બુલ્સ પરત ફરતાં શેરબજારમાં સપ્તાહ બાદ મજબૂતી
નિફ્ટી 18600ની સપાટી પર બંધ આપવામાં સફળ
આઈટી, બેંકીંગ, ઓટો તરફથી સપોર્ટ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ વધુ 4 ટકા ઉછળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ગગડી 12.88ના વર્ષના તળિયે
યસ બેંક 14 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો
પીએસયૂ બેંક શેર્સ પાંચ વર્ષોની ટોચે પહોંચ્યાં
લૌરસ લેબ્સ, પોલિપ્લેક્સ 52-સપ્તાહના તળિયે
વૈશ્વિક બજારોમાં મજબૂતી પરત ફરતાં સ્થાનિક શેરબજારમાં લગભગ સપ્તાહ બાદ સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 403 પોઈન્ટ્સ વધી 62,533ની સપાટીએ જ્યારે નિફ્ટી 111 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18608ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ધીમી ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જ્યારે વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ઘટી 12.88ના વર્ષના તળિયે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે.
સોમવારે યુએસ બજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 500 પોઈન્ટ્સથી વધુ સુધરી 34 હજારનું સ્તર ફરી પાર કરી ગયો હતો. નાસ્ડેક પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. તેની પાછળ એશિયન બજારોમાં ઘટાડો અટક્યો હતો. જોકે કોરિયા, ચીન અને તાઈવાન જેવા બજારો નરમ બંધ દર્શાવતાં હતાં. જ્યારે હોંગ કોંગ અને જાપાન પોઝીટીવ જોવા મળ્યા હતાં. યુરોપ બજારો પણ બપોરે પોઝીટીવ ખૂલ્યાં હતાં. ભારતીય બજાર સાધારણ ગેપ-અપ ઓપનીંગ બાદ ક્ષણ માટે નેગેટિવ ઝોનમાં જઈ પરત ફર્યું હતું અને દિવસ દરમિયાન સુધારાતરફી બની રહ્યું હતું. નિફ્ટી 18617ની ટોચ દર્શાવી તેની નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સ 104 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18712ની સપાટી પર બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજાર કરેક્શન પુરું કરી પરત ફર્યું છે. જ્યાં સુધી તે 18400ના સ્તર પર ટ્રેડ કરશે ત્યાં સુધી સુધારાતરફી ટ્રેન્ડ અકબંધ છે. જ્યારે 18400ની નીચે તે વધુ ઘટાડો દર્શાવી શકે છે એમ તેઓ માને છે. ઉપરમાં જોકે 18888નો અવરોધ છે. જે ટૂંક સમયમાં પાર થાય તેવી શક્યતાં નહિ હોવાનું તેઓ જણાવે છે. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ અને એમએન્ડએમ મુખ્ય હતાં. તેઓ 1.5 ટકાથી 2.5 ટકાની રેંજમાં સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી કાઉન્ટર્સમાં એપોલો હોસ્પિટલ, હિંદાલ્કો, બીપીસીએલ, યૂપીએલ, નેસ્લે, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ અને કોલ ઈન્ડિયા નેગેટિવ જોવા મળતાં હતાં. આ તમામ કાઉન્ટર્સ અડધાથી દોઢ ટકાનો ઘટાડો સૂચવતાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી અને બેંકિંગમાં ખરીદી જોવા મળી હતી. જેમાં પીએસયૂ બેંક્સમાં ફરી ભારે લેવાલીનો દિવસ જોવા મળ્યો હતો અને નિફ્ટી પીએસયૂ બેંક 3.8 ટકા ઉછળી 4525ની સપાટી પર બંધ રહ્યો હતો. જે તેની છેલ્લાં પાંચથી વધુ વર્ષોની ટોચ હતી. પીએસયૂ બેંક કાઉન્ટર્સમાં યૂકો બેંક 20 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક 17 ટકા, આઈઓબી 15 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 10 ટકા, પંજાબ એન્ડ સિઁધ બેંક 10 ટકા, ઈન્ડિયન બેંક 9 ટકા, યુનિયન બેંક 7 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 4 ટકા, પીએનબી 3 ટકા અને જેકે બેંક 2 