ચમાર્કનો ભાગ બની હતી. જેની પાછળ કંપનીનો શેર 1.60 ટકા સુધારા સાથે રૂ. 4893.30 પર બંધ જોવા મળ્યો હતો. એચડીએફસી માટે 12 જુલાઈ ટ્રેડિંગનો આખરી દિવસ હતો. જ્યારે 13 જુલાઈથી તે એચડીએફસી બેંકના શેરમાં મર્જ થયો હતો. એનએસઈએ 5 જુલાઈએ કેટલાંક સૂચકાંકોમાં એચડીએફસીના સ્થાને અન્ય કંપનીઓને સમાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
જે મુજબ એનએસઈ નિફ્ટી 100 અને નિફ્ટી 500માં એચડીએફસીના સ્થાને અનુક્રમે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને મેનકાઈન્ડ ફાર્માને સમાવવામાં આવી હતી. ગુરુવારે જિંદાલ સ્ટીલનો શેર 1.91 ટકા મજબૂતી સાથે રૂ. 633.55ની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. જોકે, મેનકાઈન્ડ ફાર્માનો શેર 3.1 ટકાના ઘટાડે રૂ. 1820.30 પર બંધ રહ્યો હતો. સેક્ટરલ સૂચકાંક નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં એચડીએફસીનું સ્થાન એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સે લીધું હતું. જોકે, ગુરુવારે કંપનીનો શેર 1.48 ટકા ઘટાડે રૂ. 386.95 પર બંધ રહ્યો હતો.જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ એક્સ-બેંકમાં એચડીએફસીનું સ્થાન પૂનાવાલા ફિનકોર્પે લીધું હતું. જેનો ભાવ 0.27 ટકાના સાધારણ સુધારે રૂ. 369.20 પર બંધ રહ્યો હતો. નિફ્ટી હાઉસિંગમાં એચડીએફસીનું સ્થાન ફિનિક્સ મિલ્સે જ્યારે નિફ્ટી કોર હાઉસિંગમાં એચડીએફસીના સ્થાને બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસને સમાવવામાં આવી હતી. નિફ્ટી હાઈ બીટા 50 ઈન્ડેક્સમાં એચડીએફસીને અંબુજા સિમેન્ટ્સે રિપ્લેસ કરી હતી. અંબુજા સિમેન્ટ્સના શેર પર આની કોઈ ખાસ અસર નહોતી જોવા મળી અને તે ગુરુવારે 1.1 ટકા ગગડી રૂ. 416.90 પર બંધ રહ્યો હતો. જોકે, ફિનિક્સ મિલ્સનો શેર 6.56 ટકા ઉછળી રૂ. 1677.90ની વાર્ષિક ટોચ પર બંધ જોવા મળ્યો હતો. બીએસઈના બેન્ચમાર્ક સેન્સેક્સમાં એચડીએફસીનું સ્થાન જેએસડબલ્યુ સ્ટીલે લીધું હતું. કંપનીનો શેર જોકે, 0.44 ટકા ઘટાડા સાથે રૂ. 802.15 પર બંધ રહ્યો હતો. એસએન્ડપી બીએસઈ 500માં એચડીએફસીનું સ્થાન જેબીએમ ઓટો કોમ્પોનેન્ટ્સે અને એસએન્ડપી બીએસઈ 100માં ઝોમેટોએ લીધું હતું. ગુરુવારે ઝોમેટોનો શેર 6 ટકા ઉછળી રૂ. 82.20 પર બંધ રહ્યો હતો.