ટકા સુધર્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ઈન્ફોસિસનું રહ્યું હતું. શેર 1.61 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. ઓટો કાઉન્ટર્સમાં ભારત ફોર્જ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, બજાજ ઓટો અને બોશ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. ફાર્મા અને મેટલ સૂચકાંકો પણ સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. ફાર્મામાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ જળવાયા હતા. જ્યારે મેટલમાં મોઈલ, વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. ઘટાડો દર્શાવવામાં નિફ્ટી રિઅલ્ટી અગ્રણી હતો. સૂચકાંક 0.8 ટકા ઘટી બંધ રહ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી અને સનટેક રિઅલ્ટી નેગેટિવ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં તાતા કોમ્યુનિકેશન્સ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પોલિકેબ 4.4 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 4 ટકા, પીએનબી 3.1 ટકા, નવીન ફ્લોરિન 3 ટકા, ઈન્ફો એજ 3 ટકા અને એસ્ટ્રાલ 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ લૌરસ લેબ્સ 3.3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડો. લાલ પેથલેબ્સ, દાલમિયા ભારત, એસ્કોર્ટ્સ કૂબોટા, એચપીસીએલ, કેન ફિન હોમ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક પણ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. મોટાભાગની પીએસયૂ બેંક્સે તેમની પાંચ વર્ષોથી વધુની ટોચ નોંધાવી હતી. આ ઉપરાંત યસ બેંક 14 ટકા ઉછળી રૂ. 24ની સપાટી પર જોવા મળ્યો હતો. હૂડકો 12 ટકા ઉછળી ટોચ પર બંધ રહ્યો હતો. ફર્ટિલાઝર્સ એન્ડ કેમિકલ્સ વધુ 9 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચ્યો હતો. એજિસ લોજિસ્ટીક્સ, કેઆરબીએલ, પોલિકેબ, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ 4 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
ક્રેડિટર્સની બાયજૂસ પાસે 1.2 અબજ ડોલરની લોનના તત્કાળ આંશિક રિપેમેન્ટની માગ
ગ્રૂપ ઓફ ક્રેડિટર્સ 64.5 સેન્ટ્સના તળિયે આપેલી લોન પર હાલમાં 80 સેન્ટ્સ પર પ્રોફિટ ઈચ્છે છે
ભારતના સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ બાઈજુસના ક્રેડિટર્સ ગ્રૂપે કંપનીને તાજેતરમાં તેણે લીધેલી 1.2 અબજ ડોલરની લોનનું તત્કાળ રિપેમેન્ટ કરવા માટે જણાવ્યું છે. કેમકે તેઓ ડેટની શરતોને લઈને પુનર્વિચાર કરી રહ્યાં છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
એડટેક કંપનીએ શરતોનો ભંગ કરતાં બાઈજુસના લેન્ડર્સે તેમને કરારમાં સુધારા માટે સલાહ માટે હુલિહાન લોકેય ઈન્કની નિમણૂંક પણ કરી છે. એડટેક કંપનીએ અગાઉ સપ્ટેમ્બરમાં 31 માર્ચ 2022ના પરિણામો રજૂ કરવા માટેની ડેડલાઈનનું પાલન નહિ કરીને શરતનું પાલન નહોતું કર્યું. લેન્ડર્સ અને કંપની વચ્ચેની મંત્રણામાં બાઈજુસ તરફથી રોથશિલ્ડ એન્ડ કંપની રજૂઆત કરી રહી છે. મોટાભાગના લેન્ડર્સે સપ્ટેમ્બરમાં લોન જ્યારે ઘટીને 64.5 સેન્ટ્સના વિક્રમી તળિયે જોવા મળી હતી ત્યારે પ્રાઈમરી હોલ્ડર્સ પાસેથી ડેટની ખરીદી કરી હતી. હવે તેઓ ઝડપી રિપેમેન્ટ મારફતે પ્રોફિટ ઈચ્છી રહ્યાં હોવાનું બે જાણકાર વર્તુળોનું કહેવું છે. બાઈજૂસ, હૂલિહાન અને રોથશિલ્ડના પ્રવક્તાઓએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. સોમવારે લોન 80 સેન્ટ્સ પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે અન્ય ભારતીય સ્ટાર્ટઅપ ઓયો હોટેલ્સ માટે સમાન ડેટ ઈસ્યુ પ્રાઈસ પર જ ટ્રેડ થઈ રહ્યું હતું. લેન્ડર્સ સાથે પુનર્વિચાર કરીને નક્કી થયેલી શરતોમાં બાઈજુસ માસિક ધોરણે બિઝનેસ અપડેટ માટે તૈયાર થઈ છે. સાથે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરની નિમણૂંક અને અને લોન પર ઈન્ટરેસ્ટ લોનમાં વૃદ્ધિ માટે પણ તૈયારી દર્શાવી છે એમ વર્તુળો જણાવે છે. કંપની લોન રિસ્ટ્રક્ચરિંગ ઈચ્છી રહી છે. કેમકે તે જંગી ખોટનો સામનો કરી રહી છે. તે ખર્ચમાં ઘટાડો પણ હાથ ધરી રહી છે. જોકે ક્રેડિટર્સ ગ્રૂપનો નાનો હિસ્સો કંપનીને તેના યુએસ યુનિટ્સ પાસે પડેલી 85 કરોડ ડોલરની અનામતોનો આંશિક ઉપયોગ વર્ષાંતે પૂરી થતી લોનના રિપેમેન્ટમાં કરવા જણાવી રહ્યું છે. નવેમ્બર 2021માં લિબોર કરતાં 550 પોઈન્ટ્સ ઉપરના રેટે આપવામાં આવેલી લોન વિશ્વમાં ન્યૂ-એજ કંપનીને થયેલી સૌથી મોટું અનરેટેડે લોન બી ઓફરિંગ્સ છે એમ જેપીમોર્ગન ચેસ એન્ડ કંપનીએ જણાવ્યું છે. જેપી મોર્ગન ડીલના બુકરનર્સમાંની એક છે. બાઈજુસનું વેલ્યૂએશન 22 અબજ ડોલર આંકવામાં આવે છે અને તે સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમની સૌથી સફળ કંપની તરીકે ઊભરી હતી.
વેદાંતાએ 30 જાપાનીઝ ટેક કંપનીઓ સાથે MOU કર્યાં
વેદાંતા ગ્રૂપે ભારતીય સેમિકંડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે 30 જાપાનીઝ ટેકનોલોજી કંપનીઓ સાથે સમજૂતીકરાર કર્યાં છે. ગયા સપ્તાહે ટોક્યો ખાતે યોજાયેલી વેદાંતા-એવેનસ્ટ્રેટ બિઝનેસ પાર્ટનર્સ સમિટ 2022માં આ એમઓયુ થયાં હતાં. આ સમિટમાં 100થી વધારે આંતરરાષ્ટ્રીય કંપનીઓના 200થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સમિટમાં ભારતના સેમિકંડક્ટર મિશન માટે ઇકોસિસ્ટમમાં સામેલ થવા અનેક કંપનીઓએ રસ દાખવ્યો હતો. ઘણા પાર્ટનર્સને અગાઉના વર્ષોમાં વેદાંતા એવનસ્ટ્રેટ વ્યવસાયમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે બિરદાવવામાં પણ આવ્યાં હતાં.
ભારત ગ્રીન એનર્જીમાં 10 અબજ ડોલરનું રોકાણ આકર્ષશેઃ બોફા
નવા કેલેન્ડર 2023માં ભારત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં 10 અબજ ડોલરનું રોકાણ આકર્ષશે એમ બેંક ઓફ અમેરિકા કોર્પોરેશને જણાવ્યું છે. તેના મતે જાહેર ક્ષેત્ર હજુ પણ મોટા ફંડ એકત્રીકરણથી દૂર રહ્યું છે. બોફાના કન્ટ્રી હેડે જણાવ્યા મુજબ આ ઈન્વેસ્ટમેન્ટ્સ ઈવી અને ગ્રીન હાઈડ્રોજન જેવા ક્ષેત્રોમાં જોવા મળશે. કેમકે રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં એનર્જી ટ્રાન્ઝિશનનું પ્રતિબિંબ ઈચ્છે છે. તેમના મતે જો તમે એનર્જી સેક્ટરમાં હોવ અને તમારી ઈએસજી સ્ટોરી યોગ્ય ઈચ્છતાં હોવ તો ભારતમાં મોટું કામ કરી શકો તેમ છો. ભારત હરિફોની સરખામણીમાં રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું હોવાથી રિન્યૂએબલ એનર્જી અને રિટેલ સેક્ટર્સને લાભ મળશે.
ડોલર સામે રૂપિયો વધુ 36 પૈસા ગગડ્યો
યુએસ ડોલર સામે રૂપિયો વધુ 36 પૈસા ગગડી 82.87ના તળિયા પર બંધ રહ્યો હતો. મંગળવારે રૂપિયો 82.63ના સ્તરે નરમ ઓપનીંગ સાથે સુધરી 82.60ની ટોચ પર પહોંચી 82.87નું તળિયું બનાવી ત્યાં જ બંધ જોવા મળ્યો હતો. સોમવારે તે 26 પૈસાના ઘટાડે 82.51ની સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારો તરફથ આઉટફ્લો પાછળ રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી બુધવારે તેની ચાલુ કેલેન્ડરની આખરી મોનેટરી સમીક્ષા અગાઉ રોકાણકોર રિસ્ક-ઓફ મૂડમાં જવાથી નવી ખરીદી અટકી છે. જેની પણ અસર જોવા મળી હતી.