HDFC બેંકનું માર્કેટ-કેપ રૂ. 14.28 લાખ કરોડ નોંધાયું
શેરબજાર પર મોર્ગેજ લેન્ડર એચડીએફસીનું એચડીએફસી બેંકમાં ગુરુવારે વિધિવત મર્જર થયું હતું. જે સાથે જ દેશમાં સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંકનું માર્કેટ-કેપ રૂ. 14.28 લાખ કરોડ પર નોંધાયું હતું. બેંકનો શેર 0.5 ટકા સુધારા સાથે રૂ. 1641.40ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે રૂ. 1657.45ની ટોચ પર જોવા મળ્યો હતો. બુધવારે એચડીએફસીનો શેર રૂ. 2724.30ની સપાટીએ રૂ. 5.04 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે બંધ રહ્યો હતો. દેશની અન્ય ટોચની ચાર પ્રાઈવેટ સેક્ટર બેંકનું માર્કેટ-કેપ ગુરુવારે રૂ. 14.43 લાખ કરોડ જોવા મળતું હતું. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક(રૂ. 6.69 લાખ કરોડ), કોટક મહિન્દ્રા બેંક(રૂ. 3.71 લાખ કરોડ), એક્સિસ બેંક(રૂ. 2.96 લાખ કરોડ) અને ઈન્ડસઈન્ડ બેંક(રૂ. 1.07 લાખ કરોડ)નો સમાવેશ થતો હતો. આમ, એચડીએફસી બેંકના માર્કેટ-કેપ બરાબર બાકીની ચાર બેંક્સનું માર્કેટ-કેપ જોવા મળતું હતું. ડોલર સંદર્ભમાં એચડીએફસી બેંકનું માર્કેટ-કેપ 175 અબજ ડોલર પર જોવા મળી રહ્યું હતું.
ગો ફર્સ્ટે ફ્લાઈટ કેન્સલેશનને 16 જુલાઈ સુધી લંબાવ્યું
એરલાઈન કંપની 3 મેથી ઉડાન બંધ કર્યાં પછી તેને સતત લંબાવ્યું છે
કેશની તીવ્ર તંગીનો સામનો કરી રહેલી ભારતીય ઉડ્ડયન કંપની ગો ફર્સ્ટે ગુરુવારે તેના ફ્લાઈટ કેન્સલેશનને 16 જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. હાલમાં ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઈ રહેલી એરલાઈન કંપનીએ 3 મેથી ઉડાન ભરવાનું બંધ કર્યું છે. જોકે, ત્યારપછી તેણે એકથી વધુ વાર ફ્લાઈટ કેન્સલેશનને લંબાવ્યું છે. જેને કારણે કેટલાંક ચોક્કસ રૂટ્સ પર મુસાફરોએ ઊંચું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. આ અગાઉ તેણે 10 જુલાઈ સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરી હતી.
છેલ્લાં બે મહિનામાં કંપની તરફથી કરવામાં આવેલા નિવેદનો માફક ગુરુવારે પણ કંપનીએ ઓપરેશ્નલ કારણોને લીધે ઉડાનો બંધ કરવાના સમયગાળાને લંબાવવામાં આવ્યો હોવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. કંપનીએ તત્કાલ રેઝોલ્યુશન અને ઓપરેશન્સને રિવાઈવલ માટે અરજી કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ પણ અગાઉ એરલાઈન કંપનીનું વિશેષ ઓડીટ હાથ ધર્યું હતું. કંપનીએ એવિએશન રેગ્યુલેટર સમક્ષ તેનો રિવાઈવલ પ્લાન રજૂ કર્યો હતો. બુધવારે ડીજીસીએએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે ગો ફર્સ્ટના રેઝોલ્યુશન પ્રોફેશ્નલ્સ(આરપી)ને એક પ્રતિક્રિયામાં ઈન્સોલ્વન્ટ એરલાઈન કંપનીના રિવાઈવલ પ્રસ્તાવના સ્પેશ્યલ ઓડિટમાં રહેલી ખામીઓ દર્શાવી હતી. દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચના ન્યાયાધીશોએ ડીજીસીએ તરફથી હાજર રહેલા એડવોકેટને એરલાઈન્સની કામગીરી પુનઃ શરુ થતાં કેટલો સમય લાગશે તે જણાવવા કહ્યું હતું. જો ડીજીસીએ આરપીના પ્રતિભાવથી સંતુષ્ટ હોય તો તેઓ ઓછામાં ઓછા એક સપ્તાહથી દસ દિવસોમાં એરલાઈન કંપનીને તેની કામગીરી ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી શકે છે એમ ખંડપીઠે નોંધ્યું હતું.
ઓનલાઈન ગેમીંગમાં વર્તમાન વૃદ્ધિ દરે રૂ. 20K કરોડની કરની આવક સંભવ
કેન્દ્રિય રેવન્યૂ સેક્રેટરીના મતે જો વૃદ્ધિ દર જળવાય રહેશે તો વાર્ષિક ધોરણે ટેક્સની આવક 12 ગણી વધશે
ઓનલાઈન ગેમીંગ ઉદ્યોગ હાલની સપાટીએ વૃદ્ધિ દર જાળવી રાખશે તો નાણાકિય વર્ષ 2023-24માં સેક્ટર તરફથી રૂ. 20,000 કરોડની કર આવક જોવા મળી શકે છે એમ કેન્દ્રિય રેવન્યૂ સેક્રેટરી સંજ મલ્હોત્રાએ જણાવ્યું હતું. સરકારે ટેક્સમાં કરેલા ફેરફારને કારણે વાર્ષિક ધોરણે કરની આવકમાં 12 ગણી વૃદ્ધિની શક્યતાં જોવાઈ રહી છે. જોકે, ગેમીંગ ઉદ્યોગે સરકારના પગલાને સેક્ટર માટે મૃત્યુ ઘંટ સમાન ગણાવ્યો છે. જેને મલ્હોત્રાએ નકારી કાઢી હતી.
કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલે 11 જુલાઈએ ઓનલાઈન ગેમીંગ પર 28 ટકા ટેક્સ વસૂલવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્લેટફોર્મ અથવા ગેમીંગ વેબસાઈટનો સમાવેશ થાય છે. જોકે, ટેક્સ ક્યારથી લાગુ પડશે તેની જાણકારી એક વખત જીએસટી નિયમમાં સુધારો કર્યાં પછી થશે એમ કાઉન્સિલની બેઠક પછી નાણાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું હતું. મલ્હોત્રાએ કાઉન્સિલના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ટેક્સ સત્તાવાળાઓએ સમાનતાના સિધ્ધાંતનું પાલન કરવાનું રહે છે. તેમના મતે જો ઓનલાઈન ગેમીંગને બેટીંગ અથવા ગેમ્બલીંગ(જુગાર) તરીકે ગણવામાં આવે તો તેમના પર બેટીંગ, ગેમ્બલીંગ અને લોટરીની માફક 28 ટકા ટેક્સ વસૂલવામાં કશું અયોગ્ય નથી. જો ઓનલાઈન ગેમીંગને એન્ટરટેઈનમેન્ટ તરીકે ગણીએ તો પણ ઘણી એન્ટરટેઈનમેન્ટ સંબંધી પ્રવૃત્તિઓ પર પણ 28 ટકા ટેક્સ લાગુ પડે છે. જેમકે સ્પોર્ટીંગ ઈવેન્ટ, કેસિનો થવા હોર્સ રેસિંગ ક્લબ વગેરેનો આમાં સમાવેશ થાય છે. હાલમાં ઓનલાઈન ગેમીંગ પ્લેટફોર્મ્સ 18 ટકા ફી ચૂકવે છે. જે ગ્રોસ ગેમીંગ રેવન્યૂ(GGR) તરીકે ઓળખાય છે. તે સંપૂર્ણપણે ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર નથી લેવામાં આવતી અને તે કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ(CEA) તરીકે પણ ઓળખાય છે.
જૂન CPI ડેટા ફેડ માટે ટર્નિંગ પોઈન્ટ બની રહે તેવી શક્યતાં
આગામી 26 જુલાઈએ વધુ એક રેટ વૃદ્વિ સાથે વચગાળાની ટોચ બની જવાનો વોલ સ્ટ્રીટનો મત
ડોલર ઈન્ડેક્સ ગગડીને 100ની સપાટી નીચે ઉતરી ગયો
કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1960 ડોલરને પાર કરી ગયું
એશિયન શેરબજારોમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી
યુએસ ખાતે જૂન માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) અપેક્ષાથી નીચો આવવાથી વિશ્વભરના નાણાકિય બજારોને રાહત મળી હતી. બુધવારે મોડી સાંજે યુએસ ખાતે જૂન સીપીઆઈ રજૂ થયો હતો અને 3.1 ટકાની અપેક્ષા સામે 3 પર જોવા મળ્યો હતો. જે માર્ચ 2021 પછી સૌથી નીચું ઈન્ફ્લેશન સૂચવતો હતો. જેની પાછળ ડોલર અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વેચવાલી નીકળી હતી અને ઈક્વિટીઝ સહિત ગોલ્ડ અને કોમોડિટીઝમાં તેજી જોવા મળી હતી.