સપ્તાહમાં નવ લાખ હેકટરથી વધુના ઉમેરા સાથે 83 ટકામાં રવિ વાવેતર પૂર્ણ
ઘઉંની વાવણી 2.8 લાખ હેકટર વધી કુલ 10.31 લાખ હેકટરે પહોંચી
ગઈ સિઝન કરતાં ઘઉંનું વાવેતર 40 ટકા ઊંચું
ખેડૂતોએ ચણાના વાવેતરમાં કાપ મૂક્યો, ગઈ સિઝનમાં 8.26 લાખ હેકટર સામે 6.74 લાખ હેકટરમાં વાવણી
જીરુંના વાવેતરમાં વેગ સાથે 2.24 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો
ગઈ સિઝન કરતાં વાવેતર 3.34 લાખ હેકટર વધી 37.29 લાખ હેકટરમાં નોંધાયું
રવિ વાવેતર સિઝન આખરી તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે વાવેતરે વેગ પકડ્યો છે. ગયા સપ્તાહમાં શિયાળુ પાકોના વાવેતરમાં 9.27 લાખ હેકટરના ઉમેરા સાથે કુલ વાવેતર વિસ્તાર 37.29 લાખ હેકટરે પહોંચ્યો હતો. જે ગઈ સિઝનમાં 33.29 લાખ હેકટર સામે 3.34 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ સિઝનની શરૂથી જ વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે. જે સૂચવે છે કે વર્તમાન સિઝનમાં રવિ વાવેતરનો નવો વિક્રમ રચાઈ શકે છે.
ચણાને બાદ કરતાં તમામ મુખ્ય રવિ પાકોનું વાવેતર ઊંચું જોવા મળી રહ્યું છે. રવિ પાકોમાં રાજા એવા ઘઉંનું વાવેતર ગઈ સિઝનમાં 7.51 લાખ હેકટર સામે આ વખતે સમાનગાળમાં 10.31 લાખ હેકટર પર જોવા મળે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં 13.38 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર જોવા મળ્યું હતું. ગયા એક સપ્તાહમાં ઘઉંના વાવેતરમાં 2.8 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. શિયાળુ પાકોમાં બીજા ક્રમે જોવા મળતાં ચણાનું વાવેતર જોકે ગઈ સિઝનની સરખામણીમાં લગભગ દોઢેક લાખ હેકટરનો ઘટાડો સૂચવે છે. અત્યાર સુધીમાં ચણાનું વાવેતર 6.74 લાખ હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે 8.26 લાખ હેકટર પર જોવા મળતું હતું. રવિ તેલિબિયાંના વાવેતરમાં વધુ 10 હજાર હેકટરનો ઉમેરો નોંધાયો હતો અને તે 2.99 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે ગઈ સિઝનની સરખામણીમાં 30 હજાર હેકટરનો ઘટાડો દર્શાવે છે. જોકે ત્રણ વર્ષોની 2.42 લાખ હેકટરની સરેરાશ કરતાં ઊંચું જોવા મળે છે. મસાલા પાકોમાં ધાણાનું વાવેતર ગઈ સિઝનના 1.09 લાખ હેકટર સામે 2.07 લાખ હેકટરમાં જોવા મળે છે. ધાણાના ઊંચા ભાવો પાછળ ખેડૂતોએ આ વખતે કોમોડિટીનું બમ્પર વાવેતર કર્યું છે. જેને કારણે જીરું પર અસર પડી છે. જીરુંનું વાવેતર ગઈ સિઝનના 2.38 લાખ હેકટર સામે 14 હજાર હેકટર નીચે 2.24 લાખ હેકટરમાં જોવા મળે છે. બટાટાનું વાવેતર 1.24 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 1.14 લાખ હેકટરની સામે 10 હજાર હેકટર ઊંચું છે. જ્યારે ત્રણ વર્ષોની સરેરાશ જેટલું જ છે. ડુંગળીનું વાવેતર છેલ્લાં બે સપ્તાહોમાં ધીમું પડવાથી સરેરાશની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. તે ગઈ સિઝનના 64 હજાર હેકટરની સામે ચાલુ સિઝનમાં 56 હજાર હેકટરમાં જોવા મળી રહ્યું છે. ઘાસચારા પાકોનું વાવેતર 4.95 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં 3.99 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જ્યારે શાકભાજી પાકોનું વાવેતર ગયા વર્ષના 1.13 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 1.52 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે.