ફુગાવો સવા બે વર્ષના તળિયા પર પટકાતાં ડોલર ઊંધે માથે પટકાયો હતો અને ગુરુવારે તે 100ની સપાટી નીચે દોઢ વર્ષના તળિયે જોવા મળ્યો હતો. ઓક્ટોબર 2022માં તે 114.75ની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી તે સતત ઘટાડા તરફી બની રહ્યો હતો. ડોલરમાં નરમાઈ સાથે યુએસ બોન્ડ યિલ્ડ્સ પણ તૂટ્યાં હતાં. બુધવારે 4 ટકાથી વધુના ઘટાડા પછી 2-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ ગુરુવારે વધુ 3 ટકા જેટલી નરમાઈ દર્શાવી રહ્યાં હતો. ગયા સપ્તાહે તેમણે દર્શાવેલી 15-વર્ષોની ટોચ પરથી તે 10 ટકા જેટલાં ગગડી ચૂક્યાં છે. અર્થશાસ્ત્રીઓના મતે જૂનમાં સીપીઆઈ ડેટા નીચો આવવા પાછળ ગયા વર્ષનો ઊંચો બેઝ પણ કારણભૂત છે અને તેથી ફેડ તરફથી આગામી 26 જુલાઈની બેઠકમાં એક 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતાં છે. જ્યારપછી તે વિરામમાં જઈ શકે છે. કેમકે ગયા સપ્તાહે રજૂ થયેલો એમ્પ્લોયમેન્ટ ડેટા પણ અર્થતંત્ર કુલડાઉન થઈ રહ્યું હોવાનું સૂચવતો હતો. જોકે, વેતનમાં હજુ પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ન્યૂ યોર્ક ફેડરલ રિઝર્વના ચેરમેન જોહ્ન વિલિયમ્સના મતે ફુગાવાનો આંક 2 ટકા પર લાવવા માટે માત્ર લેબરની માગમાં જ ઘટાડાની જરૂરિયાત નથી પરંતુ બેરોજગારીના દરમાં પણ વૃદ્ધિ થવી જરૂરી છે. જોકે, આમ થવાથી યુએસ અર્થતંત્ર મંદીમાં જશે એમ તેઓ નથી માની રહ્યાં.
બુધવારે ફેડ ડેટા પછી કોમેક્સ ગોલ્ડમાં 26 ડોલરનો ઉછાળો જોવાયો હતો અને તે મહિનાની ટોચ પર પહોંચ્યું હતું. કોમેક્સ સ્પોટ ગોલ્ડ ગુરુવારે પણ મજબૂતી સાથે 1960 ડોલરની સપાટી પાર કરી ગયું હતું. જ્યારે ચાંદી બુધવારે 4 ટકાથી વધુ ઉછાળા પછી બીજા દિવસે પણ એક ટકા આસપાસ મજબૂતી દર્શાવતી હતી. બુધવાર સાંજથી લઈ ગુરુવારે બપોર સુધીમાં એમસીએક્સ ખાતે તે રૂ. 3000થી વધુનો ઉછાળો સૂચવતી હતી અને રૂ. 73995ની ટોચ પર ટ્રેડ થઈ હતી. એમસીએક્સ ગોલ્ડપણ બે સત્રોમાં રૂ. 500થી વધુની મજબૂતી સાથે રૂ. 59300ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બુલિયન ઉપરાંત ક્રૂડ અને બેઝ મેટલ્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
યુએસ ખાતે છેલ્લાં એક વર્ષમાં ઈન્ફ્લેશનની સ્થિતી
મહિનો CPI
જૂન 2022 9.1%
જુલાઈ 2022 8.5%
ઓગસ્ટ 2022 8.3%
સપ્ટે. 2022 8.2%
ઓક્ટો. 2022 7.7%
નવે. 2022 7.1%
ડિસે. 2022 6.5%
જાન્યુ. 2023 6.4%
ફેબ્રુ. 2023 6.0%
માર્ચ 2023 5.0%
એપ્રિલ 2023 4.9%
મે 2023 4.0%
જૂન 2023 3.0%
ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ ઓફિસ બિલ્ડિંગ્સના મૂલ્યમાં 800 અબજ ડોલરનું ધોવાણ લાવશે
મેકેન્ઝિના એક રિપોર્ટ મુજબ મહામારી પછી ઊભરેલા હાઈબ્રીડ વર્ક મોડેલને કારણે વિશ્વના અગ્રણી શહેરોમાં લેન્ડર્સ મોટું નુકસાન થઈ શકે છે
રિમોટ વર્કને કારણે દુનિયાના ટોચના શહેરોમાં ઓફિસ બિલ્ડિંગ્સના મૂલ્યમાં 800 અબજ ડોલર્સના ધોવાણનું જોખમ ઊભું થયું છે. કોવિડ મહામારી પછી હાઈબ્રીડ વર્ક માટેના વધેલા વલણને કારણે વેકેન્સી રેટ્સમાં વૃદ્ધિ સાથે ઓફિસ સ્પેસની જરૂરિયાતમાં ઘટાડો નોંધાયો છે એમ મેકેન્ઝી ગ્લોબલ ઈન્સ્ટીટ્યુટે ગુરુવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું. તેણે 2030 સુધીમાં વિશ્વમાં ટોચના નવ શહેરોમાં આ મોડેલની અસરનો અભ્યાસ હાથ ધર્યો હતો.
ઓફિસ પ્રોપર્ટીઝના વેલ્યૂએશનમાં 800 અબજ ડોલરના નુકસાનનો અંદાજ 2019માં તેમના લેવલ્સની સરખામણીમાં 26 ટકા ઘટાડો દર્શાવે છે. જે સૌથી ખરાબ સ્થિતિમાં 42 ટકા સુધી જોવા મળી શકે છે એમ કન્સલ્ટન્સી ફર્મનું કહેવું છે. જો વધતાં ઈન્ટરેસ્ટ રેટ્સને ગણનામાં લઈએ તો અસર આનાથી પણ ઊંચી જોવા મળી શકે છે એમ કંપની ઉમેરે છે. પરેશાનીનો સામનો કરી રહેલી ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ તેમના તરફથી ફાઈનાન્સ કરાતી અથવા તેમની માલિકીની પ્રોપર્ટીના ભાવમાં ઝડપી ઘટાડો કરે તો સ્થિતિ વધુ વણસી શકે છે. મેકેન્ઝીનું મોડેલ મહામારી પછીના સમયમાં આવેલા ફેરફારો સામે પ્રોપર્ટીના માલિકો અથવા લેન્ડર્સ કેવી રીતે ઝઝૂમી રહ્યાં છે તેનો ખ્યાલ આપે છે. જૂના મોડેલમાં ફેરફારને કારણે રિટેલ અને રેસિડેન્શિયલ રિઅલ એસ્ટેટના મૂલ્ય પર પણ અસર પડી રહી છે. મધ્યમ પ્રકારની અસરની સ્થિતિમાં ચાલુ દાયકાની આખરમાં ઓફિસ સ્પેસની માગ 13 ટકા જેટલી નીચી હશે એમ મેકેન્ઝિ જણાવે છે. જ્યારે એટેન્ડેન્સ(હાજરી) મહામારી અગાઉના સમયગાળાની સરખામણીમાં 30 ટકા જેટલી નીચી જોવા મળી રહી છે તથા માત્ર 37 ટકા લોકો દૈનિક ધોરણે ઓફિસમાં પરત ફરેલા જોવા મળે છે. નીચી હાજરીને કારણે વાસ્તવિક સંદર્ભમાં ભાડામાં ઘટાડો જોવા જોવા મળ્યો છે. યુએસ સ્થિત શહેરો તીવ્ર ઘટાડો જોઈ રહ્યાં છે. જેમાં સેન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્ક અનુક્રમે 28 ટકા અને 18 ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારે યુરોપિ સ્થિત મહત્વના શહેરો પેરિસ, લંડન અને મ્યુનિકમાં સ્થિતિ વધુ સારી જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ આગળ પર જળવાય રહેશે તેમ જણાય છે. કેમકે લોંગ-ટર્મ લિઝ સમાપ્ત થવા સાથે એમ્પ્લોયર્સ પણ ખર્ચ ઘટાડાના ભાગરૂપે તેમની સ્પેસમાં ઘટાડો કરી રહ્યાં છે. કેટલાંક ભાડુઆતોએ તો રિન્યૂઅલના સમય સુધી રાહ જોવાનું પણ યોગ્ય નથી માન્યું અને લોંગ-ટર્મ કોન્ટ્રેક્ટ્સામંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે એમ મેકેન્ઝી જણાવે છે. ડેવલપર્સ માટે આ નવા ટ્રેન્ડ સામે પડકાર ઝીલવા માટે હાઈબ્રીડ બિલ્ડિંગ્સનો ખ્યાલ અપનાવવો જરૂરી બની જાય છે. જેની ડિઝાઈન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભિન્ન ઉપયોગને ધ્યાનમાં રાખી સુધારી શકાય છે એમ મેકેન્ઝિ ઉપાય સૂચવતાં જણાવે છે. આ પ્રકારની ડિઝાઈન હાલમાં જેની આગાહી કરવી મુશ્કેલ છે તેવા ટ્રેન્ડમાં તબદિલીના કિસ્સામાં પ્રોપર્ટી ઓઉનર્સના હિતની સુરક્ષા કરી શકે છે. ઉપરાંત, હાલમાં ભાડુઆત વારંવાર નિર્ણયો બદલી રહ્યો હોવાથી જો તેઓ નવું પરિવર્તન સ્વીકારશે તો બિલ્ડિંગ્સની વેલ્યૂ ઊંચી જોવા મળી શકે છે.