રવિ પાકોના વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
પાક સિઝન 2022 સિઝન 2021
ઘઉં 10.31 7.51
ચણા 6.74 8.26
રાયડો 2.99 3.20
જીરું 2.24 2.38
ધાણા 2.07 1.09
બટાટા 1.24 1.14
ડુંગળી 0.56 0.64
ઘાસચારો 4.95 3.99
શાકભાજી 1.52 1.13
કુલ 37.29 33.95
બાયબેક ઓફર અગાઉ પેટીએમના શેરમાં મજબૂતી
ફિનટેક કંપનીનો શેર 2 ટકા સુધારે રૂ. 539.40 પર બંધ રહ્યો
ફિનટેક કંપની પેટીએમની માલિક વન 97 કોમ્યુનિકેશન્સની બાયબેક ઓફરને લઈ કંપની તરફથી જાહેરાત અગાઉ શેરના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. કંપનીનો શેર મંગળવારે 2.01 ટકા સુધરી રૂ. 539.40ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે કંપનીના બોર્ડની બેઠક મળવાની હતી. જોકે મોડી સાંજ સુધી કંપની તરફથી એક્સચેન્જને કોઈ ફાઈલીંગ મળ્યું નહોતું.
અગાઉ કંપનીએ બાયબેક અંગે વિચારણા માટેની જાહેરાત કર્યાં બાદ બજાર વર્તુળોનું કહેવું હતું કે પેટીએમ ગયા વર્ષે તેણે આઈપીઓ વખતે નિર્ધારિત કરેલી રૂ. 2150ની ઓફર પ્રાઈસથી નીચેના ભાવે બાયબેક ઓફર લાવશે. જો આમ થશે તો તેની શેરધારકોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે. જોકે હાલમાં શેરનો બજારભાવ આઈપીઓ ઓફરભાવથી 70 ટકા જેટલો નીચે જોતાં આઈપીઓના ભાવે પ્રિમીયમ પર બાયબેક ઓફરની શક્યતાં નથી રહેતી. હાલમાં કંપનીનું વેલ્યૂએશન તેના 2016ના વેલ્યૂએશનથી પણ નીચું જોવા ઉતરી ગયું છે. જેણે રોકાણકારો માટે ચિંતા ઊભી કરી છે. કંપનીમાં 75 ટકાથી વધુ હિસ્સો પબ્લિક પાસે છે. જ્યારે પ્રમોટર્સ પાસે ખૂબ નાનો હિસ્સો રહેલો છે. બજાર નિષ્ણાતોના મતે કંપની તેની પાસે રહેલા રૂ. 9182 કરોડની લિક્વિડીટીનો નાનો હિસ્સો બાયબેકમાં ફાળવી શકે છે. કેમકે કંપનીએ આઈપીઓમાં મેળવેલા નાણાનો ઉપયોગ બાયબેકમાં કરી શકશે નહિ. જે બજારને ખાસ ઉત્સાહિત કરી શકશે નહિ. તેમજ તેને કારણે શેરના ભાવમાં નજીકમાં કોઈ મોટા સુધારાની શક્યતાં પણ ઊભી થવાની શક્યતાં નથી.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા મોટર્સઃ કંપનીના બોર્ડે સબસિડિયરી તાતા ટેક્નોલોજિસમાંના તેના આંશિક હિસ્સાનું આઈપીઓ મારફતે વેચાણ કરવા માટે મંજૂરી આપી છે. તાતા ટેક્નોલોજી પ્રોડક્ટ એન્જિનીયરીંગ અને ડિજિટલ સર્વિસિસ કંપની છે. જો તે તાતા પ્લેના આઈપીઓ અગાઉ બજારમાં પ્રવેશ કરશે તો 2004માં ટીસીએસ બાદ તાતા જૂથ તરફથી શેરબજારમાં પ્રથમ આઈપીઓ બની રહેશે. અગાઉની ટાટા સ્કાય એવું ટાટા પ્લે પણ આઈપીઓ માટેની તૈયારી કરી રહી છે.