ડોલર સામે રૂપિયો 18 પૈસા સુધર્યો
ભારતીય ચલણમાં સતત ચોથા દિવસે મજબૂતી જળવાય રહી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ ગુરુવારે રૂપિયો 18 પૈસા સુધરી 82.07ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મહત્વનું બ્રોક ડાઉન જોવા મળ્યું હતું અને તે 100ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જે તેનું દોઢ વર્ષનું તળિયું હતું. યુએસ ખાતે જૂન સીપીઆઈનો ડેટા નબળો આવતાં ડોલરમાં અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ જોવા મળી હતી. બુધવારે પણ ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂતી સૂચવતો હતો. વિદેશી રોકાણકારો તરફથી મજબૂત ઈનફ્લોની પાછળ રૂપિયો ચાલુ કેલેન્ડરમાં ડોલર સામે સ્થિરતા દર્શાવી રહ્યો છે. 2022માં તે ડોલર સામે 9 ટકા જેટલો ગગડ્યો હતો.
40 ગેમીંગ કંપનીઓ GST નોટિસ મેળવે તેવી શક્યતાં
ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ સત્તાવાળાઓ તરફથી 40 જેટલી ઓનલાઈન ગેમીંગ કંપનીઓને નવેસરથી ટેક્સની માગ કરતી નોટિસ મોકલવામાં આવે તેવી શક્યતાં જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. જીએસટી કાઉન્સિલ તરફતી મંગળવારે ઓનલાઈન ગેમીંગ પરનો ટેક્સ વધારીને 28 ટકા કર્યાં પછી આમ કરવામાં આવશે એમ તેમનું કહેવું છે. સત્તાવાળાઓના કહેવા મુજબ 40 કંપનીઓના કિસ્સામાં કુલ જવાબદારી રૂ. 10 હજાર કરોડથી વધી શકે છે. જોકે હાલમાં સત્તાવાળાઓ જીએસટી કાઉન્સિલ તરફથી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ વસૂલાતને લઈ સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યાં છે. જેમાં સ્કીલ બેઝ્ડ ગેમ્સ અને ચાન્સ બેઝ્ડ ગેમ્સ એ બે કેટેગરીને લઈ સ્પષ્ટતાંનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચસીએલ ટેક્નોલોજીઃ આઈટી કંપીનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3,534 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3,283 કરોડ સામે 7.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની કોન્સોલિડેટી રેવન્યૂ વાર્ષિક ધોરણે 12 ટકા વધી રૂ. 26,296 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે રૂ. 23,464 કરોડ પર હતી. કંપનીના બોર્ડે રૂ. 10 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ જૂન ક્વાર્ટરમાં 1,597 ફ્રેશર્સની નિમણૂંક કરી હતી. જોકે, તેની કર્મચારીઓની સંખ્યા 2,506ના ઘટાડે 2,23,438 પર જળવાય હતી.