રાષ્ટ્રીય ઈસ્પાતઃ સરકાર રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ તથા તેની સબસિડિયરીના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે જાન્યુઆરી 2023ની આખર સુધીમાં એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવાનું વિચારી રહી છે. ડિસેમ્બરની શરૂમાં બીડ અગાઉની બેઠકમાં તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને અદાણી જૂથે પીએસયૂ કંપનીની ખરીદીમાં મજબૂત ઈન્ટરેસ્ટ દર્શાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ચાર કંપનીઓ પણ આરએનઆરએલની ખરીદીમાં રસ દાખવી રહી છે.
કિર્લોસ્કર બ્રધર્સઃ કંપનીના શેરધારકોએ બહારની એજન્સી મારફતે કંપનીના ફોરેન્સિક ઓડિટના ઠરાવને ફગાવ્યો છે. સ્ટોક એક્સચેન્જિસને ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું છે કે 8 ડિસેમ્બરે કંપનીના શેરધારકોની અસાધારણ સભા બોલાવવામાં આવી હતી, જેમાં 24.92 ટકા હિસ્સો ધરાવતાં અતુલ કિર્લોસ્કર અને રાહુલ કિર્લોસ્કરે રજૂ કરેલા ઠરાવને 63.99 ટકા વોટ્સથી ફગાવી દેવામાં આવ્યો હતો.
ટેલિકોમ કંપનીઝઃ ભારતીય ટેલિકોમ કંપનીઓ મોટી ટેક્નોલોજી કંપનીઓ તરફથી છૂટાં કરવામાં આવેલા સ્ટાફના 30 ટકાને નોકરીમાં લઈ શકવાની ક્ષમતા ધરાવે છે એમ વર્તુળો જણાવે છે. તાજેતરમાં મેટા, એમેઝોન, ટ્વિટર સહિતની કંપનીઓએ 62 હજાર કર્મચારીઓને છૂટાં કર્યાં છે. જેમાંથી 4 હજાર કર્મચારીઓ ભારતમાં અથવા તો યુએસ ખાતે કામ કરતાં ભારતીયો છે.
એર ઈન્ડિયાઃ તાતા જૂથની એરલાઈન કંપની 150 જેટલા 737 મેક્સ પ્લેન્સની ખરીદી માટેના ડિલના આખરી તબક્કામાં છે. કંપનીના ખાનગીકરણ બાદ તેના તરફથી આ સૌથી મોટો ઓર્ડર છે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપની શરૂમાં 50 737 મેક્સ જેટ્સ માટે ઓર્ડર કરશે. જેને પાછળથી 150 સુધી લંબાવી શકાશે.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંક એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સ ઈસ્યુ કરી રૂ. 1000 કરોડ ઊભા કરે તેવી શક્યતાં છે. આ બોન્ડ્સ વેચાણ બાદ પાંચ વર્ષે કોલ ઓપ્શન પણ ધરાવતાં હશે એમ વર્તુળો જણાવે છે. 6 ડિસેમ્બરે બેંકે ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 348 કરોડ ઊભા કર્યાં હતાં.
કેઈસી ઈન્ટરનેશનલઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ ટીએન્ડડી સેગમેન્ટ, સિવિલ સેગમેન્ટ અને કેબલ્સ સેગમેન્ટમાં રૂ. 1349 કરોડના મૂલ્યના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે.
વી-ગાર્ડઃ કંપનીએ સનફ્લેમ એન્ટરપ્રાઈઝિસમાં 100 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવા માટે ડેફિનેટિવ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
ગોદરેજ એગ્રોવેટઃ કંપનીએ તમિલનાડુ ખાતે બે અલગ ડિલ્સમાં 3.92 એકર જમીનનું રૂ. 71.36 કરોડમાં વેચાણ કર્યું છે.
મહિન્દ્રા સીઆઈઈઃ ઓટો એન્સિલિયરી કંપનીએ સ્ટ્રોંગસુન સોલારમાં રૂ. 2.4 કરોડમં 27.35 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી છે.
ICICI બેંકઃ પ્રાઈવેટ બેંકે બિઝનેસ ગ્રોથ માટે બોન્ડ્સ ઈસ્યુ મારફતે રૂ. 5000 કરોડ ઊભા કર્યાં છે.
મેક્રોટેકઃ રિઅલ્ટી કંપનીના પ્રમોટર્સે કંપનીમાં તેમના 7.2 ટકા હિસ્સાને સંસ્થાકિય રાકણકારોને વેચાણ મારફતે રૂ. 3547 કરોડ ઊભા કર્યાં છે.