માન ઈન્ફ્રાઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ જેએનપીટીના વેન્ડર પીએસઈ ઈન્ટરનેશનલની સબસિડિયરી ભારત મુંબઈ કન્ટેનર ટર્મિનલ તરફથી રૂ. 680 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર જેએનપીટી ખાતે ચોથા કન્ટેનર ટર્મનલના બાંધકામ માટેનો છે. ઓર્ડર હેઠળ 30 મહિનામાં ઈપીસી કંપનીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
ગોદરેજ પ્રોપર્ટીઝઃ રિઅલ્ટી કંપની ગુરુગ્રામ ખાતે 2 પ્લોટ્સ માટેના બીડમાં વિજેતા બની છે. જ્યાં તે રૂ. 3100 કરોડની આવક ધરાવતાં લક્ઝરી હોમ્સ બનાવશે. એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે હરિયાણા સહેરી વિકાસ પ્રાધિકરણે હાથ ધરેલી ઈ-ઓક્શન મારફતે તેણે બે ગ્રૂપ હાઉસિંગ પ્લોટ્સ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ મેળવ્યો છે.
પીએફસીઃ પીએસયૂ એનબીએફસી કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 10000 કરોડ ઊભાં કરશે. મહારત્ન કંપનીએ જણાવ્યું હતું કે તે રૂ. 1000ની ફેસ વેલ્યૂ ધરાવતાં સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ એનસીડી મારફતે રૂ. દસ હજાર કરોડ સુધીનું ફંડ ઊભું કરશે. આ ઈસ્યુ એક કે વધુ તબક્કામાં હાથ ધરવામાં આવશે. રકમનો ઉપયોગ લેન્ડિંગમાં કરાશે.
સ્પાઈસજેટઃ સ્વદેશી એરલાઈન કંપનીમાં પ્રમોટર અજય સિંઘ રૂ. 500 કરોડનું રોકાણ કરશે. જેથી કંપની સરકારની ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ વધારાના રૂ. 206 કરોડ મેળવવા માટેની યોગ્યતા ધરાવતી બનશે. કંપની અગાઉ આ સ્કીમ હેઠળ રૂ. 410 કરોડની રકમ મેળવી ચૂકી છે અને હવે વધુ રૂ. 206 કરોડ મેળવશે.
ભારતી એરટેલઃ બીજા ક્રમના ટેલિકોમ ઓપરેટરે બેંગલૂરુ સ્થિત ટેક્નોલોજી સ્ટાર્ટઅપ લાવેલ્લે નેટવર્ક્સમાં 20.6 ટકાનો વધુ હિસ્સો ખરીદ્યો છે. જે સાથે કંપનીમાં તેનું હોલ્ડિંગ વધી 45.6 ટકા પર પહોંચ્યું છે. એરટેલે ગયા વર્ષે જાન્યુઆરીમાં 25 ટકા હિસ્સો ખરીદ્યો હતો. 2015માં સ્થપાયેલી લાવેલ્લે નેટવર્ક્સ નેટવર્કિંગ સોફ્ટવેર સ્ટાર્ટઅપ છે. જે નેકસ્ટ જનરેશન ક્લાઉડ પાવર્ડ ટેક્નોલોજી ઓફર કરે છે.
લ્યુપીનઃ ફાર્મા કંપનીને તેની નાગપુર સ્થિત ઓરલ સોલીડ ડોસેજ ફેસિલિટી માટે યુએસએફડીએએ બે ઓબ્ઝર્વેશન્સ સાથે ફોર્મ-483 ઈસ્યુ કર્યું છે. એફડીએ તરફથી 3 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન આ ફેસિલિટીનું ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. ફોર્મ-483 ઈસ્યુઅન્સ સાથે તે પુરું થયું હતું. જેની ગુરુવારે શેરબજારે નેગેટીવ પ્રતિક્રિયા આપી હતી.
પતંજલિ ફૂડ્સઃ કંપનીના પ્રમોટરે બુધવારે ઓફર-ફોર-સેલની જાહેરાત કરતાં ગુરુવારે શેરના ભાવમાં 5 ટકાની લોઅર સર્કિટ જોવા મળી હતી. ઓએફએસમાં કંપનીના પ્રમોટર કંપની પતંજલિ આયૂર્વેદ 2.53 કરોડ શેર્સ રૂ. 1000ની ફિક્સ્ડ ફ્લોર પ્રાઈસ પર વેચશે. જે રૂ. 1228.05ના બજારભાવ સામે 19 ટકા ડિસ્કાઉન્ટ સૂચવે છે. ગુરુવારે નોન-રિટેલ માટે ઓએફએસ યોજાયો હતો. જ્યારે શુક્રવારે રિટેલ માટે યોજાશે.